રવિવાર, 23 ઑગસ્ટ, 2015

સિનિયર સિટીઝન એટલે ? સર્વશ્રેષ્ઠ ?

સિનિયર એટલે ચઢતી કક્ષાનુંવરિષ્ઠજ્યેષ્ઠઉચ્ચ વગેરે. શેમાં સિનિયર તો કેઉંમરમાંહોદ્દામાં કે અધિકારમાં સિનિયર,ઉચ્ચજ્યેષ્ઠવરિષ્ઠ. તો પછીસિટીઝનમાં સિનિયર એટલે ભઈસાદી ભાષામાં કહીએ તોઘરડાંડોસાંવૃધ્ધવડીલ વગેરે. હવે કોઈને ઘરડાં કે ડોસાં શબ્દ સાંભળવો નથી ગમતો. વડીલ તો હજી પણ ચાલેપણ વૃધ્ધ શબ્દ તો સાંભળવા પણ નથી મળતો. વાર્તાઓમાં વાંચવા મળી જાય ખરો. જે હોય તેઅંગ્રેજીમાં બોલવાથી જરા માન વધે કે વટ પડે એવું ખરું. એટલે ચાલી પડ્યું આ બે શબ્દોનું ઝૂમખુંસિનિયર સિટીઝન.

આ હોદ્દામાં સિનિયર તો જાણે કે સમજાયકે કોઈક જગ્યાએ કામ કરતાં હો અને કામ જોઈને ઊંચો હોદ્દો આપવામાં આવેપણ આ ઉંમરમાં સિનિયરવાળું કંઈ મગજમાં ન બેસે. ઉંમર વધે એટલે વગર કોઈ લાયકાતે જ અમુક હોદ્દા મળી જાયઅમુક પાવરશક્તિતાકાત આવી જાયઅચાનક જ કહેવાતી જવાબદારી વધી જાય ને અધૂરામાં પૂરું થાય તે ડહાપણ (કે દોઢડહાપણ !) પણ વધી જાય.

આ એક જ વાત આપણા ગળે ન ઊતરે. ભઈ સિનિયર સિટીઝનતને આટલો માનભર્યો હોદ્દો મળ્યો છે ને સમાજમાં પણ હવે તને બધા માનની નજરે જોશેતો તું મહેરબાની કરીને તારા માનમાં રહેજે. બધે હડ હડ થવું હોય તોઆટલું જરૂર કરજે.
જ્યાં બધા બેઠાં હોય કે ઊભાં હોય ત્યાં પૂરી વાત સાંભળીને કે સાંભળ્યા વગર જ વચ્ચે કૂદી પડજે. સૌને વગર માગ્યે સલાહો આપજે અને જાણ્યા મૂક્યા વગર કે વાતને સમજ્યા વગર જ વાતનો ફેંસલો પણ કરી નાંખજે. કોઈ તારી સામે થાય તો તેનું અપમાન કરતાં અચકાઈશ નહીં અને તો પણકોઈ વાત ન માને તો રિસાવાનો ને ત્રાગાં કરવાનો તને પૂરો હક છે. બધાંને હક્કાબક્કા થયેલાં મૂકીને ત્યાંથી ચાલવા માંડજે.

બસબીજી વાર તને જોઈને બધાં છૂ થઈ જશે એની ગૅરન્ટી ! જો કોઈ ઝડપાઈ જાય તો બહાનું કાઢીને છટકી જશે ને ન છટકી શકેતારી બોરિંગમજબૂત પકડમાંથી તો એનું ચડેલું મોં જોવા તૈયાર રહેજે. જે લોકો તને જોઈને પહેલાં પગે લાગતાં કે હાય અંકલ’ કે હાય આન્ટી’ કહી માનથી બોલાવતાં તે લોકો જ દૂરથી તને જોઈને રસ્તો કાપી જાય તો બબડાટ નહીં કરતો/કરતી. એને તો સમયની દેન સમજીને કે પછી પોતાનાં કર્મોનો બદલો સમજીને સ્વીકારી લેજે.

