ગુરુવાર, 19 માર્ચ, 2020

ચલ મન મુંબઈ–૧


મુંબઈ. એક અમર શહેરનું લોભામણું નામ. મુંબઈ, ભવ્ય ઈતિહાસ ને રંગીન ભૂતકાળ સાથે લઈને ચાલતું,  સતત પ્રવૃત્તિથી ધમધમતું ને અસંખ્ય અજાયબીઓથી છલકાતા વર્તમાનને સાથે લઈને ચાલતું રંગીલું શહેર. ઈલેક્ટ્રિક ટ્રેનના પાટા પર ચોવીસ કલાક દોડતું, ધબકતું આ શહેર, જેનું નામ પડતાં જ અરબી સમુદ્રની લહેરો પગમાં આળોટવા માંડે અને ચોપાટીની ભેળથી માંડીને પાંઉભાજીના સ્વાદ જીભ પર સળવળવા માંડે. ફિલ્મી કલાકારોને જોવા કે મળવાના અરમાનો સાકાર કરવા ઊંચાનીચા થતાં ચાહકોની તપસ્યાની કહાણીઓ અહીં જ રચાય અને સાથે જ ઘર કે નોકરી શોધનારાઓની હડિયાપાટી પણ અહીં જ નજરે ચડે.

એમ તો મુંબઈ વિશે એટલું બધું લખાયું છે, કહેવાયું છે અને જોવાયું પણ છે કે એની વાતો લખવાનું મારું ગજું નહીં. એટલે જ શરૂઆત જરા ભારે શબ્દોથી કરી જોઈ પણ ફાવ્યું નહીં એટલે જે વાત કરવી છે તે જ સીધી માંડી દઉં. માયાનગરી કહેવાતી આ નગરીની અસંખ્ય ફિલ્મો, અસંખ્ય વાતો અને એનાં અસંખ્ય પુસ્તકો થવા છતાંય હજીય ન ખૂટે એવી વાતો મુંબઈ પોતાનામાં સમાવીને બેઠું છે. મુંબઈના આ નાનકડા પ્રવાસમાં આપણે મુંબઈના એવા વિસ્તારની વાતો કરશું જેની વાતો જાણ્યા પછી, અચૂક એ વિસ્તારની મુલાકાત લેવાની લાલચ થઈ જ જાય. શરત માત્ર એટલી જ કે, આ વિસ્તારની મુલાકાત લેવાની ઈચ્છા રાખનારને મુંબઈના સાંસ્કૃતિક વારસામાં રસ હોવો જરૂરી છે.

ફક્ત બે કિલોમીટરના આ વિસ્તારમાં આવેલી અમુક જાણીતી અને અમુક અજાણી ઈમારતોને જોઈને જ રુંવાડાં ઊભા થઈ જાય! કેવી કેવી ધુરંધર હસ્તીઓ અહીં પોતાની કળાનો ઝંડો લહેરાવી ગયેલી! કેવો એમનો દબદબો અને શી એમની લોકચાહના! એક જ વાર એ ગલીઓની મુલાકાત લો તો તમને દિવસો સુધી ચેન ન પડે અને એ વાતો તમારા દિમાગમાંથી નીકળે નહીં એની ખાતરી છે. બસ, શરત એટલી જ કે તમને સાહિત્યમાં, સંગીતમાં, નૃત્ય, મૂર્તિ...અરે કહો કે કોઈ પણ કળામાં રસ હોવો જરૂરી છે. તમે ફક્ત મનોરંજન ખાતર કે ફરવા ખાતર જો આ ગલીઓમાં ફરવાના હો તો થોડી વારમાં જ કંટાળી જશો એની પણ ખાતરી.

અમુક ઈમારત આગળ ઊભા રહીને, અમુક ઈમારતોમાં પ્રવેશીને ને અમુક ઈમારતોને દૂરથી જોઈને તમે તમારા પ્રિય કલાકારોને નમન, વંદન કરી જ લેશો એની પણ મને ખાતરી છે પણ શરત માત્ર એટલી જ કે...હા, વારે વારે શરત એટલા માટે રાખવી પડે કે જો તમે લતા મંગેશકરથી માંડીને કેસરબાઈ કેલકર, બાલ ગંધર્વ, રાજા રવિ વર્મા અને અને એમ વી ધુરંધરનાં જાણીતાં મોડેલ અને ખુદ જાણીતાં ગાયિકા અંજનીબાઈ માલપેકર વિશેની રોચક વાતો જાણવા માગતાં હો, મંટો જે જગ્યાએ રહેતા અને જે પુલ પરથી આવજા કરતા એ પુલ પર ચાલવાનો રોમાંચ માણવા માગતાં હો, જે સ્ટુડિયોમાં આલમ આરા ફિલ્મ બનેલી અને જ્યાં શહેનશાહ પૃથ્વીરાજ કપૂરથી માંડીને મહેબૂબ ખાન સહિત મંટોએ પણ પોતાનાં કામની શરૂઆત કરેલી એ સ્ટુડિયોને નજરે જોવા ચાહતાં હો તો જ તમને આ ગલીઓમાં અને આ લેખમાળામાં પણ રસ પડશે.

