રવિવાર, 22 ફેબ્રુઆરી, 2015

જિંદગી મસ્કા મારકે....

મારો હાસ્યલેખ વાંચ્યા પછી મને કોઈ દિવસ કોઈ ઊંધાચત્તા કે આડાઅવળા પ્રશ્નો થતા નથી પણ વાચકોને ઘણી વાર થતા હોય છે. એ તો વાચકો એટલા સારા કે, કંઈ કહેવાને બદલે કે ટીકા કરવાને બદલે વાંચવાનું જ માંડી વાળે એટલે હું બચી જાઉં. કોઈક ભોળા અથવા કટાક્ષ કરવા આતુર વાચક મને સાવ સ્વાભાવિક રીતે પૂછે, ‘આ હાસ્યલેખ છે ?’ જોકે, હું મનમાં જ એનો જવાબ મમળાવ્યા કરું, ‘માફ કરજો. છે તો હાસ્યલેખ પણ તમને ન સમજાયો હોય તો આનાથી વધારે ખરાબ હું નથી લખી શકતી.’

ગુજરાતમિત્રમાં ચાલતી મારી એક કૉલમનું નામ હતું, ‘જિંદગી તડકા મારકે.’ હવે તડકો કોઈને કેવી રીતે મરાય ? એ સવાલ ઘણાને થતો એટલે પૂછાતું, ‘ભઈ, કંઈ તડકા–બડકા વિશે કૉલમ ચાલે છે કે શું ?’

મારે ખૂબ જ શાંતિથી એમના મનનું સમાધાન કરવું પડતું. ‘જુઓ, જિંદગી શું છે ? થોડા દિવસ તડકા ને થોડા દિવસ છાંયડા. જેમ રાત ને દિવસ, સૂરજ ને ચાંદો, ઉનાળો ને શિયાળો.....વગેરે છે તેવું જ આપણું જીવન છે. થોડા દિવસ તડકામાં મરવાનું ને મોંઘવારીના ભડકે બળવાનું થાય કે અચાનક જ બધેથી ઠંડક થાય તેવા સમાચાર મળવા માંડે. વળી...’
‘બસ...બસ. સમજી ગયા. જીવન એક સિક્કાની બે બાજુ જેવું છે ને સુખ પછી દુ:ખ આવે એવું જ બધું તમે સમજાવો છો એમ ને ?’ (આમણે તો મને કોઈ સાધ્વી ધારી લીધી કે શું ?)
‘એ તો ભઈ, તમારે જે અર્થ કાઢવો હોય તે. બાકી મેં તો જિંદગીના ઘણા અર્થો કાઢ્યા છે.’
‘જેમ કે...?’
‘જિંદગી ધક્કા મારકે.’
‘હેં..?’
‘હેં શું? આપણા જીવનમાં આપણે ધક્કા ખાવાના ને ધક્કા મારવાના કેટલા પ્રસંગો આવે છે એનો તમે કોઈ દિવસ હિસાબ માંડ્યો છે ? જોકે, સાદીસીધી જિંદગી જીવવામાં મજા પણ શું ? મને તો ટ્રેનમાં કે બસમાં આરામથી જગ્યા મળી જાય તે બિલકુલ ન ગમે. ચુપચાપ મુસાફરી કરવામાં બિલકુલ મજા નથી. જગ્યા શોધવાની, કોઈને જગ્યા માટે વિનંતી કરવાની ને ન માને તો થોડી રકઝક કે દાદાગીરી કરવાની ! આહા ! ધક્કામુક્કી કરતાં કે ઠોંસા ખાતાં કે ઢીંક મારતાં ટ્રેનમાંથી કોઈ દિવસ ઊતર્યાં છો ? રસ્તે ચાલતાં એ વાતોને મમળાવવાની કે ઘરે જઈને બધાંને એ બધી વાર્તા કરવાની કેટલી મજા પડે ! એવું જ, કોઈ કામ કરવા નીકળ્યાં હોઈએ ને એક જ આંટામાં એ કામ થઈ જાય તો મને બિલકુલ ખુશી ન થાય, જેટલો આનંદ દસ ધક્કા ખાધા પછી થતા કામમાં થાય. એવું લાગે કે, જાણે આપણી મહેનત ફળી. છોકરાં લવ–મેરેજ કરીને એમ સમજે કે, માબાપની મહેનત ને પૈસો બચાવ્યો. ખરું પૂછો તો, એ લોકો માબાપને કેટલાં દુ:ખી કરે છે તે એ લોકો નથી જાણતાં. કોઈની પાસે, છોકરો કે છોકરી શોધવા કેટલા ધક્કા ખાધા કે કેટલી ચંપલ ઘસી કાઢી તેની કોઈ વાર્તા જ ન હોય ! બસ, ખાધું, પીધું ને રાજ કર્યું એમાં જ બધું આવી જાય. આવું તે કંઈ જીવન હોય ?’
‘તમે કોઈ બીજા પણ અર્થની વાત કરતાં હતાં.’
‘જિંદગી ફાકા મારકે...’
‘ફાકા મારકે ?’
‘ફાકા મારવા એટલે, ભૂખે મરવું અથવા બુકડા ભરવા. તમને રોજ રોજ બે ટાઈમ થાળી ભરીને, પેટ ભરીને જમવા મળે એમાં આનંદ મળતો હશે પણ મને નથી મળતો. કોઈ વાર ભૂખ્યા રહેવું પડે કે કોઈ વાર ચણા–મમરાના ફાકા મારીને ચલાવવું પડે ત્યારે ભરેલી થાળીનો વિચાર કેવો સ્વાદિષ્ટ જણાય છે ? ને ફક્ત ખાવાપીવાની જ વાત શું કામ કરું ? ફાકામાં ‘ફ’ની ઉપર મીંડું મૂકી દો તો જિંદગી ફાંકા મારવામાં જ પૂરી થાય છે ને ? ને ફાંકા મારવામાં મળતી ખુશી ? આહાહાહા...! મને તો ફાંકેબાજ લોકોને જોવામાં જે આનંદ મળે છે, તમને નહીં સમજાય. ફાંકાની તદ્દન નજીક નજીક એક શબ્દ છે, ફાંફાં. ‘જિંદગી ફાંફાં મારકે.’ આના પર તો શું લખું ? જવા દો. બધાંને બધું ખબર જ છે.’
‘તમે તો તડકા પરથી ક્યાંના ક્યાં પહોંચી ગયાં !’
‘એ તો આપણી જિંદગી જ એવી છે કે, જેટલા અર્થ કાઢીએ એટલા ઓછા. તમે આ કૉલમના તડકાનો ખરો અર્થ સમજ્યા કે નહીં ?’
‘આજે હવે તમે નવા નવા અર્થો સમજાવવા જ બેઠાં છો, તો તમે જ કહી દો ને.’(મને એવું બધું ઝટ સમજાતું નથી.)
‘આ કૉલમનું નામ હિન્દીમાં રાખ્યું છે–ભલે ગુજરાતી છાપું રહ્યું. સન્નારીઓને જેમ રસોઈમાં વઘારનું મહત્વ નથી સમજાવવું પડતું, તેમ જિંદગીમાં પણ જાતજાતના પ્રસંગોએ જાતજાતના વઘાર કરવા પડે છે. તે વગર જીવનમાં સ્વાદ ને સુગંધ આવતાં નથી. આ એનો અર્થ થયો, હવે સમજ્યા ?’
‘ઓહ ! એમ વાત છે ?’
‘જીવનમાં આવતી મુશ્કેલીઓમાં કે આવતાં દુ:ખોમાં એક જ વઘાર કામ આવે છે ને તે છે, હાસ્યનો વઘાર. તમે જો આખા દિવસમાં કોઈની સામે કે પોતાની સામે પણ એકાદ સ્માઈલ ન આપી, તો સમજી લો, કે તમને વઘાર વગરની દાળ પણ ભાવે છે. મફતની આપ–લે કરવાની છે તોય લોકો એનો હિસાબ ગણવા બેસે છે. ચાલો, આ જ વાત પર એક સ્માઈલ આપી દો જોઉં.’
‘સ્માઈલ શું, તમે કહો તો અટ્ટહાસ્ય કરું. હા..હા..હા...’
‘એ જ નામ પર છેલ્લો અર્થ પણ જાણી લો.’
‘હજી કંઈ બાકી રહી ગયું ?’
‘જિંદગી મસ્કા મારકે...’
‘બસ, બસ. સમજી ગયા. મસ્કા વગર તો જીભ પણ ખરબચડી બની જાય ને જીવન પણ. એના વગર કંઈ ચાલે ? બાકી, તમારી કૉલમ સારી જાય છે હોં.’
‘તમે આટલો જલદી પરચો બતાવ્યો તે મને યાદ આવ્યું કે, એક વાત તો રહી જ ગઈ, ‘જિંદગી ટોણા મારકે....’

