રવિવાર, 25 જૂન, 2017

સ્વર્ગની સીડી–––(૨૬)


કોણ જાણ કેમ પણ આપણને ઘરમાં સ્વર્ગ દેખાતું નથી, કે પછી ઘરને સ્વર્ગ બનાવતાં આપણને આવડતું નથી. જે હોય તે, આપણી એક માત્ર ઈચ્છા મર્યા પછી સ્વર્ગ મેળવવાની(!) અને સ્વર્ગનાં સુખો ભોગવવાની જ હોય છે. દુનિયાના દરેક માનવીની આ ઈચ્છા રહી હોવાથી, એ સ્વર્ગે પહોંચવાની વ્યર્થ કોશિશોમાં ઊંચી, ઊંચી અને હજીય ઊંચી ઈમારતો બનાવ્યે જ જાય છે. જાણે કે, સ્વર્ગ હાથવેંતમાં. ફાયદો એમાં આપણા જેવા સૌને એ થાય કે, વગર મહેનતે અને ઓછા ખર્ચે આપણે સ્વર્ગની સીડી પર જઈ શકીએ છીએ. બે–પાંચ મિનિટ માટે આભાસી સ્વર્ગ મેળવ્યાનો કે જોયાનો આનંદ માણી શકીએ.

જે મકાન કે ટાવરને જોવા કદાચ ભોંય પર જ આડા પડી જવું પડે, એટલી મોટી અને ઊંચી ‘બૅયોક સ્કાય હૉટેલ’ને, રસ્તા પર ઊભા રહી, અમે ડોકની સાથે શરીરને પણ રસ્તા તરફ ઢળતું મૂકતાં મૂકતાં કમાન જેવી હાલતમાં ખૂબ અચરજથી જોઈ. પંચ્યાસી માળની હૉટેલ! લાઈટ ન હોય ત્યારે? જે જ્યાં હોય ત્યાં જ અટકી જાય? એવે સમયે ઉપલા માળવાળાને કેવી મજા? કે નીચલા માળે હોય તેને? હું તો દસ માળથી વધારે ઊંચા મકાનમાં કોઈને ત્યાં જવાની હિંમત ન કરું. એક કપ ચા કે નાસ્તાની એકાદ ડિશના બદલામાં દસ માળ કોણ ચડ–ઉતર કરે? તેમાંય જ્યારથી હેલ્થ ટિપ્સમાં વાંચ્યું છે કે, લિફ્ટમાં જવાને બદલે દાદર વાપરવો ત્યારથી તો મહેમાન બનવાનુંય ટાળવા માંડ્યું છે. મોટા ગ્રૂપને કારણે અમારું કામ તો બહુ ઝપાટામાં ચાલતું કે ચલાવવું પડતું. એમ લળીલળીને કે વળીવળીને મકાનો, હૉટેલો ને મંદિરો જોવા મંડી પડીએ તો અમને કેટલા દિવસ જોઈએ?

ટૂરવાળા તો કોઈને ખોટું ન લાગે, સૌનો ઉત્સાહ અકબંધ રહે અને સાથે સાથે સૌને પાનો પણ ચડતો રહે, એટલે ખોટુંખોટું પણ કહેતા રહેતા, ‘કમ ઓન ગર્લ્સ, મૂવ ફાસ્ટ. વી આર ગેટિંગ લેઈટ.’ સાંભળીને તો બધી ગર્લ્સ તો એ..ય ને દોડવા જ માંડે હીહીહીના રણકાર સાથે. આ વિશાળ હૉટેલમાં છસો તોંતેર તો ઓરડા! સિત્તોતરમા માળે વેધશાળા. ત્ર્યાંસીમા માળે મ્યુઝિકની સાથે રુફ ટૉપ બારની સગવડ ને ચોર્યાસીમા માળે ત્રણસો સાંઠ ડીગ્રીનું રિવોલ્વિંગ રુફ ડેક. મોટી પારદર્શક લિફ્ટમાં દાખલ થાઓ એટલે જાણે પ્લેન ટેઈક ઓફ કરે તેવી પેટમાં ઘરઘરાટી અને મગજમાં રોમાંચની સાથે હર્ષનાં મોજાં ઊછળવા માંડે. આંખો તો અચરજથી પહોળી થઈ નીચે જઈ રહેલા શહેરને જોયા જ કરે.

આંખના પલકારા ને ઝબકારામાં તો સિત્તોતેરમો માળ હાજર! બહાર નીકળી વેધશાળામાંથી આકાશદર્શન! રાત્રે તો વળી નીચે શહેર અને ઉપર આકાશદર્શનની અનેરી મજા માણી, અમે વળી છુકછુકગાડી રમતાં બીજી લિફ્ટમાં ચોર્યાસીમા માળે પહોંચ્યાં. અહીં ખુલ્લી બાલ્કની જેવી જગ્યામાં ચાલતાં ચાલતાં આખા બૅંગકૉક શહેરની ઉપર વટથી એક ચક્કર મારી લેવાનું. બસ, સ્વર્ગ અહીં નહીં તો બીજે ક્યાં હોવાનું? મને તો ત્યાં રહી પડવાનો કોઈ વાંધો નહોતો પણ એવાં નસીબ ક્યાં? ખેર, એક આખું ચક્કર મારીએ એમાં તો, ફ્લાય ઓવરના જાળામાં ગૂંચવાયેલા બૅંગકૉકમાં ફરતા કરોળિયા રૂપી ટ્રાફિકને, મકાનોને, વિમાનોને, નદી ને બગીચાઓ તથા હોડીઓને જોતાં જ રહીએ....જોતાં જ રહીએ એમ થાય. મારા મનમાં ત્યારે રહી રહીને એક જ વાત ખૂંચતી હતી. આટલી સુંદર જગ્યાને, લોકોના આકર્ષણનું કેન્દ્ર બનાવવાની ઉતાવળમાં આ રિવોલ્વિંગ ડેકને આટલી ભંગારમાં નાંખવા જેવી કેમ બનાવી? કોઈક પડતર અગાસી પર ચાલતાં હોઈએ એવો પતરાંનો ખખડાટ, કાચની/પ્લાસ્ટિકની પારદર્ષક પણ સાફસફાઈ વગરની દિવાલને નજરઅંદાઝ કરીએ તો ફરી ભેજું ઠેકાણે આવી જાય. (હારી, ખામી જોવાની ટેવ એમ કેમ કરતાં જાય?)

