ગુરુવાર, 28 ફેબ્રુઆરી, 2019

છપ્પન દુકાનની રોનક અને સરાફા બજાર કે ચૂડી બજાર?



છપ્પન દુકાનની રોનક
**********************
અમે ‘છપ્પન દુકાન’ના ભવ્ય વિસ્તારમાં પ્રવેશ્યાં તો ખરાં અને એક ડિશમાંથી સૌએ પાણીપૂરી ચાખીય ખરી પણ પછી પાછાં મોં બગાડતાં અવઢવમાં પડ્યાં. આનાથી સારી પાણીપૂરી ક્યાં મળતી હશે? આ ખાધી તો ખરી પણ હજીય પેલો દિવ્ય અનુભવ તો નથી થયો! જો કોઈ દુકાનમાં પૂછશું તો એ પોતાની દુકાનનું નામ જ આપી દેશે. હવે? મને યાદ આવ્યું, અમે ચાર ને દુકાન છપ્પન! ચાલો દુકાનો વહેંચી લો. આધે ઈધર, આધે ઉધર! ફિર ઉસમેંસે આધે સામનેકી લાઈનમેં ઔર બાકીકે આધે પીછેકી લાઈનમેં. અમે ફટાફટ વહેંચાઈ ગયાં. દિનેશને તો આ બધી આધી અધૂરી રમતમાંથી બાકાત જ રાખેલો. ‘ભાઈ, તને જ્યાં મરજી થાય ત્યાં ને જે ખાવું હોય તે ખાઈ લેજે. અમારા ટેસ્ટ સાથે તારા ટેસ્ટનો મેળ નહીં પડે તો તું મનમાં બબડશે.’ અમારા કહેવાની રાહ જ જોતો હોય તેમ એણે સામેની લાઈન તરફ ઝપાટાભેર ડગલાં ભર્યા. છપ્પન દુકાનની પંચાતમાં એને કોઈ રસ નહોતો.

