રવિવાર, 27 મે, 2018

પાંડવગુફા જોવા જેવી ખરી?


જ્યાં સુધી પાંડવગુફા જોવા નહોતા ગયાં ત્યાં સુધી અમને રસ્તામાં કોઈ ટુરિસ્ટે કે ત્યાંના રહેવાસીએ પણ નહોતું કહ્યું કે…, કે પાંડવગુફા જોવા ધક્કો નહીં ખાતાં. અમે જ્યાં મુકામ કરેલો ત્યાં રિસેપ્શન પર પૂછેલું તો એમણે પણ જોવા જેવી જગ્યાઓનું લિસ્ટ પકડાવી દીધેલું. પાંડવગુફાનું નામ એમાં ચમકે! અમારી પાસે પેલી એમ પીની, મોસ્ટ આઈ એમ પી જેવી ગાઈડ હતી, તેમાં પણ સુંદર ફોટા પાંડવગુફા જોવા લલચાવે! સામાન્ય રીતે ફરવા નીકળીએ એટલે જેટલી વધારે જગ્યા જોવાય એટલી જોઈ કાઢવાનો આપણા સૌનો સામાન્ય સ્વભાવ. ‘અહીં સુધી આવ્યાં છીએ તો...’ અને ‘હવે પાછા થોડા અહીં આવવાના?’ આ બે વાક્યો ભલભલાને સવારથી દોડતાં કરી દે. એ તો જે લોકો બીજી વાર ફક્ત આરામ કરવા જ આવી જગ્યાઓએ જતાં હોય એ લોકોને બધી વાતે શાંતિ હોય. વરસો પહેલાં બધા ડુંગરા ખૂંદી વળ્યાં હોય ને બધા મંદિરોમાં ભગવાનને નમી ચૂક્યા હોય. એમને કોઈ વાતની નવાઈ પણ ના હોય ને કોઈ વાતની હાયવોય પણ નહીં. બસ આરામથી મોસમને માણો ને શરીરમાં બને તેટલી શુધ્ધ હવા ને તાજું તૈયાર ભોજન ઓરીને પડ્યા રહો. મન થયું તો સવારની અને સાંજની સેર ને બહાને ફરવા નીકળો નહીં તો ગપ્પાં તો છે જ હાંકવા માટે.

ખેર, અમે તો પૈસા વસૂલ ટૂર કરવા નીકળેલાં એટલે, ‘હવે ક્યાં? ને હવે શું બાકી?’ જેવા સવાલોને ખૂબ મહત્વ આપતાં.
‘પાંડવગુફા જોવા જેવી છે એટલે ત્યાં જઈએ.’ પ્રસ્તાવ મુકાતા જ પાસ થઈ ગયો ને અમારી ગાડી ઉપડી પાંડવોના વનવાસ દરમિયાનના વસવાટને જોવા. બિચારા પાંડવોને કેવી કેવી જગ્યાઓએ અથડાતા, કૂટાતા ભટકવું પડેલું! ખાવાપીવાનાં ઠેકાણાં ના હોય, જંગલી ને હિંસક જાનવરોની બીક તો ખરી જ, સામાનમાં તો ત્યારના લોકો તીર–કામઠાં કે કમંડળ સિવાય ક્યાં કંઈ લઈ જતાં? પહેરેલાં કપડે જ નીકળી પડ્યાં હોય એટલે બૅગ–બિસ્તરાની કે જાતજાતનાં નાસ્તાપાણી અને નવાં લીધેલાં ચંપલ કે બૂટની ઝંઝટ જ નહીં. પ્રવાસમાં જેટલાં હળવાં રહીએ એટલો જ પ્રવાસ સુગમ બને એ સત્ય એ લોકોએ ગીતાજ્ઞાનની જેમ ઘેર ઘેર પહોંચાડવા જેવું હતું. અમેય એકાદ થેલો લઈને જ નીકળત ને?

પાંડવગુફા આપણને દૂરથી ને બહારથી કંઈ ખાસ આકર્ષે એવું નહીં. પચાસેક પગથિયાં ચડીને જઈએ ત્યારે પાંચ ઝુંપડી–પાંચ ગુફા જોવા મળે. તદ્દન સાદી ગુફા. અસ્સલ અંદર થોડાં પેન્ટિંગ્સ હતાં એવું કહેવાય છે પણ ખાસ નજરે પડતાં નથી. જે કોઈ યાત્રી પગથિયાં ચડીને આવે તે પાંડવગુફા જોઈને નિરાશ થતાં બોલે, ‘નક્કામો ધક્કો થયો. આમાં શું છે જોવા જેવું?’ લોકોને ગુફામાં પણ શું જોવા જેવું જોઈતું હશે કોણ જાણે. વળી, આ ગુફા બાબતે પણ બે મત ચાલે છે.

મોટે ભાગના લોકો તો ના પાડે છે કે, ‘આ તો બૌધ્ધ ગુફા છે. ગુફાની આજુબાજુ સ્તૂપના અવશેષો પણ પડ્યા છે. બૌધ્ધ સાધુઓએ અહીં રહેઠાણ અર્થે આવી ગુફાઓ બનાવેલી. આ ગુફાઓ કંઈ પાંડવોના જમાના જેટલી જૂની નથી લાગતી.’

