સોમવાર, 25 જુલાઈ, 2016

પહેલાં પામુક્કલે ને હવે કનક્કલે!

નામની વિવિધતા મને હમેશાં આકર્ષતી રહી છે. અટપટાં નામ હોય, બોલવામાં તકલીફ પડે એવાં નામ હોય, એક જ નામમાં બે–ત્રણ ભાષાના ભણકારા થતા હોય કે કોઈ નામના જુદા જ અર્થો નીકળતા હોય એવાં નામો મને બહુ ગમે. નવાઈનાં નામ સાંભળતાંની સાથે જ મનમાં કંઈ ખટપટ ચાલુ થઈ જાય. પહેલાં પામુક્કલે ગયેલા–(Pamukkale)– ત્યારે મનમાં પા–મૂક–કાલે/કલે ને હવે –કનક્કલે–(Canakkale)–જવાની વાત ગાઈડે કરવા માંડી કે કનકની યાદ આવી. કનક કાલે કે કનક લે! કનક સાથે જો લતા હોય, એટલે કે કનકલતા તો એ છોકરીનું નામ, ને ખાલી કનક હોય તો છોકરાનું નામ હોય એવું મને યાદ છે. નામમાં આવા ગોટાળા થતા હોય તો એવાં નામ પાડવા જ ન જોઈએ ને? હશે હવે, જેવી જેની મરજી.

આ ટર્કીમાં પણ અમે જ્યાં જ્યાં ગયાં, ત્યાં ત્યાં જાતજાતનાં નામ સાથે અને હાલતાં ને ચાલતાં ખંડેરો સાથે જ પનારો પડ્યા કર્યો. બીજું થાય પણ શું? તે જમાનામાં બનતું જ એવું કે, જેમ તેમ કોઈ રાજાએ મજાનું સામ્રાજ્ય ઉભું કર્યું હોય કે બીજા અદેખા રાજા એના પર હુમલો કરવા હાજર જ થઈ જતા. આમાં ને આમાં જ ટર્કીના ઈતિહાસમાં આપણને, રાજાઓ ને લડાઈઓ ને જીવ બળી જાય એવી જગ્યાઓના ખંડેરો જ વધારે જોવા મળે. શિક્ષણપ્રેમી, રમતગમતપ્રેમી ને પ્રજાપ્રેમી રાજાઓની બધી મહેનત પર, બીજા લાલચી રાજાઓ એવું પાણી ફેરવી દેતા કે, આપણા જેવા ટુરિસ્ટોએ ખાસ બધા પથરા ને તુટેલા થાંભલા કે મોટા મોટા સ્ટેડિયમોના પગથિયા જોવા લાંબા થવું પડે. આવું જોકે દુનિયા આખીમાં બન્યું છે ને હજીય બને છે તે દુ:ખની વાત છે. કુદરત વિનાશ વેરે તે તો પાછો અલગ! ખેર, ગાઈડે તો અમને કનક્કલે જતી વખતે રસ્તામાં જ બધો ઈતિહાસ એની આદત કે ફરજ રૂપે કહેવા માંડેલો, એટલે રસપ્રદ નામો કાન પર પડ્યા કરતા હતા ને સાથે સાથે બધી વાર્તા પણ.

એના કહેવા મજબ કનક્કલેમાં જોવાનું તો ઘણું છે, પણ જો ઓછો સમય હોય તો ખાસ બે જગ્યાની મુલાકાત લીધા વગર લોકો પાછા ન જાય. એના આગ્રહ મુજબ, એ બે જગ્યા તો દરેક ટુરિસ્ટે જોવી જ જોઈએ. પહેલી તો ટ્રોય અને બીજી પરગમમ(Pergamon), આપણા ઉચ્ચાર મુજબ પરગેમોન કે પરગમન. ગાઈડ તો એવું બોલે, ને પછી કોઈ ત્રીજી જગ્યાએ પણ લઈ જાય તેની અમને ખાતરી, કારણકે ટર્કી એનો દેશ હતો. સ્વાભાવિક છે કે, એને પણ મન થાય, કે ઓછા સમયમાં વધારે ને વધારે જગ્યાઓ બતાવાય તો સારું, પરદેશીઓ ખુશ થઈને તો જાય. જરાય કંટાળ્યા વગર કે ઈતિહાસમાં લોચા માર્યા વગર એ ખૂબ જ રસપૂર્વક, દરેક જગ્યાએ ઊભો રહી, બધાં ભેગાં થઈ જાય પછી જ એનો પ્રિય ખજાનો ખાલી કરવા માંડતો. પેલી બે જાપનીઝ બહેનો તો કાનમાં હેડફોન લગાવીને ફરતી, કારણકે એ લોકોને ઈંગ્લિશના ફાંફાં હતા! આપણે તો અમસ્તાં જ ગુજરાતી બોલવાથી ગભરાઈએ. આગળથી જો અમે કે’તે તો હું અમારા હારુ હો ગુજરાતી હંભરાવતા હેડફોનની વેવસ્થા થતે? કોણ જાણે. ગાઈડને હો ઘણી વાર ઈંગ્લિસમાં વાતચીતના ફાંફાં પડતાં એવું એની હાથેની વાતચીતમાં અમને ઘણી વાર લાઈગુ. તો હું આખો દા’ડો આ બધા લવારા તે ગોખણપટ્ટીને આભારી? ખરેખર એવું ઓહે? જે ઓહે તે, બધાંનું કામ ચાલતુ છે ને બધાંને મજા પડતી છે તે મહત્વનું છે.