થોડી વારમાં જ અમારો સર્વે પૂરો થઈ ગયો.
‘અંજુ, ક્યા ખબર લાઈ હો?’ મારામાં ગબ્બર પ્રવેશ્યો.
‘હવે તું શોલેમાંથી બહાર નીકળ ને છોલે ભટૂરે ખાવા ચાલ. અહીં એક દુકાનમાં બો ભીડ છે ને લોકો આંગળાં ચાટી ચાટીને છોલે ભટૂરે ખાતા છે.’ અંજુએ ગબ્બરને ધોઈ નાંખતાં કહ્યું. કઈ લાઈનની કઈ દુકાનમાં ભીડ હતી તેની બાતમી અમને સૌને મળી ગઈ હતી. અમે ચારેય પછી તો પેટમાં કેટલું માશે તેની ચિંતા કર્યા વગર જીભને શું ભાવશે તેને મહત્વ આપતાં ખાસ ખાસ દુકાને ફરી વળ્યાં. તેથી કંઈ બાકી દુકાનો પર નજર નહોતી કરી એવું નહોતું. દરેક દુકાનની બહાર આપણને પ્રેમભર્યું આમંત્રણ આપનાર ભાઈ મીઠો આવકારો આપતા નજરે પડતા. ‘બહેનજી, આઈયે. બઢિયા ગુલાબજામુન, રસમલાઈ, લચ્છેદાર રબડી, મેન્ગો લસ્સી, ડ્રાયફ્રૂટ લસ્સી, મિલ્ક શેક...’ કાનમાં બાકીનું લિસ્ટ ઝીલતાં અમે આગળ નીકળી જતાં.
ઈંદોરની જાણીતી ‘મધુરમ્ સ્વીટ્સ’, ‘ગણગોર સ્વીટ્સ’ અને ‘અગ્રવાલ સ્વીટ્સ’ની દુકાનો પણ અહીં ઝગારા મારતી હતી. નામ ભલે ને સ્વીટ્સ પણ અહીં વિવિધ ચાટ–પાણીપૂરીથી માંડીને, દહીંપૂરી, સેવપૂરી, રગડા પેટિસ–ની સુગંધ રસ્તે જનારને દુકાનમાં ખેંચી જતી હતી. મીઠાઈ લેવાનું મન થાય તો જોવા ને ચાખવામાં ને પચાવવામાં જ બે દિવસ નીકળી જાય. ઈંદોર ખાણીપીણી માટે અમસ્તું નામ નથી કમાયું. એક વાત ખટકી, કે શું અહીંની જાણીતી વાનગીઓ ઓછી પડી તે આ દુકાનોમાં વચ્ચે વચ્ચે ભારતભરની જાણીતી વાનગીઓ અને ઈટાલિયન, મેક્સિકન અને ચાઈનીઝ વાનગીઓ પણ ડોકિયાં કરતી હતી? અહીંના મુખ્ય પ્રધાનને જ ફરિયાદ પહોંચાડવી પડશે. આ બધું શું છે? આવું તો બધે મળે જ છે ને? એવો કાયદો લાવો કે ફક્ત ઈંદોરને જ લોકો યાદ રાખે ને વારંવાર ન અવાય તો કંઈ નહીં પણ બીજાઓને પણ જણાવી શકે કે, ફલાણી દુકાનમાં દહીં પકોડી ખાજો ને ઢીંકણી દુકાનમાં ખસ્તા કચોરી ખાજો. અમુક દુકાનની રબડી ખાધા વગર તો આ એરિયા છોડતા જ નહીં ને પેલી દુકાનના સૂકા નાસ્તાનાં પડીકાં પણ થોડાં બંધાવી જ લેજો.’
સુગંધથી તરબતર થતાં અમે ખાઉગલીમાં મજેથી ઘુમતાં હતાં. મન બહાવરું બની ચૂકેલું. હવે શું? હવે શું?ના સવાલો ચારેયના મોં પર સ્પ્ષટ વંચાતા ને ફટાફટ ઉત્તર મળતા તરત જ એક સાથે હામીય ભરાઈ જતી. એટલો બધો સમય લઈને તો નહોતાં જ નીકળ્યાં કે દરેક દુકાનની કોઈ ને કોઈ વાનગી ચાખીએ, પરખીએ ને સર્વાનુમતે નક્કી કરીને ખાઈએ. અહીં તો સવારના છ વાગ્યાથી જ બટાકાપૌંઆ અને ગરમાગરમ જલેબી ખાવા લોકો ટહેલતાં ટહેલતાં આવી રહે. એક તો તાજું ને પાછું શુધ્ધ ઘી–તેલમાંથી બનેલું, ઘરનાં જેવું કે થોડું વધુ સ્વાદિષ્ટ અને પાછું દરેકના ખિસ્સાને પરવડે તેવું ખાવાનું જો મળતું હોય તો પછી ઘરમાં નાસ્તા કે ફરસાણ–મિષ્ટાન્ન કોણ બનાવવાનું? સાંજ પડે એટલે પતિદેવ પડીકું બંધાવતાં નીકળી જાય તો પત્ની સાથે બાળકો ને વડીલોય ખુશ. જો કે, સ્કૂલ ને ઓફિસ છૂટ્યા પછીની સાંજે અહીં અનોખી ભીડ ને અનેરી રોનક રહે છે. ઝગમગતી રોશનીમાં છપ્પન દુકાનો જાણે રોજ જ તહેવાર ઉજવતી જણાય. જ્યાં અવનવી સુગંધ સાથે નયનમનોહર દ્રશ્યો રોજ રચાતાં હોય ત્યાં તહેવાર જ હોય ને?
આ એરિયામાં પછી તો ઘણી ચટપટી દુકાનો ઉમેરાતી રહી પણ મૂળ વજનદાર નામ તો હજીય એજ છે, ‘છપ્પન દુકાન’. અસલ અહીં છપ્પન દુકાનો જ હતી. પછીથી ધંધાનો વિસ્તાર કરવા અમુક દુકાનોએ પાડોશીને પોતાનામાં સમાવી લીધા ને દુકાનનો વિસ્તાર વધાર્યો. જો કે, દરેક દુકાનની વચ્ચેના થાંભલા કુલ દુકાનો છપ્પન હતી એ સાબિત કરે છે. આપણે શું? આપણે તો ખાવા સાથે ને સ્વાદેન્દ્રિયને તૃપ્ત કરવા સાથે મતલબ જે અહીં ડગલે ને પગલે નજરની મદદથી સુપેરે થઈ રહી હતી.
કોઈ ભોજન સમારંભમાં કઈ વાનગી ખાવી ને કઈ રહી ગઈમાં જેમ મન અટવાયા કરે તેમ જ આ ગલીમાં અમે બેચેનીથી ભટકી રહ્યાં હતાં. ‘વિજય ચાટ હાઉસ’ની કોપરા પેટીસ ચાખી. આહા! મસ્ત ને ગળામાં આસાનીથી લાળના ઝરા સાથે ઊતરી જાય તેવી. ‘પ્રયાસ ફૂડ્સ’ના સાબુદાણા વડાં ખાધાં. અંહહહ! મજેદાર મજેદાર! નજીકમાં જ ફરી એક વાર ચાટની દુકાને પગ અટક્યા. ‘જય બજરંગ બૉમ્બે ભેલ’! બજરંગ ને બૉમ્બે ને ભેલ? ઓહ! જબરાં નામ પાડે ભાઈ આ લોકો તો. ચાલો કંઈ નહીં, આપણે તો...ખેર, અમે દસ જાતની પાણીપૂરીનાં નામ વાંચીને જ એકબીજા સામે જોઈ મલકાયાં. તીખી, મીઠી, ખાટી ને ચટપટી જેની ખાસિયત છે તે પાણીપુરી લસણવાળી પણ મળતી હતી અને કેરીની તેમ જ લીંબુની ખટાશવાળી પાણીપૂરી પણ બનતી હતી! અરે, છાસમાં બોળેલી પાણીપૂરી પણ લખેલું! ના, આ અખતરો અમે ન કર્યો અને અમને ભાવે તેવી જ દિવ્ય અનુભૂતિવાળી પાણીપૂરી ખાઈને પૂર્ણાહુતિ કરી.
‘હવે? જઈએ ને પાછા?’
‘કેમ? કુલ્ફી ફાલુદા નથી ઝાપટવું?’
‘ઓહ! એ તો રહી જ ગયું. પણ સારું ક્યાં મળશે તે પાછો સવાલ.‘
કુલ્ફીની એક સરસ મોટી દુકાન જોઈ અમે ઓર્ડર કર્યો, ‘ચાર કુલ્ફી ફાલુદા.’
‘કૌનસી દૂં બહેનજી? મલાઈ, કેસર, મેન્ગો, રબડી, ડ્રાય ફ્રૂટ, જેલી, મિક્સ ફ્રૂટ, પારસી, રોઝ....’

