રવિવાર, 17 સપ્ટેમ્બર, 2017

એકાંત–તારું, મારું, સહિયારું


‘જરા બિ મિનિટ આમ આવજો ને, એક વાત કહેવાની છે.’
‘હા એક મિનિટ, જરા જોઈ લઉં.’ ચારે બાજુ જોઈને, કોઈ નથીની ખાતરી કરીને બે મિનિટ માટે બે જણ એક વાત કહેવા ભેગાં થયાં, એટલી બે મિનિટમાં તો એમને ફરી ફરીને જોતાં જનારા એમની ફરતે દસ આંટા મારી ગયા! બે ચાર નફ્ફટ તો, બે ઘડી ત્યાં જ ઊભા પણ રહ્યા!

આ તે જમાનાની વાત છે, જ્યારે ઘરનાં જ સભ્યોને નાનું નાનું એકાંત, આમ અલપઝલપ જ મળતું. કોઈને ખાનગી વાત કરવી હોય કે કોઈ વસ્તુની ખાનગીમાં લેવડદેવડ કરવી હોય, બે ઘડી પ્રિય પાત્રનો હાથ પકડવો હોય કે કોઈને ખાનગીમાં ધમકાવી નાંખવું હોય તોય ચોરની જેમ, એવી કિમતી બે ઘડી માટે બધે ફાંફાં મારવા પડતા. એવા કિમતી એકાંતનું ત્યારે બહુ મહત્વ હતું. નાનકડી વાતચીત માટે ત્યારે આંખો, સ્પર્શ ને ઈશારા હતા.

એક જમાનો હતો, જ્યારે લોકોએ લાંબા સમય માટે એકાંત શોધવા દર દર ભટકવું પડતું. પહેલેથી વિચારીને, ઘરનાંને કહીને, બધી વ્યવસ્થા ગોઠવીને અથવા ઘણી વાર તો વગર વિચાર્યે પણ ઘરની બહાર નીકળી જવું પડતુ. તો પછી એવું એકાંત એમને ક્યાં મળતું? નદી–નાળાંને કિનારે બહુ હોંશે હોંશે તંબુ તાણી દેવાતાં. સરોવરપાળે લાંબા ટાંટિયા કરીને લાંબો સમય બેસી રહેવાતું. દરિયાકિનારે રેતીમાં કલાકો સુધી સૂઈ રહેવાય એટલી જગ્યા મળી રહેતી અથવા તો દરિયાની લહેરો પર ઝૂમતાં રહેવાનીય સગવડ થઈ જતી. ઝાડને છાંયે કે ઝાડની ડાળે, ટેકરીની તળેટીએ કે ડુંગરની ટોચે, ગાઢ, ડરામણા જંગલમાં ભયાનક પશુઓની બિહામણી ચીસો વચ્ચે કે હિમાલયના બર્ફીલા પહાડોમાં કે પછી હરદ્વારના એકાદ ઘાટ પર જોઈએ તેટલું એકાંત મળી રહેતું. આ રીતે એકાંત શોધવા ભટકવાનું મુખ્ય કારણ સંયુક્ત કુટુંબો હતાં. એક જ ઘરમાં જ્યારે પચીસ–ત્રીસ માણસો(સ્ત્રીઓ ને બાળકોને પણ માણસમાં જ ગણી લેવાનાં), સવારથી સાંજ કામથી કે કામ વગર પણ સામસામે અથડાયા કરતા હોય, ત્યારે કોઈને કોઈ કારણસર દરેકને જોઈતું એકાંત મળી પણ શકે, એવો વિચાર કરવો પણ ત્યારે તો પાપ જ ગણાતું હશે.(એ હિસાબે પાપનું પલ્લું તો ભારે જ રહેતું હશે!)

એકાંતના એ બધા અનુભવોને આધારે તો કેટલીય ફિલ્મો બની, લોકપ્રિય ગીતો બન્યાં, કવિતાઓ તો રચાઈ જ પણ એકાંત વિશે એકાંતમાં લેખોય લખાયા. આ બધાનાં તારણ રૂપે આપણને જાતજાતનાં એકાંત વિશે જાણવાનું મળ્યું. જેમ તારું આકાશ કે મારું આકાશ એટલે, આકાશના કોઈ ટુકડા પર કોઈની માલિકીનો દાવો નહીં, પણ જેટલું આપણી બે આંખ જોઈ શકે કે આપણી બે આંખમાં સમાઈ શકે તે આપણું આકાશ. કહેવામાં શું જાય? ધરતી પર એવો કોઈ દાવો કરી જુઓ. સામસામી તલવારો તણાઈ જાય. એના કરતાં આપણાં આકાશવાળું સારું ને સેઈફ. તેવું જ એકાંતનું. તારું એકાંત, મારું એકાંત અને આપણું સહિયારું એકાંત. તમે તમારે એકલાં રહો, હું એકલી/એકલો રહું અને આપણે બે સાથે એકલાં રહીએ તે આવા બધા એકાંતનો અર્થ હોવો જોઈએ. હું તમને ન નડું, તમે મને ન નડો અને કોઈ આપણને ન નડે, એ જ આવા બધા એકાંતના અર્થો હશે ને?