સૌથી પહેલાં અમને બહુચર્ચિત અને જેના પરથી ફિલ્મ પણ બનેલી તે પુરાણા નગર ટ્રોયમાં ઉતાર્યા. ત્યાં દાખલ થતાં જ એક મોટો લાકડાનો ઘોડો દેખાયો(Trojan horse), જે દસ વર્ષ ચાલેલી લડાઈની યાદમાં ત્યાં મુકાયેલો. વાર્તા એવી છે કે, ટ્રોયના રાજા પ્રિઆમ(પ્રિયમ હોવું જોઈએ)ના દીકરા પેરિસ(!)ને સ્પાર્ટા દેશની રાણી ગમી ગઈ. ગમી તેનું કંઈ નહીં પણ એ પોતાના દેશ અને દેશના લશ્કરના ભોગે ભોગવિલાસમાં રાચવાનો થયો! રાણીનં અપહરણ કરી લાવ્યો. હવે પેલો ગ્રીક રાજા આગામેમન કંઈ ચુપચાપ બેસવાનો હતો? દસ વર્ષ સુધી ટ્રોયને ઘેરીને લડાઈ ચાલુ રાખી, જેમાં છેલ્લા ઉપાય રૂપે એના સૈનિકો એક મોટા લાકડાના ઘોડામાં ભરાઈને છુપાઈ ગયેલા અને ટ્રોયના સૈનિકો એ ઘોડાને નવાઈથી જોતાં જોતાં પોતાના શહેરમાં ખેંચી લાવ્યા! પછી તો કલ્પી શકાય કે શું થયું હશે. આપણને નવાઈ લાગે કે, એ ઘોડાને પૈડાં પણ મૂક્યા હશે? ને એવો તે કેવોક ઘોડો બનાવ્યો, કે શસ્ત્રસરંજામ સાથે હજારો સૈનિકો અંદર સમાઈ ગયા? કંઈ પચાસ–સો સૈનિકો થોડા ત્યાં જવાના હતા? મગજમાં ન ઉતરે પણ વાંચીને કે સાંભળીને અને ફિલ્મમાં જોઈને મજા પડે એવી આ વાર્તા ખરી.

એ જગ્યા પર બીજું કંઈ જ નહીં, એટલે મોટા ભાગે બધા ટુરિસ્ટો કુતૂહલ ખાતર કે પછી આવ્યાં છીએ તો જોતાં જઈએ એમ કરીને પણ ધીરે ધીરે સીડી પર એક માળ ચડીને ઘોડાની અંદર ફરી આવે ખરા. ઈતિહાસપ્રેમીઓને તો એ ઘોડાની અંદર દાખલ થતાં જ કોઈ અજબ લાગણી કે ધ્રુજારી થતી હશે. જ્યારે મારા જેવા તો, ‘આમાં હું? નક્કામો ધક્કો થીયો’ બોલીને નિરાશ થઈ જાય. હા, એક મજાની વાત ત્યાં એ હતી કે, દરેક ટુરિસ્ટ સ્પોટ પર હોય તેવા ધંધાદારી ફોટોગ્રાફર અહીં ફરતા રહેતા. એમની પાસે રાજાના કે સીપાઈના બખ્તર, ભાલા, મોટો ચાંચવાળો ટોપો અને પેલી ગોળ ઢાલ જેવું રક્ષણાત્મક નકલી પતરું હોય. એ પહેરીને તમે બે ઘડી માટે રાજા કે સીપાઈ બનવાનો લહાવો લઈ શકો. બધા પાસે મોબાઈલ અને કૅમેરા હોય પણ આ બધા શણગારની શોભા કંઈક જુદી જ. અમારી સાથે પેલા ખુશમિજાજ કાકા–કાકી(અંકલ–આન્ટી) હતા તેમાંથી કાકાએ રાજાનો વેશ સજીને ફોટો પડાવી લીધો. ખરેખર બે ઘડી તો, કોઈ વૃધ્ધ રાજા ત્યાં આવી ગયો હોય એવું લાગ્યું. કાકાની બાકી જોરદાર પર્સનાલિટી હતી, હં કે! તે સમયના એમના બંનેના ચહેરાના હાવભાવ દિલમાં એક કાયમી છાપ છોડી ગયા, તો એમનો ફોટો ન લેવાનો અફસોસ પણ રહી ગયો.

