રવિવાર, 23 નવેમ્બર, 2014

પુરુષોનો દિવસ !


શું ખરેખર પુરુષોનો પણ દિવસ હોય છે ? પેલા મહિલા–દિનની જેમ ? કોઈ ખાસ દિવસ ? એ વળી ક્યારે હોય ? ને જો હોય તો મને કેમ ખબર નથી ? આ તો વળી, ૧૯મી નવેમ્બરે મારા પતિએ ઘરમાં બેઠા બેઠા મને મેસેજ મોકલ્યો કે, ‘આજે (પણ) બધું મારું જ કહેલું થશે. જરા પણ વિરોધનો સૂર કે કોઈ અવાજ નહીં જોઈએ ’ (મને બોલાવીને કે ખખડાવીને કેમ ન કહ્યું ? પુરુષદિનનો પ્રભાવ ?) ત્યારે ખબર પડી કે, એમનો દિવસ પણ આવ્યો છે ! વિશ્વભરમાં ‘વિશ્વ પુરુષ દિન’ પણ ઉજવાય છે ! માળું આપણે  સૌ તો મહિલા મહિલા કરતાં વર્ષોથી મહિલાઓની પાછળ પડેલાં, મહિલા દિન ઉજવવા ને પુરુષોને કોઈ પણ હિસાબે નીચું બતાવવા, તે ભૂલી જ ગયેલાં કે ભઈ, આ ભઈઓનો પણ કોઈ દિવસ હોઈ શકે ! ખેર, હવે ખબર પડી જ છે તો આવતે વરસથી નક્કી. વરસમાં એક દિવસ એ લોકોના નામે ચડાવીને એ લોકોના નામ પર કુરબાન કરી દેવાનો. (દિવસ જ કુરબાન કરવાનો છે ને ?)

હું એ મતની નથી કે, ફક્ત મહિલાઓનું જ ભલું ઈચ્છું. એ તો સરાસર અન્યાય કહેવાય કે, મહિલા હોવાથી મારે મહિલાઓની તરફેણમાં જ બોલવું–લખવું કે વિચારવું ! ના, બિલકુલ નહીં. ન્યાય કરવો તો બન્ને પક્ષે સરખો કરવો નહીં તો કાજી બનવું નહીં. પુરુષો ફક્ત પુરુષોનું જ વિચારે તો કોઈ ચલાવી લે છે ? પુરુષો તરફથી સ્ત્રીઓને સન્માન જોઈએ છે, બધે પોતાને જ પહેલાં બધું મળે એવી આશા રખાય છે અને જરાતરા ગરબડ થાય તો રણચંડીનું રૂપ ધરતાં મહિલાઓને જરાય વાર નથી લાગતી. કેમ આ બધો ભેદભાવ?

તમને દાખલો આપું. મારા પતિ અને બે દીકરા સાથે ઘણી વાર મારે બહાર જવાનું થાય તો એ લોકો મોટે ભાગે બજારની ભીડમાં મારી સાથે આવવાનું ટાળે. ધારો કે, સાથે આવે તો પણ ડરી ડરીને, એકબીજાનો હાથ પકડીને, બધે જોતાં જોતાં ચાલે. મને તો પછીથી ખબર પડેલી કે, કોઈ સ્ત્રીને હાથ ન લાગી જાય કે કોઈ સ્ત્રીની વસ્તુ, થેલી કે બાળક સુધ્ધાંને પણ હાથ ન લાગી જાય તેની સતત તકેદારી રાખીને ચાલવું એ લોકોને માટે મોટો માથાનો દુખાવો બની રહેતો. કોઈ વાર ભૂલમાં લાગી ગયેલા ધક્કાનો કે હાથનો એમને કેવો બદલો મળેલો ? કોઈએ મને સાથે જોઈને એમની સામે ફક્ત ડોળા કાઢેલા, કોઈએ ‘કાકા/ દીકરા શરમાઓ જરા. તમારી દીકરી/મા જેવી છું’ કહેલું ને કોઈએ પોલીસની ધમકી પણ આપેલી ! વગર કારણે ફક્ત આદતવશ બોલાતા આવા વાક્યોની અસરમાં આવીને મારા પતિ અને દીકરાઓ બહુ દિવસો સુધી ધુંધવાતા ફરેલા. મને ધમકી પણ મળેલી, ‘જોજે, ખબરદાર જો કોઈ શરીફ માણસને ક્યારેય પણ આવું કંઈ બોલી છે તો. તમારે મન બધા જ મવાલી ? તમારા ધક્કા લાગે કે હાથ લાગી જાય તો કોઈ તમને કંઈ કહેવા આવે છે ? ત્યારે તો સૉરી કહીને, મોં વાંકું કરીને ચાલવા માંડો એટલે જાણે બધું પતી ગયું કેમ ? વાંક તમારો ને મોં પણ પાછું તમે જ વાંકું કરો ! શૉપિંગના ગાંડપણમાં કે રસ્તામાં કોઈ બહેનપણી મળી જવાના જોશમાં ક્યારેય આજુબાજુનું ધ્યાન રાખો છો ? અડફટમાં જે ચડી ગયો તે ગયો જ સમજ્યો ને તોય સૉરી સિવાય કંઈ નહીં ! કેમ એમ ? કારણકે સ્ત્રી છો ? પુરુષ સમોવડી બનવું છે ? બનીને શું કરવું છે ? ખોટી ખોટી બધી ધમાલ કરવી છોડીને બધાને સરખાં ગણીને રહો ને એકબીજાને સમજીને રહો કે વાત પતે. અમસ્તાં અમસ્તાં મહિલા મહિલા કરીને ગજાવી મારો ને હતાં ત્યાં ને ત્યાં. ન પોતે ચેનથી રહો ને ન બીજાને રહેવા દો.’

