રવિવાર, 3 મે, 2020

સંગીતની દુનિયાની ઝલક–ચલ મન મુંબઈ–૩


ઓપેરા હાઉસના જાદુમાંથી જેમ તેમ બહાર નીકળવાની કોશિશ કરતાં હતાં ત્યાં જ, નજીકમાં જ આવેલા ‘પંડિત પલુસ્કર ચોક’ આગળ અટક્યાં. ભારતીય સંગીતને આપેલા માતબર પ્રદાનની યાદ એમના નામે આ ચોક આપી રહ્યો છે. અહીંથી રોજના હજારો લોકો પસાર થતાં હશે પણ પંડિત પલુસ્કરને ઓળખનાર કેટલાં? જો કે, ખોટું શું કામ કહેવું? અમે પણ પહેલી વાર જ આ નામ જાણ્યું. પણ જાણ્યા પછી તો આ ચોક પર ધરાઈને નજર ફેરવી. કેવા કેવા ઉસ્તાદ, સંગીતના ખાં અહીં રહ્યા હશે, એમના જેવા જ બીજા ઉસ્તાદોએ ભેગા મળીને અહીંના વાતાવરણને સુરીલું બનાવવા સાથે કેટલાય લોકોને સમૃધ્ધ કર્યા હશે! આંખ સામે એ વિરલ દ્રશ્યનો વિચાર આવતાં જ નજર સામે  ફક્ત ચોક જ રહી ગયો ને આજુબાજુની દુનિયા ધુંધળી બનતી ગઈ.

આ પંડિતનું નામ રોશન કરનાર એક હોનહાર શિષ્ય હતા પ્રોફેસર બી આર દેઓધર. મહારાષ્ટ્રના નાનકડા ગામમાંથી સંગીત શીખવાની નેમ સાથે નીકળેલા દેઓધરે શરૂઆત જ મોટા ગુરુની પાસે તાલીમ લેવાથી કરી. જાણીતા ગાયક વિષ્ણુ દિગંબર પલુસ્કરના ગુરુભાઈ નીલકંઠબુવા અલુરમઠ, જેઓ ખુદ ગ્વાલિયર ઘરાનાના બાલક્રુષ્ણબુવાના શિષ્ય હતા એમની પાસે તાલીમ લીધી. પછી તો એક પછી એક ઘરાનાના ઉસ્તાદોના હાથ નીચે તાલીમ ચાલુ જ રહી. એમાં કિરાના ઘરાનાના અબ્દુલ કરીમ ખાન અને પલુસ્કરના જ બીજા શિષ્ય વિનાયકરાવ પટવર્ધને એમની કલાને નિખારી. જયપુર અને ગોખલે ઘરાનાના ઉસ્તાદો સિવાય પતિયાલા ઘરાનાના બડે ગુલામઅલી ખાંસાહેબ પાસે પણ શિક્ષા મેળવી. અધધ કહી શકાય એવો ખજાનો ખૂલી રહ્યો હતો અને મન માનવા તૈયાર નહોતું કે કોઈ કેવી રીતે આટલું બધું એક જ જનમમાં મેળવી શકે? લોકો તો નાકની દાંડીએ સીધે સીધા ચાલીને જિંદગી પૂરી કરે, ત્યારે આવા વિરલ લોકોના શોખને કે જ્ઞાન મેળવવાની ઈચ્છાને કોઈ અંત જ ન હોય!

એમણે વિષ્ણુ દિગંબર પલુસ્કરની ‘ગંધર્વ મહાવિદ્યાલય’માં પ્રવેશ મેળવ્યો. પ્રવેશ ન મળત તો જ નવાઈ. એમની આવડતે એમને પટ્ટશિષ્યનો દરજ્જો આપ્યો. દેઓધર એમના ગુરુના એક માત્ર શિષ્ય હતા જેમણે ભણતર સાથે સંગીતની ઉપાધિ પણ મેળવી. જુદા જુદા ઘરાનાની તાલીમ એમને ખૂબ ફળી. સિતાર અને સારંગીની તાલીમ પણ ગાયકીની સાથે ચાલુ જ રહી. બડે ગુલામ અલી ખાંસાહેબ સાથે વરસો જોડાયેલા રહીને સંગીતની ખૂબ સેવા કરી. પછીથી  પોતે જ એક જાણીતા સંગીતકાર બની રહ્યા. એમણે ઘરાનાઓની પરંપરાથી અલગ રહીને અહીંની ગલીઓના મેળાપ આગળ ‘દેઓધર સંગીતશાળા’ શરૂ કરી. કારણ? પહેલાં જે સંગીત શીખતાં તેમને સમાજમાં ખાસ કોઈ દરજ્જો મળતો નહીં. સામાન્યમાં સામાન્ય લોકોને પણ જો સંગીત શીખવું હોય તો કોઈની સામે જોઈ ન રહેવું પડે એ જ આશયે આટલા મોટ ગુરુના શિષ્ય રહી ચૂકેલા અને ખુદ એક મોટા ગાયક–સંગીતકાર બની ચૂકેલા અદના માનવીએ પોતાનાં મૂળિયાં પકડી રાખ્યા.

પંડિત દેઓધર સંગીતના સામયિકોના તંત્રી બન્યા, સંગીત ને સંગીતકારો વિશે કેટલાંય પુસ્તકો લખ્યા અને અવિરત સંગીતની સેવા કરતા રહ્યા. કુમાર ગંધર્વ, સરસ્વતી રાણે અને લક્ષ્મી ગણેશ તિવારી એમના જાણીતા શિષ્યો હતા. અમારો ગાઈડ વાતો કરતાં કરતાં બહુ ભાવુક બની જતો કારણકે એ પણ મહારાષ્ટ્રિયન હતો અને આર્કિટેક્ટ હોવા છતાં સંગીત અને કળામાં ઊંડી દિલચસ્પી ધરાવતો હતો.

‘તમે જાણો છો કે જાણીતા મરાઠી કલાકાર બાલ ગંધર્વે અહીં નાટક કરેલાં?’ ઓપેરા હાઉસ તરફ આંગળી ચીંધતાં એણે ફરી એક વાર રૉયલ ઓપેરા હાઉસની યાદ તાજી કરી. બાલ ગંધર્વ સ્ત્રીના વેશે જ સ્ટેજ પર આવતા અને સ્ત્રીના અવાજમાં જ સંવાદો બોલતા. જેમને મરાઠી ન સમજાતું તે પણ અહીં આવતાં! કેમ? તો બાલ ગંધર્વના બ્લાઉઝની સ્ટાઈલ જોવા દરજીઓ અને સ્ત્રીઓ ખાસ આવતી અને તે જ તે સમયની આધુનિક ફેશન બની જતી! આપણાં સ્વરસામ્રાજ્ઞી લતાદીદીના શરૂઆતના શોમાંનો એક જાહેર શો ઓપેરા હાઉસમાં પણ થયેલો!’

