લેબલ પ્રસંગ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પ્રસંગ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, 27 માર્ચ, 2019

બૂફેમાં ટિફિન

આ વરસે એક અજબ કંકોતરી આવી. ‘ફલાણાં ઢીંકણાંના અમુક તમુક ભણેલા સુપુત્ર સાથે, ફલાણાં ઢીંકણાંની (અમુક તમુકમાં એકાદ ડિગ્રી વધારે કે ઓછીવાળી) સુપુત્રીનાં લગ્નમાં અમારા આમંત્રણને માન આપી શોભામાં અભિવૃધ્ધિ કરવા જરૂરથી પધારશો. યાદ રાખીને કુટુંબદીઠ ચાર જણનું ભોજન ભરાય એવું ટિફિન લેતા આવશો. હજાર રુપિયા ચાંદલો ફરજિયાત છે. ખાસ નોંધ–ચાંદલાની રસીદ આપનારને જ ટિફિન ભરી આપવામાં આવશે.’ 


આદત મુજબ ઘરમાં અમે પહેલાં આશ્ચર્ય અને પછી આનંદ સાથે કંકોત્રીની ચર્ચા કરી અને હિસાબ માંડ્યો. ધારો કે, હજાર રુપિયામાં ચાર જણ જમી આવે અને ચાર જણનું ટિફિન ભરતાં આવીએ તો જલસા જ જલસા થઈ જાય. પાર્ટી જોરદાર છે એટલે આવું એમને હજાર રુપિયામાંય પોસાય. બાકી આજે તો હજાર હજારની એક એક ડિશ થઈ ગઈ છે ત્યાં આવા ઉદાર બનવું આમને જ પોસાય. પહેલાં વિચાર કર્યો કે બહારગામથી એકાદ બે સગાંને પણ બોલાવી લઈએ, પછી માંડવાળ કર્યું કે મીઠા ઝાડનાં મૂળિયાં ન ઉખેડાય. જોકે, સરસ ભપકાદાર કપડાં સોહાવીને હાથમાં ટિફિન લઈને જમવા જવાનું જચ્યું નહીં પણ સામે બે ટાઈમના જમણની લાલચ હતી એટલે ટિફિનને એક સરસ ડિઝાઈનર થેલીમાં લઈને અમે તો ગયાં ભવ્ય લગ્નના ભવ્ય જમણવારમાં.

મોટા શણગારેલા પાર્ટી પ્લોટમાં આદત મુજબ અમે સમયસર જ પહોંચી ગયા. (ક્યાંક ખાલી ટિફિન લઈને પાછા ન ફરવું પડે!) દૂરથી જોયું તો સ્ટેજ પર લાંબી લાઈન લાગેલી. અરેરે! આપણાંથી વહેલા આવવાવાળા પણ છે? બધાના હાથમાં જ મોટા ડિઝાઈનર થેલા દેખાયા. હજાર રુપિયા ચાંદલો ફરજિયાત હતો એટલે ગિફ્ટ કે બૂકેની ઝંઝટમાં કોણ પડે? સગાંવહાલાં કે મિત્રોને નજરઅંદાજ કરીને અમે તો લાઈનમાં જઈ ઊભા. સૌને ઉતાવળ હોવાથી સ્ટેજ પર તો ઝપાટામાં શુભેચ્છાઓ સાથે કવર અપાઈ જતા ને ઝપાટામાં સ્માઈલના ખડકલા થતા ને ફટાફટ ફોટા ખેંચાવીને સૌ રવાના થતા. અમે પણ ઉતાવળમાં જ હતાં ને?

સ્ટેજ પરથી ઊતરીને હોંશે હોંશે જમવા ને ટિફિન ભરાવવા ગયાં તો ત્યાં અમારી ને કદાચ સૌની નવાઈ વચ્ચે ફક્ત ભોજનની વિવિધ વાનગીઓના લાઈનસર ટેબલ અને પીરસણિયા જ હાજર હતા. ત્યાં જમવા બેસવાની કોઈ વ્યવસ્થા જ નહોતી! લોકો પણ લાઈનમાં ડિશ લેવા કે ડિશ લઈને  કે પછી ઊભા રહીને જમતાં કે આમતેમ ફાંફાં મારતાં પણ ન દેખાયા! પાણીની વ્યવસ્થા પણ કશે નજરે ન ચડી. કચરાપેટીઓ પણ ગાયબ! શું હજી જમણવાર ચાલુ નથી થયો? તો લોકો જમશે ક્યારે ને ટિફિન ભરાવીને લઈ ક્યારે જશે? અમારી જેમ જ બીજા મહેમાનો પણ આમતેમ ફાંફાં મારતાં દેખાયા. પૂછે પણ કોને?

આખરે થોડી હિંમત ભેગી કરીને એક ટેબલે અમે પહોંચ્યાં.
‘ભાઈ, અહીં જમવાનું ક્યારે શરૂ થશે?’
‘સર, અહીં જમવાનું નથી રાખ્યું. ખાલી ટિફિન ભરીને જ લઈ જવાનું છે. તમે કોઈ પણ ટેબલે જઈને તમને જે જોઈએ તે ટિફિનમાં ભરાવી લો.’

