રવિવાર, 28 ડિસેમ્બર, 2014

સૂરજની રાહમાં–જંગલની રાહ પર


                                                         સૂર્યદર્શન પહેલાં ચંદ્રદર્શન

                                                                      ભળભાંખળું


શિયાળાના સૂરજની રાહમાં સવાર !


સૂરજની  રાહ જોતા કાગડા

     

હજી કેટલી વાર ?

એ.....પેલ્લો દેખાય !



ડાયરેક્ટ સર્વિસ !



માંકડ જેવડા નાના જીવડાનું ઘર ! (કે દર ?)


ચૂલાની ચિંતા


મારું ટિફિન તો તૈયાર છે પણ....

ચાલો ઑફિસ 







તડકાની સંતાકૂકડી












ઘેર પાછા ફરતાં શુધ્ધ– દેશી –તાજો નીરો જો મળી જાય !

ફોટોગ્રાફર પારૂલ દેસાઈના સૌજન્યથી.


રવિવાર, 21 ડિસેમ્બર, 2014

પૂછવું એટલે ?

પૂછવું એટલે શું ? જો વિસ્તારથી જાણવું હોય તો, કેટલા બધા પ્રશ્નો પૂછવા પડે ને તેના કેટલા જુદા જુદા જવાબો મળે. બહુ રસપ્રદ છે આ સવાલ અને બહુ રસપ્રદ છે આ પૂછવાની પ્રવૃત્તિ. ચાલો આપણે પણ મંડી પડીએ પૂછવા.

પૂછવું એટલે જાણવું ? કે જાણવા પ્રવૃત્ત થવું ? પૂછતાં પૂછતાં પંડિત બનવાની મહેચ્છા રાખવી ? કે પછી, પૂછવું એટલે કોઈને અર્થ વગરનો ત્રાસ આપવો ? પૂછવું એટલે આનંદ આપવો ? બુધ્ધિ ચકાસવી ? ઝીણું ઝીણું પૂછીને કોઈના મનની અંદર કે આરપાર ઝાંકવાની કોશિશ કરવી ? કે પૂછવું એટલે પંચાત કરવી ? કે હક બતાવવો ? હાક મારવી કે ધાક જમાવવી ? કદાચ પૂછવું એટલે અચકાવું કે ગભરાવું. પૂછવાથી નવા સંબંધો બને ? કે જૂના સંબંધો તૂટે ? ઘણી વાર તો પૂછવાથી સંબંધો સંધાય પણ ખરા ને ઘણી વાર સંધાયેલા સંબંધોમાં પૂછવાનો હક ખોવાય પણ ખરો !

પૂછવું એટલે એક સીમા નક્કી કરવી ? કોને પૂછાય ? ને કોને ન પૂછાય ? ક્યારે પૂછાય ને ક્યારે નહીં ? કેટલું પૂછાય ? શું પૂછાય ? શું ન પૂછાય ? પૂછવું એટલે બીજાને જ પૂછવું ? જાતને ન પૂછાય ? જોકે, જાતને પૂછવાનું કામ તો બહુ અઘરું ને સમય માંગી લે એવું છે પણ તેથી જાતને ન જ પૂછાય એવું નથી. જાતને તો જે પૂછવું હોય તે પૂછાય ! જ્યારે ને જેટલું પૂછવું હોય તેટલું વિના સંકોચ પૂછાય ! કદાચ જાતને પૂછવું એટલે આત્મશુધ્ધિ કે પછી પછી નવો અવતાર ? જો જ્ઞાની બની ગયા તો પછી બીજાને પૂછતાં પહેલાં વિચાર કરવો ? એટલે પૂછતાં પહેલાં વિચારવું કે વગર વિચાર્યે જે મનમાં આવે તે પૂછી મારવું ?

આ પૂછ–પૂછનું પૂંછડું આમળવાની મજા આવે છે નહીં ? પૂછવું એટલે અમસ્તું–અમસ્તું ટાઈમ પાસ કરવા ખાતર પૂછવું ? કે પછી, ખરેખર લાગણી દર્શાવવા, કાળજી બતાવવા પૂછવું ? ‘પૂછો તો જ કહીએ’ કહેનારને પૂછવું ? કોઈને મૂરખ બનાવવા પૂછવું ? પૂછવું એટલે કોઈની સલાહ લેવી ? ને પૂછવા માટે કોઈની રજા લેવી પડે એટલે શું ? ભારેખમ અવાજમાં ‘પૂછવું પડશે’ બોલવું તે ?

પૂછવાથી શું મળે ? કે શું વળે ? હા મળે, ના મળે ને કદાચ કંઈ ન મળે અથવા બધું જ મળી જાય ! જાતજાતની લાગણીઓ પકડદાવ રમે ને કદાચ લાગણીહીન પણ બનાય. પૂછવાથી રસ્તા મળે, ઘર મળે, માણસો મળે ને કોઈ વાર પૂછવાથી ખોટા જવાબ મળે તો કોઈ ન મળે ! કોઈ મળે ત્યાં સુધી પૂછતાં રહેવામાં ધીરજની કસોટી થાય. એટલે કે, મનને કાબૂમાં રાખવાનો પાઠ મળે આ પૂછવાથી ભાઈ ! પૂછવું એટલે થાકી ન જવાય એટલું પૂછવું તે જ હશે. હવે કોને પૂછવું ? શું પૂછવું  તે જ નથી સમજાતું. તમે કોને પૂછો ?

મને તો એમ કે, પૂછવાનું કામ સહેલું હશે ને વગર વિચાર્યે થઈ શકતું હશે ! પણ...બાપ રે...! પૂછવામાં તો મગજને કસવું પડે ને લોકોના મૂડના ચડાવ–ઉતરાવનો અભ્યાસ કરવો પડે. તેથી લાગ્યું કે, જવાબ આપવાનું કામ કદાચ સહેલું હશે. હા કે ના જ કહેવાની ને ? વિચારવાનું શું ? નકામો સમય જ બરબાદ કરવાનો.

જવા દો ને. જવાબ આપવો તો પૂછવા કરતાં પણ ભારે નીકળ્યો. જવાબ આપવો એટલે ? વિચારવું. ‘વિચારીને જવાબ આપીશ’ એમ કહેવું તે. મોંના હાવભાવ કળાવા ન દેવા અથવા મોંના હાવભાવથી જ જવાબ આપવો તેને ‘જવાબવું’ કહેવાય ? પૂછવું જો એક જ શબ્દ હોય તો જવાબ આપે તેને જવાબવું કહેવાય કે નહીં ? કોઈ મને જવાબ આપશે ? ઘણી વાર તો હાથ–પગના ઈશારાથી એટલે કે, બૉડી લૅંગ્વેજથી પણ જવાબ મળી જાય !

જવાબ આપવો એટલે ટાળવું ? કે નાના એવા પ્રશ્નનો મોટ્ટો જવાબ આપી વેર વાળવું ? ત્રાસ આપવો ? જવાબ પણ ગાળની જેમ, આપી શકાય ને લઈ શકાય ? જવાબ આપતાં ધ્રૂજવું કે તિરસ્કાર કરવો તે સવાલ પૂછનાર પર આધાર રાખે છે. જવાબ આપવો એટલે ગલ્લાંતલ્લાં કરવાં ? મર્મભેદી વચનો બોલવાં ? જવાબ આપવો એટલે હસી પડવું ? વાત ઉડાવી દેવી ? કે અર્ધોપર્ધો જવાબ આપી બાકીનો જવાબ ટલ્લે ચડાવવો ? જવાબ આપવો એટલે લુચ્ચાઈ બતાવવી ? ખંધાઈ બતાવવી કે નખશીખ સજ્જનતા બતાવવી ?

લોકોથી દૂર રહેવા કે નજીક રહેવા જવાબ આપવો ? જવાબ આપવો એટલે સ્માર્ટ બનવું ? કે દેખાવું ? કે ગાફેલ રહેવું ? બીજા પર આધાર રાખવો ? શું જવાબ આપવો તે કોણ નક્કી કરે ? પોતે કે બીજા ? આ કામ મુશ્કેલ છે કે ચપટી વગાડતાં થઈ જાય તેવું છે ? એક પ્રશ્નના સત્તર જવાબ ? કે સો સવાલનો એક જ જવાબ ? જવાબ આપવો એટલે હરીફાઈમાં ભાગ લેવો ? કે મૂર્ખાઈનું પ્રદર્શન કરવું કે ચતુરાઈનું ? જવાબ આપવો એટલે મેળવવું કે ગુમાવવું ? કે જવાબ આપ્યા પછી માથા પરથી ભાર ઉતારવો ? હળવા થવું ?