રવિવાર, 15 ફેબ્રુઆરી, 2015

બેસી રહેવાની કળા

હું કોઈ ભવિષ્યવેત્તા નથી અને મને મારું ભવિષ્ય જાણવામાં રસ પણ નથી, એટલે આવનારાં વર્ષો પર નજર નાંખવાને બદલે ઘણી વાર, હું મારાં વીતેલાં વર્ષો પર બેઠાં બેઠાં નજર નાંખી લઉં છું. નજર હટાવવાનું મન ન થાય એવાં વર્ષોમાં, મને જન્મજાત મળેલી અને જરૂરિયાત મુજબ સમયે સમયે મેં કેળવેલી કેટલીક અદ્ભૂત કળાઓને યાદ કરતાં મારું મન આનંદ અને સંતોષથી ભર્યું ભર્યું થઈ જાય છે. આહાહા...! આટલાં વર્ષોમાં મેં કેટલી બધી કળાઓ બેઠાં બેઠાં જ જાણી, માણી અને વિકસાવી. આ બધી કળાઓમાં જો મને કોઈ કળા ગમી ગઈ હોય તો તે છે, બેસી રહેવાની કળા. એક વાર જે આ કળા જાણી જાય છે, તે પછી બીજી કળાઓ પ્રત્યે ઉદાસીનતા સેવે છે. જે આનંદ બેસી રહેવાની કળામાં મળે છે, તે દુનિયાની કોઈ કળામાં મળતો નથી. નિજાનંદ કોને કહેવાય તે આ કળા ઝટ શીખવી દે છે. બીજી બધી કળાઓમાં પૈસાની જરૂર પડે છે અને ઘણી વાર તો પૈસાની બરબાદી પણ થાય છે. જ્યારે આ કળાને સ્થળ, કાળ અને પૈસા સાથે, એકેય પૈસાની લેવાદેવા નથી. જે તકલીફ થાય છે તે આ કલાકારને લાગતાવળગતાને થાય છે ! આ કળાની ભીતર જઈએ તો જાણવા મળે કે, બીજી કઈ કઈ કળાઓ આ કળા સાથે પણ જોડાયેલી છે.

