લેબલ Art સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Art સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 3 મે, 2020

સંગીતની દુનિયાની ઝલક–ચલ મન મુંબઈ–૩


ઓપેરા હાઉસના જાદુમાંથી જેમ તેમ બહાર નીકળવાની કોશિશ કરતાં હતાં ત્યાં જ, નજીકમાં જ આવેલા ‘પંડિત પલુસ્કર ચોક’ આગળ અટક્યાં. ભારતીય સંગીતને આપેલા માતબર પ્રદાનની યાદ એમના નામે આ ચોક આપી રહ્યો છે. અહીંથી રોજના હજારો લોકો પસાર થતાં હશે પણ પંડિત પલુસ્કરને ઓળખનાર કેટલાં? જો કે, ખોટું શું કામ કહેવું? અમે પણ પહેલી વાર જ આ નામ જાણ્યું. પણ જાણ્યા પછી તો આ ચોક પર ધરાઈને નજર ફેરવી. કેવા કેવા ઉસ્તાદ, સંગીતના ખાં અહીં રહ્યા હશે, એમના જેવા જ બીજા ઉસ્તાદોએ ભેગા મળીને અહીંના વાતાવરણને સુરીલું બનાવવા સાથે કેટલાય લોકોને સમૃધ્ધ કર્યા હશે! આંખ સામે એ વિરલ દ્રશ્યનો વિચાર આવતાં જ નજર સામે  ફક્ત ચોક જ રહી ગયો ને આજુબાજુની દુનિયા ધુંધળી બનતી ગઈ.

આ પંડિતનું નામ રોશન કરનાર એક હોનહાર શિષ્ય હતા પ્રોફેસર બી આર દેઓધર. મહારાષ્ટ્રના નાનકડા ગામમાંથી સંગીત શીખવાની નેમ સાથે નીકળેલા દેઓધરે શરૂઆત જ મોટા ગુરુની પાસે તાલીમ લેવાથી કરી. જાણીતા ગાયક વિષ્ણુ દિગંબર પલુસ્કરના ગુરુભાઈ નીલકંઠબુવા અલુરમઠ, જેઓ ખુદ ગ્વાલિયર ઘરાનાના બાલક્રુષ્ણબુવાના શિષ્ય હતા એમની પાસે તાલીમ લીધી. પછી તો એક પછી એક ઘરાનાના ઉસ્તાદોના હાથ નીચે તાલીમ ચાલુ જ રહી. એમાં કિરાના ઘરાનાના અબ્દુલ કરીમ ખાન અને પલુસ્કરના જ બીજા શિષ્ય વિનાયકરાવ પટવર્ધને એમની કલાને નિખારી. જયપુર અને ગોખલે ઘરાનાના ઉસ્તાદો સિવાય પતિયાલા ઘરાનાના બડે ગુલામઅલી ખાંસાહેબ પાસે પણ શિક્ષા મેળવી. અધધ કહી શકાય એવો ખજાનો ખૂલી રહ્યો હતો અને મન માનવા તૈયાર નહોતું કે કોઈ કેવી રીતે આટલું બધું એક જ જનમમાં મેળવી શકે? લોકો તો નાકની દાંડીએ સીધે સીધા ચાલીને જિંદગી પૂરી કરે, ત્યારે આવા વિરલ લોકોના શોખને કે જ્ઞાન મેળવવાની ઈચ્છાને કોઈ અંત જ ન હોય!

એમણે વિષ્ણુ દિગંબર પલુસ્કરની ‘ગંધર્વ મહાવિદ્યાલય’માં પ્રવેશ મેળવ્યો. પ્રવેશ ન મળત તો જ નવાઈ. એમની આવડતે એમને પટ્ટશિષ્યનો દરજ્જો આપ્યો. દેઓધર એમના ગુરુના એક માત્ર શિષ્ય હતા જેમણે ભણતર સાથે સંગીતની ઉપાધિ પણ મેળવી. જુદા જુદા ઘરાનાની તાલીમ એમને ખૂબ ફળી. સિતાર અને સારંગીની તાલીમ પણ ગાયકીની સાથે ચાલુ જ રહી. બડે ગુલામ અલી ખાંસાહેબ સાથે વરસો જોડાયેલા રહીને સંગીતની ખૂબ સેવા કરી. પછીથી  પોતે જ એક જાણીતા સંગીતકાર બની રહ્યા. એમણે ઘરાનાઓની પરંપરાથી અલગ રહીને અહીંની ગલીઓના મેળાપ આગળ ‘દેઓધર સંગીતશાળા’ શરૂ કરી. કારણ? પહેલાં જે સંગીત શીખતાં તેમને સમાજમાં ખાસ કોઈ દરજ્જો મળતો નહીં. સામાન્યમાં સામાન્ય લોકોને પણ જો સંગીત શીખવું હોય તો કોઈની સામે જોઈ ન રહેવું પડે એ જ આશયે આટલા મોટ ગુરુના શિષ્ય રહી ચૂકેલા અને ખુદ એક મોટા ગાયક–સંગીતકાર બની ચૂકેલા અદના માનવીએ પોતાનાં મૂળિયાં પકડી રાખ્યા.

પંડિત દેઓધર સંગીતના સામયિકોના તંત્રી બન્યા, સંગીત ને સંગીતકારો વિશે કેટલાંય પુસ્તકો લખ્યા અને અવિરત સંગીતની સેવા કરતા રહ્યા. કુમાર ગંધર્વ, સરસ્વતી રાણે અને લક્ષ્મી ગણેશ તિવારી એમના જાણીતા શિષ્યો હતા. અમારો ગાઈડ વાતો કરતાં કરતાં બહુ ભાવુક બની જતો કારણકે એ પણ મહારાષ્ટ્રિયન હતો અને આર્કિટેક્ટ હોવા છતાં સંગીત અને કળામાં ઊંડી દિલચસ્પી ધરાવતો હતો.

‘તમે જાણો છો કે જાણીતા મરાઠી કલાકાર બાલ ગંધર્વે અહીં નાટક કરેલાં?’ ઓપેરા હાઉસ તરફ આંગળી ચીંધતાં એણે ફરી એક વાર રૉયલ ઓપેરા હાઉસની યાદ તાજી કરી. બાલ ગંધર્વ સ્ત્રીના વેશે જ સ્ટેજ પર આવતા અને સ્ત્રીના અવાજમાં જ સંવાદો બોલતા. જેમને મરાઠી ન સમજાતું તે પણ અહીં આવતાં! કેમ? તો બાલ ગંધર્વના બ્લાઉઝની સ્ટાઈલ જોવા દરજીઓ અને સ્ત્રીઓ ખાસ આવતી અને તે જ તે સમયની આધુનિક ફેશન બની જતી! આપણાં સ્વરસામ્રાજ્ઞી લતાદીદીના શરૂઆતના શોમાંનો એક જાહેર શો ઓપેરા હાઉસમાં પણ થયેલો!’

