મંગળવાર, 10 જુલાઈ, 2018

પૂર્વજો સાથે મિલન


પંચમઢીનું સ્વાદિષ્ટ ભોજન જો મગજ પર ચઢી જાત તો આંખોમાં ઘેન ચડતાં જરાય વાર ન લાગત પણ ભોજનની યાદોને મમળાવતાં અમે તો ફરી નીકળી પડ્યાં મહાદેવજીના દર્શને. એક બડા મહાદેવ અને બીજા ગુપ્ત મહાદેવ! અરે ભાઈ! મહાદેવ તે મહાદેવ, એના પાછા નામ જુદા ને મંદિરેય જુદા! આપણને એમ થાય કે બધા જ ભગવાન વેશપલટામાં હોશિયાર હતા? જુદા જુદા વેશે રાક્ષસોનો સંહાર કરતા અને ભક્તોનેય બચાવતા. ચાલો કંઈ નહીં, આપણને તો કોઈ ફરક પડતો નથી. ઉલટાની બે ચાર ગુફા ને ગુફામાં શિવલિંગ કે મંદિર તો જોવા મળે છે. એ બહાને કુદરતની વધારે ને વધારે નજીક રહેવાનો, એને જાણવાનો ને દિલથી માણવાનો મોકો તો મળે છે. પછી તો છે જ ઘર એક મંદિર.

લગભગ અગિયાર કિલોમીટરના સાંકડા ને ઊંચાનીચા ઢાળવાળા રસ્તાનો રોમાંચ માણતાં માણતાં અમે પહોંચી ગયાં ફરી એક વાર જય શંભો બોલતાં બોલતાં બડા મહાદેવ. સાંઈઠ ફીટ લાંબી આ ગુફામાં મહાદેવની સાથે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ(!) તથા ગણેશજી પણ બિરાજેલા છે. અમને ત્યાંની વાર્તા જાણવા મળી તો મગજ ચકરાઈ ગયું. વિષ્ણુજીએ મોહિનીનું રૂપ લઈને પેલા અસૂરને ભસ્મ કરેલો તે તો જટાશંકર ગુફાની વાર્તામાં સાંભળેલું ને? તો પછી એ જ વાર્તા અહીં પણ કેવી રીતે લાગુ પડે? ઠીક છે, જવા દો. આ બધા ગાઈડ કહે તે સાંભળી લેવાનું, માનવાનું કે નહીં તે આપણે નક્કી કરવાનું. અમે તો ગુફામાં પ્રવેશ્યાં. આખી ગુફાની છતમાંથી પાણી ટપકે એટલે સ્વાભાવિક છે કે શિવલિંગ ઉપર પણ સતત અભિષેક ચાલુ જ હોય. લોકો પૂજા–નમન કરીને બહાર નીકળતાં જાય. અમને થયું કે ચોમાસું હાલમાં જ રવાના થયેલું એટલે આ પાણી ટપકતું હશે કે બારે માસ ટપકતું હશે? જાણવા મળ્યું કે આ આખો જંગલ વિસ્તાર એટલે બારે માસ જ શિવજીને તો ઠંડકમાં રહેવાનું, વાહ.