ઓહ! આ નવું! ગજબ કે’વાય! ધીરે ધીરે મગજમાં ટિફિન ને હજારના ચાંદલાનો તાળો બેઠો. અચ્છા એમ વાત છે ત્યારે. અહીં જમવાનું નહીં એટલે એનો સીધો અર્થ એ થાય કે હજારમાં ચાર જણે જ જમવાનું છે! આ તો યજમાનને અને મહેમાનને પણ બહુ બધી ઝંઝટમાંથી મુક્તિ. ન કોઈએ ડિશ માટે, ભોજન માટે કે આઈસક્રીમ ને મુખવાસ માટેની લાઈનમાં ઊભા રહેવું પડે, ન કોઈનાં કપડાં બગડે, ન કોઈ વચ્ચે ટપાટપી થાય કે ન કોઈ ઝુંટમઝુંટ થાય કે ન અંદરઅંદર પંચાત કે બોલાચાલી થાય. ટિફિન ભરાવો ને ચાલતાં થાઓ. દિવસોના થાકેલા યજમાને પણ અમસ્તાં અમસ્તાં લોકોને ‘આ લો ને પેલું લીધું કે નહીં? અરે ઓ ભાઈ, આમને માટે રસમલાઈ લઈ આવ તો જલદી.’ એવા કોઈ આગ્રહ કરવા ચકરડાં મારીને થાકવાનુંય નહીં.

ન તો પ્લોટમાં ટીશ્યૂ પેપરના ડૂચા ને પ્લાસ્ટિક ગ્લાસનું વધારાનું ડેકોરેશન થાય, ન વેરાયેલી વાનગીઓની ગંદકી થાય, ન કીચડ થાય કે ન કોઈ જાતનો શોરબકોર થાય. ઓછા માણસોમાં કામ પણ ઝડપથી થાય અને મહેમાનો પણ ગરમ ગરમ ખાવાની ઉતાવળમાં વહેલા જ ઘરભેગા થઈ જાય. માન્યું કે, હજાર રુપિયામાં આ ટિફિન મફત જ કહેવાય પણ એની સામે ફાયદા ગણ્યા કે નહીં તમે? જે ભોજનસમારંભમાં મહેમાનો આવતા જ રહે, આવતા જ રહે અને યજમાનો કંકોતરીના વાયદા મુજબ રાહ જોતા જ રહે...જોતા જ રહે તે સારું કહેવાય? મહિનાઓની તૈયારીથી થાકેલા લોકો રાહ જોતાં હોય કે, ‘હાશ આજે પત્યું હવે.’ ત્યારે એક જ દિવસમાં એમને ફક્ત જમવા ખાતર અધમુઆ કરવા એ તો ખોટું કહેવાય. ઘરે જઈને પણ આરામથી જમાય ને?

અમને તો આ ટિફિન સર્વિસ ગમી ગઈ, તમને?

રવિવાર, 12 એપ્રિલ, 2015

ચટપટું કવિ સમ્મેલન

વર્ષોથી સુરતમાં ફરસાણ અને મિષ્ટાન્ન વેચતા અને સુરતી પ્રજાને મોજમાં રાખતા દુકાનદારોએ ભેગા મળી એક કવિ સમ્મેલનનું આયોજન કર્યું. આ સમ્મેલનમાં શહેરના કવિઓને નહીં બોલાવવાના પણ... જે ફરસાણ અને મિષ્ટાન્ન ખાઈને શહેરના કવિઓ વર્ષોથી સ્ટેજ ગજાવે છે, તે જ ફરસાણ–મિષ્ટાન્ન બનાવનાર દુકાનના માલિકોનું એક કવિ સમ્મેલન કરીએ તો કેવું ? શું એ લોકો કવિતા ન કરી શકે ? ગાઈ ન શકે ? જો એ લોકો કંદ જાણે તો છંદ ન જાણી શકે ? ડાયરીમાં હિસાબની સાથે શાયરી ન લખી શકે ? બસ, આ જ વિચાર ફ મિ સંઘના પ્રમુખને આવતાં એમણે તાત્કાલિક એક મીટિંગ બોલાવી. સૌને પોતપોતાની આવડત કે દુકાનને અનુરૂપ બે–ચાર સ્વાદિષ્ટ, મસાલેદાર અને મીઠીમીઠી કવિતાઓ લઈને કવિ સમ્મેલનમાં હાજર રહેવા જણાવી દીધું.


સાંજ સુધીમાં તો બધાએ પોત–પોતાની દુકાનો વધાવી લીધી ને ઝપાટાભેર ઉપડ્યા ઘેર તૈયાર થવા. ડિઝાઈનર કુર્તા ને ધોતિયાં પહેરેલા દુકાનદારો એકબીજાને ઓળખવામાં ગોથાં ખાતા હતા. ખભે નેપ્કિન ભેરવવાની આદતને કારણે એમને ખભે શાલ કે ખેસ ભેરવવો ફાવતો નહોતો, છતાંય એમનો વટ તો પડતો જ હતો. સુરતના સાહિત્યરસિકો પણ શહેરના નવા કવિઓને પ્રોત્સાહન આપવા હાજર થઈ ગયા હતા. સ્વાભાવિક છે કે, જાણીતાં કવિઓ તો ત્યાં હાજર હોવાના જ.

પ્રમુખશ્રી જોષી જટાશંકર મનજીભાઈ ભજિયાવાળાએ સૌનું તેલ નીતરતું–સૉરી, સ્નેહ નીતરતું સ્વાગત કર્યું. સૌએ વઘારમાં રાઈ તતડે એમ તડતડાટ તાળીઓથી પ્રમુખને વધાવી લીધા. ‘આપણે સૌ આ કવિ સમ્મેલન દ્વારા સૌને બતાવી આપવા માગીએ છીએ કે, આપણને ફક્ત ભજિયાં કે મીઠાઈના સાહિત્યની જ નથી ખબર પણ જેને સાહિત્ય કહેવાય તેવી કવિતાઓની પણ એટલી જ ખબર છે. બીજાં બધાંને થશે કે, આ લોકોને વળી ક્યારથી કવિતામાં રસ જાગ્યો ? તો એમને ખાસ જણાવવાનું કે, વર્ષો પડીકાં વાળતાં વાળતાં નજરે ચડી જતી કવિતાઓ ને શાયરીઓ વાંચવાની આદતે અમને પણ કવિ ને શાયર બનાવી દીધા ! તમારી જાણ ખાતર જાહેર કરું છું કે, અમને કવિતા કરવી જરાય અઘરી નથી લાગી. જો આ સમ્મેલન સફળ જશે તો–જોકે જશે જ એમાં કોઈ શંકા નથી, તો અમે પણ દરેક તહેવારે આવાં સમ્મેલનો કરતાં રહીશું.