ત્યાંથી ફરી એક વાર ખંડેર નગરી ટ્રોયમાં ફરી લીધું પણ ઈતિહાસવિદોના કહેવા મુજબ ટ્રોય હજારો વર્ષોથી અસ્તિત્વમાં હતું. પહેલાં એને હિસાર્લિક કહેતા. જેવું ખંડેર થાય, કે એના પર ફરી નગર વસી જતું ને એવા તો દસ ટ્રોય બન્યા! બાપ રે! આખી દુનિયામાં આવા વિનાશ અને નવનિર્માણનાં કામો ચાલુ જ રહે ને એ બહાને કેટલાય લોકોને રોજીરોટી મળતી રહે, ઈતિહાસવિદોને ચોપડા ભરાય એવા ખજાના મળે ને પેલા ભૂસ્તરશાસ્ત્રીઓને પણ કામ મળ્યા કરે. આમેય નવરા બેસી કરવાનાય શું? ચાલો અ’વે હું બાકી રી’યુ જોવાનું? ભઈ બધુ જોહું પણ જોતા પે’લ્લા કૉફી નીં તો દાડમનો રસ પીવો પડવાનો, બો થાકી ગીયા



તસવીરો ગુગલની મહેરબાનીથી.

સોમવાર, 18 જુલાઈ, 2016

હૉટેલમાં પણ પાડોશીધર્મ?

ગમે તેટલા પૈસા ખર્ચીને કે ગમે તેટલી મહેનત કરીને આપણે ફ્લૅટ લીધો હોય કે નાનકડો તોય બંગલો બનાવ્યો હોય, પણ પાડોશીઓ વગર આપણને ચાલતું નથી. (એ લોકોને પણ ક્યાં આપણા વગર ચાલે છે?) લોકો સારા પાડોશી જ એટલા માટે ઈચ્છે, કે ગમે ત્યારે, એટલે કે સુખ–દુ:ખમાં, અધરાત–મધરાત ગમે ત્યારે કામ આવી શકે! લોકો સ્વાર્થી ન કહેવાય? કે આ જ ભારતીય સંસ્કાર છે? પરંપરા છે? જે હોય તે, પણ જ્યારે મને પાડોશી હોવાના ફાયદા ને ગેરફાયદા બંને યાદ આવે ત્યારે પહેલાં મેળવણ જ યાદ આવે! ફક્ત એક ચમચી દહીંનું મેળવણ મેળવવા માટે કેટલાં દયામણાં બનવું પડે? ને મેળવણ મળે તો કેટલી હાશ થાય? મેળવણથી શરૂ થયેલી આપ–લેની સફર કેટકેટલા અનુભવોનું ભાથું બાંધી આપે? આ જ સંસ્કાર કે આદત આપણને, કોઈ પણ સફરમાં સહપ્રવાસીઓ સાથે પણ બહુ કામ આવે છે. જેમ પાડોશીઓ આપણી મરજીના નથી હોતા તેમ સહપ્રવાસીઓ પણ આપણી મરજી પ્રમાણે નથી મળતા. પરસ્પર સ્વભાવ કે શોખ મળતા આવે તો જ સુહાની સફરનો અનુભવ થાય, બાકી તો કડવી યાદો જીવનભરના બીજા પ્રવાસોમાં પણ બીવડાવે.