ગુફાની અંદર એક નાનો પાણીનો કુંડ છે જેમાં ભક્તો અને સાધુઓ શિવરાત્રિ તથા નાગપંચમીએ સ્નાન કરીને પોતાનાં પાપ ધોવાનું પુણ્ય મેળવે છે! ભક્તો તો સમજ્યાં કે સંસારી હોય એટલે નાનાં કે મોટાં પાપ થઈ જાય પણ સાધુ–સંતો શેનાં પાપ ધોવા અહીં આવે? કોણ જાણે. ખેર, નજીકમાં જ પાર્વતીમાની ગુફા જોતાં આગળ વધ્યાં તો ઘણાં બધાં ત્રિશૂળ કાળા કપડાથી ઢાંકેલાં દેખાયાં. આ કદાચ કાળભૈરવનો પ્રભાવ હતો. હનુમાનજીનું મોટું મંદિર પણ ત્યાં હતું અને કન્યાકુમારીથી લવાયેલો એક મોટો તરતો પથ્થર પણ ત્યાં ભક્તોની શ્રધ્ધા પૂરી કરવાની રાહમાં ગોઠવાયો હતો. એક જ સ્થાને બધા જ ભગવાનને ભેગા કરી દેવાના એટલે કોઈ ભક્ત ખાલી હાથે ન જાય અને કોઈ ભગવાન કે ભક્તને ખોટું પણ ન લાગે. સાચી કે ખોટી વાર્તાઓ ને ચમત્કારો વહેતા કરી દેવાના એટલે લોકોની શ્રધ્ધા અકબંધ રહે, દૂર દૂર સુધી આ સ્થાનોનું નામ ગૂંજતું રહે અને સ્થાનિકોની રોજી–રોટી ચાલુ રહે તો સાથે સાથે બાવાઓનાં ભોજનની વ્યવસ્થા પણ થયા કરે. ધાર્મિક સ્થળોના આ મેળાવડાનો આપણને તો કોઈ વાંધો હોય જ નહીં, સિવાય કે ત્યાં જુદી જુદી પૂજા ને અભિષેકને બહાને થતી ગંદકી! દરેક ભગવાનને કોઈ ને કોઈ પ્રસાદ તો ધરવાનો જ, ચાહે પછી તે દૂધ હો કે નાળિયેર હો કે પેંડા–રેવડી વગેરે હો. ફૂલ ને માળાના ડુંગરથી માંડીને ભસ્મ, ચંદન ને કંકુ વગેરેનાં લેપ કે છાંટણાં તો કરવાના જ! આ બધાને લીધે થતાં કીડી–મંકોડા ને ઉંદરોની ફોજ મંદિરોમાં જોવા ન મળે તો જ નવાઈ. અહીં તો વળી અમારો ભેટો અમારા કે કોઈના પૂર્વજો સાથે થવાનો હતો!

અમને કોઈને જરાય અંદાજ નહીં કે આ મંદિરની આસપાસ આટલા રળિયામણા વાતાવરણમાં બીતાં ને ગભરાતાં ચાલવું પડશે ને વખત આવ્યે વહેલાં વહેલાં ગાડીમાં પણ ભરાઈ જવું પડશે. ત્યાંના ગાઈડોની સતત મનાઈ છતાં આપણી વાંદરા જેવી પ્રજા કોઈનું માને? નહીં જ વળી. એટલે હાથમાં નાસ્તાનાં પડીકાં કે થેલાં લટકાવતાં મોજથી ચાલતાં હો કે અચાનક જ બે ચાર વાંદરા ઘેરી વળે ને પડીકાંની છીનાઝપટી ચાલુ થઈ જાય અથવા તો અચાનક જ એકાદ બંદર પડીકું છીનવીને ઝાડ પર ચડી જાય તો શું થઈ શકે? હવે આવે સમયે તો કપિરાજને શરણે જ થઈ જવું પડે નહીં તો પાટાપીંડીનો કે હૉસ્પિટલમાં દાખલ થવાનો જ વખત આવે. સ્પષ્ટ સુચનાઓ પણ ત્યાં લખેલી જ હોય, કે ‘તમારા પૂર્વજો સાથે કોઈ ઓળખાણ કાઢવા ના જતાં. હજીય જો એમનો તમારા ઉપરનો ગુસ્સો ઊતર્યો નહીં હોય તો તમને બચાવવા કોણ આવશે?’

અમે તો શાંતિથી દર્શન કરી આવીને પાર્કિંગ એરિયામાં ગાડીમાં થોડી વાર બેસી વાનરોની રમતનો આનંદ લેતાં રહ્યાં. એક મોટી કચરાપેટી પર એક મોટો વાંદરો બેસીને મજેથી કેળાંની લૂમનો આનંદ લેતો હતો ત્યારે બહુ જ નાનું એક બચ્ચું એની પૂંછડીએ ટિંગાઈને કેળાં સુધી પહોંચવાની કોશિશ કરતું હતું. કોશિશ નાકામ રહેતાં એ ગબડી પડતું પણ ફરી ફરી કેળું ખાવાની એની લાલચ એને એના પપ્પા કે કાકાની પૂંછડીએ ટિંગાડી દેતું. થોડી વાર ગમ્મત જોયા પછી અમે એક કેળું ત્યાં ફેંક્યું ને બચ્ચું એવું તો ખુશ થઈ ગયું કે એ ઝપાટામાં કેળું ખાઈને અમારી ગાડીના કાચ પર જ ચડવાની કોશિશમાં મંડી પડ્યું! છેલ્લે છેલ્લે ધરમ કરતાં ધાડ પડવાની તૈયારી થઈ કે શું? અમે એકબીજાને પૂછ્યું, ‘આ કોણ છે? તમારા કોઈના સગામાં છે?’

