રવિવાર, 16 સપ્ટેમ્બર, 2018

શિવજીએ કરાવ્યો નર્મદામાં નૌકાવિહાર.....અને મિનિ મુંબઈ ઈંદોર!


શિવજીએ કરાવ્યો નર્મદામાં નૌકાવિહાર!
******************************
ખરેખર તો ઓમકારેશ્વર હનુમાનજીનું નિવાસસ્થાન હોવું જોઈએ, એવું જ્યાં ને ત્યાં પ્રગટ થતા વાંદરા જોઈને સતત આપણને લાગ્યા કરે. અરે! એ કપિરાજોનો ત્રાસ તો એટલો બધો કે અમારે રૂમની બહાર ગેલેરીમાં ઊભા રહીને સવારની ચા પીતાં પીતાં મા નર્મદા સાથે વાતો કરવી હોય તોય શક્ય નહોતી. દરેક બારીને મજબૂત જાળી હતી અને બારણાં ખોલવાની અમને મનાઈ હતી. ખેર, બે દિવસ બારી ઉપર આવીને બેસી જતાં વાંદર–ફેમિલીની લીલા જોઈ અમે ખુશ થતાં, બીજું શું? હૉટેલ તો સારી હતી ને ખાવાનુંય સરસ, પણ સજાવટના નામે ત્યાં મોટું મીડું હતું. કોઈ હૉસ્પિટલ જેવી એની સફેદ, નિરાશ ને સુસ્ત દિવાલો! અમે સવારનો ચા નાસ્તો કરવા બેઠેલાં ત્યાં બાજુના ટેબલ પર પચાસેક વરસનો એક સ્માર્ટ ને હૅન્ડસમ યુવાન આવીને ગોઠવાયો.

એ તરફ એક અછડતી નજર નાંખી અમે ફરી અમારી વાતે વળગ્યાં. ત્યાં સામેથી જ એણે પૂછપરછ ચાલુ કરી, ‘(એ હેલો...માતાઓ/બહેનો) તમે ક્યાંથી આવો છો?’
એનો દેખાવ તો ભરોસો કરવા જેવો હતો પણ તોય ભાઈ, આજકાલ કોઈનોય ભરોસો નહીં! અમે એકબીજા સામે જોયું એટલે તરત જ એણે પોતાની ઓળખાણ આપી, ‘હું આ હૉટેલનો મેનેજર છું અને તમને કોઈ વાતે અહીં અગવડ તો નથી ને, એ પૂછવા આવ્યો છું.’ (તો એમ ત્યાં બેઠા બેઠા પૂછાય?)
‘ઓહ! અમે મુંબઈ અને સુરતથી આવીએ છીએ અને એમ પીની નાનકડી ટૂર પર નીકળ્યાં છીએ. પંચમઢી ને ભોપાલથી ફરતાં ફરતાં હવે અહીં ફરીને પછી ઈંદોર જઈશું.’
‘અચ્છા.’
અમે તો શરૂ કરી દીધું ‘અહીં બધું સરસ છે પણ આ વાંદરાંનો ત્રાસ! ને સૉરી પણ આ હૉટેલ કેમ આટલી સાદી છે? થોડી સાજસજાવટ કે પેઈન્ટિંગ્સ કે રંગીન પડદા જેવું કંઈક લાઈવ લાગે એવું કેમ નથી?’
અમારા હુમલાથી નક્કી બિચારાને થયું જ હશે કે, પોતાની ઓળખાણ મેનેજર તરીકે નહોતી આપવી જોઈતી. આ બધીઓ તો ઘરની આદત મુજબ જ ફરિયાદ કરવા મંડી પડી.
‘તમારી વાત સાચી છે પણ અહીં ભેજવાળું વાતાવરણ અને વધુ પડતો વરસાદ કંઈ ટકવા નથી દેતો. પુરનાં પાણી ફરી વળે તો સાચવવું ભારી પડે. તમે જોજો મંદિરના પગથિયાં પણ તૂટેલાં હશે.’
‘ઓકે. થેન્ક યુ. ફરી મળીએ.’ કહી અમે મંદિર જોવા નીકળી ગયાં.