એક માળનો દાદર ઊતરી અમને ફ્રી ડ્રિંક માટે લઈ ગયા બારમાં! જ્યાં અમને પ્યોર કોલ્ડ ડ્રિંક(!) અને જેને જોઈએ તેને હૉટ ડ્રિંકમાં કૉફી અપાઈ. ફ્રી એટલે પેલી સ્વર્ગની ટિકિટમાં સામેલ ખર્ચ! ફરીથી લિફ્ટમાં એ જ ઝૂ....મ અને કાનના પડદા બંધ. ફટાક દઈને ભોંયતળિયે અને બે જ મિનિટમાં તો સૌ કાંઉકાંઉવાળી હોલસેલ માર્કેટમાં ખાબકી. અચાનક જ શૉક ટ્રીટમેન્ટ અપાઈ હોય એમ સૌને શૉપિંગનો આદેશ થયો ને સૌના જીવમાં જીવ આવ્યો. હા...શ! શૉપિંગ કરવાનું. ચાલો મંડી પડો.

દુનિયાભરના શૉપિંગરસિયાઓના સ્વર્ગ ગણાતા બૅંગકૉકમાં હવે અમારું આ છેલ્લું શૉપિંગ હતું. પર્સમાંના ખણખણતા સિક્કા કે કડકડતી ડૉલર્સની નોટોને અહીં દાન કરી જવાની હતી. સસ્તામાં સસ્તી માર્કેટ અને અધધધ દુકાનો! આવી જગ્યાએ તો બે–ચાર દિવસ ધામો નાંખવો જોઈએ. બે–ચાર કલાકમાં શું? ન તો નિરાંતે પસંદગી થાય કે ન તો ભાવતાલની મજા આવે. બહાર તો પાછી આનાથીય સસ્તી સ્ટ્રીટ માર્કેટ! કોઈ રાખી રાખીને દિલ પર કેટલોક કાબૂ રાખે? સામાન વધી જવાની પરવા કર્યા વગર સૌ ઘેલીઓ શોપિંગની હોડમાં જાણે દોડવા જ માંડી. એ...ક, દો....તીન. ભાગો......

મેં પલ્લવીબહેન સામે જોયું. ‘શું કરીએ? કંઈ શૉપવું છે?’ એમની પણ ખાસ ઈચ્છા નહોતી. જો રસ્તામાં જ અધવચ્ચે બૅગ તૂટી ગઈ તો? સામાન વધી ગયો ને દંડ ભરવો પડે તો? ના બાબા. એના કરતાં બધે ફરીએ ને માર્કેટ જોઈએ. અમે તો બધે ફરી ફરીને જાતજાતની રંગબેરંગી દુકાનો જોઈ. ગ્રાહકોને ત્રુટક ભાષામાં રકઝક કરતા જોયા અને થાઈ છોકરીઓને ગૂસપૂસ કરતાં ને ટિફિનમાંથી ભોજન કરતાં પણ જોઈ. છેલ્લે બહાર નીકળીને સ્ટ્રીટ માર્કેટ પણ જોઈ લીધી. ભીડમાંથી સાચવીને રસ્તો કાઢતાં થોડે સુધી ચક્કર લગાવી આવ્યાં. સમયનું સતત ધ્યાન રાખવાનું હતું નહીં તો અહીં અમારું કોણ? આખા દિવસની રઝળપાટે ટાંટિયા જવાબ આપવા માંડેલા કે પછી પ્રવાસ પૂરો થયાના અફસોસે અમે ઢીલા પડવા માંડેલાં કોણ જાણે.

આખરે બૅંગકૉકના છેલ્લા વિદાયભોજનની પળ આવી પહોંચી. હૉટેલ અશોકા! ભારતીય વાદ્યસંગીત અને સ્વાદિષ્ટ ભોજન, પણ ઉત્સાહના અભાવે કોઈને ભોજનમાં રોજના જેવો સ્વાદ ન આવ્યો. જમીને સૌ પોતાના શૉપિંગના થેલા સાચવતા બસમાં બેઠાં. થેલાઓથી ઊભરાતી બસમાં પાછળ બેઠેલી લલનાઓ તો દેખાતી પણ નહોતી. ગાઈડે પોતાની છેલ્લી, વિદાયની વાત માંડી. ‘તમને સૌને આ ટૂરમાં ખૂબ મજા આવી હશે એવી આશા. અમારા તરફથી તમારી બધી સગવડો સાચવવામાં અને સફરનો સંતોષ આપવામાં કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરશો. જોકે, પ્રવાસમાં થોડી પણ અગવડ ન પડે તો એ પ્રવાસ ન કહેવાય, એવું જો માનતાં હો તો આવા પ્રવાસ કરતાં રહેજો અને અમને યાદ કરતાં રહેજો. (જાહેરાત કરવાની કળા !) અમને સૌને પણ તમારી સાથે ખૂબ મજા આવી. તમારા સૌની યાદ આવશે. મને પણ યાદ કરી કોઈ વાર ફોન કરી લેશો તો મને આનંદ થશે. (આવાં ગપ્પાં આ લોકો દરેક ટૂરમાં મારતાં હશે ને? હશે, અમને મજા પડી તેમાં આ લોકોનો પૂરો સહયોગ હતો તેની કેમ ના કહેવાય?) હવે એરપોર્ટ પર મળશું. તમારા સામાન અને પર્સ–પાસપોર્ટનું ધ્યાન રાખશો. શુભેચ્છા અને શુભયાત્રા.’