આગળ ચાલતાં એક સો વરસ જૂની લૉજ આગળ અમે ઊભાં. અટપટું નામ ‘બ્લાવાત્સ્કી લૉજ’ પણ ઈતિહાસ તો એનો અદ્ભુત. અંગ્રેજોએ ભારતની ઘણી ઈમારતોમાં ભારતીય શૈલી સાથે મોગલાઈ શૈલીનું મિશ્રણ કરેલું. આ લૉજમાં પણ એવું જ મિશ્રણ હતું. ખ્રિસ્તી ધર્મની વાતો કરવાનું આ મહત્વનું મથક બની ગયેલું. પછીથી ઓગણીસસો ને ચોંત્રીસમાં આ લૉજ અહીં હિન્દુસ્તાની સંગીત પીરસનાર જાણીતું સ્થળ બન્યું, જ્યાં ત્રણ ઘરાનાના દિગ્ગજ કલાકારોએ એક સાથે પોતાનો કાર્યક્રમ પણ રજૂ કરેલો! જાણીતાં શાસ્ત્રીય ગાયિકા કેસરબાઈ કેરકરને રવીન્દ્રનાથ ટાગોરે ‘સુરશ્રી’નો ખિતાબ આપેલો, એમનાં ઘણાં ગીતો આ લૉજમાં રેકોર્ડ થયેલાં! આજે કોઈ કલાકાર આ રીતે રેકોર્ડિંગ કરવા તૈયાર થાય? આ લૉજમાં રેકોર્ડિંગની ઘણી સારી સગવડ હોવાને કારણે અહીં ઘણા કલાકારો ભેગા પણ થતાં અને લૉજને અમર કરવામાં પોતાનો ફાળો પણ નોંધાવતા. જે પહેલું વોયેજર સ્પેસક્રાફ્ટ હતું તેમાં બાર ઈંચની એક તાંબાની રેકોર્ડ મોકલાયેલી અને એના પર બિથોવન તથા મોઝાર્ટના સંગીત ઉપરાંત ભારતની એક માત્ર કેસરબાઈના અવાજની યાદો કોતરાયેલી હતી! એ ગીત હતું, ‘જાત કહાં હો?’

અમને સતત મનમાં થતું હતું કે આટલાં વરસો મુંબઈમાં રહીને આપણે શું કરેલું? બસ, જુહુ ને ચોપાટી ને નેશનલ પાર્ક ને આરે કૉલોની સિવાય કંઈ જોયું જ નહીં? બહુ બહુ તો વિહાર લેકના બૂટ હાઉસમાં ચક્કર મારી આવતાં કે હેંગિંગ ગાર્ડનમાં ટહેલી આવતાં! આપણી પાસે કેટલાં વરસો હતાં ને મહિનાઓ ને દિવસો પણ! આખું મુંબઈ ફેંદી કાઢત તો પણ કદાચ પુરું ન થાત પણ આજના જેવો અફસોસ તો ન રહેત. મહેમાન આવે તો પણ એમને આ જ બધી જગ્યાએ ફેરવવાના, એ જ બધું ખવડાવવાનું જે વખણાતું હોય ને મહેમાન ખાસ એ જ ખાવા આવ્યાં હોય જાણે! દર અઠવાડિયે ફિલ્મો જોવાને બદલે એકાદ શનિ–રવિ આવી જગ્યાઓ શોધી શોધીને ફર્યાં હોત તો કે દિવસના ધન્ય થઈ જાત. ખેર, હજીય મોડું નથી થયું. જે જોયું બહુ છે, જેટલું માણ્યું અધિક જ છે. આજે પણ અહીં ન આવત તો?

ચાલો, હજી તો બે જ જગ્યા જોઈ ને આટલા જલસા થયા છે તો બાકી રહેલી જગ્યાઓમાં તો કેવોક ખજાનો હશે!

ગુરુવાર, 16 એપ્રિલ, 2020

‘ચલ મન મુંબઈ’ (૨)


‘ઓપેરા હાઉસ’! એક ભવ્ય થિએટર, એક ભવ્ય મકાન અને ક્યારેય ભૂલી ન શકાય એવી યાદોનું જાણીતું સરનામું એટલે ઓપેરા હાઉસ. કેટલાંયે વરસો પછી ફરી એક વાર અમે ઓપેરા હાઉસની સામે ઉભા હતાં. અમે એટલે હું અને મારી બહેન પારુલ. બહુ નાનપણથી અમે અહીં સહકુટુંબ ફિલ્મો જોવા આવતાં. વિશાળ અને આલિશાન હૉલની આરામદાયક ખુરશીઓની સામે મોટું સ્ટેજ તો જાણે કોઈ નાટકની રજુઆતની તૈયારીમાં હોય એવા સુંદર રેશમી પડદાઓથી સજાવેલું રહેતું. કદાચ મરૂન રંગના, સોનેરી ઝાલરવાળા જ પડદા હતા. જૂની ફિલ્મોમાં આવતી એવી બૉક્સ બાલ્કનીમાં અમે હોંશે હોંશે બેસતાં ને દૂર પડદો ક્યારે ખૂલે તેની રાહ જોયા કરતાં. બેઠક વ્યવસ્થા પણ એટલી વ્યવસ્થિત કે હૉલના કોઈ પણ ખૂણે બેઠેલાને આખું સ્ટેજ દેખાય અને સિલિંગની કરામતને કારણે ઝીણામાં ઝીણો અવાજ પણ સ્પષ્ટ સંભળાય. અમે તો ઈન્ટરવલમાં પપ્પા પોપકોર્ન લાવશે કે આઈસક્રીમ તેની રાહ જોતાં દરવાજે આંખો માંડી રહેતાં. સપનાંની દુનિયામાં લઈ જવા તૈયાર એવી જ કોઈ મજાની ફિલ્મ જોઈને નીકળતી વખતે અમારાથી તો ઠાઠથી જ ચલાઈ જતું. જાણે કોઈ રાજા મહારાજાના દરબારમાંથી નીકળ્યાં! જો કે, આજે અમે એ દરબારની બહાર ઊભા હતાં.

