લેબલ ચૂંટણી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ચૂંટણી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 10 ડિસેમ્બર, 2017

(૧)તમને શું લાગે છે?................(૨) એમને થોડા સવાલ પૂછજો


‘તમને શું લાગે છે?’
‘શેનું?’
‘શેનું શું? આ ચુંટણીનું.’
‘એ તો થવાની ને ડિસેમ્બરમાં.’
‘હા, તે તો થવાની જ, પણ તમને શું લાગે છે? કોણ આવશે?’
‘તે તો હવે ચુંટણી થયા પહેલાં કેમ ખબર પડે? કોઈક તો આવશે જ ને? નહીં તો ચુંટણીનો મતલબ જ શું?’
‘હા હા, પણ તમને શું લાગે છે, કોણ આવશે?’
‘મને તો એમાં બહુ ગમ ન પડે. જે આવે તે. આપણે તો બધું એકનું એક જ છે. આપણને શો ફરક પડે છે?’
‘આ તમે છે ને, વાતને ગોળ ગોળ બહુ ફેરવો છો. હું ક્યારનો એમ જાણવા માંગું છું, કે તમને શું લાગે છે? કોણ આવશે? તો તમે સીધો જવાબ જ નથી આપતા. કેમ એવું? બે જ તો મોટા પક્ષ છે ને એમાંથી કોઈ એક આવશે. તો એ બાબતે તમને શું લાગે છે? કોણ આવશે? કે કોણ આવવું જોઈ? ને શા માટે?’
‘અરે અરે! તમે તો બહુ આગળ વધવા માંડ્યા. શું લાગે છે પરથી તો કોણ, કેમ ને શા માટે સુધી પહોંચી ગયા!’
‘ચાલો કંઈ નહીં, પહેલાં ફક્ત પહેલા સવાલનો જ જવાબ આપો કે તમને શું લાગે છે?’
‘મેં પહેલાં જ કહયું, કે ચુંટણી થાય ને રિઝલ્ટ આવે પછી જ ખબર પડશે ને કે કોણ આવ્યું. અમસ્તું એમ ધાર ધાર કરવાથી શું થવાનું?’
‘તો પણ...’
‘શું તો પણ?’
‘કોણ આવશે? તમને શું લાગે છે?’
‘ભાઈ, તમે તો હદ કરો છો. ધારો કે, હું એમ કહું કે મને કંઈ નથી લાગતું તો?’
‘એવું તે કઈ રીતે બને? આટલી બધી રસાકસીવાળી ચુંટણી થવાની, કેટલા સમયથી બધે ચુંટણીની જ વાતો ચાલે છે, લોકોએ નાની મોટી બધી વાતોને કે નાના મોટા બધા સળગતા કે ઠરી ગયેલા પ્રશ્નોને પણ બાજુએ મૂકી દીધા છે ને સૌ કોણ આવશેની વાતોમાં મંડી પડ્યા છે, ત્યારે તમે આવું કહો છો તે શોભતું નથી. શું તમને ગુજરાતની ને દેશની જરા પણ પડી નથી? મેં તમને આવા નહોતા ધાર્યા.’
‘એટલે કે ચુંટણીનું જ વિચારીએ ને તેમાં પણ આપણને કંઈક લાગે કે કોણ આવશે, તો જ આપણે રાજ્યભક્ત કે દેશભક્ત કહેવાઈએ? તો જ આપણે ગુજરાતના ને દેશના હિતેચ્છુ ગણાઈએ એવું તમારું કહેવું છે?’
‘છેક એવું તો નહીં પણ જ્યારે બધા જ વાતો કરતા હોય કે કોણ આવશે? શું લાગે છે? ત્યારે મને પણ થયું કે તમનેય ભેગાભેગો પૂછી લઉં કે તમને શું લાગે છે?’
‘ભાઈ મારા, ધારો કે હું એમ કહું કે ફલાણો પક્ષ આવશે તો તમે શું કરશો? તમને ગમતું બોલીશ તો તમે ખુશ થશો ને ન ગમતું બોલીશ તો ગુસ્સે થઈને ચર્ચા કરવા માંડશો એમ જ ને? જુઓ ને, હમણાં આપણે બે શાંતિથી બેઠા છીએ ને થોડી વારમાં મજેથી ચા નાસ્તો પણ કરશું ત્યારે વચ્ચે જો આવી ફાલતુ વાતોએ ઊતરી પડશું ત્યારે પેલા નારાયણ કંઈ નહીં કરે તોય આપણી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ જાય તો તમને ગમે? નાહક શા માટે સુખનો જીવ દુ:ખમાં નાંખો છો? કોઈને પૂછવાનું પણ નહીં ને આપણે વિચારવાનું પણ નહીં, કે તમને શું લાગે છે? સમજ્યા? હવે હું તમને પૂછું કે તમને શું લાગે છે? મારી વાત સાચી છે?’
‘એમ જોવા જઈએ તો તમારી વાત સાચી છે પણ આ છાપાં ખોલીએ કે ટીવી ચાલુ કરીએ ત્યારે માળું વાતો તો એજ બધી જોવા ને સાંભળવા મળે ને? વળી ચેનલોમાં તો આપણો વારોય કોઈ દા’ડો આવી જાય, ખરું કે નંઈ? તો મેકુ આપણો જવાબ તૈયાર હોય તો એમ બાઘા ના લાગીએ. હવે બોલો, ધારો કે મને કોઈ પૂછે કે, તમને શું લાગે છે? તો મારે શો જવાબ દેવો?’
‘ભાઈ, તમે ફરી ફરીને મારી પાસે એક જ વાત કરો છો, તો હવે મને પણ લાગે છે કે...’
‘કે? બોલો બોલો.’

