લેબલ રાજકારણ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ રાજકારણ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 3 સપ્ટેમ્બર, 2017

ચાઈનીઝ ખમણ ઢોકળાં


ભારતની બૉર્ડર પર ભલે છમકલાં ચાલ્યા કરતાં પણ બૉર્ડરની પેલે પારથી આપણે ત્યાં જે મોંઘેરા મહેમાન આવ્યા છે, તેમની સારી પેઠે ખાતર–બરદાસ્ત કરવી એ આપણી મહામૂલી ફરજ છે. ભારતીય પરંપરા મુજબ મહેમાનને સારામાં સારા ભોજનથી તૃપ્ત કરીને, કોઈક યાદગાર ભેટ આપીને વિદાય કરાય તો મહેમાનને ફરી ફરી આવવાનું મન થાય. મારો પણ હરખ માતો નથી એટલે કેટલીક એવી વાનગીઓ રજુ કરું છું, જે ભવિષ્યમાં મહેમાનને ખવડાવીને ખુશ કરવામાં કામ આવે તેવી છે. (આજે તો હવે બહુ મોડું પણ થઈ ગયું છે. જોકે, ગુજરાતી વાનગીઓનો ચસકો લાગતાં મહેમાન ફરી પધારશે જ એની મને સો ટકા ખાતરી છે.)

સૌ પ્રથમ તો આપણે ખાસ એવી સામગ્રીઓ એકઠી કરશું જેના નામમાં, ‘ઈંગ’, ‘આંગ’, ‘ઓંગ’ જેવા શબ્દો આવતા હોય. ધારો કે, એ સામગ્રીઓ ના મળે તો ભારતીય શબ્દોનું ચીનીકરણ કરીને ચલાવી લઈશું. જોકે, આપણે ત્યાં રોજના વપરાશમાં આપણે હિંગ અને શીંગ વાપરીએ જ છીએ. ભાંગ યાદ આવી પણ એ ના અપાય–ગુજરાતમાં ના ચાલે ! વળી ભાંગ પીને કોઈ ભાંગરો વટાયો તો ? માંડી વાળ્યું. એટલે હવે આપણાં લારી કલ્ચરને લીધે દેશના ખૂણે ખૂણે પહોંચેલી ચાઈનીઝ કમ ભારતીય કે ભારતીય કમ ચાઈનીઝ જે કહો તે, એવી ચટપટી વાનગીઓમાંથી પ્રેરણા લઈને મેં થોડી વાનગીઓ તૈયાર કરી છે, નોંધી લેશો. એ જોવાનું છે કે, બન્ને દેશોની વાનગીઓમાં વપરાતી સામગ્રીઓમાં કેટલીક સામ્યતા છે ! મીઠું, મરચું, તેલ, કાંદા, લસણ, ગાજર, કેપ્સીકમ–જે ઘોલર મરચાં કે ભુંગળ મરચાં તરીકે ઓળખાય છે–કોબી ને ભાત ! આપણે રોટલી–રોટલા કે ભાખરી ખાઈએ ને એ લોકો મેંદાના લોટની સેવ પાડવામાં ને પછી એને સૂકવીને, બાફીને કે તળીને ખાવાની મહેનત કરીને મરવામાં માને છે ! જોકે, સેવ એ લોકો તૈયાર લાવે છે પણ બાફવાની તો ખરી જ.

આપણા મહેમાન તો ચીન દેશના વડા હોવાથી ખરેખર તો એમને, એમનાં ભાવતાં ભોજન જમાડવા જોઈતાં હતાં. કેમ, આપણાં ઘરે કોઈ મહેમાન આવે તો આપણે એમને ધ્યાનમાં રાખીને જ બધી વાનગીઓ નક્કી કરતાં હોઈએ છીએ ને ? એમને એવી વાનગીઓ ખવડાવવાની હતી કે, અહીંની ચાઈનીઝ લારીવાળાઓને એ લોકો ત્યાં બોલાવી લે. જ્યારે આપણે તો સંપૂર્ણ ભારતીય અને તે પણ ગુજરાતી અને તેમાં પણ પાછું શુધ્ધ શાકાહારી ભોજન જમાડ્યું ! બિચારા મહેમાનો તો પહેલાં વાનગીનું નામ જાણવામાં, પછી સુગંધ લઈને વિચારમાં પડવામાં અને પછી ગભરાઈને ચાખવામાં જ મૂંઝાયા હશે. જેમતેમ બધી વાતોનો મેળ પડી રહ્યો હશે ત્યારે કઈ વાનગી ઓછી ભાવી ને કઈ વાનગી વધારે ભાવી તે યાદ રાખવામાં નક્કી ગૂંચવાયા જ હશે.