અહીં હાજર રહેલા અન્ય શ્રોતાઓ અને કવિમિત્રો અમારા સમ્મેલનને સફળ બનાવવા પોતાનો જોરદાર તાળીફાળો આપે એ જ પ્રાર્થના છે. સમ્મેલન પછી અમારા તરફથી ભોજનની વ્યવસ્થા રાખી છે જેથી અડધા કાર્યક્રમે કોઈ નાસી ન જાય. આ અમારો પહેલો જ પ્રયત્ન હોવાથી સુરતની જૂની ને જાણીતી દુકાનોના વડીલોને જ પહેલો ચાન્સ આપ્યો છે. બધાનો વારો આવશે એટલે કોઈએ મરચાં કે ધાણીની જેમ ફૂટવાનું નથી. આપણી એકતા બતાવવાનો આ મીઠો ને મસાલેદાર પ્રયાસ છે. શરૂઆત હું મારાથી જ કરું છું.’

જોશમાં આવેલા જોષીકાકાએ કવિતાની બે લાઈનો કડાઈમાં ભજિયાં સરકાવે એમ ગળામાંથી સરકાવી. (પત્નીને જાહેરમાં સૂચના)
                ‘સખી, હદથી વધારે વાત ન કર,
                આંખ ઝીણી કર, ચંચુપાત ન કર.’
તરત જ બાજુમાં બેઠેલા હરિવર પેટિસવાળા શ્રીમાને  જવાબમાં બે તજની લાકડી ફટકારી.(હરીફને કહેવાનો મોકો ક્યારે મળે ?)
                ‘એકમાં પણ ઘણું કમાશે તું,
અમથા ધંધાઓ પાંચ સાત ન કર.’
ગંગાદાસ ઘારીવાળાને થયું કે, વાત આડે પાટે જવાની કે હું ? એમણે તરત જ ઘારી વિશે બે લાઈનો ઘીમાં ઝબોળી દીધી.
                ‘ઘારી, ઉર્ફે પૂરી, ઉર્ફે માવો, ઉર્ફે ભરી દેવાની ઘટના ઉર્ફે
ઘટના એટલે ઘારી એટલે ખાવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે...
આબુભાઈ મીઠાઈવાળાને પણ ચાનક ચડી.
                ‘તળવું, ખાવું, તળવું, ખાવું;
ભૂસું શું છે ? મરચાં શું છે ?
દિલનું કળવું ? બિલનું ભરવું ?
સોહનની મીઠાઈવાળા પણ કંઈક આપવાનું નક્કી કરીને બેઠેલા.(વૅરાયટી રાખવી પડે ને ?)
                ‘અગર આ સૌ પસંદ આવે નહીં તો છેવટે ‘સોહન’
                હું બીજાની ખુશી માટે શિખંડની ભેટ આપી દઉં.’
વળી, મઢીની મશહૂર ખમણીવાળા કેમ બાકી રહે ? એક દિવસ ખમણીમાં મરચાની કાતરી ચાવી ગયેલા ઘરાકને જોઈને યાદ આવી ગયેલી બે લાઈન એમણે ભરી સભામાં લલકારી કાઢી.
                ‘એક માણસ ક્યારનો આંસુ લૂછે છે બાંયથી,
                આપણાથી તો ત્યાંય રૂમાલ દેવાતો નથી.’
અને મોટે ભાગે દુકાનોમાં થેલીઓ લઈને આવતા ગ્રાહકોને જોઈને તો દુકાનદારોને બીજું શું સૂઝે ?
                ‘બધી થેલીઓને ખીંટી ઉપર ટાંગી જુઓ સાહેબ !
તમારા મનને એનાથી અલગ રાખી જુઓ સાહેબ !’
વળી,
‘અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,
પરંતુ કોણ લઈને જઈ શક્યું તાવડો ઊઠાવીને ?’

તાળીઓના ગડગડાટથી નવોદિત કવિઓને સહુએ વધાવી લીધા. (વધાવવા જ પડે ને ? શહેરનું શ્રેષ્ઠ ભોજન એમની રાહ જોતું હોય ત્યારે તેલમાં તળેલી કે ઘીમાં ઝબોળેલી કવિતાઓની પણ પરેજી ન રખાય.)

એકંદરે સુરતીલાલાઓને તો જલસા થઈ ગયા. કવિઓને પણ થયું કે, ભલે ને આપણી બે બે લાઈનો ચોરતાં, તોડતાં ને મરોડતાં પણ અંતે તો હેમનું હેમ હોયે !