આગળ ચાલતાં એક સો વરસ જૂની લૉજ આગળ અમે ઊભાં. અટપટું નામ ‘બ્લાવાત્સ્કી લૉજ’ પણ ઈતિહાસ તો એનો અદ્ભુત. અંગ્રેજોએ ભારતની ઘણી ઈમારતોમાં ભારતીય શૈલી સાથે મોગલાઈ શૈલીનું મિશ્રણ કરેલું. આ લૉજમાં પણ એવું જ મિશ્રણ હતું. ખ્રિસ્તી ધર્મની વાતો કરવાનું આ મહત્વનું મથક બની ગયેલું. પછીથી ઓગણીસસો ને ચોંત્રીસમાં આ લૉજ અહીં હિન્દુસ્તાની સંગીત પીરસનાર જાણીતું સ્થળ બન્યું, જ્યાં ત્રણ ઘરાનાના દિગ્ગજ કલાકારોએ એક સાથે પોતાનો કાર્યક્રમ પણ રજૂ કરેલો! જાણીતાં શાસ્ત્રીય ગાયિકા કેસરબાઈ કેરકરને રવીન્દ્રનાથ ટાગોરે ‘સુરશ્રી’નો ખિતાબ આપેલો, એમનાં ઘણાં ગીતો આ લૉજમાં રેકોર્ડ થયેલાં! આજે કોઈ કલાકાર આ રીતે રેકોર્ડિંગ કરવા તૈયાર થાય? આ લૉજમાં રેકોર્ડિંગની ઘણી સારી સગવડ હોવાને કારણે અહીં ઘણા કલાકારો ભેગા પણ થતાં અને લૉજને અમર કરવામાં પોતાનો ફાળો પણ નોંધાવતા. જે પહેલું વોયેજર સ્પેસક્રાફ્ટ હતું તેમાં બાર ઈંચની એક તાંબાની રેકોર્ડ મોકલાયેલી અને એના પર બિથોવન તથા મોઝાર્ટના સંગીત ઉપરાંત ભારતની એક માત્ર કેસરબાઈના અવાજની યાદો કોતરાયેલી હતી! એ ગીત હતું, ‘જાત કહાં હો?’

અમને સતત મનમાં થતું હતું કે આટલાં વરસો મુંબઈમાં રહીને આપણે શું કરેલું? બસ, જુહુ ને ચોપાટી ને નેશનલ પાર્ક ને આરે કૉલોની સિવાય કંઈ જોયું જ નહીં? બહુ બહુ તો વિહાર લેકના બૂટ હાઉસમાં ચક્કર મારી આવતાં કે હેંગિંગ ગાર્ડનમાં ટહેલી આવતાં! આપણી પાસે કેટલાં વરસો હતાં ને મહિનાઓ ને દિવસો પણ! આખું મુંબઈ ફેંદી કાઢત તો પણ કદાચ પુરું ન થાત પણ આજના જેવો અફસોસ તો ન રહેત. મહેમાન આવે તો પણ એમને આ જ બધી જગ્યાએ ફેરવવાના, એ જ બધું ખવડાવવાનું જે વખણાતું હોય ને મહેમાન ખાસ એ જ ખાવા આવ્યાં હોય જાણે! દર અઠવાડિયે ફિલ્મો જોવાને બદલે એકાદ શનિ–રવિ આવી જગ્યાઓ શોધી શોધીને ફર્યાં હોત તો કે દિવસના ધન્ય થઈ જાત. ખેર, હજીય મોડું નથી થયું. જે જોયું બહુ છે, જેટલું માણ્યું અધિક જ છે. આજે પણ અહીં ન આવત તો?

ચાલો, હજી તો બે જ જગ્યા જોઈ ને આટલા જલસા થયા છે તો બાકી રહેલી જગ્યાઓમાં તો કેવોક ખજાનો હશે!

ગુરુવાર, 16 એપ્રિલ, 2020

‘ચલ મન મુંબઈ’ (૨)


‘ઓપેરા હાઉસ’! એક ભવ્ય થિએટર, એક ભવ્ય મકાન અને ક્યારેય ભૂલી ન શકાય એવી યાદોનું જાણીતું સરનામું એટલે ઓપેરા હાઉસ. કેટલાંયે વરસો પછી ફરી એક વાર અમે ઓપેરા હાઉસની સામે ઉભા હતાં. અમે એટલે હું અને મારી બહેન પારુલ. બહુ નાનપણથી અમે અહીં સહકુટુંબ ફિલ્મો જોવા આવતાં. વિશાળ અને આલિશાન હૉલની આરામદાયક ખુરશીઓની સામે મોટું સ્ટેજ તો જાણે કોઈ નાટકની રજુઆતની તૈયારીમાં હોય એવા સુંદર રેશમી પડદાઓથી સજાવેલું રહેતું. કદાચ મરૂન રંગના, સોનેરી ઝાલરવાળા જ પડદા હતા. જૂની ફિલ્મોમાં આવતી એવી બૉક્સ બાલ્કનીમાં અમે હોંશે હોંશે બેસતાં ને દૂર પડદો ક્યારે ખૂલે તેની રાહ જોયા કરતાં. બેઠક વ્યવસ્થા પણ એટલી વ્યવસ્થિત કે હૉલના કોઈ પણ ખૂણે બેઠેલાને આખું સ્ટેજ દેખાય અને સિલિંગની કરામતને કારણે ઝીણામાં ઝીણો અવાજ પણ સ્પષ્ટ સંભળાય. અમે તો ઈન્ટરવલમાં પપ્પા પોપકોર્ન લાવશે કે આઈસક્રીમ તેની રાહ જોતાં દરવાજે આંખો માંડી રહેતાં. સપનાંની દુનિયામાં લઈ જવા તૈયાર એવી જ કોઈ મજાની ફિલ્મ જોઈને નીકળતી વખતે અમારાથી તો ઠાઠથી જ ચલાઈ જતું. જાણે કોઈ રાજા મહારાજાના દરબારમાંથી નીકળ્યાં! જો કે, આજે અમે એ દરબારની બહાર ઊભા હતાં.

આજે અમારે કોઈ ફિલ્મ જોવાની નહોતી કે એ મકાનમાં પ્રવેશવાનું પણ નહોતું. ફક્ત બહાર ઊભા રહી એનો ઈતિહાસ અને વર્તમાન જાણવાનો નાનકડો પ્રયાસ કરવાનો હતો. જુદી જુદી જગ્યાએથી આવેલા, ચડતી–ઊતરતી ઉંમરના અમે તેર જણ સવારમાં નવ વાગ્યે ત્યાં ગાઈડની સામે હાજર થઈ ગયેલાં. અમને શોખ હતો આ ગલીઓ, આ મકાનો નજરે જોવાનો, મનોમન એ ભૂતકાળમાં ખોવાઈ જવાનો અને એની ભવ્ય કહાણીઓ સાથે ઓતપ્રોત થવાનો. અઢી કલાક સુધી સૌ અમારા ગાઈડની સાથે એ જ્યાં કહે ત્યાં ચાલવા અને ઊભા રહેવા તૈયાર હતા. જો એ કહે કે ‘આ સ્વર્ગ છે’ તો અમે એને સ્વર્ગ માની લેવા પણ તૈયાર હતાં.


મુંબઈના ચર્ની રોડ સ્ટેશન પર ઊતરી કોઈને પણ પૂછો, ‘ઓપેરા હાઉસ?’ એટલે બતાવેલી દિશામાં આપણે ચાલવા જ માંડવાનું. ફક્ત એક કિલોમીટરના અંતરે જાણીતા વિસ્તાર ગિરગામ પહોંચો એટલે ઓપેરા હાઉસ પહોંચ્યા જ સમજો. અરે, આ તો આખો વિસ્તાર જ કોઈ મકાનના નામે ઓળખાય. નજીક આવેલા બસ સ્ટેન્ડનું નામ પણ ઓપેરા હાઉસ! બસમાં અહીં આવવા માટે ટિકિટ કઢાવવી હોય તો? ‘એક ઓપેરા હાઉસ દેના’ બોલાય. આહા! બોલવામાં પણ કેટલી બાદશાહી લાગે.

