શુક્રવાર, 17 નવેમ્બર, 2017

મારું આરોગ્ય વિષયક જ્ઞાન


જ્યારથી એક ભેળના પડીકામાં બંધાયેલું, વીંટળાયેલું અને ચટણી–મસાલાથી સ્વાદિષ્ટ બનેલું વાક્ય, ‘પહેલું સુખ તે જાતે નર્યા’ મેં વાંચેલું, ત્યારથી મારા મનમાં ખાસ્સો ખળભળાટ ચાલુ થઈ ગયેલો. ‘વાહ! આપણું પહેલું સુખ આપણા હાથમાં જ છે! કેટલું સરળ અને સુંદર છે આ વાક્ય. બીજાં બધાં સુખ તો ઠીક છે કે બીજા, ત્રીજા કે ચોથા ક્રમે આવે પણ જાતની તંદુરસ્તી એ પહેલા ક્રમે જ શોભે. ચાલો ત્યારે, કોઈ પણ ભોગે આજથી જ આ પહેલા સુખને કાયમ હાથમાં જ રાખવાનો પ્રયત્ન કરવા માંડું. (બીજે કશે નહીં ને ભેળના કાગળમાંથી જ આ વાક્યનું મળવું તે કોઈ યોગાનુયોગ હશે?)

જોકે નવેસરથી આરોગ્યશાસ્ત્ર ભણવા જવાનું શક્ય નહોતું. તેથી હંમેશની જેમ કોઈ પણ વિષયનું જ્ઞાન વાંચનમાંથી મેળવવાની ટેવને લીધે, મેં આરોગ્યને લગતી છાપાંની કટારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મારા સુખદ આશ્ચર્ય વચ્ચે દરેક છાપામાં રોજ જ, રોજિંદી નાનકડી માંદગીઓ પર નાનકડી સલાહ કે સરળ નુસખો જોવા મળ્યો. વળી અઠવાડિયામાં બે કે ત્રણ પૂર્તિઓમાં પણ આરોગ્ય વિશે અઢળક માહિતી જોવા મળી. વાહ વાહ! મારું તો કામ જ આસાન થઈ ગયું. હવે હું નાની કે મોટી માંદગીનાં લક્ષણોથી માંડીને તેના ઉપચારોના સતત સંસર્ગમાં જ રહીશ. મારો અને મારાં ઘરનાં સૌનો કોઈ પણ રોગ(જો બધી કાળજી રાખવા છતાં થઈ ગયો હોય તો), હવે એકાદ બે ડગલાંથી આગળ વધી જ નહીં શકે. ‘રોગ અને શત્રુને તો ઉગતા જ ડામવા’ની કહેવત પણ મને આ વાંચન દરમિયાન જ મળી હોવાથી, અમારો રોગ જડમૂળથી જ નાશ પામશે.

સૌના હિતને ધ્યાનમાં રાખીને, મેં ધીરે ધીરે આરોગ્યવિષયક માહિતીઓની નોંધ કરવા માંડી. થોડા સમય પછી ખબર પડી કે આવી રીતે નોંધ કરવામાં સમય બગાડું એના કરતાં જે તે છાપા કે મેગેઝિનમાંથી કાપકૂપ કરીને ફાઈલ બનાવું તો ભવિષ્ય માટે વધારે સારું રહેશે. પછી તો એવું થયું, કે ધીરે ધીરે ફાઈલની થપ્પી વધવા માંડી ને તેમાં પણ રોગોનાં નામ વધવા માંડતાં ગોટાળા થવા માંડ્યા. હવે એકાદ બે છીંક આવી હોય અને તેના ઉપચારની કાપલી શોધવાની હોય, તો ઘણી બધી ફાઈલો જોયા પછી એકાદ નાનકડી કાપલીમાંથી છીંક બંધ કરવાનો ઉપાય મળી આવે. એ દરમિયાન ઊડેલી ધૂળની રજકણોને લીધે આવેલી છીંકોનો હિસાબ ગણાય કેવી રીતે? અને એનો ઉપાય પાછો નવેસરથી શોધવાનો?

