રવિવાર, 26 એપ્રિલ, 2015

(ઉપર) જવાની તૈયારી થઈ ગઈ

વર્ષોથી મેં પિયરથી સાસરાના ને સાસરેથી પિયરના અગણિત પ્રવાસો કર્યા છે. એમાં ગમતા કે અણગમતા બધા પ્રવાસો આવી જાય. આ વર્ષો દરમિયાન એક પ્રશ્ને આજ સુધી મારો પીછો નથી છોડ્યો. ‘જવાની તૈયારી થઈ ગઈ ?’ કેમ જાણે જવાની તૈયારીમાં બહુ મોટી ધાડ મારવાની હોય કે પછી લોકોને પૂછવાની આદત પડી ચૂકી હોય, લોકોની જાણવાની જિજ્ઞાસા મને મનોરંજન જ આપે. જોકે, એક તરફ જવાનું હોય ત્યારની મનોદશા અલગ હોય ને બીજી તરફ જવાનું હોય ત્યારની હાલત વર્ણવવા જેવી ન હોવાથી જ કદાચ સ્ત્રીઓને આ પ્રશ્ન વધારે પુછાતો હશે.

હવે તો સમય એવો બદલાઈ ગયો છે કે, મારું સાસરે કે પિયર જવાનું જ બંધ થઈ ગયું. એ લોકો જ બીજે જતાં થઈ ગયા ! નાછૂટકે મેં તો ઉપર જવાની તૈયારી કરી લીધી. ઘણા, અમુક ચોક્કસ ઉંમરે જ ઉપર જવાની તૈયારી કરવા માંડે છે. ઘણા, ઉંમરના અડધા મુકામે પહોંચે એટલે ભજનકીર્તન ને દાન–દક્ષિણા તરફ વળી જાય. તો ઘણા, ઉપરવાળાથી ગભરાઈને બારે માસ સત્ય, અહિંસા ને આત્મા–પરમાત્માની વાતો કરીને બીજાનેય ગભરાવતાં રહે. મારી તો વર્ષોથી એક જ ઉંમર હોવાથી ઉપર જવાની મારે એવી કોઈ ઉતાવળ નહોતી. પણ જ્યારે તેડું આવી જ ગયું તો ના કેમ કહેવાય ?

એવું નથી કે, હું અમરપટો લખાવીને આવી છું ને મારે કોઈ દિવસ ઉપર નહીં જવું પડે. એ તો દરેક કામ પાછળ ઠેલવાની આદતને કારણે ‘જવાય છે હવે, શું ઉતાવળ છે ?’ એ જ વિચારે નિરાંતે બેઠેલી. કોઈ જાતની તૈયારી જ નહીં. અરે ! વિચાર સુધ્ધાં નથી કર્યો કે, મારે કોઈ દિવસ આમ જ અચાનક જ ઉપરવાળાનું તેડું આવશે તો હું શો જવાબ આપીશ ? એમ તો ઉપરવાળાને ગમે ત્યારે એટલે કે, જ્યારે મળે ત્યારે વ્યવસ્થિત જવાબ આપી શકાય એટલા માટે પણ મેં મારી સાસુને કોઈ દિવસ ત્રાસ નથી આપ્યો કે વહુ સાથે પણ ક્યારેય મગજમારી નથી કરી, પૂછી જુઓ કોઈને પણ ! પતિ ને બાળકોનું કંઈ કહેવાય નહીં પણ રિવાજ મુજબ મારા ગયા પછી એ લોકો મારી બુરાઈ નથી કરવાના એની મને સો ટકા ખાતરી છે. એટલે હવે તૈયારીમાં મારે શું કરવાનું ?

ઘણી બધી વાર ભજનમાં ને કથાઓમાં મેં સાંભળ્યું છે કે, માણસ ખાલી હાથે આવે ને ખાલી હાથે જાય. આ વાક્યને બ્રહ્મવાક્ય ગણીને મેં પુસ્તકો સિવાય કંઈ ભેગું નથી કર્યું. મૂકીને જવું પડે તોય કોઈનો જીવ ન બળે. ! બધાંને નિરાંત જ થઈ જાય. (મારો જીવ તો બળી જ ચૂક્યો હોય.) ક્રોધને મેં મારી નજીક ભટકવા નથી દીધો. મોહ ને માયાથી આંખો ફેરવી લીધી છે એટલે ખાલી હાથે જવું હોય તોય વાંધો નહીં. પણ લોકોનું શું છે ? ખબર પડી કે, ઉપર જવાના એટલે પૂછવા માંડ્યું, ‘જવાની તૈયારી થઈ ગઈ ?’ મનમાં બીજા જ વિચારો ચાલતા હોય એટલે મારાથી બોલાઈ ગયું, ‘ના રે..! હજી તો દીકરાનાં લગ્ન બાકી જ છે. વહુનું સુખ માણવાનું છે. જાત્રા કરવાની છે ને ઘડપણમાં મારા સ્વભાવે હેરાન થઈને કે કરીને, ભગવાનનું નામ લેતાં લેતાં ઉપરવાળો બોલાવે ત્યારે જવાનું છે. હજી તો બૌ વાર છે. તમે ક્યાં એ વાત અત્યારથી માંડી બેઠાં ?’

