શનિવાર, 2 નવેમ્બર, 2019

સજોડે ફોટો પડાવો


લગ્ન પછી જ્યારથી સજોડે ફોટા પડાવવાની પ્રથા અમલમાં આવી હશે, ત્યારથી આજ સુધીમાં જમાના પ્રમાણે એમાં અધધ ફેરફારો આવી ગયા. અસલ તો જાહેરમાં સજોડે ફોટા પડતા નહીં એટલે શોખીન જીવડાંઓના જોડાંઓ બિચારા ખાસ પડદાવાળા સ્ટુડિયોમાં જઈને ફોટા પડાવતા. એ જમાનાના સ્ટુડિયોમાં તો શું હોય? એકાદ સારામાંની ખુરસી હોય તો ભયો ભયો. બાજુમાં એકાદ ટિપોય ઉપર, એકાદ નાનકડા ફ્લાવરવાઝમાં રંગીન પ્લાસ્ટિકના ફૂલો સજાવીને મૂક્યા હોય તો સોનેપે સુહાગા. ફોટોગ્રાફરને જેવી જોઈએ કે જેવી સમજાય તેવી લાઈટ્સ હોય ને સામે ગંભીર ચહેરાવાળા ગ્રાહક હોય જેમને છેલ્લી ઘડીએ, એ લોકો કરે કે ન કરે તોય ‘સ્માઈ...લ’ કહેવાનું હોય.

ખાલીખમ સ્ટુડિયોને ભારેખમ બનાવતા પતિ પત્ની આમતેમ ફાંફાં મારતા ફોટોગ્રાફરના હુકમની રાહ જોતાં હોય. ‘અહીં બેસો’ના આગ્રહ પછી ખુરસી પર વટથી બેસતા પતિની પાછળ ક્યાં ઊભા રહેવું ને કેમ ઊભા રહેવું તે મૂંઝારો અનુભવતી પત્ની ફોટોગ્રાફર સામે જોતી હોય. હવે એ જમાનામાં તો ફોટોગ્રાફરો સ્ત્રીઓને હાથ લગાવતા નહોતા! એટલે સ્ત્રીના માથે હાથ મૂકીને એનું માથું ફેરવી નહોતા શકતા. ન તો એ બહેનની દાઢી પકડીને ઊંચીનીચી કરી શકતા. જમાદાર જેવો પતિ પણ ત્યાં બેઠો હોય પાછો, એટલે કહે તો પણ શું કહે? ‘આમ જુઓ બેન, આ કૅમેરા સામે જુઓ. થોડું ઊંચે...નહીં થોડી ડાબી બાજુ ડોકી ફેરવો. બસ બસ બસ. આટલી બધી નહીં. હવે થો...ડી જમણી બાજુ...હંઅઅ...બસ. હવે નજર સ્થિર રાખજો ને સાહેબ તમે ડોક થોડી ટટાર કરજો.’ આ સાંભળતાં જ, એક તો ભાઈની ડોક પહેલેથી ટટાર હોય તેમાં બે ઈંચ વધારે ઊંચી થઈને અકડી જાય.

ભાઈ તો ફોટો પડાવવા જાણે જંગમાં ગયા હોય એમ પહેલેથી જ અપટુડેટ થઈને ગયા હોય એટલે સ્ટુડિયોમાં ટાંગેલો કોટ કે ત્યાંની ગંધાતી ટોપી પહેરવાનો પ્રશ્ન જ ઊભો ન થતો. આખી બાંયના સફેદ ખમીસની ઉપર મોટે ભાગે કાળો કોટ ને સરસ પાટલી વાળેલું ધોતિયું, માથે સફેદ કે કાળી ટોપી અને મોં પર મણનો ભાર હોય એવી ગંભીર મુખમુદ્રાવાળો પતિ એક ખુરસી ઉપર ગોઠવાતો! એની બરાબર જમણી બાજુએ સ્વસ્થ દેખાવાનો પ્રયત્ન કરતી પણ ગંભીર દેખાતી, સુઘડ ને વ્યવસ્થિત રીતે માથે પાલવ ઢાંકીને પહેરેલા ગુજરાતી સાડલાવાળી ને અંબોડાવાળી કે બે ચોટલાવાળી પત્ની ગોઠવાતી. ભૂલમાંય કોઈનાય ખભે કોઈનોય હાથ દેખાતો નહીં. ફોટોગ્રાફર ભૂલમાં જ ‘સ્માઈલ પ્લીઝ’ બોલી કાઢતો. (જો હસવું ન હોય તો આવા લોકો ફોટા કેમ પડાવતા હશે?)

પછી જમાનો થોડો બદલાયો. પત્નીના માથેથી પાલવ ગયો ને પતિના ધોતીયા અને શર્ટ વત્તા કોટની જગ્યાએ શર્ટ પૅન્ટ આવી ગયા. પત્ની ખુરશી પર બેસતી થઈ ને પતિ ખુરશીના ટેકે ઊભેલો દેખાયો. (સ્ટુડિયોમાં કે ફોટોમાં બે ખુરસીનું ચલણ કેમ નહોતું?) તોય બન્નેના ચહેરાના હાવભાવ તો જૈસે થે–ગંભીર જ. શું ત્યારે પણ ફોટોગ્રાફરે એમને ‘સ્માઈલ પ્લી...ઝ’ જેવું કંઈ કહ્યું નહીં હોય? કોણ જાણે. અરે! કોઈના કહેવાનીય શી જરૂર? ફોટો પડાવતી વખતે તો ફોટામાંય બતાવવું જરૂરી હોય કે અમે એકબીજા પ્રત્યે બહુ ગંભીર છીએ.