જવાબ એટલે હાને ના સમજવી ? ને નાને હા ? કે હાને હા ને નાને ના. જવાબનો જવાબ પણ સવાલથી મળે તેને જવાબ કહેવાય ? વાચકમિત્રો, હું પણ વર્ષોથી આ સવાલ–જવાબના લખચોરાશી ચક્કરમાં ફસાઉં છું, કંટાળું છું, અકળાઉં છું, દૂર ભાગવા પ્રયત્ન કરું છું ને વળી નજીક પહોંચીને રાહત પણ મેળવું છું ! અને એમ જ ને એમાં જ આનંદ પણ મેળવું છું. કેટલી સરળ છે સવાલ ને જવાબની રમત ! સવાલ ન હોત તો ? જવાબ ન હોત. પછી આપણે મગજને શેમાં ચલાવત ? કંઈ પણ જાણવાની જિજ્ઞાસા ન રાખવી એવું તો કઈ રીતે બને ? પૂછવું તો પડે જ ને ? ને પૂછવું પડે એટલે જવાબ પણ મેળવવો જ પડે ને ? હવે તમે તમારી રીતે જવાબ આપો કે, પૂછવું એટલે શું ? ને જવાબ આપવો એટલે શું ? દરેકના જવાબ જુદા જ હશે એમાં કોઈ શંકા નથી. તો આ જ છે બધી માયા, સવાલ ને જવાબની. આ માયામાંથી મુક્ત થવું એટલે ? સાધુ થવું ? કે બાઘા બનવું ? જવા દો. અમુક સવાલોને જવાબ વગરના જ રહેવા દઈએ.



રવિવાર, 14 ડિસેમ્બર, 2014

હાસ્યલેખક છું એટલે.....

એક દિવસ એક બહેન મને મળવા આવ્યાં ત્યારે આંખમાં ઝળઝળિયાં સાથે મેં એમનું સ્વાગત કર્યું, ‘આવો.’

મારી ભીની આંખ જોઈ એમનું હૃદય પણ ભીનું થઈ ગયું, દ્રવી ઊઠ્યું. મોં પડી ગયું ને અવાજ તો ગળગળો થઈ ગયો ! બે ઘડી સુધી તો એ કંઈ બોલી જ ન શક્યાં. નીચું જોઈને સોફામાં બેસી રહ્યાં. મેં એમને પાણી આપ્યું તો સામો એમણે મને ગ્લાસ ધર્યો, ‘તમે પી લો પહેલાં.’

‘અરે ના ના. પીઓ ને તમે, બહાર બહુ તાપ છે. પી લો પછી આપણે આઈસક્રીમ ખાઈએ અથવા તમે કહો તો શરબત બનાવું.’

મારી વાતોથી ને મારા અવાજથી એમણે રાહતનો શ્વાસ લીધો ને એક ઘૂંટે ગ્લાસ ખાલી કરી મારી સામે જોઈ રહ્યાં. મને હસતી જોઈ એમણે પણ હસવાનો સારો એવો પ્રયત્ન કર્યો.

‘તમારી તબિયત નથી સારી ?’
‘ના, ના. સારી છે ને.’ (ઘોડા કે ઘોડી જેવી ?)
‘તમને કંઈ થયું છે ?’ એમના અવાજમાં ખાસ્સી ચિંતા હતી.
‘કંઈ નથી થયું, કેમ ?’
‘એ તો અમસ્તું. મને લાગ્યું કે...કંઈ નહીં, જવા દો.’
‘અરે, કહી દો જે કહેવું હોય તે. તમને શું લાગ્યું ?’
‘એ તો હું આવી ને ત્યારે તમારી આંખમાં પાણી.....’

બિચારાં ગભરાઈ–ગભરાઈને મારી આંખમાંના પાણીનું કારણ જાણવા માગતાં હતાં, કદાચ એમની પાસે કારણનું કોઈ મારણ હોય !

‘ઓહ એ...! અરે ભાઈ, ક્યારનાં મને બગાસાં આવતાં હતાં તે ટાળવા મેં આંખમાં પાણીની છાલક મારેલી ને એવામાં તમે આવ્યાં. તમને શું લાગ્યું ? હું રડતી હતી ? રડે મારા દુશ્મન.’ (‘હું કંઈ રડું બડું નહીં’ ને ‘હું તો બધાંને રડાવીને રડું એવી છું’ એવું બધું ઈચ્છા હોવા છતાં મારાથી બોલી ન શકાયું. જોકે સારું જ થયું, નહીં તો મારી છાપ કેવી પડે ?)

‘હંઅઅ..તે જ. મને થયું જ કે, તમે તો હાસ્યલેખક. બીજાને હસાવનારાં, તમે કંઈ થોડાં રડવાનાં હતાં ?’ એમને શાંતિ થઈ એટલે મારા વિશેની ગેરમાન્યતા એમણે સનાતન સત્યની માફક રજૂ કરી.

આ વળી નવું ! મને તો આજે જ ખબર પડી કે, મારાથી રડાય નહીં ! ખાસ તો, કોઈના દેખતાં તો નહીં જ. એકલાં–એકલાં રડી લેવાય, બાકી ખોટી છાપ પાડવી હોય તો કોઈના દેખતાં રડવું ! એમને હું કઈ રીતે સમજાવું કે, રડવું એ તો મારી પ્રિય હૉબી છે. કંઈ કામ ન હોય, કંઈ સૂઝતું ન હોય કે પછી કોઈ કામ કરવાનો મૂડ ન હોય ત્યારે બે ઘડી રડી લઉં છું. સારું લાગે છે. અકળામણ દૂર થઈ જાય છે. મન હળવું થઈ જતાં એક પછી એક કામ પણ સૂઝવા માંડે છે. મૂડ તો બની જ જાય ને સાથે કામ ફટાફટ થઈ જાય ! એટલે બે ઘડી રડવાનું તો મને ઘણી વાર ફળદાયી નીવડ્યું છે.

એમ તો, રડવાની ટેવ મને નાનપણથી જ. નાની અમસ્તી વાતમાં અમસ્તી જ રડવા માંડતી ! તેના મને બે ફાયદા થતા. એક તો કોઈ મને છેડવાનું એટલે કે હેરાન કરવાનું નામ લેતું નહીં, ‘ભાઈ, રે‘વા દેજે. એ તો પાછી જરા વારમાં ટવરવા માંડહે.’ મારો ભેંકડો કે મારાં આંસુ આમ બચી જતાં. ઘરમાં એ બહાને શાંતિ રહેતી ને બીજો ફાયદો કે, મારું કહ્યું બધાં તરત જ માની લેતાં ! જોકે, મારા વાંક કે ગુના વખતે મારી સામે ડોળા કાઢનારને કે ઘાંટો પાડનારને હું તરત જ મોટેથી રડીને ગભરાવી કાઢતી. એટલે મેં રડવાની ટેવ તો ચાલુ જ રાખેલી. એ જ તો મારું એક માત્ર અમોઘ શસ્ત્ર હતું. (જે આજે પણ ઘરનાંને ગભરાવવા સારું કામ આપે છે !)

મારી સહનશક્તિ એમ તો બીજી સ્ત્રીઓ જેવી જ. એટલે કોઈ વાર તવા પર ભાખરીને બદલે મારી આંગળી ફરી જાય કે પેણીના ગરમ તેલમાં પૂરીને બદલે આંગળી મૂકાઈ જાય, કે દરવાજામાં આગળાને બદલે મારાં આંગળાં ફસાઈ જાય કે પછી મારું માથું દુ:ખે–તાવ આવે ત્યારે મને રડવું આવી જાય ખરું. જ્યારે જ્યારે મોંઘવારી વધે, અડધો કલાકથી વધારે મારી ટ્રેઈન મોડી થાય અથવા અધવચ્ચે અટકી જાય કે હું ટ્રાફિકમાં ફસાઈ જાઉં ત્યારે બેઠાં બેઠાં કંઈ કામ ન હોવાથી, નકામા વિચારો કરવાને લીધે કે ટાઈમ પાસ કરવા પણ હું રડી લઉં ખરી.

એટલે રડવાનાં તો મારી પાસે એક નહીં અનેક કારણો છે. કોઈ પૂછે કે, ‘કેમ રડો છો ?’ તો બે ઘડી રડવાનું માંડવાળ કરીને મારે વિચારવું પડે છે કે, હું કયા કારણસર રડું છું ! પાછું વાજબી કારણ જ આપવું પડે નહીં તો, ‘અમસ્તાં જ’ એવો જવાબ આપું તો એમ કહે કે, ‘જાઓ જાઓ, અમસ્તાં જ કોઈ રડતું હશે. બોલો ને, શું થયું ? કેમ રડો છો ?’ એમને ટાળવા માટે પણ મારે કોઈ યોગ્ય કારણ શોધવું જ પડે. નહીં તો એ મારો પીછો ન છોડે. પછી તો, એમનાથી પીછો છોડાવવા મારે પાછું રડવું પડે ! ‘કંઈ નહીં, હમણાં મને એકલી રે’વા દો પ્લીઝ. પછી તમને કહીશ. હમણાં જાઓ.’