આજે અમારે કોઈ ફિલ્મ જોવાની નહોતી કે એ મકાનમાં પ્રવેશવાનું પણ નહોતું. ફક્ત બહાર ઊભા રહી એનો ઈતિહાસ અને વર્તમાન જાણવાનો નાનકડો પ્રયાસ કરવાનો હતો. જુદી જુદી જગ્યાએથી આવેલા, ચડતી–ઊતરતી ઉંમરના અમે તેર જણ સવારમાં નવ વાગ્યે ત્યાં ગાઈડની સામે હાજર થઈ ગયેલાં. અમને શોખ હતો આ ગલીઓ, આ મકાનો નજરે જોવાનો, મનોમન એ ભૂતકાળમાં ખોવાઈ જવાનો અને એની ભવ્ય કહાણીઓ સાથે ઓતપ્રોત થવાનો. અઢી કલાક સુધી સૌ અમારા ગાઈડની સાથે એ જ્યાં કહે ત્યાં ચાલવા અને ઊભા રહેવા તૈયાર હતા. જો એ કહે કે ‘આ સ્વર્ગ છે’ તો અમે એને સ્વર્ગ માની લેવા પણ તૈયાર હતાં.


મુંબઈના ચર્ની રોડ સ્ટેશન પર ઊતરી કોઈને પણ પૂછો, ‘ઓપેરા હાઉસ?’ એટલે બતાવેલી દિશામાં આપણે ચાલવા જ માંડવાનું. ફક્ત એક કિલોમીટરના અંતરે જાણીતા વિસ્તાર ગિરગામ પહોંચો એટલે ઓપેરા હાઉસ પહોંચ્યા જ સમજો. અરે, આ તો આખો વિસ્તાર જ કોઈ મકાનના નામે ઓળખાય. નજીક આવેલા બસ સ્ટેન્ડનું નામ પણ ઓપેરા હાઉસ! બસમાં અહીં આવવા માટે ટિકિટ કઢાવવી હોય તો? ‘એક ઓપેરા હાઉસ દેના’ બોલાય. આહા! બોલવામાં પણ કેટલી બાદશાહી લાગે.

અહીં ઊભા રહીને અમારી સાથે સૌએ ભૂતકાળમાં છલાંગ લગાવી. મુંબઈ સાંસ્કૃતિક શહેર તરીકે ટોચ પર હતું ત્યારની વાત. સન ઓગણીસસો ને આઠની સાલ. કલકત્તાના જાણીતા કલાકાર મૉરિસ બૅન્ડમૅન અને મુંબઈના પારસી વેપારી જહાંગીર ફ્રામજીએ ભેગા મળીને અહીં જગ્યા ભાડે લીધી ને નાટકનું થિયેટર ઓપેરા હાઉસ ઊભું કર્યું ઓગણીસસો ને અગિયારમાં. હજી કામકાજ ચાલુ હતું ત્યારે અંગ્રેજ રાજા જ્યોર્જ પંચમે એનું ઉદ્ઘઘાટન કરી નાંખ્યું એટલે નામની આગળ છોગું લાગ્યું, ‘રૉયલ’ અને એમ એ બન્યું ‘રૉયલ ઓપેરા હાઉસ.’ જો કે, ઓગણીસસો પંદર સુધી એમાં કંઈક ને કંઈક સુધારાવધારા થતા જ રહ્યા. શરૂઆતમાં ફક્ત એમાં જાણીતા નાટકના કે સંગીતના પ્રયોગો જ થતા, પછીથી ફિલ્મોએ પણ પ્રવેશ કર્યો અને ત્યાર પછી તો બોલીવુડે એવું આક્રમણ કર્યું કે એ ફિલ્મી થિયેટર જ બની રહ્યું. અહીં મોટી મોટી ફિલ્મોના ભવ્ય અને ભપકાદાર પ્રિમિયર શો થતા. જ્યારે ચાહકોની ભીડ વચ્ચેથી એમના પ્રિય કલાકારો શાનથી પસાર થતા ત્યારે ચાહકોનાં દિલ ઝૂમી ઊઠતાં. પ્રિમિયરમાં હાજરી આપવી કે ઓપેરા હાઉસમાં ફિલ્મ જોવી, એક અણમોલ લહાવો બની રહેતો.

જાણીતા કલાકારોમાં તો બાલ ગંધર્વ, કૃષ્ણ માસ્ટર, બાપુ પેંઢારકર, માસ્ટર દિનાનાથ, જ્યોત્સ્ના ભોલે, પટવર્ધન બુવા, પૃથ્વીરાજ કપૂર અને લતા મંગેશકરે પોતાની કળાની સુવાસ આ હૉલમાં પ્રસારેલી અને પોતાનાં નામ ઓપેરા હાઉસ સાથે કાયમ માટે અમર કરી દીધાં હતાં. પછી તો માલિક બદલાયા અને ઓગણીસસો ને પાંત્રીસમાં આઈડિયલ પિક્ચર્સે ઓપેરા હાઉસની મરમ્મત કરી અને નવી ટાઈલ્સ ને રંગરોગાનથી એને ચમકાવ્યું. ઓગણીસસો ને એંસીમાં વિડિયો ફિલ્મોએ થિયેટરોને એક પછી એક બંધ થવા મજબૂર કર્યા. એની ઝપટમાં આટલું ભવ્ય થિયેટર ન આવે તો જ નવાઈ. આટલા મોટા મકાન અને ભવ્ય થિયેટરને જાળવવાનો અધધ ખર્ચો કોણ કરે? મકાનની દિવાલોનો રંગ ઊખડી ગયો, પડદા ફાટી ગયા, જીવજંતુ અને ઉંદરોના આક્રમણ સામે આ થિયેટર ખંડેર અને એની દુ:ખદ કહાણી બનવાની તૈયારીમાં હતું ત્યાં જ?

ભલું થજો ગોંડલના મહારાજા વિક્રમસિંહનું જેમણે આ થિયેટર વેચાતું લઈ લીધું અને એમના દીકરા જ્યોતીન્દ્રસિંહે બે હજાર ને દસમાં તદ્દન જર્જરિત થઈ ગયેલા ઓપેરા હાઉસને ફરીથી એના મૂળ રૂપે બેઠું કર્યું. કાચનાં બે સુંદર મોટા ઝુમ્મર, જે ડૅવિડ સાસૂનના કુટુંબે અહીં ભેટ આપેલા તે આ થિયેટરની શોભા વધારતાં હતાં. પ્રવેશદ્વારના ગોળ ગુંબજ પર આઠ ભાગમાં કળાના દરેક ક્ષેત્રના કલાકારોને અંજલિ અપાઈ. પછી તો સાંસ્કૃતિક વારસામાં ઓપેરા હાઉસનો સમાવેશ થયો અને એની જાળવણીની કાળજી લેવાઈ તો લોકોને ફરી એક વાર આ ભવ્ય મકાનને એ જ અવતારમાં જોવાનો લહાવો મળ્યો.