જોકે, લોકોને પાડોશીધર્મની યાદ ના આવે ને એમને ત્યાં મહેમાન બન્યા પછી, કોઈએ શરમમાં ના પડવું પડે એટલે હવે તો મોટા ભાગની હૉટેલો, લોકોને જે જે વસ્તુઓ ભૂલી જવાની ટેવ હોય છે તે તે વસ્તુઓ ગ્રાહકોના ખર્ચે જ, સગવડના નામે પૂરી પાડે છે. નહીં તો કેવાં દ્રશ્યો ઊભાં થાય? જેમનું મોં પણ જોયું ન હોય કે જેમને ઓળખતાં પણ ન હોઈએ તેમના રૂમનું બારણું સવારે ઠોકીને પૂછવાનું, ‘તમારી પાસે ટુથપેસ્ટ છે? મારે લાવવાની જ રહી ગઈ. છેલ્લી ઘડીએ મારી પત્ની પણ લેવાનું ભૂલી ગઈ.’ ને પછી થોડો સામાન્ય વહેવાર, ‘માફ કરજો હં, તમને ડિસ્ટર્બ કર્યા. થેન્ક યુ હં.’ હવે સામે પેલા પાડોશી પણ જો એમ કહે કે, ‘ભાઈ, મારી પણ એ જ રામાયણ છે. કેટલી વાર મેં એને યાદ કરાવ્યું તો પણ, ‘હા ભઈ હા’ કરીને છણકા કર્યા પણ એમ નહીં કે ટુથપેસ્ટ મૂકી દે.’ તો પછી શું કરવું? વીલે મોંએ બેય ભેગા થઈને શું ત્રીજાને ત્યાં જાય? કોણ જાણે. આવી શક્યતા પરથી જ પેલો સુવિચાર કોઈ હૉટેલવાળાને આવ્યો હશે, તે પરંપરા બનીને બધી હૉટેલોમાં આપણા લાભાર્થે ચાલુ રહ્યો.

પારુલના મોબાઈલનું ચાર્જર રહી ગયું તે મને સહેજ વિચાર આવ્યો કે, હૉટેલવાળાએ બધી સગવડની સાથે બધી કંપનીના ચાર્જર પણ રાખવા જોઈએ કે નીં? બેઉ બેનો ખીજવાય એટલે મેં જાહેર નીં કઈરુ પણ વિચાર ખોટો નીં મલે, હું કે’ઓ? હવે સ્વાભાવિક છે કે, જ્યારથી ચાર્જર રહી ગયાની ખબર પડેલી ત્યારથી પારુલનો જીવ તો એમાં જ હોવાનો ને? એની બધી વાતોમાં પણ ચાર્જર આવી જ જતું. અમે બે બનતી મદદ કરી ચૂક્યાં, પણ પછી તો બજાર કે મોબાઈલની કોઈ દુકાન વગર પત્તો નથી પડવાનો તે જાણતાં હોવાથી અમે બીજે મન પરોવેલું. સવારે નાસ્તો કરવા નીચે હૉલમાં ગયાં, તો ત્યાં પણ રોજની જેમ નાસ્તામાં ધ્યાન આપવાને બદલે પારુલનું ધ્યાન બધાના હાથમાંના મોબાઈલ પર! ખાસ તો, અમારા ગ્રુપના જેટલા સભ્યો નાસ્તો કરવા બેઠેલા તેમની પાસે જઈને પારુલે આદર સહિત પૂછપરછ આદરી. ‘તમારી પાસે કયો મોબાઈલ છે? મારું ચાર્જર પેલી હૉટેલમાં રહી ગયું ને હવે મારો મોબાઈલ બંધ થઈ ગયો છે. તમારા મોબાઈલનું ચાર્જર જો મને કામ લાગે તો થોડો સમય માટે આપશો?’ સૌએ પોતપોતાનાં મોબાઈલ બતાવ્યા પણ કોઈનો મોબાઈલ કામ ન લાગ્યો, સિવાય એકનો!