મેનેજરની વાત સાચી હતી. મંદિર જવાના બે રસ્તા હતા. એક પુલ પરથી ચાલીને જવાનો અને બીજો હોડીમાં સહેલ કરતાં કરતાં જવાનો. અમે તો નૌકાવિહાર પર જ મત્તું માર્યું હોય ને? હોડી સુધી જવા માટે ભીનાં ને તુટેલાં પગથિયાં સાચવીને ઉતરતાં હતાં, ત્યારે ત્યાંના રહેવાસીઓને દોડીને પગથિયાં ચડઉતર કરતાં જોયાં! હોડીવાળા સાથે ભાવની માથાકૂટ કર્યા વગર નૌકાવિહારના રોમાંચમાં અમે હોડીમાં ડગમગ થતાં ગોઠવાયાં. આ રીતે સાવ અચાનક જ નર્મદામૈયાના ખોળામાં ઝુલવાનો મોકો મળશે એવું તો સપનેય નહોતું વિચાર્યું. સરકતી હોડી સાથે અમારી નજરો પણ બન્ને કિનારે સરકતી રહી. નાના બાળક જેવા વિસ્મયથી રેવાના વિશાળ પટને નજર પહોંચે ત્યાં સુધી જોયા કર્યો. સતત પસાર થતી હોડીઓમાં શ્રધ્ધાળુઓની આવજાવ ચાલુ હતી. થોડે દૂર જ ટેકરી પર ઓમકારેશ્વર મંદિરની ધજા લહેરાતી હતી. ઘડીક તો થયું કે કશે જવું નથી ને કંઈ જોવું નથી. મા રેવાના લહેરાતા આંચલમાં જોવા મળેલો આ અદ્ભૂત નજારો ને એવી જ અવર્ણનીય અનુભૂતિ એ ઓમકારેશ્વરનાં દર્શન નથી? હોડીવાળાએ તો ઓફર કરી કે તમને બે કલાકમાં ઓમકારેશ્વરની પરિક્રમા કરાવી દઉં પણ અમે તો વી આઈ પી હતાં ને? બધે નિરાંતે ફરવાનો સમય ક્યાંથી મળે? ખેર, જે લહાવો મળ્યો તેનો પૂરો લાભ ઊઠાવવા અમે અડધા કલાકનો આનંદદાયક ને અવિસ્મરણીય નૌકાવિહાર જ મંજૂર કર્યો.

અમારો નાવિક સફર દરમિયાન બધી માહિતી આપતો રહ્યો. કાવેરી અને નર્મદાનો પવિત્ર સંગમ પણ આ ટાપુને એક કિનારે થતો હોવાથી, ભક્તો ઘાટ પાસે સંગમસ્નાન કરીને પછી મમલેશ્વર મંદિરથી પ્રદક્ષિણા ચાલુ કરે. નર્મદાપરિક્રમાનું વિશેષ માહાત્મ્ય હોવાથી આ સ્થાન અને સ્નાન લોકપ્રિય છે. આ મંદિર પાંચ માળનું છે અને તેની ઉપર દૂરથી પણ જોઈ શકાતો સફેદ ઘુમ્મટ છે. અમે હોડીવાળાની વાતોમાં હોંકારો પુરાવતાં મંદિર તરફ જોઈ રહ્યાં હતાં. મનમાં પાપ ને પુણ્યનાં લેખાંજોખાં થવા માંડ્યાં. શિવલિંગનાં દર્શન કરીને શું અમે કોઈ પુણ્ય કમાવા જઈ રહ્યાં હતાં? શું અમારાં પાપ ધોવા જેવાં છે કે ચાલી જશે? શું આ કેવટે કેટલાય લોકોને રામ સમજીને જ પાર ઉતાર્યા હશે? એની આ અણમોલ સેવાનું એને કેટલું પુણ્ય મળશે? કોણ જાણે. મારા મનને મારે બહુ કાબૂમાં રાખવું પડતું. મારું ભવિષ્ય જાણીને આ લોકો સામે બધા વિચારો પાછા મારાથી જાહેર પણ કરાતા નહીં. કેવટને કે દિનેશને તો શું સમજ પડે?

ખેર, અમને કિનારે ઉતારતાં નાવિક બોલ્યો, ‘માંજી, મૈં બૈઠા હૂં યહાં. આપ લોગ આરામસે દરસન કરકે આઓ. કોઈ જલદી નહીં.’ મારી આંખમાં પાણી આવી ગયાં. હવે હું માજી જેવી લાગવા માંડી? કેમ આ ત્રણમાંથી કોઈને નહીં ને મને જ કહ્યું? હે મા રેવા, મારા હારુ કંઈ બાકી નો રે’વા દેતી તું.’ મારી આંખમાંથી બે અશ્રુબિંદુ પડ્યાં ને રેવામાં સમાઈ ગયાં. જેમતેમ મંદિરના દરસનમાં ધ્યાન પરોવ્યુ. મંદિરની નીચેના પહેલા માળ પર દુ:ખહર, પાપહર ને સંકટહર ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ! મંદિરમાં દાખલ થતાં જ વિશાળ સભામંડપ કે પ્રાર્થનાનો હૉલ. અંદરના ગર્ભગૃહમાં જ્યોતિર્લિંગ જેના દર્શન હૉલમાંથી પણ થઈ શકે. આ હૉલમાં ધાર્મિક પ્રસંગોની કોતરણી ધરાવતા ચાર મીટર ઊંચા પથ્થરના સાંઈઠ થાંભલા છે. બીજા માળે મહાકાલેશ્વર બિરાજે છે. ત્રીજા માળે સિધ્ધનાથ, ચોથા અને પાંચમા માળે ગુપ્તેશ્વર અને ધ્વજેશ્વર બિરાજમાન છે.