‘કે હવે મારાથી તમારી સાથે કોઈ બોલાચાલી કે મારામારી થઈ જાય તે પહેલાં તમારે અહીંથી જતાં રહેવું જોઈએ. આવજો.’
*****************************************************************************

એમને થોડા સવાલ પૂછજો

બસ, ફક્ત ગણતરીના દિવસોમાં જ કૌન હારા ને કૌન જીતા તે ખબર પડી જશે. આપણે થોડા સવાલ સાથે તૈયાર રહીએ તો લાગતાવળગતાને પૂછીને મનોરંજન મેળવવા ચાલે. એથી વિશેષ આપણાથી શું થઈ શકે? તો પહેલાં જોઈએ વિજેતા ઉમેદવાર સાથે સંભવિત સવાલ–જવાબ.
‘મિ. વિજયકુમાર, જીત બદલ અભિનંદન અને શુભેચ્છાઓ.’
‘અભિનંદન બદલ આભાર અને શુભેચ્છા તો સામેવાળાને આપો. એમને વધારે જરૂર છે.’
‘હવે તમે શું કરવા માગો છો?’
‘હે હે હે...હવે શું કરવાનું? જીતીને તો આવ્યા.’
‘એટલે? હવે તમે કંઈ નહીં કરો?’
‘કેમ નહીં? હવે જ્યાં ને ત્યાં અમારા ભવ્ય વિજયની પાર્ટીઓ કરશું, સરઘસો કાઢશું, આટલા દિવસોનો થાક ઉતારશું અને અમારા હાઈકમાન્ડ રજા આપશે ત્યારે કશેક આરામ કરવા ઉપડી જઈશું.’
‘તો તમે આપેલાં કેટલાંય વચનો? કામની વાતો ને ગુજરાતની જનતાની સાથે રહેવાની વાતો? નકરી વાતો જ હતી? ખાલી ઢંઢેરા જ હતા? લોકો સાથે વિશ્વાસઘાત? જનતા તમને છોડશે નહીં.’
‘હા...હા...તમે જોયું ને? જનતાએ ક્યાં અમને છોડ્યા જ છે? જનતાનો સાથ હતો એટલે જ તો અમે જીત્યા. ભલા માણસ, આ કંઈ પહેલું ઈલેક્શન થોડું છે? હું કંઈ નવાઈનો ઓછો ચુંટાઈને આવ્યો છું? જમાનાઓથી આ જ તો ચાલ્યું આવે છે. અમારો મંત્ર છે, જીતો અને આરામ કરો. વળી પાંચ વરસે ચુંટણી આવશે ત્યારે ઘેર ઘેર ફરશું. ત્યાં સુધી શાંતિથી રહેવા દેજો. જાઓ હવે મારા સૂવાનો ટાઈમ થયો. આવજો.’
‘સાહેબ, બે ચાર સવાલના જવાબ તો આપો. પછી સૂઈ રહેજો.’
‘જલદી બોલો.’
‘તમે સ્વચ્છ સરકાર આપશો?’
‘એટલે?’
‘તમારા પ્રધાનો શિસ્ત જાળવશે? ભ્રષ્ટાચાર નહીં કરે?’
‘જુઓ, તમે વાક્યમાં વિરોધી શબ્દો ના વાપરો તો સારું.’