એ તો સારું કે દિનેશભાઈ અમારી વહારે આવ્યા ને ગાડી ભગાવી મૂકી તે ઠેઠ ગુપ્ત મહાદેવના મંદિરે જઈને ઊભી રહી. દૂરથી જ અહીં વાંદરાઓનું ટોળું લોકોની ફરતે દોડાદોડી કરતું જોઈને અને લોકોની ભાગમભાગ ને ચીસાચીસ સાંભળીને અમે ગુપ્ત મહાદેવને જોવાનો વિચાર માંડી વાળ્યો. એમ પણ ત્યાં પહોંચવા માટે બહુ સાંકડી ગુફામાંથી જવું પડે તેમ હતું અને શિવજી તો બધે સરખા જ એમ મન વાળીને અમે પૂર્વજોને દૂરથી જ નમન કરીને બીજી કોઈ જગ્યાની રાહમાં નીકળી પડ્યાં.






હાંડી ખો અને પ્રિયદર્શિની પોઈન્ટ
*************************
પંચમઢીના જંગલો અને ખીણોએ એકબીજાની નજીક રહીને પ્રવાસીઓ ઉપર કરેલો ઉપકાર ભૂલાય જ નહીં. સવારમાં વહેલાં પરવારીને બે ત્રણ સ્થળો ફરી આવો ને જમી પરવારીને વળી સાંજ સુધીમાં બીજા બે ચાર સ્થળો ખુંદી વળો એટલે બે દિવસમાં તમારું પંચમઢી જોવાઈ જાય. એમ તો આરામથી રહેવું–ફરવું હોય તો પોતાની મરજીથી ફરાય પણ અમારે તો ભાડું વસૂલ કરવા બને તેટલી જગ્યાઓને ન્યાય આપવાનો હોઈને બપોરે જમીને ઉપડ્યાં હાંડી ખો અને પ્રિયદર્શિની પોઈન્ટ! 

હવે દિનેશને અમે ગાડી ચલાવવામાંથી મુક્તિ આપીને એને ખુશ કરી દીધો. રિસોર્ટ તરફથી ફરતી ખુલ્લી જિપ્સીમાં અમે પાંચ સાહસિકો નીકળી પડ્યા. જતાં ને આવતાં જે ઝડપ અને કાબેલિયત જિપ્સીના ડ્રાઈવરે બતાવી તે જોઈને તો દિનેશ પણ આફરિન થઈ ગયો. ઉંચા ઢાળ પર રસ્તાને કિનારે કિનારે જિપ્સી ભાગતી હોય અને તદ્દન નજીક ઊંડી ખીણ દેખાતી હોય તો ભલભલાના હાંજા ગગડી જાય. અચાનક કોઈ વળાંકે બે જીપ સામસામે થઈ જાય અને બધાના હોશ ઊડી જાય. જો કે મજા તો એટલી આવી કે મેં જાહેર કરી દીધું, ‘હવેના બધા પ્રવાસ મેં તો ખુલ્લી જિપ્સીમાં કરવાનું જ નક્કી કરી લીધું. ચાહે ગમે તેટલો તાપ–તડકો હોય, ગમે તેટલી ઠંડી પડે કે બરફ પડે અને ગમે તેટલો વરસાદ પડે તોય વાંધો નહીં. શું મજા આવે છે બાકી, આહા!’ પેલી ત્રણેય વાંકા મોંએ તો હસવાની જ હતી પણ દિનેશેય એમાં મોં ફેરવીને સાથ પુરાવ્યો તે મને ન ગમ્યું.

ખેર, એક તો હાંડી અને ખો શબ્દોએ મનમાં સવાલ ઊભા કર્યા. હાંડી એટલે તો પેલી કહેવત ‘ઘરમાં હાંલ્લા કુસ્તી કરે’માં આવે તે જ હશે? હાંડલાનું હાંલ્લા! કે પછી હાંડી પનીર, હાંડી બિરયાની, હાંડી પુલાવ વગેરેમાં આવે તે બેઠા ઘાટની પણ માટલી જેવા આકારની કોઈ જગ્યા? જોઈએ તો ખરાં કે કોણ કોણ ત્યાં ખો રમતું હતું ને ત્યાં કોની હાંડી હતી? ગાઢ જંગલને વીંધતી જતી જીપ ઊંચી ટેકરી પર એક જગ્યાએ ઊભી રહી અને અમે જાણે કોઈ અલૌકિક–અદ્ભૂત ફ્રેમમાં ગોઠવાઈ ગયાં.વાહ! અમે ત્રણસો ફૂટ ઊંડી ખીણની ટોચ પર છીએ? અહીં મોટેથી બૂમ પાડીએ તોય નીચેના જંગલોમાં એ બૂમ ક્યાંય ખોવાઈ જાય. અમે સૌ નિ:શબ્દ.