બહુ જ સ્વાભાવિક છે, કે આટલા પ્રસિધ્ધ મંદિરને રસ્તે જતાં દરેક પગથિયે ફળ, ફૂલ ને પ્રસાદની દુકાનો, ચા ને નાસ્તાની હાટડીઓ તો હોવાની જ. શંકર ભગવાન કે કોઈ પણ ભગવાન ભાવનાના ભૂખ્યા છે, એ બધા ભક્તો સમજતાં હોવા છતાં પણ આ બધી દુકાનોમાં ઘટાડો થાય કે પૂજા–પ્રસાદનો કોઈ નિયમ બનાવાય તો ભક્તોને જ તકલીફ ઓછી પડે ને આ સ્થાન વધુ સ્વચ્છ ને રળિયામણું બને. આવી જગ્યાઓએ પુણ્યને બદલે પૈસા કમાનાર પૂજારીઓની કોઈ ખોટ નથી હોતી. જબરદસ્તી ના ન કહીએ ત્યાં સુધી માથું ખાનારા લાલચુઓ અહીં ઘાટથી જ સાથે ચાલવા માંડે. અમારે ફક્ત દર્શન જ કરવાનાં હોઈ અમે ખાલી હાથે જ મંદિરમાં ગયેલાં અને મનમાં સંતોષ ભરીને ફરી કેવટને સહારે નર્મદા પાર કરવા નીકળી પડેલાં. જેનાં દર્શનથી જ પાપ દૂર થાય એવી રેવાને કે શિવને વળી બાહરી પૂજાપાની શી જરૂર? સૌથી આનંદદાયક અનુભવને દિલમાં સંઘરી અમે ગામમાં લટાર મારવા નીકળી પડ્યાં.




મિનિ મુંબઈ ઈંદોર!
**************
આપણે જ્યારે પણ પ્રવાસમાં નીકળ્યાં હોઈએ ત્યારે આપણને અમસ્તી અમસ્તી ભૂખ બહુ લાગે, એમાં સાચી ભૂખનો તો વારો જ ન આવે! થોડી થોડી વારે, રસ્તામાં ફાકા મારવા લીધેલાં પડીકાં ફંફોસીએ અને જો કશે દસ પંદર મિનિટનો વિરામ લઈએ તો ચા પીવાની ઈચ્છા થઈ આવે. હવે ચા એકલી તો પીવાય જ નહીં એટલે ત્યાં જે મળતું હોય તે પેટમાં ઓરાય. બસ, કોઈ પણ હિસાબે ચક્કી ચાલુ રહેવી જોઈએ. હજી તો જ્યાં જવાનાં હોઈએ ત્યાંની ખાસ–ખાસ ને અવનવી વાનગીઓ લલચાવે તે તો પાછી જુદી. અમને હોટેલના મેનેજરે કહેલું કે ઈંદોર જાઓ તો ત્યાંની છપ્પન ભોગ ધરાવતી ‘છપ્પન દુકાન’ની મુલાકાતે અને ‘સરાફા બજાર‘ જરૂર જજો. શું એણે અમને ખાઉધરાં જાણીને જ કહ્યું હશે? કે ખરેખર ત્યાં જવા જેવું હશે? ચલો જો ભી હો, દેખા જાયેગા.


ઓમકારેશ્વરથી અમારે બે જગ્યાએ જવાનું હતું, ઈંદોર અને મહેશ્વર. મહેશ્વરને તો સ્વાભાવિક છે કે સાડીના શૉપિંગ માટે જ પસંદ કરેલું. બાકી ત્યાં કંઈ જોવા જેવું હોય તો પછી જોઈ લઈશું એવું નક્કી થયા પછી અવઢવ થઈ કે પહેલાં ક્યાં જવું? જો પહેલાં ઈંદોર જઈએ તો સાડીના શૉપિંગ માટેની ઘડીઓ કાલ પર ઠેલવી પડે એમ હતું. શૉપિંગની શુભ ઘડીઓ તો નજીક આવી આવીને જાણે દૂર જઈ રહી હતી. વળી ઈંદોર ગયા પછી તો છપ્પન ભોગ આરોગવાની ચટપટી રોકાય જ નહીં! ખેર, ગાડીમાં જગ્યાનો વિચાર કરીને પહેલાં ફરવાનું, ખાવાનું અને છેલ્લે શૉપિંગ એવું નક્કી થતાં અમે ઈંદોર તરફ રવાના થયાં. એમ પણ અમારા ચારમાંથી અંજુએ મહેશ્વર જોયેલું હતું એટલે એ મહેશ્વર નહોતી આવવાની. શૉપિંગમાં એક સાથીની ખોટ પડશે એ વિચારે અમે થોડી વાર માટે ગમગીન થયાં ને પછી (સાડીની વાતમાં) ભૂલી પણ ગયાં!

બે કલાક તો ક્યાંય નીકળી ગયા અને અમે દેશના પહેલા ટોલ રોડ(ટોલ નાકું)ના શહેર ઈંદોરની નજીક નજીક પહોંચી ગયાં. આખરે હોલકર પરિવારના ભવ્ય ઈતિહાસ ધરાવતા અને ઝળહળતા વર્તમાનથી શોભતા, ભારતની સૌથી સ્વચ્છ નગરીનું છોગું ધરાવતા, સુતરાઉ કાપડ ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર બનેલા અને ખાણીપીણી માટે મુંબઈની હારોહાર ઊભા રહેનાર મધ્ય પ્રદેશના મોટામાં મોટા અને ચુડીઓથી રણકતા શહેર ઈંદોરમાં પ્રવેશ્યાં. કાચનું જૈન મંદિર જેની શોભા છે અને હોલકરના રાજ્ય દરમિયાનના મશહૂર, અદ્ભૂત મહેલો જેનો વારસો છે તે ઈંદોરના નામની પણ એક નાનકડી કહાણી છે. (આપણા નામની આગળ કે પાછળ તો કોઈ કહાણી જ ન હોય! એના માટે તો કોઈ તોપ ફોડવી પડે. અમસ્તું કંઈ નામ ન થાય.) ખેર, સરસ્વતી અને કાન્હ(!) નામે બે નાની નદીઓના સંગમ પર અઢારમી સદીમાં સંગમનાથ કે ઈંદ્રેશ્વર નામે નાનું મંદિર હતું તેના નામ પરથી ઈંદોર નામ પડ્યું. દુનિયામાં નદી કે પર્વત ન હોત તો શહેર કે ગામનાં અડધાં નામ શુષ્ક ને રસહીન જ હોત ને?