ઓપેરા હાઉસનો આ દબદબો કે આ ઈતિહાસ અહીં આવ્યા વગર જાણી શકત ખરાં? કદાચ અહીંતહીંથી માહિતી મેળવીને જાણી પણ લેત તોય એની સામે ઊભાં રહીને મુગ્ધ બનીને એને જોતાં જોતાં એની અદ્ભુત વાતો સાંભળવાની મજા લઈ શકત ખરાં? નહીં જ વળી. એના માટે તો જાતે જ ઓપેરા હાઉસ જવું પડે. ચાહે બહાર ઊભા રહીને મકાનને જોયા કરો અથવા ભલે એક વાર થોડા પૈસા ખર્ચાય પણ અંદર ફરવાનો ને થિયેટરની દિવાલોને સ્પર્શવાનો, એની ખુરશીમાં બેસવાનો અને ત્યાં એકાદ ફિલ્મ જોવાનો લહાવો લઈને સ્વર્ગની અનુભૂતિ કરવામાં કંઈ ખોટું છે?

કોઈક વાર આ લહાવો પણ લઈશું. હવે બીજી ઈમારતની કહાણી પણ આવી જ હશે? કોને મળશું? ક્યાં લઈ જશે આ ગાઈડ? ચાલો જઈએ તો ખરાં.

ગુરુવાર, 19 માર્ચ, 2020

ચલ મન મુંબઈ–૧


મુંબઈ. એક અમર શહેરનું લોભામણું નામ. મુંબઈ, ભવ્ય ઈતિહાસ ને રંગીન ભૂતકાળ સાથે લઈને ચાલતું,  સતત પ્રવૃત્તિથી ધમધમતું ને અસંખ્ય અજાયબીઓથી છલકાતા વર્તમાનને સાથે લઈને ચાલતું રંગીલું શહેર. ઈલેક્ટ્રિક ટ્રેનના પાટા પર ચોવીસ કલાક દોડતું, ધબકતું આ શહેર, જેનું નામ પડતાં જ અરબી સમુદ્રની લહેરો પગમાં આળોટવા માંડે અને ચોપાટીની ભેળથી માંડીને પાંઉભાજીના સ્વાદ જીભ પર સળવળવા માંડે. ફિલ્મી કલાકારોને જોવા કે મળવાના અરમાનો સાકાર કરવા ઊંચાનીચા થતાં ચાહકોની તપસ્યાની કહાણીઓ અહીં જ રચાય અને સાથે જ ઘર કે નોકરી શોધનારાઓની હડિયાપાટી પણ અહીં જ નજરે ચડે.

એમ તો મુંબઈ વિશે એટલું બધું લખાયું છે, કહેવાયું છે અને જોવાયું પણ છે કે એની વાતો લખવાનું મારું ગજું નહીં. એટલે જ શરૂઆત જરા ભારે શબ્દોથી કરી જોઈ પણ ફાવ્યું નહીં એટલે જે વાત કરવી છે તે જ સીધી માંડી દઉં. માયાનગરી કહેવાતી આ નગરીની અસંખ્ય ફિલ્મો, અસંખ્ય વાતો અને એનાં અસંખ્ય પુસ્તકો થવા છતાંય હજીય ન ખૂટે એવી વાતો મુંબઈ પોતાનામાં સમાવીને બેઠું છે. મુંબઈના આ નાનકડા પ્રવાસમાં આપણે મુંબઈના એવા વિસ્તારની વાતો કરશું જેની વાતો જાણ્યા પછી, અચૂક એ વિસ્તારની મુલાકાત લેવાની લાલચ થઈ જ જાય. શરત માત્ર એટલી જ કે, આ વિસ્તારની મુલાકાત લેવાની ઈચ્છા રાખનારને મુંબઈના સાંસ્કૃતિક વારસામાં રસ હોવો જરૂરી છે.

ફક્ત બે કિલોમીટરના આ વિસ્તારમાં આવેલી અમુક જાણીતી અને અમુક અજાણી ઈમારતોને જોઈને જ રુંવાડાં ઊભા થઈ જાય! કેવી કેવી ધુરંધર હસ્તીઓ અહીં પોતાની કળાનો ઝંડો લહેરાવી ગયેલી! કેવો એમનો દબદબો અને શી એમની લોકચાહના! એક જ વાર એ ગલીઓની મુલાકાત લો તો તમને દિવસો સુધી ચેન ન પડે અને એ વાતો તમારા દિમાગમાંથી નીકળે નહીં એની ખાતરી છે. બસ, શરત એટલી જ કે તમને સાહિત્યમાં, સંગીતમાં, નૃત્ય, મૂર્તિ...અરે કહો કે કોઈ પણ કળામાં રસ હોવો જરૂરી છે. તમે ફક્ત મનોરંજન ખાતર કે ફરવા ખાતર જો આ ગલીઓમાં ફરવાના હો તો થોડી વારમાં જ કંટાળી જશો એની પણ ખાતરી.

અમુક ઈમારત આગળ ઊભા રહીને, અમુક ઈમારતોમાં પ્રવેશીને ને અમુક ઈમારતોને દૂરથી જોઈને તમે તમારા પ્રિય કલાકારોને નમન, વંદન કરી જ લેશો એની પણ મને ખાતરી છે પણ શરત માત્ર એટલી જ કે...હા, વારે વારે શરત એટલા માટે રાખવી પડે કે જો તમે લતા મંગેશકરથી માંડીને કેસરબાઈ કેલકર, બાલ ગંધર્વ, રાજા રવિ વર્મા અને અને એમ વી ધુરંધરનાં જાણીતાં મોડેલ અને ખુદ જાણીતાં ગાયિકા અંજનીબાઈ માલપેકર વિશેની રોચક વાતો જાણવા માગતાં હો, મંટો જે જગ્યાએ રહેતા અને જે પુલ પરથી આવજા કરતા એ પુલ પર ચાલવાનો રોમાંચ માણવા માગતાં હો, જે સ્ટુડિયોમાં આલમ આરા ફિલ્મ બનેલી અને જ્યાં શહેનશાહ પૃથ્વીરાજ કપૂરથી માંડીને મહેબૂબ ખાન સહિત મંટોએ પણ પોતાનાં કામની શરૂઆત કરેલી એ સ્ટુડિયોને નજરે જોવા ચાહતાં હો તો જ તમને આ ગલીઓમાં અને આ લેખમાળામાં પણ રસ પડશે.