અહીં ઊભા રહીને અમારી સાથે સૌએ ભૂતકાળમાં છલાંગ લગાવી. મુંબઈ સાંસ્કૃતિક શહેર તરીકે ટોચ પર હતું ત્યારની વાત. સન ઓગણીસસો ને આઠની સાલ. કલકત્તાના જાણીતા કલાકાર મૉરિસ બૅન્ડમૅન અને મુંબઈના પારસી વેપારી જહાંગીર ફ્રામજીએ ભેગા મળીને અહીં જગ્યા ભાડે લીધી ને નાટકનું થિયેટર ઓપેરા હાઉસ ઊભું કર્યું ઓગણીસસો ને અગિયારમાં. હજી કામકાજ ચાલુ હતું ત્યારે અંગ્રેજ રાજા જ્યોર્જ પંચમે એનું ઉદ્ઘઘાટન કરી નાંખ્યું એટલે નામની આગળ છોગું લાગ્યું, ‘રૉયલ’ અને એમ એ બન્યું ‘રૉયલ ઓપેરા હાઉસ.’ જો કે, ઓગણીસસો પંદર સુધી એમાં કંઈક ને કંઈક સુધારાવધારા થતા જ રહ્યા. શરૂઆતમાં ફક્ત એમાં જાણીતા નાટકના કે સંગીતના પ્રયોગો જ થતા, પછીથી ફિલ્મોએ પણ પ્રવેશ કર્યો અને ત્યાર પછી તો બોલીવુડે એવું આક્રમણ કર્યું કે એ ફિલ્મી થિયેટર જ બની રહ્યું. અહીં મોટી મોટી ફિલ્મોના ભવ્ય અને ભપકાદાર પ્રિમિયર શો થતા. જ્યારે ચાહકોની ભીડ વચ્ચેથી એમના પ્રિય કલાકારો શાનથી પસાર થતા ત્યારે ચાહકોનાં દિલ ઝૂમી ઊઠતાં. પ્રિમિયરમાં હાજરી આપવી કે ઓપેરા હાઉસમાં ફિલ્મ જોવી, એક અણમોલ લહાવો બની રહેતો.

જાણીતા કલાકારોમાં તો બાલ ગંધર્વ, કૃષ્ણ માસ્ટર, બાપુ પેંઢારકર, માસ્ટર દિનાનાથ, જ્યોત્સ્ના ભોલે, પટવર્ધન બુવા, પૃથ્વીરાજ કપૂર અને લતા મંગેશકરે પોતાની કળાની સુવાસ આ હૉલમાં પ્રસારેલી અને પોતાનાં નામ ઓપેરા હાઉસ સાથે કાયમ માટે અમર કરી દીધાં હતાં. પછી તો માલિક બદલાયા અને ઓગણીસસો ને પાંત્રીસમાં આઈડિયલ પિક્ચર્સે ઓપેરા હાઉસની મરમ્મત કરી અને નવી ટાઈલ્સ ને રંગરોગાનથી એને ચમકાવ્યું. ઓગણીસસો ને એંસીમાં વિડિયો ફિલ્મોએ થિયેટરોને એક પછી એક બંધ થવા મજબૂર કર્યા. એની ઝપટમાં આટલું ભવ્ય થિયેટર ન આવે તો જ નવાઈ. આટલા મોટા મકાન અને ભવ્ય થિયેટરને જાળવવાનો અધધ ખર્ચો કોણ કરે? મકાનની દિવાલોનો રંગ ઊખડી ગયો, પડદા ફાટી ગયા, જીવજંતુ અને ઉંદરોના આક્રમણ સામે આ થિયેટર ખંડેર અને એની દુ:ખદ કહાણી બનવાની તૈયારીમાં હતું ત્યાં જ?

ભલું થજો ગોંડલના મહારાજા વિક્રમસિંહનું જેમણે આ થિયેટર વેચાતું લઈ લીધું અને એમના દીકરા જ્યોતીન્દ્રસિંહે બે હજાર ને દસમાં તદ્દન જર્જરિત થઈ ગયેલા ઓપેરા હાઉસને ફરીથી એના મૂળ રૂપે બેઠું કર્યું. કાચનાં બે સુંદર મોટા ઝુમ્મર, જે ડૅવિડ સાસૂનના કુટુંબે અહીં ભેટ આપેલા તે આ થિયેટરની શોભા વધારતાં હતાં. પ્રવેશદ્વારના ગોળ ગુંબજ પર આઠ ભાગમાં કળાના દરેક ક્ષેત્રના કલાકારોને અંજલિ અપાઈ. પછી તો સાંસ્કૃતિક વારસામાં ઓપેરા હાઉસનો સમાવેશ થયો અને એની જાળવણીની કાળજી લેવાઈ તો લોકોને ફરી એક વાર આ ભવ્ય મકાનને એ જ અવતારમાં જોવાનો લહાવો મળ્યો.

ઓપેરા હાઉસનો આ દબદબો કે આ ઈતિહાસ અહીં આવ્યા વગર જાણી શકત ખરાં? કદાચ અહીંતહીંથી માહિતી મેળવીને જાણી પણ લેત તોય એની સામે ઊભાં રહીને મુગ્ધ બનીને એને જોતાં જોતાં એની અદ્ભુત વાતો સાંભળવાની મજા લઈ શકત ખરાં? નહીં જ વળી. એના માટે તો જાતે જ ઓપેરા હાઉસ જવું પડે. ચાહે બહાર ઊભા રહીને મકાનને જોયા કરો અથવા ભલે એક વાર થોડા પૈસા ખર્ચાય પણ અંદર ફરવાનો ને થિયેટરની દિવાલોને સ્પર્શવાનો, એની ખુરશીમાં બેસવાનો અને ત્યાં એકાદ ફિલ્મ જોવાનો લહાવો લઈને સ્વર્ગની અનુભૂતિ કરવામાં કંઈ ખોટું છે?

કોઈક વાર આ લહાવો પણ લઈશું. હવે બીજી ઈમારતની કહાણી પણ આવી જ હશે? કોને મળશું? ક્યાં લઈ જશે આ ગાઈડ? ચાલો જઈએ તો ખરાં.

ગુરુવાર, 19 માર્ચ, 2020

ચલ મન મુંબઈ–૧


મુંબઈ. એક અમર શહેરનું લોભામણું નામ. મુંબઈ, ભવ્ય ઈતિહાસ ને રંગીન ભૂતકાળ સાથે લઈને ચાલતું,  સતત પ્રવૃત્તિથી ધમધમતું ને અસંખ્ય અજાયબીઓથી છલકાતા વર્તમાનને સાથે લઈને ચાલતું રંગીલું શહેર. ઈલેક્ટ્રિક ટ્રેનના પાટા પર ચોવીસ કલાક દોડતું, ધબકતું આ શહેર, જેનું નામ પડતાં જ અરબી સમુદ્રની લહેરો પગમાં આળોટવા માંડે અને ચોપાટીની ભેળથી માંડીને પાંઉભાજીના સ્વાદ જીભ પર સળવળવા માંડે. ફિલ્મી કલાકારોને જોવા કે મળવાના અરમાનો સાકાર કરવા ઊંચાનીચા થતાં ચાહકોની તપસ્યાની કહાણીઓ અહીં જ રચાય અને સાથે જ ઘર કે નોકરી શોધનારાઓની હડિયાપાટી પણ અહીં જ નજરે ચડે.

એમ તો મુંબઈ વિશે એટલું બધું લખાયું છે, કહેવાયું છે અને જોવાયું પણ છે કે એની વાતો લખવાનું મારું ગજું નહીં. એટલે જ શરૂઆત જરા ભારે શબ્દોથી કરી જોઈ પણ ફાવ્યું નહીં એટલે જે વાત કરવી છે તે જ સીધી માંડી દઉં. માયાનગરી કહેવાતી આ નગરીની અસંખ્ય ફિલ્મો, અસંખ્ય વાતો અને એનાં અસંખ્ય પુસ્તકો થવા છતાંય હજીય ન ખૂટે એવી વાતો મુંબઈ પોતાનામાં સમાવીને બેઠું છે. મુંબઈના આ નાનકડા પ્રવાસમાં આપણે મુંબઈના એવા વિસ્તારની વાતો કરશું જેની વાતો જાણ્યા પછી, અચૂક એ વિસ્તારની મુલાકાત લેવાની લાલચ થઈ જ જાય. શરત માત્ર એટલી જ કે, આ વિસ્તારની મુલાકાત લેવાની ઈચ્છા રાખનારને મુંબઈના સાંસ્કૃતિક વારસામાં રસ હોવો જરૂરી છે.

