રવિવાર, 29 મે, 2016

મોજે મોજે મોજ

મિત્રો,
ટર્કી યાત્રામાં આજે ગાપચી મારી હોવાથી, ‘બૅંગકૉક યાત્રા’નો એક લેખ માણો. 
લેખના મથાળાનું જ નામ ધરાવતું ઈ–પુસ્તક પણ આ મંગળવારે વડોદરાના પુસ્તકમેળામાં પ્રકાશિત થઈ રહ્યું છે–‘સ્યાહી.કૉમ’ દ્વારા.

કેટલાય દિવસોનો થાક, રખડપટ્ટી, ભરપેટ ભાવતું ભોજન અને લટકામાં મસાજને કારણે રાત્રે દસ–સાડા દસમાં તો, અમુક રૂમોમાંથી જાતજાતની સીટીઓના અવાજો, અમુકમાંથી ઢોલ નગારાના અવાજો અને અમુકમાંથી તો તાલબધ્ધ રીતે ગાયના ભાંભરવાના અવાજો પણ સંભળાતા થઈ ગયા ! સવારે છ વાગ્યે ઊઠવાનું હોઈ મોડે સુધી જાગવાના કોઈમાં હોશ નહોતા. આઠ વાગ્યા સુધીમાં તૈયાર થઈ દરિયાની લહેરો પર ઝુમવાનો કાર્યક્રમ હતો. પટાયાનો મશહૂર કોરલ આઈલૅન્ડ ! આ નાનકડા ટાપુ પર જ લગભગ અડધો દિવસ વીતાવવાનો હોઈ સૌને ભરપેટ નાસ્તો કરી લેવા જણાવાયેલું. ન કીધું હોત, તો પણ રોજ નાસ્તા જ એટલા અફલાતૂન રહેતા કે ભરપેટ–ભરપેટ કર્યા કરીએ તો પણ મન ના ભરાય ! ઘરે પાંચ–દસ મિનિટમાં નાસ્તાના નામે ફાકા મારીને ડાયેટિંગના ફાંકા મારતી સ્ત્રીઓ, અહીં એક કલાક સુધી નાસ્તા ને ફ્રૂટ ને જ્યૂસ ને ચા–કૉફીના ટેબલની ફરતે અમારી જેમ ફર્યા કરતી. ઘરે જઈને તો પાછા એ જ ખાખરા ને લીંબુપાણી છે ને ? ને કેમ નહીં ? પૈસા શેના ભર્યા છે ? ને અહીં આવ્યાં છીએ શેના માટે ? બધાંને ખાતાં જોઈ જીવ બાળવા માટે ? ના, જરાય નહીં. ખાઓ તમતમારે.


ખેર, દરિયાકિનારે બધી બસો લાંગરી (!) કે; ત્યાં લાઈનસર ઊભેલી બોટમાં વારાફરતી, જળસુંદરીઓના એક એક બૅચને રવાના કરવા માંડ્યો. છીછરા પાણીમાં ઊભા રહી બોટમાં ચડવાનુ હતું. આ એક જ જગ્યા મેં એવી જોઈ કે, જ્યાં ચડવા માટે સ્ત્રીઓ પડાપડી કે ધક્કામુક્કી નહોતી કરતી. બીજા કોઈ અર્થમાં નહીં પણ ખરેખર જ, અમે પાણીમાં ઊભેલાં ત્યારે અમારા પગ નીચેથી ધરતી (રેતી) ખસતી જ રહેતી. બાકી તો, પ્લેનમાં પણ રહી જવાની હોય તેમ લાઈનમાં ઊભેલી સ્ત્રીઓ– ધીરજ વગરની સ્ત્રીઓ, ધીમો ધીમો ગણગણાટ કે બબડાટ શરૂ કરી દેતી. પોતાની જગ્યા જતી રહેવાની બીક જ એમને એવું વર્તન કરવા ઉશ્કરતી હશે ! કોણ જાણે.

આપણા સમાજમાં સ્ત્રીઓ હજી પણ, શર્ટ–પૅન્ટ કે ટી–શર્ટ ને હાફ કે પોણિયા પૅન્ટ પહેરવામાં સંકોચ અનુભવે છે. ખરેખર તો, એમને પહેરવું હોય છે પણ પેલું લેબલ એમને પહેરવા નથી દેતું. ઘણા સુધરેલા ઘરોમાં વહુઓને અને સાસુઓને પણ છૂટ હોય છે (જેમ નાચવું હોય તેમ નાચવાની !), તોય લોકોની ટીકાથી બચવા મોટે ભાગે સ્ત્રીઓ ભારતીય પોશાકને જ નાછૂટકે અપનાવી લે છે. પ...ણ એમને છૂટ મળે છે, કે પછી એ લોકો છૂટ લઈ લે છે આવી સહેલગાહોમાં–ટૂરોમાં–કંપનીમાં ! આજકાલના તો યુવાનો અને પુરુષો પણ મોડર્ન થયા છે તે પત્નીને રાજી રાખવા કંઈ બોલતા નથી. જાણે છે કે બોલીને કોઈ ફાયદો નથી–બોલીને ક્યાં જવું ? એના કરતાં ચાર આઠ દા’ડા છો મન ફાવે તેવા કપડાં પહેરતી ! આ જ કારણે આજકાલ હિલસ્ટેશનો પર સાડી પહેરેલી સ્ત્રીઓ બહુ ઓછી જોવા મળે છે. જોકે, અમારી સાથે ચાર સ્ત્રીઓ નાગપૂરથી આવેલી જેમણે મુંબઈથી મુંબઈ, પ્રવાસના પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી સાડી જ પહેરેલી અને તે પણ સતત માથું ઢાંકીને ! અમે બહુ શોધેલા પણ ક્યાંય એમના કોઈના સસરા કે જેઠ દૂર દૂર સુધી અમને દેખાયા નહોતા.

અમારી ટૂરમાં નાનામાં નાની ઉંમર ધરાવતી કન્યા હતી પંદર વર્ષની, જે એની મમ્મી સાથે આવેલી અને મોટામાં મોટી કન્યા હતી એના કરતાં પાંચગણી–પંચોતેર વર્ષની ! બન્ને જુવાન કન્યાઓ કાયમ ટીશર્ટ–જીન્સમાં જ દેખાતી. અમને બન્નેને ખૂબ અફસોસ થયો, ‘આપણે હારાં દેસી તે દેસી જ રી‘યાં. જીન્સ ને ટીશર્ટમાંથી હો ગીયાં ? દરિયામાં જવાનું ને રેતીમાં ચાલવાનું (કે વહાણ ચલાવવાનું ?) તે ખબર, તો હો પંજાબી ડ્રેસ પહેરીને આઈવાં ?’ ખેર, અફસોસ છોડી અમે ફેન્સી ડ્રેસની હરિફાઈમાં ઉતરેલી મિસ દરિયાઈ સુંદરીઓની સુંદરતા જોતાં રહ્યાં. બીજું કરવા જેવું કામ ત્યાં હતું પણ નહીં, શું કરીએ ? જાતજાતના ડ્રેસ સોહાવીને ફરતી માનુનીઓના મિજાજનું ને વસ્ત્રોનું અવલોકન કરવામાં મારા મગજમાં જે તરંગો ઉછળતાં હતાં ને અમને બન્નેને જે આનંદ મળતો હતો તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. છતાં તમે પણ એ આનંદ માણો એ આશાએ થોડું જણાવી દઉં.

