લેબલ Book સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Book સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 17 ઑગસ્ટ, 2014

એક પુસ્તકનું નામકરણ

‘પછી તમારા પુસ્તકનું નામ શું રાખ્યું ?’
‘હજી ક્યાં કંઈ ઠેકાણાં છે ?’
‘નામનાં, પુસ્તકનાં કે તમારાં ?’
‘ત્રણેયનાં. પુસ્તકનું નામ નથી વિચાર્યું એટલે પુસ્તકનાં ઠેકાણાં નથી અને પુસ્તકનાં ઠેકાણાં નથી એટલે મારાં ઠેકાણાં નથી.’
‘એક નામ વિચારતાં આટલી વાર ? હાસ્યલેખો જ છે ને ? તેમાં શું આટલું બધું વિચારવાનું ?’
‘હાસ્યલેખોનું પુસ્તક છે એટલે જ તો આંખે ને કપાળે પાણી આવી જાય.’
‘એવું તે શું ભારે નામ પાડવાના જરા કહો તો.’
‘ભારે–હલકું, હમણાં તો કંઈ સૂઝતું નથી.’
‘હું કોઈ નામ સૂચવું ?’
‘હા, પણ જોજો એમાં ‘હાસ્ય’ શબ્દ ક્યાંય આવવો ન જોઈએ.’
‘તો પછી ખબર કઈ રીતે પડે કે, આ શેનું પુસ્તક છે ? કવર પર તમારો ફોટો મૂકવાના છો ?’
‘ફોટાથી મને કોઈ આળખતું નથી અને હજી મને જોઈને કોઈ હસી પડે એવું મોં હું રાખતી નથી.’
‘ભઈ, તમે બહુ ગુંચવાડો ઊભો કરો છો. આમ નહીં ને તેમ નહીંના નિયમોમાં પાડી રહ્યા તમે પુસ્તકનું નામ. વિચાર્યા કરો બેસીને, અમારે શું ?’
‘પ્લીઝ, જરા મદદ કરો ને. એમ તો મેં પણ થોડાં નામ વિચારી મૂક્યાં છે. જુઓ એમાંથી કોઈ ચાલે કે ?’
‘ઠીક છે, પણ મને મોડું થાય છે. જલદી બોલો.’ (!)
‘મૂજી–રમૂજી’ કેવું લાગે ?’
‘જોડિયા ભાઈની વાર્તાનું શીર્ષક લાગે. એક મૂજી ને એક રમૂજી.’
‘ઓ કે, કૅન્સલ. એટલે જ તો મેં તમને પૂછ્યું. તો પછી, ‘હસતાં હસતાં લોટપોટ’ કેવું લાગે ?’
‘તમને તમારા લેખો પર એટલો બધો વિશ્વાસ છે ? શું તમે એવું માનો છો કે, તમારા લેખો વાંચીને લોકો હસી હસીને ગાંડાં થઈ જશે ?’
‘અરે વાહ ! તમે સરસ નામ બોલી ગયા. ‘હસી હસીને ગાંડાં થાઓ’. કહેવાની જરૂર જ નહીં રહે કે, આ હાસ્યલેખોનું પુસ્તક છે.’
‘એટલે તમારે લખવું/કહેવું પડે છે કે, આ હાસ્યલેખોનું પુસ્તક છે ?’
‘તે વગર મારું પુસ્તક ક્યાંથી ખપે ?’
‘ચાલો બીજાં નામ જણાવો.’
’રમૂજનો રાજા’
‘આ તો કોઈ નાટકનું નામ લાગે, પણ જો તમે ‘રમૂજની રાણી’ કે ‘રમૂજી રાણી’ રાખો તો કદાચ ચાલી જાય.’
‘તો પછી, ‘મેરા નામ જોકર’ કેમ લાગે ?’
‘ઉઠાવગીર જેવું લાગે.’
‘ગોલમાલ’ ?’
‘ફિલ્મોનાં નામ નહીં જોઈએ.’
‘વર મારો બાપ રે બાપ’ ?
‘તે આ પુસ્તકમાં ફક્ત પતિ વિષયક લેખો જ છે ?’
‘એટલું બધું મહત્વ વરને ન અપાય એટલી તો મનેય ખબર છે.’
‘એક કામ કરો. પુસ્તકના બધા લેખો પર નજર ફેરવી જાઓ. એકાદ બંધબેસતું શીર્ષક મળી જશે.’
‘એ તો મેં પહેલાં જ જોયું. એમાંથી મને એટલું શીખવા મળ્યું કે, બીજી વાર પુસ્તકનું નામ સહેલાઈથી પડી શકે એટલા ખાતર પણ, બે–ચાર લેખનાં શીર્ષક એવાં જ રાખવાં જેથી નામકરણની રાહ જોઈને પુસ્તક ને હું ટીંગાઈને બેસી ન રહીએ. લેખના એક પણ શીર્ષકમાં દમ નથી તે આજે દેખાયું !’
‘એક જાહેરાત આપી દો કે, પુસ્તકનું નામ સૂચવવા વિનંતી. યોગ્ય નામ સૂચવનારને એક કૉપી ફ્રી.’
‘અરે ! પુસ્તકની રૉયલ્ટી કરતાં જાહેરાતનો ભાવ વધી જાય તો એ પુસ્તક મને કેટલામાં પડે ?’
‘તમારી આ જ પંચાત છે.’
‘અરે વાહ ! મળી ગયું નામ.’
‘એટલી વારમાં ? હમણાં તો તમે પુસ્તકનાં નામનું રડતાં હતાં !’
‘તમે પંચાત બોલ્યા ને ? તે પરથી જુઓ, ‘પંચાત–પંચાત’, ‘પંચાત–બંચાત’, ‘કરો પંચાત’, કે ‘પંચાતમાં શું ?’ જેવું કોઈ નામ ચાલે કે નહીં ?’
‘હવે સિક્કો ઊછાળો અને વધારે પંચાત કર્યા વગર એક નામ નક્કી કરી નાંખો, પછી મને જણાવજો.’
‘ચાલો પંચાત ટળી.’
‘તમે મને કંઈ કહ્યું ?’

જોકે, પુસ્તકનું નામકરણ તો હજી બાકી જ છે. છે તમારા ધ્યાનમાં કોઈ ?

(લેખકના આગામી પુસ્તક ‘પંદરમું રતન’માંથી સાભાર.)