ઓહો ! જરા વધારે પડતો પુરુષોનો પક્ષ લેવાઈ ગયો નહીં ? કોઈ મહિલા વાંચશે તો મારે માથે સાવરણો ફટકારશે. મહિલાએ પણ મહિલાથી બીવું પડે ! ખેર, આ તો પુરુષદિન વિશે જાણ્યું તો આટલું યાદ આવ્યું બાકી તો મારે કોઈનો પક્ષ લેવાનું શું કામ ? મહિલાઓ જ્યાં ને ત્યાં સભાઓ ભરે ને મોરચાઓ કાઢે ને આગઝરતાં કે છોડાં ફાડતાં ભાષણો ઠોકે બાકી પુરુષોમાં તો એટલી હિંમતે નથી કે, સ્ત્રીઓની વિરુધ્ધમાં ઝંડા લઈને મુર્દાબાદ મુર્દાબાદ કરતા બધે ફરતા ફરે. બહુ બહુ તો ખાનગીમાં કોઈ હૉલમાં મિટિંગ રાખીને સમદુખિયાઓ દિલના ઉભરા કાઢી લે. મિત્રોમાં બધે બબડાટ કરી લે કે ચાન્સ મળે તો ઘરમાં થોડો ઘણો ફફડાટ કરી લે. બાકી એમને કશે બોલવાના મોકા પણ ક્યાં મળે છે ? કંઈ બોલ્યા તો એમના પર કેટલાય આરોપો ને પ્રતિઆરોપો લાગી જાય. બિચારા પુરુષો ! જાય તો પણ ક્યાં જાય ? હવાની દિવાલોને પણ મોટા મોટા કાન ! કશે બોલે તો પણ ફફડી ફફડીને બોલવાનું. કંઈ જિંદગી છે ? ને દુનિયામાં ખોટો ભ્રમ પેદા કરાયો છે કે, સ્ત્રીની જિંદગી નરક જેવી છે, દોહ્યલી છે !

જાહેરમાં ક્યારેય જોયું કે, કોઈ સ્ત્રીએ લાઈનમાં પુરુષને આગળ જવા દીધો  હોય ? કોઈ પુરુષને ભારે સામાન ઊંચકેલો જોઈને મદદ માટે હાથ લંબાવ્યો હોય ? મદદ કરીય હશે તો કોઈ બિચારા ઘરડા બિમાર વૃધ્ધને કરી હશે. કેમ ? શું બીજા પુરુષો પણ બસમાં ઊભા રહીને ના થાકે ? લાઈનમાં એમને આગળ જવાનો હક નથી ? એમ બધે સમાન હક જોઈએ પણ જ્યાં લાઈનમાં ઊભા રહેવાનું આવ્યું કે ટિકિટ કઢાવવાની આવી તો તરત જ થાકી જાય ! એ કામ ઘરના પુરુષને સોંપી દેવાનું અથવા એવા સમયે નરમાશથી બીજા પુરુષોને આજીજી કરીને વહેલી ટિકિટ કઢાવ્યાનો વટ મારવાનો ! વાત તો ખરી છે કે સ્ત્રીઓને કોઈ સમજી નથી શક્યું, સ્ત્રી પણ નહીં. પુરુષો ઘણી વાર ભોળા ને ઘણી વાર ભોટ સાબિત થાય તોય ચલાવ્યે રાખે કારણકે બહાર સ્ત્રી–દાક્ષિણ્ય બતાવે અને ઘરમાં શાંતિ ઈચ્છે.