‘છપ્પન દુકાન’ મનમાં સાચવીને રાખીને અમે સૌથી પહેલાં કાચનું જૈન મંદિર જોવા ઉપડ્યાં. યુરોપિયન અને ભારતીય શૈલીની મિશ્ર શિલ્પકળાથી ચળકતું–ઝગમગતું ફક્ત રંગીન કાચ ને અરીસાઓનું જ બનેલું આ મંદિર છે. કાચની છત, કાચની દિવાલો અને થાંભલા સહિત જેના દરવાજાના કાચના ડટ્ટા પણ કલાત્મક એવા મંદિરમાં સુંદર ચિત્રો પણ કાચ પર બનાવેલાં જોયાં. શેઠ હુકમચંદ નામે એક જૈન શ્રેષ્ઠી હતા. ભારતના વેપારઉદ્યોગના પ્રણેતા એવા એ શેઠે અહીં ઈટારવામાં જયપુર અને ઈરાનથી કારીગરોને બોલાવીને એક ‘શીશ મહેલ’ ઊભો કર્યો. નજીકમાં પૂજાર્થે આ કાચનું મંદિર પણ બનાવડાવ્યું. શણગારમાં પ્રાચીન અને મધ્યયુગની જૈન કલાનો સમન્વય કર્યો. મંદિરના ગર્ભગૃહમાં તીર્થંકર ભગવાનની ફરતે અરીસાઓ એ રીતે ગોઠવ્યા કે ભાવકને અસંખ્ય ભગવાનનાં દર્શન થાય!

દર વરસે સોનાની પાલખીમાં થતી રથયાત્રાનો આરંભ આ મંદિરથી થાય છે. ‘સુગંધદશમી’ જેવા તહેવારો અને સામુહિક ક્ષમાવાણી પણ અહીં યોજવામાં આવે છે. મંદિરના વ્યવસ્થાપક ભાઈ અમને મંદિરની વિસ્તારથી માહિતી આપી રહ્યા હતા. ખરેખર, આંખને આંજી નાંખે એવી કારીગરી જોવા જેવી તો ખરી. ‘શીશ મહેલ’  કોઈક કારણસર અમને જોવા ન મળ્યો એટલે અમે જૂના રાજમહેલની નજીક કૃષ્ણપુરામાં આવેલી પ્રસિધ્ધ છત્રીઓ જોવા ગયાં.

આ છત્રીઓ એટલે હોલકર રાજઘરાનાના મૃતકોની યાદમાં બંધાયેલાં સ્મારકો. સુંદર કોતરણીવાળા થાંભલા અને નજરમાં સમાય એવી શિલ્પકળાથી શોભતાં આ સ્મારકો ‘છત્રી’ નામે જ પ્રખ્યાત છે. સૌથી પહેલી છત્રી મહારાણી કૃષ્ણાબાઈ હોલકરના માનમાં બંધાઈ. જેમના નામ પરથી કૃષ્ણપુરા નામ પડેલું. હોલકર રાજા અને રાણીઓના પ્રજાલક્ષી કાર્યોથી જ ઈંદોર જોવાલાયક, પ્રસિધ્ધ પ્રવાસન સ્થળ છે.

હવે પેલી ખાઉગલીની બહુ રાહ નહીં જોવાય એમ લાગતાં જ અમે એકબીજા આગળ પ્રસ્તાવ મૂક્યો, જે સર્વાનુમતે પાસ થઈ ગયો અને અમે બહુ ઉત્સુકતાથી પહોંચ્યાં ઈંદોરની અતિ અતિ અતિ પ્રખ્યાત, ‘છપ્પન દુકાન’! જ્યારથી છપ્પન દુકાનનું નામ સાંભળેલું ત્યારથી મનમાં અવઢવ તો હતી જ, કે આપણે આટલી બધી દુકાનો ક્યારે ગણી રહીશું? જો દુકાન ગણવા જઈશું તો ખાધા વગર રહી જઈશું? આટલી બધી દુકાનોમાંથી કઈ દુકાનમાં મસ્ત ખાવાનું મળે તે કોને પૂછશું? કેવી રીતે ખબર પડે કે ક્યાં ખાવાનું? જેને પૂછશું તેના ટેસ્ટનું ખાવાનું? એને તીખું ભાવતું હશે તો? અમને એ વિસ્તારની ગલીઓની દૂર દૂર સુધી ને સામસામે સુગંધ ફેલાવતી, એકબીજાના ધંધાને ટક્કર મારતી કેટલીય દુકાનોની આવકારતી સુગંધોએ લલચાવ્યાં. પહેલાં કયાં જઈએ ને પહેલું શું ખાઈએ? હત્તેરીની! આના કરતાં એક જ જાણીતી જગ્યા હોત તો સીધા ત્યાં જ પહોંચી જાત ને? પછી વિચાર આવ્યો, સાડીની દુકાનમાં સાડીના ઢગલામાંથી ગમતી સાડી પસંદ કરવાની વિધિ કેટલી મજાની હોય છે? બસ એમ જ, બધી દુકાનોની સામે એક લટાર મારી લઈએ ને જ્યાંથી મસ્ત સુગંધ આવે અથવા તો જ્યાં વધારે લોકો દડિયા પકડીને ઊભેલા દેખાય ત્યાં જ પાણીપૂરીથી શરૂઆત કરીએ.