જ્યારે અવારનવાર અહીં ભીમના પગલાં દેખાવાની પુષ્ટિ કરતાં લોકો કહે છે કે આ પાંડવોની ગુફા જ છે. અહીં એક ખાસ ગુફા દ્રૌપદીની પણ છે જે થોડી વધારે સારી હાલતમાં છે. ભીમની ગુફા જરા વધારે અંધારી અને સાંકડી છે. તે જમાનામાં પણ બિચારાને ભીમ હોવાનું ઘણું નુકસાન વેઠવું પડ્યું હશે. જે હોય તે, બહાર કંઈ ને અંદર કંઈ એવી વાતો ધરાવતી આ ગુફાઓ પાંડવગુફા નામે જ ઓળખાય છે એટલું આપણે જાણીએ. વધારે લપછપ કરવાનું કામ શું? જો કે, આપણે બહુ પંચાત ન કરીએ પણ ત્યાં ઊભેલો ગાઈડ જો કોઈને આ ગુફાઓની વાર્તા કહેતો સંભળાય તો કંઈ કાન બંધ થોડા કરી દેવાય? ઉલટાના આપણે તો જાણે એને નથી સાંભળતાં પણ ધ્યાનથી ગુફા જોઈએ છીએ એવો ડોળ કરીને કાનને બને તેટલા ધારદાર બનાવવા મંડી પડીએ. દૂરથી ગુફા જોઈને જ ગાઈડની મદદ લેવાનું અમે તો માંડી વાળેલું પણ છેલ્લે છેલ્લે વાર્તા જાણવાની લાલચ રોકાઈ નહીં.

પાંચ પાંડવોમાં કોણ વધારે ચતુર હતું તે તો મહાભારત જાણનારા જ કહી શકે પણ દરેકના નામે  જાતજાતના કિસ્સાઓ નોંધાયેલા તે આવી જગ્યાએ જ ખબર પડે. અર્જુનને જંગલવાસ દરમિયાન એક નાગકન્યા ગમી ગઈ! શું એને નહોતી ખબર કે એ નાગિન છે? ગમે ત્યારે ડસી લેશે? જીવનું જોખમ તો ચોવીસે કલાકનું રહેવાનું? ને તોય નાગણના પ્રેમમાં પડ્યો! હવે એ વીર અર્જુને નાગકન્યાને પરણવા માટે કેવો ખેલ રચ્યો? સૌ પહેલાં તો પિતાને મસ્કા મારવા પડે. એણે તો નાગરાજ વાસુને પૂછ્યા વગર જ સંગીત શીખવવા ખાતર કિન્નરનો કપટવેશ ધર્યો! શું પેલી નાગકન્યાએ શરત મૂકી હશે કે, ‘મારા પપ્પાને સંગીત શીખવે તો જ તારી સાથે પરણું?’ નાગલોકમાં કિન્નર શું કે પુરુષ શું કે સ્ત્રી શું? એમનામાં થોડા એવા કોઈ ભેદભાવ હોય? કોણ જાણે અર્જુનને શું સૂઝ્યું તે એણે કિન્નરનો વેશ ધર્યો અને નાગરાજ પ્રસન્ન થતાં નાગકન્યા સાથે લગ્ન કર્યાં. પંચમઢીથી પંદર કિલોમીટર દૂર નાગદ્વારી છે જ્યાં અર્જુનનું સાસરું હતું. આજે તો આપણને આવી વાતો ગપ્પાં જ લાગે. મનોરંજન મળે એટલે ચાલ્યે રાખે. એમ પણ આવા બધા ગાઈડમાંથી સાચા ને અભ્યાસુ જાણકાર કેટલા?

પાંડવગુફા જોયા બાદ કોઈને અફસોસ ન થાય એટલે ટેકરીની ફરતે સરસ મજાનો જોવાલાયક બગીચો બનાવીને અને બગીચાની બહાર ખાણીપીણીના સ્ટોલ્સ રાખીને પ્રવાસીઓને થોડી રાહત આપવાનો ત્યાંની સરકારનો પ્રયાસ સારો છે. થોડી નિરાશા સાથે અમે સમય બગડ્યાની વાતો કરતાં ગાડીમાં ગોઠવાયાં. હવે? એવી કઈ જગ્યા જોવા જઈએ તો દિલ ખુશ થઈ જાય? ગુપ્ત મહાદેવ અને બડા મહાદેવ. ઓહો! પંચમઢી તો વિવિધ નામધારી શિવાલયોથી સમૃધ્ધ છે ને કંઈ! આ તો જાણે ચાર ધામની જાત્રા જ થઈ જવાની. હેંડો ત્યારે બમ ભોલેને મળવા.