વળી જમાનો થોડો બદલાયો અને ફોટામાં પતિ પત્નીના ખભે હાથ મૂકતો થયો. એવા ફોટા બહુ સહેલાઈથી પડતા નહીં હોય એવું બન્નેના મોં પરથી જ જણાઈ જાય. કાં તો પત્નીના ખભા પર ઢાઈ કિલોનો હાથ પડતો હશે તે પત્ની ખભો ઊતરી જવાની બીકમાં રડું રડું થઈ રહી હોય ને પેલો અણઘડ ફોટોગ્રાફર કારણ જાણ્યા મૂક્યા વગર વારંવાર, ‘સ્માઈલ પ્લીઝ...સ્માઈલ પ્લીઝ’ કર્યે રાખતો હોય અથવા તો પતિને એમ થતું હશે કે ‘મારે ક્યાં સુધી આનો ટેકો લેવો?’ ઘણા ફોટામાં તો પત્ની શરમાતી હોય ને પતિએ પત્નીને ખભેથી જોરમાં પકડી રાખી હશે એવું સ્પષ્ટ જણાઈ આવે. ‘બેસ હવે, ક્યાંય નથી જવાનું.’ અથવા તો, ‘પ્લીઝ બેસી રહેજે મારી મા.’ ખેર, બહુ માથાકૂટ વગર ભારેખમ ફોટા પડી જતા.

ત્યાર પછી વળી કંઈ થોડો સુધારો થયો હશે તે ફોટામાંથી ખુરસી નીકળી ગઈ અને જોડું–સજોડું સાવધાનની મુદ્રામાં ફોટા પડાવતું થયું. કોઈ વાર પતિનો હાથ પત્નીના નજીકના બદલે દૂરના ખભે વીંટળાઈ રહેતો. કોઈક ફોટોગ્રાફર વળી રોમેન્ટિક મૂડમાં હોય તો પતિને કહેતો, ‘સર, તમે બંને આમ સામસામે ઊભા રહો. હવે મેડમના એક ખભે અથવા બંને ખભે હાથ રાખો, મેડમની સામે પ્યારથી જોતા હો એમ ફોટો પડાવો ને.’ જેમતેમ એકબીજાની આંખો ભેગી થતી ત્યારે શરમાતા શરમાતા એવો એકાદ ફોટો પડી રહેતો ને ફોટોગ્રાફર વળી એવા જ બીજા કોઈ ફોટાની ફરમાઈશ કરતો!

આખરે જમાનો બદલાતા બદલાતા ફિલ્મોની અસર નીચે આવીને રહ્યો. બસ ત્યારથી ફોટોગ્રાફરોના માથાનો દુખાવો અને કામ બેય વધી ગયાં. લગ્નપ્રસંગે પડતા ફોટાઓમાં વિવિધતા આવતી રહી. વિવાહ પ્રસંગેથી ચાલુ થયેલા ફોટો સેશન લગ્ન ને રિસેપ્શન સુધી પહોંચ્યા. જોડાં અધધ ફોટા પડાવતા થયા અને એમને બહાને લગ્નમાં આવનાર બીજાં જોડાંઓ પણ ફોટોગ્રાફરોની ફરતે ફરતાં થયાં. એ તો આલ્બમોમાં જ ભાંડા ફૂટતા કે ઘરનાં જોડાં સિવાય બહારના કયા જોડાં ખાનગીમાં કેટલા ફોટા પડાવી ગયાં! ખેર, ફોટાની સ્ટાઈલો બદલાતી રહી અને સ્થળો બદલાતાં રહ્યાં પણ સજોડે ફોટા પડાવવાનું ચલણ તો ચાલુ જ રહ્યું.

પછી તો, જ્યારથી મોબાઈલમાં કૅમેરાની સુવિધા આવી ત્યારથી ફોટો પાડવાવાળાઓએ કે ફોટો પડાવનારાઓએ પાછું ફરીને જોયું નથી. રસ્તે ચાલતાંનેય ઊભા રાખીને એક ફોટો ખેંચી લેવાની પેલા હરખપદુડાઓની ફરમાઈશો થતી. પેલા અજાણ્યાઓ પણ અચાનક જ મહત્વ મળતાં હોંશે હોંશે ફોટો પાડીને બે ઘડી ખુશ થઈ જતા. વળી ધીરેથી સેલ્ફી નામના જાદુએ સૌ પર જાદુ જ કર્યું અને સજોડે ફોટો પડાવવા પછી તો કોઈનીય જરૂર ન રહી. અપની સેલ્ફીસ્ટિક ઝિંદાબાદ!

ઘરમાં બેઠાં હોય ને ટીવી જોતાં હોય તોય ક્લિક! જમવા બેઠાં? ક્લિક! કશે ફરવા કે ફિલ્મ જોવા જવા માટે નવાં કપડાં સોહાવ્યાં? કલિક! ગાડીમાં કે બાઈક પર બેઠાં? ક્લિક! રેસ્ટોરાંમાં જમવા ગયાં? રેસ્ટોરાંની બહાર પણ ક્લિક અને અંદર જઈને ટેબલ પર પાણીના ગ્લાસ, નેપકિન વગેરે આવે તોય ક્લિક! હજી જમવાનું તો બાકી ને હાથ ધોવાના ફોટા? ને મુખવાસ લેતાં કે ખાતાં હોય તેની ક્લિક ક્લિક? હા ભઈ હા...ધીરજ ધરો. હજી તો શરૂઆત થઈ છે. જોડું ક્યાં નાસી જવાનું છે ફોટા પડાવ્યા વગર? હજી તો કેટલીય મિનિટો ને કેટલીય સેકંડોના ફોટા પડશે અને તેય સજોડે! સજોડે ફોટા કંઈ એમ ને એમ પડે છે?