શિરડીના સાંઈબાબાની મૂર્તિ ક્યાં બનેલી જાણો છો? ભઈ, આપણે તો શિરડી જવા સાથે ને દર્શન–પ્રસાદ સાથે કામ. એ મુર્તિ કોણે બનાવી એમાં કોને રસ હોય? જો કે, એ મુર્તિમાં શિલ્પકલાકારને રસ હોય, ચિત્રકારને રસ હોય અને કોઈ પણ કલા કે કલાકારમાં રસ હોય એટલું જ પૂરતું હોય તો તમને આ દુનિયાભરના ભક્તોમાં પૂજાતી મૂર્તિ જ્યાં બનેલી એ સ્ટુડિયોમાં પણ એટલો જ રસ પડવાનો. કલાકો નીકળી જાય ત્યાંની અદ્ભુત મૂર્તિઓને જોતાં પણ જો તમારી પાસે એટલા કલાકો હોય તો તો આનંદ જ આનંદ.

નવાઈ તો ત્યારે લાગી, એવા ભારતીય ફોટો સ્ટુડિયોને જોઈને જેની સૌ પ્રથમ લંડનમાં શાખા ખૂલેલી ને જ્યાં અમે પણ ફેમિલી ફોટો પડાવવા જતાં! દિલ ખુશ થઈ ગયું. વાહ! બાળપણમાં અહીં ફોટો પડાવવા આવેલાં? કંઈક અજબ લાગણી સળવળી ગઈ. યાદ આવ્યું કે મોટા પૂંઠા પર ચોંટાડીને પારદર્શક કાગળ નીચે સચવાયેલો એ ફેમિલી ફોટોગ્રાફ અને નીચે વેન્ગાર્ડ લખેલું તો કેટલીય વાર જોયેલું! સ્મૃતિઓની દુનિયામાં અજાણતાં જ લટાર મારી લીધી.

ફરતાં ફરતાં એક ગલીમાં દૂરથી જ એક દુકાન જોઈ. વાજિંત્રોની દુકાન. સિતાર ને તંબૂરો, તાનપૂરો, તબલાં ને વાજાપેટી! એનાથી વધારે તો જોઈએ પણ શું ત્યારના દિગ્ગજ કલાકારોને? એમને એમના ચાહકોની તો ક્યારેય ખોટ નહોતી પડી અને એ કલાકારો પણ પોતાના ચાહકોને માટે શું કરતા? એક વાર એક બહુ મોટા કલાકાર એ દુકાનમાં પોતાને ગમતું વાજિંત્ર લેવા પ્રવેશ્યા. હવે વાજિંત્ર લેવા પહેલાં એને ચકાસવું પડે અને એના માટે દુકાનમાં બેસીને જ સૂર છેડવા પડે! દુકાનનો માલિક તો કલાકારને પૂરા માન સન્માન સાથે સાંભળતાં પોતાનું કામ કરતો હતો પણ સંગીતના સૂરો કંઈ છાના રહે? ફક્ત વાજિંત્રની ચકાસણી કરવામાં જ એવા સૂર લાગ્યા કે રસ્તે જતાં લોકોના પગ થંભી ગયા. ધીરે ધીરે લોકો દુકાનની સામે ભેગાં થવા માંડ્યાં અને જોતજોતામાં ત્યાં ખાસ્સી ભીડ થઈ ગઈ.

કલાકાર તો પોતાની ધૂનમાં મસ્ત હતો પણ લોકલાગણીને માન આપીને આખી રાત સંગીતની લહાણી કરતો રહ્યો. લોકો પણ પોતાના પ્રિય કલાકારને સાંભળવા આખી રાત ત્યાં જ ઊભા રહી ગયાં અને દિલથી સંગીત માણતાં રહ્યાં! આજે આવું શક્ય છે? આજે તો ચકચકિત કારમાં આવતા,  આજુબાજુ પહેલવાનોની ફોજ રાખીને દૂરથી ચાહકો તરફ હાથ હલાવી ફ્લાઈંગ કિસ આપીને ખુશ થતા કલાકારો(?) સઘળે દેખાય. તોય ગાંડા ચાહકો ટોળે વળીને અથડાતાં, કૂટાતાં એમની એક ઝલક પામવા કલાકો બરબાદ કરે! ખરા કલાકારો કોણ હોય એની ખબર હોય તો ને.

જો કે, આપણે તો એ મહાનુભાવોને મળવું છે ને એમને જાણવા છે, જેમણે મુંબઈની  ગલીઓને આબાદ કરેલી. તો હવે પછી મળતાં રહીએ ને માણતાં રહીએ આ લેખમાળામાં, મુંબઈના અદ્ભુત સાંસ્કૃતિક વારસાને.