હાશ! આઈડિયા ખોટો નહીં. ચલો હો જાઓ સબ શુરૂ. પછી તો, પહેલી પાણીપૂરી મોંમાં મૂકતાં જે અદ્ભૂત અહેસાસ થયો! આહાહા! જીવનની ધન્ય પળો હોય તો તે આજ છે, આ જ છે ને આ જ છે. વધુ રસભરી વાનગીઓ આવતા હપ્તે. (રાહ તો જોશો જ એની મને ખાતરી છે.)





(તસવીરો માટે ગૂગલનો સહારો)

સોમવાર, 10 સપ્ટેમ્બર, 2018

આખરે ટ્રાઈબલ મ્યુઝિયમના દરવાજે અને ચાલો શિવજીને પ્રસન્ન કરવા ઓમકારેશ્વર

 ટ્રાઈબલ મ્યુઝિયમ
મ્યુઝિયમ જોવા જ અમે બીજી વાર ભોપાલ આવ્યાં, ત્યારે મ્યુઝિયમના દરવાજામાં દાખલ થવાનો આનંદ તો જાણે અમને કોઈ ઈનામ મળ્યું હોય એટલો હતો. અહીં તો આદિવાસીઓની રહેણીકરણી દર્શાવી હશે કે એમની કળા કારીગરીની વસ્તુઓનો સંગ્રહ હશે એવો જ અંદાજ હતો. જેમ જેમ મ્યુઝિયમમાં ફરતાં ગયાં, તેમ તેમ એક અજબ દુનિયામાં ખેંચાતાં ગયાં. જાણે કોઈએ અમારા પર જાદુ કર્યું હોય! કેટકેટલી કળાઓના અદ્ભૂત વારસાને સમાવીને અને સાચવીને આ મ્યુઝિયમ બન્યું હશે! દેશ વિદેશના પ્રવાસીઓના સતત વહેતા પ્રવાહ સાથે કેટલાય લોકો મોબાઈલમાં અને કૅમેરામાં જેટલું ઝીલાય એટલું ઉત્સાહથી ઝીલી રહ્યા હતાં. ખુદ દિનેશ પણ આભો બન્યો હતો, ‘કાકી, આપણે ત્યાંના આદિવાસીઓને આવું બધું કંઈ નીં આવડે.’ એટલું બોલીને પાછો એ ફોટા પાડવા ફરવા માંડ્યો. બગીચામાં છૂટ્ટા મૂકેલા કોઈ નાના છોકરા જેવા દિનેશને મસ્તીથી અહીંથી તહીં દોડાદોડ કરતાં જોઈ અમે સૌ મલકાયાં.

નવાઈ લાગે પણ આ મ્યુઝિયમની સ્થાપના એક ભીલ સ્ત્રીને આભારી છે, જે ખુદ એક અચ્છી ચિત્રકાર છે! ભોપાલ પર સો વરસ સુધી બેગમોએ રાજ કરેલું તેની અસર હોઈ શકે. બે હજાર ને અગિયારની સાલમાં ભોપાલના અગ્રગણ્ય અધિકારીઓ, સમાજશાસ્ત્રીઓ, પુરાતત્વવિદો, સમાજશાસ્ત્રીઓ અને કલાકારોની એક મીટિંગ થઈ. એમાં ભૂરીબાઈએ એવું સૂચન કર્યું જે હંમેશને માટે ભોપાલની શાન બની ગયું. ‘શું ફક્ત આદિવાસી કલાકારોની મહેનતથી જ બનેલું, આદિવાસીઓનું એક મ્યુઝિયમ ના બની શકે?’ આ અદ્ભૂત સુઝાવને સૌએ ઉમળકાભેર વધાવી લીધો અને સરકારની સહાયથી પછી તો જોરશોરથી કામ શરૂ પણ થઈ ગયું. આખા મધ્યપ્રદેશમાં દસેક લાખની વસ્તી ધરાવતા આદિવાસીઓમાંથી નીવડેલા કલાકારો ખૂણે ખાંચરેથી આવતા ગયા. જાણે અહીં તો ગોંડ, ભીલ, બૈગા, કોરકુ, કોલ, સહરિયા અને ભરિયા જાતિનો અદ્ભૂત મેળાવડો જ થઈ ગયો.