આ સિનિયર સિટીઝન પણ અજબ પ્રાણી હોય છે ! જ્યાં ને ત્યાં શિકાર જ શોધતા ફરે ! ઘરમાં કોઈ સાંભળવા નવરું ન હોય અને બહાર શિકાર શોધવામાં સમય પૂરો થાય. (એકનો એક શિકાર બીજી વાર તો સામે ન જ આવે ને ?) એ તો સિ સિને ચાલેરોજ એક જ શિકાર હોય તો પણ ! આમ આ લોકો શિકારી ખરાં પણ હિંસક નહીં. મારે ખરાં પણ લોહી ન કાઢે. સીધું ભેજું જ કાઢી લે ! એમના પ્રતાપે તો ભેજાંગેપ લોકોની સંખ્યામાં પણ દિવસે દિવસે વધારો થતો ચાલ્યો. આ લોકોની પાસે અનુભવોનું ભાથું હોય છે અને એના પર જ એ લોકો મુસ્તાક હોય છે. એ લોકો તડકામાં વાળ નથી સફેદ કરતાંઅનુભવોથી એની મેળે જ સફેદ થઈ જાય ! એમની વાતોમાં નવું કંઈ નથી હોતુંએની એ લોકોને જ ખબર નથી હોતી બોલો ! જે વાતો એ લોકોએ પોતાનાં બાળકોને કરેલી કે વારંવાર માથે મારેલી તે જ વાતપૌત્રો કે પૌત્રીઓને પણ કહેવામાં જરાય વાર નથી કરતાં. ઉલટાના  નાદાન બાળકોના માબાપને બેચાર ભાંડવામાં એમને વધારે મજા પડે છે. હશેસાંઠે/સિત્તેરે બુદ્ધિ જાય તે આ સંદર્ભે જ કહ્યું હશે.
આ લોકો પાછા એક નંબરના ઢોંગી હોય છે. એમને કોઈ જોશે નહીં કે સાંભળશે નહીં એવું પહેલેથી જ વિચારીનેમાંદગીનો ઢોંગ કરેધરમધ્યાનનો ઢોંગ કરેસેવાનો ઢોંગ કરે ને સજ્જન હોવાનો કે મળતાવડા હોવાનો તો પૂરેપૂરો મસ્ત અભિનય કરે. નાની નાની માંદગીમાં આખા ઘરને માથે લઈ લેજે એક જમાનામાં આખા ઘરનો ભાર માથે લઈને ચૂપચાપ કામ કરતા હતા. હવે સંસાર અસાર છે અને ભગવાન સિવાય કોઈ સહારો નથી તેનું વારંવાર રટણ કરીને શું કહેવા માંગે તે એ લોકો જ જાણે. બધું ખાતાંપીતાં ને હરતાંફરતાં પણ, ‘મારાથી તો હવે કંઈ ખવાતું નથી ને હવે તો હું ઘરની બહાર બહુ જતો/જતી નથી’ બોલી બોલીને ઘરનાંને ત્રાસ આપવામાં કોઈ કસર નથી છોડતાં.
તેમાં પણ જ્યારથી પેલું માબાપને ભૂલશો નહીંવાળું સુવાક્ય કે ભજન કોઈએ ચગાવ્યું ત્યારથી તો આખી દુનિયા બગડી ગઈ છે ને દીકરાદીકરી હવે સ્વાર્થી થઈ ગયાં છે ને હવે તો મોત આવે તો સારું ને હવે તો ભગવાન ઊઠાવી લે તો સારું ને બાપ રે.....! કોણ બચાવશે દુનિયાને આવા સિનિયર સિટીઝનોથી જો કરવાં હોય તો ખૂટે નહીં એટલાં કામ પડ્યાં છે કરવા માટે ને સેવા કરવા માટે પણ પછી પેલા હોદ્દાનું શું ?
એ હોદ્દો છિનવાઈ ન જાય એટલે પણ આ બધાં ગતકડાં ચાલુ રાખવાં પડે સમજ્યાં કે નહીં ?
સિનિયર સિટીઝન ડે’ ગઈકાલે જ ગયો ! કેમ કોઈને ખબર ન પડી ?

રવિવાર, 9 ઑગસ્ટ, 2015

વરસાદમાં કવિતાને બદલે કંઈ સૂઝે છે ?