’અચ્છા, એ કહો કે દેશની પ્રગતિમાં તમે કેટલો ફાળો આપશો?’
‘એ શું બોલ્યા તમે? ફાળો  ને મારે આપવાનો? મારું કામ તો ફાળો ઉઘરાવવાનું.’
‘ધારો કે તમને હાર મળત તો?’
‘એ તો મેં ગળામાં પહેર્યા જ છે.’
‘પ્રજાને કંઈ કહેવું છે?’
‘મારા વિરોધીને ઠેકાણે પાડવા બદલ આભાર. હવે તમે તમારે ઠેકાણે ને હું મારે ઠેકાણે. હવે બસ, આવજો.’
હવે મિ. હારકુમાર સાથેના સંભવિત સવાલ–જવાબ.
‘હવે તમે શું કરવા માગો છો?’
‘કંઈ સમજ નથી પડતી, શું કરીએ ને શું નહીં! અમને એક જ સવાલ પજવે છે કે, આખરે આમ કેમ થયું? પણ છોડો એ વાત. હવે ચિંતન શિબિર જેવું કંઈક કરીશું.’
‘એનાથી શું થશે?’
‘બસ, આ હારનાં કારણો કે પછી દોષનો ટોપલો કોના માથે નાંખવો તેનો જવાબ મળશે.’
‘પ્રજા પાસેથી હવે તમારી શી અપેક્ષા છે?’
‘અમારી બધી અપેક્ષા કાયમ પ્રજા પાસે તો હોય છે. કોણ જાણે ક્યારે પૂરી કરશે?’
‘તમને કોણ નડ્યું?’
‘ભાઈ, હવે એ તો જગજાહેર છે. મારી પાસે વધારે ના બોલાવશો.’
‘તમે જીતી જાત તો સ્વચ્છ સરકાર આપત?’
‘એટલે?’
‘તમે તો બહુ ગામોમાં ફર્યા. આખરે તમને શું મળ્યું?’
‘એ જાણવા મળ્યું, કે બહુ ગામો હજીય બાકી રહી ગયાં.’
‘તમારા નેતા ઉપર તમને બહુ વિશ્વાસ હતો?’
‘અમને તો નહોતો પણ એમને ખુદને બહુ હતો.’
‘લોકોને કંઈ કહેવું છે?’
‘ના, લોકોને તો કંઈ નથી કહેવું પણ હવે તો લોકો કહે તે જ સાંભળવું ને લોકો કહે તે જ કરવું છે. અમે સતત લોકોને મળતાં રહીશું અને સોશિયલ મીડિયાની ચર્ચાઓ ને ગતિવિધીઓ ઉપર પણ નજર રાખશું. અમારે શું કરવું જોઈએ તેની ચર્ચા તો ત્યાં વધારે થાય છે અને એ ચર્ચાઓમાં અમને દમ પણ લાગે છે. હવે પાનના ગલ્લાઓ પર અમને બહુ વિશ્વાસ નથી રહ્યો.’
‘સારું ત્યારે આવજો. હવે પછીના ઈલેક્શન માટે શુભેચ્છા.’
‘ભાઈ, આપો આપો. અમને શુભેચ્છાઓની બહુ જરૂર છે.’
‘લ્યો ભાઈ, ફરી વાર શુભેચ્છા.’
(ખાલી શુભેચ્છાથી શું થાય? કામ કોણ કરશે? તમારા કાકા, મામા, દાદા કે બાપા?)