રવિવાર, 19 ઑક્ટોબર, 2014

ઘૂઘરા જેવો સ્વભાવ

દિવાળીના આ એક અઠવાડિયામાં તો આપણે, સાપ કાંચળી ઉતારે એમ બધું જૂનું, સડેલું, ફાટેલું, તૂટેલું ત્યાગીને નવો અવતાર ધારણ કરવાનાં હોઈએ એટલા ઉત્સાહમાં થનગનતાં હોઈએ. ફક્ત બહુ મથવા છતાં કે ફાંકો રાખવા છતાં કે લોકોને સલાહ આપવા છતાં ને નવા વરસે સંકલ્પો લીધા છતાં, પોતાના સ્વભાવને રવાના કરી શકતાં નથી ! જે હોય એનાથી જ ચલાવી લઈએ. એટલે જ જાતજાતની ઉપમા આપી શકીએ એવા વૅરાયટીવાળા સ્વભાવો આપણને મળી આવે.


શરૂઆત આપણે શ્રીફળ વધેરીને એટલે કે, શ્રીફળ જેવા સ્વભાવની વાત કરીએ તો ક્રોધી વ્યક્તિ વિશે એ પોતે જ કે પછી એનાં વહાલાંઓ કહેતાં હોય, ‘એ તો બહારથી એવા દેખાય બાકી અંદરથી તો બૌ સારા, એમના મનમાં કાંઈ નો મલે.’(!) બહારથી એવા એટલે કેવા ? બીજાનાં છોડાં ફાડી નાંખે ને માથું ફોડી નાંખે એવા કે પછી કોઈ એમનાં છોડાં કાઢે કે માથું ફોડે ત્યારે પરચો બતાવે તેવા ? એ તો માથું ફૂટે ત્યારે ખબર પડે !

ઘણાનો સ્વભાવ અગરબતી કે દીવા જેવો હોય ! પોતે બળે ને બીજાને સુગંધ કે અજવાળું આપે. કોઈ દિવસ જોયું કે, બીજાનું સારું જોઈને કોઈ બળતું હોય કે જલતું હોય ત્યારે એના મોંમાંથી અમૃતવચનો નીકળતાં હોય ? ખુશીથી ચહેરો ચમકતો હોય ? ઉલટાનું એવા સમયે તો, પોતે બળે ને સાથે બીજાને બી બાળે અથવા છીંકાવે ! ઘણી વાર તો ઊભા ને ઊભા સળગાવી કાઢે ! વળી, ઘણાં તો આ બળવાનો લહાવો પોતે જ લીધે રાખે. ભઈ, બીજાને પણ કોઈના માટે ઘસાવાના કે બળવાના મોકા આપો. ટ્રેઈનિંગ આપો ને એકબીજાના ઘરમાં સુગંધ કે રોશની ફેલાવવાનો જશ બીજાને પણ મળે એવા પ્રસંગો ઊભા કરો. (દિવાળીમાં કંઈ નહીં તો મારી જેમ સલાહો આપો.)

પૂજા થઈ ગઈ. હવે ખાવાની વાત. દિવાળીમાં જે ખાસ ખાસ નાસ્તા બને છે એની પાછળ એક ચોક્કસ ગણિત રહેલું છે. આપણે તો બે ચાર નમૂના જ જોઈએ.

ચકરી જેવો સ્વભાવ. એક વાતની પાછળ મંડી રહીને તેનો અંત આવે ત્યારે જ પીછો છોડવો અથવા તો લીધેલી વાત પૂરી કરવા ગોળ ગોળ ફર્યા કરવું અથવા પોતે કેન્દ્રમાં રહી બધાંને ગોળ ગોળ ફરતાં કરી દેવા ! તેલમાં તળાતી કે જમીન પર ફરતી ચકરી જોઈને મને આવા લોકોની યાદ કે દયા આવી જાય. જોકે, ચકરી સૌને પ્રિય હોય છે, જો એ દાંતતોડ ન બની હોય તો !

બુંદીના લાડુ. ઘીમાં તળાઈને ચાસણીમાં નીતરેલી બુંદીને જ્યારે થાળીમાં પથરાયેલી જોઉં ત્યારે મને, વેકેશનમાં રમવા નીકળી પડેલાં બાળકોની યાદ આવી જાય. વડીલોના પ્રેમની મીઠાશ જ્યારે એમને બે હથેળીમાં સમાવીને એક સૂત્રે બાંધી દે ને દિવાળીમાં ઘરમાં ગોંધી દે કે ખોળામાં ઢબૂરી દે....બસ એ જ પ્રેમની દિવાળી. પણ, એ જ મીઠાશ ને એ જ પ્રેમ હવે જવલ્લે જ જોવા મળે છે કારણ કે, હવે બુંદીના લાડુ જ બનતા ઓછા થઈ ગયા.

મઠિયા ને ચોળાફળી. (સુરતમાં ચોરાફરી બોલાય.) મોંમાં જતાં પહેલાં બહુ જ અથડાઈને–કુટાઈને–ટિચાઈને આખરે ગરમ ગરમ તેલમાં તળાયા પછી, મનભાવન દેખાવ ને નાકમાં દૂરથી પેસી જતો મઘમઘાટ પામી શકે છે. ઘણાંનો સ્વભાવ એમનાં કપાળની કરચલીઓમાં કે બારણે ઊભી રહેલી ગાડીઓમાં દેખાઈ આવે છે.

દિવાળીના નાસ્તાઓમાં ઘરમાંથી વિદાય લઈ રહેલી ને પેકેટમાં પાછી ફરતી આ બધી વાનગીઓમાં એક જ વાનગી એવી રહી ગઈ છે, જે  ઘરના જેવી તો ન જ બને પણ બધાંનાં ઘરમાં બને જ બને. તે છે ઘૂઘરા. ઘૂઘરામાં ખાંડવા–કૂટવાની માથાકૂટ નહીં. ફક્ત યોગ્ય પ્રમાણમાં સાંજો તૈયાર થયો હોય, કાળજીથી બનેલી પૂરીમાં ઢંકાયો હોય ને સુંદર કાંગરી વડે ઘૂઘરો જો શણગારાયો હોય તો બસ. ગળામાં લસરાવવાની જ વાર. કદાચ ઘૂઘરાના આકારની પ્રેરણા, પહેલો ઘૂઘરો બનાવનારને આપણી આંખના આકાર ને પાંપણની ઝાલર પરથી મળી હશે !  