ફક્ત બે કિલોમીટરના આ વિસ્તારમાં આવેલી અમુક જાણીતી અને અમુક અજાણી ઈમારતોને જોઈને જ રુંવાડાં ઊભા થઈ જાય! કેવી કેવી ધુરંધર હસ્તીઓ અહીં પોતાની કળાનો ઝંડો લહેરાવી ગયેલી! કેવો એમનો દબદબો અને શી એમની લોકચાહના! એક જ વાર એ ગલીઓની મુલાકાત લો તો તમને દિવસો સુધી ચેન ન પડે અને એ વાતો તમારા દિમાગમાંથી નીકળે નહીં એની ખાતરી છે. બસ, શરત એટલી જ કે તમને સાહિત્યમાં, સંગીતમાં, નૃત્ય, મૂર્તિ...અરે કહો કે કોઈ પણ કળામાં રસ હોવો જરૂરી છે. તમે ફક્ત મનોરંજન ખાતર કે ફરવા ખાતર જો આ ગલીઓમાં ફરવાના હો તો થોડી વારમાં જ કંટાળી જશો એની પણ ખાતરી.

અમુક ઈમારત આગળ ઊભા રહીને, અમુક ઈમારતોમાં પ્રવેશીને ને અમુક ઈમારતોને દૂરથી જોઈને તમે તમારા પ્રિય કલાકારોને નમન, વંદન કરી જ લેશો એની પણ મને ખાતરી છે પણ શરત માત્ર એટલી જ કે...હા, વારે વારે શરત એટલા માટે રાખવી પડે કે જો તમે લતા મંગેશકરથી માંડીને કેસરબાઈ કેલકર, બાલ ગંધર્વ, રાજા રવિ વર્મા અને અને એમ વી ધુરંધરનાં જાણીતાં મોડેલ અને ખુદ જાણીતાં ગાયિકા અંજનીબાઈ માલપેકર વિશેની રોચક વાતો જાણવા માગતાં હો, મંટો જે જગ્યાએ રહેતા અને જે પુલ પરથી આવજા કરતા એ પુલ પર ચાલવાનો રોમાંચ માણવા માગતાં હો, જે સ્ટુડિયોમાં આલમ આરા ફિલ્મ બનેલી અને જ્યાં શહેનશાહ પૃથ્વીરાજ કપૂરથી માંડીને મહેબૂબ ખાન સહિત મંટોએ પણ પોતાનાં કામની શરૂઆત કરેલી એ સ્ટુડિયોને નજરે જોવા ચાહતાં હો તો જ તમને આ ગલીઓમાં અને આ લેખમાળામાં પણ રસ પડશે.

શિરડીના સાંઈબાબાની મૂર્તિ ક્યાં બનેલી જાણો છો? ભઈ, આપણે તો શિરડી જવા સાથે ને દર્શન–પ્રસાદ સાથે કામ. એ મુર્તિ કોણે બનાવી એમાં કોને રસ હોય? જો કે, એ મુર્તિમાં શિલ્પકલાકારને રસ હોય, ચિત્રકારને રસ હોય અને કોઈ પણ કલા કે કલાકારમાં રસ હોય એટલું જ પૂરતું હોય તો તમને આ દુનિયાભરના ભક્તોમાં પૂજાતી મૂર્તિ જ્યાં બનેલી એ સ્ટુડિયોમાં પણ એટલો જ રસ પડવાનો. કલાકો નીકળી જાય ત્યાંની અદ્ભુત મૂર્તિઓને જોતાં પણ જો તમારી પાસે એટલા કલાકો હોય તો તો આનંદ જ આનંદ.

નવાઈ તો ત્યારે લાગી, એવા ભારતીય ફોટો સ્ટુડિયોને જોઈને જેની સૌ પ્રથમ લંડનમાં શાખા ખૂલેલી ને જ્યાં અમે પણ ફેમિલી ફોટો પડાવવા જતાં! દિલ ખુશ થઈ ગયું. વાહ! બાળપણમાં અહીં ફોટો પડાવવા આવેલાં? કંઈક અજબ લાગણી સળવળી ગઈ. યાદ આવ્યું કે મોટા પૂંઠા પર ચોંટાડીને પારદર્શક કાગળ નીચે સચવાયેલો એ ફેમિલી ફોટોગ્રાફ અને નીચે વેન્ગાર્ડ લખેલું તો કેટલીય વાર જોયેલું! સ્મૃતિઓની દુનિયામાં અજાણતાં જ લટાર મારી લીધી.

ફરતાં ફરતાં એક ગલીમાં દૂરથી જ એક દુકાન જોઈ. વાજિંત્રોની દુકાન. સિતાર ને તંબૂરો, તાનપૂરો, તબલાં ને વાજાપેટી! એનાથી વધારે તો જોઈએ પણ શું ત્યારના દિગ્ગજ કલાકારોને? એમને એમના ચાહકોની તો ક્યારેય ખોટ નહોતી પડી અને એ કલાકારો પણ પોતાના ચાહકોને માટે શું કરતા? એક વાર એક બહુ મોટા કલાકાર એ દુકાનમાં પોતાને ગમતું વાજિંત્ર લેવા પ્રવેશ્યા. હવે વાજિંત્ર લેવા પહેલાં એને ચકાસવું પડે અને એના માટે દુકાનમાં બેસીને જ સૂર છેડવા પડે! દુકાનનો માલિક તો કલાકારને પૂરા માન સન્માન સાથે સાંભળતાં પોતાનું કામ કરતો હતો પણ સંગીતના સૂરો કંઈ છાના રહે? ફક્ત વાજિંત્રની ચકાસણી કરવામાં જ એવા સૂર લાગ્યા કે રસ્તે જતાં લોકોના પગ થંભી ગયા. ધીરે ધીરે લોકો દુકાનની સામે ભેગાં થવા માંડ્યાં અને જોતજોતામાં ત્યાં ખાસ્સી ભીડ થઈ ગઈ.

કલાકાર તો પોતાની ધૂનમાં મસ્ત હતો પણ લોકલાગણીને માન આપીને આખી રાત સંગીતની લહાણી કરતો રહ્યો. લોકો પણ પોતાના પ્રિય કલાકારને સાંભળવા આખી રાત ત્યાં જ ઊભા રહી ગયાં અને દિલથી સંગીત માણતાં રહ્યાં! આજે આવું શક્ય છે? આજે તો ચકચકિત કારમાં આવતા,  આજુબાજુ પહેલવાનોની ફોજ રાખીને દૂરથી ચાહકો તરફ હાથ હલાવી ફ્લાઈંગ કિસ આપીને ખુશ થતા કલાકારો(?) સઘળે દેખાય. તોય ગાંડા ચાહકો ટોળે વળીને અથડાતાં, કૂટાતાં એમની એક ઝલક પામવા કલાકો બરબાદ કરે! ખરા કલાકારો કોણ હોય એની ખબર હોય તો ને.

જો કે, આપણે તો એ મહાનુભાવોને મળવું છે ને એમને જાણવા છે, જેમણે મુંબઈની  ગલીઓને આબાદ કરેલી. તો હવે પછી મળતાં રહીએ ને માણતાં રહીએ આ લેખમાળામાં, મુંબઈના અદ્ભુત સાંસ્કૃતિક વારસાને.