શુક્રવાર, 16 મે, 2014

કોઈ જીતા કોઈ હારા

          
વિજેતાઓને થોડા પ્રશ્નો :

·       તમે ચૂંટાઈ ગયા, હવે શું કરવા માંગો છો ?
હવે ક્યાં કંઈ કરવાનું બાકી રહે છે ?

·       પ્રજાને તો તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
અમારી અપેક્ષાઓ પૂરી થઈ; હવે પ્રજાને કહો પાંચ વર્ષ ધીરજ ધરે.

·       પણ તમે તો પ્રચારમાં બહુ વચનો આપેલાં !
અમે ક્યાં ના પાડીએ છીએ ? જરા જીતને પચાવવા તો દો !

·       વિરોધપક્ષની કઈ ખામી એમને નડી ?
અમારો વિરોધ કરવાની.

·       તમે સ્વચ્છ સરકાર આપશો ?
એ વળી શું ?

·       તમારા પ્રધાનો શિસ્ત જાળવશે ?
એક જ વાક્યમાં બે વિરોધી શબ્દો ના મૂકો.

·       દેશની પ્રગતિમાં તમે કેટલો ફાળો આપશો ?
ફાળો અમારે નહીં; અમને આપવાનો હોય.

·       તમે ગામેગામ ફર્યા, હવે શું ?
હવે એ ગામના લોકો અમારી પાછળપાછળ ફરશે.

·       તમને હાર મળત તો પચાવી શકત ?
હાર શબ્દ અમને ગળા પૂરતો જ ખબર છે.

·       પ્રજાને કંઈ કહેવું છે તમારે ?
વિપક્ષને ઠેકાણે પાડવા બદલ ધન્યવાદ. હવે તમે તમારે ઠેકાણે ને અમે અમારે ઠેકાણે.

·       જીત બદલ અભિનંદન અને શુભેચ્છાઓ.
અભિનંદન બદલ આભાર અને શુભેચ્છાઓની જેમને જરુર છે, એમને આપો તો વધારે સારું. અમને તો સૌની શુભેચ્છાઓ ફળી જ છે.

પરાજિતોને થોડા પ્રશ્નો :

·       તમે હારી ગયા, હવે શું કરવા માંગો છો ?
હવે ક્યાં કંઈ કરવાનું બાકી રહે છે ?

·       પ્રજા પાસેથી તમને શી અપેક્ષાઓ છે ?
બધી અપેક્ષાઓ પહેલાં પણ અમે પ્રજા પાસે જ રાખેલી અને કાયમ રાખીશું; પણ પ્રજા આટલી ચાલાક નીકળશે એવું નહોતું ધાર્યું.

·       પ્રજાને તમે ઘણાં વચનો આપેલાં, તેનું શું ?
સત્તા પર હોઈએ તો કંઈ થઈ શકે અને એમ પણ અમે વચનો પૂરાં કરવામાં બહુ ઢીલાં પડીએ. પ્રજા ક્યાં સુધી રાહ જુએ ?

·       તમને કોણ નડ્યું ?
અમે જ અમને નડ્યાં ! ને બીજું કોણ નડ્યું તે જગજાહેર છે.