‘તમે પણ શું ઉપર જવાની વાત કરો છો ? મરે તમારા દુશ્મન.’ (કોઈ હૈ....?)  ને પછી સો વર્ષના થવાની શુભેચ્છા(!) આપે. ‘આ તો તમારા દીકરાને ત્યાં જવાના તેનું પૂછું છું કે, જવાની તૈયારી થઈ ગઈ ? શું–શું લઈ જવાના ?’ પરદેશ જવાનું નામ પડે કે, લોકોના મનમાં મોટી મોટી બૅગો ને ઢગલાબંધ ખરીદીનાં ચિત્રો દોરાવા માંડે. શું જવાનું નક્કી થાય એટલે ખરીદી શરૂ કરી દેવાની ? હું તો મૂંઝાઈ ગઈ. પરદેશ જવાની તૈયારીમાં શું કરવાનું ?

અવારનવાર હવામાં ઊડતાં રહેતાં લોકોને મેં તો પૂછવા માંડ્યું, ‘ભઈ, આટલી મોટી બૅગો ભરી ભરીને તમે શું લઈ જાઓ છો ?’ એમનું લિસ્ટ જાણીને મારી આંખોમાંથી અથાણાંના રેલા વહી નીકળ્યા ને કપાળ પર ઘીનાં ટીપાં બાઝી ગયાં. ખાખરા ને ચેવડાની કરકરાટી કાનમાં બોલવા માંડી ને જાતજાતના લોટની હવામાં ઊડતી રજકણોમાં હું ઘેરાઈ ગઈ. આ લોકો પ્લેનમાં જાય છે કે ટેમ્પોમાં ? કસ્ટમમાં વધારે વજનના, વધારે પૈસા ચૂકવશે તો એ વસ્તુની કિંમત ત્યાં આરામથી મળી રહેતી વસ્તુની કિંમત જેટલી નહીં થાય ? યે બાત કુછ હજમ નહીં હુઇ !

છતાં બધાના આગ્રહને વશ થઈને મેં દીકરા–વહુને પૂછી લીધું, ‘અહીંથી કંઈ જોઈએ છે કે પછી મારી મરજીથી બૅગડા ભરી લાવું ?’

‘મમ્મી, પ્લીઝ ! કંઈ લાવતી નહીં. એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓની સામે બધી બૅગો ખાલી કરતી ને જેમતેમ ભરતી કે પછી, આંખમાં આંસુ સાથે એ લોકોને કાકલૂદી કરતી મમ્મીની અમે કલ્પના કરી શકતાં નથી. તું તારી મેળે તને જોઈતી વસ્તુઓ લાવજે ને તાણમુક્ત પ્રવાસ કરજે.’ મને તો હાશ થઈ ગઈ પણ લોકોને ક્યાં નિરાંત હતી ?

એટલું સારું છે કે, ઉપર જવાના વિઝા દરેકને વારા પ્રમાણે જ મળે છે, બાકી તો અહીંની ભીડનું શું થાત ?

કવિ રાવલ કહે છે,     ‘છોડવાનું હોય છે ગોકુળ બધાને આખરે,
 ‘એ જ કરતું હોય છે વ્યાકુળ બધાને આખરે.’


સોમવાર, 20 એપ્રિલ, 2015

ભગવાનની મરજી ચાલે છે ?