સોમવાર, 24 ફેબ્રુઆરી, 2020

વૉટ્સઍપનું બેસણું

‘આથી જાહેર જનતાને જણાવતાં અમને હાશકારાની લાગણી થાય છે કે થોડા દિવસથી ડચકાં ખાતાં, સૌના લાડકા વૉટ્સ એપનું અચાનક જ દિવાળીના મેસેજોનો ભરાવો થતાં કોલેપ્સ થવાથી અવસાન થયું છે. ખરેખર તો, અમારા માટે એ માથાનો દુખાવો બની ગયેલું એટલે અમને એના જવાનો કોઈ અફસોસ નથી પણ સમાજના ડરે ને રિવાજને કારણે નવા વરસના છેલ્લા સોમવારે અમે વૉટ્સ એપનું બેસણું રાખ્યું છે. જે લોકો વૉટ્સ એપ વાપરતાં હોય તેમને આઘાત લાગશે  સ્વાભાવિક છે અને થોડો સમય પૂરતી તો (અમારા સિવાય) એની ખોટ સૌને લાગવાની જ છે એટલે નાછૂટકે અમે એનું બેસણું રાખ્યું છે. બેસણાંની વિગત નીચે જણાવી છે. એના સ્થાને હવે કોને રાજગાદી સોંપવી તે અમારા ફૅમિલીમાં કંકાસનું કારણ બન્યું છે. એમ કંઈ કોઈને પણ સિરે તાજ પહેરાવી દેવાય તો શું થાય, તેનો અનુભવ અમને સારી પેઠે થઈ ગયો હોવાથી, હવે તો રાજગાદી માટે યોગ્ય ઉમેદવાર ન મળે ત્યાં સુધી અમે બેસણાંની વિધી પતાવી લેવા માગીએ છીએ. જે ઉમળકાથી તમે એને અવારનવાર મેસેજોથી છલકાવી ને છકાવી દેતાં તેવો જ ઉમળકો આ છેલ્લી વાર બતાવીને અમારા ફૅમિલી પર એક વધારાનો ઉપકાર કરશો એ આશા ને વિનંતી.’

મોબાઈલની દુનિયામાં અચાનક જ આ મેસેજથી અફડાતફડી મચી ગઈ. લોકો એકબીજાને મેસેજ કરીને, ફોન કરીને વૉટ્સ એપના અવસાનની ખરાઈ કરવા માંડ્યાં. લોકોને લાગેલો આઘાત એટલો તો જબરદસ્ત હતો કે અડધા લોકોના તો રોંગ નંબર લાગ્યા ને અડધા લોકોને તો ઈમોજીસની ટેવ પડેલી તે મેસેજ લખવામાં પણ બહુ લોચા પડ્યા! આખરે જેમતેમ લોકોને ખાતરી થઈ પણ આઘાત ઓછો ન થયો. હવે? હવે શું કરશું? આપણું શું થશે? આપણી સવાર કેમ પડશે? જો સવાર પડશે તો સવાર મેસેજ મોકલ્યા વગર ને મેસેજ જોયા વગર ને એ બધા મેસેજ ફોરવર્ડ કે ડિલિટ કર્યા વગર સારી કેમ જશે? હવે તો સવારની ચા પણ નહીં ભાવે ને ખાવાનું? અરે! ગળે કોળિયા નહીં ઊતરે. આ તો ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં ને જાગતાંની સાથે જ દિલમાં સમાઈ જતું તેના વગર હવે કેમ જીવાશે? હે ભગવાન! આ તેં શું કર્યું? અમારા અમૂલ્ય ટાઈમ પાસનો સહારો છીનવી લીધો. હવે અમારા મનોરંજનનું શું? અમારા હજ્જારો (સાચા/ખોટા) સંબંધોનું શું? અમારી કેટલીય વિકસેલી કે વિકસવા માગતી કળાઓનું શું? આ તો અમારા સુખદુ:ખનો સહારો તેં છીનવી લીધો.

અરે! તદ્દન તાજેતાજા (સાચા/ખોટા, નવા/જૂના)સમાચારોનું શું? હવે અમને કોણ બધા સમાચાર આપશે? અમારો તો ગૃહઉદ્યોગ જ ભાંગી પડ્યો. હવે આખો દિવસ ઘરમાં બેસીને અમે શું કરશું? કેટલાય નવા સંબંધોનો આમ એકી ધડાકે ખાત્મો બોલી જશે એવું તો અમે સ્વપ્નેય વિચાર્યું નહોતું. અરે, વૉટ્સ એપને લીધે તો અમને જોક્સ સમજાતા થયેલા, શેરોશાયરીનો શોખ જાગેલો, આ નાટક ને પેલી ફિલમ ને ફલાણા ડાયરા ને ઢીંકણા પ્રોગ્રામની રજેરજ માહિતી મળતી તો મળતી પણ ઘેર બેઠાં જોવાય મળી જતા બોલો! હવે શું? ગયું જ ને એ બધું? વૉટ્સ એપ બકા! આમ જતા રહેવાય? સાવ અચાનક? કંઈ નહીં તો આ ભારતની જો ત્રીસ બાદ કરીએ તોય સો કરોડ જનતાનો તો વિચાર કરવો હતો!

કઈ નવી ફિલ્મ જોવી કે ન જોવી તેનો રિપોર્ટ તે જ દિવસે કોણ બતાવતું? ક્રિકેટનો લેટેસ્ટ સ્કોર હોય કે ઈલેક્શનની હાર જીત હોય, જાતજાતની વાનગીઓ હોય કે નવી નવી રેસ્ટોરાં કે લારી  કે ઈવન રેંકડીનીય માહિતી કોને લીધે અમને ખબર પડતી? આ ઝોમેટો ને સ્વિગીનો રસ્તો અમને કોણે બતાવેલો? અરે, ઘેર બેઠાં શોપિંગ કરવાનું કોણે ચાલુ કરાવેલું? ઘેર બેઠાં થતાં કામનો તો કોઈ હિસાબ જ ગણાય એવો નથી. આ બધું હવે કોના ભરોસે ને કોણ કરશે? જેની ખબર કાઢવી હોય કે જેના વિશે જાણવું હોય તે ઘરમાં હોય કે શહેરમાં, બહારગામ હોય કે પરદેશમાં હોય...એક મીનિટની અંદર અમને બધી માહિતી મળી જતી અને પાછા વિડીયો કૉલ? ઓહોહો! કેટલી મજા આવતી? આ તો વૉટ્સ એપની સાથે એ મજા પણ ગઈ?

અચાનક જ બાળકથી માંડીને બુઢ્ઢાના ભેદ ભુલાયા, સ્ત્રી–પુરુષમાં સમાનતા આવી, લોકો ધાર્મિક બન્યા, બધી વાતે જાણકાર ને હોશિયાર બન્યા એ બધું જે વરસોમાં કોઈ ન કરી શક્યું તે એક આ મોબાઈલ એપે કરેલું તેય આજે આમ બધાથી રિસાઈને બેઠું? હવે અમે કોના સહારે? હે નોધારાના આધાર, કાં તો સંજીવની છાંટી ફરી એને સજીવન કર અથવા તો એના જેવા જ કોઈ એપનું નિર્માણ કર એ જ અમારી આ બેસણે પ્રાર્થના છે.




મંગળવાર, 31 ડિસેમ્બર, 2019

ચાલવા જવાનું મુરત


દરેક નાની કે મોટી, સારી કે ખરાબ વાતમાં મુરત જોવાની ટેવ(કુટેવ) હોવાને કારણે હું દર શિયાળામાં ચાલવા જવાનું પણ સારું મુરત જોઈ જ લઉં. ક્યાંક એવું ન થાય કે હું કમુરતામાં ચાલવા નીકળી પડું ને રસ્તામાં મારી સાથે કોઈના અથડાવાનું મુરત પણ ગોઠવાયેલું તૈયાર જ હોય! આ કોઈ એટલે કોઈ કૂતરું, ગાય કે વાહન સિવાય કોઈ માણસ પણ હોઈ શકે. વળી ચાલવા માટે તો સવારનું કે સાંજનું જ મુરત જોવું પડે કારણકે બપોરની ને રાતની વૉકનો ‘ચાલશાસ્ત્ર’માં તો ક્યાંય ઉલ્લેખ નથી. આ એક જ કસરત ગણો તો કસરત ને લહેર કે મજબૂરી ગણો તો તેમ, એવી છે જેમાં સીધા ઘરની બહાર નીકળીને આમતેમ ગયા વગર સીધા ઘેર પાછા ફરો તો એમાં એક પૈસાનોય ખરચ થતો નથી.