‘અમે લોકો દિલ્હી ગયેલાં ને ત્યારે ખાસ અમે પરાઠા ખાવા બહુ વખણાયેલી ‘પરાઠેવાલી ગલી’ ગયેલાં, ત્યાં પણ આવો જ ફિયાસ્કો થયેલો.’ મેં પારુલને યાદ કરાવ્યું.
‘અરે હા, એના કરતાં તો રાજમા ચાવલ કે છોલે ભટૂરે ખાતે તો હારુ થતે. એ તો આપણે ખાવાના હો રહી જ ગયેલા.’ પારુલના અવાજમાં પણ ખાસ્સો અફસોસ. ને કેમ ન હોય? દિલમાં કેટલી આશાઓ ને કેટલાં અરમાનો લઈને પરાઠા ખાવા ગયાં હોઈએ અને મન નારાજ થઈ જાય તો શું થાય? હવે તો ખાસ ખાવા માટે પણ દિલ્હીનો પ્રવાસ ગોઠવવો જ પડશે.
(તસવીરોની મહેરબાની– ગૂગલ)



રવિવાર, 20 મે, 2018

‘શંકર ભગવાનની મહેરબાની’–એમ પી ટૂર


‘ભગવાનમાં માનતાં હો કે ન માનતાં હો પણ એક વાત તો માનવી પડે કે શંકર કે શિવ નામની કોઈ અદ્ભૂત હસ્તી હતી, જેણે ભારતના જંગલોમાં અને તેમાંય પાછી ટેકરીઓ પર કે ઊંડી ગુફાઓમાં જ ઠેર ઠેર વસવાટ કરીને ભવિષ્યના શ્રધ્ધાળુઓ માટે અને પર્યટકો માટે સ્વર્ગના દરવાજા ખોલી દીધા હતા. ભારતના કોઈ પણ ખૂણે શંકરના નામે મંદિરો કે ગુફાઓ મળી આવે. જગ્યા પણ પાછી વેરાન! કોઈ ઠાઠબાઠ નહીં કે કોઈ મહેલ કે રાજારજવાડા જેવી સગવડો પણ નહીં. પોતાના ધ્યાનમાં મસ્ત. લાંબી જટાનો સ્ટાઈલિશ અંબોડો વાળીને, કપડાંની ઝાઝી પરવા કર્યા વિના વાઘનું ચામડું વીંટીને, શરીરે ભભૂત ચોપડીને, એક પગની પલાંઠી ને એક પગ લટકતો રાખીને એકાદ મોટા પથ્થર પર આસન જમાવી દે કે પત્યું.’ પારૂલે ભોળા મહેશ્વરની પ્રશંસા ચાલુ કરી.

‘શરીરે ભભૂત ચોપડવાનું કારણ કદાચ જંગલમાં જીવજંતુ કરડી ન જાય એટલે હશે. તે સમયે કંઈ ઓડોમોસ થોડું હતું?’ મારા મનમાં ભસ્મનું કારણ જે આવ્યું તે મેં જાહેર કર્યું.
‘અરે! જેના ગળામાં સાપ હોય તેને વળી જીવજંતુના કરડવાની શી બીક? તમારા મનમાં ઓડોમોસ પણ આવે? પ્લીઝ, હવે વચ્ચે ડબકું નહીં મૂકતાં.’ પારૂલની સાથે અંજુ પણ જોડાઈ ગઈ! જૉલીએ તો મરકવા સિવાય બીજું શું કરવાનું હતું? એનું તો મારા ભોગે મસ્ત મનોરંજન થતું હતું. પહેલી વાર અમારી સાથે પ્રવાસમાં જોડાયેલી એટલે, નહીં તો એ પણ પેલી બે બહેનો સાથે જોડાઈ જાત. હશે, જવા દો.

‘વળી બહુ ઓછી જગ્યાએ પાર્વતીમાતા સાથે જોવા મળે કે એમના નામે કોઈ મંદિર નજીકમાં જોવા મળે. ભોળા સોમનાથ તો ભારે નિસ્પૃહી જીવ. પંચમઢીની જટાશંકર ગુફાઓ બહુ ફેમસ છે અને નજીક જ છે એટલે શરૂઆત આપણે એનાથી જ કરીએ.’ સવારમાં અમારી સવારી ઊપડી જટાધારી ત્રિપુરારીને મળવા. હિલ સ્ટેશનોનું મોટામાં મોટું સુખ એ કે, કોઈ જગ્યા આપણે શોધવી ના પડે. વરસોથી ઢગલો પ્રવાસીઓ આવતા હોય એટલે જતા આવતા કોઈને પણ ઊભા રાખીને પૂછીએ કે, ‘ફલાણી જગ્યા ક્યાં આવી?’ તો એમનો હાથ લાંબો થઈને દિશાસુચન કરી દે. અહીં તો જ્યાં ને ત્યાં જંગલની હરિયાળી ને ટેકરીઓ સાથે ખીણોની જાહોજલાલી ભરપૂર માણવા મળે. લાગે કે બધે જ બદ્રિનાથ બિરાજ્યા હશે.