સ્વર્ગમાં બેઠાં બેઠાં બહુ વખતથી ભગવાનને એક વિચાર સતાવતો હતો. ક્યાંક દુનિયાના લોકો મને ભૂલી તો નથી ગયાં ને ? વાતે વાતે મારું નામ લઈને રડી પડતાં કે હરખાઈને મારા નામને વટાવી ખાતાં લોકો ક્યાં જતાં રહ્યાં ? આજકાલ તો ગણ્યાગાંઠ્યા લોકો જ મને યાદ કરે છે ! જરા જોઉં તો ખરો, આખિર માજરા ક્યા હૈ ? ભગવાને તો ભંડકિયામાં બહુ વખતથી પડી રહેલું ને ભુલાવાની અણી પર આવી ચૂકેલું મહાશક્તિશાળી દૂરબીન કાઢ્યું ને ફેરવ્યું પૃથ્વી તરફ. (ભગવાનને ત્યાં પણ ભંડકિયું ? ભઈ, કચરો ભેગો કરવાની ટેવ તો ભગવાનનેય હોય ને ? સંઘરેલો સાપ તો એમને પણ કામ આવતો જ હશે ને ?) ભગવાન પણ અચંબામાં પડી જાય એવાં દ્રશ્યોથી પૃથ્વીવાસીઓ તો હવે ખાસ્સાં ટેવાઈ ગયેલાં.

દૂરબીનમાં સૌથી પહેલાં ઝડપાયું એક મૅટર્નિટી હોમ. એક સગર્ભા સ્ત્રી એના પતિ ને સાસુ સાથે ડૉક્ટરની રાહ જોતી બેઠેલી. એમની વાતો પર ભગવાને કાન માંડ્યા. (આને પંચાત ન કહેવાય.)
‘જો સોનોગ્રાફીમાં દીકરો આવે તો હા નહીં તો ના, સમજી ?’ સાસુ ને પતિનો એક જ દમદાર અવાજ નીકળ્યો.
‘પણ મમ્મી, તમે તો કહેતાં’તાં ને કે જે આવે તે ભગવાનની મરજી. ને હવે ?’
‘અરે, ભગવાનની મરજી–બરજી કંઈ નહીં. મમ્મી કહે તે ફાઈનલ. મારી પણ એ જ મરજી સમજી લેજે.’ સ્ત્રીએ તો આને પણ ભગવાનની મરજી જ ગણવી પડે ને ?

આ હા ને નાનું ચક્કર ભગવાનના મગજમાં ઊતરતાં થોડી વાર લાગી પણ જેવું ઊતર્યું કે, ભગવાનનું દૂરબીન ધ્રૂજી ગયું. આ લોકોએ તો જનમ આપવાનો મારો હક પણ છીનવી લીધો ? મારાં બનાવેલાં મુજને બનાવવા માંડ્યાં ? અરેરે ! મારું ગાડું કેમ ચાલશે ? હવે પછી મને કોણ ગણશે ? ભગવાનથી તો હે ભગવા...ન પણ ન બોલાય ! ભગવાન નર્વસ થઈ ગયા. એમણે તો દૂરબીન, ‘અમે બે ને અમારું એક’માં માનતા સુખી પરિવાર પર ગોઠવ્યું. અહીં તો ભગવાને પણ કાન તો માંડવા જ પડે.

‘આપણા સ્વીટુને આ વરસે પ્લે સ્કૂલમાં મૂકી દઈશું.’
‘ના, ના. આ વરસે નહીં, આવતે વરસે. હજી તો દોઢ વરસનો જ થયો.’ મમ્મીનું દિલ જરા નરમ ખરું ને ?
‘એ દોઢ ને બે કંઈ નહીં. હું કહું છું એટલે મૂકવાનો બસ.’
‘ભલે, જેવી હરિઈચ્છા.’ મમ્મીએ નિ:સાસો નાંખ્યો.
‘હરિઈચ્છા નહીં મારી ઈચ્છા કહે. સ્વીટુની બધી જવાબદારી મારી છે એટલે હું કહું તેમ જ કરવાનું.’
‘ભલે ભાઈ, જેવી તમારી મરજી.’

પછી તો, દુ:ખી થયેલા ભગવાનનું દૂરબીન ઝડપથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માંડ્યું. જ્યાં ને ત્યાં હવે બીજાની મરજી ચાલતી હતી. ભગવાનની મરજી નામશેષ થવાની અણી પર આવી જવાની કે શું ? કોઈ પણ ઘરમાં સાદી સીધી રસોઈ બનાવવાથી માંડીને શાની ખરીદી કરવી, કે આજે શું કરવું ને કાલે શું કરવું તેની પણ ચર્ચાઓ થતી ને એમાં ઘરમાં સૌ મારી મરજી, તમારી મરજી, બધાંની મરજી ને બીજાની મરજીની જ વાત કરતાં દેખાયાં ! ભગવાને જોયું કે, પૃથ્વી પરનાં લોકો એટલા બધા પ્રોબ્લેમ્સથી ઘેરાયલા રહે છે ને કે, વાતે વાતે એકબીજાની મરજી સાચવવાની જ વાતો કર્યા કરે છે. પતિ, પત્ની ને બાળકો હોય ત્યાં ભગવાનને કે એમની મરજીને કોઈ નથી પૂછતું. એકબીજાની મરજી સાચવતાં બધાં એકબીજાની ફરતે ગોળ ગોળ ફર્યા કરે. જ્યાં સંયુક્ત કુટુંબ હોય ત્યાં, ‘સાસુને પૂછવું પડશે ને સસરાને પૂછવું પડશે’ ચાલતું હોય. ઘણી જગ્યાએ તો ‘વહુને પૂછવું પડશે’ પણ ચાલતું દેખાયું.