....કે બહુ જ ઓછી યુવતીઓ આકર્ષક કહી શકાય એવી દેખાતી હતી. તેથી કંઈ બાકીની યુવતીઓએ આકર્ષક દેખાવાના પ્રયત્નો ન કરવા એવું થોડું છે ? ટીવી અને ફિલ્મોના મળતા સતત માર્ગદર્શનને કારણે અને પોતે પણ કંઈ કમ નથી એ બતાવવા જ કદાચ, મોટે ભાગની યુવતીઓએ સ્વિમિંગ કૉસ્ચ્યુમ્સ પહેરેલાં. દરિયામાં જવાનું હતું ને ? ભલે ને તરતાં ન આવડે પણ છબછબિયાં તો થઈ શકે ને ? ઢંકાયેલી ચરબી અને ઉઘાડી ચરબીનો ભેદ સ્પષ્ટપણે જણાઈ આવતો હતો. આગલે દિવસે જેને જોઈ હોય તેને આજે ઓળખી પણ ન શકાય એવી કમનીય (!) સૌ દેખાતી હતી. અમારા જેવી કદાચ બહુ થોડી જ સ્ત્રીઓ હતી–ઘુમટાવાળીઓ સહિત, જેમને બીજી સ્ત્રીઓને જોવામાં રસ હતો. બાકી તો સૌ પોતપોતાનામાં મગન. માથે ટોપી, ગૉગલ્સ અને ખભે પર્સ ભેરવેલી ગૃહિણીઓને અને સ્વિમિંગ કૉસ્ચ્યુમ્સમાં ફરતી ગૃહિણીઓને જો એમનાં ઘરનાં જુએ તો આશ્ચર્યથી ચોવીસ કલાક સુધી એમનું મોં ખુલ્લું જ રહે. આઝાદીનો ખરો અર્થ સ્ત્રીઓ અહીં માણતી હતી અને એમાં કંઈ ખોટું હતું ?

બોટમાં ચડતી સ્ત્રીઓમાં ફક્ત એક જ સ્ત્રી એવી કમનસીબ નીકળી, જે પોતાના અને બધાના લાખ (કે થોડા ઓછા) પ્રયત્નો છતાંય બોટમાં ન ચડી શકી. લગભગ સાડા ચાર ફૂટની ઊંચાઈ ધરાવતી એ મહારાષ્ટ્રીયન સ્ત્રીની ઉંમર લગભગ પાંસઠની આસપાસ હશે. ખૂબ ગોરી અને માંજરી, લીલી આંખોની નીચે ભરાવદાર–લાલ ટામેટાં જેવા ગાલ. સાડા ચાર ફૂટ ઊભાની ફરતે એક ફૂટનું ગોળ ચકરડું દોરીએ ને જેટલો ઘેરાવો થાય એટલો એના શરીરનો ઘેરાવો હતો. એ ચાલતી ત્યારે એક ડગલું ભરતાં એને પાંચ સેકન્ડ લાગતી ને બીજું ડગલું મૂકતી વખતે તો એના શરીરનું બૅલેન્સ જાળવવામાં એનું અડધું શરીર નમી જતું. એણે પણ ટૂંકું ગુલાબી ટીશર્ટ અને જીન્સનું હાફ પૅન્ટ પહેરેલું !

બોટમાં ઊભેલા બે યુવાનો જેવા એને હાથ પકડીને ખેંચે કે તે જ સમયે નીચે ઊભેલો યુવાન એને કમરેથી ઊંચકીને બોટમાં ચડાવવા ધકેલે, તોય એનું શરીર થોડું ઘણું આમતેમ હાલીને થાકી, ફરી મૂળ સ્થાને ખોડાઈ જતું. એ સ્ત્રીનો દયામણો ચહેરો ક્યારેય નહીં ભૂલાય. એનો ચહેરો અને એની લાચારી જોઈ સૌને દયા આવતી હતી. આખરે એણે એના કાર્યક્રમ અને એની હોંશ પર ચોકડી મારી નાછૂટકે હૉટેલ પર જ પાછા ફરવું પડ્યું.

શરીર પ્રત્યે બેદરકાર રહેનારની હાલત જોઈ ધ્રૂજી જવાયું ને મનમાં નક્કી કર્યું કે, ઘેર જઈને.......(તરત જ સ્મશાન વૈરાગ્ય કોને કહેવાય તે યાદ આવી ગયું !)

(આ સાથે લેખનો આંકડો ‘સો’ના આંકડે પહોંચ્યો તેનો આનંદ.)

રવિવાર, 22 મે, 2016

પાતાળનગરીમાં લટાર

એરપોર્ટથી કાપાડોક્યાના રસ્તે અમને તો કંઈ સાઈટસીઈંગ કરવા જેવું નીં દેખાયલુ, ત્યારે આ ગાઈડ કોણ જાણે અમને હું જોવા લઈ જવાનો ઉતો! તે હો પાછો આખો દા’ડો! મેં તો એમ જ મન વારેલુ કે, અ’વે આઈવા જ છે તો ફરી લઈએ. બાકી અં’ઈ ફરવાલાયક કોઈ જગ્યા ઓ’ય એવુ દેખાતુ નીં ઉતુ. આ તો બે બે’નોને મજા પડે એટલે ને વરી ઓ’ટલની આજુબાજુ હો કંઈ ફરવા કે જોવાલાયક નીં ઓ’વાથી જ ઉં ટૂરમાં જોડાઈ. ઓ’ટલમાં આખો દા’ડો ઉં હું કરતે?

ખેર, રસ્તામાં ગાઈડે આ સે’રનો ઈતિહાસ કે’વા માઈન્ડો. મારે તો બધુ માથા પરથી જ જતુ ઉતુ. એક નામ બોલે તાં બીજુ ભૂલી જવાય એવા તો ભારી નામ! મેં જોયુ તો અંજુને હો બો રસ નીં પઈડો ને પારુલે કીધુ કે, જાં જહું તાં પાછુ બધુ કેહે એટલે હૂવુ ઓ’ય તો હૂઈ જાઓ. અમે તો ધીરે ધીરે ઝોકે ચઈડા. વેરાન ને ઉજ્જડ રસ્તામાં હું જોવાનું? એકાદ ઊંઘ નીકરી કે, અમારી ગાડી ઊભી ર’ઈ ને ઠંડા પવનનો સામનો કરતા બધા ઠુઠવાતા નીચે ઉતઈરા. આજુબાજુ નજર લાખી તો સંકુ આકારના, ધુરિયા ભૂંગરા ઊભા કરેલા ઓ’ય તેવા કેટલા બધા ભૂંગરા તાં દેખાયા. દૂર દૂર જાં નજર લાખે તાં એવા જ ભૂંગરા, ઊંચીનીચી ટેકરી પર ગોઠવેલા દેખાયા. આ પ્રદેસ એટલે આપણે ફિલ્મોમાં જોયેલી કોઈ સ્વપ્નનગરી જ જોઈ લેઓ. આ ફેરીચિમનીનો પ્રદેસ કે’વાય. અંઈ જાતજાતના નામની ચિમનીઓ છે. ગાઈડના કે’વા મુજબ આ વિસ્તાર સદીઓ પે’લ્લા જ્વારામુખીનો પ્રદેસ ઊતો. એની અસરને લીધે જાતજાતની ટેકરીઓ ને ખીણો ને ગુફાઓ બની ગઈ. આ સદીઓમાં સંસ્કૃતિઓ બદલાતી રહી ને પોતાની છાપ છોડતી રહી, તેને લીધે જે તે સમયના લોકોએ નરમ પથ્થરની ટેકરીઓ ને ગુફાઓને કોતરીને એમાં રે’વાલાયક ઘર બનાઈવા, ચર્ચ બનાઈવા ને જમાનાઓ વીયતા તે આજે એમાં ટુરિસ્ટો હારુ ઓ’ટલો હો બની ગઈ.