સાહિત્યજગતમાં ચાલી આવતી પરંપરા પ્રમાણે વરસાદની ઋતુમાં જેટલી કવિતાઓ લખાય છે એટલી બીજી મોસમમાં લખાતી નથી. કવિઓનું તો કામ છે કવિતાઓ લખવાનું પણ બાકીનાઓએ વરસાદમાં શું કરવું ? વરસાદ ભલે ને હોય કે ન હોય પણ એનું નામ તો મનમાં ખરું ને ? એટલે વરસાદના નામે જ્યારે તમે ઘરમાં ભરાઈ રહો, ત્યારે સમય પસાર કરવા સૌને કામ આવે તેવું વરસાદી ભેટ તરીકે પુસ્તકોનું એક લિસ્ટ આપું છું. જોકે, તમે હવે પુસ્તકો નથી વાંચતાં મને ખબર છે પણ કદાચ નામ વાંચીને પુસ્તક વાંચવાનું મન થઈ જાય ને એ બહાને વરસાદની કે તેના આભાસની મજા માણવાનું મન થઈ જાય !

અમારો વરસાદ : ‘અમારે ત્યાં તો આટલી ગરમી ને તમારે ત્યાં તો ભયંકર ગરમી બાપ !’ જેવી ‘અમારે ત્યાં તો સાવ આવો ને તમારે ત્યાં કેવો મજાનો વરસાદ ?’ જેવી ચોમાસાની મસાલેદાર, ચટપટી ને  સેં.મી.ના અહેવાલવાળી વાતોનું પુસ્તક.

વરસાદનો સાક્ષાત્કાર : વરસાદ એટલે સ્વયં ભગવાન. વરસાદ ખૂબ રાહ જોવડાવીને આવે ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર થયા જેવી લાગણી ઘણાંને થાય ! આ બધી લાગણીઓના સરવાળા ને ગુણાકાર જાણીતા સાહિત્યકારની કલમે તમે પણ કરો.

થીજી ગયેલો વરસાદ : આ પુસ્તકમાં બરફના કે કરાંના વરસાદની વાત નથી પણ વાદળમાંથી છૂટીને સીધો ધરતી પર ઝીંકાવાને બદલે, કોઈ આઘાતને કારણે અચાનક જ, અધવચ્ચે જ થીજી ગયેલા વરસાદની આમાં રસઝરતી વાતો છે.

વરસાદની બોલબાલા : વરસાદે પોતે નક્કી કરવાનું છે કે, એણે ગાળ ખાવી કે વાહવાહ મેળવવી ? સારો વરસાદ પડે તો બધે એની જ બોલબાલા થવાની એમાં કોઈ શંકા નથી. ભવ્ય ભૂતકાળના સારા વરસાદોની જીવ બાળે એવી આંકડાકીય માહિતી મેળવવા વાંચો.

વર્ષાસંગ્રહ : કોઈ દિલચસ્પ વાર્તાસંગ્રહની જેમ, આમાં વરસાદના પાણીનો સંગ્રહ કઈ રીતે કરી શકાય એની વિવિધ રીતો સાથે, આખું વર્ષ પાણીના કકળાટ વગર કે તરફડાટ વગર શાંતિથી કઈ રીતે કાઢી શકાય તેની વાંચેલી પણ જીવનમાં ન ઉતારેલી વાતોનો સંગ્રહ.

આટલો બધો વરસાદ ? : વરસાદનાં સપનાં જોઈ જોઈને થાકેલાં ને થોડામાં ઘણું સમજીને રાજી રહેનારાઓની વાત કહેતું પુસ્તક.

વરસાદને થાક લાગ્યો છે : માનવામાં ન આવે ને મગજમાં ન ઊતરે એવાં કારણો વાંચીને તમારું બ્લડપ્રેશર વધી જશે. છતાંય, વરસાદને પણ થાક લાગે ? એ વિચારને મનમાંથી કાઢવા માટે પણ આ પુસ્તક વાંચવું રહ્યું.

તૂટેલો એક વરસાદ : આમાં થાકથી તૂટી જવાની વાત નથી પણ તૂટી પડવાની, શત્રુને ખતમ કરવાની કે ઊંઘમાંથી સફાળા બેઠાં કરીને દોડતાં કરી દેવાની, વરસાદી વૃત્તિની વાત છે.

વરસાદપચીસી : વરસાદને લગતી પચીસ રસઝરતી વાર્તાઓનો અનોખો સંગ્રહ. શ્રાવણ મહિનામાં ભેટ આપવા લાયક પુસ્તક.