·       ધારો કે, તમે જીતી જાત તો સ્વચ્છ સરકાર આપત ?
એ વળી શું ?

·       તમે ગામેગામ ફર્યા ને સભાઓ ભરી, આખરે તમને શું મળ્યું ?
હજી ઘણાં ગામો બાકી રહી ગયાં ને સભાઓ મોળી પડી, તે જાણવા મળ્યું.

·       તમે હારને પચાવી શકશો ?
હાર પચાવવી તો મુશ્કેલ જ છે; છતાં અમે વારંવાર ભેગા મળી, આત્મનિરીક્ષણ કરી, હારનું કારણ જાણીને જ જંપીશું. બધા આંકડા મેળવતાં ને નિષ્કર્ષ પર આવતાં, હાર પચાવીને ફરી બેઠાં થતાં, પાંચ વર્ષ તો જોતજોતામાં નીકળી જશે ! આ કંઈ પહેલી ને છેલ્લી હાર થોડી જ છે ?

·       પ્રજાને કોઈ સંદેશ ?
તમે અમારી સાન ઠેકાણે લાવી છે. અંદરઅંદરના ઝઘડા મિટાવીને કોઈના પર પણ આધાર રાખ્યા વગર, અમે પાંચ વર્ષની અંદર જ, અમારો એક સબળ નેતા કે અભિનેતા તૈયાર કરીને જ રહીશું એની ખાતરી રાખજો.

·       પાંચ વર્ષનો ગાળો બહુ લાંબો ન કહેવાય ?
પણ હવે વિરોધ પણ શેનો કરીએ ? કંઈ બોલવા જેવું જ નથી રહ્યું !

·       તો પછી તમે પણ વિરોધપક્ષમાં જોડાઈ જાઓ. બધા ઝઘડા જ ખતમ !
પણ, અમે તો વિરોધ પક્ષમાં જ છીએ ને ?

(હા, ભૂલ્યા, તમે તો ‘વિરોધપક્ષ’માં રહીને પણ ‘વિરોધીપક્ષ’નું કામ કરી શકો છો. પછી અહીં રહો કે ત્યાં; શો ફેર પડે છે ? તમને કે દેશને !)

                       ‘જય હિંદ’


મંગળવાર, 22 એપ્રિલ, 2014

હું ગધેડો છું

વર્ષો પહેલાં ઈંદીરા ગાંધી અમારા નાનકડા ગામમાં આવીને સભા ગજવી ગયેલાં. ત્યારથી માંડીને આજ સુધી, અમારા ગામના બધા વોટ કૉંગ્રેસને જ મળતા રહ્યા ! ભલે ને પછી અમારા ગામના ઉમેદવાર ગમે તે, કે ગમે તેવા કેમ ન હોય ! થોડા સમયથી જાગેલા બીજા પક્ષના ઉમેદવારો પણ અહીં આવતા થયા અને ખરો ચૂંટણીનો માહોલ જામતો ગયો. આ વર્ષે તો વળી ત્રીજો પક્ષ પણ મેદાનમાં આવ્યો છે, પણ અહીંની માટીમાં મૂળિયાં જમાવતાં કદાચ એને વાર લાગે. ખેર, ગામડાંઓમાં ખેતમજૂરોની સંખ્યાનું પ્રમાણ વધુ હોવાથી એમની નિરક્ષરતાનો, ગરીબીનો અને બૂરી આદતોનો ગેરલાભ ઉઠાવીને નેતાઓ પાંચ વર્ષ માટે પાછા સૂઈ જાય છે.

અમારે ત્યાં દેવુબેન કામ કરે છે. ચૂંટણી એમને મન કોઈ તહેવારથી કમ નહીં. મતદાનને દિવસે તો સજીધજીને ખુશખુશાલ ચહેરે આવે. ‘દેવુબેન, કોને વોટ આપવાના ?’ અમે પૂછીએ. ‘તમે કે’ઓ, કોને આપું ?’ .....! હવે આટલી ભોળી પ્રજા હોય પછી શાસક કેવા હોવાના ?