અમે ઓ’ટલથી નીકરેલા કે, થોડી વારમાં જ એક વેરાન જગ્યાએ, એક ગુફા આગર ગાઈડે ગાડી ઊભી રખાવેલી. અમને એમ કે, અસલના જમાનાના આદિવાસીઓના વંસજ અં’ઈ રે’તા ઓહે તે બતાવવા કદાચ લાઈવો ઓહે. અમારા આશ્ચર્ય વચ્ચે તો ગુફામાંથી એકદમ મોડર્ન કપડા પે’રેલા ચાર જણ અમારી ગાડીમાં આવીને ગુડ મોર્નિંગ...ગુડ મોર્નિગ કરતા ગોઠવાઈ ગયલા. એ તો અમારા મુંબઈવારા સહયાત્રી ઉતા જે આ ગુફા જેવી ઓ’ટલમાં ઉતરેલા. વાહ! જાં જઈએ તાંના થઈને રે’વાની હો મજા છે. અ’વે બીજી વાર તો કોને ખબર પણ જો પાછા અંઈ આવહું તો આવી કોઈ ગુફામાં જ રેહું. આ બધી ગુફાઓ જેમની તેમ પણ અંદર બધી હગવડ હાથે રાખેલી છે, નીં તો અંઈ કોણ રે’ય? રાતે તો આ જગાનો નજારો કંઈ અલગ જ લાગે. ઊંચીનીચી ટેકરીઓના ગોખલાઓમાં લાઈટ હલગતી દેખાય, નીચે રસ્તા પર નાલ્લા ઘરો ને ઓ’ટલોમાં લાઈટ દેખાય ને ગુલાબી પથ્થરવાલી પિન્ક વેલી હો છે તાં ચાંદની રાતે ફરતા ટુરિસ્ટો હો જોવા મલે. હા, અં’ઈયા આ બધી ઊંચીનીચી ટેકરીઓમાં દા’ડેના ને રાતના ફરવાવાલા સાહસિક ટુરિસ્ટો ખાસ બધા અનુભવો લેવા અં’ઈ રખડતા જોવા મલી જાય. ઘણી જગાએ તો એકદમ હાંકડા રસ્તા ને લપસણી કેડી. હરક્યા તો ગીયા કામથી! આપણે તો ભઈ સ’ઈસલામત પાછા ઘેરે પોં’ચવા જોઈએ, આ બધી ઈં’મત કરવા જેવી નીં મલે.

જોકે, ગાઈડ હો હમજુ ઉતો તે એક જગાએ બધાને ઊભા રાખીને દૂરથી બધુ બતાવીને હમજાવી દેતો ને જાં સલામત જગાએ લઈ જવાય તાં લઈ જતો. જોકે, આ બધા ભૂંગરા ને ચિમની નજીકથી અડકીને જોવા ઓ’ય તો થોડુ ઘણુ તો સાહસ કરવુ પડતુ. હરકતી રેતીવારી જમીન ઓ’ય કે થોડુ ઊંચુનીચુ ચ’ડાણ ઓ’ય તાં હાચવીને જવુ પડતુ, એટલે ઉં તો દૂરથી જ રામરામ કરી લેતી. આ’થ–પગ ભાઈન્ગા તો? મારી બે બેને મારા કરતા વધારે ઉત્સાહી, તે મારા વતી બધે જઈ આવતી.

ચાલો અ’વે, વરી પાછા ગાડીમાં ગોઠવાઈને પોં’ઈચા પાતાળનગરીમાં! બા’રથી કંઈ લાગે હો નીં ને ખબર હો નીં પડે કે, આપણે જાં ઉભેલા છે, તાં જમીનની અંદર...અંદર ને ખૂબ અંદર મોટ્ટી નગરી આવેલી છે! કાપાડોક્યામાં આવી તો છત્રીસ પાતાળનગરી છે! બાપ રે! મોટામાં મોટી કેમાકલી ને ઊંડામાં ઊંડી ડેરિનકુયુ. એક ભવ્ય નગરીમાં ઓ’ય તે બધુ જ અંઈ જોવા મલે. ઘોડાના તબેલા, રે’વાના આવાસો, લાંબા લાંબા પેસેજ, વાઈન બનાવવાના મોટા કારખાના, રસોડા, ચર્ચ ને કંઈ ભલભલુ! તણથી ચાર અ’જાર માણહ તાં ર’ઈ હકે એટલી મોટી આઠ મારની નગરી! જોકે બધુ તો નીં જોવાય પણ વાંકા વરી વરીને જયા જ કરવાનું એટલે જોતા જોતા થાકી હો જવાય. અમારો ગાઈડ તો એકદમ હબધો(હટ્ટોકટ્ટો–તંદુરસ્ત) ઉતો એટલે પે’લ્લા તો અમને થીયુ કે, આટલા હાંકડા રસ્તે એ કેમ કરીને જહે? પણ ગાઈડનું તો આ રોજનું લાગેલુ એટલે બધાની નવાઈ વચ્ચે એ સ’ઈસલામત પાછો આઈવો ખરો. અમુક જાડા ને વધારે ઉંમરવારા લોકો તો પેલ્લેથી જ બા’ર એક દુકાન ઉતી તેમાં બેહી રી’યા. બાકી બધા ધીરે ધીરે કરતા કલાકેક નગરીમાં ફરી આઈવા.

અ’વે લન્ચટાઈમ થયલો એટલે નજીકની એક હાઈવે ઓ’ટલમાં અમને જમાડી પછી ઉપઈડા ગોરેમના પ્રખ્યાત ઓપન એર મ્યુઝિયમ જોવા. અંઈયા નજીક નજીક ગોઠવેલા ઓ’ય તેવા સાધુઓના આશ્રમ કે વિહાર જેવા બાંધકામ છે ને દરેકમાં સુંદર પેઈન્ટિંગ્સ ધરાવતા ચર્ચ બનાવેલા છે. દરેક ચર્ચ હાથે જોડાયેલા અગિયાર મોટા રસોડા હો છે. જમાના જૂના આ બાંધકામો મ્યુઝિયમ તરીકે હારા હચવાયા છે.