આપણને કોઈ વસ્તુ તરત જોઈતી હોય કે આપણે કંઈ બનાવવું હોય તો પણ સ્વાભાવિક છે કે, બે–પાંચ મિનિટ તો જોઈએ. જ્યારે આંસુનું એવું નથી. આંખની પાછળ કાયમ તૈયાર જ બેઠાં હોય ! કોઈની આંખમાં આંસુ જોયાં નથી કે, મારી આંખમાં પણ આંસુ ઝગારા મારવા માંડે. એમાં ને એમાં તો હું ટીવી જોતી હોઉં ત્યારે કે ફિલ્મ જોવા ગયાં હોઈએ ત્યારે મારી આજુબાજુ બેસવા માટે તો ઘરનાં લોકોમાં પડાપડી થઈ જાય ! એ લોકો ફિલ્મ જોવાની પડતી મૂકીને હું ક્યારે ડુસકાં ભરું તેની રાહ જોયા કરે ને પછી જે હસે જે હસે....તે જોઈને મારે રડવું કે નહીં ?

આટલું બધું અશ્રુપુરાણ વર્ણવવાનું કારણ એક જ, પેલાં બહેનની માન્યતા કે ગેરમાન્યતા દૂર થાય. આખરે તો હું સ્ત્રી પહેલાં, લેખક પછી. એટલે સ્ત્રીથી તો રડાય જ ને લેખકથી ? કેમ લેખક માણસ નથી ? લેખકથી પણ રડાય. બધાંથી રડાય. એવું કહેવાય છે કે, રડવાથી આંખ ચોખ્ખી થાય છે એટલે હું તો રોજ ઓછામાં ઓછું એક વાર તો રડી જ લઉં. તમે ?


રવિવાર, 7 ડિસેમ્બર, 2014

છોકરાની માનો વેવાણને પત્ર

પ્રિય વેવાણ,
જય શ્રીકૃષ્ણ. મજામાં હશો. તમારી દીકરી સાથે મારા દીકરાનાં લગ્ન નક્કી થયાં તે બદલ અભિનંદન. દીકરીની મા હોવાને નાતે તમે સારું ઘર, સારો વર અને સજ્જન ( દેખાતાં !) સાસુ–સસરાને મેળવીને ધન્ય થઈ ગયાં હશો. જોકે, દીકરી જવાના ખ્યાલે દુ:ખી હશો પણ દીકરીના સુખના વિચારો આવતાં નિરાંત પણ અનુભવતાં હશો. લગ્નની તૈયારીઓ કરવા માંડી હશે અને દીકરીને પરીક્ષામાં અપાતાં M IMP ની જેમ છેલ્લી છેલ્લી સુચનાઓ પણ આપવા માંડી હશે.

મારા પત્રથી ગભરાશો નહીં. મેં કોઈ પણ જાતની માગણી કે શરત માટે આ પત્ર નથી લખ્યો. તમે તમારી દીકરીને મારે ત્યાં ૮–૧૦ દિવસ રહેવા મોકલવાનું કે હું એને રહેવા બોલાવીશ એવું વિચારતાં હો તો માંડી વાળજો. મારે એને રહેવા બોલાવવાને બહાને ગભરાવવી નથી કે નથી કોઈ જ જાતની આવડતની પરીક્ષા લેવી. એ જેવી છે તેવી મારા ઘરમાં સ્વીકાર્ય છે. એની ખામીઓ અહીં ઢંકાઈ જશે અને ખૂબીઓ ઊભરી આવશે. એને નહીં આવડતાં કામકાજ એ તો અહીં આવીને પણ શીખી શકશે. એવી બધી ઝીણી ઝીણી બાબતોની ચિંતા કરશો નહીં.

ખાસ તો, હું નિયમોને ચાતરીને એક નવો દાખલો બેસાડવા માંગું છું. મને હંમેશાં વિચાર આવે કે, લગ્ન નક્કી થતાં જ છોકરીની પરીક્ષા જ શા માટે ? હું તો ઈચ્છું છું કે, મારા દીકરાને તમે તમારા ઘરે ૮–૧૦ દિવસ દીકરાની જેમ રાખો–જમાઈની જેમ નહીં. જેમ છોકરીઓ પાસે અસલના જમાનામાં પાપડ શેકાવાતો, સોયમાં દોરો પરોવાતો, રોટલો ઘડાવાતો, એની સઘળી હિલચાલ પર નજર રખાતી અને બાકી હોય તેમ ટીકાટિપ્પણીઓનો પણ વરસાદ થતો, તેમ છોકરાઓને પણ આવા બધા અનુભવોમાંથી પસાર કરવા જોઈતા હતા !

ભલે ત્યારે કોઈએ કંઈ ન કર્યું પણ આજે હું ઈચ્છું છું કે, તમે તમારી રીતે મારા દીકરાની પરીક્ષા લો. મને ખબર છે કે, ગભરાટ અને સંકોચને કારણે આ પત્રને તમે સંતાડી દેશો. ‘આવું તે કંઈ હોતું હશે ?’ એવું વિચારો એના કરતાં શાંતિથી વિચારો કે મેં લખેલી વાતો યોગ્ય છે કે નહીં. શું આ બધી પરીક્ષા છોકરાઓએ આપવી જરૂરી નથી ? ફક્ત ડીગ્રી લઈને કમાવાની જવાબદારી સિવાય આ બધી જવાબદારીઓ કે કામકાજમાં એણે રસ લેવો જોઈએ કે નહીં ? જેવાં કે ચાપાણી કરવાં, મહેમાનોની આગતાસ્વાગતા કરવી, થોડી કે ઘણી રસોઈકામની અને રસોડાની પણ જાણકારી રાખવી જેથી અચાનક જ થતા ગભરાટ, ગુસ્સા કે લાચારીના ભાવને ઊગતાં જ ડામી શકાય. ભૂખે મરવાનો તો સવાલ જ નહીં આવે. માંદગી વખતે કુટુંબના સભ્યોની ચાકરી કરવી, માનસિક શાંતિ આપી ઘરમાં સ્વસ્થ વાતાવરણ રાખવું, બહારનાં કામો કરી લેવાં, બાળકો સાચવવા, માતાપિતાની સેવા લગ્ન પછી (પત્ની પર ન છોડી દેતાં) પોતે પણ કરવાની છે તે યાદ રાખવું, બાળકો કઈ સ્કૂલમાં ને કયા ક્લાસમાં ભણે છે તે યાદ રાખવું વગેરે વગેરે એવાં અસંખ્ય કામો છે, જે બીજાના ઘરમાં રહેવાથી જ ખબર પડી શકે કે, કોણ કેટલું કામ કરે છે ! પોતાના ઘરમાં તો બધા જ બાદશાહ હોય.

તમને તો અનુભવ હશે જ કે, લગ્ન પછી આ જ બધી મુસીબતો સામે આવી આવીને અથડાયા કરે છે ને માથાં ફોડવામાં ભાગ ભજવે છે. હવે જો છોકરાઓ પણ પચાસ ટકા કામકાજ જાણતા હોય ને કરતા હોય તો આવા સંવાદોની બાદબાકી જ થઈ જશે ને ?
‘તમને તો મારી કંઈ પડી જ નથી. આ ઘરમાં તો આવી તે દિવસથી કામવાળી જ બનીને રહી ગઈ છું.’
‘તું તારું કામ કરશે કે ચૂપચાપ ? બધાં કામવાળાં જ છે. બે ઘડી શાંતિથી બેઠા હોય કે તારા લવારા ચાલુ.’
‘હું તો મારું કામ કરું જ છું પણ તમે આમ એદીની જેમ આખો દિવસ પડી રહો એના કરતાં કોઈ કામમાં થોડી મદદ કરતા હો તો ?’
(બાળકોનું મનોરંજન જોકે બંધ થઈ જશે !)

હવે જો મેં કહ્યું તેમ છોકરાઓ ઘરકામમાં મદદ કરતા થઈ જશે તો, કેવા સંવાદો સાંભળવા મળશે ?
‘અરે, મારે તો ઘરની બિલકુલ ફિકર જ નહીં કરવાની. મારી ગેરહાજરીમાં પણ મારું ઘર વ્યવસ્થિત જ ચાલતું હોય. ઘરની બધી જવાબદારી સાથે બાળકોની પણ કોઈ ચિંતા નહીં. બાળકો તો ઉલટાના પપ્પાથી ખુશ !’ જોયું ? થોડીક જ મદદમાં આપણે કેટલાં ખુશ થઈ જઈએ ?

આપણે સ્ત્રીઓ જ જો આપણું નહીં વિચારીએ તો પુરુષોને તો આવા વિચારો ક્યાંથી આવવાના ? મેં તો મારા દીકરાને, નાનપણથી જ ઘરકામની નાની નાની ટેવો પાડીને હોશિયાર બનાવી દીધો છે. જે આપણે ભોગવ્યું તે આપણાં બાળકો કેમ ભોગવે ? મને એટલી તો ખાતરી છે કે, મારો દીકરો કોઈ કામમાં થોડા ઓછા માર્કસ લાવશે તો પણ તમે એને ટોણો તો નહીં જ મારો કે, ‘તારી માએ કંઈ શીખવ્યું છે કે નહીં ? અમારા ઘરમાં આવું બધું નહીં ચાલે. લગ્નને હજી મહિનાની વાર છે એટલામાં બધું શીખી લેજે. અમારે અમારું નામ નથી બોળવું. અમને તો બીજા ઘણાય મળતા ’તા.....વગેરે.’