શિરડીના સાંઈબાબાની મૂર્તિ ક્યાં બનેલી જાણો છો? ભઈ, આપણે તો શિરડી જવા સાથે ને દર્શન–પ્રસાદ સાથે કામ. એ મુર્તિ કોણે બનાવી એમાં કોને રસ હોય? જો કે, એ મુર્તિમાં શિલ્પકલાકારને રસ હોય, ચિત્રકારને રસ હોય અને કોઈ પણ કલા કે કલાકારમાં રસ હોય એટલું જ પૂરતું હોય તો તમને આ દુનિયાભરના ભક્તોમાં પૂજાતી મૂર્તિ જ્યાં બનેલી એ સ્ટુડિયોમાં પણ એટલો જ રસ પડવાનો. કલાકો નીકળી જાય ત્યાંની અદ્ભુત મૂર્તિઓને જોતાં પણ જો તમારી પાસે એટલા કલાકો હોય તો તો આનંદ જ આનંદ.

નવાઈ તો ત્યારે લાગી, એવા ભારતીય ફોટો સ્ટુડિયોને જોઈને જેની સૌ પ્રથમ લંડનમાં શાખા ખૂલેલી ને જ્યાં અમે પણ ફેમિલી ફોટો પડાવવા જતાં! દિલ ખુશ થઈ ગયું. વાહ! બાળપણમાં અહીં ફોટો પડાવવા આવેલાં? કંઈક અજબ લાગણી સળવળી ગઈ. યાદ આવ્યું કે મોટા પૂંઠા પર ચોંટાડીને પારદર્શક કાગળ નીચે સચવાયેલો એ ફેમિલી ફોટોગ્રાફ અને નીચે વેન્ગાર્ડ લખેલું તો કેટલીય વાર જોયેલું! સ્મૃતિઓની દુનિયામાં અજાણતાં જ લટાર મારી લીધી.

ફરતાં ફરતાં એક ગલીમાં દૂરથી જ એક દુકાન જોઈ. વાજિંત્રોની દુકાન. સિતાર ને તંબૂરો, તાનપૂરો, તબલાં ને વાજાપેટી! એનાથી વધારે તો જોઈએ પણ શું ત્યારના દિગ્ગજ કલાકારોને? એમને એમના ચાહકોની તો ક્યારેય ખોટ નહોતી પડી અને એ કલાકારો પણ પોતાના ચાહકોને માટે શું કરતા? એક વાર એક બહુ મોટા કલાકાર એ દુકાનમાં પોતાને ગમતું વાજિંત્ર લેવા પ્રવેશ્યા. હવે વાજિંત્ર લેવા પહેલાં એને ચકાસવું પડે અને એના માટે દુકાનમાં બેસીને જ સૂર છેડવા પડે! દુકાનનો માલિક તો કલાકારને પૂરા માન સન્માન સાથે સાંભળતાં પોતાનું કામ કરતો હતો પણ સંગીતના સૂરો કંઈ છાના રહે? ફક્ત વાજિંત્રની ચકાસણી કરવામાં જ એવા સૂર લાગ્યા કે રસ્તે જતાં લોકોના પગ થંભી ગયા. ધીરે ધીરે લોકો દુકાનની સામે ભેગાં થવા માંડ્યાં અને જોતજોતામાં ત્યાં ખાસ્સી ભીડ થઈ ગઈ.

કલાકાર તો પોતાની ધૂનમાં મસ્ત હતો પણ લોકલાગણીને માન આપીને આખી રાત સંગીતની લહાણી કરતો રહ્યો. લોકો પણ પોતાના પ્રિય કલાકારને સાંભળવા આખી રાત ત્યાં જ ઊભા રહી ગયાં અને દિલથી સંગીત માણતાં રહ્યાં! આજે આવું શક્ય છે? આજે તો ચકચકિત કારમાં આવતા,  આજુબાજુ પહેલવાનોની ફોજ રાખીને દૂરથી ચાહકો તરફ હાથ હલાવી ફ્લાઈંગ કિસ આપીને ખુશ થતા કલાકારો(?) સઘળે દેખાય. તોય ગાંડા ચાહકો ટોળે વળીને અથડાતાં, કૂટાતાં એમની એક ઝલક પામવા કલાકો બરબાદ કરે! ખરા કલાકારો કોણ હોય એની ખબર હોય તો ને.

જો કે, આપણે તો એ મહાનુભાવોને મળવું છે ને એમને જાણવા છે, જેમણે મુંબઈની  ગલીઓને આબાદ કરેલી. તો હવે પછી મળતાં રહીએ ને માણતાં રહીએ આ લેખમાળામાં, મુંબઈના અદ્ભુત સાંસ્કૃતિક વારસાને.

મંગળવાર, 24 માર્ચ, 2015

રસોઈકલા એટલે ?

આજકાલ પરીક્ષા અને ક્રિકેટના ટેન્શન કે તણાવને કારણે, સુંદર અને સ્વાદિષ્ટ રસોઈકલા વેઠ ઉતારવાની કલા બની ગઈ હોય તો કોઈ નવાઈ ન પામશો. થોડા દિવસ સુખે–દુ:ખે કાઢી નાંખશો તો આ કલાની અંદરની વાતો તમને જાણવા ને સમજવા મળશે. મેં આ કલાને કેટલાક રસપ્રદ ખાનામાં ગોઠવી છે. તમે પણ સરખાવી જોજો કે, તમે આ કલા વિશે શું ધારો છો ?


રસોઈકલા એટલે પાકકલા. બત્રીસ જાતનાં ભોજન ને તેત્રીસ જાતનાં પકવાન ખાવા–ખવડાવવાની એ પાક એટલે પવિત્ર કલા છે.

રસોઈકલા એટલે શાકકલા. શાક વગર તમારું ભોજન અધૂરું ગણાય. આજે તમે ચારમાંથી ચારસો શાક બનાવી શકો એટલી રેસિપી તમને મળી રહે, એટલે જ નવા નામે જૂના શાકને પધરાવવાની કલાનો આમાં વિકાસ થાય છે.

રસોઈકલા મુખ્યત્વે નાક પર આધાર રાખે છે. જેની રસોઈની સુગંધ આખા ઘરમાં ને પાડોશમાં પણ પહોંચી જાય તેની રસોઈ ચાખવા કે ખાવા બોલાવવાની રાહ નથી જોવી પડતી. જોકે, રસોઈ બળી જાય ત્યારે નાક કપાવાની વેદના થાય ખરી.

આળસુ લોકો માટે તો રસોઈકલા થાકકલા સિવાય કશું નથી. બજારમાં બધું તૈયાર મળતું હોય તો કોણ ઝંઝટ કરે ? જોકે, ઘણા ઘરોમાં આ કલા ખરેખર થાકકલા જ બની જાય છે.

જ્યારે રસોઈ બગડે ને બધી મહેનત ખાકમાં મળી જાય ત્યારે એ કલા ખાકકલાથી વિશેષ કંઈ નથી.