અમે ચારેય બાઘાં બની ગયાં. આમાંય આટલી બધી વેરાયટી? ભઈ, હવે આમાં દરેક પોતપોતાના મનમાં જે નામ આવે તે નામે ફાલુદા મગાવીને ખાઈ લો. આમાં કોઈનો ભાગ નહીં પાડીએ ને હવે ધ એન્ડ બોલાવીને જલસા સમાપ્તિની જાહેરાત કરી નાંખીએ. બસ, આ ગલીમાં હવે વધારે રોકાવામાં જોખમ છે. સારું હતું કે હજી અડધો દિવસ બાકી હતો નહીં તો આ છપ્પન ગલીને પચાવતે કેમ કરીને? દરેક સ્વાદને મમળાવતાં અમે ત્યાંથી પૂર્ણ સંતોષથી રજા લીધી. 



*********************************************************************
સરાફા બજાર કે ચૂડી બજાર?
**********************    
‘ચાલો હવે ક્યાં જવું છે?’ અમે ગાડીમાં બેઠાં પછી સનાતન સવાલ રજૂ કર્યો.
‘પેલા ફાલુદાની દુકાનવાળા ચાચા કહેતા હતા કે, ‘બહેનજી, સરાફા બાઝાર ઔર ચુડી બાઝાર જરુર જાના.’ અરે વાહ! જૉલીનું ધ્યાન આટલા મસ્ત ફાલુદામાંથી હટીને પણ કાકાની વાત સુધી પહોંચેલું?
‘તો પછી પૂછી જ લેવાનું હતું ને કે ત્યાં શું છે જોવા જેવું?’
‘સરાફા બજાર તો આવી જ છે, બીજી છપ્પન દુકાન! પણ એ રાતે આઠથી સવારે ચાર સુધી ધમધમે અને ચુડી બજાર તો આપણાં કામનું નહીં.’
‘આ હારુ, એકમેકના ધંધાનો ટાઈમ હાચવી લેવાનો એટલે બધા જ કમાય. તો પછી માંડી વારો બેઉ જગ્યા. રાતે હવે પાછું આટલું ભારે ખાવાનો કોઈનો ઈરાદો નથી.’
‘કોઈની ઈચ્છા છે ચુડી બજાર જોવાની?’
‘ના, એ હો આપણા હારુ તો ટાઈમ બગાડવા જેવુ જ થહે. ગમ્મે તેટલી હારી બંગડી કેમ નીં ઓય પણ આપણે હું કામની? રંગીન કાચની બંગડીઓ અવે કોણ પહેરતુ છે?’
‘એક જમાનામાં અમે સાડીની મેચિંગ બંગડીઓ લેવા ખાસ બજાર જતાં. ફેશન બદલાય તે પ્રમાણે પૈસા ખરચતાં રહેતાં. સાથે મેચિંગ બુટ્ટી ને ઝૂમકા(ગિરા રે...) ને બક્કલ ને ચાંદલા ને હેરબૅન્ડ ને પરાંદી ને ખોટા નાયલોન વાળના ચોટલા ને અંબોડા ને આહાહા! વો ભી ક્યા દિન થે?’