જટાશંકર ગુફા જવાને રસ્તે નજીકમાં જ આજુબાજુ ઊંચા ઊંચા ડુંગરો જાણે માથા ઉપર ઝળુંબતા હોય એવા લાગે. થોડી બીક પણ લાગે કે એકાદ પથ્થર કશેક ખસ્યો ને ડુંગર આપણા પર ધસી તો નહીં પડે ને? જો કે, નજીકથી પસાર થતાં ઝરણાં ને જાતજાતનાં વૃક્ષોનો વૈભવ જોઈને બધી બીક ભાગી જાય. વચ્ચે રસ્તામાં એક મોટી શિલા ઉપર ત્યાં જ રહેતા કોઈ કારીગરે બનાવેલી ખુલ્લા ભૂરા રંગની આદિનાથની પ્રતિમા નજરે પડે. થોડે આગળ જતાં એક ઊંડી કોતર આવે અને નીચે ઉતરવાનાં સો પગથિયાં આવે. એમ તો સાચવીને પગથિયાં ઉતરવામાં ગણે તો કોણ પણ આજુબાજુથી પસાર થનારામાંથી કોઈએ ગણ્યા હશે તેથી અમે જાણ્યું. બસ જલદી પહોંચી જાઓ વિશાળ કુદરતી ગુફામાં જ્યાં મંદિરમાં ભોલેનાથ બિરાજ્યા છે. અહીં જરા થોભવું પડે એમ છે. કારણ તો કંઈ નહીં પણ આટલાં પગથિયાં ઊતર્યા પછી કોઈને સાંધાનો દુખાવો થઈ આવ્યો હોય કે પાછા ફરતી વખતે શ્વાસ લેવામાં તકલીફ પડે તો? એ વિચારીને જ ત્યાંના અમુક રહેવાસીઓએ કુદરતી જડીબુટ્ટીના નામે દવાની નાનકડી દુકાનો ખોલી છે. વિશ્વાસ હોય તો દવા લેવાની નહીં તો વિશ્વાસ કરવા કોશિશ કરી જોવાની ને દવા લઈ મૂકવાની. ખેર, અમે તો પોતાની જાતને તંદુરસ્ત સમજતાં હોવાથી કોઈએ દવા ન લીધી.

આ ગુફામાં દાખલ થતાં જ આપણી ઉપર છત પરથી સતત પાણી ટપકતું રહે છે. તેથી ગુફા ભીની હોવાથી સાચવીને ચાલવું પડે. નજીકમાં ચુનાનું પાણી ટપકવાથી જામેલા સ્તંભ જેવા એકસો ને આઠ શિવલિંગ છે જે પાછા એકમેકમાં વીંટળાયેલા દેખાતા હોવાથી શિવજીની જટા જેવા લાગે! નામ જટાશંકર એટલે જ પડ્યું. ગુફાની નજીક જ બે નાનાં તળાવ જેવા ખાબોચિયાં દેખાય જેનું પાણી ક્યાંથી આવે તે કોઈને ખબર ન હોવાથી એ ‘ગુપ્ત ગંગા’ તરીકે ઓળખાય છે.

આ ગુફાની બહુ જ દિલચશ્પ કહાણી છે. કૈલાસપતિનો સ્વભાવ તો બધા જ દેવો ને દાનવો જાણતાં કે આ ભૂતનાથ તો જે વરદાન માગે તે વગર વિચાર્યે ને પાત્ર જોયા વગર પણ આપી જ દે! બહુ દુ:ખી કે હેરાન થવાનો સ્વભાવ, પણ શું થાય? થતા હેરાન. એક વાર એક દાનવે યેનકેન પ્રકારે નટરાજને પ્રસન્ન કર્યા ને વરદાન માગી લીધું, કે ‘હું જેને હાથ લગાવું તે ભસ્મ થઈ જાય!’ દાનવોને આવા ઊંધા જ વિચારો આવે. મારી નાંખો, કાપી નાંખો, ભસ્મ કરી દો ને બધું ખતમ કરી દો. બસ હું ને હું જ જોઈએ બીજું કંઈ નહીં. હવે વરદાન આપવામાં ચંદ્રમૌલિએ ઉતાવળ કરી કે એમની મજબૂરી હતી પણ પરિણામ શું આવ્યું? પેલા રાક્ષસે વરદાનની ખાતરી કરવા જેણે વરદાન આપ્યું તેની તરફ જ હાથ લંબાવ્યો! શિવ શિવ શિવ!

ઉમાપતિ તો રાક્ષસથી બચવા ભાગ્યા, તે ભાગતા ભાગતા પંચમઢી તરફ આવી પહોંચ્યા ને આ ગુફામાં સંતાઈ ગયા. એમણે વિષ્ણુજીની મદદ માગી અને વિષ્ણુજીએ મોહિની સ્વરૂપ ધારણ કરીને પેલા દાનવ પર ભૂરકી છાંટી. હવે દાનવ એટલે તરત જ મોહિની સાથે પ્રેમ પણ થઈ ગયો અને લગ્નનો પ્રસ્તાવ પણ મૂકી દીધો. એકદમ ઈન્સટન્ટ કદમ! ચટ મંગનીની પણ રાહ ના જોઈ, સીધો જ વિવાહ નો પ્રસ્તાવ. મોહિનીએ સામે પોતાની શરત મૂકી કે મારા જેવું નૃત્ય કરે તો તને પરણું. હવે દાનવ લડવામાંથી પરવારે તો ડાન્સ બાન્સ કરે ને? મોહિનીની નકલ કરવામાં પોતાના માથા ઉપર જ એણે હાથ મૂકી દીધો ને પળવારમાં જ એ ભસ્મ પણ થઈ ગયો! જોયું? દેવો પણ સમય આવે ત્યારે આ રીતે એકબીજાને પડખે ઊભા રહી જતા. ભલે ને સ્ત્રીનો વેશ ધારણ કરવો પડે તોય શું? ચાલો આ ગુફાને બહાને મજાની વાર્તા તો જાણવાની મળી. પછી સો દાદર ચડવામાં હાંફ કેવી ને સાંધાનો દુખાવો કેવો? જય નીલકંઠ! જય ડમરૂધારી! જય હો!