તમારામાં આખો દા’ડો ચાલ ચાલ કરવાની તાકાત ઓ’ય તો જ આવી બધી ટૂરમાં જવુ, નીં તો આરામથી ઓ’ટલમાં બેહી રે’વુ. અમે હો કંઈ એવા પે’લવાન નીં ઉતા ને બો દા’ડાની તિયારી કરીને હો નીં આવેલા કે, જવાનુ છે તો ચાલો, થોડી કસરત બસરત કરીને ફિટ થઈને જઈએ. કોણ જાણે કાંથી આટલુ બધુ ચાલવાની તાકાત આવી ગયલી તે અમારા તોણમાંથી કોઈ હો, હૂતી વખતે બૂમ હો નીં પાડતુ કે, ‘ઓ બો પગ દુ:ખે કે ઓ થાકી ગીયા!’ ફરવાનું મલે ને, તો બધી તાકાત આવી જતી ઓહે, કોણ જાણે. નીં નીં કરતા તો અંઈયે હારુ એવુ જોવાનું મઈલુ! આવેલુ વસૂલ, બીજુ હું?
કેમાકલીની પાતાળનગરી

બલૂનરાઈડની મજા

પાતાળનગરીનું ચર્ચ

ખંડેરોમાં હૉટેલ


રવિવાર, 15 મે, 2016

પાયલટે આપી પાર્ટી

આ છેલ્લી ઘડીએ કરેલું તત્કાલ બુકિંગ હોવાથી બલૂનમાં ભીડ થઈ ગયેલી, બાકી તો બાર, પંદર કે વીસ પેસેન્જરવાળું બલૂન હોય. બલૂનમાં અંદરની તરફ કડીઓ ભેરવેલી, તે પકડીને સૌએ ઉભડક બેસી રહેવાનું. લોકો બેઠાં બેઠાં, એકબીજા પર ગબડી પડે એના કરતાં ઠીક ઠીક ટેકો રહે એ આશય બીજું કંઈ નહીં. બે પાંચ મિનિટ બેસવા માટે વધારે સગવડ શું કરવાની? જોકે એ લોકોએ સિનિયર સિટિઝનો માટે પણ વિચારવું જોઈએ ને? એમ તો, હવેના સિનિયરો કંઈ બધા જ ખખડી ગયેલા નથી હોતા કે, બલૂનમાં બેસતાં જ એટેક આવે કે એકાદ કૂદકો મારતાં જ ગબડી પડે! હવેના સિનિયરો તો જુવાનોને પણ શરમાવે એટલા ફિટ હોય, મારા જેવા અપવાદોને બાદ કરતાં. આવું મેં જાણ્યું હોત તો પહેલેથી જ ઘરમાં ખુરશી કે ટેબલના ટેકે ઉભડક બેસવાની પ્રેક્ટિસ કરીને આવતે. મેં જેમતેમ ઘુંટણ વાંકા વાળ્યા તો હું ભૂલમાં પારુલના ઘુંટણ પર બેસી ગઈ! ક્યારના ઊભા જ રહેલા તે પગ પણ જકડાઈ ગયેલા એટલે મને તો સારું લાગ્યું પણ પારુલની હાલત ખરાબ થઈ ગઈ. હવે તો જલદી બલૂનમાંથી ઉતારે તો સારું ભાઈ. કલાક તો ક્યાંય નીકળી ગયો તે ખબરેય નહોતી પડી ને તેની બધી ખબર હવે પડી રહી હતી. ઉપર તો બહુ મજેથી આજુબાજુ ઉડતાં ફરતાં રંગબેરંગી બલૂનોને ને બીજા ઊડનારાઓને જોઈને ખુશ થતાં, હવામાં ઉડતાં હતાં ને હવે ધરતી પર પગ ટેકવવાના આવ્યા ત્યારે બલૂનમાંથી બહાર નીકળવાનું ટેન્શન માથે સવાર થઈ ગયું.

જરાક વારમાં અમારા આવડા મોટા બલૂનને ને આવડી મોટી ભારેખમ બાસ્કેટને ઝીલવા માટે એક ટ્રેઈલર આવી ગયું. બાસ્કેટ હાલતીડોલતી બરાબર એના પર ગોઠવાઈ કે એક હળવો ઝાટકો લાગ્યો ને બલૂન લૅન્ડ થઈ ગયું. બધા પેસેન્જર્સને સહીસલામત ઉતારવા માટે બલૂન કંપનીનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો,. ખરેખર તો, બાસ્કેટમાં ચઢતી વખતે એટલું જોર નહોતું પડ્યું જેટલું હવે ઉતરતાં જોર પડવાનું હતું. ચઢતી વખતે તો બાસ્કેટમાં ઉભેલા કોઈ પણ આપણો હાથ પકડીને ખેંચી શકે એમ હતું કારણકે એની દિવાલોમાં એ લોકોએ પગ ટેકવવા માટે ખાંચા રાખેલા પણ હવે એમાં પગ મૂકીને બહાર નીકળાય તેમ નહોતું. બે–ચાર પગથિયાં સાથે ચડવાની ને ઉંચેથી કૂદકા મારવાની ટેવ હોય તેને જ ઉતરતાં ફાવે એવામાં અમારો મેળ કેમ પડે? અમે મૂંઝાયા પણ એ લોકોને તો રોજની આદત એટલે બે હટ્ટાકટ્ટા યુવાનો બાસ્કેટની સામે આવીને ઊભા રહી ગયા. બીજી બાજુ, બલૂનમાંથી હવા નીકળી ગયેલી એટલે એને બાસ્કેટથી અલગ કરવાનું કામ થવા માંડેલું. પેલી પાયલટ તો મસ્ત કૂદકો મારીને ચાલતી થઈ ને અમે બાઘાં મારતાં બાસ્કેટમાં જ ઊભા રહ્યાં.

કોઈ ટ્રકમાંથી સામાન ખાલી કરે ત્યારે મજૂરો જેમ પોટલાં ઊંચકી ઊંચકીને બાજુએ મૂકે તેમ પેલા છોકરાઓએ તો એક પછી એક પેસેન્જરને, બે હાથમાં નાના બાળકને ઉંચકતા હોય એટલી સહજતાથી ઊંચકીને નીચે મૂકવા માંડ્યા! લગભગ બાસ્કેટમાં બધાં જ સિનિયરો હતા એટલે કોઈએ કોઈ વિરોધ કે નખરાં ન કર્યાં. છૂટકો પણ ક્યાં હતો? અમે ત્રણ તો શરમના માર્યાં આંખ બંધ કરીને નીચે ઉતર્યાં. હવે જુવાનિયાઓ જેવી ફિટનેસ લાવવા શું કરી શકાય તે વિચારશું, બીજું શું? બધા ઉતરી રહ્યાં એટલે નજીકમાં કુંડાળું કરીને બધાંને ઊભા રાખ્યા. ત્યાં એક નાના ટેબલ પર કાચના ઘણા બધા નાના ગ્લાસ ગોઠવેલાં ને સાથે એક લાંબી બૉટલ! પેલી પાયલટે જાહેરાત કરી કે, ‘આપણી સફળ સફરની ઉજવણીરૂપે આપણે સૌ સાથે, એક એક પેગ શેમ્પેઈન પીશું ને પછી છૂટા પડીશું.’ ઓહ દારૂ? અમે તણે એકબીજા હામે જોયું. હું કરીએ? આ બધા લોકો આગળ ના કેહું તો ખરાબ દેખાહે ને વરી કોઈ મસ્કરી હો કરે કોણ જાણે!