વર્ષાભીના અક્ષર, વાદળના પ્રદેશમાં, માટીની સુગંધનો દરિયો : આ બધા બાળવાર્તાઓના ટચૂકડા સંગ્રહો છે. બાળકો વરસાદમાં બહાર રખડવા ન જાય એટલા ખાતર પણ એમને જ્યારે ઘરમાં ગોંધો ત્યારે અત્યંત ઉપયોગી બનતાં પુસ્તકો.

વરસાદનું સ્થળાંતર : વરસાદ છાંટણાં રૂપે, ધાર રૂપે, ધોધ રૂપે ને વિકરાળ રૂપે અહીંથી ત્યાં બધે ફર્યા જ કરતો હોય. એક જગ્યાએ ન ટકનારા વરસાદના સ્થળાંતરની મધુર વાતો. અફલાતૂન સંગ્રહ !

વરસાદને વરસાદ તરીકે જુઓ : માણસને કેટલીક ખરાબ ટેવો હોય છે. તેમાંનીએક ટેવ તે, જે વસ્તુ જેવી હોય તેવી ન જોવી કે ન સ્વીકારવી. અદ્ભૂત સલાહોનો અનન્ય સંગ્રહ.

વરસાદનાં પગલાં : વરસાદ જ્યારે ધરતી પર એના છાંટારૂપી પગલાં મૂકે છે ને પછી જ્યાં ને ત્યાં એની જાતજાતની છાપ છોડતો જાય છે, તેની ડગલે ને પગલે આનંદ આપતી કે જીવનભર ચચરાવતી વાતોનો એકમેવ સંગ્રહ.

વરસાદમાં હોવું એટલે : આ પુસ્તક પ્રેસમાં છે. પલળી જવાની બીકે ચોમાસા પછી બહાર પડશે. નહીં તો, હતું ન હતું થઈ જશે !

અને છેલ્લે, વરસાદમાં એક નવું જ અનોખું પુસ્તક બહાર પડ્યું છે, ‘વરસાદની લપ્પન–છપ્પન !’

રવિવાર, 2 ઑગસ્ટ, 2015

જરા તમારી ઓળખાણ આપો ને

સાંજ પડતાં સુધીમાં તો અમારી બસે અમને ત્રિવેન્દ્રમ પહોંચાડી દીધાં. કેવી નવાઈની વાત હતી કે, જતી વખતે જે ઉત્સાહ નવા શહેરમાં જઈ નવી જગ્યા જોવાનો હતો, તેની સંપૂર્ણ બાદબાકી આ વળતા પ્રવાસમાં થઈ ચૂકી હતી. હવે વળી નવી જગ્યા ને નવો રોમાંચ ! હૉટેલ પર પહોંચીને સૌએ ફ્રેશ થઈ ડાઈનિંગ હૉલમાં ભેગાં થવાનું હતું. આ સૌને ગમતું ને મનભાવતું કામ હોઈ બધાં સમયસર જ આવી ગયાં. જમવાને વાર હોવાથી બધાના પરસ્પર પરિચયનો કાર્યક્રમ ગોઠવાયો હતો. તેથી ખુરશીઓ પણ સભાખંડની જેમ જ ગોઠવાયેલી.