જેમ કે, બાળક જન્મતાં જ રડે એને કળા ન કહેવાય; એને બક્ષિસ કહેવાય. સમય જતાં, રડતી વખતે ભેંકડો ક્યારે તાણવો ને ડુસકાં ક્યારે ભરવાં, આજુબાજુ જોતાં જોતાં ક્યારે રડવું ને કોઈને બીવડાવવા ક્યારે ને કેવી રીતે રડવું અથવા ધમપછાડા કરવા ને રડીને ત્રાગાં કરવાં જેવી આવડતો કળામાં ગણાવા માંડે. રડીને પોતાનું કામ કઢાવી લેવાની આવડત કે રડીને કોઈ કામ કરવાની મનાઈ કરવાની આવડત પણ કળામાં જ ગણાય. રડવાનું શાસ્ત્ર બહુ અદ્ભૂત છે. કેટલાય ગ્રંથો ભરાય, એટલી વિવિધ રીતે રડવાની આવડતોનો ભંડાર એમાં ભર્યો છે. આ તો ફક્ત બે–ચારની ઝલક માત્ર. રડવાની કળા તો મેં પણ વિકસાવી રાખેલી, જેનો મને ઘણી વાર લાભ પણ મળ્યો છે અને બાળપણમાં ઘણી વાર મેથીપાક પણ મળ્યો છે. ખેર, એક કળા તરીકે મને રડવાની કે રડાવવાની કળા ગમે ખરી. દૂર બેસીને તમાશો જોવાનો હોય ત્યારે તો એ કળાના જાણકારોએ મને આનંદ પણ આપ્યો છે, ખોટું કેમ કહેવાય ? આ કળામાં બેસી રહેવાની કળાનો પણ સમાવેશ થઈ જાય ! પ્રાય: કહેવાતું હોય છે, ‘એમ રડવા શું બેઠાં ?’ અથવા ‘જ્યારે ને ત્યારે રડવા બેસી જાય. કંઈ કામધંધો છે કે નહીં ?’ એ લોકો શું જાણે કે, રડવાનું કામ જ કેટલું મોટું, નિરાંતે ને બેઠાં બેઠાં કરવાનું જ કામ છે !

જ્યારે, ચૂપ રહેવાની કળા વિશે તો ઘણું બોલાયું છે, સંભળાવાયું છે ને લખાયું પણ છે. છતાં એને બેસવા સાથે જોડીને મોટે ભાગે બોલાય કે, ‘તમે હવે ચૂપ બેસો તો સારું.’ એટલે એક વાક્યમાં બે ક્રિયાનો નિર્દેશ છે ! ચૂપ રહેવા બાબતે ટૂંકામાં ટૂંકું વાક્ય છે, ‘ચૂપ બેસ.’ એમાં પણ એ જ બે ક્રિયા ! આના પરથી એક તારણ નીકળે કે, ચૂપ રહેવા માટે બેસવું જરુરી છે. બેઠાં બેઠાં ચૂપ રહેવાનું સહેલું પડતું હશે. જ્યારે બોલવા માટે એવું કોઈ બંધન નથી. કોઈ બોલતું હોય ત્યારે એને કોઈ નથી કહેતું કે, ‘બેસીને જ બોલો કે ઊભા રહીને જ બોલો.’ જેને જેમ બોલવું હોય, જ્યારે બોલવું હોય ને જેટલું બોલવું હોય, બોલવાનીછૂટ ! ફક્ત સામેવાળા કે સાંભળવાવાળા કંટાળે ત્યારે મનમાં (કે મોઢા પર–જેવા સંજોગ કે જેવો સંબંધ !) બોલે કે, ‘હવે ચૂપ બેસો તો સારું.’ ચૂપચાપ બેસી રહેવાની કળા વિશે વિગતે જણાવું તે પહેલાં બેસી રહેવાની કળા વિશે જાણીએ.

બેસી રહેવાની કળા જાણનાર દુનિયાની નજરે એક નંબરનો આળસુ છે ! કેમ જાણે કે, ઊભેલાં લોકો કે સૂતેલાં લોકો કે ચાલતાં–ફરતાં લોકો બહુ મોટી ધાડ મારી નાંખતાં હોય ! કોઈ પણ કામ હાથમાં ન હોય એવી સ્થિતિમાં બેસી રહેનાર પર દુનિયા તરત જ નજર બગાડે છે. ‘એમ નવરા શું બેસી રહ્યા છો ? કંઈ કામધંધો છે કે નહીં ?’ પછી તો કરવા જેવાં અને ન કરવા જેવાં કામોનું પણ લિસ્ટ ગણાવા માંડે, ‘આટલાં બધાં કામ પડ્યાં છે ને તમે એમ હાથ જોડીને બેસી રહ્યા છો ?’ મૂળ મુદ્દો છે કે હાથ જોડીને કે જોડ્યા વગર પણ બેસી નહીં રહેવાનું. બેસવાનું બહુ જ મન થાય અને ચાલે તેવું ન જ હોય તો, ગૂપચૂપ એકાદ જગ્યા શોધીને બેસવું, જ્યાં કોઈની નજર ન પડે. એમ તો, નજર બગાડવાવાળા પણ કોઈ કામ કરતાં જ હોય તે જરૂરી નથી પણ, નવરા બેઠેલાંને સલાહ આપવાનું ભારે કામ, આ બેસી રહેલા નવરા લોકો કરતાં હોય છે !

દર વખતે જ બેસી રહેલા એટલે કે નવરા–કામ વગરના– બેસી રહેલા લોકો, મનથી પણ નવરા હોય એ જરૂરી નથી. બેઠાં બેઠાં આ લોકો આખી દુનિયા ઘુમી વળે છે. આકાશની પેલે પાર પહોંચી જાય છે. દરિયાનો તાગ મેળવી લે છે. જુદા જુદા પાત્રો નિભાવી, જુદાં જુદાં કામ પણ પતાવી નાંખે છે. કોઈના મનમાં કે કોઈના શરીરમાં પણ આત્માની જેમ પ્રવેશી એનું જીવન જીવવા માંડે છે ! બહુ પ્રચલિત વાક્ય છે, ‘હમણાં એની જગ્યાએ હું હોઉં ને તો....!’ બેઠાં બેઠાં પ્રધાનમંત્રી કે ક્રિકેટર કે એક્ટર આવા બેસી રહેલા લોકો જ તો બનતા હોય છે ! પતિ–પત્ની કે સાસુ–વહુના ઝઘડાના મૂળમાં બીજું શું છે ? બેસી રહેવાની કળા જાણનાર કલાકાર સદાય બીજાની આંખમાં ખૂંચતો હોય છે અને પરિણામ ? ઝઘડા ! બેસી રહેવાની કળા ઝઘડવાની કળાને પ્રોત્સાહન આપે છે એમ કહી શકાય ? બેસી રહેનારા ક્યારેય નવરા નથી હોતા. ખાસ તો એમનું દિમાગ સતત કામ કરતું હોય છે. એમની આંખો ચકળવકળ ફર્યા કરતી હોય, જે હંમેશાં કોઈ ને કોઈ શિકારની શોધમાં જ હોય. કોણ શું કરે છે ? કોણ ક્યાં જાય છે ? કોણ ક્યારે આવ્યું ? કોણ સાજું છે ને કોણ માંદું છે ? આના જેવી અનેક ઝીણી ઝીણી બાતમી આ બેસી રહેનાર બાતમીદાર પાસેથી મળી રહે છે.