ઝડપથી નાશ પામી રહેલી આદિવાસી કળા અને સંસ્કૃતિને સાચવી લેવાનો આ વિચાર, આ પ્રયાસ આખરે બે હજાર ને તેરમાં પૂરો થયો એમ ન કહેતાં, સુંદરતાને વર્યો અને સફળતા પામવા સાથે દુનિયાભરમાં પ્રસિધ્ધિ પામ્યો એમ કહેવું વધારે ઠીક રહેશે. આ કલાકારોના દિલોમાં પણ જે સુંદરતા છે તે એમની દરેક કૃતિમાં નજરે ચડે છે. એટલે જ કદાચ બૈગા કલાકાર લાડલીબાઈ માને છે કે ‘લોકો માટે ભલે આ મ્યુઝિયમ હશે પણ આ અમારું ઘર છે. અમારી ભવિષ્યની પેઢી પણ જાણશે કે અમારા પૂર્વજો કેવી હાલતમાં રહેતાં. અમારી સંસ્કૃતિને બચાવવાનો અને અહીં જાળવી રાખવાનો આનાથી શ્રેષ્ઠ ઉપાય કોઈ હોઈ જ ના શકે.’ ખરેખર, મ્યુઝિયમને જોયા બાદ તો દાદ દેવી જ પડે એ કલાકારોને જેમણે આબેહૂબ આદિવાસી સંસ્કૃતિને જીવંત કરવામાં કોઈ કસર નથી છોડી.

પહેલી ગેલેરીમાં એક વિશાળ વડનું ઝાડ એની વડવાઈઓ સાથે ફેલાયેલું અને છત સુધી પહોંચીને જાણે ગર્વથી આજુબાજુના પાંચેય રાજ્યોને કહેતું હોય, ‘જુઓ અમારી એકતા અને સમાનતા.’   બીજી ગેલેરીમાં સ્થાનિક ચીજ વસ્તુઓમાંથી જ ઊભું કરેલું સુંદર ઘર જોઈને અમે એકબીજા સામે જોવા માંડ્યાં. કાશ! આપણેય આવા ઘરમાં રહેતાં હોત! તો આપણેય જંગલમાં શિકાર કરવા જાત, નદીમાં માછલાં પકડવા જાત, ગાય–ભેંસ ચારવા જાત અને સાંજ પડતાં વાંસળી વગાડતાં વગાડતાં ઘેર પાછા ફરતાં હોત! જવા દો, કાશની કોઈ આશ નથી. ચુપચાપ કે વાતો કરતાં પણ કળા ઉપર નજર ઠેરવો ને આનંદ માણો. એ ઘર ઉપર ચીતરેલા કે ઉપસાવેલા જુદા જુદા સુંદર ચિત્રો વડે રોજની રહેણીકરણી, ત્યાંના પ્રાણીઓ અને જાતજાતના ઘરઘરાઉ, ખેતીના કે શિકારના સાધનો વિશે પણ જાણવા મળી જાય.

જેમ સુધરેલા કે સંસ્કારી ને શિક્ષિત લોકોના અધધ ભગવાન છે તેવા જ આ આદિવાસીઓના પણ વિવિધ દેવી–દેવતા છે. કોઈ રોગ ઠીક કરનાર દેવ જુદા તો ગાય, બકરી કે કોઈ પાલતુ જાનવર ખોવાઈ જાય તો તેની માનતાના દેવ જુદા! અરે, વડના ઝાડ નીચે જો કોઈ વસ્તુ થોડો સમય પડેલી દેખાય તો તેય ભગવાન બનીને પૂજાવા માંડે! છે કોઈ ફરક? આપણે એમનાથી કઈ રીતે ઊંચા ગણાવીએ આપણી જાતને? પૂર્વજોની યાદમાં બનાવેલાં માટીનાં નાના ઘર આકાશ સુધી પહોંચતાં બતાવીને દેવલોક બતાવાયું છે અને સાથે પાતાળલોકનાં દર્શન પણ કરાવાયા છે. જાણે અંધારા અને અજવાળાની ભયાનક દુનિયામાં, કોઈ ઝાડની ઉપર ને નીચે ભૂતોના ખિખિયાટા સંભળાઈ રહ્યા હોય અને હમણાં કોઈકની ચીસોના પડઘા સંભળાશે કે કોઈ સ્ત્રી મદદની ચીસો પાડશે એવું કોઈ બિહામણી ફિલ્મના સેટ જેવું અદ્દલ દ્રશ્ય અહીં ઊભું કરાયું છે.

કોઈ જગ્યાએ કોઈ ખાસ ઘરેણાને વિશાળ કદમાં ગોઠવીને મૂકવાનું કારણ, એ કળાની બારીકી લોકોને સમજાય એ જ છે. એક મોટા કંગનને પૈડા જેટલું મોટું બતાવાયું છે પણ એ તો જોયા પછી જ ખબર પડે કે ગડવા જાતિના લોકોની આ તો જગમશહૂર ડોકરા/ઢોકરા કલા છે. એક ગેલેરીમાં ત્યાંની રમતગમત જોવા મળે તો એકમાં મહેમાનકક્ષ પણ દેખાય. ખૂબ જ નિરાંતે ફરવા જેવા આ મ્યુઝિયમની યાદો મનમાં સંઘરીને અમે સહરિયા જાતિની એક વાર્તા જાણીને બહાર નીકળ્યાં.