પેલું મુંબઈવાળું સિંધી કપલ હતું તેમાંથી ભાઈનો મોબાઈલ પારુલના મોબાઈલ જેવો જ હતો. પણ તેથી શું? ચાર્જર તો એને પણ જોઈએ જ ને? જોકે, ભાઈ બહુ દુરંદેશીવાળા નીકળ્યા તે એમની પાસે બે ચાર્જર હતાં! ત્રણ મોબાઈલ ને છ ચાર્જર! એ ભાઈ જે ધંધો કરતા હશે તે પણ એમનો ધંધો બહુ જોરમાં ચાલતો હશે. તે સિવાય આખો વખત કોઈ મોબાઈલમાં જ માથું ખોસીને બેસી રહે? બસમાં તો ભાઈ, પત્ની સાથે પણ ખાસ વાતો કરતા નહીં. પત્નીની વાતોના જવાબમાં પણ ‘હું, હાં, હેં? અચ્છા, ઠીક હૈ’થી વધુ કંઈ નહીં! જે હોય તે, પણ એ ભાઈ તો પારુલ માટે દેવદૂતથી કમ નહોતા. ‘આપ યે ચાર્જર રખ લો, મેરે પાસ દૂસરા ચાર્જર હૈ.’ પારુલના ચહેરા પર તો રોનક આવી ગઈ! પેલા ભાઈને આપેલા પારુલના થેન્ક યુ મારે ગણવાના ર’ઈ ગ્યા પણ અમનેય હાશ થઈ ગઈ. બીજી હાશ તો, એ ભાઈની પત્નીએ પોતાના પતિની સામે કે પારુલની સામે ડોળા ન કાઢ્યા કે મોં વાંકું ન કર્યું તેની થઈ. એમની જગ્યાએ પેલા બીજા દિવેલિયા ભાઈ પાસે વધારાનું ચાર્જર હોત તો? મન મારીને ને બંધ મોબાઈલ લઈને બેસી રહેવું પડત. એની પત્ની પણ અમારી સામે લાચારીનું ખોટું સ્મિત કરતે. બાકી તો, આપણી સાથે રહેનારનો મૂડ બગડે તો આપણો મૂડ પણ ઠેકાણે થોડો રહે? એક સાદુ સીધું ચાર્જર પણ કેવા ખેલ કરી શકે?

ત્યાર પછી તો, અમે જ્યારે જ્યારે બસમાં બેસતાં ને ફાકા મારવા પડીકાં ખોલતાં, ત્યારે ત્યારે પહેલો પ્રસાદ પારુલ પેલા ભાઈને ઓફર કરતી. એ લોકોના થેલામાં પણ પડીકાં હશે જ, એટલે દર વખતે એ લોકો નમ્રતાથી ના કહેતાં તો કોઈ વાર વળી પારુલને ખોટું ન લાગે એટલે એકાદ ટૂકડો લઈને એને આભારી કરતાં. ચાર્જર મળ્યું તો બાકીની સફરની યાદગાર તસવીરો પડી, બાકી તો ગુગલ પર ક્યાં નથી મળતી તસવીરો? પોતે પાડેલી તસવીરોનો આનંદ અલગ જ હોય તે પારુલના ને અંજુના ચહેરા પર દરેક તસવીરે દેખાઈ આવતો. મારે તો નજરથી ને શબ્દોથી તસવીર ખેંચવાની હોઈ, હું કૅમેરાની કે મોબાઈલથી તસવીરો ખેંચવાની ઝંઝટમાં પડી જ નહોતી. બાકી તો, પેલો દિવેલિયા મોંવાળો મને નિરાંતે જોવા થોડો મળવાનો હતો? ફરવામાં એનું બિલકુલ ધ્યાન નહોતું. બસ, જાતજાતના પોઝ આપીને નાચતી–કૂદતી રહેતી એની પ્રિય પત્નીમાં જ એનું સમગ્ર ધ્યાન રહેતું ને જો ક્યારેક બે ચાર મિનિટ વધારાની ખાલી મળી જતી તો આજુબાજુનું એકાદ દ્રશ્ય એ કૅમેરામાં ઝીલી લેતો! આ લોકો ઘરે જઈને શું વાગોળશે? મિત્રો સાથે કે ઘરનાં સાથે વાતો કરવામાં શું ઉકાળશે? ફરવાની મજા આવી તે કે ફોટા પાડવા–પડાવવાની મજા આવી તે? કોણ જાણે!

રવિવાર, 10 જુલાઈ, 2016

Kusadasi-ક્યુ–સડાસીમાં શૉપિંગ!