આટલો કુશળ ને હોશિયાર જમાઈ મળવા બદલ તમે તો ખુશ થશો જ પણ ભૂલેચૂકેય તમે (ને તમારી દીકરી પણ) એવું નહીં વિચારી લેતાં કે મફતમાં પૂંછડી હલાવતો ટૉમી મળી ગયો. પછી તો ત્રીજું નેત્ર ખોલતાં મને ને મારા દીકરાને પણ આવડે છે. આ બધી કામકાજની આવડતો એકબીજાનો સંઘર્ષ ટાળવા ને એકબીજાનાં પૂરક બનવા માટે જરૂરી છે, નહીં કે જોહુકમી કરવા. હવે વધુ તો કંઈ લખવા જેવું રહ્યું નથી એટલે શુભેચ્છાઓ સહિત,
તમારી વેવાણના જય શ્રીકૃષ્ણ.


સોમવાર, 1 ડિસેમ્બર, 2014

તમને કહેવામાં વાંધો નહીં

એમ તો, એ વાત કંઈ એવા ભેદભરમવાળી કે ખાનગી રહસ્યોવાળી કે કોઈ મહત્વના દસ્તાવેજોની અથવા તો કોઈ અમૂલ્ય ખજાનાની ગુપ્ત બાતમી જેવી રોમાંચક તો નહોતી જ. ન તો એ વાત જાહેર થઈ જવાથી કોઈ ભૂકંપ આવી જવાનો હતો કે નદીઓ ગાંડીતૂર બનીને આમતેમ દોડવા માંડવાની હતી. ન તો એ વાત જાણીને ડુંગરો સમાધિ છોડીને નાચવા માંડવાના હતા કે વૃક્ષો પોતપોતાની મિલકતની અદલાબદલી કરી નાંખવાના હતાં ! પક્ષીઓ પોતાની ચાંચ એવી ક્ષુલ્લક વાતમાં ડુબાડવા નહોતા માંગતાં અને પશુઓને તો એ વાત દીઠીય ના ગમત. તો પછી એવું તે શું હતું એ વાતમાં કે, એને તદ્દન ખાનગી રાખવાની હતી ?

મને જ્યારથી જણાવવામાં આવ્યું કે, આ વાત ફક્ત ને ફક્ત તમને જ જણાવવામાં આવે છે ત્યારથી તો....(ઓહો...! આહા....! વાહ વા...હ ! મારા પર એમને કેટલો બધો વિશ્વાસ ? થૅન્ક યુ..થૅન્ક યુ. વિશ્વાસ મૂકનારનો આભાર.) બસ, ત્યારથી મારા મનમાં ચટપટી શરૂ ! કોને જણાવું ? આ વાત જ એવી છે કે જણાવવી તો પડે જ. આટલી સરસ – ખુશીની વાત ને કોઈને ન જણાવું તે કેમ ચાલે ? સુખ ને આનંદ તો વહેંચવાની વસ્તુ છે, જેમ વહેંચે તેમ વધે ને આ લોકો.....? ખાનગી રાખવાનું કહે છે ! કંઈ નહીં. ઘરમાં તો મારે બધાંને જણાવવું જ પડે. એ લોકો તો આ વાત જાણીને કેટલાં ખુશ થશે ? મને શાબાશી તો મળશે સાથે મારો થોડો વટ વધી જશે એ નફામાં. અને ઘરનાં તો કોને કહેવા જવાના ? મેં તો બહુ થોડો સમય મન પર કાબૂ રાખીને, વાતને ખાનગી રાખી ને પછી ઘરમાં જાહેર કરી દીધી. જો કે, ગભરાતાં ગભરાતાં જ. દિવાલોને પણ કાન હોય છે તે હું જાણું ને ?

મને શાબાશી મળી, બદલામાં ખુશી મળી અને આપણો તો ભઈ જોરદાર વટ પડી ગયો. હાશ ! વાત જો મનમાં જ રહેત તો કેટલી ગૂંગળામણ થાત ? ઓહ ! યાદ આવ્યું. મેં તરત જ સૌને તાકીદ કરી દીધી, ‘હમણાં કોઈને કહેતાં નહીં હં. વાત એકદમ ખાનગી રાખવાની છે. ઘરમાં ચાલે, વાંધો નહીં.’ જોયું ? એકે ખાનગી રાખવાની વાત પાંચ જણે જાણી એટલે હવે પાંચેયના મનમાં ચટપટી શરૂ ! કોને જણાવીએ ?

પછી તો ભઈ, થોડી થોડી વારે મારા નામની બૂમો પડવા માંડી.
‘આને જણાવું તો ચાલે કે નહીં ? એ કોઈને નહીં કહે.’
‘ભલે, જણાવો પણ ખાસ કહેજો કે હમણાં કોઈને પ્લીઝ...કહે નહીં.’
‘હા હા એ વાતે બેફિકર.’ (પોતાના નામે સૌએ બીજાની ગૅરન્ટી આપી !)
બીતાં બીતાં ને કહેતાં કહેતાં વાત વહેતી થઈ ગઈ. મેં તો ખાસ યાદ કરીને વિશ્વાસ મૂકવા લાયક લોકોને ફોન કરવા માંડ્યા.

‘એક ખાસ વાત છે પણ તમને જ જણાવું છું. કોઈને હમણાં કહેતાં નહીં.’
‘અરે, ના ના. હોય કંઈ ? કોઈને નહીં કહું પણ વાત શી છે તે તો કહો.’
‘........’
‘અરે વાહ ! કહેવું પડે.’
પછી બીજો ફોન લગાવ્યો.
‘એક ખાસ વાત કહેવા તમને ફોન કર્યો છે પણ વાત ફક્ત તમારા પૂરતી જ રાખજો.’
‘અરે ! એ વાતે બિલકુલ બેફિકર રહો. આ તમે વાત કરી ને હું ભૂલી પણ જઈશ જોજો ને. કોઈને કાનોકાન ખબર પણ નહીં પડે. બોલો શી વાત છે ?’
‘.......’
‘શું વાત કરો છો ?’
‘હંમ્....’
‘વાહ ! શાબ્બાશ !’
(આટલાં બધાં ખુશ થાય છે તે વાતને પેટમાં રાખી શકશે ? કોણ જાણે.)
ત્રીજો ફોન.
‘તમને જો હું એક વાત કહું તો...’
‘હા મને ખબર છે.’
‘હેં ? એટલી વારમાં ખબર પણ પડી ગઈ ? તમને કોણે કહ્યું ?’
‘અરે ના ભઈ. તમારી વાતની શરૂઆત પરથી જ મેં અનુમાન લગાવી દીધું કે, મારે વાત ખાનગી રાખવાની છે, બરાબર ?’
‘કહેવું પડે બાકી તમને. ચાલો તો પછી તમારા તરફથી વાત બહાર નહીં જાય એની મને ખાતરી થઈ ગઈ.’
‘પણ હવે તમે વાત કહેશો તો ખરાં ને ? બોલો જલદી.’
‘.......’
‘મને હતું જ કે, આવી જ કોઈ વાત હશે. વાહ વાહ ! બહુ ખુશીની વાત કહેવાય. અભિનંદન.’

એક બહેન તો રિસાઈ ગયાં.
‘રે’વા દો, તમને વિશ્વાસ ન હોય તો વાત જ શા માટે કરો છો ?’
‘ના ના, (છેક) એવું નથી પણ આતો શું છે કે, વાત તદ્દન ખાનગી રાખવાની છે. તમે તો અંગત મિત્ર એટલે જ તમને જણાવ્યા વગર મારાથી રહેવાયું નહીં.’ (આવી વાતમાં કોઈ રિસાય તે કેમ ચાલે ?)

વાત તો હું જ બધાંને કહેતી ગઈ કારણકે મારાથી જ ચૂપ ના મરાયું (રે’વાયું). પણ શું કરું ? વાત જ એવી હતી ને કે, પેલી ખાસ તાકીદ છતાં અમુક ખાસ ખાસ લોકોમાં તો મેં વાત વહેતી કરી જ દીધી ! મનમાં સતત ફફડાટ સાથે !

એક બહેનનો ફોન આવ્યો.
‘તમે મને પારકી ગણો છો ?’
‘ના, કેમ ?’
‘તો પછી, એવી તે કઈ વાત છે કે તમે મને કહેતાં પણ ડરો છો ? શું હું કોઈને કહી દેવાની હતી ? મારા પર એટલો પણ વિશ્વાસ નહીં ? હું તો તમને મારી બધી વાત કરતી હોઉં છું.’
‘કઈ વાત પણ ? મેં તમારાથી ક્યારે કોઈ વાત છુપાવી ?’
‘પેલાં ઢીંકણાંબહેન કહેતાં હતાં કે, તમારી એવી કોઈ વાત છે જે હમણાં ખાનગી રાખવાની છે.’
‘ઓહ ! એ વાત ? સૉરી હં. તમને કહેવાની જ રહી ગઈ.’
‘કંઈ વાંધો નહીં. થાય કોઈ વાર એવું પણ હવે તો કહેશો ને ?’
મારી ખાનગી વાતે તો ગજબનો જાહેર તમાશો કર્યો !
ચટપટી....ચટપટી...ચારેકોર ચટપટી !