એવું ને કે શિયાળો આવતાં જ અમને એમ થાય કે સાલું, વજન બહુ વધી ગયું છે. હવે ઉતારવા માટે તો ચાલવું જ પડવાનું પણ કોણ પહેલાં ચાલવા જાય? જાતજાતનાં બહાનાં બંને પક્ષે ચાલે પણ ચાલે એ બીજા!
એટલે અમારા ઘરમાં તો દર શિયાળામાં આવા સંવાદો જ ચાલતા હોય.
‘તું હવે ચાલવા માંડે તો સારું.’
‘હું શું કામ ચાલવા માંડું? તમે જ ચાલવા માંડો ને એના કરતાં.’
‘મારા મનમાં આવશે ત્યારે ચાલવા જ માંડીશ, તારા કહેવાની રાહ નહીં જોઉં.’
‘બસ તો પછી, હું પણ મારી મરજીમાં આવશે ને ત્યારે ચાલતી થઈ જઈશ સમજ્યા ને?’ વાતાવરણમાં ગરમી વધે તે પહેલાં મેં ત્યાંથી ચાલતી પકડી.

આખરે ઠંડીના ચમકારાએ મને મુરત કાઢી આપ્યું ને મેં નક્કી કરી લીધું કે કાલની સવાર ચાલવા માટે બેસ્ટ! અંતરિક્ષમાં જવા જેવી તૈયારી તો કરવાની નહોતી એટલે સવારમાં દૂધવાળો આવે તે પહેલાં ચાલી આવવાનું નક્કી કરીને હું ઘરમાંથી નીકળી ગઈ. બહાર તો ખુશનુમા મોસમ ને ઉત્સાહી વૉકરોને જોઈને મારો ચાલવાનો ઉત્સાહ વધ્યો. થોડે પહોંચી કે અપશુકન થયાં! દૂધવાળો સામે જ ભટકાયો! મોટરસાઈકલ ઊભી રાખી, ‘બેન, બેન, બે..ન...ઊભાં રો’, સવારમાં ક્યાં ચાલ્યાં? દૂધ નથી લેવાનું આજે?’
ન તો મારા હાથમાં કોઈ તપેલી હતી કે ન કોઈ બરણી. શું હું આમ એની સામે દૂધ લેવા નીકળેલી? ખરો છે આ ભાઈ.
‘હું તો બસ ચાલવા નીકળી છું(હું ક્યાં મારું કોઈ કામ કરવા નીકળી છું?) ભાઈ ઘરે જ છે. એ દૂધ લઈ લેશે.’(ને પછી પાછા સૂઈ જશે.)
‘પણ ભાઈ તો એટલા વહેલા ઊઠતા નથી. નકામી ભાઈની ઊંઘ બગાડવાની ને? એના કરતાં પછી ચાલવા નીકળતે તો?’ બાપ રે! આને દોઢડહાપણ કરવાનું કોણે કહ્યું? જો કે, દોઢડહાપણમાં ક્યાં મગજ ચલાવવાનું હોય? મેં મારું મગજ ચલાવીને એને જવાબ ન આપ્યો ને ચાલવા માંડ્યું. હવે આ રીતે તો સવારમાં કેવી રીતે કોઈ પ્રસન્ન મને ચાલી શકે? મેં મનમાં ને મનમાં એનો હિસાબ ગણી કાઢ્યો.

ખેર, બીજે દિવસે સાંજનું મુરત કાઢ્યું. એ સમયે ઘરનું કોઈ ઘરમાં આવે કે ઘરમાંથી કોઈ બહાર જાય–મારા સિવાય એવી કોઈ શક્યતા નહોતી. હું ગીત ગણગણતી પ્રસન્ન મને ઘર બંધ કરતી હતી કે પાડોશણ જોઈ ગઈ.(કાયમ હાજર ને હાજર!)
‘બજાર જાઓ છો?’ (બધ્ધી પંચાત!)
‘ના, આંટો મારવા.’
‘એકલાં જ?’ (આંટો મારવા પણ જો એને સાથે લઈ જાઉં તો શાંતિ મેળવવા ક્યાં જાઉં?)
‘બજાર તરફ જવાનાં?’
‘કંઈ નક્કી નહીં.’ મને ખાતરી કે એને જેના વગર ચાલે જ નહીં એવું એ સમજતી હતી અને ચાલી જાય કે ચલાવી લેવાય એવું હું સમજતી હતી તે, આદુ–મરચાં–કોથમીર કે રવો–મેંદો–બેસન જેવું જ કંઈ મગાવવું હશે. મેં જવાબો ટુંકાવીને વહેલી તકે ત્યાંથી ચાલતી પકડી.

હવે? શું કરું? ક્યારે ચાલવા નીકળું? આ તે કંઈ જાલિમ જમાનાની રીત છે? કોઈ સ્ત્રી અડધો કલાક–કલાક ચાલવા ધારે તેય ન ચાલી શકે? આ બધાં ચાલવા નીકળે, તે લોકોને આવા લોકો આમ જ હેરાન કરતાં હશે? હું નિરાશાના વિચારોમાં ચાલતી રહી ત્યાં મારા નામની બૂમ મેં સાંભળી. હાય હાય! હવે કોણ દુશ્મન નીકળ્યું જે મારી રાહ જોઈને બેઠું છે?
‘‘બે...ન, આ બાજુ આવો. આમ જુઓ, હા હું જ બોલાવું છું.’
મેં એક સ્ત્રીને હરખની મારી, મારા તરફ આવતી જોઈ.
‘બેન, મારા ઘરે પાંચ મિનિટ પણ ચાલો જ. હું તમારા બધા લેખો બહુ ધ્યાનથી વાંચું છું.’
ખલાસ! મારે કંઈ બોલવાનું રહ્યું જ નહીં. લાખો નિરાશામાં આ એક આશા છુપાયેલી હતી? વાહ!
હજી તો મારા આનંદમાં વધારો થવાનો હતો કારણકે મારી સામે જ એણે સમોસાં ને આઈસક્રીમનો આર્ડર આપ્યો, ખાસ મારા માટે! હવે મારાથી કેવી રીતે આગળ ચલાય? હું એમના ઘરના ઓટલે બેસી ગઈ. હવે તો ચાલે એ બીજા ને ચાલવાનું જાય ભાડમાં.

શનિવાર, 2 નવેમ્બર, 2019

સજોડે ફોટો પડાવો


લગ્ન પછી જ્યારથી સજોડે ફોટા પડાવવાની પ્રથા અમલમાં આવી હશે, ત્યારથી આજ સુધીમાં જમાના પ્રમાણે એમાં અધધ ફેરફારો આવી ગયા. અસલ તો જાહેરમાં સજોડે ફોટા પડતા નહીં એટલે શોખીન જીવડાંઓના જોડાંઓ બિચારા ખાસ પડદાવાળા સ્ટુડિયોમાં જઈને ફોટા પડાવતા. એ જમાનાના સ્ટુડિયોમાં તો શું હોય? એકાદ સારામાંની ખુરસી હોય તો ભયો ભયો. બાજુમાં એકાદ ટિપોય ઉપર, એકાદ નાનકડા ફ્લાવરવાઝમાં રંગીન પ્લાસ્ટિકના ફૂલો સજાવીને મૂક્યા હોય તો સોનેપે સુહાગા. ફોટોગ્રાફરને જેવી જોઈએ કે જેવી સમજાય તેવી લાઈટ્સ હોય ને સામે ગંભીર ચહેરાવાળા ગ્રાહક હોય જેમને છેલ્લી ઘડીએ, એ લોકો કરે કે ન કરે તોય ‘સ્માઈ...લ’ કહેવાનું હોય.