ભલે ભોજનના લિસ્ટમાં ખમણ ઢોકળાં રાખ્યાં, કોઈ વાંધો નહીં. હવે એની સાથે ઝીણી સેવને બદલે બારીક, તળેલી નૂડલ્સ જો પીરસી હોત તો ? હોંશે હોંશે જિનભાઈ (શી છે પણ આપણે તો ભાઈ જ કહીશું, કારણકે ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’.) એને ચીની વાનગી સમજીને આરોગી જાત કે નહીં ? બીજી વાર ‘ખમંગ ઢોંગકળા’ના નામે ખમણ મૂકી દેવાના. એમ તો, વાનગીઓનું લિસ્ટ તો સો...ની પાસે પહોંચતું હતું પણ આપણે એમાંથી બહુ થોડીનો જ ઉલ્લેખ કરશું કારણકે આ લેખ છે, વાનગીનું પુસ્તક નહીં. સાંભળ્યું છે કે ભોજનમાં પાતરાં હતાં. બહુ સરસ ને સ્વાદિષ્ટ વાનગી છે પણ જો એને મેંદામાં બોળીને, તળીને પીરસ્યાં હોત તો ? એમના ચાઈનીઝ સ્પ્રિંગ રોલની લાઈનમાં આપણાં પાતરાં ગોઠવાઈ જાત કે નહીં ? નામ તો ‘પાતરાં સ્પ્રિંગ રોલ’ જ રખાય ને ? ખેર, થેપલાં ખવડાવ્યાં ! થેપલાં તો ચા સાથે જામે કે પછી નાસ્તામાં અથાણાં સાથે ખવાય. જમવામાં થેપલાં મૂકીને ગરબડ કરી નાંખી ને ? એના કરતાં ડબ્બામાં થોડાં થેપલાં બાંધી આપ્યાં હોત તો ? થેપલાંની મોટી ઈન્ડસ્ટ્રીનો કરાર થઈ જાત કે નહીં ?

શાકમાં તો વેંગણનું ભરથું કે ભડથું ! આટલા બધા મસાલા એ લોકો ખાતાં નથી એ આપણે પહેલેથી જાણી લેવાનું હતું. જો વેંગણનું ભડથું કરવાને બદલે વેંગણને માછલીના આકારમાં કાપીને, મસાલાવાળું કરીને  પીરસ્યું હોત તો, સો ટકા આપણે ત્યાં વેંગણના ભડથાનો પ્લાન્ટ નંખાઈ જ જાત ! ભલે માંસાહારી વાનગીઓ ન પીરસાઈ, કોઈ વાંધો નહીં. બધા ગુજરાતીઓ પણ બધી વાનગીઓ જાણીને ખુશ થયાં હશે કે, આપણી વાનગીઓને આખી દુનિયામાં મશહૂર કરવામાં આવી. મારે ફક્ત એટલું જ કહેવાનું છે કે, આ જ બધી વાનગીઓને થો...ડો ચાઈનીઝ ટચ આપીને બનાવી હોત તો ? શાકાહારી વાનગીઓને પણ માંસાહારી વાનગીઓ જેવો દેખાવ કે સ્વાદ આપીને બનાવાઈ હોત તો, પાતરાંના પાતરાં ને રોલના રોલ ! ભડથુંનું ભડથું ને ‘ઈન્ડિયન બ્રિંજલ કરી’ની કરી !


હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે, ભલે કઢી પરસાય કે રોટલા–ભાખરી મુકાય ને સાથે ભલે સેવ ટામેટાનું શાક હોય પણ જરાક ચાઈનીઝ ટચ જરુરી છે. તો જ એ લોકો વાનગીને ટચ કરે નહીં તો જોઈને મોં ફેરવી લે ! જો મહેમાન કદાચ ખરાબ ન લાગે એવું બતાવવા માંગતાં હોય તો જરા હસીને ના કહી દે. હવે આપણા દેશને આવો બધો બગાડ શોભા ન આપે એટલે ભવિષ્યમાં પણ આ બધા મહેમાનો માટે ભોજન સમારંભો યોજાય ત્યારે આ બધી બાબતોનું ધ્યાન રખાશે એવી આશા રાખીએ તો ખોટું નહીં. (આ બધું લખાઈ ગયા પછી વિચાર આવ્યો કે, ડિનરમાં ચુસ્ત શાકાહારી ભોજન રાખવાનો આગ્રહ કેમ રખાયો ? આપણા દેશના સર્વોચ્ચ વડાને, પ્રધાનમંત્રીને જ્યારે એ લોકો ફક્ત ચા પીવા માટે ઘુંટણિયે પાડી શકે તો પછી.....)