ઘૂઘરામાં જોકે મીઠાશ મળવાની ગૅરંટી. વળી ઘીમાં બનતા હોવાથી અને સાંજામાં વિવિધતા હોવાથી મોંમાં મમળાવીને ખાધા બાદ સો ટકા સંતોષની પણ ગૅરંટી. ભલે કોઈ પોલા હોય કે ખખડતા હોય પણ ઘૂઘરા એટલે ઘૂઘરા. (ઘૂઘરા જેવો સ્વભાવ એટલે જ કદાચ સૌને પ્રિય છે.) કદાચ કોઈ ખામી હોય તો તે પણ ડબ્બીમાં બંધ હોવાથી કોઈને દેખાતી નથી. ડિશમાં મૂક્યા હોય તો, ચોળાફળી કે મઠિયાંની જેમ પહોળા થઈને, પથરાઈને, ડિશ રોકીને બેસી નથી જતા. બીજાઓને પણ પ્રેમથી જગ્યા કરી આપે છે. ખાસ કોઈને ભારે પડતા નથી અને ઘૂઘરા બનાવવા માટે બીજા કોઈની ઉપર આધાર પણ રાખવો પડતો નથી. કોઈને આજીજી કરવી પડે કે બનાવવાનું જ માંડવાળ કરવું પડે એવું ઘૂઘરાના કિસ્સામાં ભાગ્યે જ બને.

‘ઘૂઘરા બનવું’નો એક અર્થ થાય છે ખુશખુશાલ થવું, ખુશખુશાલ બનવું કે ખુશખુશાલ રહેવું. લો, આ તો બધી વાતનો સાર એક જ વાક્યમાં આવી ગયો. એટલે હવે કોઈ પૂછે કે, ‘કેમ છો ?’ તો.... ?



તો કહેવું કે, ‘ઘૂઘરા જેવા.’ કોઈના સ્વભાવ વિશે કહેવું હોય તો ? ‘અરે, એમનો સ્વભાવ તો ઘૂઘરા જેવો છે.’ હવે દિવાળી સિવાય પણ આપણે ઘૂઘરાને બારે માસ યાદ રાખી શકીએ ને એનો યથાયોગ્ય પ્રચાર પણ કરી શકીએ. ચાલો આપણે ઘૂઘરાનો જયજયકાર કરીએ. ‘જય ઘૂઘરા’.            

રવિવાર, 12 ઑક્ટોબર, 2014

દિવાળીના કામની ધાડ

દશેરાના જલેબી–ફાફડા અને ચંદની પડવાના ઘારી–ભૂસામાંથી મેળવેલા સંતોષની સામે, શરીરમાં જમા થયેલી ચરબીનો હું હિસાબ માંડવા જ બેઠેલી કે બારણે પતિદેવ પધાર્યા ! હાથમાં એક નાનકડી સીડી ! સ્વર્ગની સીડી આટલી નાની ? અરે વાહ ! તો તો સ્વર્ગ હવે હાથવેંતમાં ! હું હંમેશાં આવા જ વિચારે ચડી જતી હોઉં ને પતિદેવની ગણતરી કંઈક જુદી જ હોય. ઘરમાં દાખલ થતાં જ એમને પોતાનો માલિકીભાવ યાદ આવી જાય.


 ‘આમ બાઘાની જેમ મારી સામે જોયા નહીં કર. આ સીડી લે ને બાજુએ મૂકી દે.’ એ તો પોતે પણ મૂકી શકે ને ? જે માણસ બજારમાંથી ઘર સુધી સીડી લાવી શકે, તે માણસ ઘરમાં આવતાં જ કેમ પોતાની જાત પરનો વિશ્વાસ ગુમાવી બેસતો હશે ? ઘરમાં દાખલ થતાં જ અચાનક એને એમ થઈ જાય કે, આ સીડીનો ભાર હવે મારાથી નહીં ખમાય. કદાચ મને ચક્કર આવી જશે અથવા મારાથી સીડીનો ગમે ત્યાં ઘા થઈ જશે. હાથે કરીને ઉપાધિ વહોરવી એના કરતાં પોતાનો ભાર બીજાને સોંપી દેવો.

મને તો સીડી જોઈને જ એટલું બધું આશ્ચર્ય થયેલું ને કે, ચા–પાણી પૂછવાનું ભૂલી હું સીડી વિશે જાણવા તત્પર બની.