પોતાનો પરિચય આપવાની શરૂઆત કરી, પોતાની લલચામણી જાહેરખબરો દ્વારા અમને અહીં સુધી ખેંચી લાવનાર ટૂર કન્ડક્ટર બહેને. તબિયતે તંદુરસ્ત અને શારિરીક ઉંચાઈએ નબળાં એવાં એ ગટ્ટુબહેન, પતિના ફોટોગ્રાફી તેમ જ પ્રવાસના શોખને પ્રોત્સાહન આપવા ને મદદ કરવાને બહાને પતિ સાથે ભેગાં મળ્યાં ને આ ટૂર કંપની શરૂ કરી. (આ બહેને પતિની સાથે રહેવા ને ફરવાનું કેવું સરસ બહાનું બનાવી દીધું !) અહીં બેઠેલી બધી સ્ત્રીઓએ નક્કી  મૅડમની અદેખાઈ કરી હશે ને જીવ બાળીને ખાક કર્યો હશે. ખેર, પછી એમણે બહુ પ્રેમથી સૌને પોતાનો પરિચય આપવા જણાવ્યું. ઘર જેવું જ વાતાવરણ લાગે એટલે એક પછી એક યુવતીનો પરિચય એની નજીક જઈ એમણે ખૂબ ધ્યાન દઈ સાંભળ્યો. મન હોય કે ન હોય તોય, પ્રોફેશન–બિઝનેસને આગળ ધપાવવા પણ બધાંની વાતો સાંભળવાનો ડોળ કરવો પડે. જેને ઘરે કોઈ ન પૂછતું હોય એવી સ્ત્રીઓ અને ઘરમાં પણ કોઈ બીજાને બોલવા ન દેતી હોય, એવી સ્ત્રીઓએ હોંશભેર પોતાનો પરિચય આપ્યો. દરેકને ટૂંકમાં જ પતાવવાનું કહેલું, તેથી એક જ મિનિટમાં પરિચય આપીને બેસી જતી દરેક સ્ત્રી મને તો થોડી નારાજ થયેલી લાગી. આટલું જ ઓછું બોલવાનું ? પણ એમ દરેકને છૂટ અપાય તો પછી કલાકમાં માંડ બે–ત્રણ જણ જ પોતાનો પરિચય આપી રહે ! પહેલે જ દિવસથી અંદરઅંદર ફાટફૂટ પડી જાય તો ધમાલ થઈ જાય. ચાલો, જે ગોઠવાયેલું હતું, બધું બરાબર જ હતું.

આ કાર્યક્રમ દરમિયાન બધાંએ જાણ્યું કે, અહીં પૂના અને નાગપુરની રિટાયર્ડ શિક્ષિકાઓ ઘણી હતી. એમણે સ્કૂલની ટૂરો તો બહુ કરેલી પણ બધી બાળકોની જવાબદારીવાળી ને ટેન્શનવાળી ! આ પહેલી જ ટૂર હતી જેમાં એમની જવાબદારી બીજાં ઉઠાવી લેવાનાં હતાં. કેટલી શાંતિ ? નાશિકથી આવેલાં એક બહેન ગાયનેકોલોજિસ્ટ હતાં અને એક મેડિકલ કૉલેજમાંથી તાજા જ રિટાયર થયેલાં ફિઝિયોલોજીના પ્રોફેસર મુંબઈથી હતાં. અમદાવાદથી એક જિમ ઈન્સ્ટ્રક્ટર બહેન હતાં અને એક વકીલ છોકરી પણ હતી. વાહ ! શું પાર્વતીમેળો હતો ? અદ્ભૂત ! મારા જેવી ઘણી હાઉસવાઈફ પણ હતી, જે બોલતી વખતે ધીમા અવાજે બોલી કે, ‘હું હાઉસવાઈફ છું.’ તરત જ પેલાં ગટ્ટુબહેને એમને શાબાશી આપતાં હિંમત બંધાવી, ‘અરે ! હાઉસવાઈફ હો તો ક્યા હુઆ ? આપ સબકા ધ્યાન રખતી હૈં તો સબ કામ કર સકતે હૈં. ઈસલિયે હાઉસવાઈફ તો સબસે બડી હોતી હૈ. કભી મનમેં ઐસા ખયાલ ભી મત લાના ઔર જોરસે બોલના, મૈં હાઉસવાઈફ હૂં, ક્યા ?’ વાહ ! આ ગટ્ટુબહેન તો જબરાં નીકળ્યાં ! સારું કામ કરે છે. આ તો બહેનો માટે કોઈ સારા ઉત્સાહવર્ધક કાર્યક્રમો પણ યોજી શકે એવાં છે. ખરેખર, દેખાવથી કોઈને માપવાનાં નહીં. ખોટા પડવાની શક્યતા વધારે હોય છે.

