ભારતનું રેલવે બજેટ રેલગાડીની જેમ આવ્યું ને દર
વખતની જેમ ઉચ્છલની નોંધ લીધા વગર જતું રહ્યું. હવે શું કરવું ? કંઈ નહીં. કરવાનું
શું ? બીજા નવા બજેટની રાહ જોવાની. ત્યાં સુધીમાં ઉચ્છલ; બીજાં ગામડાંઓ ને શહેરો
સાથે જોડાય, એવી કોઈ રેલવે લાઈન નંખાય તેની રાહ જોવાની.
એમ તો ઉચ્છલમાં સ્ટેશન ખરું, પણ એ ઉચ્છલમાં ન
ગણાય ! ‘નવાપુર’ નામનું સ્ટેશન ઉચ્છલમાંથી દેખાય. અડધું સ્ટેશન ગુજરાતમાં અને
અડધું મહારાષ્ટ્રમાં હોવા છતાં, નામ તો એક જ આપવું પડે ને ? એટલે મહારાષ્ટ્ર ફાવી
ગયું અને ઉચ્છલ રહી ગયું.
બજેટ બહાર પડે ત્યારે કહેવાય કે, સામાન્ય
માણસોનું પણ ધ્યાન રખાશે. અમારું ધ્યાન આજ સુધી નથી રખાયું. એનો મતલબ એમ કે, અમે
ઉચ્છલવાસીઓ અસામાન્ય છીએ ? જો ભવિષ્યમાં ઉચ્છલ સ્ટેશન બને, તો સ્ટેશનથી અમારા ઘર
સુધીનો રસ્તો પાકો કરવો પડશે. સ્ટેશન ચોખ્ખું અને બધી સગવડોવાળું જોઈશે. બધી
ટ્રેનો પણ ઉચ્છલ સ્ટેશને ઊભી રહે એવી ઉચ્છલવાસીઓની માગણી તદ્દન વ્યાજબી છે. આજ
સુધી ઉચ્છલને ઘણો અન્યાય થયો છે પણ હવે અમે અન્યાય સહન નહીં કરીએ.
માન્યું કે, રેલ ભાડાં સૌથી સસ્તાં હોય છે. ઉચ્છલથી
સુરત બસમાં જવું હોય તો અમારે સો રૂપિયા કાઢવા પડે. જ્યારે નવાપુરથી સુરત, આજ સુધી
અમે વીસ રૂપિયામાં જ જતાં ને હવે ભાડું વધવાથી પચીસ રૂપિયામાં જઈશું. અમારા ગામના
ને આજુબાજુના ગામોના મજુરો તો મફતમાં આવ–જા કરે છે. પણ એ બધું એટલા માટે થાય છે
કે, ટ્રેનમાં ભીડ બહુ જ થાય છે. હવે તો ચડવાની જગ્યા પણ નથી મળતી. જો ટિકિટની લાઈનમાં ઊભા રહેવા જાય તો ટ્રેન જતી રહે. જો ઉચ્છલને જ
સ્ટેશનની ભેટ અપાય, તો બધા આરામથી ટિકિટ લઈને પણ જઈ શકે. ટિકિટની લાંબી લાઈનો ન
લાગે ને કોઈ ટ્રેન ન ચૂકી જાય.
નવાપુર સ્ટેશન મહારાષ્ટ્રમાં હોવાથી, સ્ટેશન પર બધી
જાહેરાત પણ હિન્દીમાં અને મરાઠીમાં થાય છે. પરિણામે અમારા તરફની અભણ પ્રજા કંઈ
સમજી શકતી નથી. લોકો તો આશરે આશરે જ વર્ષોની આદત મુજબ, અંદાજ લગાવીને ટ્રેનમાં ચડી
જાય. ઉચ્છલ સ્ટેશન બને, તો બધાને ગુજરાતીમાં પણ બધી સમજ પડે અને કોઈ ખોટી ટ્રેનમાં
ન ચડી જાય કે ટ્રેન ચૂકી ન જાય.
જો ઉચ્છલ સ્ટેશન બને તો ભવિષ્યમાં અહીંથી બુલેટ
ટ્રેન પણ જઈ શકે, એવો ભવિષ્યના બજેટમાં જરુર કોઈને વિચાર આવશે. જો એ વિચાર અમલમાં
મુકાશે તો ઉચ્છલ–સુરત વચ્ચેનું અંતર અમે દસ જ મિનિટમાં કાપી શકશું ! અને
વિચારો કે, એક જ દિવસના હજારો લોકોના, હજારો કલાક બચી જાય તો એ હજારો લોકો બીજાં
કેટલાં કામ કરી શકે !
અહીંના લોકોને તો વિમાની સફર જેવી સફરનો આનંદ
મળશે. પછી લોકો ઘડી ઘડી એ સફરનો આનંદ માણશે ને બાળકોને પણ સુરત ફરવા લઈ જઈ શકશે.
જનતા ખુશ રહેશે તો સરકારને જ ફાયદો કરાવશે ને સરકાર પણ ખુશ રહેશે. એટલે ઉચ્છલ
સ્ટેશન બનાવવાના દૂર દૂર સુધીના ફાયદા તો અમને અત્યારથી જ દેખાવા માંડ્યા છે. હવે સરકાર
પોતાના રેલ બજેટ પર ફેર વિચારણા કરીને પણ, ઉચ્છલને સ્ટેશન બનાવવાના વિચાર પર મહોર
લગાવે ને ઉચ્છલની પ્રજાને ખુશ કરે એવી આશા અસ્થાને નથી.
બજેટમાં મોટાં મોટાં શહેરોને જ પહેલાં બધી સગવડ આપવી એ નિયમ હવે બદલાવો જોઈએ. કેમ શરુઆત ગામડાથી ન કરાય ? આ વિચારને અમે ઉચ્છલના
લોકો આગળ મૂકીશું અને જરૂર પડશે તો રેલ રોકો આંદોલન કે ધરણાં કે ઉપવાસનું શસ્ત્ર પણ અજમાવશું. જય ઉચ્છલ !