ખાલીખમ સ્ટુડિયોને ભારેખમ બનાવતા પતિ પત્ની આમતેમ ફાંફાં મારતા ફોટોગ્રાફરના હુકમની રાહ જોતાં હોય. ‘અહીં બેસો’ના આગ્રહ પછી ખુરસી પર વટથી બેસતા પતિની પાછળ ક્યાં ઊભા રહેવું ને કેમ ઊભા રહેવું તે મૂંઝારો અનુભવતી પત્ની ફોટોગ્રાફર સામે જોતી હોય. હવે એ જમાનામાં તો ફોટોગ્રાફરો સ્ત્રીઓને હાથ લગાવતા નહોતા! એટલે સ્ત્રીના માથે હાથ મૂકીને એનું માથું ફેરવી નહોતા શકતા. ન તો એ બહેનની દાઢી પકડીને ઊંચીનીચી કરી શકતા. જમાદાર જેવો પતિ પણ ત્યાં બેઠો હોય પાછો, એટલે કહે તો પણ શું કહે? ‘આમ જુઓ બેન, આ કૅમેરા સામે જુઓ. થોડું ઊંચે...નહીં થોડી ડાબી બાજુ ડોકી ફેરવો. બસ બસ બસ. આટલી બધી નહીં. હવે થો...ડી જમણી બાજુ...હંઅઅ...બસ. હવે નજર સ્થિર રાખજો ને સાહેબ તમે ડોક થોડી ટટાર કરજો.’ આ સાંભળતાં જ, એક તો ભાઈની ડોક પહેલેથી ટટાર હોય તેમાં બે ઈંચ વધારે ઊંચી થઈને અકડી જાય.

ભાઈ તો ફોટો પડાવવા જાણે જંગમાં ગયા હોય એમ પહેલેથી જ અપટુડેટ થઈને ગયા હોય એટલે સ્ટુડિયોમાં ટાંગેલો કોટ કે ત્યાંની ગંધાતી ટોપી પહેરવાનો પ્રશ્ન જ ઊભો ન થતો. આખી બાંયના સફેદ ખમીસની ઉપર મોટે ભાગે કાળો કોટ ને સરસ પાટલી વાળેલું ધોતિયું, માથે સફેદ કે કાળી ટોપી અને મોં પર મણનો ભાર હોય એવી ગંભીર મુખમુદ્રાવાળો પતિ એક ખુરસી ઉપર ગોઠવાતો! એની બરાબર જમણી બાજુએ સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરતી પણ ગંભીર દેખાતી, સુઘડ ને વ્યવસ્થિત રીતે માથે પાલવ ઢાંકીને પહેરેલા ગુજરાતી સાડલાવાળી ને અંબોડાવાળી કે બે ચોટલાવાળી પત્ની ગોઠવાતી. ભૂલમાંય કોઈનાય ખભે કોઈનોય હાથ દેખાતો નહીં. ફોટોગ્રાફર ભૂલમાં જ ‘સ્માઈલ પ્લીઝ’ બોલી કાઢતો. (જો હસવું ન હોય તો આવા લોકો ફોટા કેમ પડાવતા હશે?)

પછી જમાનો થોડો બદલાયો. પત્નીના માથેથી પાલવ ગયો ને પતિના ધોતીયા અને શર્ટ વત્તા કોટની જગ્યાએ શર્ટ પૅન્ટ આવી ગયા. પત્ની ખુરશી પર બેસતી થઈ ને પતિ ખુરશીના ટેકે ઊભેલો દેખાયો. (સ્ટુડિયોમાં કે ફોટોમાં બે ખુરસીનું ચલણ કેમ નહોતું?) તોય બન્નેના ચહેરાના હાવભાવ તો જૈસે થે–ગંભીર જ. શું ત્યારે પણ ફોટોગ્રાફરે એમને ‘સ્માઈલ પ્લી...ઝ’ જેવું કંઈ કહ્યું નહીં હોય? કોણ જાણે. અરે! કોઈના કહેવાનીય શી જરૂર? ફોટો પડાવતી વખતે તો ફોટામાંય બતાવવું જરૂરી હોય કે અમે એકબીજા પ્રત્યે બહુ ગંભીર છીએ.

વળી જમાનો થોડો બદલાયો અને ફોટામાં પતિ પત્નીના ખભે હાથ મૂકતો થયો. એવા ફોટા બહુ સહેલાઈથી પડતા નહીં હોય એવું બન્નેના મોં પરથી જ જણાઈ જાય. કાં તો પત્નીના ખભા પર ઢાઈ કિલોનો હાથ પડતો હશે તે પત્ની ખભો ઊતરી જવાની બીકમાં રડું રડું થઈ રહી હોય ને પેલો અણઘડ ફોટોગ્રાફર કારણ જાણ્યા મૂક્યા વગર વારંવાર, ‘સ્માઈલ પ્લીઝ...સ્માઈલ પ્લીઝ’ કર્યે રાખતો હોય અથવા તો પતિને એમ થતું હશે કે ‘મારે ક્યાં સુધી આનો ટેકો લેવો?’ ઘણા ફોટામાં તો પત્ની શરમાતી હોય ને પતિએ પત્નીને ખભેથી જોરમાં પકડી રાખી હશે એવું સ્પષ્ટ જણાઈ આવે. ‘બેસ હવે, ક્યાંય નથી જવાનું.’ અથવા તો, ‘પ્લીઝ બેસી રહેજે મારી મા.’ ખેર, બહુ માથાકૂટ વગર ભારેખમ ફોટા પડી જતા.

ત્યાર પછી વળી કંઈ થોડો સુધારો થયો હશે તે ફોટામાંથી ખુરસી નીકળી ગઈ અને જોડું–સજોડું સાવધાનની મુદ્રામાં ફોટા પડાવતું થયું. કોઈ વાર પતિનો હાથ પત્નીના નજીકના બદલે દૂરના ખભે વીંટળાઈ રહેતો. કોઈક ફોટોગ્રાફર વળી રોમેન્ટિક મૂડમાં હોય તો પતિને કહેતો, ‘સર, તમે બંને આમ સામસામે ઊભા રહો. હવે મેડમના એક ખભે અથવા બંને ખભે હાથ રાખો, મેડમની સામે પ્યારથી જોતા હો એમ ફોટો પડાવો ને.’ જેમતેમ એકબીજાની આંખો ભેગી થતી ત્યારે શરમાતા શરમાતા એવો એકાદ ફોટો પડી રહેતો ને ફોટોગ્રાફર વળી એવા જ બીજા કોઈ ફોટાની ફરમાઈશ કરતો!

આખરે જમાનો બદલાતા બદલાતા ફિલ્મોની અસર નીચે આવીને રહ્યો. બસ ત્યારથી ફોટોગ્રાફરોના માથાનો દુખાવો અને કામ બેય વધી ગયાં. લગ્નપ્રસંગે પડતા ફોટાઓમાં વિવિધતા આવતી રહી. વિવાહ પ્રસંગેથી ચાલુ થયેલા ફોટો સેશન લગ્ન ને રિસેપ્શન સુધી પહોંચ્યા. જોડાં અધધ ફોટા પડાવતા થયા અને એમને બહાને લગ્નમાં આવનાર બીજાં જોડાંઓ પણ ફોટોગ્રાફરોની ફરતે ફરતાં થયાં. એ તો આલ્બમોમાં જ ભાંડા ફૂટતા કે ઘરનાં જોડાં સિવાય બહારના કયા જોડાં ખાનગીમાં કેટલા ફોટા પડાવી ગયાં! ખેર, ફોટાની સ્ટાઈલો બદલાતી રહી અને સ્થળો બદલાતાં રહ્યાં પણ સજોડે ફોટા પડાવવાનું ચલણ તો ચાલુ જ રહ્યું.