એમ તો, મહિલાદિનની જેમ પુરુષદિન વિશે પણ ઘણું લખી શકાય પણ થોડામાં ઘણું સમજવાવાળા બધું જ સમજી ગયા હશે એટલે આટલે જ અટકું. ચાલો, બહુ વખતે મનને થોડો આનંદ ને થોડો સંતોષ થયો કે, મેં સચ્ચાઈનો સાથ લીધો. આપણે તો ભાઈ બધાં સરખાં હેં ને ? તમારું શું કહેવું છે ?


રવિવાર, 16 નવેમ્બર, 2014

જે આ લેખ વાંચશે તે....


મથાળું વાંચીને વિચારમાં પડી ગયા ને ? અને....જાતને જ સવાલ પૂછવા માંડ્યા ને ? કે, જે આ લેખ વાંચશે તે શું ? તે પાગલ થઈ જશે ? મૂંગો–બહેરો બની જશે ? લેખ વાંચીને પેપર ફાડી નાંખશે ? કે લેખ વાંચીને પેટ પકડીને હસ્યા જ કરશે ?(આવું વિચારવાની મને છૂટ આપો !) સીધો જનસત્તાની ઓફિસે ફોન કરશે ? ને બરાડા પાડીને પૂછશે કે, કેમ આવા લેખ છાપો છો ? ઘરમાં હશે તો ઘરની બહાર દોડી જશે ને રસ્તા પર કે બીજી કોઈ જગ્યાએ હશે તો સીધો ઘરની વાટ પકડીને ઘરમાં ભરાઈ જશે ? બધું બહુ જાતજાતનું વિચારી વિચારીને પાગલ થવા કરતાં મને પૂછો અથવા લેખ જ આગળ વાંચી લો ને ભાઈ !

‘જે આ લેખ વાંચશે તેનું કલ્યાણ થશે ને નહીં વાંચે તેને અંબે માના સોગન છે ! કાળકા માના સોગન છે ! બાકી બધી માતાના પણ સોગન છે !’
‘અરે ભાઈ, કેમ પણ ? મેં શું કર્યું કે આમ બધાને સોગન આપવા પડે ?’
‘બસ કંઈ નહીં. આ લેખની હજાર કૉપી કાઢીને બધે વહેંચી દો નહીં તો....‘
‘હેં ? નહીં તો શું ?’

‘નહીં તો, તમારા પર આ બધી માતાનો કોપ ઊતરશે ને તમારું ધનોતપનોત નીકળી જશે. તમારા બધા પૈસા તમારી પત્ની ને બાળકો ઉડાવી મારશે. તમારા સાસરાવાળા તમારે ત્યાં ધામા નાંખી દેશે. તમારે ત્યાં કામ કરવાવાળા રજા પર ઊતરી પડશે. તમારે ઓફિસમાં ઓવરટાઈમ કરવો પડશે. સમજી લો ને કે, દુનિયામાં જેટલાં દુ:ખ ને જેટલી તકલીફો છે તે બધી તમારા પર તૂટી પડશે જો.....’

‘હા હા બાપા, સમજી ગયો. આ લેખની વાંચ્યા પહેલાં જ હજાર કૉપી કાઢીને મારે વહેંચી દેવાની છે એમ ને ? પણ મારે જ શું કામ ? કેમ, પ્રેસમાંથી કૉપી કાઢવાની ના પાડી ? ને ફક્ત આ જ લેખની કે પછી આખા ને આખા છાપાની જ હજાર કૉપી દરેક વાચકે કાઢવાની છે ? છાપું વેચવાનું કે છાપવાનું આ નવું ગતકડું કાઢ્યું છાપાવાળાએ ? ભાઈ એ અમને કેવી રીતે પોસાય ? ને આમ છાપાની કૉપીઓ કાઢવાનું કામ અમારું છે ? જાઓ ભાઈ, એ દમદાટી કે ધમકી બીજાને આપજો. અમારે તો છાપું વાંચવા સાથે મતલબ. અમને જે ગમે તે લેખ પણ વાંચશું ને નહીં ગમે તો છાપાનો ડૂચો પણ વાળી દઈશું, અમારી મરજી. આમ ભગવાનનું નામ આપીને ધમકાવો નહીં.’