અસલના જમાનામાં તો દીકરીઓને ધાકમાં રાખીને આ કલા શિખવાતી. તો ઘણી જગ્યાએ પોતાની ધાક જમાવવા માટે પણ સ્ત્રીઓ આ કલાનો ઉપયોગ(!) કરતી. એટલે આ કલા બની ધાકકલા.

વર્ષો પહેલાં પાડોશણો માટે તો આ કલા તાક–ઝાંકકલા જ બની રહેતી. બીજાનાં ઘરોમાં નાકના જોરે વાનગી જાણવાની તાલાવેલી, નફ્ફટ બનીને ઝટપટ તપેલાં ઊઘાડીને ડોકિયું કરવા સુધી એમને દોરી જતી. ‘આજે શાનું શાક બનાવ્યું ?’ એ એમનો પ્રિય પ્રશ્ન રહેતો.

એમ તો, રસોઈકલા એટલે ડાકકલા. રસોઈ શો નહોતા તે જમાનામાં પણ વાનગીઓની આપ–લે થતી ને હરીફાઈઓ પણ થતી. ફક્ત ડાકને એટલે કે ટપાલને આધારે થતી એટલે એ ડાકકલા.

રસોઈકલા એટલે ઢાંકકલા. રસોડામાં ઢાંકવાની કલા મહત્વની કલા ગણાય છે. જો ભોજન વ્યવસ્થિત રીતે ઢાંક્યું હોય તો જમનારના મનમાં કુતૂહલ અકબંધ રહે છે. રસોઈની વધઘટની જાણકારી ફક્ત સ્ત્રીને જ હોવાથી, સાચવીને ઢાંકેલું ને કલાત્મક રીતે સજાવેલું સવારનું ભોજન સાંજે અપાય તોય ઘરનાંને એની ગંધ આવતી નથી ! કદાચ કોઈને ગંધ આવી પણ જાય તોય ધાકના માર્યા કોઈથી બોલાતું નથી.

ફાકકલા ! રસોઈકલા એટલે ફાકવાની કલા. રસોઈમાં ઠેકાણાં ન હોય ત્યારે ફાકા મારવાની અદ્ભૂત કલાનો આપોઆપ વિકાસ થાય છે.

રાંકકલા. ઘણી વાર ખાનારને અને ઘણી વાર ખવડાવનારને આ કલા રાંક બનાવી દે છે !

વાંકકલા ! આ કલા રસોઈને શ્રેષ્ઠ બનાવવામાં ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે. ભલભલી કોન્ટેસ્ટમાં જીતીને આવતી સ્ત્રીની રસોઈમાં, ઘરમાં કોઈ ખામી ન નીકળે એવું કઈ રીતે બને ? જોકે, એમાં જીભને કેળવવી ખૂબ જરૂરી હોય છે–ખાવામાં અને બોલવામાં પણ ! ઘણાંનું એવું માનવું હોય છે કે, અવારનવાર વાંક કાઢતાં રહેવાથી, રાંધનાર ધ્યાનથીરાંધે છે ને વેઠ નથી ઉતારતું ! પોતાને મનગમતી વાનગી મળતી રહે તે નફામાં. વાંકકલામાં રાંકકલા ને ધાકકલાનું મિશ્રણ જોઈ શકાય છે.

વર્ષોથી રસોઈની મહારાણી બની ચૂકેલી સ્ત્રી જોકે વાંકકલાને બહુ પ્રોત્સાહન નથી આપતી. ટીકાના અંગારા પર ઠંડું પાણી રેડવાનો એને બહોળો અનુભવ હોય છે. એની પાસે દરેક પ્રશ્નનો જવાબ તેયાર હોય છે. એની રસોઈની ખામીમાં કોઈ વાર તબિયતનો વાંક (કે બહાનું !) હોય તો કોઈ વાર નોકરનો વાંક. કોઈ વાર ભેળસેળના જમાનાનો કે દવા છાંટેલી અથવા કસ વગરની શાકભાજીનો વાંક પણ નીકળી શકે.

બન્ને પક્ષે વાંકકલાના નમુના જોઈએ.
‘દાળમાં કેમ મીઠું વધારે છે ? ખવાય તેવી તો બનાવ.’
‘આજકાલ મને યાદ નથી રહેતું.’
‘શાક તો ભાઈ બહુ તીખું છે. મને એટલે જ એસિડિટી થઈ ગઈ છે. જરા મારા પર મહેરબાની કરે તો સારું.’
‘અરે, તમે વાત જ જવા દો ને. આજકાલ મરચાંમાં પણ કોઈ કસ નથી રહ્યો. કોઈ વાર તીખાં હોય તો કોઈ વાર સાવ મોળાં !’
‘આજે ભાત બહુ ચીકણો થઈ ગયો.’
‘નવા ચોખા છે ને ? બહુ સાચવીને રાંધવા પડે.’
‘રોટલી રબર જેવી છે.’
‘કેટલા મોંઘા ઘઉં લીધા તે આવી રોટલી માટે ? કાલે જ કરિયાણાની દુકાને ફોન કરીને એને ખખડાવી નાંખું.’

બસ. આવા ઘરોમાં વાંકકલાનો વિકાસ થતો નથી. જે વાંક કાઢ્યા વગર જમી લે છે તે પાંચ આંગળીએ પૂજાય તેવો બની જાય છે.

હાકકલા તો જાણતાં જ હશો. રસોઈ કરતી વખતે શાંતિથી રસોઈ કેવી રીતે બનાવાય ? રસોઈ પાંચની હોય કે પચાસની, બૂમાબૂમ ને ધમાલ કર્યા વગર ઘણાં રાંધી  નથી શકતાં તો ઘણાં રાંધેલું ખાઈ નથી શકતાં.

રસોઈકલા એવી અદ્ભૂત કલા છે જેમાં અવનવી કલાઓ છુપાયેલી છે. એ જોવા–જાણવા–માણવા–શીખવા ને શીખવવા સિવાય પણ મેળવવા–ગુમાવવા કે કમાવા–ખર્ચવાની પણ મસ્ત કળા છે. જે જાણે તે જ માણે.