જોકે, મોટામાં મોટો ફાયદો જો કોઈ થતો હોય તો તે છે ઘર, વસ્તુ કે જગ્યા સાચવવાનો ! મોટે ભાગે, બેસી રહેનારા કે લાંબો સમય બેસી શકનારા લોકોને જ આવાં રખેવાળીનાં કે જવાબદારીનાં ભારે કામ સોંપવામાં આવે છે. ‘તમે અહીં બેઠાં છો ને ? જરા મારી જગ્યા સાચવજો. ’ (કોઈ લઈ ન જાય !) ‘તમારે બીજું કંઈ નથી કરવાનું, બસ ખાલી બેઠાં બેઠાં આટલું ધ્યાન રાખશો તોય બહુ. ’ ‘આપણા ફલાણા કાકા કે મામાને અહીં બેસાડી મૂકજો. એ બરાબર ધ્યાન રાખશે ને કોઈને કંઈ અડકવા પણ નહીં દે કે કોઈ અજાણ્યાને આવવા પણ નહીં દે. ’ એટલે બેસી રહેવાની કળાને પૂરેપૂરી પચાવનારા લોકોનું પણ સમાજમાં માનભર્યું સ્થાન છે, એ ભૂલવું ન જોઈએ. આ લોકો તદ્દન નિ:સ્વાર્થ ભાવે જ સેવા આપે છે. ફક્ત વખાણના બે શબ્દો કહી દો કે, તમને બીજી વાર તમારા કોઈ પ્રસંગમાં, સામેથી કહેણ આવશે, ‘કંઈ કામકાજ હોય તો કહેજો. બીજું તો મારાથી કંઈ નહીં થાય પણ બેસી રહીશ. ’ હવે આનાથી મોટું કામ કયું ?

બેસી રહેવાની કળા જાણનાર ઘરમાંથી માખી–મચ્છર જેવાં જીવજંતુઓનો ઉપદ્રવ ઓછો કરે છે. મહેમાન સાથે વાત કરવાનો ઘરનાં કોઈ પાસે સમય ન હોય તો, પેલા બેસી રહેનાર મહેમાનને મનોરંજન પૂરું પાડે છે. જોકે ઘણી વાર મહેમાનને વહેલા ભગાડવામાં આડકતરી મદદ પણ કરે છે ! ઘરનાં કામવાળા સાથે માથાકૂટ ન કરવાની આ કલાકારોને સખત મનાઈ હોય છે. આના પરિણામે બેઠાં બેઠાં, આ કલાકારોનું બ્લડ પ્રેશર વધી જાય છે, મનમાં બબડવાની ટેવ પડી જાય છે ને અકળામણ વધી જતાં, ઘણી વાર ઘરમાં નાનું છમકલું થઈ જાય છે. ચૂપચાપ ન બેસવાને કારણે બે વાત સાંભળવી પડે છે. આ પરથી એવું માની શકાય કે, બેસી રહેવાની કળા જાણનારે ‘ચૂપચાપ બેસી રહેવાની કળા’ પણ વિકસાવી લેવી જોઈએ. ચૂપચાપ બેસી રહેવામાં મદદરૂપ થતાં કેટલાંક સાધનો છે– કોઈ પણ ધર્મની કોઈ પણ મણકાની માળા, જપ, ધ્યાન કે યોગાસન–પ્રાણાયામ,  બે–ચાર છાપાં અને ઢગલો પુસ્તકો, ટેલિવિઝન, કમ્પ્યુટર જેવાં રમકડાં અને ઘરની બહાર હોય તો બગીચો, થિયેટર, તળાવની પાળ કે નદી અથવા દરિયાનો કિનારો.

કોઈએ પણ એ ન ભૂલવું જોઈએ કે, બેસી રહેવાની કળાના વિકાસને પરિણામે જ દુનિયાને યોગીઓ, તપસ્વીઓ, વિચારકો, ચિંતકો, લેખકો, કવિઓ, ચિત્રકારો ને એવા તો કેટલાય કલાકારો મળ્યા છે. જો એમને સળંગ ચૂપચાપ બેસતાં ન આવડતું હોત તો આ દુનિયાનું શું થાત ?       

કલ્પના દેસાઈ
kalpanadesai.in@gmail.com  

રવિવાર, 8 ફેબ્રુઆરી, 2015

મારો સહપ્રવાસી

એક વિમાનયાત્રાના બે સહપ્રવાસીઓમાં, એક જાણીતો સિનેસ્ટાર હતો ને બીજો દેશનો ટોચનો ઉદ્યોગપતિ હતો. વિમાન ઊપડ્યાના અડધો કલાક પછી પણ જ્યારે પેલા ઉદ્યોગપતિએ પેલા સ્ટાર સામે જોયું સુધ્ધાં નહીં, ત્યારે ઘવાયેલા અહમને બાજુએ મૂકીને સ્ટારે ઉદ્યોગપતિ તરફ જોઈ પોતાની ઓળખાણ આપી. ‘મિ. ફલાણા, હું મિ. ફલાણાકુમાર. વન ઓફ ધ ટૉપ થ્રી સિને સ્ટાર્સ.’ ‘ગ્લૅડ ટુ મીટ યુ પણ સૉરી, હું ફિલ્મો નથી જોતો.’ પેલા સિને સ્ટારની હાલત તો કાપે તોય લોહી ના નીકળે એવી જ થઈ હશે ને ? ખેર, મામલો હવામાં ઊડી ગયો ને વાત ભૂતકાળ બની.