ભગવાનને એક વાતની ખાસ્સી નવાઈ લાગી. ભણવાનું બાળકે પણ કઈ લાઈન લેવાની કે કઈ કૉલેજમાં જવાનું તે નક્કી પિતાએ કરવાનું ! ને જોઈતી જગ્યાએ જો એડમિશન ન મળ્યું તો જ ભગવાનને યાદ કરાય બાકી તો ઠીક છે બધું. બાળકનું ભણવાનું સારી રીતે પત્યું તો ભગવાનની મહેરબાની ને ન પત્યું તો ભગવાવનની મરજી. જોકે, એમાંય એક બીજા પર દોષારોપણ તો ચાલતું જ હોય કે, ‘તારી મરજી હતી બાકી મારી તો જરાય મરજી નહોતી.’ ભગવાને એક વાત જોઈ લીધી ને બરાબર સમજી લીધી કે, જ્યાં સુધી માણસના હાથમાં બધું છે ત્યાં સુધી બધામાં એની મરજી ચાલે છે ને જ્યાં દ્રાક્ષ ખાટી નીકળે, ત્યાં ભગવાન તો છે જ !

ભગવાનને તો દૂરબીનમાંથી પૃથ્વી પર બધું જોવાની ધીરે ધીરે મજા આવવા માંડી. કહેવું પડે બાકી, બધા સ્વાર્થી ને લુચ્ચા થઈ ગયા છે. મેં આ લોકોને આવા તો નહોતા મોકલ્યા. હશે, ચાલો જોઈએ પેલા છોકરાને જે પરણવા તૈયાર થયો છે. છોકરાને ગમી ગઈ છે એક છોકરી પણ માને દેખાવે નથી ગમતી ને પિતાને સ્ટેટસ જરા...હં, સમજી ગયા ને ?

છોકરો કહે, ‘હું મારી મરજી થાય તેની સાથે પરણીશ.’
મા કહે, ‘છોકરી તો મારી મરજીની જ આવશે.’

જ્યારે પિતાની મરજીની વિરુધ્ધ કોણ જઈ શક્યું છે ?(ઘણી જગ્યાએ પિતાની જગ્યા માતાએ લીધી હોય પણ પેલા છોકરાની મરજી ?) હવે આ બધામાં ભગવાનની મરજીનો પ્રવેશ ક્યારે થાય ? તો છોકરો પોતાના પ્રિય પાત્ર સાથે ભાગી જાય ત્યારે. ભલે ને નવો જમાનો આવ્યો પણ હજીય આવી વાતોમાં તો ભગવાનની જ મરજી ગણાય છે તે જાણીને ભગવાનને પણ થોડી રાહત થઈ. હવે ભગવાનની મરજી હોય પછી તો, દીકરાની મરજીમાં પોતાની મરજી સમજી જ લેવી પડે ને ? ચાલો. ઘીના ઠામમાં ઘી આખરે પડીને જ રહે.

ભગવાનનું દૂરબીન ફરતું ફરતું એક હીરોઈનને જોવા અટકી ગયું. એ લાંબી, પાતળી છોકરી કંઈ ‘મારી મરજી...મારી મરજી...’નું ગીત ગાયા કરતી હતી. હેં ? આ વળી એકલી એકલી કઈ વાત પર કૂદી રહી છે ? ને શાની મરજીની વાત કરે છે જેના પર બધાંની નજર ખોડાઈ ને પછી વાંકી થઈ ગઈ ? ઓહો ! એ અબુધ છોકરી તો એમ કહેતી હતી કે, ‘હવે પછી હું જે કંઈ કરું કે જેવું વર્તન કરું કે જે કંઈ ખાઉં–પીઉં કે નાચું–કૂદું કે ગમે તેને મળું–ન મળું કે જેવાં કપડાં પહેરું કે જ્યાં જવું હોય ત્યાં જાઉં વગેરે વગેરે જે કંઈ કરું તેમાં ને તેમાં, ફક્ત મારી ને મારી જ મરજી ચાલશે. મારા પર કોઈની જોહુકમી કે દાદાગીરી નહીં ચાલે. મારે કેમ જીવવું તે મારી મરજીની વાત છે.’