ગૌરી ખૂબ જ મળતાવડી અને હસમુખી હોઈ અમારા સૌની પ્રિય બની ગયેલી. એક છોકરીએ એને પૂછ્યું પણ ખરું, ‘ગૌરી તું કાયમ દોડતી ને હસતી જ દેખાઈ છે. તું થાકતી નથી? આરામ ક્યારે કરે છે?’ ગૌરીએ જરાય અભિમાન બતાવ્યા વગર કહ્યું, ‘અમારી નોકરીની પહેલી શરત જ એ છે કે, થાક ને ભૂખ તરફ ધ્યાન નહીં આપવાનું.’ બાપ રે! આ બધી ઝાકઝમાળની પાછળ તો ખાસ્સું બલિદાન છે. અમે બધાં તો કોઈ પણ જવાબદારી વગરના પ્રવાસમાં, સરસ મજાનું ઝાપટીને, આરામ કરીને, શૉપિંગ કરીને ને મજા કરીને પણ થાકીને ઠૂસ થવાની ફરિયાદ કરતાં હતાં અને આ વીસ જ વરસની, માબાપથી દૂર અને ઘરથી દૂર આવેલી છોકરી! વાહ!

ગૌરી અલકમલકની વાતો કરીને સૌને ખુશ કરવાની કોશિશ કરી રહી હતી અને બસ સુવર્ણભૂમિ એરપોર્ટ તરફ સડસડાટ દોડી રહી હતી. રાતનું રોશનીથી ઝગમગતું બૅંગકૉક અને એરપોર્ટનું વિશાળ, ભવ્ય પાર્કિંગ જોઈ સૌ સ્તબ્ધ! બસમાંથી નીકળી સૌએ પોતાનો સામાન ટ્રોલી પર લઈ લીધો અને ફરી સૌ સ્કૂલની લાઈનમાં! એરપોર્ટમાં દાખલ થઈ ફરી એ જ સામાન અને પાસપોર્ટ ચેકિંગની કંટાળાજનક લાઈનો અને બૅગ પર બેસી ગયેલી થાકેલી તરુણીઓ! ચાલો ભઈ, હવે વહેલા પહોંચીએ ઘેર. ન તો કોઈનામાં રોજની જેમ અંતકડી રમવાના હોશ હતા કે ન કોઈ મજાકમસ્તી કરવાના મૂડમાં હતું. ઘરે પાછા ફરવાનો કોઈને ઉત્સાહ જ નહોતો! ફરી એ જ ગૅસના ચૂલા, એ જ ઓફિસની દોડાદોડી, પરિવારના પ્રશ્નો અને ઓહ! રે’વા દો. એ તો એવું જ હોય. વેકેશન કોને કહ્યું છે? આ છ–સાત દિવસોને યાદ કરીને ખુશ નહીં રે’વાનું? તો પછી...

રવિવાર, 18 જૂન, 2017

યશોધરાની રાહ જોતા બુધ્ધ–––(૨૫)


આપણા ભારત દેશની જેમ થાઈલૅન્ડ પણ મંદિરોથી ઊભરાતો–શોભતો દેશ છે. ફરક એટલો જ કે, બધે બુધ્ધનાં જ મંદિરો દેખાય. આપણા દેવો જેટલી ને મંદિરો જેટલી વિવિધતા અહીં જોવા ન મળે. આપણા હજારો નામધારી દેવો સાથે એમની દરેકની પોતાની વાર્તા પાછી જુદી. બુધ્ધની વાર્તા તો જગજાહેર. કદાચ એમની ઉચ્ચ ત્યાગભાવનાને કારણે જ થાઈલૅન્ડ જેવા દેશોમાં જ્યાં બૌધ્ધ ધર્મનો ફેલાવો થયો છે, ત્યાં બુધ્ધનાં  મંદિરો, વિહારો અને આશ્રમો જોવા મળે. (વર્ષોથી એક વાત પર કોઈએ પ્રકાશ ફેંક્યો હોવાનું જાણમાં નથી. બુધ્ધના ગૃહત્યાગમાં એમનો ક્રોધી સ્વભાવ જવાબદાર હતો કે પત્ની યશોધરાનો કર્કશા સ્વભાવ ? કોણ જાણે!)

અમને તો બૅંગકૉકના પ્રખ્યાત ‘રિક્લાઈનિંગ બુધ્ધા’ (બુધ્ધા?) જોવા લઈ ગયા એટલે અમારે તો તે જોવા સાથે કામ. વધારે પંચાત કરવામાં બધું જોવાનું રહી જાય તો ફેરો માથે પડે. મૂર્તિ જોતાં જ સૌ સ્તબ્ધ! આટલું બધું સોનું? દુનિયામાં રોજના તોલાના ભાવ વધઘટ થવાની સાથે લોકોના હ્રદયના ધબકારામાં વધઘટ થાય. તોય ભગવાનને સોનું ધરાવનારા કે ભગવાનને સોને મઢનારા પણ આ દુનિયામાં પડ્યા છે ખરા! સોનાનું વજન અને મહત્વ માણસના દિલોદિમાગ પર એટલું બધું છવાઈ ગયેલું કે, ભગવાનને પણ એણે એમાંથી બાકાત ન રાખ્યા. દેવોના શણગારને બહાને ભક્તો જાતજાતનાં ઘરેણાં, જેમાં સોના–ચાંદી અને હીરા–મોતીના દાગીનાના ઢગ ને ઢગ હોય તેને મંદિરોમાં ખડક્યે જ જાય. અહીં તો વળી સૂતેલા બુધ્ધ એટલે કે આડે પડખે થયેલા બુધ્ધ હતા. (જમણે પડખે આડા પડ્યા છે, બાકી તો વામકુક્ષિ કરતા બુધ્ધ એવું આપણે કહીશકીએ.)