હું તો આરોગ્યશાસ્ત્રમાં નવી નવી જ વિદ્યાર્થિની  બની હોવાને કારણે રોજ નવો પાઠ મને ભણવા મળતો. હવે આવું બધું તો કોઈને પુછાય પણ નહીં કે, ફાઈલ કેવી રીતે બનાવાય? મેં મારામાં હતી એટલી અક્કલ વાપરીને આખરે શરીરનાં જુદા જુદા અંગોની જુદી જુદી ફાઈલ બનાવી ને ઉપર મોટા અક્ષરે લખી પણ દીધું, જેથી આરોગ્યની કોઈ પણ તકલીફમાં તરત જ એનો ઉપાય હાથવગો રહે. જેમ જેમ મને જ્ઞાન મળતું ગયું, તેમ તેમ ફાઈલનું કામ પણ વધતું ગયું. દિવસનો મારો ઘણો બધો સમય ફાઈલને વ્યવસ્થિત કરવામાં જ જવા માંડ્યો. એમાં ને એમાં મને કમરનો, બોચીનો અને ઘુંટણનો દુ:ખાવો શરૂ થઈ ગયો. પણ ફાઈલ પહેલાં ને ઉપચાર પછી એ ધ્યાનમાં રાખી મેં ફાઈલનું કામ ચાલુ રાખ્યું.

ધારો કે, પગને લગતી તકલીફોની ફાઈલ બનાવવી હોય, તો પગના જેટલા રોગ હોય, તે દરેક રોગ માટે ઢગલાબંધ માહિતી ઉપલબ્ધ હોય. એટલે ફક્ત પગના રોગોની ફાઈલમાંથી તરત જ કંઈ જે તે તકલીફની માહિતી ન મળી જાય. એના પણ પેટા વિભાગ કરવા પડે એટલે મેં પેટા વિભાગ કર્યા. ઘુંટણના દુ:ખાવાની ફાઈલ જુદી, તો ઘુંટણની ઢાંકણીની ફાઈલ જુદી. પગની એડીની ફાઈલ જુદી અને પગનાં તળિયાંની ફાઈલ જુદી. એમ ફક્ત પગના રોગોની જ ઘણી બધી પેટા ફાઈલોવાળી એક મોટી, જાડી પગની ફાઈલ બની!

હવે મારું આરોગ્યને લગતું જ્ઞાન પણ વધી રહ્યું હતું અને એને લગતી માહિતીનો મારો ભંડાર પણ સમૃધ્ધ થઈ રહ્યો હતો. મારા આનંદનો પાર નહોતો. નવરાશના સમયે એટલે કે જ્યારે ફાઈલનું કોઈ કામ ન હોય ત્યારે અમસ્તી જ ફાઈલના ભંડારને જોઈને ખુશ થતી રહેતી. અચાનક જ એક દિવસ મને જ્ઞાન પ્રાપ્ત થયું કે લોકોને પેટની, ચહેરાની સુંદરતાની અને વાળ ખરવાની સમસ્યાઓ વધારે રહે છે. એમ તો ઉંમર મુજબ એના વિભાગો કરવા પડે, એટલે બાળકોની, જુવાનોની અને વયસ્કોની સમસ્યાઓની ફાઈલો પણ પાછી જુદી કરવી પડે. અચાનક જ આ વિચાર આવતાં મેં ફરીથી નવેસરથી વિભાગો પાડ્યા અને જુદી ફાઈલો બનાવવા માંડી. લોકોને ત્યાં પુસ્તકો માટે કબાટ હોય તેમ મેં મારા કબાટમાં, મારા આરોગ્યશાસ્ત્રની ફાઈલો ભેગી કરવા માંડી. ઘેર આવતા મહેમાનોને હું હોંશે હોંશે એ સંગ્રહ બતાવતી.