ભગવાને મૂછમાં હસતાં કહ્યું, ‘નાદાન છોકરી, કયા ભ્રમમાં જીવે છે ? અહીં તો મારી મરજી પણ નથી ચાલતી તો તારી મરજીની ક્યાં વાત ? શાંત થા ને પરસ્પર એકબીજાની મરજી સાચવીને બધાં જીવો.’ ભગવાને સમજીને જ દૂરબીનલીલા સમેટી લીધી.

રવિવાર, 12 એપ્રિલ, 2015

ચટપટું કવિ સમ્મેલન

વર્ષોથી સુરતમાં ફરસાણ અને મિષ્ટાન્ન વેચતા અને સુરતી પ્રજાને મોજમાં રાખતા દુકાનદારોએ ભેગા મળી એક કવિ સમ્મેલનનું આયોજન કર્યું. આ સમ્મેલનમાં શહેરના કવિઓને નહીં બોલાવવાના પણ... જે ફરસાણ અને મિષ્ટાન્ન ખાઈને શહેરના કવિઓ વર્ષોથી સ્ટેજ ગજાવે છે, તે જ ફરસાણ–મિષ્ટાન્ન બનાવનાર દુકાનના માલિકોનું એક કવિ સમ્મેલન કરીએ તો કેવું ? શું એ લોકો કવિતા ન કરી શકે ? ગાઈ ન શકે ? જો એ લોકો કંદ જાણે તો છંદ ન જાણી શકે ? ડાયરીમાં હિસાબની સાથે શાયરી ન લખી શકે ? બસ, આ જ વિચાર ફ મિ સંઘના પ્રમુખને આવતાં એમણે તાત્કાલિક એક મીટિંગ બોલાવી. સૌને પોતપોતાની આવડત કે દુકાનને અનુરૂપ બે–ચાર સ્વાદિષ્ટ, મસાલેદાર અને મીઠીમીઠી કવિતાઓ લઈને કવિ સમ્મેલનમાં હાજર રહેવા જણાવી દીધું.


સાંજ સુધીમાં તો બધાએ પોત–પોતાની દુકાનો વધાવી લીધી ને ઝપાટાભેર ઉપડ્યા ઘેર તૈયાર થવા. ડિઝાઈનર કુર્તા ને ધોતિયાં પહેરેલા દુકાનદારો એકબીજાને ઓળખવામાં ગોથાં ખાતા હતા. ખભે નેપ્કિન ભેરવવાની આદતને કારણે એમને ખભે શાલ કે ખેસ ભેરવવો ફાવતો નહોતો, છતાંય એમનો વટ તો પડતો જ હતો. સુરતના સાહિત્યરસિકો પણ શહેરના નવા કવિઓને પ્રોત્સાહન આપવા હાજર થઈ ગયા હતા. સ્વાભાવિક છે કે, જાણીતાં કવિઓ તો ત્યાં હાજર હોવાના જ.

પ્રમુખશ્રી જોષી જટાશંકર મનજીભાઈ ભજિયાવાળાએ સૌનું તેલ નીતરતું–સૉરી, સ્નેહ નીતરતું સ્વાગત કર્યું. સૌએ વઘારમાં રાઈ તતડે એમ તડતડાટ તાળીઓથી પ્રમુખને વધાવી લીધા. ‘આપણે સૌ આ કવિ સમ્મેલન દ્વારા સૌને બતાવી આપવા માગીએ છીએ કે, આપણને ફક્ત ભજિયાં કે મીઠાઈના સાહિત્યની જ નથી ખબર પણ જેને સાહિત્ય કહેવાય તેવી કવિતાઓની પણ એટલી જ ખબર છે. બીજાં બધાંને થશે કે, આ લોકોને વળી ક્યારથી કવિતામાં રસ જાગ્યો ? તો એમને ખાસ જણાવવાનું કે, વર્ષો પડીકાં વાળતાં વાળતાં નજરે ચડી જતી કવિતાઓ ને શાયરીઓ વાંચવાની આદતે અમને પણ કવિ ને શાયર બનાવી દીધા ! તમારી જાણ ખાતર જાહેર કરું છું કે, અમને કવિતા કરવી જરાય અઘરી નથી લાગી. જો આ સમ્મેલન સફળ જશે તો–જોકે જશે જ એમાં કોઈ શંકા નથી, તો અમે પણ દરેક તહેવારે આવાં સમ્મેલનો કરતાં રહીશું.