અમારા ગ્રૂપમાં બધા વિદેશી હતાં પણ એક જોડું ભારતીય હતું ને પાછું જુવાન. પેલો
જુવાનિયો તો પાયલટથી એટલો બધો અંજાઈ ગયેલો કે, પત્નીને ભૂલીને કંઈ કંઈ વાતને બહાને પાયલટની આગળપાછળ ફર્યા કરતો. ઉત્સાહમાં ને ઉત્સાહમાં શેમ્પેઈનની બૉટલ એણે લઈ લીધી. અમને થીયુ, કે એખલો જ પી જવાનો કે હું? ના, એને તો રસ હતો સ્ટાઈલમાં બૉટલ ખોલીને બધા પર ઉડાડવામાં! એ બધું કરવામાં એ ગડથોલિયું ખાતાં બચ્યો એટલે બીજા ક્રૂ મેમ્બરે બૉટલ લઈને બધાના ગ્લાસમાં માપ મુજબ રેડવા માંડ્યું. બધાએ હાથ ઊંચો કરીને આનંદ વ્યક્ત કર્યો એ જોઈને અમે પણ હાથ લાંબા કર્યા. પછી બધાંએ ગ્લાસ મોંએ માંડ્યાં ને અમે તો દવા સમજીને કે પછી બલૂનવાળા બાબાનો પ્રસાદ સમજીને ગટ ગટ પીને ગળા નીચે ઉતારી ગયાં! ઘણાંને તો થયું હશે કે, આટલામાં શું મોં બગાડ્યું? ખેર, આનંદની ક્ષણોને વધાવવાની દરેકની અલગ રીત હોય ને તેને આપણે માન આપવું પડે. પછી સમૂહ તસવીર ખેંચાઈ અને બધાના ગળામાં કંપનીના નામના મેડલ પહેરાવાયા. ભઈ, એક સાહસિક હવાઈયાત્રા કરી હતી બધાએ! બાય બાય કહેતાં ને બલૂનની સંતોષયાત્રાને વાગોળતાં સૌ પોતપોતાની ગાડીઓમાં હૉટેલ તરફ રવાના થયાં.

હવે અમારે ફરી ઘડિયાળના કાંટે ભાગવાનું હોઈ ઉતાવળે બધો સામાન લઈ અમે નીચે હૉલમાં આવ્યાં. એક તરફ નાસ્તાનો ટાઈમ ને બીજી તરફ ગાઈડ માથા પર આવીને ઊભો રહી ગયો. ‘જલદી કરજો, આપણે પાંચ મિનિટમાં નીકળવાનું છે.’ ઓહ! પાંચ જ મિનિટ? બલૂનની દોડાદોડીમાં કટોકટ સમય થઈ ગયેલો એટલે અમે નાસ્તાને કમને બાય બાય કર્યું. મન વાઈરુ કે, હવારે તો નાસ્તો કરેલો જ ને! તો હો, ઓ’ટલનો નાસ્તો તે ઓ’ટલનો નાસ્તો. ખાન ઓ’ટલની યાદ આવી ગઈ. એવો નાસ્તો ઓહે તો? કઈ નીં, અ’વે ગાઈડની ગાર નથી ખાવી. રસ્તામાં થેપલા ને ડ્રાયફ્રૂટ ને એવુ ખાઈ લેહું. વચ્ચે હો કેથે ઊભા તો રેહું ને? તાં ચા–નાસ્તો કરહું. અ’મણાં ચાલો પણ. અમારી મીની વૅનમાં અમે છેલ્લી સીટ પર જઈ ગોઠવાઈ ગીયા જેથી આરામથી બે બારી હો મલે ને પગની તકલીફ ઓ’ય તેને આરામથી વચ્ચે બેહવા હો મલે.

ગઈ કાલે સાઈટસીઈંગ હારુ નીકરેલા ત્યારે ગાઈડે પોતાની ઓરખાણ આપેલી, ‘હલો, માય નેમ ઈઝ આયડન.’ ત્યારે જ થયલુ કે, હેં? આવુ કેવુ નામ? (વચ્ચે હેવ મૂકવાનું ભૂલી ગયલો કે હું?) મેં ગમ્મત કરેલી, ‘આ લોકોમાં તો હુડન, યુડન ને હીડન કે શીડન હો આવતા ઓહે કેં?’ ‘પ્લીઝ, તારા ફાલતુ જોક્સ તારી પાંહે રાખજે હેં કે!’ મને વિનંતી થયેલી ને મેં મનમાં ને મનમાં, આઈડન, યુડન, હી–શી–ઈટડન જેવું કંઈ કંઈ ગોઠવવા માંડેલુ. હું થાય? ટાઈમ હો તો કા’ડવાનો ને?


પછી તો અમે વાતે લાઈગા કે, કાલે આપણે કાં ફરવા ગયલા ને હું થયલુ ને કેવી મજા આવેલી! 

રવિવાર, 8 મે, 2016

બલૂનમાંથી ભૂસકો

બલૂનરાઈડ તો જાણે અમારા માટે જીવનમરણનો પ્રશ્ન બની ગયો. મળસ્કે ચાર વાગ્યા પહેલાં, ઊઠીને તૈયાર થતાં થતાં તો અમારા ત્રણેયની નજર ઘડી ઘડી બારીની બહાર ફરી આવતી. ભઈ પવન તો વધારે જોરમાં નથી ફૂંકાતો ને? બલૂન ઊડહે એવું લાગતુ છે? બલૂનદર્સન કરવા મલહે ખરું? અમારો ફેરો ફોગટ તો નીં જાય ને? ઊંચા જીવે તૈયાર થઈને નીચે હૉલમાં પહોંચ્યાં તો અમને લેવા માટે ગાડી હાજર હતી. એનો અર્થ કે, બલૂનમાં ઉડવા મળવાનું. હાશ! એ સવારે પણ અંધારું હતું ને ગાડી ત્યારે પણ ભાગતી હતી તોય અમને કોઈને બીક ન લાગી! પંદરેક મિનિટ અંધારાને માણ્યા પછી દૂર અજવાળું ને થોડી ગાડીઓ દેખાઈ. સવારની પહેલી રાઈડ માણવા બીજા પ્રવાસીઓ અમારી જેમ જ હાજર થઈ ગયેલા. વાહ, બલૂનમાં જવા આટલા બધા લોકો આવી પણ  ગયા? અમે ર’ઈ તો નીં જઈએ ને? ભઈ એવું છે કે, જો બલૂનમાં બેહવાનું નક્કી ઓહે તો જ બેહાહે નીં તો દહ ધક્કા ખાઈને હો પાછા ફરવાનું છે. જોઈએ હું થાય તે.