સોમવાર, 14 મે, 2018

સ્વર્ગના દરવાજે–એમ પી ટૂર


સારું છે, કે અસલના જમાનાના સ્વર્ગની મધુર કલ્પના કરીને એને બને તેટલું રળિયામણું બતાવવાની કોશિશ થતી જેથી આપણાં મનમાં સ્વર્ગનું એક કાયમી ચિત્ર અંકાઈ જાય. દરેક દેવતા જરકસી જામા ને રેશમી ચીર, માથે મુગટ ને હીરા  મોતીનાં આભૂષણોથી પ્રભાવશાળી જ દીસતા. ઝીણા મોતીની દોરવાળા સોનાના હિંડોળા પર સોહતા ને પોઢતા! એ હિંડોળાની દોર પકડીને પતિ સામે ધીમું ધીમું મલકતી, સુંદર કેશકલાપથી શોભતી ને મોતીઓથી લદાયેલી દેવી ઊભેલી દેખાતી. કોઈ પણ દેવી કે દેવતા કાયમ પ્રસન્ન મુદ્રામાં અને આશીર્વાદ આપવા તૈયાર જ રહેતા. બાકી તો આપણાં મનમાં છૂંછાં નીકળેલી, તૂટવા આવેલી સુતરાઉ દોરી કે રૂંછડાવાળી સુતળીએ બંધાયેલ એકાદ રંગ ઊખડેલો હીંચકો જ આવતો રહેત. દેવોને ઝાંખા, પીળા પડી ગયેલા કફની ધોતિયામાં ને દેવીઓને ઘડી ઘડી હાથ લૂછીને મેલા કરેલા પાલવવાળા, કમરે ખોસેલા સાડલામાં જ કલ્પી હોત ને?

ખેર, ધરતી પર એવા સ્વર્ગ તો પછી ઘણી બધી જગ્યાએ શોધાયાં જ્યાં કોઈ પણ આમ આદમી(ઔરત પણ ને બચ્ચાં પણ) જઈ શકે. જઈને પાછા ત્યાં ઊભા રહીને બોલી પણ શકે કે, ‘ધરતી પર જો કશે સ્વર્ગ હોય તો તે અહીં છે, અહીં છે ને બીજી પણ ઘણી જગ્યાએ છે.’ પેલા દેવી–દેવતાઓની વિદાય બાદ હવે તો એ બધા સ્વર્ગમાં પહેલાં ખાસ લોકો અને હવે આમ લોકો પણ જતાં થઈ ગયા છે. એ સ્વર્ગનો નઝારો ભલે અલગ અલગ હોય પણ કહેવાય તો સ્વર્ગ જ. કોઈ જગ્યાએ બરફનું સ્વર્ગ હોય, કોઈ જગ્યાએ નદી–ઝરણાં, ધોધ કે દરિયો પણ સ્વર્ગ રૂપે હોય. કોઈ અદ્ભૂત રણ કોઈને સ્વર્ગ લાગે તો કોઈને જંગલમાં મંગલ લાગે. દરેકની પસંદગી મુજબનાં જુદા જુદા કુદરતી સ્વર્ગની શોધ કાળા કે સોનેરી માથાનાં માનવીએ કરીને લોકો પર ખાસ્સો ઉપકાર કર્યો.

જો આ બધાં જ સ્વર્ગ જેવાં સ્થળો કોઈએ શોધ્યાં ન હોત તો? વિચારો કે દર વેકેશનમાં હજીય લોકો પોતાનાં કે બીજાનાં સગાંવહાલાંઓને ત્યાં જ જતાં હોત ને? આ બધી બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ટૂર કંપનીઓ ને એનાં લાગતાંવળગતાંઓ, બસ, ટ્રેન ને હવાઈ મુસાફરીના કારોબાર પર નભતાં કેટલાય લોકો ને ઓહોહો કરતાં રહીએ એટલા બધા કામધંધાવાળા લોકોનું શું થાત? આજે લાખો લોકો સ્વર્ગમાં અઠવાડિયું જઈ આવીને કેટલો બધો આનંદ માણી આવે છે! ત્યાંથી પાછા ફરીને સ્વર્ગની વાતો બીજાને જણાવવાનો બમણો આનંદ મેળવીને ધન્ય થયા પછી જ્યારે હાશ કરે, ત્યારે ખાનગીમાં એનાં ઘરનાં લોકો બીજા કોઈ સ્વર્ગના બુકિંગનું પણ વિચારતાં થઈ જાય છે.

આખા ભારતમાં જ્યારે ફક્ત કાશ્મીરને જ સ્વર્ગનો દરજ્જો મળેલો ત્યારે અંદરખાને અંગ્રેજોએ ફક્ત ભારતમાં જ જુદા જુદા કેટલાંય સ્વર્ગ શોધી રાખેલાં. અંગ્રેજો આમેય ઠંડા પ્રદેશોથી ફક્ત આપણા ઉપર રાજ કરવા જ ઊતરી આવેલા. થાકી જતા ત્યારે આરામ ને મોજમજા માટે જાતજાતનાં રમણીય હિલસ્ટેશનો એમણે શોધી રાખેલા. એમની સાથે જો ત્યારના રાજાઓ કે ચાકરો ના ગયા હોત તો કોઈનેય આ બધી મોજમજાની ખબર પડવાની હતી? એમના ગયા પછી ધીરે ધીરે આપણેય સ્વર્ગનો અનુભવ લેવા બધે દોડતાં થયાં. જો કે આપણા ઉપર એક માત્ર આ જ ઉપકાર કરનારા અંગ્રેજોનાં નામ એ હિલસ્ટેશનો સાથે લેવાય છે ખરાં.