આ મંદિર ‘વૅટ ફો’ તરીકે ઓળખાય છે. WAT એટલે મઠ, આશ્રમ, વિહાર કે મંદિર. આખું નામ બહુ લાંબું છે એટલે ટૂંકમાં વૅટ ફો. સોનાના પતરે મઢાયેલી છેતાલીસ ફૂટ લાંબી આ મૂર્તિના પગ ત્રણ મીટર લાંબા છે. આટલા લાંબા પગને અનુરૂપ બનેલા તળિયામાં બુદ્ધનાં લક્ષણો બહુ સુંદર રીતે કોતરેલાં છે. પગનાં તળિયાં તો જાણે મોતીની મોટી છીપ હોય એવું લાગે. કૉરિડોરમાં એકસો ને આઠ તાંબાની નાની કુંડીઓ ગોઠવેલી. તેમાં તમારે સિક્કા નાંખતાં નાંખતાં મૂર્તિની પ્રદક્ષિણા કરવાની, જેથી તમારું ભવિષ્ય ઊજળું બને, આશીર્વાદ મળે અને સાધુઓને મદદ થાય.

મંદિરની સાથે ભવિષ્ય, આશીર્વાદ અને મદદ જેવા શબ્દો જોડવાથી લોકોની આસ્થા બરકરાર રહે અને મંદિરનો નિભાવખર્ચ પણ નીકળ્યા કરે! શ્રધ્ધાની વાત છે ભાઈ. સ્વાભાવિક છે કે, અહીં ટુરિસ્ટો વધારે આવે એટલે એમને બધું જ્ઞાન આપવા ને બધું સમજાવવા અંગ્રેજી બોલતા ગાઈડ રાખવા પડે. અહીં મંદિરમાં અમને જ્યોતિષીઓ ફરતા પણ દેખાયા. હાથની રેખાઓ જોઈને તમારા ભવિષ્યની સાથે તમારી ચાલ પણ કહી આપે! માનસિક કે શારિરીક ચાલ તે જાણવાની જિજ્ઞાસા થઈ પણ સમય નહોતો. અમારે તો હાથ બતાવવો હોય કે, અમારા ભવિષ્યની ચાલ જાણવી હોય તો ખાસ્સો સમય જોઈએ. પાંચસોએ પાંચસો જિજ્ઞાસુઓ પલાંઠી લગાવીને, હાથ લંબાવીને બેસી ગઈ તો? અમારા પ્રવાસના ભવિષ્યનું શું? એટલે ભવિષ્યદર્શન પર ચોકડી મારી અમે મંદિરના પરિસરમાં ફર્યે રાખ્યું.

મૂળ જ્યારે આ મંદિર નહોતું, ત્યારે ‘અસલ થાઈ મસાજ’, જેમાં યોગનાં આસનો શીખવાતાં. રીતસરનું યોગનું શિક્ષણ જ અપાતું. પારંપરિક થાઈ દવાઓનું શિક્ષણ પણ અહીં અપાતું. પછી તો, ઈતિહાસમાં આવે તેવી ઘટનાઓ ઘટી. અહીં બર્મિઝોએ હુમલો કર્યો ને મૂળ મૂર્તિને નષ્ટ કરી. એમને મૂર્તિ શું નડી કોણ જાણે! પછી અયોધ્યાના રાજા રામ એક, બે ને ત્રણે અઢીસો વર્ષોમાં બાંધકામો ચાલુ રાખીને આખરે દુનિયાને આ મંદિરની ભેટ ધરી.(અયોધ્યાને અહીં ‘અયુથયા’ કહે છે.) આ બધા રાજા રામ ન હોત તો? એમની લગન અને ધીરજ ખૂટી ગઈ હોત તો? કેવી નવાઈની વાત કે, રાજા રામે બુદ્ધનું મંદિર બનાવ્યું? મંદિરની બહાર નાનકડા બગીચામાં જગપ્રસિધ્ધ ‘બોધિવૃક્ષ’ પણ છે, જ્યાં બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થયેલી. આપણે કેટલાં કમનસીબ! અહીંથી બુદ્ધને જવા દીધા અને  બુદ્ધ ત્યાં જઈને આડા પડ્યા, તેમાં આખો ઈતિહાસ બદલાઈ ગયો!

આ પરિસરમાં એક હજાર કરતાં પણ વધારે બુદ્ધની પ્રતિમાઓ છે. મંદિરની બહાર એકાણુ સ્તૂપ છે, ચાર વિહાર અને મધ્યસ્મારક છે. આ સ્તૂપોમાં, અમુકમાં રાજકીય પરિવારના સભ્યોના અંતિમ અવશેષો જેવી ભસ્મ અને અમુકમાં બુદ્ધના શરીરની ભસ્મ સંઘરાઈ છે. સોનાથી આકર્ષાયેલા ટુરિસ્ટો જાણે મૂર્તિને જોતાં ધરાતાં જ ન હોય એમ, દરેક દિશા અને દરેક ખૂણેથી વળીવળીને, આશ્ચર્યથી આંખો ફાડીને મૂર્તિને જોઈને આખરે નિરાશ થઈને બહાર નીકળી જતાં હતાં. ‘ત્યાગમૂર્તિ’ બુદ્ધની મૂર્તિ બનાવવામાં જ અધધધ સોનું અને જોનારના મણમણના નિ:સાસા!

