રવિવાર, 3 સપ્ટેમ્બર, 2017

ચાઈનીઝ ખમણ ઢોકળાં


ભારતની બૉર્ડર પર ભલે છમકલાં ચાલ્યા કરતાં પણ બૉર્ડરની પેલે પારથી આપણે ત્યાં જે મોંઘેરા મહેમાન આવ્યા છે, તેમની સારી પેઠે ખાતર–બરદાસ્ત કરવી એ આપણી મહામૂલી ફરજ છે. ભારતીય પરંપરા મુજબ મહેમાનને સારામાં સારા ભોજનથી તૃપ્ત કરીને, કોઈક યાદગાર ભેટ આપીને વિદાય કરાય તો મહેમાનને ફરી ફરી આવવાનું મન થાય. મારો પણ હરખ માતો નથી એટલે કેટલીક એવી વાનગીઓ રજુ કરું છું, જે ભવિષ્યમાં મહેમાનને ખવડાવીને ખુશ કરવામાં કામ આવે તેવી છે. (આજે તો હવે બહુ મોડું પણ થઈ ગયું છે. જોકે, ગુજરાતી વાનગીઓનો ચસકો લાગતાં મહેમાન ફરી પધારશે જ એની મને સો ટકા ખાતરી છે.)

સૌ પ્રથમ તો આપણે ખાસ એવી સામગ્રીઓ એકઠી કરશું જેના નામમાં, ‘ઈંગ’, ‘આંગ’, ‘ઓંગ’ જેવા શબ્દો આવતા હોય. ધારો કે, એ સામગ્રીઓ ના મળે તો ભારતીય શબ્દોનું ચીનીકરણ કરીને ચલાવી લઈશું. જોકે, આપણે ત્યાં રોજના વપરાશમાં આપણે હિંગ અને શીંગ વાપરીએ જ છીએ. ભાંગ યાદ આવી પણ એ ના અપાય–ગુજરાતમાં ના ચાલે ! વળી ભાંગ પીને કોઈ ભાંગરો વટાયો તો ? માંડી વાળ્યું. એટલે હવે આપણાં લારી કલ્ચરને લીધે દેશના ખૂણે ખૂણે પહોંચેલી ચાઈનીઝ કમ ભારતીય કે ભારતીય કમ ચાઈનીઝ જે કહો તે, એવી ચટપટી વાનગીઓમાંથી પ્રેરણા લઈને મેં થોડી વાનગીઓ તૈયાર કરી છે, નોંધી લેશો. એ જોવાનું છે કે, બન્ને દેશોની વાનગીઓમાં વપરાતી સામગ્રીઓમાં કેટલીક સામ્યતા છે ! મીઠું, મરચું, તેલ, કાંદા, લસણ, ગાજર, કેપ્સીકમ–જે ઘોલર મરચાં કે ભુંગળ મરચાં તરીકે ઓળખાય છે–કોબી ને ભાત ! આપણે રોટલી–રોટલા કે ભાખરી ખાઈએ ને એ લોકો મેંદાના લોટની સેવ પાડવામાં ને પછી એને સૂકવીને, બાફીને કે તળીને ખાવાની મહેનત કરીને મરવામાં માને છે ! જોકે, સેવ એ લોકો તૈયાર લાવે છે પણ બાફવાની તો ખરી જ.

આપણા મહેમાન તો ચીન દેશના વડા હોવાથી ખરેખર તો એમને, એમનાં ભાવતાં ભોજન જમાડવા જોઈતાં હતાં. કેમ, આપણાં ઘરે કોઈ મહેમાન આવે તો આપણે એમને ધ્યાનમાં રાખીને જ બધી વાનગીઓ નક્કી કરતાં હોઈએ છીએ ને ? એમને એવી વાનગીઓ ખવડાવવાની હતી કે, અહીંની ચાઈનીઝ લારીવાળાઓને એ લોકો ત્યાં બોલાવી લે. જ્યારે આપણે તો સંપૂર્ણ ભારતીય અને તે પણ ગુજરાતી અને તેમાં પણ પાછું શુધ્ધ શાકાહારી ભોજન જમાડ્યું ! બિચારા મહેમાનો તો પહેલાં વાનગીનું નામ જાણવામાં, પછી સુગંધ લઈને વિચારમાં પડવામાં અને પછી ગભરાઈને ચાખવામાં જ મૂંઝાયા હશે. જેમતેમ બધી વાતોનો મેળ પડી રહ્યો હશે ત્યારે કઈ વાનગી ઓછી ભાવી ને કઈ વાનગી વધારે ભાવી તે યાદ રાખવામાં નક્કી ગૂંચવાયા જ હશે.