જેમ જેમ લોકોમાં મારા સંગ્રહની વાત ફેલાતી ગઈ, તેમ તેમ મારા ઉપર પછી આરોગ્યને લગતી સમસ્યાઓના નિવારણ માટેના ફોન આવતા થયા. હું તો ખુશ થઈ ગઈ. વાહ! મારી વર્ષોની તપસ્યા આખરે રંગ લાવી ખરી. મારું જ્ઞાન કોઈને તો કામ આવવાનું. હવે મારું સમગ્ર ધ્યાન મારા ઘરગથ્થુ ઉપાયોના ખજાનામાંથી લોકોના આરોગ્યના પ્રશ્નો હલ કરવામાં રહેવા માંડ્યું. આમ બહુ મોટી સમાજસેવાનું હું નિમિત્ત બની હતી તેનો પણ આનંદ હતો. ઘરનાં સૌએ શરૂઆતમાં મને વારી કે ‘ઘર પૂરતા તારા  બધા પ્રયોગો કાબૂમાં રાખ. બહારનાં કોઈને તારા આવા ઉટપટાંગ પ્રયોગની આડઅસર થઈ તો અમારે એમને સાચવવા ભારે પડશે.’ પણ મને મારી વરસોની મહેનત પર અને અત્યાર સુધીમાં તો ગોખાઈ ગયેલા જ્ઞાન પર પૂરો ભરોસો હતો. હવે તો રોગનું નામ પડતાં જ, જેમ કોઈ ડૉક્ટર કે વૈદ રોગીને જોયા વગર જ દવાનું નામ કે યોગ્ય ઉપચાર કહી દે, તેમ જ હું પણ કહી શકતી! મેં ફોન પર જ ઘેર બેઠાં, વગર દવાનું નાનકડું દવાખાનું ચાલુ કરી દીધું. મારે તો ફક્ત દવાનું નામ અને એને લેવાની પધ્ધતિ જણાવવાની રહેતી. પેપરનાં કાપલાં મારા માટે આશીર્વાદ સમા નીકળ્યાં. મારો સમય પણ આનંદમાં વીતવા માંડ્યો. મારી ધૂમ પ્રેક્ટિસથી ઘરનાં પણ ખુશ થયાં કે ચાલો આ બહાને આની બીજી બધી ફરમાઈશો બંધ થઈ ગઈ અને વાતે વાતે સવાલ–જવાબ ને ખટપટ પણ ઘરમાંથી છૂ થઈ ગયાં.

બે ત્રણ વરસ તો મારું દવાખાનું સરસ ચાલ્યું પણ ધીરે ધીરે સવાલ પૂછનારાઓમાં ઓટ આવતી ગઈ. હું સવારથી ફોનની રાહ જોવામાં સાંજ પાડતી ત્યારે જેમ તેમ એકાદ ફોન આવતો અને તેય મારી ખબર પૂછવા અથવા કોઈના સમાચાર આપવા કે બીજા–ત્રીજા કોઈ કામે. મને નવાઈ તો લાગી પણ ફોન ઓછા થવાનું દુ:ખ બહુ થયું. શું મારા ઉપચારમાં કોઈ ખામી રહી ગઈ? બીજાં કોઈ મારા જેવાં બહેને કે કોઈ નિવૃત્ત ભાઈએ ફોન પર ઘેર બેઠાં ઉપચાર શરૂ કર્યો? ઘરનાં પણ મારા દુ:ખે વ્યથિત થયાં પણ કોઈની કહેવાની ને મને વધુ દુ:ખી કરવાની હિંમત ન ચાલી. આખરે એક ખરાબ મૂરતમાં રાઝ ખૂલ્યો.

તે દિવસે, બહારગામ રહેતા મારા દીકરા સાથે ફોન પર વાત કરતાં મને એનો અવાજ ભારે લાગ્યો. મેં તરત જ કહ્યું, ‘મીઠાના ગરમ પાણીના કોગળા કરવા માંડ અને સૂંઠ, મરી ને હળદર નાંખીને ઉકાળો પી લેજે.’
‘મમ્મી, એ તો બધું બે દિવસથી ચાલુ જ છે. તારી વહુ ગૂગલની મદદથી બધી દવા તરત જ ચાલુ કરી દે એટલે ફિકર નહીં કર. હવે તારે તારી ફાઈલમાં શોધવાની ખટપટ નહીં.’


હે રામ! આ શો અનર્થ થઈ ગયો? મારા દીકરાએ જ મને કડવાટ પાઈ દીધો? હવે મારાથી શું બોલાય? મને શું ખબર કે આમ ગૂગલ કોઈનું વેરી પણ બનતું હશે? મેં ભારે મને પસ્તીવાળાને બોલાવીને બધી ફાઈલોને માનભેર વિદાય કરી અને મારા દવાખાનાને હંમેશ માટે તાળું માર્યું.