‘ચાલો રહેવા દો. જોઈ લીધા તમને. તમે તો કહ્યું માનવાને બદલે માથું ખાવા મંડ્યા ને જીદે ચડી ગયા. કેટલા સવાલ પૂછી માર્યા ? રહેવા દો, એ તમારું કામ નહીં. જો હમણાં તમને એવું કહીએ કે, ‘જે આ લેખ વાંચશે તેના પર અંબે માની કૃપા થશે. કાળકામાતા ને બહુચરમાતા ને બાકીની બધી માતાઓ પણ તમારા ઉપર આશીર્વાદ વરસાવવા ધક્કામુક્કી કરશે તો ? તો તમને ગમશે કેમ ? તો પછી આ લેખની શું, આખા ને આખા છાપાની હજારો કૉપીઓ કઢાવવા તમે દોડી વળશો એમાં ના નહીં. જે આ લેખ વાંચશે તેના ઘરે કોઈ દિવસ ડૉક્ટર કે વકીલ મહેમાન પણ નહીં બને. તેને ફટાફટ નોકરીમાં પ્રમોશન મળી જશે. કુંવારા હશે તો ચોકઠું ગોઠવાઈ જશે ને પરણેલા હશે તો કંઈ કહેવાનું નથી. (ચોકઠું વહેલું આવી જશે.)’

જેણે જેણે આ લેખ વાંચ્યો છે તેને કોઈ દિવસ પેટમાં નથી દુખ્યું. કેમ ? કારણકે, હસતી વખતે દર વખતે એણે પોતાનું પેટ પકડી રાખેલું. જેણે આ લેખ વાંચ્યો તેને તે દિવસે ભૂખ નહોતી લાગી. કેમ ? હસી હસીને એનું પેટ ભરાઈ ગયેલું. જેણે આ લેખ વાંચ્યો તેના પુણ્યના ખાતામાં, જમાનું ખાતું ઉભરાઈ ગયેલું. કેમ ? એણે એ લેખ બીજા દસ જણને વંચાવેલો. જેણે આ લેખ વાંચ્યો તેના ઘરમાં તે દિવસે પરમ શાંતિનો મહોલ હતો. કેમ ? લેખ વાંચ્યા પછી કંકાસ કરવાનો કે ઝઘડવાનો એનો બિલકુલ મૂડ નહોતો. કોઈએ લેખ વાંચ્યો તો તેનું બ્લડ પ્રેશર નોર્મલ થઈ ગયેલું અને શુગર પણ કંટ્રોલમાં થઈ ગયેલી. કેમ ? તો લેખ વાંચીને એણે પ્રસન્ન ચિત્તે ભોજન કરેલું અને પ્રમાણસર ખાધેલું. બીજા એક જણે આ લેખ વાંચેલો તો તેને શાંતિથી ઊંઘ આવી ગયેલી. કેમ ? ભઈ આનો જવાબ તમે જ આપી દો ને, બધા જ જવાબ મારે આપવાના ? ચાલો તો પછી, માની ગયાને લેખના પરચાને ? હવે તો છપાવશો ને આ લેખની હજાર કૉપી ?’

‘ભઈ, આ લેખની તો હજારો કૉપીઓ એમ પણ નીકળી જ ચૂકી છે તો હવે મારે શું કામ ?’
‘સારું ત્યારે લેખ વાંચજો ને વંચાવજો બીજું શું ?’
‘પણ લેખ બધાને સમજાશે ?’
‘એક જણે લેખ વાંચવાની ના પાડી તો એના ઘરની દિવાલો હાલવા માંડેલી ને ભીંતેથી પોપડા ખરવા માંડેલા. તરત જ એણે લેખ ગોખી મારેલો ને એના ઘરની દિવાલોને તરત જ નવો રંગ લાગી ગયેલો !’
‘એક જણે લેખ વાંચવામાં આળસ કરી તો, એના બૅંકના લૉકરમાંથી અચાનક જ ઘરેણાં ગાયબ થઈ ગયેલાં ! બીજે દિવસે એણે પચાસ વખત લેખ વાંચ્યો તો એના ઘરેણાં પાછા મૂળ સ્થાને પહોંચી ગયેલાં !’
‘વાહ ભઈ વાહ ! લો, હમણાં જ લેખ પણ વાંચી લઉં ને બધે મોકલી પણ દઉં, ખુશ ? હે લેખ, તારા પરચા અપરંપાર ! જય હો ! જય હો !’