‘કોઈ દિવસ નહીં ને આજે સીડી લાવ્યા ?’
‘દિવાળીની સાફસફાઈ કરવાની છે કે નહીં ?’
‘પણ એમાં સીડી લાવવાની શી જરૂર ? દર વર્ષે તો હું ટેબલ પર ચડીને જ સાફસફાઈ કરું છું ને ? હજી તો વાર છે. દિવાળીના કામની એવી તે શી ધાડ ? જોજો ને, બે દિવસમાં તો ઘર સાફ.’ કોઈની રાહ જોવાની એના કરતાં મેં મારાં જ વખાણ કરી લીધાં.
‘આ વખતે ઘરની સાફસફાઈમાં હું તને મદદ કરવાનો છું એટલે, સમજી ?’
મેં મારા હાથ પર ચીમટો ભર્યો કારણકે નાની અમથી ચૂંટી ખણવાથી કામ નહોતું ચાલવાનું.
‘તમે....? ને મદદ ? મશ્કરી સમજીને જવા દઉં છું.’
‘ના ના, સિરિયસલી. જો આટલા ફોન નંબર તું પહેલેથી જ લખીને સામે મૂકી રાખ. જો અચાનક જ જરૂર પડે તો ગભરાઈ નહીં જતી. લખ–પોલીસ સ્ટેશનનો નંબર, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, ફૅમિલી ડૉક્ટર અને આ નજીકની હૉસ્પિટલનો નંબર છે.‘
‘હવે પહેલી વાર દિવાળીમાં ઘરમાં મદદ કરવાનો વિચાર કર્યો તેમાં પણ આટલો ડર ? અમે તો વર્ષોથી ઘર સાફ કરીએ છીએ. ડેટોલ અને બૅન્ડ એઈડ સિવાય કોઈની જરૂર નથી પડી. સીડી લાવ્યા તે બદલ ધન્યવાદ અને તમારા શુભ આશય બદલ પણ હું તમારી ઋણી છું, પણ તમે દર વખતની જેમ આરામ કરજો અથવા બે–ચાર ફિલ્મો જોઈ નાંખજો. ઘર અમે સાફ કરી નાંખશું.’
‘જો, મેં અઠવાડિયાની રજા લીધી છે. નજીકની લૉજમાં ટિફિન પણ નોંધાવીને આવ્યો છું. આ વખતે તો હું ઘર સાફ કરીને જ રહીશ. જોઉં તો ખરો કે, તમે એવી તે કેવીક ધાડ મારો છો કે, દર વર્ષે દિવાળીના દિવસો પહેલાંથી જ મને બીવડાવી–બીવડાવીને અધમૂઓ કરી નાંખો છો ! આપણે આ વખતે સહિયારી સાફસફાઈ કરશું. તું જાળાં પાડજે, હું કચરો વાળીશ. તું લાદી ઘસજે, હું પાણી રેડીશ. તું ફર્નિચર ચમકાવજે, હું ગોઠવવા લાગીશ. જો, ના નહીં પાડતી. મને આ વખતે મદદ કરવા દેજે.’

મનમાં બધું વિચારતાં મને તો ખૂબ મજા પડતી હતી. ભારે ગમ્મત થવાની. ચાલો, આટલો આગ્રહ કરે જ છે તો હું પણ પાણી માપી જ લઉં. મેં એમનો આભાર માન્યો અને બીજા દિવસથી વહેલા ઊઠીને કામે લાગવાનું છે તે જણાવી દીધું.

મારી નવાઈ વચ્ચે બીજા દિવસે તો એ સવારની ચા ને છાપું લઈને હાજર ! હું તો ખુશી ખુશી ચાનો કપ લેવા ગઈ તો ભોંઠી પડી !
‘આ તો મારી ચા છે, તું તારી મૂકીને પી લે. આજે તને મારી ચા મૂકવામાંથી છુટ્ટી.’
‘મેં તો કાયમ આપણી ચા મૂકી છે. ક્યારેય તારા–મારા ભેદભાવ નથી રાખ્યા. આવું કરવાનું ?’
‘સૉરી, તું કાલથી આપણી ચા મૂકી દેજે બસ ?’

દિવાળીના કામમાં કોઈ અપશુકન કરવા માંગતી ન હોવાથી મેં મારી ચા મૂકીને પી લીધી.

‘ચાલો હવે, વહેલા પરવારો. કયા રૂમથી શરૂ કરવાનું છે ?’
અચાનક જ પૂછાયેલા નવા સવાલથી મને નવાઈ લાગી. મેં મનને સ્થિર કર્યું. પહેલી વાર જ આવો ચાન્સ મળ્યો છે ને ઘડી ઘડી મળે કે કેમ તે મને ખબર નથી. લેવાય તેટલો લાભ લઈ લેવાના ઈરાદે મેં એમને સીડી રસોડામાં ગોઠવી આપી.

‘ચાલો, આજના શુભ મૂરતમાં સફાઈકામની શરૂઆત કરો. સીડીનું ઉદ્ઘાટન તમારા જ પવિત્ર પગ વડે કરો એવી મારી ઈચ્છા છે. રિબિનક્રિયા કરવી છે કે ચાલશે ? કોઈને આ સમારંભમાં બોલાવવા છે ?’

મારી સામે ડોળા કાઢી કોઈ યુધ્ધ જીતવા જવાના હોય એમ, એ તો તલવારની જેમ એક હાથમાં ઝાડુ પકડી બીજા હાથે સીડીનો સહારો લઈ સડસડાટ સીડી પર ચડી ગયા. છેલ્લે પગથિયે પહોંચ્યા તો ખરા પણ શું કરવું તે સમજાયું નહીં !

‘હવે ?’ મારી સામે એમણે પ્રશ્નાર્થ નજર ફેંકી. હાથમાં ઝાડુ પકડેલા પતિદેવ એવા તો શોભતા હતા કે, હું મારી નજર એમના પરથી હટાવી ન શકી.
‘હવે જ્યાં જ્યાં જાળાં દેખાય છે, ત્યાં ત્યાં સમરાંગણમાં ઘુમતા કોઈ યોધ્ધાની જેમ ઝાડુ ઘુમાવવા માંડો એટલે, દુશ્મનના માથાંની જેમ ટપોટપ જાળાં પડવા માંડશે.’ મેં કોઈ સૈનિકપત્નીનો ધર્મ નિભાવ્યો ને એમનામાં યુધ્ધ જીતવાનું જોશ ઊમેર્યું.