રવિવાર, 15 ફેબ્રુઆરી, 2015

બેસી રહેવાની કળા

હું કોઈ ભવિષ્યવેત્તા નથી અને મને મારું ભવિષ્ય જાણવામાં રસ પણ નથી, એટલે આવનારાં વર્ષો પર નજર નાંખવાને બદલે ઘણી વાર, હું મારાં વીતેલાં વર્ષો પર બેઠાં બેઠાં નજર નાંખી લઉં છું. નજર હટાવવાનું મન ન થાય એવાં વર્ષોમાં, મને જન્મજાત મળેલી અને જરૂરિયાત મુજબ સમયે સમયે મેં કેળવેલી કેટલીક અદ્ભૂત કળાઓને યાદ કરતાં મારું મન આનંદ અને સંતોષથી ભર્યું ભર્યું થઈ જાય છે. આહાહા...! આટલાં વર્ષોમાં મેં કેટલી બધી કળાઓ બેઠાં બેઠાં જ જાણી, માણી અને વિકસાવી. આ બધી કળાઓમાં જો મને કોઈ કળા ગમી ગઈ હોય તો તે છે, બેસી રહેવાની કળા. એક વાર જે આ કળા જાણી જાય છે, તે પછી બીજી કળાઓ પ્રત્યે ઉદાસીનતા સેવે છે. જે આનંદ બેસી રહેવાની કળામાં મળે છે, તે દુનિયાની કોઈ કળામાં મળતો નથી. નિજાનંદ કોને કહેવાય તે આ કળા ઝટ શીખવી દે છે. બીજી બધી કળાઓમાં પૈસાની જરૂર પડે છે અને ઘણી વાર તો પૈસાની બરબાદી પણ થાય છે. જ્યારે આ કળાને સ્થળ, કાળ અને પૈસા સાથે, એકેય પૈસાની લેવાદેવા નથી. જે તકલીફ થાય છે તે આ કલાકારને લાગતાવળગતાને થાય છે ! આ કળાની ભીતર જઈએ તો જાણવા મળે કે, બીજી કઈ કઈ કળાઓ આ કળા સાથે પણ જોડાયેલી છે.

જેમ કે, બાળક જન્મતાં જ રડે એને કળા ન કહેવાય; એને બક્ષિસ કહેવાય. સમય જતાં, રડતી વખતે ભેંકડો ક્યારે તાણવો ને ડુસકાં ક્યારે ભરવાં, આજુબાજુ જોતાં જોતાં ક્યારે રડવું ને કોઈને બીવડાવવા ક્યારે ને કેવી રીતે રડવું અથવા ધમપછાડા કરવા ને રડીને ત્રાગાં કરવાં જેવી આવડતો કળામાં ગણાવા માંડે. રડીને પોતાનું કામ કઢાવી લેવાની આવડત કે રડીને કોઈ કામ કરવાની મનાઈ કરવાની આવડત પણ કળામાં જ ગણાય. રડવાનું શાસ્ત્ર બહુ અદ્ભૂત છે. કેટલાય ગ્રંથો ભરાય, એટલી વિવિધ રીતે રડવાની આવડતોનો ભંડાર એમાં ભર્યો છે. આ તો ફક્ત બે–ચારની ઝલક માત્ર. રડવાની કળા તો મેં પણ વિકસાવી રાખેલી, જેનો મને ઘણી વાર લાભ પણ મળ્યો છે અને બાળપણમાં ઘણી વાર મેથીપાક પણ મળ્યો છે. ખેર, એક કળા તરીકે મને રડવાની કે રડાવવાની કળા ગમે ખરી. દૂર બેસીને તમાશો જોવાનો હોય ત્યારે તો એ કળાના જાણકારોએ મને આનંદ પણ આપ્યો છે, ખોટું કેમ કહેવાય ? આ કળામાં બેસી રહેવાની કળાનો પણ સમાવેશ થઈ જાય ! પ્રાય: કહેવાતું હોય છે, ‘એમ રડવા શું બેઠાં ?’ અથવા ‘જ્યારે ને ત્યારે રડવા બેસી જાય. કંઈ કામધંધો છે કે નહીં ?’ એ લોકો શું જાણે કે, રડવાનું કામ જ કેટલું મોટું, નિરાંતે ને બેઠાં બેઠાં કરવાનું જ કામ છે !

જ્યારે, ચૂપ રહેવાની કળા વિશે તો ઘણું બોલાયું છે, સંભળાવાયું છે ને લખાયું પણ છે. છતાં એને બેસવા સાથે જોડીને મોટે ભાગે બોલાય કે, ‘તમે હવે ચૂપ બેસો તો સારું.’ એટલે એક વાક્યમાં બે ક્રિયાનો નિર્દેશ છે ! ચૂપ રહેવા બાબતે ટૂંકામાં ટૂંકું વાક્ય છે, ‘ચૂપ બેસ.’ એમાં પણ એ જ બે ક્રિયા ! આના પરથી એક તારણ નીકળે કે, ચૂપ રહેવા માટે બેસવું જરુરી છે. બેઠાં બેઠાં ચૂપ રહેવાનું સહેલું પડતું હશે. જ્યારે બોલવા માટે એવું કોઈ બંધન નથી. કોઈ બોલતું હોય ત્યારે એને કોઈ નથી કહેતું કે, ‘બેસીને જ બોલો કે ઊભા રહીને જ બોલો.’ જેને જેમ બોલવું હોય, જ્યારે બોલવું હોય ને જેટલું બોલવું હોય, બોલવાનીછૂટ ! ફક્ત સામેવાળા કે સાંભળવાવાળા કંટાળે ત્યારે મનમાં (કે મોઢા પર–જેવા સંજોગ કે જેવો સંબંધ !) બોલે કે, ‘હવે ચૂપ બેસો તો સારું.’ ચૂપચાપ બેસી રહેવાની કળા વિશે વિગતે જણાવું તે પહેલાં બેસી રહેવાની કળા વિશે જાણીએ.

બેસી રહેવાની કળા જાણનાર દુનિયાની નજરે એક નંબરનો આળસુ છે ! કેમ જાણે કે, ઊભેલાં લોકો કે સૂતેલાં લોકો કે ચાલતાં–ફરતાં લોકો બહુ મોટી ધાડ મારી નાંખતાં હોય ! કોઈ પણ કામ હાથમાં ન હોય એવી સ્થિતિમાં બેસી રહેનાર પર દુનિયા તરત જ નજર બગાડે છે. ‘એમ નવરા શું બેસી રહ્યા છો ? કંઈ કામધંધો છે કે નહીં ?’ પછી તો કરવા જેવાં અને ન કરવા જેવાં કામોનું પણ લિસ્ટ ગણાવા માંડે, ‘આટલાં બધાં કામ પડ્યાં છે ને તમે એમ હાથ જોડીને બેસી રહ્યા છો ?’ મૂળ મુદ્દો છે કે હાથ જોડીને કે જોડ્યા વગર પણ બેસી નહીં રહેવાનું. બેસવાનું બહુ જ મન થાય અને ચાલે તેવું ન જ હોય તો, ગૂપચૂપ એકાદ જગ્યા શોધીને બેસવું, જ્યાં કોઈની નજર ન પડે. એમ તો, નજર બગાડવાવાળા પણ કોઈ કામ કરતાં જ હોય તે જરૂરી નથી પણ, નવરા બેઠેલાંને સલાહ આપવાનું ભારે કામ, આ બેસી રહેલા નવરા લોકો કરતાં હોય છે !