આ વર્ષે તો, એમના ફળિયાના ત્રણ ઉમેદવારોએ દિવસો અગાઉથી દેવુબેનની ખબર રાખવા માંડેલી. જેમનું નિશાન ઘોડો હતું, તે ભાઈ એક દિવસ એમને વહાલા થવા આવ્યા.


કેમ છો માસી ? તમે તો મને સારી રીતે ઓળખો જ છો. આપણું નિશાન ઘોડો છે. તમારે મને જ મત આપવાનો છે હં ! હું જીતી જઈશ; તો તમારે જ્યારે પણ કશે ફરવા જવું હોય, ચિંતા નહીં કરતાં. મને એક ફોન કરી દેજો. તમારે માટે આપણો ઘોડો, એટલે કે રિક્ષા હાજર કરી દઈશ. મત આપવા જાઓ, ત્યારે હું આપું તે નવી સાડી પહેરીને જ મત આપવા જજો. બીજા કોઈ ગધેડાને કે કૂતરાને તમારે મત નથી આપવાનો. યાદ રાખજો, આપણું નિશાન ઘોડો છે. ’

દેવુબેનને થયું કે, આ ભાઈ બહુ ભલા છે ને બહુ સારા લાગે છે. એમણે તો મનમાં ને મનમાં ઘોડા દોડાવવા માંડ્યા કે, રિક્ષામાં બેસીને ક્યાં ક્યાં ફરવા જાઉં ? આમેય હવે ચાલતાં જવામાં રસ્તા પર જોખમ રહે છે, એના કરતાં રિક્ષામાં શાંતિથી જવાશે અને લોકોમાં વટ પડશે તે જુદો ! એમણે નક્કી કરી નાંખ્યું કે, મત તો ઘોડાને જ.

બીજે દિવસે ગધેડાના નિશાનવાળા ભાઈ દેવુબેનને લાત મારવાને બદલે પગે પડતા આવ્યા ! દેવુબેન તો ગળગળાં થઈ ગયાં. ‘ભાઈ, જીવતો રે’ ને હો વરહનો થા. ’

‘બસ માસી, તમારા આશીર્વાદ જોઈએ. હું ગધેડો છું. અરે સૉરી, મારું નિશાન ગધેડો છે. તમે તો જાણો છો કે, ગધેડાને લોકો માનથી નથી જોતાં, પણ કામમાં તો ગધેડો જ આવે છે. ગધ્ધાવૈતરું કોને કહેવાય તે તમારાથી વધારે કોને ખબર ? હું જીતીશ તો ગધેડાની જેમ કામ કરીશ. તમારા જેવા લોકોના જીવનમાં બદલાવ લાવીશ. તમારા હકની લડાઈ હું લડીશ અને તમને બધી સગવડ મળે તેનું ધ્યાન રાખીશ. ઘોડા તો બધા દેખાવના સારા હોય. બહારથી બધો દેખાડો કરે ને વખત આવ્યે ઊભી પૂંછડીએ ભાગી જાય. કૂતરાનું કામ તો ખાલી ભસવાનું, કામ કરે ત્યારે ખરા ને ક્યારે કરડી બેસે કંઈ કહેવાય નહીં ! એટલે નીચી મૂંડીએ; ચૂપચાપ પોતાનું કામ કરીને, માલિકને વફાદાર રહેવામાં ગધેડા જ શ્રેષ્ઠ છે એ તમારા સિવાય કોણ સારું સમજી શકે ? યાદ રાખજો, આપણું નિશાન ગધેડો છે. એક સાડી કે થોડા રુપિયા તમને કેટલા દિવસ ચાલશે તે વિચારજો. ચાલો ત્યારે.  રજા લઉં. ’