સાતપુડાની રાણીનાં સૌંદર્યનાં વખાણે ચડેલાં અમે જ્યારે જાણ્યું કે આ પંચમઢી એટલે કે પાંચ ગુફા તો પાંડવોએ પોતાના વનવાસના વર્ષો દરમિયાન વસવાટ માટે બનાવેલી. સ્વાભાવિક છે કે આસપાસ ગાઢ જંગલ તો હોવાનું જ અને ઊંચામાં ઊંચી ટેકરી પર જ એ લોકો સંતાયા હશે. પછી તો ખાસ્સો જમાનો પસાર થઈ ગયો. ભારત પર અંગ્રેજોના શાસન દરમિયાન આ પ્રદેશમાં ગોંડ જાતિના રાજા ભભૂતસિંહનું રાજ હતું. નાનકડું ગામ ને સાધારણ લોકો ત્યાં રહેતાં. એક વાર પોતાના સુબેદાર મેજર નાથુસિંહ સાથે ઝાંસી તરફ જતી વખતે રસ્તામાં બ્રિટિશ આર્મીના કેપ્ટન જેમ્સના પગ તળે આ સ્વર્ગીય વિસ્તાર આવ્યો. એનાથી નક્કી બોલી જ પડાયું હશે કે, ‘ભારતમાં જો સ્વર્ગ છે તો અહીં જ, અહીં જ ને અહીં જ છે’. એના અવાજના પડઘા નજીકની ખીણોમાં ને જંગલોમાં ગુંજ્યા હશે ને તો જ તાબડતોબ અહીં સેનેટોરિયમ બંધાવાની સાથે લશ્કરની એક છાવણી પણ ગોઠવાઈ ગઈ. બની ગયું ને પંચમઢી હિલ સ્ટેશન? હવે અંગ્રેજોના ઉચ્ચાર તો આપણને સારી રીતે ખબર, એટલે અંગ્રેજીમાં લખાય ‘PACHMARHI’! (મને થયેલા દુ:ખ સાથે મારે કોઈ વિશેષ ટિપ્પણી નથી કરવી, જવા દો. ‘પ’ને માથે મીંડું ને ‘ઢ’ બોલતાંય જોર પડ્યું, ઢ?)

પંચમઢી આજેય ગામડું જ છે, દસેક હજારની વસ્તીવાળું અને મુખ્ય વસ્તી ભારતીય લશ્કર સાથે જોડાયેલ લોકોની જ છે. રજાઓમાં અને ટુરિસ્ટ સીઝનમાં અહીંની વસ્તીમાં ધરખમ વધારો થાય છે. સૈનિકોનાં ભણતરની અને ટ્રેઈનિંગની સુવિધા હોવાને કારણે અહીં સતત શિસ્તબધ્ધ જવાનોની અને એમનાં વાહનોની અવરજવર જોવા મળે. એક રીતે જોવા જઈએ તો આ વિસ્તાર એકદમ સુરક્ષિત વિસ્તાર જ કહેવાય. હાશ! હવે અહીં રાતે મોડે સુધી રખડવામાં પણ કોઈ જોખમ નહીં. એક વિચાર આવ્યો અને જેવો આવ્યો તેવો એને રવાના કર્યો. આપણે કંઈ આ લોકો પર બોજ બનવા આવ્યાં છીએ?

વિચારોમાં ને વિચારોમાં જ અમારો કામચલાઉ મુકામ આવી ગયો. મનલુભાવન હરીભરી જગ્યા અને ઠંડી ઠંડી મોસમની ભીની ભીની ખુશ્બુ સાથે અમારો થાક હવે ફરી એક વાર ભૂખ તરફ ફેરવાયો. ડાઈનિંગ હૉલ તરફ રીતસરની દોટ મૂકતાં જ અમે લોકો ત્યાં પ્રવેશ્યાં કે પેલા અધીરા ભાઈએ અમારું સ્વાગત  શાંતિથી કર્યું! ‘આઈયે મૅડમજી નમસ્તે. યહાં બૈઠિયે ઔર આરામસે ભોજન કિજીયે.’ આખા હૉલમાં અમે વીઆઈપી મહેમાન, ભોજન આવતાંની સાથે જ એના પર તૂટી પડ્યાં. આ શાક તો કેવું ને પેલું શાક તો તેવુંની લપછપ કાલથી કરશું, હમણાં તો ફક્ત પેટપૂજા પર જ ધ્યાન. મધ્ય પ્રદેશની સ્પેશ્યલ વાનગીઓ ઝાપટ્યા બાદ થાળીમાં છેલ્લે પીરસાઈ ખીર! વાહ વાહ! યે હુઈ ન બાત! બસ, બીજું કંઈ નહીં તોય અહીં ખાવાના જલસા થવાના એ વાત નક્કી. ભોજનથી તૃપ્ત થયેલાં અમે સૌ અમને જમાડનાર સૌનો દિલથી આભાર માનતાં અમારા તંબૂ તરફ રવાના થયાં. ભઈ, અમારો મુકામ લશ્કરી વિસ્તારમાં હતો અને તંબૂ જેવી મજા બીજે ક્યાં મળે?
(પંચમઢીની વિવિધ તસવીરો માટે ગૂગલનો સહારો)