એકાંત શબ્દ બહુ અટપટો છે. એકાંતમાં બેસીને માણસ પોતાનો ઉધ્ધાર કરી શકે અથવા પોતાનું અને બીજાનું નખ્ખોદેય વાળી શકે. એ તો એકાંતમાં માણસ કેવા વિચારો કરે એના પર આધાર. ઘણાં લોકો તો, બીજા પાસે પોતાનું એકાંત ભીખમાં માગતાં હોય તેમ કહે, ‘મને મારું એકાંત આપી દો.’ લે ને ભાઈ, તું તારું એકાંત લઈ લે પણ શાંતિથી બેસ ને બીજાને પણ બેસવા દે. ઠર ને ઠરવા દે. જ્યારે ને ત્યારે ‘મારું એકાંત ક્યાં જતું રહ્યું?’ કે ‘મારું એકાંત તમે છીનવી લીધું’ કે પછી, ‘મારા એકાંત પર ફક્ત મારો જ હક છે’, એવું બધું બોલીને ત્રાસ આપો એના કરતાં ચુપચાપ એકાંત શોધીને બેસી જાઓ. કકળાટ નહીં જોઈએ. અહીં કોઈ નવરું નથી તમારા એકાંતમાં ડખો કરવા કે તમારા એકાંતનો ભોગ લેવા. એકાંત એકાંત કરીને જ પોતાના ને બીજાના એકાંતનો ભોગ લઈ લો છો કાયમ. (આવું સાંભળીને એકાંત શોધનારાની કે માગનારાની માનસિક હાલત એકાંતમાં કેવી થતી હશે?)

આમ જોવા જઈએ તો, એકાંતના ફાયદા પણ ઘણા છે. જેને એકાંત જોઈતું હોય, તે એના એકાંતવાસમાં જતું રહે એટલે ઘરમાં બધાંને હાશ થઈ જાય અને ખુશીનું વાતાવરણ રચાઈ જાય. ‘ચાલો હવે આટલા કલાક છુટ્ટી. મનમાં આવે તેમ નાચો, કૂદો ને મજા કરો.’ એકાંત માણનારાનું મહત્વ પણ સમાજમાં અચાનક જ વધી જાય! ‘અમારા એ તો ધ્યાનમાં બેઠા છે.’ ‘અમારા એ હવે સાંજ સુધી રૂમની બહાર નહીં નીકળે. આ એમનો વરસોનો નિયમ છે. આઠ દિવસ સુધી ધ્યાનમાં બેસશે ને રોજિંદા નિત્યક્રમ સિવાય તો ઘરમાં દેખાશે પણ નહીં.’(પરમ શાંતિ) આવું એકાંત પતિને પત્નીના પિયરગમન વખતે મળે છે એવી લોકવાયકા છે. ખેર, એ તો જેને જેવું એકાંત ગમે.

એકાંતના જો મોટામાં મોટા ફાયદા થયા હોય તો, દુનિયાને મળેલી અઢળક કલાકારોની ભેટ. એટલું તો દરેક કલાકાર કબૂલ કરશે કે, એકાંત વગર જે તે કલા એમને સાધ્ય ન જ થાત. મારી જ વાત કરું? જવા દો, મારું એકાંત છીનવાઈ જશે બડાઈ મારવામાં. જો કોઈ ગાયક ઘરમાં બધાંની વચ્ચે બેસીને ગાવા માંડે, તો ઘરનાં એને સહન કરે? નહીં જ વળી. સંગીત ન સમજે તેને તો એ ત્રાસ જ લાગે ને? પોતાના ધ્યેયની પ્રાપ્તિ માટે, પોતાના ચિત્તની એકાગ્રતા માટે, અને લોકોની શાંતિ માટે પણ એકાંતવાસ બહુ જરૂરી છે. એકાંતમાં જે ધ્યાન, ચિંતન કે મનન થઈ શકે તે લોકોની વચ્ચે કે ભીડમાં થઈ શકતું નથી. હા કેટલાક વીરલા હોય છે, જે ભીડમાંય પોતાનું એકાંત શોધી લે છે. એમને તે સમયે એમની આસપાસની દુનિયા, અર્થ વગરની કે ખાલી ખાલી લાગે છે. એ માટે એમણે આકરી તપસ્યા કરી હોય છે. જ્યારે કોઈ બોલતું હોય તોય કંઈ ન સંભળાય કે ખુલ્લી આંખે પણ કંઈ ન દેખાય, ત્યારે સમજી લેવું કે એ વીરલાઓને એમના ધ્યેયની પ્રાપ્તિ થઈ ગઈ છે. આમાં સાધુ, સંતો, લેખકો ને કવિઓની સંખ્યા વધારે હોય છે. એ લોકો બસમાં, ટ્રેનમાં કે સભામાં બેઠા બેઠા પણ લખી કે વાંચી શકે છે. સંગીતના, નૃત્યના કે રમતગમતના કલાકારોને આમાંથી બાકાત ગણવા.