એક બહેને તો ખાસ જણાવ્યું, ‘સારું થયું કે, તમે વાતને ખાનગી રાખવાનું જણાવ્યું. બાકી તો, મારાથી કોઈ વાત ખાનગી રખાય જ નહીં ને. મને જો ભોંયમાં દાટો ને તો પણ, હું વાત કહેવા બહાર નીકળીને પાછી ભોંયમાં દટાઈ જાઉં બોલો.’


હવે મારી વાત જાહેર થવામાં મને કોઈ શંકા રહી નહીં. તમારા સુધી પણ એ વાત બસ આવી જ સમજો.

રવિવાર, 23 નવેમ્બર, 2014

પુરુષોનો દિવસ !


શું ખરેખર પુરુષોનો પણ દિવસ હોય છે ? પેલા મહિલા–દિનની જેમ ? કોઈ ખાસ દિવસ ? એ વળી ક્યારે હોય ? ને જો હોય તો મને કેમ ખબર નથી ? આ તો વળી, ૧૯મી નવેમ્બરે મારા પતિએ ઘરમાં બેઠા બેઠા મને મેસેજ મોકલ્યો કે, ‘આજે (પણ) બધું મારું જ કહેલું થશે. જરા પણ વિરોધનો સૂર કે કોઈ અવાજ નહીં જોઈએ ’ (મને બોલાવીને કે ખખડાવીને કેમ ન કહ્યું ? પુરુષદિનનો પ્રભાવ ?) ત્યારે ખબર પડી કે, એમનો દિવસ પણ આવ્યો છે ! વિશ્વભરમાં ‘વિશ્વ પુરુષ દિન’ પણ ઉજવાય છે ! માળું આપણે  સૌ તો મહિલા મહિલા કરતાં વર્ષોથી મહિલાઓની પાછળ પડેલાં, મહિલા દિન ઉજવવા ને પુરુષોને કોઈ પણ હિસાબે નીચું બતાવવા, તે ભૂલી જ ગયેલાં કે ભઈ, આ ભઈઓનો પણ કોઈ દિવસ હોઈ શકે ! ખેર, હવે ખબર પડી જ છે તો આવતે વરસથી નક્કી. વરસમાં એક દિવસ એ લોકોના નામે ચડાવીને એ લોકોના નામ પર કુરબાન કરી દેવાનો. (દિવસ જ કુરબાન કરવાનો છે ને ?)

હું એ મતની નથી કે, ફક્ત મહિલાઓનું જ ભલું ઈચ્છું. એ તો સરાસર અન્યાય કહેવાય કે, મહિલા હોવાથી મારે મહિલાઓની તરફેણમાં જ બોલવું–લખવું કે વિચારવું ! ના, બિલકુલ નહીં. ન્યાય કરવો તો બન્ને પક્ષે સરખો કરવો નહીં તો કાજી બનવું નહીં. પુરુષો ફક્ત પુરુષોનું જ વિચારે તો કોઈ ચલાવી લે છે ? પુરુષો તરફથી સ્ત્રીઓને સન્માન જોઈએ છે, બધે પોતાને જ પહેલાં બધું મળે એવી આશા રખાય છે અને જરાતરા ગરબડ થાય તો રણચંડીનું રૂપ ધરતાં મહિલાઓને જરાય વાર નથી લાગતી. કેમ આ બધો ભેદભાવ?

તમને દાખલો આપું. મારા પતિ અને બે દીકરા સાથે ઘણી વાર મારે બહાર જવાનું થાય તો એ લોકો મોટે ભાગે બજારની ભીડમાં મારી સાથે આવવાનું ટાળે. ધારો કે, સાથે આવે તો પણ ડરી ડરીને, એકબીજાનો હાથ પકડીને, બધે જોતાં જોતાં ચાલે. મને તો પછીથી ખબર પડેલી કે, કોઈ સ્ત્રીને હાથ ન લાગી જાય કે કોઈ સ્ત્રીની વસ્તુ, થેલી કે બાળક સુધ્ધાંને પણ હાથ ન લાગી જાય તેની સતત તકેદારી રાખીને ચાલવું એ લોકોને માટે મોટો માથાનો દુખાવો બની રહેતો. કોઈ વાર ભૂલમાં લાગી ગયેલા ધક્કાનો કે હાથનો એમને કેવો બદલો મળેલો ? કોઈએ મને સાથે જોઈને એમની સામે ફક્ત ડોળા કાઢેલા, કોઈએ ‘કાકા/ દીકરા શરમાઓ જરા. તમારી દીકરી/મા જેવી છું’ કહેલું ને કોઈએ પોલીસની ધમકી પણ આપેલી ! વગર કારણે ફક્ત આદતવશ બોલાતા આવા વાક્યોની અસરમાં આવીને મારા પતિ અને દીકરાઓ બહુ દિવસો સુધી ધુંધવાતા ફરેલા. મને ધમકી પણ મળેલી, ‘જોજે, ખબરદાર જો કોઈ શરીફ માણસને ક્યારેય પણ આવું કંઈ બોલી છે તો. તમારે મન બધા જ મવાલી ? તમારા ધક્કા લાગે કે હાથ લાગી જાય તો કોઈ તમને કંઈ કહેવા આવે છે ? ત્યારે તો સૉરી કહીને, મોં વાંકું કરીને ચાલવા માંડો એટલે જાણે બધું પતી ગયું કેમ ? વાંક તમારો ને મોં પણ પાછું તમે જ વાંકું કરો ! શૉપિંગના ગાંડપણમાં કે રસ્તામાં કોઈ બહેનપણી મળી જવાના જોશમાં ક્યારેય આજુબાજુનું ધ્યાન રાખો છો ? અડફટમાં જે ચડી ગયો તે ગયો જ સમજ્યો ને તોય સૉરી સિવાય કંઈ નહીં ! કેમ એમ ? કારણકે સ્ત્રી છો ? પુરુષ સમોવડી બનવું છે ? બનીને શું કરવું છે ? ખોટી ખોટી બધી ધમાલ કરવી છોડીને બધાને સરખાં ગણીને રહો ને એકબીજાને સમજીને રહો કે વાત પતે. અમસ્તાં અમસ્તાં મહિલા મહિલા કરીને ગજાવી મારો ને હતાં ત્યાં ને ત્યાં. ન પોતે ચેનથી રહો ને ન બીજાને રહેવા દો.’

ઓહો ! જરા વધારે પડતો પુરુષોનો પક્ષ લેવાઈ ગયો નહીં ? કોઈ મહિલા વાંચશે તો મારે માથે સાવરણો ફટકારશે. મહિલાએ પણ મહિલાથી બીવું પડે ! ખેર, આ તો પુરુષદિન વિશે જાણ્યું તો આટલું યાદ આવ્યું બાકી તો મારે કોઈનો પક્ષ લેવાનું શું કામ ? મહિલાઓ જ્યાં ને ત્યાં સભાઓ ભરે ને મોરચાઓ કાઢે ને આગઝરતાં કે છોડાં ફાડતાં ભાષણો ઠોકે બાકી પુરુષોમાં તો એટલી હિંમતે નથી કે, સ્ત્રીઓની વિરુધ્ધમાં ઝંડા લઈને મુર્દાબાદ મુર્દાબાદ કરતા બધે ફરતા ફરે. બહુ બહુ તો ખાનગીમાં કોઈ હૉલમાં મિટિંગ રાખીને સમદુખિયાઓ દિલના ઉભરા કાઢી લે. મિત્રોમાં બધે બબડાટ કરી લે કે ચાન્સ મળે તો ઘરમાં થોડો ઘણો ફફડાટ કરી લે. બાકી એમને કશે બોલવાના મોકા પણ ક્યાં મળે છે ? કંઈ બોલ્યા તો એમના પર કેટલાય આરોપો ને પ્રતિઆરોપો લાગી જાય. બિચારા પુરુષો ! જાય તો પણ ક્યાં જાય ? હવાની દિવાલોને પણ મોટા મોટા કાન ! કશે બોલે તો પણ ફફડી ફફડીને બોલવાનું. કંઈ જિંદગી છે ? ને દુનિયામાં ખોટો ભ્રમ પેદા કરાયો છે કે, સ્ત્રીની જિંદગી નરક જેવી છે, દોહ્યલી છે !

જાહેરમાં ક્યારેય જોયું કે, કોઈ સ્ત્રીએ લાઈનમાં પુરુષને આગળ જવા દીધો  હોય ? કોઈ પુરુષને ભારે સામાન ઊંચકેલો જોઈને મદદ માટે હાથ લંબાવ્યો હોય ? મદદ કરીય હશે તો કોઈ બિચારા ઘરડા બિમાર વૃધ્ધને કરી હશે. કેમ ? શું બીજા પુરુષો પણ બસમાં ઊભા રહીને ના થાકે ? લાઈનમાં એમને આગળ જવાનો હક નથી ? એમ બધે સમાન હક જોઈએ પણ જ્યાં લાઈનમાં ઊભા રહેવાનું આવ્યું કે ટિકિટ કઢાવવાની આવી તો તરત જ થાકી જાય ! એ કામ ઘરના પુરુષને સોંપી દેવાનું અથવા એવા સમયે નરમાશથી બીજા પુરુષોને આજીજી કરીને વહેલી ટિકિટ કઢાવ્યાનો વટ મારવાનો ! વાત તો ખરી છે કે સ્ત્રીઓને કોઈ સમજી નથી શક્યું, સ્ત્રી પણ નહીં. પુરુષો ઘણી વાર ભોળા ને ઘણી વાર ભોટ સાબિત થાય તોય ચલાવ્યે રાખે કારણકે બહાર સ્ત્રી–દાક્ષિણ્ય બતાવે અને ઘરમાં શાંતિ ઈચ્છે.