‘વૅટ ટ્રાઈમિટ’ નામના બુદ્ધ મંદિરમાં તો વળી પાંચ ટન સોનાની ત્રણ મીટર ઊંચી બુદ્ધની મુર્તિ! જે રાજા પોતાના રાજપાટને અને પોતાના સંસારને એક ઘડીમાં છોડીને નીકળી ગયેલા તેની યાદમાં જ સોનાની મૂર્તિ? એ તો ભૂલમાં , ઊંઘતી પત્ની ને પુત્રને પણ છોડી ગયેલા. બાકી જો એમને સાથે રાખ્યા હોત તો આજે આપણને, ભગવાનની બીજી જોડીઓની જેમ કે ભગવાનના પરિવારોની જેમ કોઈક જુદું જ ચિત્ર જોવા મળત. સિધ્ધાર્થની એક બાજુ યશોધરા વટથી બેઠી હોત અને ચરણોમાં રાહુલ ગેલ કરતો હોત અથવા યશોધરા પતિના ચરણ ચાંપતી હોત અથવા રાહુલ પિતાની પ્રદક્ષિણા ફરતો હોત! કેટકેટલી જાતનાં મનોહર દ્રશ્યો આપણને જોવા મળત. અહીં આવીને આડા પડીને, પત્ની અને પુત્રની સદીઓથી રાહ તો ના જોતા હોત! ખેર, ઈતિહાસ આવી બધી ઘટનાઓ સમાવવા માટે તો રચાતો હોય.

સોમવાર, 12 જૂન, 2017

બાય બાય બૅંગકૉક–––(૨૪)


જ્યારે સરસ મજાનો પવન નીકળ્યો હોય અને પતંગ આકાશમાં ઊંચે ને ઊંચે...હજીય ઊંચે પહોંચી ગયો હોય, ત્યારે અચાનક જ ફિરકી ખલાસ થઈ જાય કે ભરદોરીએ પતંગ કપાઈ જાય ને જેવી પતંગની હાલત થાય, તેવી હાલત અમારા સૌની થઈ ગઈ હતી. બૅંગકૉક પ્રવાસના છેલ્લા દિવસની છેલ્લી સવાર પડી ચૂકી હતી. સાડા નવ વાગ્યે હૉટેલ છોડી દેવાની હતી અને રાત્રે નવ વાગ્યે તો બૅંગકૉક એરપોર્ટ પહોંચી જવાનું હતું. હાથમાં હતા ફક્ત બાર કલાક! હવે તો જેટલું બાકી રહી ગયું હોય તેટલું બૅંગકૉક જોઈને પૂરું કરવાનું હતું. ભલે ને, બધી સ્ત્રીઓ– બહેનો, દીકરીઓ, માતાઓ– સરસ મજાનો સમય લઈને સુંદરતમ દેખાવાની અંતિમ કોશિશો કરી ચૂકી હોય પણ નિરાશાની વારંવાર ડોકાઈ જતી લકીરો સૌની આંખોમાં ઝળઝળિયાંની જેમ ચમકી જતી હતી.

કેવી નવાઈની વાત કહેવાય? મારું ઘર–મારું ઘર કહેતાં જેનું મોં થાકતું ન હોય કે જેની જીભ અચકાતી ન હોય તે જ સ્ત્રીઓ આજે પોતાને ઘેર જ પાછું ફરવાનું હોવા છતાં દુ:ખી દેખાતી હતી! જાણે કે, આવા બીજા કોઈ પ્રવાસના દિવસ સુધી એને તડીપાર કરી હોય કે પછી જેલમાં મોકલી દીધી હોય! ખેર, સવારે વહેલાં ઊઠવાની કોઈ ઉતાવળ નહોતી. શાંતિથી તૈયાર થઈને, નાસ્તો (છેલ્લી વારનો) કરીને નવ વાગ્યે તો હૉટેલની બહાર નીકળી જવાનું હતું. ત્યાંથી સીધા બસમાં જ બેસી જવાનું હતું, પણ માયા બડી અજબ ચીજ છે. લાગતું હતું કે, અમને સૌને તો આ હૉટેલની પણ માયા લાગી ગયેલી! તો જ નીકળતી વખતે સૌ ફરી ફરીને દુ:ખી નજરે હૉટેલને જોઈ રહી હતી ને? એ તો સારું કે, કોઈ ભૂખ્યે પેટે કે બળતા જીવે ના જાય એટલે હૉટેલવાળાએ નાસ્તો કરીને જવાનો સમય ને આગ્રહ રાખેલો.(બધું ભાડામાં સામેલ હોય પણ આપણે લાગણીઘેલાં તે હૉટેલવાળાનાં ગુણ ગાઈએ!) એ તો બહુ જાણીતી વાત છે કે, મન નિરાશ હોય ત્યારે જો કંઈ મનને–જીભને ભાવે તેવું ખાઈ લઈએ તો મૂડ તરત ફેરવાઈ જાય. આનાથી સાબિત થાય કે, ભઈ, આપણે તો બહુ ખાઉધરાં! દરેક વાત કે પ્રસંગ સાથે ખાવાપીવાની વાત જોડી દઈને જ પરમ સંતોષ અનુભવીએ.