પછી તો, જ્યારથી મોબાઈલમાં કૅમેરાની સુવિધા આવી ત્યારથી ફોટો પાડવાવાળાઓએ કે ફોટો પડાવનારાઓએ પાછું ફરીને જોયું નથી. રસ્તે ચાલતાંનેય ઊભા રાખીને એક ફોટો ખેંચી લેવાની પેલા હરખપદુડાઓની ફરમાઈશો થતી. પેલા અજાણ્યાઓ પણ અચાનક જ મહત્વ મળતાં હોંશે હોંશે ફોટો પાડીને બે ઘડી ખુશ થઈ જતા. વળી ધીરેથી સેલ્ફી નામના જાદુએ સૌ પર જાદુ જ કર્યું અને સજોડે ફોટો પડાવવા પછી તો કોઈનીય જરૂર ન રહી. અપની સેલ્ફીસ્ટિક ઝિંદાબાદ!

ઘરમાં બેઠાં હોય ને ટીવી જોતાં હોય તોય ક્લિક! જમવા બેઠાં? ક્લિક! કશે ફરવા કે ફિલ્મ જોવા જવા માટે નવાં કપડાં સોહાવ્યાં? કલિક! ગાડીમાં કે બાઈક પર બેઠાં? ક્લિક! રેસ્ટોરાંમાં જમવા ગયાં? રેસ્ટોરાંની બહાર પણ ક્લિક અને અંદર જઈને ટેબલ પર પાણીના ગ્લાસ, નેપકિન વગેરે આવે તોય ક્લિક! હજી જમવાનું તો બાકી ને હાથ ધોવાના ફોટા? ને મુખવાસ લેતાં કે ખાતાં હોય તેની ક્લિક ક્લિક? હા ભઈ હા...ધીરજ ધરો. હજી તો શરૂઆત થઈ છે. જોડું ક્યાં નાસી જવાનું છે ફોટા પડાવ્યા વગર? હજી તો કેટલીય મિનિટો ને કેટલીય સેકંડોના ફોટા પડશે અને તેય સજોડે! સજોડે ફોટા કંઈ એમ ને એમ પડે છે?

ગુરુવાર, 17 ઑક્ટોબર, 2019

આપણને કોઈ સાંભળે છે?

આ સવાલ આપણને બોલવા પહેલાં થવો જોઈએ પણ મોટે ભાગે આપણને બોલ્યા પછી થાય એટલે પસ્તાવાનો પાર રહેતો નથી. આમાં આપણને એટલે 'મને' સમજવું કારણકે આપણને જરા વટથી વાત કરવાની ટેવ છે. મને આમ ને મને તેમ કહું તો વાતમાં એટલું વજન ન પડે, જેટલું આપણને તો આમ જ ને આપણને તો તેમ જ બોલવામાં પડે. એમ તો જાણે કે, વાતવાતમાં આપણને બોલવાથી સામેવાળા/સામેવાળી ને પણ જે કહેવું હોય તે કહી દેવાય.

ખેર, સવાલ એ છે કે મને કોઈ સાંભળે છે કે નથી સાંભળતું એ કઈ રીતે ખબર પડે? મને ઘણી વાર કહેવામાં આવે કે , 'તું બો બોલે બાપા, માથું ખાઈ જાય.' ત્યારે મને ઝાટકો લાગે ને પછી ખોટું લાગે એટલે હું ચૂપ તો થઈ જાઉં પણ પછી કલાક સુધી એક જગ્યાએ બેસીને ગહન સોચમાં ડૂબી જાઉં. એવું તે હું શું બોલી કે એમના માથામાં ગાબડું પડ્યું? ને આ હું બહુ બોલી? હજી તો વાત શરૂ જ કરેલી એટલામાં એ કંટાળી પણ ગયા? ક્યાંક મને ત્યાંથી રવાના કરવા તો એવું નથી બોલ્યા ને? સારી રીતે જાણે કે, આવો છણકો કરશું તો જ આ બોલતી બંધ થશે.

મને તો એટલું દુઃખ થાય ને દુઃખ થાય એટલે એટલું રડવું આવે કે, એવું તે હું શું બોલી? હવે તો બોલવું જ નથીનો મક્કમ નિર્ધાર કરું ને એમના ધાર્યા મુજબ કલાક તો ફુંગરાઈને વિતાવી દઉં. જોકે જેમતેમ કલાક નીકળે કે વળી મનમાં ચટપટી ચાલુ થાય કે એ આવું કેમ બોલ્યા? પૂછવું તો પડે જ ને એટલે ચોખવટ પણ કરવી જ પડે. બસ, તરત જ ચોખવટ કરવા પહોંચી જાઉં.

'હું બહુ બોલું છું એમ? ને તમારું માથું ખાઉં છું એમ ને? જરા કહો તો એવું તે હું શું બોલી? હજી તો મેં વાત શરુ પણ નહોતી કરી ને તમે મારું આવું હળહળતું અપમાન કર્યું? (તમને ખબર છે ને કે હવે હું કેટલું બોલીશ?) આજકાલ તમે ક્યાં મારી વાત બરાબર સાંભળો જ છો? એ તો હું સારી કે  જ્યારે કોઈ વાત કરવા આવું ત્યારે પહેલાં તમને પૂછું કે , 'એક વાત કહું?' ત્યારે તમે હા તો કહો છો પણ કહીને તરત જ હાથમાં છાપું કે મોબાઈલ લઈ લો છો તે હું નથી સમજતી એમ તમે સમજો છો? તોય તમે મારી વાત સાંભળો છો એમ સમજીને હું બબડ્યા કરું. મને ખોટું ન લાગે કરતાંય હું રિસાઈ ન જાઉં કે ગુસ્સો ન કરું ને પછી તમારા કહેવા મુજબ લવારા ન કરું એટલે જ તમે વચ્ચે વચ્ચે હં....હા...એમ?...ઓહો....અચ્છા....' બોલ્યા કરો છો તે હું નથી સમજતી એમ તમે સમજો છો? હું બધું સમજું છું ને એટલે જ સમજીને ચૂપ રહું છું સમજ્યા ને?

કોઈ વાર મારી વાતો પણ ધ્યાનથી સાંભળો તો મને ગમે ને મને પણ લાગે કે કોઈ તો છે જે મને સાંભળે છે! આ તો મને એવું લાગે કે જાણે હું ટીવી સાથે, કબાટ સાથે, ફ્રિજ સાથે કે રસોડાનાં વાસણ સાથે વાત કરું છું. તમે જ કહો કે આ યોગ્ય કહેવાય? હમણાં હું તમારી સાથે એવું કરું તો તમને કેવું લાગે? મારી જગ્યાએ તમે હો તો શું કરો? (હજી મારા  ટવરવાને તો વાર છે. જો આંહુડા પાડવા માંડા ને તો ગભરાઈ જહો.)

ચાલો જવા દો. આ બધું તમને કહેવાનો કોઈ જ અર્થ નથી. આ તો આપણી વાત જે સાંભળતું હોય તેને જ કહેવાય. હું જ ભૂલી જાઉં કે તમે તો મતલબી બહેરા છો . હમણાં તમારા કામની કોઈ વાત હશે તો મારી પાસે ચાર વાર બોલાવડાવશો તે  કોઈ વાર મારી વાત ધ્યાનથી સાંભળતાં તમને પેટમાં કેમ દુઃખે છેે? મોટામાં મોટું દુઃખ જ એ વાતનું છે કે હવે તો કોઈ આપણને સાંભળતું જ નથી. જો તમને મોબાઈલમાં મેસેજ કરું તો મને ખબર જ ન પડે કે તમે મારો મેસેજ જોયો  કે નહીં! ફોન કરવાનો વિચાર આવે પણ ઘરમાં ને ઘરમાં ફોન પર વાત કરવાની? કેવું લાગે? એમાં હો પાછો ફોન બાજુએ મૂકી દેઓ તો મને હું ખબર પડે? જવા દેઓ બધી વાત.

કેવા દા'ડા આઈવા આપણા? છેક આવું નીં ધારેલું કે એક દા'ડો એવો હો આવહે કે આપણને કોઈ હાંભરહે જ નીં!