કશેક વાંચેલી આ વાત પરથી મને પણ મનમાં ચટપટી તો હતી જ કે, મારી બાજુમાં કોણ આવશે ? પુરુષો વિશે એવું સાંભળેલું કે, તેઓ સહપ્રવાસી તરીકે સુંદર સ્ત્રીનું સપનું જુએ છે. મારે તો એવું કોઈ સપનું જોવાનું નહોતું. સુંદર સ્ત્રી જો આવી તો મોં ચડાવીને બેસી રહેશે ને મારા પ્રવાસની મજા મરી જશે. ને જો કોઈ વાતોડિયણ આવી તો મારું માથું ખાઈ જશે. છતાંય મનમાં તો હતું કે, અમિતાભ બચ્ચન કે શાહરુખ, સલમાન, કે સૈફ–આમીરમાંથી એકાદ ખાન આવી જાય તોય આપણો પ્રવાસ તો યાદગાર જ બની જવાનો છે. એ લોકોને ટાઈમ ના હોય તો ક્રિકેટર પણ ચાલે. હાલમાં જ બધી મેચો જોવાને લીધે બધાને ઓળખતી પણ હતી ! બફાટનો તો પ્રશ્ન જ નહોતો. બસ, પછી તો મરીમસાલા છાંટેલી કેટલીય વાતો દિવસો સુધી ચાલ્યા જ કરે ને આપણો તો વટ પડી જાય.

મારા આશ્ચર્ય વચ્ચે મેં દૂરથી શાહરુખ ખાન જેવા કોઈકને જોયો. લે, ડુપ્લિકેટ પણ પ્લેનમાં ફરતા થઈ ગયા ? હું તો રોમાંચિત થઈને મારી સીટ પર ઊંચીનીચી થવા માંડી. મારી બાજુમાં એનો સીટ નંબર હોય તો સારું. દૂરથી સ્ટાઈલ મારતો ને કોઈ એને જુએ છે કે નહીં, તેનું ધ્યાન રાખતો S K  મારી સીટ નજીક આવીને અટક્યો. મારા હૃદયના ધબકારા વધી ગયા. મેં મારી બાઘાઈ, ગભરાટ, આશ્ચર્ય ને આનંદના ભાવોને છુપાવતાં એની સામે જોયું. મારી સામે ગાલમાં ખાડાવાળી સ્માઈલ આપી, પોતાની બૅગ ગોઠવી એ તો સીટમાં ગોઠવાયો ! ને મારા મનમાં તો ખલબલી શરૂ. ‘વાહ !   S K મારી બાજુમાં ? ઓહ ! વાહ ! શી વાત કરું ? કેવી રીતે કરું ? શું પૂછું ? સ્માઈલ આપી છે એટલે બોલશે તો ખરો ને ? પણ જરા થોભી જાઉં. પાંચ–છ કલાકનો પ્રવાસ છે. શાંતિથી વાત કરું, નહીં તો કંટાળીને સીટ બદલી નાંખશે.’

મેં હજી સુધી એને કળાવા નહોતું દીધું કે, હું એને ઓળખું છું. એટલે, એને ભાવ આપું કે પછી પેલા ઉદ્યોગપતિ જેવું કરું ? કદાચ હું એને મારી ઓળખાણ આપું ને કહું કે, ‘હું ગુજરાતની ઓછી જાણીતી હાસ્યલેખિકા છું.’ તો એને મન શો મોટો ફેર પડી જવાનો છે ?  કહેશે કે, ‘સૉરી, મને ગુજરાતી વાંચતાં નથી આવડતું.’ તો ? પ્લેનમાં મને પાણી તો મળી રહેશે પણ મારા માપની ઢાંકણી ક્યાંથી લાવવી ? રે’વા દો. ઓળખાણ આપ્યા વગર જ અમસ્તી વાત શરૂ કરું. બિચારો ક્યારનો સીટમાં ઊંચોનીચો થઈને મારી સામે ત્રાંસી આંખે જોયા કરે છે. મેં એને માન આપતાં કહ્યું, ‘ હલો....શાહરૂખજી ! આપ કૈસે હૈં ?’ ‘ઓહ, હલો ! અલ્લાહકી મેહરબાનીસે ખૂબ મજેમેં હૂં. આપ કૈસી હૈં ? ઔર આપકા શુભ નામ ક્યા હૈ ?’ મનમાં ને મનમાં એ ‘આન્ટીજી’ શબ્દ ગળી ગયો તે મને ગમ્યું. મેં મારું નામ કહ્યું કે, એ આદત મુજબ ક પર અટકીને હકલાતાં બોલ્યો, ‘કક...કક..કલ્પના દેસાઈ ? ગુજરાતીમેં લિખતી હૈં વોહી ? ધ ફેમસ હ્યુમરિસ્ટ ?’