ભગવાને સૌથી પહેલાં એક યુગલ બનાવ્યું. (ઈવ ને આદમ?) લો, આ વાર્તા તો આ લોકોનેય ખબર છે! ના, વાર્તા ઘણી અલગ છે. અહીં કોઈ સફરજન કે અદકપાંસળીની વાત નથી. ભગવાને તો હજી કામ શરૂ જ કરેલું એટલે યુગલનિર્માણમાં મંડી જ પડેલા. પહેલું યુગલ બિચારું ખસતું ખસતું હાંસિયામાં ધકેલાઈ ગયું. એમની પાસે ફક્ત ભગવાને આપેલી એક કોદાળી હતી. તેય કંઈ સોના–રૂપાની નહોતી. તોય મોટામાં મોટી વાત કે એ યુગલ સંતોષી હતું. એમની પાસે કુદરતી સંપત્તિનો ખજાનો હતો. અને બસ, એ લોકો મજેથી જીવી ગયાં.

                                            
                                             ચાલો શિવજીને પ્રસન્ન કરવા ઓમકારેશ્વર
                                             *******************************
આ મારો પહેલો એવો પ્રવાસ હતો જેમાં મેં વધારેમાં વધારે મંદિરોનાં દર્શન કર્યાં હોય અને તે પણ પાછા એક જ ભગવાનનાં! મધ્ય પ્રદેશ પર શિવજીની ખાસ્સી કૃપા થઈ છે એ બધા મંદિરો જોતાં અને એમનું મહત્વ ત્યાંની વાર્તાઓ જાણતાં જણાઈ આવે. આ અમારી કોઈ ધાર્મિક યાત્રા ન હોવા છતાં અમે જ્યાં જતાં ત્યાં શિવજી અમને મળી જતા! ૐકારેશ્વરની જુદી જુદી વાર્તાઓ જાણ્યા પછી એક વાતની ખાતરી થઈ ગઈ કે શિવજી બિચારા ખરેખર ભોળા. દેવો તો ઠીક દાનવોય એમની ભલમનસાઈનો લાભ લઈ જતા. શિવના નામે થોડું ઘણું કઠણ તપ કર્યું નથી કે મહાદેવજી પ્રસન્ન થયા નથી. પાછા આ ભોલા ભંડારી એવા પણ નહીં કે એમને વળતરમાં કંઈ ભેટ બેટ જોઈએ. વરદાન આપીને ભૂલી જવાનું. પોતે તો પાછા સાદગીના ભંડાર. ભંડારના નામે વરદાનોનો અખૂટ ભંડાર! કોઈ પગમાં શું આળોટ્યું કે માથે હાથ મૂકી જ દે. કોઈની પરીક્ષા બરીક્ષા લેવાની કે કોઈને ખોટા હેરાન કરવાની પણ દાનત નહીં. લુચ્ચાઈથી તો એમને બાર ગાઉનું છેટું. કદાચ એટલે જ લુચ્ચા લોકો પણ એમનો ફાયદો લઈ લેતા. ખેર, એમના નામે વર્લ્ડ રેકોર્ડ જ હશે કદાચ કે એમનાં જેટલાં મંદિરો કે એમના જેટલા ભક્તો છે કદાચ બીજા કોઈ ભગવાનના નહીં હોય. (આટલા બધા સદ્ગુણોમાં ક્રોધનો એકાદ છાંટો પડે તે તો હવે સહન કરી લેવો પડે. આખરે કૃપા પણ એ જ કરે ને?)

દરેક ધાર્મિક સ્થળ સાથે જે તે દેવની કેટલીય સાચી કે ખોટી વાર્તાઓ ફરતી હોય, એટલે આપણા રુદ્રનાથની વાર્તા ન હોય એવું તો બને જ નહીં. તો વાતની શરૂઆત નારદ મુનિથી જ કરીએ. આ મુનિએ એવા તે કેવા સમાચારોથી દેવો ને દાનવોમાં ઉથલપાથલ કરી હશે કે આજની તારીખે પણ ચાપલૂસીનો દાખલો તો એમના નામે જ અપાય! એમના પેટમાં કોઈ વાત ન રહેતી કે પછી જાણીજોઈને બધે સમાચાર ફરતા રાખતા, તે તો એ મુનિ જ જાણતા. દુનિયાની એ સૌથી પહેલી ન્યૂઝ ચેનલ હતી એવું કહેવાય છે. ખેર, એક વાર મુનિ વિંધ્ય પર્વતની મુલાકાતે ગયા. વિંધ્યે તો એમની આગતાસ્વાગતા કરીને દુનિયાના સમાચાર પૂછ્યા. પૂછતાં જ વાર. મનમાંની ચટપટીને બહાર કાઢતાં મુનિએ કહ્યું, ‘એમ તો બધું બરાબર છે પણ આજકાલ મેરુ પર્વત બહુ હોશિયારી મારે છે. એના મનમાં અભિમાન આવી ગયું છે કે મારા જેટલો મહાન ને ઊંચો પર્વત કોઈ નથી.’ કોઈના મગજને છટકાવવા કે બે જણ વચ્ચે લડાઈ કરાવવા, એકની સામે બીજાનાં વખાણ કરવાનું શસ્ત્ર વાપરતાં નારદજી સિવાય બીજા કોને આવડે? થોડું લાંબું ન વિચારનાર વિંધ્ય પર્વતને આ ઝેરી તીર દિલમાં ભોંકાઈ ગયું.