‘હવે તો જવાના....છૂટા પડવાના.....કંઈ ગમશે નહીં....આટલા દિવસ તો કેટલી મજા આવી....બધું ને બધાં બહુ યાદ આવશે....’ વગેરે વગેરે વાતોનાં રોદણાં રડતી બહેનો બ્રેકફાસ્ટ માટે તો સમયસર હાજર હતી. બધી વાતોને બાજુએ મૂકીને પેટમાં જેટલો સીંચાય તેટલો નાસ્તો સીંચવાનો પ્રયત્ન કરી રહી હતી. અમે કંઈ સાધ્વીઓ પણ નહોતી, ને બૅંગકૉકમાં અગિયારસ કે પૂનમનો ઉપવાસ કરવાની નેમ લઈને પણ નહોતી ગઈ એટલે અમે બન્નેએ પણ શરમ રાખ્યા વગર(જોકે, અહીં કોની શરમ રાખવાની?), બને તેટલી વાનગીઓને સંપૂર્ણ ન્યાય આપ્યો. મને થયું કે, હૉટેલ તરફથી દરેકને વિદાય ભેટ તરીકે એક ટિફિનમાં નાસ્તો ભરી આપત તો એ લોકોનું શું જાત? એમ પણ અમારા ગયા પછી આ બધું દેશી–ભારતીય ખાણું એ લોકો ઓછા ખાવાના હતાં? છોલેપૂરી ને બ્રેડપકોડામાં એમને શું સમજ પડે? મગની દાળનો શીરો એમને ભાવે કે? બાકી તો, રોજ જે જે વાનગીઓની સજાવટ રહેતી હતી તે તે વાનગીઓ એમને તો ચાલી રહેશે, પણ અમે તો દુ:ખી હ્રદયે કેક–બ્રેડ–બિસ્કીટ–જ્યૂસ–ચા–કૉફી–કૉર્નફ્લેક્સ અને ફ્રૂટ્સના ભરેલા ટેબલોને છોડી આવ્યાં ને? બધી નસીબની વાત છે! તે દિવસે તો ખાવામાં ને ખાવામાં કોઈનો વાત કરવાનો પણ મૂડ નહોતો.

હૉટેલના દરવાજાની બહાર બધાનો સામાન ગ્રૂપના નામ મુજબ ખડકાઈ ગયો હતો અને બધાએ પોતાનો સામાન ચેક કરી લીધો હોવાથી, એક બાજુ ફોટોસેશન ચાલી રહ્યું હતું. છેલ્લી છેલ્લી યાદગીરી રૂપે સૌ જાતજાતના પોઝ આપી, નવી નવી બનેલી સખીને યાદ કરી કરીને બોલાવી રહી
હતી. સરસ મજાનો ડ્રેસ પહેરેલા દરવાનના, રિસેપ્શનિસ્ટના, હૉટેલના મૅનેજર ને વૅઈટરના પણ ફોટા ક્લિક થતા રહ્યા. બસમાં બેસતાં પહેલાં બસના, ગાઈડના ને ડ્રાઈવરના પણ ફોટા સેવ થયા. કોઈ બાકી ના રહેવું જોઈએ ને કોઈ યાદ બાકી ના રહેવી જોઈએ. બસમાં બેસતાં બેસતાં પણ ક્લિક ક્લિક ને વિદાયની ઘડીઓ શરૂ– ટીકટીક ટીકટીક.

બસ બૅંગકૉકના રસ્તાઓ પર દોડતી રહી ને સ્વર્ગને અલવિદા કહેતાં હોય એમ બધાં બારીની બહાર નજર દોડાવી રહ્યાં. હવે આ બધું ફરી ક્યારે જોવા મળશે? એ તો સારું કે, આખો દિવસ રખડપટ્ટીમાં પસાર થવાનો હતો, નહીં તો સમય કેમ કરીને પૂરો કરત? તે પણ એરપોર્ટ પર? સૌથી પહેલાં MBK મૉલ જવાનું હતું. શૉપિંગ માટે નહીં પણ ત્યાંના ઉપલા માળેથી, અમારે લોકલ ટ્રેનમાં સ્કાયરાઈડ લેવા જવાનું હતું તેના સ્ટેશનનો દરવાજો નીકળતો હતો! સ્ટેશનનું નામ ‘નૅશનલ સ્ટૅડિયમ’ અને ટ્રેન હતી છ ડબ્બાની એ સી ટ્રેન! આપણને સ્વચ્છ ટ્રેન કે બસ જોવાની ટેવ નહીં એટલે પરદેશમાં, ચોખ્ખી ટ્રેન જોઈને જરા અંજાઈ જવાય, બીજું કંઈ નહીં. મૉલમાંથી બધાં સ્ટેશન પર નીકળ્યાં કે સૌને પોતપોતાની ટિકિટ અપાઈ. લાઈનમાં ચાલવાની શિસ્ત સૌ પૂરી નિષ્ઠાથી નિભાવતાં હતાં!

અર્ધો કલાક તો જાણે હવાઈ સફર કરતાં હોઈએ એવું જ લાગે. ફ્લાયઓવર કરતાં પણ ઊંચા ફ્લાયઓવર પર બંધાયેલા બ્રિજ પર દોડતી ટ્રેન તો અમને જાદુઈ ચટાઈ પર ફરવા લઈ જતી હોય એવું લાગ્યું. ઊંચા ઊંચા મકાનોને તો જાણે હાથ લંબાવતાં જ અડકી લેવાશે કે શું? નીચે નજર નાંખતાં રસ્તાઓ રિબનની પટી જેવા, દુકાનો મોબાઈલના કવર જેવી (માચીસની ડબ્બીને હવે કોણ ઓળખે ?) ને રમકડાંની મોટરો ને બસોની લાંબી હારનું રંગીન ચિત્ર મગજમાં પલાંઠી લગાવીને બેસી ન જાય તો જ નવાઈ. નાના બાળકની અનુભૂતિ કરાવતો આ પ્રવાસ ખૂબ આનંદદાયક રહ્યો.

આ ટ્રેનમાં જ બેસી મૉલમાં પાછા ફરવાનું હતું. મૉલમાં દાખલ થતાં જ સૌ શૉપિંગના મૂડમાં આવવાની તૈયારી કરતાં હતાં કે, ગાઈડે સૌને મૉલની બહાર ભેગાં થવાનું કહ્યું ! હજી તો બૅંગકૉકના જગપ્રસિધ્ધ ‘રીક્લાઈનિંગ બુધ્ધા’(!) –આડે પડખે આરામ ફરમાવતા બુધ્ધ ભગવાનની વિશા....ળ મૂર્તિ જોવાની બાકી હતી. ચાલો, ફરી પાછા બધા બસમાં ગોઠવાઈ જાઓ. ઊપડો પ્રભુદર્શને, શુભયાત્રાના આશીર્વાદ લેવા. 