મેં તો હા પાડતાં પાડતાં મારી ખુશીને જેમતેમ રોકી. હાથ પર ને ગાલ પર ચૂંટી ખણી જોઈ. (મારા જ ને ?) કાન આમળી નાંખ્યો.( તે પણ મારો જ.) ક્યાંક હું સપનામાં તો નથી ને ? આ વળી ક્યારથી ગુજરાતી વાંચતો થઈ ગયો ? કંઈ કહેવાય નહીં આ સ્ટારોનું. એકાદ ગુજરાતી ફિલ્મમાં હીરો બન્યો હશે તો ગુજરાતી શીખી લીધું હશે ને એમાં મારા કોઈ હિતેચ્છુએ એને મારું એકાદ પુસ્તક પકડાવી દીધું હશે. ચાલો, જે થયું તે સારું જ થયું. આને બહાને પણ એકાદ બે કરોડ લોકો ગુજરાતી વાંચતાં તો થશે ! પછી તો, એ મારા લેખોના વખાણે ચડ્યો ને મેં એની ફિલ્મોની ને એની હાજરજવાબીની ભરપેટ પ્રશંસા કરી. (કેમ ન કરું ?)

પાંચ કલાક તો વાતોમાં ક્યાંય નીકળી ગયા. એણે મને એનું કાર્ડ આપ્યું. ‘જ્યારે મરજી થાય, તમે ફૅમિલી સાથે મારા ઘરે કે શુટિંગમાં પણ આવી શકો છો.’ મેં પણ એને ઉચ્છલની ૦% પોલ્યુશનવાળી હવામાં હવાફેર કરવાનું દિલથી આમંત્રણ આપ્યું. ગામડાની વાતો એને સ્પર્શી ગઈ અને એણે વચન આપ્યું કે, એ જરૂર આવશે. અમારી શુભ યાત્રા ખરેખર આનંદયાત્રા બની ગઈ હતી. સિંગાપોર આવવાની ઘડીઓ ગણાઈ રહી હતી. એરપોર્ટ પર વહેલા પહોંચવાનું હોવાથી શાહરૂખ દરવાજાની નજીકની સીટ સુધી પહોંચી ગયો હતો ને હું બંધ આંખોએ, મનોમન મલકાતી સહપ્રવાસીની વાતો મમળાવી રહી હતી.

અચાનક જ મને લાગ્યું કે, કોઈ મને બોલાવી રહ્યું છે. આંખો ખોલીને જોયું તો, એરહોસ્ટેસ મને પ્લેનમાંથી ઊતરવા વિનંતી કરી રહી હતી. તો શાહરૂખ ખાન ક્યાં ગયો ? મેં સપનું જોયું ? ઓહ્હો ! આવું જ સપનું આવવાનું હતું તો અમિતાભ બચ્ચનનું જ આવવું જોઈતું’તું ને ? નક્કામું શશ..શ.. શાહરૂખ સાથે માથું દુખવ્યું. ક્યાંક શુભેચ્છા મોળી પડી, બીજું શું ?

(‘ચાલતાં ચાલતાં સિંગાપોર’ પુસ્તકમાંથી સાભાર.)

બુધવાર, 4 ફેબ્રુઆરી, 2015

મહિલા હાસ્યલેખકો

સ્ત્રીઓ કાં તો એમનાં નયનબાણથી અથવા વાક્બાણથી સૌને ઘાયલ કરે છે એવું કહેવાય છે. ને વાક્બાણ હંમેશાં વ્યંગબાણ જ હોવાનાં ! આ વક્રોક્તિઓની ઉપેક્ષા થાય એના કરતાં જો ગ્રંથસ્થ થાય તો ઉત્તમ સાહિતય મળે કે નહીં ? એટલે જ જો સ્ત્રીઓ બોલવાને બદલે લખવા માંડે તો હાસ્યલેખકોની છુટ્ટી કરી દે. પણ શું થાય ? સ્ત્રી તો દયાની દેવી છે. પુરૂષોને હાસ્યલેખકોનું વરદાન આપીને જ રહી. તોય, જમાનાઓથી હાસ્યલેખકો સ્ત્રીઓને વિષય બનાવીને લેખો લખે છે. ભલે લખે– એમની મરજી. આમેય પુરુષોને ગમતો એક જ વિષય તો જગજાહેર છે. તેથી કંઈ બદલો લેવા પુરુષોને વિષય બનાવવાનું ને એમને માથે બેસાડવાનું ક્યારેય વિચાર્યું નહોતું ને આજે પણ એવી કોઈ ઈચ્છા નહીં. કારણકે વિષયોની તો ક્યાં ખોટ હોય છે? એટલા બધા વિષયોની આપણી આસપાસ જ ભરમાર છે કે જ્યાં જુઓ ત્યાં લેખ મળી જાય. અરે ! હાસ્યલેખકોને તો જલસા થઈ જાય એટલા બધા વિષયો કોણ આપે છે? રોજ રોજ બનતી અવનવી ઘટનાઓ, કૌભાંડો, ગોટાળાઓ અને ખુદ આપણા અનુભવો. જુઓ હું તમને વિષયો આપું. ધારો તો તમે પણ લખી શકો. હાસ્યલેખન અઘરું નથી. બસ એને થોડું વધારે ગંભીરતાથી લેવું પડે.

ખાંડ–ચા–દાળઢોકળી–ભજિયાં–પાતરાં–સાસુ–વહુ–કામવાળી જેવા વિષયો સ્રીઓના ગણાય, છતાં એના પર પુરુષ લેખકોએ લખ્યું છે. અમે એમનાથી બે ડગલાં આગળ, રસોડાના કે સ્ત્રીઓના પ્રિય વિષયો ઉપરાંત, ગુજરાતી ભાષા–પુસ્તક–પ્રસ્તાવના–લેખક–વિવેચક–વાદળ–વરસાદ–છત્રી–શિયાળો–ઉનાળો–યજમાન–મહેમાન–નેતા–અભિનેતા–સુખ–દુ:ખ–વસિયત ને ક્રિકેટ તેમ જ રાજકારણને પણ બાકી નથી રાખ્યું. ચટપટી ભેળ તૈયાર છે, બોલો તમે કહો તે મસાલો ઉમેરીએ. ઘરમાં કે ઘરની બહાર રહીને પણ અમે સમાજની અંદર છીએ, સાથે છીએ.