એમ તો, મહિલાદિનની જેમ પુરુષદિન વિશે પણ ઘણું લખી શકાય પણ થોડામાં ઘણું સમજવાવાળા બધું જ સમજી ગયા હશે એટલે આટલે જ અટકું. ચાલો, બહુ વખતે મનને થોડો આનંદ ને થોડો સંતોષ થયો કે, મેં સચ્ચાઈનો સાથ લીધો. આપણે તો ભાઈ બધાં સરખાં હેં ને ? તમારું શું કહેવું છે ?


રવિવાર, 16 નવેમ્બર, 2014

જે આ લેખ વાંચશે તે....


મથાળું વાંચીને વિચારમાં પડી ગયા ને ? અને....જાતને જ સવાલ પૂછવા માંડ્યા ને ? કે, જે આ લેખ વાંચશે તે શું ? તે પાગલ થઈ જશે ? મૂંગો–બહેરો બની જશે ? લેખ વાંચીને પેપર ફાડી નાંખશે ? કે લેખ વાંચીને પેટ પકડીને હસ્યા જ કરશે ?(આવું વિચારવાની મને છૂટ આપો !) સીધો જનસત્તાની ઓફિસે ફોન કરશે ? ને બરાડા પાડીને પૂછશે કે, કેમ આવા લેખ છાપો છો ? ઘરમાં હશે તો ઘરની બહાર દોડી જશે ને રસ્તા પર કે બીજી કોઈ જગ્યાએ હશે તો સીધો ઘરની વાટ પકડીને ઘરમાં ભરાઈ જશે ? બધું બહુ જાતજાતનું વિચારી વિચારીને પાગલ થવા કરતાં મને પૂછો અથવા લેખ જ આગળ વાંચી લો ને ભાઈ !

‘જે આ લેખ વાંચશે તેનું કલ્યાણ થશે ને નહીં વાંચે તેને અંબે માના સોગન છે ! કાળકા માના સોગન છે ! બાકી બધી માતાના પણ સોગન છે !’
‘અરે ભાઈ, કેમ પણ ? મેં શું કર્યું કે આમ બધાને સોગન આપવા પડે ?’
‘બસ કંઈ નહીં. આ લેખની હજાર કૉપી કાઢીને બધે વહેંચી દો નહીં તો....‘
‘હેં ? નહીં તો શું ?’

‘નહીં તો, તમારા પર આ બધી માતાનો કોપ ઊતરશે ને તમારું ધનોતપનોત નીકળી જશે. તમારા બધા પૈસા તમારી પત્ની ને બાળકો ઉડાવી મારશે. તમારા સાસરાવાળા તમારે ત્યાં ધામા નાંખી દેશે. તમારે ત્યાં કામ કરવાવાળા રજા પર ઊતરી પડશે. તમારે ઓફિસમાં ઓવરટાઈમ કરવો પડશે. સમજી લો ને કે, દુનિયામાં જેટલાં દુ:ખ ને જેટલી તકલીફો છે તે બધી તમારા પર તૂટી પડશે જો.....’

‘હા હા બાપા, સમજી ગયો. આ લેખની વાંચ્યા પહેલાં જ હજાર કૉપી કાઢીને મારે વહેંચી દેવાની છે એમ ને ? પણ મારે જ શું કામ ? કેમ, પ્રેસમાંથી કૉપી કાઢવાની ના પાડી ? ને ફક્ત આ જ લેખની કે પછી આખા ને આખા છાપાની જ હજાર કૉપી દરેક વાચકે કાઢવાની છે ? છાપું વેચવાનું કે છાપવાનું આ નવું ગતકડું કાઢ્યું છાપાવાળાએ ? ભાઈ એ અમને કેવી રીતે પોસાય ? ને આમ છાપાની કૉપીઓ કાઢવાનું કામ અમારું છે ? જાઓ ભાઈ, એ દમદાટી કે ધમકી બીજાને આપજો. અમારે તો છાપું વાંચવા સાથે મતલબ. અમને જે ગમે તે લેખ પણ વાંચશું ને નહીં ગમે તો છાપાનો ડૂચો પણ વાળી દઈશું, અમારી મરજી. આમ ભગવાનનું નામ આપીને ધમકાવો નહીં.’

‘ચાલો રહેવા દો. જોઈ લીધા તમને. તમે તો કહ્યું માનવાને બદલે માથું ખાવા મંડ્યા ને જીદે ચડી ગયા. કેટલા સવાલ પૂછી માર્યા ? રહેવા દો, એ તમારું કામ નહીં. જો હમણાં તમને એવું કહીએ કે, ‘જે આ લેખ વાંચશે તેના પર અંબે માની કૃપા થશે. કાળકામાતા ને બહુચરમાતા ને બાકીની બધી માતાઓ પણ તમારા ઉપર આશીર્વાદ વરસાવવા ધક્કામુક્કી કરશે તો ? તો તમને ગમશે કેમ ? તો પછી આ લેખની શું, આખા ને આખા છાપાની હજારો કૉપીઓ કઢાવવા તમે દોડી વળશો એમાં ના નહીં. જે આ લેખ વાંચશે તેના ઘરે કોઈ દિવસ ડૉક્ટર કે વકીલ મહેમાન પણ નહીં બને. તેને ફટાફટ નોકરીમાં પ્રમોશન મળી જશે. કુંવારા હશે તો ચોકઠું ગોઠવાઈ જશે ને પરણેલા હશે તો કંઈ કહેવાનું નથી. (ચોકઠું વહેલું આવી જશે.)’

જેણે જેણે આ લેખ વાંચ્યો છે તેને કોઈ દિવસ પેટમાં નથી દુખ્યું. કેમ ? કારણકે, હસતી વખતે દર વખતે એણે પોતાનું પેટ પકડી રાખેલું. જેણે આ લેખ વાંચ્યો તેને તે દિવસે ભૂખ નહોતી લાગી. કેમ ? હસી હસીને એનું પેટ ભરાઈ ગયેલું. જેણે આ લેખ વાંચ્યો તેના પુણ્યના ખાતામાં, જમાનું ખાતું ઉભરાઈ ગયેલું. કેમ ? એણે એ લેખ બીજા દસ જણને વંચાવેલો. જેણે આ લેખ વાંચ્યો તેના ઘરમાં તે દિવસે પરમ શાંતિનો મહોલ હતો. કેમ ? લેખ વાંચ્યા પછી કંકાસ કરવાનો કે ઝઘડવાનો એનો બિલકુલ મૂડ નહોતો. કોઈએ લેખ વાંચ્યો તો તેનું બ્લડ પ્રેશર નોર્મલ થઈ ગયેલું અને શુગર પણ કંટ્રોલમાં થઈ ગયેલી. કેમ ? તો લેખ વાંચીને એણે પ્રસન્ન ચિત્તે ભોજન કરેલું અને પ્રમાણસર ખાધેલું. બીજા એક જણે આ લેખ વાંચેલો તો તેને શાંતિથી ઊંઘ આવી ગયેલી. કેમ ? ભઈ આનો જવાબ તમે જ આપી દો ને, બધા જ જવાબ મારે આપવાના ? ચાલો તો પછી, માની ગયાને લેખના પરચાને ? હવે તો છપાવશો ને આ લેખની હજાર કૉપી ?’

‘ભઈ, આ લેખની તો હજારો કૉપીઓ એમ પણ નીકળી જ ચૂકી છે તો હવે મારે શું કામ ?’
‘સારું ત્યારે લેખ વાંચજો ને વંચાવજો બીજું શું ?’
‘પણ લેખ બધાને સમજાશે ?’
‘એક જણે લેખ વાંચવાની ના પાડી તો એના ઘરની દિવાલો હાલવા માંડેલી ને ભીંતેથી પોપડા ખરવા માંડેલા. તરત જ એણે લેખ ગોખી મારેલો ને એના ઘરની દિવાલોને તરત જ નવો રંગ લાગી ગયેલો !’
‘એક જણે લેખ વાંચવામાં આળસ કરી તો, એના બૅંકના લૉકરમાંથી અચાનક જ ઘરેણાં ગાયબ થઈ ગયેલાં ! બીજે દિવસે એણે પચાસ વખત લેખ વાંચ્યો તો એના ઘરેણાં પાછા મૂળ સ્થાને પહોંચી ગયેલાં !’
‘વાહ ભઈ વાહ ! લો, હમણાં જ લેખ પણ વાંચી લઉં ને બધે મોકલી પણ દઉં, ખુશ ? હે લેખ, તારા પરચા અપરંપાર ! જય હો ! જય હો !’