ગાઈડનો ઘડી ઘડી બસમાંથી ઉતરીને વિરામ લેવાનો રાઝ અમે ગાઈડ પાસેથી જ જાણ્યો. ભઈ, ટર્કીમાં નિયમ છે કે, દર બે કલાકે ડ્રાઈવરે વિરામ લેવાનો. અમુક ચોક્કસ સ્પીડે જ ગાડી ચલાવવાની ને અમુક કિલોમીટરે થોભી જ જવાનું. આપણને તો આવું બધું સાંભળીને હસવું કે રડવું તે સમજાય નહીં. (૫૦ કિમી.ની ઝડપે શહેરમાં? ૯૦ કિમી.ની ઝડપે શહેરની બહાર? ને બેફામ નહીં પણ ૧૨૦ કિમીની ઝડપે હાઈવે પર ફરજિયાત? જોકે, એક્સિડન્ટ માટે કોઈ પણ સ્પીડની છૂટ!) આપણા ઈન્ડિયામાં તો...! જવા દેઓ. એ હું બધી વાતે ઈન્ડિયાને યાદ કઈરા કરવાનું? અં’ઈયા દર બે કલાકે ફરજિયાત તમારી બસ ઊભી જ રે’ય તે કેટલુ હારુ! તમારી ભૂખ–તરહનો સવાલ જ ઊભો નીં થાય. જાં જે મળે તે ખાઈ પી લેવાનું. જોકે, ચા–કૉફી ને કોલ્ડ ડ્રિંક્સ તો ઓ’ય જ, ચૉકલેટ–બિસ્કીટ હો ઓ’ય, બીજું થોડું ઘણું ટર્કિસ ખાવાનું હો મલી રે’ય તો બો થઈ ગીયું. આવા ધાબાની હાથે મજાનો સો–રૂમ હો ઓ’ય, એટલે નીં મન ઓ’ય તો હો કંઈ તો લેવાઈ જ જાય–હાવ મન વગર તો કઈ રીતે લેવાય? આપણે તાંના લોકોની બધી ટેવો હરખી પણ દર બે કલાકે ઊભા રહેવામાં નાનમ લાગે. હળંગ આઠ–દહ કલાક ગાડી ચલાવવાને બા’દુરી હમજાય ત્યાં વરી એમ ઊભા થોડા રે’વાય?

ખેર, આપણે ત્યાંય હાઈવે પર નાની–મોટી, સસ્તી–મોંઘી હૉટેલો ને રેસ્ટોરાં ને ધાબાં ખૂલી જ ગયાં છે ને? થાક્યા ન હોઈએ કે રોકાવું ન હોય તોય, બધે ભીડ કરવાની આપણનેય ટેવ પડી જ છે ને? ડ્રાઈવરો તો બિચારા જ્યાં એમના નાસ્તાપાણીની કે ટિફિનની વ્યવસ્થા થઈ હોય ત્યાં જ ગાડી છોડી મૂકે, એટલે બધે સરખી જ વૃત્તિ જોવા મળી તો સારું લાગ્યું. આપણે ત્યાં સામાન્ય રીતે બસમાં ડ્રાઈવર બેઠો હોય જમણી બાજુ અને રસ્તા પર ચલાવવાનું ડાબી બાજુ, જ્યારે અહીં ટર્કીમાં ડ્રાઈવર ડાબી બાજુ બેસે ને રસ્તા પર જમણી તરફ હાંકવાનું. બસ બરાબર ચાલતી હોય તો અમને તો કોઈ વાંધો નહોતો પણ ઘણી વાર બસમાં ચડતી વખતે હું ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલી કાઢતી ને યુસુફને હસતો જોઈ પછી હસતી હસતી બીજે દરવાજે જતી રહેતી. જોકે, અહીંના ટ્રાફિકના નિયમો તો બહુ આકરા હતા, આપણે ત્યાંના જેવા જ. પણ અમને નવાઈ એ લાગી કે, નિયમો તોડવામાં તો અહીંના લોકો પણ હોશિયાર હતા!