ગધેડાના (ઉમેદવારના ) ગયા પછી દેવુબેન વિચારમાં પડ્યાં. ‘આની વાત સો ટકા સાચી. પેલો ઘોડો મને કેટલા દા’ડા રિક્ષામાં ફેરવવાનો ? ને સાડીની મને ક્યાં નવાઈ છે ? એના કરતાં મારા આ જાતભાઈને જ મત આપીશ. મને કામ તો આવશે. ’ દેવુબેનનો વિચાર ફેરવાઈ ગયો.
હવે ત્રીજો ઉમેદવાર જેનું નિશાન કૂતરો હતું, તે એક દિવસ લપાતો–છુપાતો દેવુબેનના ઘરમાં દાખલ થઈ ગયો. દેવુબેન એને હડ હડ કરે તે પહેલાં તો એ દેવુબેનના ચરણોમાં આળોટી પડ્યો ને દેવુબેને એને ઊભો કર્યો ત્યારે જ ઊભો થયો ! દેવુબેન તો બિચારાં ભાવનાં ભૂખ્યાં એટલે પેલા પૂંછડી પટપટાવનારને પ્રેમથી પાસે બેસાડ્યો.

‘માસી, આપણું નિશાન કૂતરો છે. કૂતરાની માલિક પ્રત્યેની વફાદારી મારે તમને સમજાવવી ન પડે. કૂતરાને ભરોસે માલિક નિરાંતે સૂએ અને પોતાનું ઘર પણ એના ભરોસે મૂકી જાય. તમે જ છો જે આ વાતને બરાબર સમજી શકે. કોઈ ઘોડા કે ગધેડાને ભરોસે ઘર નથી છોડતું. મારા કહેવાનો મતલબ એટલો જ કે, ઘોડા કે ગધેડા કરતાં કૂતરા પર ભરોસો રાખવો વધારે સારો. તમારું શું કહેવું છે ?’
દેવુબેનને પણ વાતમાં દમ લાગતાં એમણે ડોકું ધુણાવ્યું. જ્યાં આપણી કદર થતી હોય, આપણા ઉપર ભરોસો મૂકાતો હોય, તે જ સાચું, બીજું બધું ખોટું. દેવુબેને તો પેલા લાળ ટપકાવતા ભાઈનો ખભો થાબડી ભરોસો આપતાં કહ્યું, ‘આપણે તને મત આપ્યો જા. ’ ને પેલા ભાઈ તો હરખાતા હરખાતા પૂંછડી પટપટાવતા નીકળી ગયા.

પેલા ત્રણેય ઉમેદવાર રોજ દેવુબેનને યાદ કરાવે છે, ‘મત તો આપણને જ હં ! જોજો. ’ દેવુબેન બરાબરના ગૂંચવાયાં છે. ઘડીક આ સારો લાગે તો ઘડીક પેલો. થોડી વાર રહી વળી ત્રીજાની યાદ આવી જાય તો એ સારો લાગે ! આજકાલ તો એમને ઊંઘમાં પણ, ‘માસી ઘોડો..’, ‘માસી ગધેડો...’, ‘માસી કૂતરો...’ સંભળાયા કરે છે ! માસી તો ત્રાસી ગયાં છે. ‘શું કરવું ? ત્રણેયના ફાયદા છે તેવા ગેરફાયદા પણ છે. કંઈ સમજાતું નથી. ’ માસીએ મનમાં નક્કી કરી લીધું છે, ત્રણેયના નામ પર ચોકડી ! (લાગે છે કે, માસીને નક્કી પેલા ‘નોટા’ના વિકલ્પની જાણ થઈ ગઈ છે. બાકી, કાયમ સાડી ને પૈસા (બાટલી સહિત !) લેનાર અને પૂરી નિષ્ઠાથી વોટ કરનાર દેવુબેન આવો નિર્ણય કરે ખરાં ?)

(તસવીરો નેટ પરથી લીધી છે.)