રવિવાર, 26 ઑક્ટોબર, 2014

સેલિબ્રિટી ઝાડુ

જેણે પણ આ કહેવત બનાવી હશે કે, ‘હર કુત્તેકે દિન બદલતે હૈં’ તેણે ખરેખર સમાજ પર બહુ મોટો ઉપકાર કર્યો છે. કાયમ બડાઈ મારતા કે ફોગટની હોશિયારી મારતા સજ્જન જ્યારે ચૂપચાપ રસ્તો કાપી જાય ત્યારે સમજવું કે હવે એમની બડાઈના દિવસો ગયા. કોઈ રાજા અચાનક જ ગરીબડા પ્રજાજનના રોલમાં આવી જાય ત્યારે સમજી લેવું કે, રાજાના દિવસો ભરાઈ ગયા ! આજકાલ ઈલેક્ટ્રિક સફાઈ મશીનથી માંડીને પ્લાસ્ટિકીયા ઝાડુના દિવસો ખરાબ ચાલી રહ્યા છે. સાદાસીધા ઝાડુના કે સાવરણાના સોનેરી દિવસોનો જમાનો આવ્યો છે. ઝાડુના સોનેરી દિવસો લાવવામાં કોઈ ગૃહિણીનો ફાળો નથી તે જાણી મને થોડું દુ:ખ થયું પણ પોતાના સાથીના સોનેરી દિવસો આવવાથી ગૃહિણી ખુશ છે. ચાલો, કોઈનો તો ઉધ્ધાર થયો. જો શિલાની અહલ્યા થાય તો ઝાડુનો શો વાંક ? ઝાડુના ઉધ્ધાર માટે જરૂર હતી ફક્ત કોઈ નેતાની. થોડો સમય પહેલાં એક નેતાએ ઝાડુના નામે વૈતરણી પાર કરવા ચાહી પણ ઝાડુ શાણું નીકળ્યું ! લાંબો સમય સાથ આપવાનો પોતાનો સ્વભાવ હોઈ એણે પણ એવો જ સાથીદાર શોધ્યો, જે એની કિંમત કરી જાણે.


આખરે સમાજના દરેક વર્ગના લોકોને પ્રોત્સાહિત કરવા કે દરેકને કામે લગાડવા ખાતર પણ ઝાડુએ સેલિબ્રિટી બનવાનું સ્વીકાર્યુ અને દેશમાં તો જાણે વાવાઝોડું આવી ગયું. વાવાઝોડામાં હલકાફુલકા તણખલાં તો ઊડી ગયાં પણ સાથે સાથે ન જોઈતો કચરો પણ ઘુમરી ખાઈને દૂર ફેંકાઈ ગયો ! લોકોએ હોંશે હોંશે ઝાડુને અપનાવી લીધું અને એના સંબંધી સાવરણાને પણ સમાવી લીધો. દેશમાં ઝાડુ અને સાવરણા ઉદ્યોગમાં જબરદસ્ત તેજી આવી ગઈ. નવા કારખાનાં નાંખવાના પ્લૉટ નક્કી થવા માંડ્યા ને ઝાડુના ભાવના ટેન્ડરો પણ બહાર પડવા માંડ્યા ! સાદાસીધા ઝાડુ કે સાવરણાને પણ ડિઝાઈનર લુક કઈ રીતે આપી શકાય તેની ચર્ચાઓ થવા માંડી. ભઈ, આખરે તો સેલિબ્રિટી ઝાડુ છે. ગમે તેવા રેંજીપેંજીના હાથમાં ન શોભે. જેને સેલિબ્રિટીઓ પણ પ્રેમથી, નાજુકાઈથી ને સ્ટાઈલથી પકડે તેવા ઝાડુ કે સાવરણાને જરા વ્યવસ્થિત દેખાવ જ આપવો પડે.

મેં તો જ્યારથી બધી મોટી મોટી હસ્તીઓને સાવરણા લઈને ફોટા પડાવતા જોયા ત્યારથી નક્કી કર્યું કે, એકાદ–બે ડિઝાઈનર ઝાડુ ને સાવરણા વસાવી જ લેવા. યોગાનુયોગ તો જુઓ ! દિવાળીની સાફસફાઈનો ટાઈમ અને દેશભરમાં ઝાડુ ને સાવરણા દરેક ચૅનલ પર કોઈ સેલિબ્રિટીની જેમ–સેલિબ્રિટીઓના હાથમાં ફરતા રહ્યા ! ઘણા મહાનુભાવોએ પોતાની ફરતે બૉડીગાર્ડ્સની સાંકળ રચાવી અને પછી સફાઈકામ કર્યું. ભઈ, સાવરણાને કે મહાનુભાવને કોણ ઉઠાવી જવાનું હતું ? ઉલટાના સાથી હાથ બઢાના કે સાથી સાવરણા બઢાનાની જેમ લોકો પણ વાળવા ને ઝૂડવા મંડી પડત કે નહીં ?

ઘણા તો, નવરાત્રિની અસર નીચે કે ગરબાના ઘેનમાં, ગોળ કુંડાળું કરીને સાવરણા સ્ટેપ લેવાના હોય એમ ઊભા રહી જતાં ! બધાના સાવરણા વચ્ચે ભેગાં થાય અને જોરમાં હો... બોલાય એટલે સાવરણા હવામાં ઊંચકાય. વળી હઈસો... હઈસો..સંભળાય એટલે રસ્તો વાળતાં હોય એવાં સ્ટેપ્સ આવે ! છેલ્લે હો... બોલાય એટલે બધાના સાવરણા પાછા વચ્ચે ભેગા થાય. નવી જાતના ગરબામાં ટીવી ચૅનલોને પણ ભારે રસ પડ્યો હોઈ એમણે આખો દિવસ સાવરણા પ્રસારણ ચાલુ જ રાખેલું.

મને જો કોઈ આકર્ષી ગયું હોય તો પેલા ડિઝાઈનર ડ્રેસમાં આવેલાં દેશના ટોચના ઉદ્યોગપતિના પત્ની. કેટલો સુંદર ડ્રેસ ! ને કેટલી નાજુકાઈથી એ બહેન સાવરણાને પકડી રહેલાં ! જાણે કે, સાવરણાની બોચી કે કમર નાજુક સળીની બનેલી હોય અને હાથમાં લેતાં જ એમાં(શેરબજારની જેમ) કડાકો બોલશે ને સાવરણો કડડભૂસ ! એટલા માટે તો એ બહેન એક જ જગ્યાએ સાવરણો પકડીને ઊભાં રહી ગયેલાં ! જો કોઈ અકસ્માત થાત–સાવરણાનો, તો પછી તાત્કાલિક ગાડીમાંથી બીજો સાવરણો લાવવાનો, ફરી નાજુકાઈથી આભાસી કચરો વાળવાનો કે પોતાનો વાંકા વળવાનો પોઝ આપવાનો એ કેટલું ભારે પડત ? જેમણે કોઈ દિવસ પોતાના ઘરમાં ઝાડુ ક્યાં મુકાય છે એ જોયું ન હોય, તે બહેન આમ સાવરણો લઈને મિડિયાની સામે હસતાં હસતાં સાવરણો પકડીને ફોટો પડાવે તે હિંમતનું કામ તો કહેવાય જ. મને એ પ્રેરણા પણ મળી કે, ઘરમાં ભલે ને શેકેલો પાપડ ન ભાંગતા હોઈએ પણ સમાજમાં સારું દેખાય ને ખાસ તો મિડિયામાં ચમકવા ખાતર, જો ટૉયલેટ સાફ કરવું પડે તો પણ કરી નાંખવું. દુનિયામાં વાહ વાહ થશે એ નક્કી ને આમજનતાને પ્રેરણા મળશે એ પણ નક્કી.

બસ, આ ધનતેરસ પર તો મેં જીદ જ પકડી કે, દર વરસે ભલે આપણે સો રૂપિયાનો ચાંદીનું પાણી ચડાવેલો સિક્કો લઈએ, પણ આ વરસે તો મારે એક ડિઝાઈનર ડ્રેસ, એક ડિઝાઈનર સાવરણો અને બે ડિઝાઈનર ઝાડુ જોઈએ, જોઈએ ને જોઈએ જ. સ્ત્રીહઠ હું બહુ અજમાવતી નથી કારણ કે જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે કામ ન આવે. દિવાળીને બહાને મારે બહુ માથાકૂટ ન કરવી પડી. મને લાગે છે કે, કદાચ સામા પક્ષે પણ ટાળી જ મૂકી. નકામી દિવાળી કોણ બગાડે ? આખરે ધનતરસ પર અમારે ત્યાં ઝાડુ ને સાવરણાની પધરામણી થઈ અને દિવાળીને દિવસે એમની પૂજા થઈ ! આખરે સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ છે ને જ્યાં સ્વચ્છતા છે ત્યાં લક્ષ્મીનો પણ વાસ છે. તો થઈ ગયું ને મારું લક્ષ્મીપૂજન ? મેં તો આ વરસે બધાને સાલ મુબારકની સાથે ઝાડુ મુબારક પણ કહી દીધું. જે જાણે છે ને સમજે છે, એ જ સમજશે ને જાણશે ઝાડુનો મહિમા. બાકી જે ન સમજે તે ભલે સાલ મુબારક કર્યા કરતા. તો મારા તરફથી સૌને ઝાડુ ને સાવરણા મુબારક. (જેના પ્રભાવથી દેશની સુરત બદલાઈ તે મારી સુરત નહીં બદલે ?)