રવિવાર, 4 જૂન, 2017

પૈઠણીનો પ્રભાવ–––(૨૩)


પહેલી વાર જ આટલી બધી સ્ત્રીઓના સમૂહમાં રહેવાનું, ફરવાનું, ખાવાપીવાનું અને શૉપવાનું! અચાનક જ દલ્લો હાથ લાગવાથી હું તો મૂક પ્રક્ષક બની રહેવા સિવાય કંઈ જ કરતી નહોતી. બધું જાણે કે, યંત્રવત્ જ થતું હતું. ઘણી બધી વાતે નવાઈ લાગતી, અચરજ થતું અને ઘણી વાર તો બાઘી પણ બની જતી–આદત મુજબ! આવું કંઈક થતું ત્યારે પલ્લવીબહેન મારી મદદે આવતાં. થોડી ગપશપ કરી મને શાંત કરતાં, ધીરજ બંધાવતાં અને મારા હોશ ઠેકાણે લાવતાં. આખરે તો એ ડૉક્ટર અને અનુભવી. દિવસના પચાસ લોકો સાથે માથાપચ્ચી કરવાની. અહીં તો હું એક જ હતી.

અત્યાર સુધી તો મને એમ જ હતું કે, સ્ત્રીઓ વટ મારવા કે બીજી સ્ત્રીઓને જલાવવા જ સુંદર દેખાવાના પ્રયત્નો કરે છે. અંદરખાને, પુરુષો પણ એમને જુએ એવું ઘણી સ્ત્રીઓ ઈચ્છતી હોવાથી સુંદર દેખાવાના વહેમમાં ફરે છે, એવું મેં કશેક વાંચેલું. અમારી ટૂરમાં તો એવું કંઈ જ નહોતું તોય, કેટલી બધી સ્ત્રીઓ એમને જોતાં જ છળી પડાય એવા લપેડા ને રંગરોગાન કરીને ચહેરાને ચમકાવતી હતી! ભલે ખોટા પણ ઢગલો ઘરેણાંનો ભાર ઝીલતી હતી અને કપડાં? લેટેસ્ટ ફૅશનનાં તો ખરાં જ પણ જો દિવસના ચાર વાર જુદા જુદા કપડાં સોહાવીને જવાનું હોય તો હોંશે હોંશે ચાર વાર કપડાં સજાવવા તૈયાર થઈ જાય, એટલા કપડાં બેગમાં ભરી લાવેલી! અમે બન્નેએ તો ત્યારે જ નક્કી કરી નાંખેલું કે, બીજી વાર સાવ આવા રોંચા જેવા નથી આવવું. કપડાં તો આપણી પાસે પણ છે ને વટ મારતાં તો આપણને પણ આવડે છે. આપણે પણ અપટુડેટ તૈયાર થઈશું અને બે બૅગ ભરીને કપડાં ને ઘરેણાં લાવશું. આપણને કોઈ જુએ જ નહીં તે કેમ ખમાય?

ખેર, જ્યારે જ્યારે શૉપિંગ કરવા ઢીલ મૂકાતી, ત્યારે ત્યારે શૉપિંગ મૉલમાંથી બધાંને બહાર કાઢતાં તો સૌના નાકે દમ આવી જતો. પેલા થાઈ ગાઈડ પણ બિચારા આ માળથી પેલે માળ બધાંને શોધી શોધીને લાવવાની મજૂરી કરતા રહેતા. મૉલમાં ચાર વાર જાહેરાત કરાવે પણ કોઈ સાંભળવાના મૂડમાં થોડું હોય? એક વાર પાણીમાં પડેલી ભેંસને બહાર કાઢવી કદાચ સહેલી પડે, પણ આ બધી લલનાઓને? ખેર, આખરે તો જે થવાનું હોય તે જ થાય. બધી ભારેખમ બસો શૉપિંગ બૅગ્સથી ઊભરાતી હોવાને લીધે થોડી ધીમી ચાલે, બીજું શું? મને તો એમ જ કે, શૉપિંગથી ધરાયેલી સ્ત્રીઓને ભૂખ તો શું લાગે? એમને તો રાતે કદાચ ઊંઘ પણ નહીં આવે. જોકે, મારી ધારણા ખોટી પડતી. હૉટેલ પર પહોંચતાં જ બધી વહેલી વહેલી રૂમમાં દોડી જતી અને કલાકમાં તો પાછી બધી સરસ તૈયાર થઈને ડિનર માટે હાજર! કહેવું પડે બાકી. કશે ફરવા જઈએ તો આવા મિજાજમાં ફરવા જવું જોઈએ. સદાય ઉત્સાહમાં ને ઉત્સાહમાં. સદાય આદેશ ઝીલવા તૈયાર અને કોઈ આનાકાની વગર, સંઘમાં કોઈ પણ સમયે નીકળી પડવા પણ તૈયાર. આવા લોકો બધે ફરી શકે ને બધી વાતનો આનંદ પણ માણી શકે. અમારી જેમ નહીં કે, હજી કેટલી વાર છે? હવે ક્યાં જવાનું? પછી જઈએ તો ન ચાલે? થોડો આરામ કરી લઈએ. અહીં બેસી પડીએ ને ત્યાં બેસી પડીએ.