અહીં હાજર રહેલા અન્ય શ્રોતાઓ અને કવિમિત્રો અમારા સમ્મેલનને સફળ બનાવવા પોતાનો જોરદાર તાળીફાળો આપે એ જ પ્રાર્થના છે. સમ્મેલન પછી અમારા તરફથી ભોજનની વ્યવસ્થા રાખી છે જેથી અડધા કાર્યક્રમે કોઈ નાસી ન જાય. આ અમારો પહેલો જ પ્રયત્ન હોવાથી સુરતની જૂની ને જાણીતી દુકાનોના વડીલોને જ પહેલો ચાન્સ આપ્યો છે. બધાનો વારો આવશે એટલે કોઈએ મરચાં કે ધાણીની જેમ ફૂટવાનું નથી. આપણી એકતા બતાવવાનો આ મીઠો ને મસાલેદાર પ્રયાસ છે. શરૂઆત હું મારાથી જ કરું છું.’

જોશમાં આવેલા જોષીકાકાએ કવિતાની બે લાઈનો કડાઈમાં ભજિયાં સરકાવે એમ ગળામાંથી સરકાવી. (પત્નીને જાહેરમાં સૂચના)
                ‘સખી, હદથી વધારે વાત ન કર,
                આંખ ઝીણી કર, ચંચુપાત ન કર.’
તરત જ બાજુમાં બેઠેલા હરિવર પેટિસવાળા શ્રીમાને  જવાબમાં બે તજની લાકડી ફટકારી.(હરીફને કહેવાનો મોકો ક્યારે મળે ?)
                ‘એકમાં પણ ઘણું કમાશે તું,
અમથા ધંધાઓ પાંચ સાત ન કર.’
ગંગાદાસ ઘારીવાળાને થયું કે, વાત આડે પાટે જવાની કે હું ? એમણે તરત જ ઘારી વિશે બે લાઈનો ઘીમાં ઝબોળી દીધી.
                ‘ઘારી, ઉર્ફે પૂરી, ઉર્ફે માવો, ઉર્ફે ભરી દેવાની ઘટના ઉર્ફે
ઘટના એટલે ઘારી એટલે ખાવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે...
આબુભાઈ મીઠાઈવાળાને પણ ચાનક ચડી.
                ‘તળવું, ખાવું, તળવું, ખાવું;
ભૂસું શું છે ? મરચાં શું છે ?
દિલનું કળવું ? બિલનું ભરવું ?
સોહનની મીઠાઈવાળા પણ કંઈક આપવાનું નક્કી કરીને બેઠેલા.(વૅરાયટી રાખવી પડે ને ?)
                ‘અગર આ સૌ પસંદ આવે નહીં તો છેવટે ‘સોહન’
                હું બીજાની ખુશી માટે શિખંડની ભેટ આપી દઉં.’
વળી, મઢીની મશહૂર ખમણીવાળા કેમ બાકી રહે ? એક દિવસ ખમણીમાં મરચાની કાતરી ચાવી ગયેલા ઘરાકને જોઈને યાદ આવી ગયેલી બે લાઈન એમણે ભરી સભામાં લલકારી કાઢી.
                ‘એક માણસ ક્યારનો આંસુ લૂછે છે બાંયથી,
                આપણાથી તો ત્યાંય રૂમાલ દેવાતો નથી.’
અને મોટે ભાગે દુકાનોમાં થેલીઓ લઈને આવતા ગ્રાહકોને જોઈને તો દુકાનદારોને બીજું શું સૂઝે ?
                ‘બધી થેલીઓને ખીંટી ઉપર ટાંગી જુઓ સાહેબ !
તમારા મનને એનાથી અલગ રાખી જુઓ સાહેબ !’
વળી,
‘અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,
પરંતુ કોણ લઈને જઈ શક્યું તાવડો ઊઠાવીને ?’

તાળીઓના ગડગડાટથી નવોદિત કવિઓને સહુએ વધાવી લીધા. (વધાવવા જ પડે ને ? શહેરનું શ્રેષ્ઠ ભોજન એમની રાહ જોતું હોય ત્યારે તેલમાં તળેલી કે ઘીમાં ઝબોળેલી કવિતાઓની પણ પરેજી ન રખાય.)

એકંદરે સુરતીલાલાઓને તો જલસા થઈ ગયા. કવિઓને પણ થયું કે, ભલે ને આપણી બે બે લાઈનો ચોરતાં, તોડતાં ને મરોડતાં પણ અંતે તો હેમનું હેમ હોયે !