ભલે ભોજનના લિસ્ટમાં ખમણ ઢોકળાં રાખ્યાં, કોઈ વાંધો નહીં. હવે એની સાથે ઝીણી સેવને બદલે બારીક, તળેલી નૂડલ્સ જો પીરસી હોત તો ? હોંશે હોંશે જિનભાઈ (શી છે પણ આપણે તો ભાઈ જ કહીશું, કારણકે ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’.) એને ચીની વાનગી સમજીને આરોગી જાત કે નહીં ? બીજી વાર ‘ખમંગ ઢોંગકળા’ના નામે ખમણ મૂકી દેવાના. એમ તો, વાનગીઓનું લિસ્ટ તો સો...ની પાસે પહોંચતું હતું પણ આપણે એમાંથી બહુ થોડીનો જ ઉલ્લેખ કરશું કારણકે આ લેખ છે, વાનગીનું પુસ્તક નહીં. સાંભળ્યું છે કે ભોજનમાં પાતરાં હતાં. બહુ સરસ ને સ્વાદિષ્ટ વાનગી છે પણ જો એને મેંદામાં બોળીને, તળીને પીરસ્યાં હોત તો ? એમના ચાઈનીઝ સ્પ્રિંગ રોલની લાઈનમાં આપણાં પાતરાં ગોઠવાઈ જાત કે નહીં ? નામ તો ‘પાતરાં સ્પ્રિંગ રોલ’ જ રખાય ને ? ખેર, થેપલાં ખવડાવ્યાં ! થેપલાં તો ચા સાથે જામે કે પછી નાસ્તામાં અથાણાં સાથે ખવાય. જમવામાં થેપલાં મૂકીને ગરબડ કરી નાંખી ને ? એના કરતાં ડબ્બામાં થોડાં થેપલાં બાંધી આપ્યાં હોત તો ? થેપલાંની મોટી ઈન્ડસ્ટ્રીનો કરાર થઈ જાત કે નહીં ?

શાકમાં તો વેંગણનું ભરથું કે ભડથું ! આટલા બધા મસાલા એ લોકો ખાતાં નથી એ આપણે પહેલેથી જાણી લેવાનું હતું. જો વેંગણનું ભડથું કરવાને બદલે વેંગણને માછલીના આકારમાં કાપીને, મસાલાવાળું કરીને  પીરસ્યું હોત તો, સો ટકા આપણે ત્યાં વેંગણના ભડથાનો પ્લાન્ટ નંખાઈ જ જાત ! ભલે માંસાહારી વાનગીઓ ન પીરસાઈ, કોઈ વાંધો નહીં. બધા ગુજરાતીઓ પણ બધી વાનગીઓ જાણીને ખુશ થયાં હશે કે, આપણી વાનગીઓને આખી દુનિયામાં મશહૂર કરવામાં આવી. મારે ફક્ત એટલું જ કહેવાનું છે કે, આ જ બધી વાનગીઓને થો...ડો ચાઈનીઝ ટચ આપીને બનાવી હોત તો ? શાકાહારી વાનગીઓને પણ માંસાહારી વાનગીઓ જેવો દેખાવ કે સ્વાદ આપીને બનાવાઈ હોત તો, પાતરાંના પાતરાં ને રોલના રોલ ! ભડથુંનું ભડથું ને ‘ઈન્ડિયન બ્રિંજલ કરી’ની કરી !


હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે, ભલે કઢી પરસાય કે રોટલા–ભાખરી મુકાય ને સાથે ભલે સેવ ટામેટાનું શાક હોય પણ જરાક ચાઈનીઝ ટચ જરુરી છે. તો જ એ લોકો વાનગીને ટચ કરે નહીં તો જોઈને મોં ફેરવી લે ! જો મહેમાન કદાચ ખરાબ ન લાગે એવું બતાવવા માંગતાં હોય તો જરા હસીને ના કહી દે. હવે આપણા દેશને આવો બધો બગાડ શોભા ન આપે એટલે ભવિષ્યમાં પણ આ બધા મહેમાનો માટે ભોજન સમારંભો યોજાય ત્યારે આ બધી બાબતોનું ધ્યાન રખાશે એવી આશા રાખીએ તો ખોટું નહીં. (આ બધું લખાઈ ગયા પછી વિચાર આવ્યો કે, ડિનરમાં ચુસ્ત શાકાહારી ભોજન રાખવાનો આગ્રહ કેમ રખાયો ? આપણા દેશના સર્વોચ્ચ વડાને, પ્રધાનમંત્રીને જ્યારે એ લોકો ફક્ત ચા પીવા માટે ઘુંટણિયે પાડી શકે તો પછી.....)

4 ટિપ્પણીઓ:

  1. સારુ થયું તમે ધ્યાન દોર્યું, હવેથી આ લોકો બધી બાબતો નું ધ્યાન રાખશે. અને બગાડ ન થાય એનું તો ખાસ ધ્યાન રાખશે.

    જવાબ આપોકાઢી નાખો
  2. u r champion ' satirist !
    gujaratano ane mehmaano badhdhaane ek saathe sapataamaa lidhaa ! bravo !
    - ashvin desai australia

    જવાબ આપોકાઢી નાખો