હાંડી ખોની વાર્તા જાણીને ફરી એક વાર અમે આશુતોષજીની માયાવી દુનિયામાં પહોંચી ગયાં. એક જમાનામાં અહીં એક મોટું સુંદર તળાવ હતું, જેની એક ખૂંખાર, ખતરનાક ને ઝેરીલો સાપ રક્ષા કરતો હતો. હવે ભોલેનાથને એની સાથે શું વાંકું પડ્યું તે ખબર નહીં પણ સાપને લલકારીને એની સાથે ભીષણ યુધ્ધ કર્યું ને એનું નામોનિશાન મિટાવી દીધું! આ આપણને પસંદ ના પડ્યું. ભલે પેલો સાપ ખતરનાક હતો પણ તળાવની રક્ષા કરતો હતો. એને આમ મારી નખાય? હશે જેવી શંભુ ઈચ્છા! પરિણામ પણ કેટલું ખરાબ આવ્યું? એ યુધ્ધની ગરમીએ પેલા તળાવને સૂકવી નાંખ્યું અને એ જગ્યાનો આકાર બની ગયો હાંડી જેવો. તો પછી ખો એટલે? નટરાજે પેલા સાપને ખો રમવા લલકાર્યો હશે એટલે જ કદાચ નામ પડ્યું ‘હાંડી ખો’!

ફરી લસરપટ્ટી જેવો ઢાળ ઊતરતાં અમે પહોંચ્યાં ‘પ્રિયદર્શિની પોઈન્ટ’. આ નામ એક જ વ્યક્તિની ઓળખ આપે એવું હોવાથી મેં કોઈ સવાલજવાબ ન કર્યા પણ મનમાં તો થયું જ કે આવી જગ્યાઓને પણ રાજનેતાઓના નામ! કારણ? તો આ જગ્યા મૂળ ફોર્સીથ નામના અંગ્રજ કેપ્ટને અઢારસો ને સત્તાવનમાં જોયેલી અને એ ગાંડો થઈ ગયેલો! ગાંડો એટલે કે આ જગ્યાનો દિવાનો બની ગયો અને પંચમઢીની સ્થાપના એણે કરી એવું કહેવાય છે. આ ફોર્સીથ પોઈન્ટથી ઓળખાતી જગ્યાની ઈંદિરાજીએ એક વાર મુલાકાત શું લીધી કે ત્યારથી નામ પડી ગયું ‘પ્રિયદર્શિની પોઈન્ટ’! એ તો આપણે કોઈ મોટી હસ્તી નહીં એટલે બાકી તો અમારા નામ પાછળેય આવી કોઈ જગ્યાનું નામ પડી જ જાત ને? હશે હવે, જવા દો.

ઈંદિરાજી ખાસ અહીં સુધી કેમ આવેલાં? એ તો જે અહીં ઊભા રહીને હરિયાળી ટેકરીઓની શોભા જોતાં ધરાય નહીં એને પૂછવું પડે. દૂર દૂર સુધી પથરાયેલી કેટલીય ટેકરીઓ એકમેકની પાછળ સંતાઈને ડોકિયાં કરતી હોય એટલું રમણીય દ્રશ્ય કલાકારોને પણ ત્યાં જવા એટલા જ લલચાવે. અહીં ‘સનસેટ’ પોઈન્ટ  ન હોય તો જ નવાઈ. દરેક હિલ સ્ટેશન પર સૂરજને ઊગતો ને આથમતો જોવા ભીડ તો થાય જ. શહેરોમાં કોણ સૂરજ–ચાંદાને જોવા નવરુંય હોય? અહીં તદ્દન નવરાં એટલે યાદ ન રહે તોય જોવા જેવી જગ્યાના લિસ્ટમાં હોય એટલે લાભ લઈ લે. અમેય કેમ બાકી રહીએ? મને તો બધે ઉચ્છલની હરિયાળી યાદ આવતી હતી પણ ત્યાંય ક્યાં બધે પહોંચાયું છે? અંધારું ઊતરે તે પહેલાં અમે ઢાળ ઊતરી ગયાં અને હાજર થઈ ગયાં, ‘મીઠેમેં ક્યા હૈ’ પૂછવા મનપસંદ જગ્યાએ.