એમણે તો ઉત્સાહમાં આવીને ચારે બાજુ ઝાડુ ઘુમાવવા માંડ્યું. એમ કરવામાં એક ખૂણે એ જરા વધારે પડતા નમી ગયા ને થવાકાળ થઈને રહ્યું. એમનો એક પગ હવામાં અધ્ધર અને બીજો પગ સીડી પર જ ધ્રુજવા માંડ્યો. સીડીએ પણ એમને સાથ આપવા નમતું જોખ્યું અને એ સાથે જ હવામાં ને ઘરમાં (કદાચ આડોશપાડોશમાં પણ !) ઓ...ઓ...ઓ...ની એક ઘેરી–ઘોઘરી ચીસ ફરી વળી. પછી ?

બસ. પછી કંઈ નહીં. ન તો એમ્બ્યુલન્સની જરૂર પડી કે ન તો ડૉક્ટરની કે ન પોલીસ કે ફાયરબ્રિગેડની ! મેં તો સીડીને જોશભેર પકડી રાખેલી એટલે એમ તો સીડીને પડવા શેની દઉં ? મેં તો હતું તેટલું જોર લગાવીને સીડીને ધીરે ધીરે સીધી કરી. (કોઈને સીધા કરવાની ટેવ કામ આવી.) નમેલી સીડી, નમેલા પતિ સમેત મૂળ જગ્યાએ પાછી ફરી. એ તો વહેલા વહેલા સીડીના ચા....ર પગથિયાં ઊતરી ગયા અને શ્વાસ ખાવા આગલા રૂમમાં જઈ બેઠા. મેં એમને સાંત્વનની સાથે પાણી આપ્યું.

થોડી વાર પછી એ ફોન પર કોઈને કહી રહ્યા હતા, ‘ભાઈ, આ દિવાળીની  સાફસફાઈનું કામ તો આ લોકો જ કરે, આપણું એમાં કામ નહીં. મારી તો આજે બહુ મોટી ઘાત ગઈ.’

મારો ઉલ્લેખ સુધ્ધાં નહીં ? મેં બચાવ્યા એનું કંઈ નહીં ? જવા દો. પેલા સત્યવાને જો સાવિત્રીને ફક્ત ‘થૅંક્સ’ જ કહ્યું હોત તો આજે પણ એ પ્રથા ચાલુ રહેત !

રવિવાર, 14 સપ્ટેમ્બર, 2014

બદમાશ કોણ ?

બાળકને હંમેશાં ભગવાનનું રૂપ માનવામાં આવે છે. તેથી જ બાળક જેટલું પ્યારું, મનોહર, ભોળું, નિર્દોષ અને જાતજાતના ગુણોથી ભરપૂર બીજું કોઈ હોતું જ નથી અથવા કોઈ હોઈ જ ના શકે. છતાં....એ જ બાળકને રમાડતી વખતે એના જેટલું લુચ્ચું ને બદમાશ બીજું કોઈ હોતું નથી ! માનવામાં નથી આવતું ? તો જુઓ, આ લોકો કેવી રીતે બાળકને રમાડે છે ? અને ખાસ, રમાડવા જાય ત્યારે તો...!


ધારો કે, બાળક ‘બાબો’ છે ને બાબાનું નામ અભય છે. બાબાના મામી રમાડવા આવ્યાં છે.
‘શું નામ પાડ્યું પછી બાબાનું ?’ (જાણી જોઈને પૂછે ! વહેવાર !)
‘અભય.’
‘અભય ? અરે વાહ ! સરસ નામ છે. લાવો જોઉં, એને મારા ખોળામાં આપો. અલેલે... આવતો લે... જો તોન આઈવું ? હું તો તાલી મામી થાઉં... મામી...હં કે...અ  ભ..ય...અભુ...માલો અભલુ....હાલુલુલુ....હછી હછી કલો.... હમ્મ્...અલે અલે..લલવાનું નહીં....જો જો, જો તો, કેવું બીબું તાણે છે ! બદમા..શ ! નહીં નહીં, તને નહીં હં...તને નહીં. તું તો માલો ડાહ્યો બેટો છે ને ? બદમાશ તો આ તાલી મમ્મી છે. મમ્મીને હત્તા...હત્તા..બછ ? ચાલો હવે આલી આલી કલી જાઓ. (એમ પણ મને સૂવા સિવાય બીજું શું કામ છે? જો સૂઈ રહું તો બધાંને શાંતિ. એટલે જ, જે આવે તે બધાં મને સૂવાનું જ કહેતાં આવે ! તમે મમ્મીને હત્તા કલવાનાં ? કેટલી મજા !)

કાકી રમાડવા આવ્યાં.
‘લાલો જાગે કે ઊંઘે ?’ (ભઈ, જાગું છું. મને કોણ ઊંઘવા દે ? ને મારું નામ લાલો નથી. નામ નંઈ બગાડો.)
‘જાગે જ છે, આવો.’
કાકી ઘોડિયા તરફ જતાં, ‘બદમાશ છોકરો ! કેમ જાગે છે ? ઊંઘ નથી આવતી ? હંઅઅઅ....ખબર છે કે, આજે કાકી આવવાનાં છે એટલે...કે...મ ? ચાલો જોઉં, બા’લ નીતલો....તાતી થાથે લમ્માનાં....’ (તાતી, આપને છુ લમછુ ?)