રસ્તા બેશક બહુ જ સુંદર ને સરકણા, કોઈ મેકઅપવાળી હીરોઈનના ગાલ જેવા, પણ ગમે ત્યારે સિગ્નલ આપ્યા વગર ગમે ત્યાંથી ઓવરટેક કરવામાં ને સિગ્નલ ન બતાવવામાં ને સાઈડ ન આપવામાં ને હૉર્ન માર માર કરવામાં ને એક્સીડન્ટ કરવામાં આ ડ્રાઈવરો કોઈથી ઉતરતા નથી તે જાણીને નવાઈ લાગી, તે કરતાં પણ પરદેશી બધું જ ઉત્તમની ખોટી ઈમ્પ્રેશન દૂર થઈ તેની રાહત થઈ. અમારી વૅનનો ડ્રાઈવર યુસુફ જોકે બહુ જ ઉમદા ડ્રાઈવર હોવા ઉપરાંત મીઠી મુસ્કાનનો માલિક પણ હતો. એને એની માતૃભાષા સિવાય બીજી ભાષા આવડતી નહોતી એટલે મોં પરનું સદાય મધુરું સ્મિત એની એક માત્ર આંતરરાષ્ટ્રીય ભાષા હતી. અમે ‘થૅંક યુ’ કહેતાં, તો ડોકું નમાવીને એ સ્મિત ફરકાવી દેતો. જ્યારે ગાઈડ આઈડન તેટલો જ બોલકણો. પોતાના સિલેબસની બહારનું પણ બોલ્યા જ કરતો. ખેર, એમાંનું અડધું તો અમારી વાતોમાં જતું રહેતું ને થોડું કાને પડતું ને થોડું ન સમજાતું તે અમે ચલાવી લેતાં. જ્યાં ઉતરીએ ત્યાં તો પાછો બધું કહેવાનો જ છે એ ધરપત, એટલે અમે બારીમાંથી બહાર જોવાની મજા લેતાં.

બસો કિલોમીટરના અંતરને કાપતાં એક ટી–બ્રેક સાથે ચાર કલાક થયા એટલે કુસાડાસી પહોંચતાં જ સૌ હૉટેલમાં પોતપોતાની રૂમ પર ભાગ્યાં. નીચે ડાઈનિંગ હૉલમાં જમીને સીધા બસમાં સાઈટસીઈંગ માટે ગોઠવાઈ ગયાં! જમ્યા પછી જો ઝોકવાની ટેવ હોય તો બસમાં પૂરી કરી લેવી. ઓછા સમયમાં બધાં સ્થળે પછી કેવી રીતે પહોંચી વળાય? વાત તો સાચી હતી. ખાસ તો, બે જગ્યા વચ્ચેના લાંબા અંતરો વધારે સમય ખાઈ જતા હતા બાકી તો, હજી વધારે જગ્યા જોઈ શકાય. હવે એવું તો શક્ય કઈ રીતે બને, કે ટુરિસ્ટોને ધ્યાનમાં રાખીને બધાં બાંધકામો નજીક નજીક થાય? દૂર દૂર રખડવાની પછી મજા જ ન રહે ને? અમે નજીકના દરિયાકિનારે પહોંચ્યાં, જ્યાં તડકો હતો પણ ઠંડીની મોસમમાં તડકો સારો લાગ્યો. એક કલાક સુંદર ને સુંવાળી રેતી પર ફરવાની છૂટ આપીને, પછી ગાઈડ અમને લઈ ગયો એફેસસ. ઘડી ઘડી નામ બોલતાં બોબડાઈ જવાય પણ, એફેસસ કુસાડાસીથી ત્રીસ મિનિટમાં જ પહોંચી જવાય એટલું નજીક હોવાથી ને વળી સેલુક નામના નગરમાં આવેલું પ્રાચીનતમ શહેર હોવાથી, વર્લ્ડ હેરિટેજ સેન્ટરના લિસ્ટમાં હોવાથી, કુંવારી માતા મૅરીએ પોતાના છેલ્લા દિવસો અહીં વિતાવ્યા હોવાથી, બંદર તરીકે અને ખ્રિસ્તી ધર્મના પ્રાચીન સ્થળ તરીકે જાણીતું હોવાથી અને આજે ટર્કીના મશહૂર પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત હોવાથી, ગાઈડ અમને બધી વાર્તા કહેવાની એને મજા આવે એટલે ખાસ લઈ ગયો.