દર વખતે જ બેસી રહેલા એટલે કે નવરા–કામ વગરના– બેસી રહેલા લોકો, મનથી પણ નવરા હોય એ જરૂરી નથી. બેઠાં બેઠાં આ લોકો આખી દુનિયા ઘુમી વળે છે. આકાશની પેલે પાર પહોંચી જાય છે. દરિયાનો તાગ મેળવી લે છે. જુદા જુદા પાત્રો નિભાવી, જુદાં જુદાં કામ પણ પતાવી નાંખે છે. કોઈના મનમાં કે કોઈના શરીરમાં પણ આત્માની જેમ પ્રવેશી એનું જીવન જીવવા માંડે છે ! બહુ પ્રચલિત વાક્ય છે, ‘હમણાં એની જગ્યાએ હું હોઉં ને તો....!’ બેઠાં બેઠાં પ્રધાનમંત્રી કે ક્રિકેટર કે એક્ટર આવા બેસી રહેલા લોકો જ તો બનતા હોય છે ! પતિ–પત્ની કે સાસુ–વહુના ઝઘડાના મૂળમાં બીજું શું છે ? બેસી રહેવાની કળા જાણનાર કલાકાર સદાય બીજાની આંખમાં ખૂંચતો હોય છે અને પરિણામ ? ઝઘડા ! બેસી રહેવાની કળા ઝઘડવાની કળાને પ્રોત્સાહન આપે છે એમ કહી શકાય ? બેસી રહેનારા ક્યારેય નવરા નથી હોતા. ખાસ તો એમનું દિમાગ સતત કામ કરતું હોય છે. એમની આંખો ચકળવકળ ફર્યા કરતી હોય, જે હંમેશાં કોઈ ને કોઈ શિકારની શોધમાં જ હોય. કોણ શું કરે છે ? કોણ ક્યાં જાય છે ? કોણ ક્યારે આવ્યું ? કોણ સાજું છે ને કોણ માંદું છે ? આના જેવી અનેક ઝીણી ઝીણી બાતમી આ બેસી રહેનાર બાતમીદાર પાસેથી મળી રહે છે.

જોકે, મોટામાં મોટો ફાયદો જો કોઈ થતો હોય તો તે છે ઘર, વસ્તુ કે જગ્યા સાચવવાનો ! મોટે ભાગે, બેસી રહેનારા કે લાંબો સમય બેસી શકનારા લોકોને જ આવાં રખેવાળીનાં કે જવાબદારીનાં ભારે કામ સોંપવામાં આવે છે. ‘તમે અહીં બેઠાં છો ને ? જરા મારી જગ્યા સાચવજો. ’ (કોઈ લઈ ન જાય !) ‘તમારે બીજું કંઈ નથી કરવાનું, બસ ખાલી બેઠાં બેઠાં આટલું ધ્યાન રાખશો તોય બહુ. ’ ‘આપણા ફલાણા કાકા કે મામાને અહીં બેસાડી મૂકજો. એ બરાબર ધ્યાન રાખશે ને કોઈને કંઈ અડકવા પણ નહીં દે કે કોઈ અજાણ્યાને આવવા પણ નહીં દે. ’ એટલે બેસી રહેવાની કળાને પૂરેપૂરી પચાવનારા લોકોનું પણ સમાજમાં માનભર્યું સ્થાન છે, એ ભૂલવું ન જોઈએ. આ લોકો તદ્દન નિ:સ્વાર્થ ભાવે જ સેવા આપે છે. ફક્ત વખાણના બે શબ્દો કહી દો કે, તમને બીજી વાર તમારા કોઈ પ્રસંગમાં, સામેથી કહેણ આવશે, ‘કંઈ કામકાજ હોય તો કહેજો. બીજું તો મારાથી કંઈ નહીં થાય પણ બેસી રહીશ. ’ હવે આનાથી મોટું કામ કયું ?

બેસી રહેવાની કળા જાણનાર ઘરમાંથી માખી–મચ્છર જેવાં જીવજંતુઓનો ઉપદ્રવ ઓછો કરે છે. મહેમાન સાથે વાત કરવાનો ઘરનાં કોઈ પાસે સમય ન હોય તો, પેલા બેસી રહેનાર મહેમાનને મનોરંજન પૂરું પાડે છે. જોકે ઘણી વાર મહેમાનને વહેલા ભગાડવામાં આડકતરી મદદ પણ કરે છે ! ઘરનાં કામવાળા સાથે માથાકૂટ ન કરવાની આ કલાકારોને સખત મનાઈ હોય છે. આના પરિણામે બેઠાં બેઠાં, આ કલાકારોનું બ્લડ પ્રેશર વધી જાય છે, મનમાં બબડવાની ટેવ પડી જાય છે ને અકળામણ વધી જતાં, ઘણી વાર ઘરમાં નાનું છમકલું થઈ જાય છે. ચૂપચાપ ન બેસવાને કારણે બે વાત સાંભળવી પડે છે. આ પરથી એવું માની શકાય કે, બેસી રહેવાની કળા જાણનારે ‘ચૂપચાપ બેસી રહેવાની કળા’ પણ વિકસાવી લેવી જોઈએ. ચૂપચાપ બેસી રહેવામાં મદદરૂપ થતાં કેટલાંક સાધનો છે– કોઈ પણ ધર્મની કોઈ પણ મણકાની માળા, જપ, ધ્યાન કે યોગાસન–પ્રાણાયામ,  બે–ચાર છાપાં અને ઢગલો પુસ્તકો, ટેલિવિઝન, કમ્પ્યુટર જેવાં રમકડાં અને ઘરની બહાર હોય તો બગીચો, થિયેટર, તળાવની પાળ કે નદી અથવા દરિયાનો કિનારો.

કોઈએ પણ એ ન ભૂલવું જોઈએ કે, બેસી રહેવાની કળાના વિકાસને પરિણામે જ દુનિયાને યોગીઓ, તપસ્વીઓ, વિચારકો, ચિંતકો, લેખકો, કવિઓ, ચિત્રકારો ને એવા તો કેટલાય કલાકારો મળ્યા છે. જો એમને સળંગ ચૂપચાપ બેસતાં ન આવડતું હોત તો આ દુનિયાનું શું થાત ?       

કલ્પના દેસાઈ
kalpanadesai.in@gmail.com