રવિવાર, 19 જુલાઈ, 2015

સાહેબની ફરિયાદપેટી

‘સાહેબ.’
‘શું છે સવાર સવારમાં ?’
‘સાહેબ, તમારી ફરિયાદ...’
‘કોણ છે મારી ફરિયાદ કરવાવાળું ?’
‘ના સાહેબ, તમારી એટલે કે લોકોની ફરિયાદ..’
‘લોકોની ફરિયાદ એટલે મારા માટે જ હશે ને ? કોણ છે મારી ફરિયાદ કરવાવાળું?’
‘ના સાહેબ, એટલે કે લોકોની ફરિયાદવાળી પેટી છે ને તે...’
‘તે શું ? એ પેટી કોઈ ઊઠાવી ગયું એમ ? છો ઊઠાવી ગયું તો. બધી પંચાત જ ગઈ. જ્યારે ફરિયાદપેટી જ નહીં રહે તો પછી કોની ફરિયાદ પર ધ્યાન આપવાનું ?’
‘ના સાહેબ, એમ નહીં. બહાર તમે જે ફરિયાદપેટી મુકાવી છે ને તેમાંથી..’
‘અલ્યા, તું ક્યારનો અડધી વાતે અટક્યા કરે છે, તે એક વારમાં જ બધું ભસી મર ને. શું છે મારી એટલે કે લોકોની ફરિયાદપેટીની વાત ? હવે જે હોય તે એક વારમાં જ બધું બકી દે. સવારથી મારી ફરિયાદ–તમારી ફરિયાદ કર્યા કરે છે તે, તું તો ગુંચવાય સાથે મને બી ગૂંચવે ! ચાલ જલદી કર, મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો.’
‘સાહેબ, પેલી તમારી ફરિયાદપેટી છે ને, તે તો હવે ઉભરાવા માંડી છે. બધી ફરિયાદો નીચે પડી જાય છે કાં ઊડી જાય છે.’
‘એમ ? લોકોની ફરિયાદો ઊભરાઈ ઊભરાઈને ઊડી રહી છે ? લાવ જોઉં, હજી દસ મિનિટ છે મારી પાસે. જા પેલી ફરિયાદો લઈ આવ.’
‘સાહેબ, એટલે ફરિયાદપેટી જ ને ?’
‘અલા ડોબા, મારી પાસે એ બધી ફરિયાદો જોવાનો કે એમના પર ધ્યાન આપવાનો ટાઈમ છે ? તું જુએ છે ને, સવારથી મારે કેટલાં કામ છે તે ? પેલી બહાર પડેલી કે ઊડી ગયેલી ફરિયાદો લઈ આવ જા. જલદી કરજે પાછો.’
‘તો સાહેબ, પેટીમાંની ફરિયાદો ?’
‘પેટીમાં કોઈ નવી ફરિયાદો નહીં હોય. જે બધી બહાર ઊભરાઈને ઊડી છે તેમાંની જ કૉપીઓ હશે. તું જા તારી મેળે, કહું તેમ કર. વધારે ડહાપણ નહીં કર.’
‘લો સાહેબ, આ દસેક કાગળિયા મળ્યા છે. જોઈ લો.’
‘તું આજકાલ બહુ દોઢડાહ્યો થઈ ગયો છે. મેં કોઈ દા’ડો લોકોની ફરિયાદો વાંચી છે ? તું વાંચતો જા, હું સાંભળતા સાંભળતા નાસ્તો પતાવી દઉં.’
‘ભલે સાહેબ, પહેલી ફરિયાદ છે કે, તમે કોઈનું સાંભળતા નથી.’
‘ભલે, આગળ બોલ.’
‘આમાં બીજું કંઈ નથી લખ્યું સાહેબ. પણ તમારે આના જવાબમાં કંઈ નથી કહેવું ?’
‘મારે તને જવાબ નથી આપવાનો. તું તારે ફરિયાદ વાંચ.’
(સાહેબ, હું પણ પ્રજામાં જ ગણાઉં ને ? મારે પણ ફરિયાદો હોય ને ? મારું ક્યારે સાંભળશો ?)
‘સાહેબ, બીજી ફરિયાદ છે કે, તમે ઓફિસમાં કે ઘરે કોઈને મળતા નથી.’ (કે પછી, કોઈને દેખાતા નથી !)
‘તું વાંચતો રહે, હું સાંભળું છું.’
‘‘સાહેબ, મારે તો જોયા કરવું પડે ને ? તમને કંઈ જોઈતું કરતું હોય કે પછી તમારું ધ્યાન ફરિયાદો સાંભળવામાં તો છે ને ?’