બે કલાક બધે ફરીને એફેસસનો ઈતિહાસ માણ્યો ને છેલ્લે ગાઈડે અમારો મૂડ સુધારવા અમને શૉપિંગના સ્વર્ગ સમી માર્કેટમાં છોડી મૂક્યા. ‘હવે આપણે કાલે સવારે મળશું. નવ વાગે તૈયાર રહેજો. બાય બાય.’ યુસુફભાઈ બહાર આરામ ફરમાવતા ને અમારી રાહ જોતા બસમાં બેઠા. શૉપિંગના નામ પર ખરેખર અમારા સૌના પગમાં જોર આવી ગયું અને અમે ફટાફટ વિન્ડો શૉપિંગ શરૂ કરી દીધું. એમ તો શૉપિંગના નામ ને કામ પર કલાકોના કલાકો કુરબાન કરવા જોઈએ પણ હું થાય? આટલા ઓછા ટાઈમમાં તો જોઈતી વસ્તુની દુકાને જ પહોંચી જવું પડે. આવી જગ્યાઓએ તો દરેક દુકાને એમ થાય કે, આ વસ્તુ તો મારે બહુ વખતથી લેવાની જ થઈ ગઈ છે. અમે ત્રણેય એક મોટી દુકાનમાં ઘુસ્યા, જ્યાં જાતજાતની પર્સ, હૅન્ડબૅગ્સ ને ટ્રાવેલ બૅગ્સનો ખજાનો હતો. આ જોઈએ? કે પેલી લઈએ કે કઈ લઈએ?ની મીઠી મૂંઝવણમાં સમય તો એની મેળે મુંઝાયા વિના ભાગતો હતો. ભાવતાલ ને રકઝક જેવા બધા કોઠામાંથી પસાર થઈને આખરે અમે ખાલી હાથે દુકાનમાંથી બહાર આવી ગયા! કેમ?

તો અંજુને યાદ આવી એની વહુની વાત ને અમને યાદ આવ્યાં પલ્લવીબહેન. ‘ઈસ્તમ્બુલની ગ્રાન્ડ બજારમાંથી જ શૉપિંગ કરજો.’ ખલાસ. શૉપિંગનો આખો મૂડ જ મરી ગયો. (ગ્રાન્ડ બજાર તો અહીં પણ હતું.) પછી તો અમે વીલે મોંએ વિન્ડો શૉપિંગ કરતાં એ ગલીઓમાંથી પસાર થઈ ગયાં. કેટલી સરસ દુકાનો હતી ને કેટલું મસ્ત મસ્ત ને પાછું રિઝનેબલ બધું મળતું હતું ! મોટી મોટી કંપનીના લેબલવાળા, અસલી જેવા જ, નકલી કપડાં ને બૂટ–સૅંન્ડલ્સ, બૅગ્સ ને પરફ્યૂમ્સ, ટર્કિશ ગાલીચા ને સુગંધી તેજાના–મસાલા ને ચામડાની વસ્તુઓ ને હૅન્ડીક્રાફ્ટની અણમોલ વસ્તુઓનો ખજાનો હતો ત્યાં. આ બધું ઈસ્તમ્બુલમાં પણ મળશે જાણીને રાહતના ભાવ સાથે અમે બજારમાંથી નીકળી ગયાં. રાતનું ભોજન બીજે કશે શોધવા જવાને બદલે અમે અમારી હૉટેલમાં જ કરી લીધું. અમે બરાબર થાકેલાં એટલે વહેલાં સૂવાની તૈયારીમાં ને ખાસ તો મોબાઈલ ચાર્જ કરવાની ખટપટમાં હતાં કે, રૂમના એક ખૂણેથી પારુલનું ‘હાય હાય’ સંભળાયું!
‘હું થીયુ?’
‘મોબાઈલનું ચાર્જર ની મલે!’
‘ઓ બાપ રે! અ’વે? ફોટા કેમ કરતા પડહે?’ બધાંને ફોટાની ચિંતા થઈ.
‘બરાબર જોયું? બૅગમાં ઓહે.’
‘ના, કેથ્થે નથી. તાં પામુક્કલેની ઓ’ટલમાં ર’ઈ ગ્યુ લાગે. અ’વે મને યાદ આઈવુ. વે’લા વે’લા નીકરવાની દોડાદોડમાં ચાર્જર મેં લીધેલુ જ નીં. તમે હો કોઈએ યાદ નીં કરાઈવુ?’
‘અરે ભઈ, બધા પોતપોતાની દોડાદોડમાં ને વે’લા નીકરવાની ઉતાવરમાં તે જોવાનું ર’ઈ ગયુ. અ’વે હું કરહે?’
‘કંઈ નીં, કાલે બજારમાં કે જાં જહું તાં મલે તો લઈ લેહું, બીજુ હું? ઉં જ મૂરખની સરદાર તે ચાર્જર જ ચેક નીં કઈરુ. ચાલો અ’વે કાલની વાત કાલે. હૂઈ જાઓ.’ પારુલે હૂઈ જાઓ કે’યુ પણ એને જ આખી રાત ઊંઘ નીં આવી. બનવાકાળને કોણ ટાળી શકે?








(તસવીરો ગુગલ પરથી લીધી છે.)