રવિવાર, 19 ઑક્ટોબર, 2014

ઘૂઘરા જેવો સ્વભાવ

દિવાળીના આ એક અઠવાડિયામાં તો આપણે, સાપ કાંચળી ઉતારે એમ બધું જૂનું, સડેલું, ફાટેલું, તૂટેલું ત્યાગીને નવો અવતાર ધારણ કરવાનાં હોઈએ એટલા ઉત્સાહમાં થનગનતાં હોઈએ. ફક્ત બહુ મથવા છતાં કે ફાંકો રાખવા છતાં કે લોકોને સલાહ આપવા છતાં ને નવા વરસે સંકલ્પો લીધા છતાં, પોતાના સ્વભાવને રવાના કરી શકતાં નથી ! જે હોય એનાથી જ ચલાવી લઈએ. એટલે જ જાતજાતની ઉપમા આપી શકીએ એવા વૅરાયટીવાળા સ્વભાવો આપણને મળી આવે.


શરૂઆત આપણે શ્રીફળ વધેરીને એટલે કે, શ્રીફળ જેવા સ્વભાવની વાત કરીએ તો ક્રોધી વ્યક્તિ વિશે એ પોતે જ કે પછી એનાં વહાલાંઓ કહેતાં હોય, ‘એ તો બહારથી એવા દેખાય બાકી અંદરથી તો બૌ સારા, એમના મનમાં કાંઈ નો મલે.’(!) બહારથી એવા એટલે કેવા ? બીજાનાં છોડાં ફાડી નાંખે ને માથું ફોડી નાંખે એવા કે પછી કોઈ એમનાં છોડાં કાઢે કે માથું ફોડે ત્યારે પરચો બતાવે તેવા ? એ તો માથું ફૂટે ત્યારે ખબર પડે !

ઘણાનો સ્વભાવ અગરબતી કે દીવા જેવો હોય ! પોતે બળે ને બીજાને સુગંધ કે અજવાળું આપે. કોઈ દિવસ જોયું કે, બીજાનું સારું જોઈને કોઈ બળતું હોય કે જલતું હોય ત્યારે એના મોંમાંથી અમૃતવચનો નીકળતાં હોય ? ખુશીથી ચહેરો ચમકતો હોય ? ઉલટાનું એવા સમયે તો, પોતે બળે ને સાથે બીજાને બી બાળે અથવા છીંકાવે ! ઘણી વાર તો ઊભા ને ઊભા સળગાવી કાઢે ! વળી, ઘણાં તો આ બળવાનો લહાવો પોતે જ લીધે રાખે. ભઈ, બીજાને પણ કોઈના માટે ઘસાવાના કે બળવાના મોકા આપો. ટ્રેઈનિંગ આપો ને એકબીજાના ઘરમાં સુગંધ કે રોશની ફેલાવવાનો જશ બીજાને પણ મળે એવા પ્રસંગો ઊભા કરો. (દિવાળીમાં કંઈ નહીં તો મારી જેમ સલાહો આપો.)

પૂજા થઈ ગઈ. હવે ખાવાની વાત. દિવાળીમાં જે ખાસ ખાસ નાસ્તા બને છે એની પાછળ એક ચોક્કસ ગણિત રહેલું છે. આપણે તો બે ચાર નમૂના જ જોઈએ.

ચકરી જેવો સ્વભાવ. એક વાતની પાછળ મંડી રહીને તેનો અંત આવે ત્યારે જ પીછો છોડવો અથવા તો લીધેલી વાત પૂરી કરવા ગોળ ગોળ ફર્યા કરવું અથવા પોતે કેન્દ્રમાં રહી બધાંને ગોળ ગોળ ફરતાં કરી દેવા ! તેલમાં તળાતી કે જમીન પર ફરતી ચકરી જોઈને મને આવા લોકોની યાદ કે દયા આવી જાય. જોકે, ચકરી સૌને પ્રિય હોય છે, જો એ દાંતતોડ ન બની હોય તો !

બુંદીના લાડુ. ઘીમાં તળાઈને ચાસણીમાં નીતરેલી બુંદીને જ્યારે થાળીમાં પથરાયેલી જોઉં ત્યારે મને, વેકેશનમાં રમવા નીકળી પડેલાં બાળકોની યાદ આવી જાય. વડીલોના પ્રેમની મીઠાશ જ્યારે એમને બે હથેળીમાં સમાવીને એક સૂત્રે બાંધી દે ને દિવાળીમાં ઘરમાં ગોંધી દે કે ખોળામાં ઢબૂરી દે....બસ એ જ પ્રેમની દિવાળી. પણ, એ જ મીઠાશ ને એ જ પ્રેમ હવે જવલ્લે જ જોવા મળે છે કારણ કે, હવે બુંદીના લાડુ જ બનતા ઓછા થઈ ગયા.

મઠિયા ને ચોળાફળી. (સુરતમાં ચોરાફરી બોલાય.) મોંમાં જતાં પહેલાં બહુ જ અથડાઈને–કુટાઈને–ટિચાઈને આખરે ગરમ ગરમ તેલમાં તળાયા પછી, મનભાવન દેખાવ ને નાકમાં દૂરથી પેસી જતો મઘમઘાટ પામી શકે છે. ઘણાંનો સ્વભાવ એમનાં કપાળની કરચલીઓમાં કે બારણે ઊભી રહેલી ગાડીઓમાં દેખાઈ આવે છે.

દિવાળીના નાસ્તાઓમાં ઘરમાંથી વિદાય લઈ રહેલી ને પેકેટમાં પાછી ફરતી આ બધી વાનગીઓમાં એક જ વાનગી એવી રહી ગઈ છે, જે  ઘરના જેવી તો ન જ બને પણ બધાંનાં ઘરમાં બને જ બને. તે છે ઘૂઘરા. ઘૂઘરામાં ખાંડવા–કૂટવાની માથાકૂટ નહીં. ફક્ત યોગ્ય પ્રમાણમાં સાંજો તૈયાર થયો હોય, કાળજીથી બનેલી પૂરીમાં ઢંકાયો હોય ને સુંદર કાંગરી વડે ઘૂઘરો જો શણગારાયો હોય તો બસ. ગળામાં લસરાવવાની જ વાર. કદાચ ઘૂઘરાના આકારની પ્રેરણા, પહેલો ઘૂઘરો બનાવનારને આપણી આંખના આકાર ને પાંપણની ઝાલર પરથી મળી હશે !  

ઘૂઘરામાં જોકે મીઠાશ મળવાની ગૅરંટી. વળી ઘીમાં બનતા હોવાથી અને સાંજામાં વિવિધતા હોવાથી મોંમાં મમળાવીને ખાધા બાદ સો ટકા સંતોષની પણ ગૅરંટી. ભલે કોઈ પોલા હોય કે ખખડતા હોય પણ ઘૂઘરા એટલે ઘૂઘરા. (ઘૂઘરા જેવો સ્વભાવ એટલે જ કદાચ સૌને પ્રિય છે.) કદાચ કોઈ ખામી હોય તો તે પણ ડબ્બીમાં બંધ હોવાથી કોઈને દેખાતી નથી. ડિશમાં મૂક્યા હોય તો, ચોળાફળી કે મઠિયાંની જેમ પહોળા થઈને, પથરાઈને, ડિશ રોકીને બેસી નથી જતા. બીજાઓને પણ પ્રેમથી જગ્યા કરી આપે છે. ખાસ કોઈને ભારે પડતા નથી અને ઘૂઘરા બનાવવા માટે બીજા કોઈની ઉપર આધાર પણ રાખવો પડતો નથી. કોઈને આજીજી કરવી પડે કે બનાવવાનું જ માંડવાળ કરવું પડે એવું ઘૂઘરાના કિસ્સામાં ભાગ્યે જ બને.

‘ઘૂઘરા બનવું’નો એક અર્થ થાય છે ખુશખુશાલ થવું, ખુશખુશાલ બનવું કે ખુશખુશાલ રહેવું. લો, આ તો બધી વાતનો સાર એક જ વાક્યમાં આવી ગયો. એટલે હવે કોઈ પૂછે કે, ‘કેમ છો ?’ તો.... ?



તો કહેવું કે, ‘ઘૂઘરા જેવા.’ કોઈના સ્વભાવ વિશે કહેવું હોય તો ? ‘અરે, એમનો સ્વભાવ તો ઘૂઘરા જેવો છે.’ હવે દિવાળી સિવાય પણ આપણે ઘૂઘરાને બારે માસ યાદ રાખી શકીએ ને એનો યથાયોગ્ય પ્રચાર પણ કરી શકીએ. ચાલો આપણે ઘૂઘરાનો જયજયકાર કરીએ. ‘જય ઘૂઘરા’.