એક મોટા મેદાનમાં, એક મોટા તંબૂમાં સૌ માટે ચા–કૉફી ને નાસ્તાની વ્યવસ્થા હતી. અમે તો ખુશ. મેં હરખાતાં કહ્યું, ‘હાસ, આ લોકો આપણું હારુ ધ્યાન રાખતા છે. બાકી તો, આપણને આટલી ઠંડીમાં વે’લ્લી હવારે ચા પાવા કોણ નવરુ ઓ’ય?’ ‘અરે, બો ખુસ નો થા. આ બધુ તો આપણે પૈહે જ છે. ઓ’ટલ પરથી લાવવા લઈ જવાનું ને આ ચા–નાસ્તા કરાવવાનું બધુ બલૂનના ભાડામાં સામેલ છે. અ’જુ બીજી હો ભેટ મલહે તુ જોયા કરજે.’ ‘કઈ નીં. આપણને તો ચા મલી એટલે સાંતિ.’ બધાનાં બલૂન તૈયાર થાય એટલી વાર સૌ ગપ્પાં મારતાં રહ્યાં. થોડી વારમાં દરેક બલૂનના અલગ ગ્રૂપ બની ગયા અને તે મુજબ બધા જુદી જુદી ગાડીઓમાં વારાફરતી રવાના થયા અને પોતપોતાના બલૂન પાસે જઈ ઊભા રહી ગયા.

હૉટેલમાંથી નીકળ્યા પછીની દરેક ક્ષણનો અમે રોમાંચ માણતાં હતાં. ‘ઓહ આમ! ઓહ તેમ! આ જો! પેલુ જો! અરે આ તો આવુ બલૂન! ઓહ આવી બાસ્કેટમાં જવાનું? બાપ રે! આ તો એક રૂમ જેવી બાસ્કેટ! કેટલી ભારે ઓહે! ને પાછા એમાં આટલા બધા બેહવાના? તે ઊંચે કેવી રીતે જહે? હાઈઈઈ બો મજ્જા આવ્વાની. હાઈસ, હારુ થીયુ કે આજે પવન હો બો જોરમાં નથી ને વરહાદ હો નથી ને આપણો પત્તો હો પડી ગીયો. રાતના પેલો પોઈરો નીં મઈલો ઓ’તે ને ગાઈડ નીં ઓ’તે તો તો આપણે રવડી જ પડતે.’ અમે લોકો બલૂનની તૈયારી જોતાં ઊભા રહ્યાં. મોટા રંગબેરંગી બલૂનને, અમે જે બાસ્કેટમાં બેસવાના હતા તેની સાથે મોટા દોરડાંઓ વડે બંધાઈ રહ્યું હતું. જાડા નેતરની એક મજબૂત બાસ્કેટમાં છ ખાનાં હતાં ને દરેકમાં ચાર ચાર જણે ઊભા રહી જવાનું હતું. અમને તો એમ કે, અંદર બેહવા હારુ કંઈ ખુરસી બુરસી ઓહે કે પછી એક છેડેથી બીજે છેડે આરામથી અ’રીફરી હકાય એટલી જગા તો ઓહે જ. પણ એ તો જેમતેમ અંદર ચઈડા પછી જ ખબર પડી કે, એક વાર જેમ ઊભા રી’યા તેમ જ ઊભા રે’વાનું ને એક ઈંચ હો ખઈસા વગર જગ્યા પર જ ફરવુ ઓ’ય તો ફરાય, બાકી કઈ નીં. ચાલો અ’વે જે છે તે, વરણાગી કઈરા વગર મજા લેઓ. બધે જ બધી હગવડ કાં જોયા કરવાની? પત્તો પઈડો તે કે’ઓ નીં.

અમારા સૌના આશ્ચર્ય વચ્ચે અમારા બલૂનની પાઈલટ એક ટર્કિશ સ્ત્રી હતી! વાહ, એક મુસ્લિમ દેશની યુવતી આજે જગમશહૂર બલૂનની પાઈલટ છે, કે’વુ પડે! હવે એ ટર્કિશ હતી એટલે સુંદર જ હતી એ તો સમજી જ લેવાનું હોય, જેમ કોઈ કાશ્મીરી કન્યા સુંદર જ હોય તેવું. સુંદરતાની સાથે પાઈલટ હોવાને કારણે એ જબરી સ્માર્ટ હતી. જેમ જેમ બલૂન ઊંચે ચડતું ગયું તેમ તેમ એની કાબેલિયત ને એનાં મજબૂત બાવડાંને અમે પ્રશંસાભરી નજરે જોઈ રહેતાં. અમે તો છેલ્લે એનાં વખાણ બી કરેલા, ‘પહેલવાન છે હં બાકી!’ એ તો ખુશ થઈ ગઈ ને મસ્ત સ્માઈલ આપીને કોઈ જુવાનને શરમાવે એમ ચાલતી થયેલી. અમે તો તરત જ આપણી હીરોઈનોને બબડવા માંડેલાં, ‘આપણે તાં બધી ઈ’રોઈન ઈન્સપેક્ટર બને તેમાં હો કેટલો મેકઅપ કરે ને કેટલી સ્ટાઈલ મારે? આને જોઈ ઓ’ય તો બધી ઠંડી જ થઈ જાય.’

ગઈ કાલે જે જગ્યાઓએ અમે ફરવા ગયેલાં તે બધી જગ્યાઓ પરથી અમે બલૂનમાં ચક્કર મારતાં હતાં. પેલી પાયલટ વચ્ચે વચ્ચે દરેક જગ્યાનાં નામ પણ બોલતી હતી ને સમજાવતી પણ જતી. કેટલા મીટર ઊંચે આવ્યાં ને કેટલા મીટર ઊંચે જઈ શકાય ને એ પોતે કેટલા મીટર સુધી લઈ જઈ શકે તે બધું કહેતી હતી. તે દિવસે સૂરજ અમને દર્શન નહોતો આપવાનો ને વાદળિયું વાતાવરણ હતું એટલે સૂર્યોદય તો અમને જોવા ન મળ્યો. પવન પણ ઠંડો હતો એટલે વધારે ઊંચે જઈ શકાય તેમ નહોતું તોય એ અમને સાડા સાતસો મીટર ઊંચે લઈ ગઈ. બલૂન એકદમ ધીરે ધીરે ઊંચે ચડેલું અને તેવું જ ધીરે ધીરે બધે ફરતાં ફરતાં અમને અલૌકિક આનંદનો અહેસાસ કરાવી રહ્યું હતું. આ એક એવો લહાવો હતો, એક એવો અનુભવ હતો કે જે કદાચ અમે ફરીથી માણી શકીશું કે કેમ તે સવાલ હતો. અમે સતત આજુબાજુ અને નીચે નજર ફેરવ્યા કરતાં હતાં.