રવિવાર, 5 એપ્રિલ, 2015

પુરુષોએ તો મંગળસૂત્ર પહેરવું જ જોઈએ !

જમાનાઓથી ભલે રિવાજ ચાલ્યો આવતો હોય કે, પરણેલી સ્ત્રીએ તો અમુક નિયમો પાળવા જ જોઈએ. ફલાણું પહેરવાનું ને ઢીંકણું નહીં પહેરવાનું કે આમ જ કરવાનું ને તેમ જ કરવાનું વગેરે. તો પછી, આજે જ્યારે જમાનો બદલાઈ ગયો...બદલાઈ ગયોની બૂમાબૂમ થાય છે, તે હિસાબે તો ઘણું બદલાવું જોઈએ. સ્ત્રીઓ તો એમ પણ ઘણા સમયથી કહેતી જ આવી છે કે, ‘ફક્ત અમે જ શા માટે સોહાગની નિશાની પહેરીએ ? પુરુષોએ પણ કંઈક તો એવું પહેરવું જોઈએ જેથી પરણેલા પુરુષો જુદા જણાઈ આવે.’ (‘ભાઈ, એ તો મોં પરથી ખબર પડી જ જાય’ એવી સહનશક્તિની ચવાયેલી વાત કોઈ ના કરશો.) આ શણગારની વાત ચાલે છે. તો પછી સોહાગની નિશાની દર્શાવતાં ચિહ્નોમાંથી એકાદ ભલે ને એ લોકો પણ પસંદ કરી લે. મારા ખયાલ મુજબ, મંગળસૂત્ર બધી રીતે યોગ્ય રહે. એકલી સ્ત્રી જ ગળામાં ગાળિયો નાંખીને શા માટે ફરે ?

લગ્ન વખતે સ્ત્રી અને પુરુષ બન્ને એકબીજાને ફૂલોનો હાર પહેરાવે. વીંટી તો પહેલેથી પહેરાવી જ દીધી હોય. તો પછી એવું તે શું થયું કે, શણગારના મામલે વાત આગળ ન વધી ? કોણે એવું નક્કી કર્યું કે, સ્ત્રીઓએ જ ચાંદલો કરવો ને સેંથો પૂરવો ને મંગળસૂત્ર પહેરવું ? પુરુષો તરફથી કોઈ કેમ  કંઈ બોલ્યું નહીં ? આવી વાતમાં કેમ આળસ કરી ?

સ્ત્રી તો પુરુષ સમોવડી બનવામાં એટલી બધી આગળ નીકળી ગઈ કે, હવે એને કોઈ અફસોસ નથી રહ્યો. સ્ત્રીએ પોતાના સ્વભાવ સિવાય બધું બદલી નાંખ્યું, રિવાજો બદલી નાંખ્યા અને પહેરવેશ સુધ્ધાં બદલી નાંખ્યો. એને તો હવે પુરુષો સાથે ખભેખભા મેળવીને કામ કરવાની પણ જરૂર નથી લાગતી. હવે તો લાગે છે કે, પુરુષે સ્ત્રી સમોવડાં બનવું પડશે ને એ માટે મંગળસૂત્ર જ કામ આવશે. હવે સવાલ થાય કે ભઈ, મંગળસૂત્ર જ શા માટે ? તો જોઈએ કારણો.

પુરુષો પાસે હેરસ્ટાઈલની ખાસ વેરાયટી ન હોવાથી ચાંદલો ને સેંથામાં સિંદૂર તો પહેલેથી જ માંડી વાળવાં પડે. બહુ શોભે પણ નહીં. વળી દિવસમાં પચાસ વાર કાંસકી ફેરવવાની ટેવને લીધે સિંદૂર શર્ટના કૉલર પર ખંખેરાયા કરે તે સારું નહીં. વાતે વાતે ત્રીજું નેત્ર ખોલવું હોય તો ચાંદલો નડે પાછો ! એના કરતાં મંગળસૂત્ર હોય તો નિરાંત. એક વાર પહેર્યું પછી ઝંઝટ નહીં. આમેય પુરુષો ગળામાં કંઠી કે દોરો કે ચેઈન જેવું કંઈક પહેરતા હોય છે. તેમાં વધારાનો એક કાળો મણકો કે મનપસંદ લોકેટ જ લગાવવાનું રહે ને ? શર્ટમાં છુપાવી પણ શકાય અને દેખાડો કરવો હોય તો શર્ટની બહાર પણ રાખી શકાય. (જો વીંટી પહેરી હોય તો કારણ વગર હાથ મોં પર ફેરવ્યા કરવો પડે ને ઝાંઝરી તો બૂટ–મોજામાં દેખાય પણ નહીં કે ઝમકે પણ નહીં. ચંપલ જ પહેરવા પડે.)