હવે અમારો વારો આવ્યો. ડૉ. પલ્લવીબહેન તો, ‘આ બે ગોળી સવારે ને બે સાંજે ને  લાલ ગોળી સૂતી વખતે. બે દિવસની દવા છે ને બે દિવસ પછી પાછા બતાવી જજો’ આવું જે સરળતાથી રોજ બોલતાં હશે તે જ સરળતાથી પટ પટ બોલી ગયાં કે, ‘હું સુરતથી આવું છું. એમ તો અમારું શહેર ખાવા–ખવડાવવા માટે પ્રખ્યાત છે (ગાળ પણ), છતાં લોકોનો મસ્ત મિજાજ હોવાને કારણે માંદગીનું પ્રમાણ ઓછું છે. જોકે, અમુક બેદરકાર લોકોને કારણે અહીંના ડૉક્ટરોને દાલ–રોટી મળી રહે છે. મને વાંચવાનો, ટેસ્ટફુલ રસોઈ બનાવવાનો ને જમાડવાનો તેમ જ ફરતી થઈ એટલે હવે પ્રવાસનો પણ શોખ છે.’

મારો વારો આવતાં પહેલાં જ હું વિચારવા માંડેલી કે હું મારા વિશે જ શું બોલું ? પહેલાં હાઉસવાઈફ કે પહેલાં લેખક ? પહેલાં હાઉસવાઈફવાળું જ રાખું. લેખક તો, ઘરકામમાંથી રિટાયર થઈ તો બની બાકી કોઈ ચાન્સ નહોતો. ને લેખકમાં શું કહું ? હાસ્યલેખક જ ને ? પણ કોઈ માનશે નહીં તો ? એમ પણ ક્યાં લોકો માને જ છે ? મોઢું જોઈને જ મોઢું બગાડે, ‘તમે ને હાસ્યલેખક ? મજાક કેમ કરો છો ? લેખક કહો છો તો વાર્તા–બાર્તા લખતાં હશો, બાકી તમે ગપ્પાં મારવા રહેવા દો.’ કેવી રીતે કહું કે, જોકર પણ કંઈ કાયમ જોકરની જેમ નથી રહેતો તો મારું કામ તો લખવાનું છે. કેવી રીતે મારા મોં પર મારાં લખાણની અસર બતાવું ?

હજીય વિચારમાં જ બેસી રહેત પણ પલ્લવીબહેને મને ખભે હળવો ધબ્બો માર્યો, ‘ચાલો કલ્પનાબહેન. હવે તમારો વારો.’ મેં ઊભાં થઈ સૌને નમસ્તે કર્યું. ‘હું કલ્પના દેસાઈ, ઉચ્છલથી આવું છું. ઉચ્છલ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું નાનું ગામ છે. ઉચ્છલમાં...’ ત્યાં પલ્લવીબહેને મને ગુસપુસિયા અવાજે કહ્યું, ‘કલ્પનાબહેન, તમારો પરિચય...તમારો. ઉચ્છલનો નહીં.’ ‘ઓહ ! સૉરી’ કહી મેં આગળ ચલાવ્યું, ‘હું હાઉસવાઈફ છું. છોકરાંઓ ભણીગણીને ઠેકાણે પડ્યાં ને હું નવરી પડી તો મને થયું કે, હવે શું કરું ? થોડો સમય તો બધાંના ઘરે જઈ પંચાતમાં વખત પૂરો કર્યો. ફિલ્મો જોતી, ટીવી સિરિયલો જોતી, ફોનમાં વખત પસાર કરતી, ફરવા જતી ને દિવસો એમ જ પૂરા કરતી. પછી એમાં પણ કંટાળો આવ્યો. તો વાંચવાનું ચાલુ કર્યું. પરચુરણ વાંચતાં વાંચતાં લખતી થઈ ને મને લખવામાં મજા પડવા માંડી. બધાંને એ વાંચીને હસવું આવવા માંડ્યું તો શરૂઆતમાં હું ગભરાઈ ગયેલી પણ પછી ખબર પડી કે, હું જે લખું છું તેને હાસ્યલેખ કહેવાય. પછી તો ગાડી ચાલવા માંડી ને મેં પુસ્તકો પણ લખ્યાં. પછી...’

પછી બધાંને જોરમાં ભૂખ લાગેલી તે બધાં ધીરે ધીરે ડિશ લઈને ખાવા જતાં રહેલાં તે મને કેમ ખબર ન પડી ? પલ્લવીબહેન બહુ જ દયામણી નજરે મને જોતાં જેમતેમ મને સાંભળી રહેલાં ને બીજાં પેલાં ગટ્ટુબહેન મારી રાહ જોઈને ઊભેલાં! મેં શરમાઈને મારું ‘હું પ્રવચન’ પૂરું કર્યું ને અમે જમવા ગયાં.