નીચે તો કોઈ નદી નહીં કે દરિયો નહીં, કોઈ છાપરાં નહીં કે ઊંચા મકાનો નહીં કે નાળિયેરીનાં વૃક્ષોની હાર નહીં. હતાં તો ખંડેર જેવા બાંધકામો ને કુદરતી ભૌગોલિક રચનાઓ જેને કારણે કાપાડોક્યા પ્રસિધ્ધ છે. જ્વાળામુખીના કારણે બનેલી અદ્ભૂત ખીણો, ગુફાઓ ને ટેકરીઓ એક અલગ જ દ્શ્ય ઊભું કરે છે. એ ગુફાઓમાં પાછી હૉટેલો બની છે ને ચર્ચો પણ બન્યાં છે! દ્રાક્ષના બગીચા (વાઈનયાર્ડ્સ) ને ફળોના બગીચા પરથી હળવે હળવે બલૂન પસાર થાય ત્યારે આહાહા! પેલી પાયલટ તો જ્યારે કોઈ દોરી ખેંચીને બલૂનમાં ગૅસ ભરતી(એવું અમને દેખાતું) ત્યારે આગના ભડકા ઉઠતા ને અવાજ આવતો, ભખ ભખ ભખ ભખ! પછી પાછી અમને બધું સમજાવવા લાગતી ને સતત નીચે જમીન પરના સ્ટાફ સાથે પણ સંપર્કમાં રહેતી. સબ સલામત હૈ! હવે અમે આટલા ઊંચે આવ્યાં ને હવે અમે અહીંથી પસાર થઈએ છીએ વગેરે વગેરે. એની ટર્કિશ ભાષા હતી નહીં તો અમે પણ કંઈ મમરા મૂકવા લાગતે. એક કલાકની અમારી સફર હતી એટલે એણે એનો સમય થતાં અમને જણાવ્યું કે, ‘હવે આપણું બલૂન નીચે જશે. કોઈ ગભરાશો નહીં ને જ્યાં સુધી હું કહું નહીં ત્યાં સુધી કોઈએ બલૂનમાંથી ઉતરવાનું નથી.’ અમે ફરી આજુબાજુનો નજારો માણવા માંડ્યો. ફરી ક્યાં અહીં આવવાનું હતું? બલૂનમાં બીજા પ્રવાસીઓ વાત કરતા હતા કે, દુનિયામાં આ રાઈડ જ વધારે વખણાય છે. સાંભળીને અમને અમારા પૈસા વસૂલ લાગ્યા.


બલૂન જમીનથી થોડા જ ફૂટ ઊંચે હતું કે, અમને સૌને પાયલટે ઘુંટણથી પગ વાળીને અધ્ધર બેસવા કહ્યું જેથી બલૂન ઉતરે ત્યારે ઝાટકો ન લાગે. બલૂનમાં તો ફક્ત ઊભા રહેવાની જગ્યા હતી તોય જેમતેમ અમે એકબીજાને ટેકે ઘુંટણિયે વળ્યાં ને અધ્ધર રહ્યાં. ફિટનેસના અભાવે એક એક સેકંડ ભારે લાગતી હતી. હવે બલૂનમાંથી ઉતરવાની વિકટ ઘડી આવી. કેવી રીતે ઉતરશું? ‘અ’વે નજીક જ તો આવી ગયલા છે. એના કરતા બલૂનમાંથી ભૂસકો જ મારી દેય તો ચાલે કે નીં?’ હું બબડી. મને દેખાયું નહીં પણ મારી બેનોના ડોળા મેં અનુભવ્યા ને તેમાં ભૂલમાં હું તો પારુલના ઘુંટણ પર બેસી ગયેલી! એક હળવી ચીસ ઊઠી ને મારી ન ઊઠી શકવાની મજબૂરી! હવે?

રવિવાર, 1 મે, 2016

બલૂનમાં લટકી ગીયા

‘મેડમ, આપને તો બલૂનરાઈડ ભી ઈનક્લૂડેડ હૈ ઐસા બોલા થા ઔર પેપરમેં તો કુછ લિખા નહીં હૈ!’ અંજુએ પેલી ટૂરવાળીને ખખડાવવાના ઈરાદાથી જ ફોન કર્યો પણ આપણે સજ્જન છીએ તે સાબિત કરવા શરૂઆત તો ધીરેથી જ કરવી પડે ને?

‘મૈંને બલૂનરાઈડકા કુછ નહીં બોલા થા.’ મેડમનો ચોખ્ખો નન્નો સાંભળીને પારુલે ફોન હાથમાં લઈ લીધો, ‘મેડમ, આપને મુજસે બાત કી થી તબ આપને બલૂનકા બોલા થા, મુજે બરાબર યાદ હૈ. શાયદ આપકો યાદ નહીં હોગા.’
‘મેરી યાદદાશ્ત ઈતની ભી બૂરી નહીં હૈ. મૈંને બલૂનકી બાત તો કી હી નહીં થી.’
ચાલો પત્યું? હવે એ ત્યાં ઈન્ડિયામાં રહીને દાદાગીરી કરે ને અમે નિરાધાર જેવાં અહીં ટર્કીમાં, કરીએ તો પણ શું કરીએ? ફોન પર ખોટી જીભાજોડીમાં પૈસા પણ ન બગાડાય ને? જોકે, આવા સમયે તો મગજ ગુમાવવાનું કે અફસોસ કરીને બેસી રહેવાનું પણ પાલવે નહીં. પારુલે તો ટૂર કંપનીના માલિકને જ હીધો ફોન લગાઈવો. એની હાથે વાત થાય તે પેલ્લા મેં તો એ લોકોને ના હો પાડી ને બલૂનના નામનું ના’ઈ લેવા કીધુ, ‘બેઠા જ છે અ’વે બલૂનમાં. જવા દેઓ. બીજે કેથે ફરવા જહું ત્યારે પે’લ્લેથી જ બલૂનનું બધુ નક્કી કરીને જ જહું, બીજુ હું?’ એટલુ હાંભરતા વારમાં જ બેઉ જણીએ મારા પર તૂટી પડી, ‘તુ બધે એમ ફસકી નો પડ. જાં હુધી કંઈ પત્તો નીં પડે તાં હુધી તુ કંઈ જ બોલતી નો. અમે બધુ ગોઠવી લેહું.’ હું ચૂપચાપ એક બાજુએ બેસીને તમાશો જોતી રહી. છેલ્લી ઘડીએ અ’વે કંઈ થાય નીં. આ લોકો અમથુ માથુ દુખવતા છે. મેં ફોનની વાત સાંભળ્યા કરી. એ બંને તો આ પાર કે તે પાર કરવાના જુસ્સામાં.

પારુલે જ્યારે પહેલી વાર ફોન કર્યો ને બધી વિગત જણાવી ત્યારે માલિકે ખૂબ શાંતિથી જવાબ આપ્યો, ‘હું જોઉં છું, કંઈક ગોઠવી આપું.’ થોડી વાર જવાબની રાહ જોઈને પાછો એને ફોન લગાવ્યો તો એણે કહ્યું કે, ‘તમારા ગાઈડ સાથે વાત કરો. એ બધું ગોઠવી આપશે.’ ગાઈડનો ફોન બહુ વાર સુધી ન લાગ્યો એટલે ફરી પેલા માલિકના દ્વારે ઘંટ વગાડ્યો. માલિક તો કંટાળી ગયા હશે તે ચિડાઈ ગ્યા! ‘મેડમ, મૈં યહાં સિંગાપોર મિટિંગમેં બૈઠા હૂં, પ્લીઝ આપ અપને ગાઈડસે બાત કિજીએ.’ (‘જો મેં ક’યલુ ને?’ એટલું બોલવા પર મેં સંયમ રાઈખો નીં તો મારુ આવી બનતે.) તરત જ અમે ત્રણ નીચે રિસેપ્શન પર ગયાં. અમારો ગાઈડ તો સવારે આવવાનો હતો. રિસેપ્શન પર અમે બધી વાત સમજાવી ને બલૂનનું કંઈ ગોઠવી આપવા કહ્યું. એ ભાઈ તો કોઈ બલૂનવારા હાથે વાતે લાઈગો. જો એ લોકો એકબીજા હાથે ઈંગ્લિસમાં વાત કરતા ઓ’તે તો અમારાથી એમાં ડબકુ હો મૂકાતે. પેલા હાથે રિસેપ્સનિસ્ટે હું વાત કરી ખબર નીં પણ પેલો અમને બીજે દા’ડે હવારે બલૂનમાં લઈ જવા તૈયાર થઈ ગ્યો! અમે તણ્ણેવ તો ખુસમખુસ! હાસ, મેર પઈડો ખરો. મને હો પછી થીયુ કે, આ લોકોની વાત તો હાચી છે. એમ જીરીક અમથી વાતમાં ફસકી નીં પડવાનુ. છેલ્લે હુધી કોસિસ તો ચાલુ જ રાખવાની. હવારે પાંચ વાગે એ લેવા આવી જહે એમ જણાવી ગીયો એટલે અમે ખાઈ પીને નિરાંતે હૂતા. ખાવાનું હારુ ઉતુ.