રવિવાર, 6 મે, 2018

એમ પી ટૂર–સાતપુડાની રાણી–પંચમઢી



ભીમબેટકાથી નીકળીને ફરી હાઈ વે પર દિનેશભાઈએ ગાડી હંકારી મૂકી. ટ્રાફિક ઓછો હોય અને સંસ્કારી રસ્તાનો સાથ હોય–ખાડાટેકરા વગરનો એવો રસ્તો જેને જોઈને મનમાં ગુસ્સો કે અપશબ્દો પ્રવેશી ન શકે–તો પછી ધારેલા સમયમાં નિશ્ચિત જગ્યાએ પહોંચી શકાય. જો કે, એ બધું અટકાવવા તો દિનેશ એમ પણ મોંમાં સતત માવો ભરી મૂકતો જેથી ક્યારેય કોઈ સાથે બોલાચાલી ન થઈ જાય ને અમારી સામે એક નખશીખ સજજનની એની છાપ કાયમ રહે. એ બહાને બોલાય પણ ઓછું અને અમારી સાથે ભેજામારી થવાની શક્યતા પણ ઓછી રહે. અમારી વાતોનો જવાબ કાં તો એ ડોકું ધુણાવીને હા કે નામાં આપતો, અથવા તો બન્ને હોઠને ભેગા કરીને હનુમાન જેવું મોં બનાવીને અસ્પષ્ટ શબ્દોમાં આપતો. અમને તો જો કે એ જે બોલતો તેના જુદા શબ્દો બોલીને એને ગુંચવવાની મજા જ પડતી. ખેર, પ્રવાસમાં લાંબો રસ્તો કાપવા આવી નિર્દોષ મસ્તી કરવાની તો ખુદ દેવોએ છૂટ આપી છે. અમે તો બિચારા એવા અમારા હનુમાનને જ ચીડવતાં હતાં.

ભીમબેટકાથી પંચમઢી લગભગ દોઢસો કિલોમીટર દૂર હતું ને અમારો અંદાજ ત્રણેક કલાકમાં પહોંચી જવાનો હતો. આ હાઈવે કંઈ ફોર લેન કે સિક્સ લેનવાળો તો નહોતો કે અમે પવનની ઝડપે કલાકમાં પંચમઢી પહોંચી જઈએ. ત્યાંનો પવન પણ પચાસ સાંઠ કિલોમીટરની ઝડપે જ ફૂંકાતો હશે. લગભગ અડધે રસ્તે પહોંચ્યાં હોઈશું કે અંજુનો ફોન રણક્યો, પંચમઢીના રેસ્ટ હાઉસમાંથી ફોન!

‘મૈડમ, આપ લોગ આ રહે હો ના?’
‘હાં હાં, હમ લોગ રાસ્તેમેં હી હૈં. એકાદ ઘંટેમેં પહોંચ જાયેંગે. વો ક્યા હૈ ને કે હમ લોગ ભીમબેટકા દેખને ચલે ગયે થે તો થોડા લેટ હો ગયા.’ પછી ફોન પર હાથ રાખીને અંજુ ધીરેથી અમારી તરફ ફરીને બોલી, ‘આવ્વાના નીં તો કાં જવાના? બુકિંગ અમથું થોડુ કરાવેલુ?’
‘નહીં મૈડમ, વૈસી કોઈ બાત નહીં. આપકી મરઝી, આપ કહીં ભી જાઓ પર આપ લોગોંકા ખાના રખેં યા ના રખેં, યહી પૂછનેકે લિએ ફોન કિયા મૈડમ. કયા હૈ ના મૈડમજી, ફિર યહાંકા કિચન તીન બજે બંદ હો જાતા હૈ. આપ લોગોંકી રાહ તો હમ દેખેંગે હી, પર ક્યા હૈ ન કિ ફિર શામકી ભી તૈયારી કરની હોતી હૈ ના મૈડમજી.’
‘નહીં નહીં, હમ લોગ ટાઈમ પે પહોંચ હી જાયેંગે.’
અમે બધાં બબડ્યાં, ‘ઓ ભાઈ, ખાના રખના નહીં તો હમ લોગ તો ભૂખે હી મર જાયેંગે. ચાલો દિનેશભાઈ, જલદી હવે ગાડી ભગાવો નીં તો ભૂખે મરવું પડહે.’
‘નીં કાકી, આપણે ટાઈમ પર પોંચી જહું. ટેન્સન નીં લેઓ.’ ને દિનેશભાઈએ તો ગાડી જવા દીધી.

પેલા કિચનવાળા ભાઈ તો જબરા અધીરા નીકળ્યા. દર પંદર મિનિટે ફોન કરવા માંડ્યા! અમે તો બબડાટ ચાલુ કરી દીધો. ‘આ ભાઈ તો આમ જ એકાદ એક્સિડન્ટ કરાવી મૂકવાના. અલા ભાઈ, નથી જમ્મુ અમારે. જે લૂખું હૂકું મળહે તે ખાઈ પી લેહું પણ આમ અમારા માથા પર નો બેહી જા. હું (શું) બધા પકવાન રાખેલા ઓહે(હશે) કોણ જાણે, તે આટલી અધીરાઈ બતાવતો છે.’ જો કે, અંદરખાને ભૂખ પોકારી પોકારીને કહેતી હતી કે ‘મારું કંઈક કરજો બાપલા.’ રસ્તે એવી કોઈ ખાસ મોટી રેસ્ટોરાં કે હૉટેલ દેખાઈ નહોતી કે જ્યાં અમે થોડી પેટપૂજા કરી લઈએ. એમ પણ પૈસા ભર્યા હોય એટલે આપણે એક ટાઈમનું ભોજન કંઈ એમ જ થોડું જવા દેવાય?