મારું એક સપનું હતું ટીચર બનવાનું, ત્યારે ભણતર નડ્યું. બીજું સપનું જોયું ગાયિકા બનવાનું, તો મારું ગળું નડ્યું ! બન્નેમાં સ્ટેજનું આકર્ષણ જ હોવું જોઈએ ! વર્ષો જતાં છેક અર્ધી સદીની નજીક પહોંચી, બાળકોને ભણાવીને પરવારી કે રોજ નિરાંતે પેપર વાંચતાં, વગર જોયે એક સપનું સાકાર થયું. અચાનક જ હું લેખિકા બની ગઈ ને તે પણ હાસ્યલેખિકા. મને સ્ટેજ પર જાણીતા લેખકો સાથે બેસવા મળ્યું – બોલવા મળ્યું. આજ સુધી જે લોકો મને હસવામાં કાઢતાં હતાં તે લોકો ગંભીરતાથી લેવા માંડ્યા. પહેલાં સ્ત્રીઓ કહેતી, ‘એમાં શું ? નવરાં હોઈએ તો, એવું તો અમે પણ લખી કાઢીએ.’ ઘરના પરુષો કહેતા, ‘કંઈ લખે છે ખરી. એ બહાને પંચાત ઓછી કરે ને એની મેળે ટાઈમ પાસ કર્યા કરે. આપણે શાંતિ.’

ત્યારે કહેવાનું મન થઈ આવતું કે, મને ફક્ત ખાતાં–પીતાં–ગાતાં–નાચતાં–કૂદતાં ને રડતાં જ નથી આવડતું. હસતાં ને હસાવતાં પણ આવડે છે. મારા હાથમાં કડછી નહીં કલમ પણ શોભે છે. મારી બુધ્ધિ પાનીએ નથી ને મારે પણ મગજ છે જે ઠેકાણે છે. પણ મન પર કાબૂ રાખીને બોલવાને બદલે લખીને એટલે કે કરીને બતાવી દીધું કે, ભઈ હમ ભી કુછ કમ નહીં. હવે બધાં મારી ઓળખાણ (વાર્તા)લેખિકા તરીકે આપે છે એટલો ફરક પડ્યો ! જોકે, એક વાત કબૂલવી પડે કે, સાહિત્યના ક્ષેત્રના લોકોએ મને હંમેશાં પ્રોત્સાહન જ આપ્યું છે ને સાચી સલાહો પણ આપી છે. આજ સુધી ફક્ત જ્યાં પુરુષોનો જ ઈજારો ગણાતો હતો એવા હાસ્યલેખનના ક્ષેત્રમાં અને આજે  તો આ કાર્યક્રમમાં પણ ઘુસ આપ્યા વગર ઘુસ મારી દીધી.

આ કોઈ હોશિયારીની વાત નથી પણ આજે બોલવા માટે માઈક ને મેદાન બેય મળ્યાં છે ત્યારે મોકો છોડવા જેવો નહીં. મારા લેખો લગભગ બધાં જાણીતાં સામયિકોમાં ને છાપાંઓમાં આવ્યા છે. હાલ બે જગ્યાએ કૉલમ ચાલે છે. ચાર પુસ્તકો મારા ને બે પ્રકાશકના તાબામાં છે. એમાંથી એક પુસ્તક હાસ્ય વત્તા પ્રવાસનું છે જેને જ્યોતિન્દ્ર દવે પુરસ્કાર મળ્યો છે ને હજી વધારે પુરસ્કારની આશા રાખવામાં કંઈ ખોટું નથી.

હાસ્યલેખ કેવી રીતે લખાય ? કે હું કેવી રીતે હાસ્યલેખ લખું છું? લેખકો વિશે સામાન્ય રીતે એવી માન્યતા છે કે એમને એકાંત જોઈએ કે અમુક જ વાતાવરણ હોય તો જ લખી શકાય. કોઈને દસ કપ ચા જોઈએ તો કોઈને હીંચકાને ચાર ઠેસ મારે તો જ લેખ સૂઝે ! દાદાની લાકડી જોતાં જ કોઈને બાળવાર્તા યાદ આવે એ બધાં લેખકોનાં નખરાં છે. મેં તો મારા લેખો ઘરમાં બેસીને જ લખ્યા છે. કોઈ વાર લોટ બાંધતી વખતે મનમાં જ લેખમાં વધારે મોણ નખાઈ જાય કે વેલણ રોટલી પર ફરતું હોય ત્યારે મન કોઈ વિષયને વેલણથી ફટકારતું હોય ! કોઈ વાર પથારીમાં પડતાંની સાથે લેખ મગજ પર સવાર થઈ જાય ને કોઈ વાર સવાર પડતાંની સાથે  જ લેખ મળી જાય.

તો એક વાર એમ જ પંજો શબ્દ મનમાં આવ્યો. આપણો કોંગ્રેસવાળો પંજો નહીં. હાથનો પંજો. બસ પંજાને નજર સામે રાખીને વિચારવા માંડ્યું. એનો દેખાવ કોને મળતો આવે ? તો કોઈ ઝાડની પાંચ ડાળીઓ હોય એવું મને લાગ્યું. પંજાનો ઉપયોગ શું ? તો આખા દિવસનો કાર્યક્રમ યાદ કરતી ગઈ. સવારથી રાત સુધીમાં પંજા વગર તો ચાલે નહીં. કોઈને પંજામાં ભગવાન દેખાય તો કોઈને સલામ. કોઈને ભીખ તો કોઈને મેલ ! આપણે તો તહેવાર ને વહેવારમાં બધે જ પંજો. વસ્તુ લેવામાં ને આપવામાં પણ પંજો. બસ, એમ જ ગાડી ચાલતી ગઈ ને એમાં હાસ્ય ઉમેરાતું ગયું. લેખ ઈનામ ન લાવે તો જ નવાઈ. મેં લખેલું, ‘ગાલ પર પડે તો લાફો ને વાંસા પર પડે તો ધબ્બો તે પંજો.’