એ તો ધીરે ધીરે આદત પડી જશે અને પછી તો, સ્ત્રીઓને પણ શરમાવે એટલી અદેખાઈ પુરૂષો પણ કરતા થઈ જશે ! અદેખાઈનો મુખ્ય વિષય ? મંગળસૂત્ર સિવાય બીજો કયો ? જેવા એકબીજાને મળશે કે, સીધી નજર મંગળસૂત્ર પર. ‘નવું કરાવ્યું ? કેટલામાં થયું ? અસલી ડાયમંડ છે ? મારે પણ કરાવવું છે પણ કોઈ ડિઝાઈન જ મગજમાં બેસતી નથી. હવે તો સોનાનાં મંગળસૂત્રનો કંટાળો આવે છે.’(!) એટલે તેજ નજર, અદેખાઈ અને મોટાઈના, સ્ત્રી સમોવડા સાબિત કરે તેવા છુપાઈ રહેલા ગુણો મંગળસૂત્રને કારણે જ બહાર આવશે. એમની મીટિંગોમાં ચર્ચાનો મુખ્ય વિષય મંગળસૂત્ર સિવાય કંઈ નહીં રહે.

જોકે, ઘરમાં ખર્ચા તો વધી જ જશે. દર વખતે બબ્બે મંગળસૂત્ર કરાવવાં પડશે. સ્ત્રીઓને એ બહાને ખરીદીની મજા પડી જશે. પુરૂષોને તો (સ્ત્રીના) શોપિંગ નામથી ચીડ હોય એટલે સમજ ન પડવાનું બહાનું ધરી દેશે, જેથી મનપસંદ કામ આખરે તો સ્ત્રીઓને માથે જ આવશે. ‘ભઈ, તું બજાર જાય છે તો મારું મંગળસૂત્ર સોનીને ત્યાં ટૂંકું કરાવવા આપ્યું છે તે લેતી આવજે. ગળામાં બહુ અડવું અડવું લાગે છે.’ સ્ત્રી પણ પોતાની ખરીદી પર પોરસાતી કહેશે, ‘તમે મંગળસૂત્ર પહેરો ને ત્યારે રસ્તામાં કે ટ્રેનમાં ભલે શર્ટમાં સંતાડી દો, પણ આપણા એરિયામાં આવો ને ત્યારે બહાર દેખાય તેમ રાખવું. મને ઘણી વાર ઘણાએ પૂછ્યું છે, ‘તમારા મિસ્ટર મંગળસૂત્ર નથી પહેરતા ?’ મને તો ત્યારે એવું મરવા જેવું લાગે ને.’

એમ તો મંગળસૂત્ર ફિલ્મી ઢબે, અણીના સમયે મદદે પણ આવી શકે ! પહેલાંની સ્ત્રીઓ જેમ આર્થિક કટોકટીમાં, છેલ્લા ઉપાય તરીકે મંગળસૂત્ર ઉતારી આપતી ને ઘરની લાજ બચાવી લેતી, તેમ પુરૂષો પણ કહી શકે કે, ‘તેં બહુ ભોગ આપ્યો. હવે મારો વારો. રહેવા દે તારું મંગળસૂત્ર. મારું મંગળસૂત્ર ક્યારે કામ આવશે ? ભગવાનની મરજી હશે તો ભવિષ્યમાં નવું મંગળસૂત્ર લઈશું પણ આજે મને પણ એક મોકો આપ.’ વર્ષોથી કપરા સમયમાં સ્ત્રી બધે દોડી વળતી ને પુરૂષે વગર ઘરેણે મોં વકાસીને બેસવું પડતું, તે ફક્ત પુરૂષના મંગળસૂત્ર પહેરવા માત્રથી થતું અટકી જશે.

જો પુરૂષોને બહુ ગમી જશે તો એ લોકો પણ બબ્બે મંગળસૂત્ર પહેરતા થઈ જશે. એક વાર એક શોખ વળગે, તો પછી આગળ પણ ક્યાં નથી વધાતું ? ભલે ને, બુટ્ટી, બંગડી કે ઝાંઝર પણ...આપણી ક્યાં ના છે ? આ બધાંને ટપી જાય એવું મોબાઈલ ઘરેણું છે પણ એ તો હાથમાં હોય કે, રિંગે તો જ બતાડાય ! બાકી તો મંગળસૂત્ર જ શ્રેષ્ઠ.