અભયને ખોળામાં લઈને રમાડતાં, ‘અભી બેટા...., અભુ....તેમ થો ? જો હું તાલી તાતી થાઉં...તા..તી. નાની તાતી. મોતી તાતી થે ને પથી આવથે હં....તાલા માતે વાવા લેવા ધયા.’ (વાવા લેવા ? અલે વાહ ! તમે થું લાઈવા ?)
‘લાલો, રાતના રડે છે કે ?’ (તાતી, બીધુ તઈ પૂથો ને.)
‘અરે.. રાતની તો તમે વાત જ નહીં કરતાં. આખી રાત માથે લે છે. જેમતેમ જરા સૂએ ને સૂવા દે.’ (તને દિવસે સૂવાની કોણ ના પાડે છે ? વાત ઓછી કર ને.)
‘કેમ લે બદમાછ છોકલા...મમ્મીને છૂવા નથી દેતો ? આલી કલી જવાનું હં..નહીં તો મમ્મી માલછે....પપ્પા માલછે...ડાહ્યો દીકો છે ને ? ચાલો છૂઈ જાઓ જોઉં.’ (તમે મને બીવડાવો થો ? તમે ધાઓ પથી મમ્મીની વાત થે.)

બધાંની છૂવાની વાતથી કંટાળેલા અભયને લલવું આવ્યું એટલે અભયે તો જોરમાં ભેંકડો તાણ્યો. ને તાતી ઘભલાયાં !
‘નહીં..નહીં...લલવાનું નહીં. તોને માઈલું ? તોને માઈલું ? તોન બદમાછ માલા દીકાને માલે થે ? મમ્મી ? પપ્પા ? દાદી ? ચાલો, બધાંને હત્તા હં ! હત્તા...’
(વાહ તાતી ! મધા પલી ધઈ. તમે તો બધાને હત્તા કલવાના. અંઈ જ લઈ ધાઓ ને.) અભયથી હસી પડાયું.
‘જો જો...બદમાશ ! મારવાની વાત કરી તો હસવા માંડ્યો કેમ ? આ અત્યારનાં છોકરાં ! અત્યારથી જ જાણે બધું સમજી જાય !’ (ગપ્પાં નહીં મારો કાકી, હું તો એમ જ હસું છું.)

આ સાંભળીને મમ્મી પોરસાયા વગર રહે કે ?
‘અરે...અત્યારનાં છોકરાંની તો વાત જ ના થાય. આપણે બોલીએ તે બધું સમજે હં કે... ! ’(આ મમ્મી છે ને, એક નંબરની ગપોડી છે.)
ત્યાં બધી વાત સાંભળીને આવી ચડેલા પપ્પાએ મમરો મૂક્યો, ‘એમ કે ? એને જરા પૂછો તો, ‘વૉટ ઈઝ યૉર નેઈમ ?’
‘અરે, એમ કંઈ થોડું ? તમે બી ખરા છો !’ (લે, બહુ ડાહી થતી’તી ને !)
‘કેમ નહીં ? ઈંગ્લિશ તો અત્યારથી જ શીખવશું તો જ જલદી આવડશે ને ? અમે તો રોજ સવારે એને ‘ગૂડ મોર્નિંગ’ ને રોજ રાતે ‘ગૂડ નાઈટ’ કહેવાની ટેવ પાડી દીધી છે. બહાર જઈએ તો એને ‘બા...ય’ કહ્યા વગર ન નીકળીએ.’ (પપ્પા...ગપ્પાંની પણ હદ હોય ! તમે મમ્મીને બધાંના દેખતાં ચીડવશો પણ બધો ગુસ્સો પછી મારા પર નીકળશે.)


‘ચાલો છોડો એ બધી વાત ને મારા પોતરાને મારા ખોળામાં આપો જોઉં.’ દાદીએ બગડતી બાજી સુધારવાની કોશિશ કરી.
દાદીના ખોળામાં જવાની રાહ જોઈ રહેલા અભયે ખોળામાં જતાંની સાથે જ એને પવિત્ર કરી દીધો.
‘બદમા...શ ! તને જ્યારે હોય ત્યારે દાદીનો ખોળો જ મળે કેમ ? બિલકુલ બાપ પર ગયો છે. (બાપ પણ બદમાશ ?) નાનો હતો ત્યારે મારા ખોળામાં આવીને જ બગાડતો. લે વહુ, આને લે હવે ને એનાં કપડાં બદલી કાઢ, હું મારાં કપડાં બદલી આવું.’
(દાદી, તમારા ખોળામાં આવું ત્યારે મને રમાડવાને બદલે તમે દર વખતે મમ્મીને બધું યાદ કરાવવા મંડી પડો. ‘લાલાને ફલાણું આપ્યું કે ? ઢીંકણું ચટાડ્યું કે ? દવા કેટલા વાગે આપવાની છે ? નવડાવવાવાળી બાઈને આમ કહેજે ને કપડાં ધોવાવાળીને તેમ કહેજે.’ તમારું ધ્યાન મારામાં હોય જ નહીં પછી શું કરું ? થોડીક બદમાશી અત્યારથી નહીં કરું તો, ‘જમાનો બહુ ખરાબ આવવાનો છે’ એવું તમે જ બોલો છો ને ?)

બાપ રે....! જોયાં આ આજકાલનાં છોકરાં ? હવે કોઈ બાબલાને રમાડવા જાઓ તો આટલું ખાસ ધ્યાન રાખજો.

બાળક બદમાશ હોય છે !
બાળક બધું સમજે છે !
તમે જે બોલશો તેના બધા જવાબ એની પાસે તૈયાર હશે. અને છેલ્લે....
જો બાળક તોતડું બનશે તો, એની જવાબદારી તમારી પણ ગણાશે. લમાલતી વખતે તમાલે તોતલા બનવાની ધલુલ કે જલુલ નથી.