એક રાતે ડાઈનિંગ હૉલમાં ગયા પછી ખબર પડી કે, અહીં તો મસ્ત મજાના ડિનરની સાથે ડાન્સ તો ખરો જ પણ રમતગમતની હરીફાઈ પણ રાખેલી! અરે વાહ! મને તો કહેવાનું મન થઈ ગયું કે, ‘ભાઈ, તમે અમને એટલી જ ખુશી આપો જેટલી અમને પચે, જેટલી અમારાથી જીરવાય અને જેટલી અમારી અક્કલ કામ કરે! જીવતેજીવ તમે તો અમને સ્વર્ગની અનુભૂતિ કરાવી દીધી. હવે તો મરવાનોય વાંધો નથી.’ સાચે જ, એ હૉલમાં દુ:ખને પ્રવેશવાની સખત મનાઈ હતી. જેઓ આ ટૂરમાં પહેલાં આવી ચૂકેલાં, તેમને કોઈ વાતની નવાઈ નહોતી પણ એમના જેવા કેટલા? અમારા જેવાં તો ખુશીના માર્યાં મોંય બંધ નહોતાં કરી શકતાં. એમને તો પહેલેથી ખબર હતી, એટલે જાતજાતની રમતોમાં એમણે ભાગ પણ લીધેલો અને અમે મૂક પ્રેક્ષકોની હરોળમાં! મસમોટા ડાઈનિંગ હૉલમાં દાખલ થતાં જ, સામે જ મોટું સ્ટેજ અને એક તરફ ભરપૂર ખાણીપીણીના ટેબલો ગોઠવેલાં. મનભાવન ભોજનની સાથે ગરમાગરમ કે ઠંડાં પીણાંની પણ લિજ્જત માણતાં શૉની મજા લો.

ખાતાં ખાતાં મને વિચાર આવ્યો કે, જો  બધી સ્ત્રીઓની ફક્ત એક જ વાર વાનગી હરીફાઈ રાખી હોત, તો પણ આ બધી જોશીલીઓએ એકબીજીને બતાવી આપવા ખાતર પણ હરીફાઈમાં ભાગ ચોક્કસ લીધો હોત! ભલે ને રસોઈ કરતાં આવડતી હોત કે ન આવડતી હોત, રસોઈ કરવાનું ગમતું હોત કે ન ગમતું હોત પણ જરાય આળસ કર્યા વગર બધી જ રસોડામાં સમયસર હાજર થઈ જ ગઈ હોત! એ જાણીને એમનાં ઘરનાંને કેટલો આનંદ થયો હોત? (કે આઘાત લાગ્યો હોત? કે પછી, આશ્ચર્ય થયું હોત?)

હરીફાઈઓ પણ કેવી કેવી?
સુંદર ચાલની હરીફાઈ!
લાંબા ઘટાદાર કેશની હરીફાઈ!
સુંદર વસ્ત્રો અને અલંકારો સહિત સજવાની હરીફાઈ!
વાતચીતની છટા, એકબીજા સાથેનો વ્યવહાર, સૌને મદદની તૈયારી અને પ્રવાસમાં સૌનું મનોરંજન કરવાની આવડત!
પોતાના રૂમની સાફસફાઈ એટલે કે, બધી વસ્તુઓ યોગ્ય જગ્યાએ મૂકવી, વાપરવી વગેરે!
પરદેશીઓ સાથે, ટૂરના મૅનેજરો સાથે, ગાઈડો સાથે, બસના ડ્રાઈવરો સાથે ને સહપ્રવાસીઓ સાથેનું વર્તન!

મેં અને પલ્લવીબહેને એકબીજા સામે જોયું. ‘આપણને શું ખબર? આ બધું પહેલેથી ખબર હોત તો આપણે પણ સરસ કપડાં સોહાવીને રોજ રોજ મસ્ત તૈયાર થાત. લાંબા ઘટાદાર કેશકલાપનું ઈનામ ભલે બીજી કોઈ લઈ જાત પણ સરસ ચાલની પ્રૅક્ટિસ તો કરી જ શકત. બધાં સાથે જ લળીલળીને વાત કરત અને સામે ચાલીને બધાંની બૅગ કે પર્સ ઊંચકવાનો દેખાવ તો કરી જ શકત! ડ્રાઈવરો સાથે જોકે આપણે ક્યારેય ખરાબ વર્તન તો કર્યું જ નથી પણ એમને દરેક વખતે, બસમાં બેસતી વખતે ગૂડ મોર્નિંગ કે આફ્ટરનૂન કે ઈવનિંગ જે થતું હોત તે કીધું હોત. અરે! આ બધાંને આપણા ખર્ચે રોજ નાસ્તા–પાણી કરાવત! આ બધું ખબર હોત તો તો પહેલેથી જ રૂમમાં બધું વ્યવસ્થિત જ રાખત ને? ક્રીમ કે શૅમ્પૂના બાટલા ઊંધા ન વાળત. અરે, રોજ રૂમમાં બે વાર કચરો પણ કાઢી નાંખત! અને મનોરંજનના નામે આપણને ક્યાં કંઈ કહેવું પડે? હું ટુચકા કહેત ને તમે પેલું વાજું સાથે લાવેલા–માઉથ ઓરગન– તે વગાડત તો બધાં કેટલાં ખુશ થાત? પહેલેથી ખબર હોત તો ને? ચાલો કંઈ નહીં, હવે બીજી વાર ભરપૂર તેયારીઓ સાથે જ આવશું. કોઈ આપણને હરાવી નહીં શકે.’

આ હરીફાઈમાં ઉંમરના બે વિભાગ રાખેલા. પચાસની નીચે અને પચાસની ઉપર. વિજેતા બહેનોને મહારાષ્ટ્રની ઓળખ રૂપે પૈઠણી સાડી ભેટમાં મળી! ખાસ્સી મોંઘી સાડી. અમારો તો જીવ બળીને ખાખ! આંખમાં ધસી આવેલાં પાણીને જેમતેમ પાછાં વાળ્યાં. બધી કાબેલિયત હોવા છતાં આજે બીજાને ભાગે સાડી જતી જોઈ દિલને અમે બહુ મુશ્કેલીથી કાબૂમાં રાખ્યું. ખાવાનું સરસ હોવા છતાં ને ભાવતું હોવા છતાં ગળા નીચે ઉતારતાં બહુ જોર પડ્યું. શું થાય? શું થઈ શકે? અફસોસ સિવાય?