સવારમાં પાંચ વાગ્યામાં ચાનો કંઈ મેળ પડ્યો નહોતો ને રૂમમાં પણ ચા મૂકવાની કિટલીની સગવડ નહોતી એટલે અમે સુસ્તીમાં હોવા જોઈતાં હતાં પણ બલૂનમાં ઉડવાના વિચારમાત્રથી અમે અજબ સ્ફૂર્તિમાં હતાં. પેલો રાતવાળો છોકરો અમને લેવા આવી ગયેલો. અમે તો બલૂનમાં બેસવાના ઉત્સાહમાં જોયું પણ નહીં કે, અમારાં ત્રણ સિવાય હૉટેલમાંથી બીજું કોઈ જ સાથે આવ્યું નહોતું. રસ્તા પર તો દૂર સુધી ઘોર અંધારું ને ગાડી તો ફરફરાટ ભાગવા માંડી! સાલુ અજાઈણા સે’રમાં ઈં’મત તો કરી લાખીએ ને પછી પાછા ફફડવા હો માંડીએ! પાંચેક મિનિટમાં એક હૉટેલ આગળ ગાડી ઊભી રહી ને ત્યાંથી બે ગુજરાતી પેસેન્જરને બેસાડ્યાં. અંધારામાં તો અમને ખબર ન પડત પણ વાતચીતમાં ઓળખાઈ ગયાં. એમનો પહેરવેશ તો ઠંડીને લીધે અંગ્રેજો જેવો જ હતો ને અહીં કોઈ ગુજરાતીની તો અમે આશા જ નહોતી રાખી. અમેરિકાના હર્ષાબેન પટેલ એમના મિસ્ટર સાથે બલૂનરાઈડની મજા લેવા આવેલાં. ઔપચારિક વાતો થઈ ને જ્યાંથી બલૂનરાઈડ માટે બધાંને લઈ જાય તે જગ્યાએ સૌ પહોંચ્યાં. અમારા જેવાં ત્યાં ઘણાં હતાં. જોરદાર ઠંડા પવનમાં ઠૂંઠવાતાં સૌ ઊભેલાં. વળી એક વાર પેલું નસીબ કે’વાય કે હું? તે આડુ ફાઈટુ ને ખરાબ વેધરને કારણે તમામ રાઈડ કૅન્સલ થઈ છે એવી જાહેરાત થઈ ગઈ!

ખલાસ! અવે તો કોઈને હો દોસ નીં દેવાય. કાલે હવારે તો અંઈથી નીકરી હો જવાના. આખરે અમે બલૂન બલૂન કરતા લટકી પઈડા. ચાલો નસીબમાં ઓ’ય તે ખરુ એમ બબડતાં અમે ફરી ગાડીમાં ગોઠવાયાં. હૉટેલ પર નિરાશ વદને પહોંચ્યાં ને રૂમમાં જઈ લટકેલા મોંએ બેસી રહ્યાં. કંઈ વાત કરવાનું કે નાસ્તો કરવા જવાનું પણ મન ન થયું. એટલામાં અમારા ગાઈડનો ફોન આવ્યો. ‘મૅડમ, નવ વાગે તૈયાર રહેજો. આપણે સાઈટસીઈંગ માટે જવાનું છે, નીચે હૉલમાં આવી જજો.’ ફરવા જવાના વિચારે અમારામાં ફરી સ્ફૂર્તિ આવી ગઈ. ચાલો બલૂન ના સહી પણ બાકી શહેર તો જોઈ લઈએ. અમે તૈયાર તો હતાં જ, નીચે નાસ્તો કરવા પહોંચી ગયાં. જાતજાતનું ખાવામાં બલૂનના દર્દને ઓછું કર્યું. ખાતાં ખાતાં સતત પહેલા ગાઈડને યાદ રાખીને અમે સમયસર નવ પહેલાં ગાઈડની સામે હાજર થઈ ગયાં. ગાઈડે પોતાની ઓળખાણ આપી ને અમારું સ્વાગત કર્યું. ટર્કિશ ગાઈડ પચાસેકની ઉંમરનો હતો. ઊંચો ને જાડો કહેવાય એવો તંદુરસ્ત પણ પહેલી નજરે જ એકદમ સજ્જન ને વિવેકી હોવાની છાપ એણે પાડી દીધી. હવે પછીની અમારી બાકીની ટૂરનો ગાઈડ સારો મળવા બદલ અમે ખુશ થયાં. એક દિવસ કાપાડોક્યામાં ફરીને બીજે દિવસે સવારે નવ વાગે, અમારે અમારી સ્પેશ્યલ મિનિ બસમાં નીકળી જવાનું હતું પામાક્કૂલે જવા માટે. સંગાથમાં બીજા આઠ અમારા જેવા જ પ્રવાસીઓ. ચાર ભારતીયો મુંબઈથી, બે જાપનીઝ બહેનો અને એક પતિ–પત્ની બધા બ્રાઝિલથી. આખો દિવસ ફરીને સાંજે હૉટેલ પર અમે પાછાં ફર્યાં કે, ત્યાં પેલો બલૂનવાળો છોકરો, બીજા દિવસે જો વેધર સારું હોય તો બલૂનરાઈડનું પૂછવા આવેલો! અમે ત્રણે એકબીજા સામે જોયું ને એને હા પાડી દીધી. ગાઈડ પણ સાથે જ હતો. ‘જો નવ વાગ્યા પહેલાં તમે હૉટેલ પર પાછાં ફરતાં હો તો મને કોઈ વાંધો નથી.’ અમે એને જ કહ્યું કે, ‘તમે જ પેલા છોકરાને પૂછીને નક્કી કરી લો.’ સવારની પહેલી સફરમાં જો અમે જઈએ તો જ અમે આઠ–સાડા આઠે હૉટેલ પર પાછાં પહોંચી શકીએ ને તો જ નવ વાગ્યે પામાક્કૂલે માટે નીકળાય! ગાઈડે બધી ગોઠવણ કરી દીધી ને બીજી સવારે ફરી અમે બલૂનરાઈડ માટે તૈયાર, મનમાં પ્રાર્થના કરતાં કે, હે બલૂનવાળા બાબા, અહીંની વેધર ને અમારી રાઈડ તમારા હાથમાં છે. અમારા સામું જોજો. તમારા દ્વારેથી અમે ખાલી હાથ પાછા ન જઈએ એટલું તો કરજો બાબા.’