પછી તો અભિમાન ને અદેખાઈનો અંજામ આવી ને જ રહ્યો. એણે તો કઠોર તપથી શિવ આરાધના કરી અને મેરુ કરતાંય ઊંચા થવાનું વરદાન માગ્યું. બિચારા શંભોને શું ખબર કે વરદાનનું પરિણામ કેવું આવશે? એમણે તો ૐકારેશ્વર અને મમલેશ્વર(અમરેશ્વર)ના નામે અહીં પ્રગટ થઈને ભક્તની ઈચ્છા પૂરી કરી. હા, સાથે સાથે ભક્તોને કોઈ તકલીફ ના પડવી જોઈએ એ શરત પણ રાખી. હવે એક વાર અદેખાઈ ને અભિમાનનું ભૂત ભરાયું પછી કોણ શિવ ને કોણ ભક્ત? એ તો ઊંચે ને ઊંચે જતો જ ગયો, ત્યાં સુધી કે એણે સૂરજ ને ચાંદાને પણ ઢાંકી દીધા! હવે તો બધા દેવો પણ ગભરાયા. વિષ્ણુજીની સલાહથી બધા દેવો પહોંચ્યા અગસ્ત્ય ઋષિ પાસે. ઋષિ સજોડે ઉપડ્યા વિંધ્યને સમજાવવા. ‘જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી હવે વધારે ઊંચે જવાનું માંડી વાળજે.’
દેવો જેને માન આપે તે ઋષિની આગળ પર્વતનું શું ચાલે? આજ સુધી થાક્યા વગર ઋષિની રાહમાં વિંધ્ય પર્વત એવો જ અડીખમ ઊભો છે પણ ઋષિ અંચઈ કરી ગયા તે એના ધ્યાનમાં ન આવ્યું. ધ્યાનમાં આવ્યું પણ હોત તો શું થઈ શકત? ઋષિ તો પછી શ્રીશૈલ જતા રહ્યા જે દક્ષિણ કાશી તરીકે પ્રખ્યાત છે.

ૐકારેશ્વરની વાતોનો અંત નથી. વિંધ્ય પર્વતની બીજી એક વાત પણ પ્રચલિત છે. વિંધ્યદેવ વિંધ્ય પર્વતમાળાનું રક્ષણ કરતા હતા. એમણે શિવપૂજા કરતાં પોતાની ભૂલોની, પોતાનાં પાપોની માફી માગતાં એક ભૌમિતિક આકારનો ટાપુ બનાવ્યો અને માટી તથા રેતીમાંથી એક શિવલિંગ બનાવ્યું. પિનાકપાણિ તો પ્રસન્ન થઈ ગયા અને ત્યાં બે સ્વરૂપે પ્રગટ થયા. ૐકારેશ્વર અને અમરેશ્વર! એ ટેકરીનો આકાર ૐ જેવો દેખાતો હોવાથી ૐકારેશ્વર નામ પડ્યું.

હજી એક વાર્તા પણ છે! દેવો અને દાનવોમાં કોઈ વાર સાદું યુધ્ધ ન થાય એટલે ભીષણ યુધ્ધ થયું. દેવો કાયમ નબળા જ પડે એટલે મોટા દેવ પાસે દોડે. તાત્કાલિક તો નીલકંઠજી જ હાજર હતા. કદાચ નજીક પણ હોય. યુધ્ધનું આ પ્રકરણ જો કે ટૂંકમાં જ પત્યું કારણકે રુદ્રનાથે રૌદ્ર રૂપ ધરીને ૐકારેશ્વરનું રૂપ લઈને દાનવોનો નાશ કર્યો અને આમ ૐકારેશ્વરની સ્થાપના થઈ.

શિવ પુરાણમાં જણાવ્યા મુજબ ૐકારેશ્વરનું ઉપલિંગ, બિંદુ સરોવર પાસે આવેલું કર્દમેશ્વર છે. કોઈ પણ નામે ભજો કે કોઈ પણ નામે બોલાવો આખરે તો એક જ શિવ કે એક ઈશ્વરના જુદાં નામ. પવિત્ર નર્મદા નદીની અંદર આવેલા નાનકડા ટાપુ માંધાતા ઉપર ૐકારેશ્વર આવેલું છે. ઈક્ષ્વાકુ વંશના મહાન રાજા માંધાતાએ અહીં રાજ કરેલું અને અઠંગ શિવભક્ત હોવાથી એણે ૐકારેશ્વરની ફરતે એકસો ને આઠ મંદિર બંધાવેલાં! એના નામે અહીં માંધાતા આશ્રમ પણ છે. ઈંદોર નજીક આવેલું ૐકારેશ્વર ઈંદોર–ખંડવા રોડથી જવાય. એના નામે તો રેલવે સ્ટેશન પણ છે એનો અર્થ કે ટ્રેન ભરાઈ ભરાઈને ભક્તો અહીં આવતા જ હશે. ભારતના બાર જ્યોતિર્લિંગોમાંનું એક શિવલિંગ અહીં હોય પછી આ સ્થાનનો અદ્ભૂત મહિમા ન હોય એ કેમ બને?



(તસવીરોનું સૌજન્ય ગૂગલ)