થોડો સમય પહેલાં વાંચે ગુજરાતનો નારો ગુંજેલો. મને થયું કે ફક્ત વાંચે ગુજરાત જ કેમ ?
૧) વાંચે ગુજરાતની સાથે.....ખાય ગુજરાત....પીએ ગુજરાત...વાત કરે ગુજરાત....ઊંઘે ગુજરાત....નાચે ને ગાય ગુજરાત....કેમ નહીં ? ને છેલ્લે લખે ગુજરાત પણ જોઈએ ને ?

૨) વક્તાને વશમાં રાખવાની કળા ક્યાંથી જાણી ? જ્યારે હું શ્રોતા હતી. સ્ટેજ પર વક્તા ઊભા થયા. બોલવાનું શરૂ કર્યું પણ પુરું કરવાનું ભૂલી ગયા !  લોકો તો હવે ક્યાં કોઈનું લેક્ચર સહન કરે છે ? ટૂંકમાં પતાવો નીં તો ચાઈલા. અચાનક જ શ્રોતાઓની સાથે બાકીના વક્તાઓ પણ ઊભા થઈ ગયા. કારણકે વક્તા અચાનક જ ક્યાંક હવામાં કે પાતાળમાં ગાયબ થઈ ગયા. સંચાલકે જાહેરાત કરી કે, કોઈ ગભરાશો નહીં. સમયમર્યાદાની બહાર જનાર વક્તા માટે અમે આજે આવી વ્યવસ્થા રાખી છે. હું સ્વીચ દબાવું કે તરત જ વક્તા નીચે ફાઈવ સ્ટાર ભોંયરામાં ગરકી જાય અને એમને ચાપાણી કરાવીને માનસહિત ઘેર રવાના કરાય. બીજી પણ કેટલીક યુક્તિઓ વિચારી શકાય.

૩) ઉનાળાની સીઝનમાં તમારા ઘરની સ્ત્રીઓની દોડાદોડી નાનપણથી જોઈ હશે. એમના સવાલોથી કોઈ વાર તમને સવાલો થયા ? કે રમુજ થઈ ? સામાન્ય રીતે શું પુછાય ? તમારો છૂંદો થઈ ગયો ?....તમારી કટકી–છૂંદો–વેફર–કાતરી–ચકરી–અથાણું થઈ ગયું ?–સીઝન ભરાઈ ગઈ ? ને એ જ કામ ધારો કે, પુરુષો કરવા માંડે તો? તમારા ભાઈનો છૂંદો થઈ ગયો? એવું પૂછાશે ?

૪) મધર્સ ડે આવે છે. માનો મહિમા ગવાશે. પિતાને નીચું બતાવાશે. મા તે મા....મા  તે હા અને બાપ તે ના...મા તે દિવસ અને બાપ તે રાત...અજવાળું અને અંધારું...મોકો અને ધોકો...ખોળો અને ડોળો...લાગણી અને માગણી....પ્રેમ ને વહેમ...દિલ અને બિલ.... આધાર અને ધાર....વિશ્વાસ અને નિ:શ્વાસ...મા રૂડી અને બાપ મૂડી......મા વિના સૂનો સંસાર હોય પણ સંસારનો રથ બે પૈડાંથી જ ચાલે ને ? મા તે મા ને બીજાં બધાં ઠીક મારા ભૈ નહીં પણ બધા બરાબર..તે સંસાર.

બસ તો, કહેવાનો મતલબ એટલો જ કે કોઈ પણ ક્ષેત્રમાં સ્ત્રી કે પુરુષના ભેદભાવ રાખ્યા વગર કેવું લખાય છે તે જુઓને ! કોઈને વાર્તા ગમી, કોઈને કવિતા તો કોઈને હાસ્ય ગમ્યું ને લખ્યું. અનામત ને એવું બધું કંઈ નહીં. સ્ત્રીઓમાં કે પુરુષોમાં શું , માણસમાત્રમાં હાસ્યવૃત્તિ છે. શું સ્ત્રીઓ નથી હસતી ? મેં તો જોયું કે, અહીં બેઠેલી સ્ત્રીઓ પણ હસે છે. તો પછી, જે હસે તે હસાવી પણ શકે જ ને ? ઈંગ્લિશ અઘરું છે કે ગણિત અઘરું છે તેમ હાસ્યલેખન અઘરું છે એવો એક હાઉ છે બાકી બધાં જ લખી શકે. હા, આંખ–કાન ને મન ખુલ્લાં રાખવાં પડે, બીજાની સાથે પોતાની ઉપર પણ હસવાની હિંમત હોવી જોઈએ ને કચરા જેવી વાતને હસવામાં કાઢી નાંખવાની ટેવ પાડવી પડે. બાકી તો હસવાથી તબિયત ફાઈન રહે છે એવું ડૉક્ટરો પણ કહે છે.

(અમદાવાદમાં ૩૦,૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરી-એમ ત્રણ દિવસનો ‘ગુજરાત સાહિત્ય ઉત્સવ’ ઉજવાઈ ગયો.
એમાં પહેલે દિવસે મહિલા હાસ્યલેખકો સાથે એક મહિલા કલાકારને પણ આમંત્રણ હતું–(બોલવાનું !)
સૌએ પોતાનું સુંદર વક્તવ્ય આપ્યું ત્યારે કદાચ પહેલી વાર ઘણાને ખબર પડી કે, મહિલા હાસ્યલેખકો પણ છે !
વક્તાઓ : કલ્પના દેસાઈ, પલ્લવી મિસ્ત્રી, નલિની ગણાત્રા અને પ્રીતિ દાસ સૌને હસાવવામાં અને એમનાં મગજમાં પોતાનું નામ ઠસાવવામાં કામિયાબ રહ્યાં.
ખેર, અહીં તો મેં મારી વાત મૂકી છે. )