આજે પરિસ્થિતિ તદ્દન ઊંધી થઈ ગઈ છે. દુનિયા જ સદંતર બદલાઈ ગઈ છે. જેને જુઓ તે પોતાના ધ્યાનમાં, પોતાના એકાંતમાં! કોઈ ખાસ સ્થળ પસંદ કર્યા વગર અને થોડા જ રૂપિયા ખર્ચતાં, દરેકને પોતાને જોઈતું એકાંત મળી ગયું છે એ તો ઠીક, પણ બધાએ પરોપકારાર્થે બીજાઓને પણ એટલી છૂટ આપી દીધી છે, કે તમે તમારું એકાંત માણો, અમે અમારા એકાંતમાં ખુશ. આ એકાંતથી સૌને એટલી ખુશી મળતી થઈ ગઈ છે, કે હવે કોઈને કોઈની પરવા નથી. જેમ અસલ પોતાના ધ્યાનમાં બેસી જનારને બહારની દુનિયા સ્પર્શી શકતી નહીં, કે દુનિયા ઊંધીચત્તી થઈ જાય તેનોય અણસાર આવતો નહીં તેમ જ, આજે પણ દરેક પોતાના ધ્યાનમાં મગન છે, દુનિયા જાય ભાડમાં.


કોઈ ઘરમાં પોતાના ખૂણામાં તો કોઈ ઘરમાં જ બધાંની વચ્ચે એકલું રહી શકે. અરે, હવે તો ઘરમાં જ ટોળે વળીને પણ સૌ પોતપોતાનું એકાંત માણી શકે છે! કોઈ ટ્રેનમાં, કોઈ બસમાં, કોઈ રસ્તે ચાલતાં, કોઈ હવામાં ઊડતાં પણ ને કોઈ નદીમાં તરતાં પણ એકાંત માણી શકે છે. માંદા હોય કે માંદાની સેવા કરતાં હોય, કામ કરતાં હોય કે નવરાં હોય, ભણતાં હોય કે ભણાવતાં હોય, અરે ખાતાં ખવડાવતાં, સમજી લો ને કે દરેક ક્રિયા કરતી વખતે અચાનક જ, એ ક્રિયાથી નાતો તોડીને  પોતાનું સ્થળ છોડ્યા વગર, કોઈ પોતાનાં એકાંતમાં, સાવ અચાનક જ એમ પોતાના ધ્યાનમાં જતું રહે તો? કેવું લાગે? આશ્ચર્ય થાય? આનંદ થાય કે આઘાત લાગે? આટલી બધી ઝડપ! એક ક્રિયાના ધ્યાનમાંથી તરત જ બીજી દુનિયાના ધ્યાનમાં કૂદી પડવાની કે છલાંગ લગાવવાની ક્રિયા જ શું ખરું ધ્યાન છે? ધ્યેયપ્રાપ્તિ છે? એકાંત છે? કોણ જાણે. શું આવી દુનિયા ક્યારેય કોઈએ વિચારેલી? હવે તો, કોઈને દુનિયાની પણ પરવા નથી. પોતાની ખુશી શામાં છે તે દરેકે પોતાના એકાંતના એક માત્ર સાથી પાસે જાણી લીધું છે ને જોઈ લીધું છે. મોબાઈલે દરેકને પોતાને જોઈતું, મનગમતું એકાંત હાથવગું કરી આપ્યું છે. બસ, ફક્ત દર મહિને થોડા જ રૂપિયા ખર્ચીને, ખુશીને ફરી ફરી રિચાર્જ કરાવતાં રહો. આ એકાંત દરેકનું પોતીકું છે, પોતાની પસંદનું છે અને ભલભલા ચમરબંદ પણ એને છીનવી નહીં શકે એટલે મોજ કરો. સૌને અને મને પણ પોતાનું એકાંત મુબારક. 

3 ટિપ્પણીઓ:

  1. we could look @ your serious side which is very pleasent too !it reminded me ' befam ' s sher ;
    koi amne nadya to ubha rahi gaya
    pan ubha rahine ame koine naa nadyaa !
    congrats !
    - ashvin desai australia

    જવાબ આપોકાઢી નાખો
  2. KOI AMNE NADYA TO UBHA RAHI GAYA, PAN UBHA RAHINE AME KOINE
    NA NADYAA
    KHUD AME TO NA PAHOCHI SHAKYAA MANZILE , RAAH KINTU BIJAANE
    BATAVI DIDHI
    - BARAKAT VIRANI ' BEFAAM'

    જવાબ આપોકાઢી નાખો