ધીરે ધીરે અમે સૌ ભૂતકાળની ચૂડી બજારોમાં ચક્કર મારવા માંડ્યાં. કાચની બંગડીઓનો રણકાર પણ અજબ સંગીત લહેરાવતો. ધીરે ધીરે કાચના રણકારે પ્લાસ્ટિકના બોદા અવાજનું કે લાકડાના ખખડાટનું સ્થાન લીધું. સોના ચાંદીનો રણકાર, કાચના રણકાર સામે તો પાણી જ ભરતો. ફેશન બદલાતી ગઈ અને અડવા હાથ કે ફક્ત એક હાથે ઘડિયાળ અને બીજા હાથે રંગીન પથ્થર કે મોતીની સાચી ખોટી બંગડી કે કંગન સોહતાં થઈ ગયાં. મારા જેવાની યાદોમાં તો ચૂડી એટલે, ‘ચૂડી નહીં મેરા દિલ હૈ...દેખો ટૂટે ના...’(દેવ આનંદ દેખાવા માંડે) અને ‘બજ ઉઠેગી હરે કાચકી ચૂડિયાં...કાચકી ચૂડિયાં’નું મસ્ત રણકતું ગીત ઘૂમવા માંડે. હા, આપણા સૌના પ્રિય કવિ પ્રિયકાન્ત મણિયાર પણ ચૂડીની દુકાને બેસીને જ કવિ બનેલા! કે કવિ હતા અને ચૂડીઓએ એમની કવિતામાં પ્રાણ પૂરેલા? 

ખેર, બે મોટી પ્રખ્યાત બજાર જો ટાઈમ હોત તો જરૂર જાત એવું બબડીને, વધારાનો આનંદ ગુમાવવાના અફસોસ સાથે અમે ઈંદોરના અતિ પ્રખ્યાત રાજવાડા જોવા ઉપડ્યા.
‘ઈંદોર જઈને રાજવાડાનો મહેલ ન જોયો? તો પછી ઈંદોર ગયાં જ શું કામ?’ એવું ઈંદોર ફરી આવેલા લોકો અવશ્ય પૂછે ને અમે આવા કોઈ સવાલનો સામનો ન કરવો પડે એટલે એ મહેલ જોવા ઉપડ્યાં. આજે જૂના ઈંદોર કહેવાતા આ વિસ્તારના ખજૂરી બજારમાં શોભતા આ મહેલની આજુબાજુનો વિસ્તાર જાણીતો શૉપિંગ એરિયા બની ગયો હોવાથી અહીં સતત ધમધમાટ રહે છે. હોલકર રાજાઓના જમાનામાં બંધાયેલી આ કમનસીબ ઈમારત આજેય જોવાલાયક છે. કમનસીબ એટલા માટે કે હોલકર વંશના સ્થાપક મલ્હારરાવ હોલકરે પોતાના નિવાસ માટે ૧૭૪૭માં સાત માળનો આ મહેલ બનાવડાવ્યો પણ આજ સુધીમાં એમાં કેટલીય વાર આગ લાગીને અમુક ભાગ નષ્ટ થતો રહ્યો. મહેલની બરાબર સામે એક સુંદર બગીચો છે ને એમાં મહારાણી અહિલ્યાબાઈ હોલકરની સુંદર પ્રતિમા આપણું સ્વાગત કરે છે.