ખાવાની બધી વાતોની ગરબડમાં આજુબાજુનો મસ્ત નઝારો જોવાનું કોઈના ધ્યાનમાં જ નહોતું આવ્યું. એ તો એકાદની નજર પડી અને ગીચ જંગલ અને પહાડીવાળો રસ્તો જોઈને એનાથી બોલી પડાયું, ‘અરે વાહ! બહાર તો જુઓ. કેટલું મસ્ત જંગલ. જલદી બારી ખોલી નાંખો અને જંગલની સુગંધ મહેસુસ કરો.’ અમે બધાં પેલા ભાઈને બાજુએ મૂકીને જંગલની સુગંધને શ્વાસમાં ભરવા માંડ્યાં. આહાહા! હજી થોડા દિવસ પહેલાં જ છેલ્લા વરસાદે ભીનાં કરેલા જંગલમાંથી, ઝપાટાભેર દોડીને ગાડીમાં પ્રવેશી ગયેલી માદક ને સુગંધી ઠંડી હવા અમને ઘેરી વળી. સપાટ મેદાનો પૂરા થઈને ક્યારે ચઢાણવાળો રસ્તો શરૂ થઈ ગયેલો તે કોઈના ધ્યાનમાં જ નહોતું ગયું. બધાએ પોતપોતાને ભાગે આવેલી બારીમાંથી રસ્તાની એક તરફ દેખાતી ખીણ તરફ ડોકિયાં કરવા માંડ્યાં. સાતપુડા પર્વતોની હારમાળા કેટલાંય નાનાં–મોટાં ઝરણાંના અદ્ભૂત નઝારાથી અમને લલચાવવા માંડી હતી. અરે વાહ! અહીં જ આટલું મસ્ત લાગે છે તો પંચમઢી તો કેવુંક હશે?

રસ્તામાં આવેલા હોશંગાબાદ જિલ્લાને અને પિપરિયા નામના નાનકડા શહેરને દૂર મૂકીને અમે વાંકાચૂકા અને ખતરનાક વળાંકો પરથી પંચમઢી તરફ ધસી રહ્યાં હતાં. જમીનથી હજાર મીટરની ઊંચાઈએ આવેલા પંચમઢીને ‘સાતપુડાની રાણી’ કેમ કહે છે તે થોડું થોડું સમજાવા માંડેલું. રાણીના સામ્રાજ્યની જાણે કોઈ સીમા જ નહોતી. અફાટ સૌંદર્ય ધરાવતી રાણીનો રૂઆબ તો જ્યારે પંચમઢીમાં બધે ફરશું ત્યારે જ જણાશે પણ જંગલમાં વાઘ, ચિત્તા કે રીંછ સામા મળ્યા તો? આવા ગાઢ જંગલમાં તો દિવસે પણ ચોર કે ડાકુઓની ટોળી સામે મળી જાય તો આપણાથી શું થાય? શું કરી શકાય? બસ, જ્યારથી આ પ્રવાસનું નક્કી થયેલું ને આ ખોટ્ટેખોટ્ટી બીક લોકોએ અમારા મનમાં ભરી દીધેલી, ત્યારથી ફરવાની બધ્ધી મજા પર આ બીકનું રોલર ફરવા માંડતું.

અમારી વાત સાંભળીને દિનેશે અમને ધરપત આપી, ‘કાકી, હું મારા ફ્રેન્ડ્સ સાથે અહીં બે ત્રણ વાર આવી ગયેલો. એવું કંઈ ગભરાવા જેવું નથી. રસ્તામાં બધી ગાડી ને બસ આપણને મળ્યા જ કરે. બો અંધારુ નીં કરવાનું એટલુ ધ્યાન રાખવાનું. એમ પણ મેં ગાડીમાં મારી સીટ નીચે ધારિયુ મૂકેલુ જ છે ને તમારા બધાની સીટ નીચે લાકડી મૂકેલી છે. એવુ કંઈ બી લાગે ને તો લાકડી હાથમાં લઈ લેજો. હું છું પછી તમારે બીવાનું કામ નથી.’

અમે તો એકબીજા સામે આશ્ચર્યથી ડોળા ફાડ્યા! વા...હ! આની આપણે મશ્કરી કરતાં હતાં ને આ બંદો? જરાય ભાર વગર પોતાની ફરજ ને જવાબદારી નિભાવ્યે જાય છે. ભીમબેટકામાં થયેલી એની એક વાત યાદ આવી. દિનેશે આદિવાસીઓની વાત નીકળતાં ગાઈડને કહેલું, ‘મૈં ભી આદિવાસી હૂં મગર તીર–કામઠાવાલા.’ ત્યારે કામઠા સાંભળીને અમને હસવું આવેલું, આ ગાઈડને શું સમજણ પડે તીર–કામઠામાં? અને એ જ વાત અત્યારે અમને હિંમત આપી રહી હતી. વાહ દિનેશ!