આ મહેલના નિર્માણમાં મોગલ, મરાઠા અને ફ્રેંચ સ્થાપત્ય શૈલીથી બાંધકામ કરાયું છે. મહેલમાં લાકડાનો ઉપયોગ વધારે કરાયો છે એટલે જ કદાચ ત્રણ વાર આમાં આગ લાગી ચૂકી છે. ભારતભરમાં આ પહેલી એવી ઈમારત છે જેનું પુનર્નિર્માણ, એજ સામગ્રી, એ જ શૈલી અને એ જ પધ્ધતિથી કરવામાં આવ્યું. તત્કાલીન મહારાણી ઉષાદેવી હોલકરના પ્રયાસોને કારણે ફરી એક વાર એવો જ મહેલ બનીને રહ્યો. વાહ! કોઈ સ્ત્રી જ્યારે રાણી બને ત્યારે એનું કામ એટલે? કંઈ જોવું ન પડે. યાદ છે ને આપણી ભોપાલની વિઝિટ? બસ તો, ઈંદોરની પ્રગતિમાં પણ હોલકર પરિવારની મહારાણીએ ગજબની હિંમત અને કુશળતા બતાવી હતી. મહેલમાં ફરતાં ફરતાં ત્યાંની સુંદર તસવીરોમાં રહેલો ઈતિહાસ વાંચતાં અમને રોમાંચ થતો હતો. દિલ હરખાતું હતું અને મનોમન રાણીને વંદન પણ કરતું હતું.

મહેલના મુખ્ય ભાગને સંગ્રહાલય બનાવી દેવાયો છે. એમાં રાણી અહિલ્યાબાઈ હોલકરના જીવનની વિસ્તારથી માહિતી આપતી તસવીરો લોકોને પ્રેરણા ને પ્રોત્સાહન આપે છે. કેટલી સક્ષમ અને કાબેલ હશે એ સ્ત્રી કે જે આજે પણ લોકોનાં દિલો પર રાજ કરે છે! જેના નામથી ઈંદોરનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે અને જેના નામે અહીં વિશ્વવિદ્યાલય છે! બાર વરસની કુમળી વયે પ્રસિધ્ધ હોલકર ઘરાનામાં પરણેલી અહિલ્યા ઓગણત્રીસ વરસે તો વિધવા થઈ ગઈ! પતિ ખંડેરાવ બધી રીતે પૂરો પણ આ બહાદુર છોકરી દુ:ખ સહન કરવામાં પાછું વાળીને જોતી નહીં. બેતાલીસ વરસની ઉંમરે એના દીકરાનો–એક માત્ર વારસનો દેહાંત થયો. થોડાં વરસોમાં દીકરીનો પરિવાર પણ એને છોડી ગયો. રાણી એકલી પડી ગઈ. દૂરના એક સ્નેહી મલ્હારરાવ પર થોડો ઘણો વિશ્વાસ હતો કે આ કંઈ ઉકાળશે, શાસનવ્યવસ્થા સંભાળશે કે પ્રજારંજનના કામ કરશે. જ્યારે એણે તો રાણીને દુ:ખ આપવામાં કોઈ કસર જ ન છોડી!

તો પછી આ એકલી સ્ત્રી કઈ હિંમત પર જીવી ગઈ? એવાં તે કેવાં કામ કર્યાં કે એણે લોકોનાં દિલો પર આજ સુધી રાજ કર્યું? એક સામાન્ય કુટુંબની દીકરીમાં એવા તે કેવા ગુણોનો ભંડાર હતો કે ચકોર નજરે એને પારખનારા સસરાએ પોતાની પુત્રવધુ બનાવવા એના પિતા આગળ માંગુ નાંખ્યું? અમે ચારેય આ સંગ્રહાલયને જોઈને એટલાં ખુશ થઈ ગયેલાં કે જાણે રાણી જો ત્યાં હોત તો એમની સાથે બહુ બધી વાતો કરત ને એમની પાસેથી મેનેજમેન્ટના કેટલાય પાઠો શીખી લેત! હવે શું કામ? એવું થોડું વિચારાય? આ રાણી પાસે એટલું ન શીખીએ તો કામનું શું? ખરી વાત ને?(આવતા અંકમાં મહારાણીની મહાનતાની વાતો સાથે ફરી મળીએ.)



(તસવીરો બદલ ગૂગલનો આભાર.)