‘તને છે ને, મારે બીજી કોઈ જગ્યાએ મૂકી દેવો પડશે. બહુ વધારે પડતા લવારા કરવા માંડ્યો છે. વધારે પડતા હોશિયાર લોકોને હું મારી આજુબાજુ ભટકવા નથી દેતો.’
‘ભૂલ થઈ ગઈ સાહેબ, હવે નહીં બોલું.’
‘ચાલ આગળ વાંચ બીજી ફરિયાદ.’
‘બીજી નહીં સાહેબ, ત્રીજી ફરિયાદ.’
‘જો પાછો. ફરિયાદ વાંચ. તારી પાસે આ સ્માર્ટફોન આવ્યા પછી તું વધારે પડતો સ્માર્ટ થઈ ગયો છે તે મારા ધ્યાનમાં છે.’
‘ના સાહેબ એવું કંઈ નથી. આજકાલ તો સ્માર્ટ લોકોનો જ જમાનો છે.’
‘તું ફરિયાદ વાંચે છે કે ? મારો નાસ્તો થઈ ગયો છે. મારી બૅગ લાવ ને ડ્રાઈવરને ગાડી લાવવા ફોન કર જા. બાકીની ફરિયાદ હવે કાલે આવીને.’
‘સાહેબ, તમારે તો બે દિવસ પછી કૉન્ફરન્સમાં જવાનું છે.’
‘હા, પણ મારે આજે અરજન્ટ મિટિંગ છે તો જવું જ પડશે. કાલે રાતે આવી જઈશ.’
‘સાહેબ, ગાડી આવે એટલી વારમાં બાકીની ફરિયાદો ફટાફટ વાંચી લઉં ?’
‘આજે તું મને નહીં છોડે કે ? ચાલ વાંચ જલદી.’
‘સાહેબ, તમે ફકત વચનો આપો છો, અમલદારો પાસે પણ એનો અમલ નથી કરાવતા.’
‘આ તું કહે છે કે કાગળમાં લખ્યું છે ? ચાલ વાંચ, આગળ શું લખ્યું છે ?’
‘સાહેબ, મારાથી કેમ કંઈ બોલાય ? નોકરીનો સવાલ છે. આ તો હું આમાં લખેલું જ વાંચું છું.’
‘ચાલ બોલ ભાઈ બોલ, તું તો આજે મારું માથું ખાઈ જવાનો.’
‘સાહેબ, હજી તો ત્રણ જ ફરિયાદો થઈ છે એટલામાં જ કંટાળી ગયા ?’
‘તું બોલે છે કે હું જાઉં ? ગાડી આવી ગઈ હશે. મને જવા દે એના કરતાં.’
‘સાહેબ, હવે વચ્ચે કંઈ નહીં બોલું. આટલી ફરિયાદો સાંભળી લો. ફરી ક્યારે તમને ટાઈમ મળે– ન મળે.’
‘હંઅઅ.. એ બરાબર. ચાલ હવે ફરિયાદવાળું પતાવ વહેલું.’
‘સાહેબ, (એમ કંઈ વહેલું નહીં પતે) તમને કોઈ કહેવાવાળું નથી એટલે તમે તમારી મનમાની કરો છો.’
‘ઉહ્હુ.ઉહ્હુ...પાણી લાવ.’
‘સાહેબ ઉધરસ થઈ ગઈ ? કે કોઈ યાદ કરે છે ?’
‘ચાલ તું વાંચ ભાઈ વાંચ. ઉહ્હુ.. ઉહ્હુ..મારું માથું ભારે થવા માંડ્યું છે.’
‘સાહેબ, માંડી વાળું ?’
‘ના વાંચ, તું પણ પ્રજાનો પ્રતિનિધી છે. તારો હક છે બોલવાનો–લખવાનો–ફરિયાદ કરવાનો ને વિરોધ કરવાનો. હું તો પ્રજાનો નોકર છું–સેવક છું. તું તારે બોલતો રહે. કેટલું સાંભળવું ને કેટલી ફરિયાદો પર ધ્યાન આપવાનું તે મારે નક્કી કરવાનું છે. તું બોલ હું સાંભળું છું.’
‘સાહેબ, પતી ગયું.’
‘હેં ? શું પતી ગયું ?’
‘કંઈ નહીં સાહેબ, મારું બોલવાનું પતી ગયું એમ. ચાલો, ગાડી આવી ગઈ. ફરિયાદોની વાત બીજી કોઈ વાર.’
‘હા...શ છૂટ્યો !’

રવિવાર, 27 જુલાઈ, 2014

હાથ ઊંચા કરો, સમસ્યા નિવારો

રાજા અને પ્રજાનો સંબંધ અનોખો હોય છે. પ્રજાને ફરિયાદ કરવાની ટેવ હોય અને રાજાને ? રાજાએ તો જુદા જુદા પ્રધાનોની નિમણૂક જ પ્રજાની ફરિયાદ દૂર કરવા માટે કરી હોય, એટલે એને નિરાંત હોય. લોકો રાજાને ઘડી ઘડી હેરાન ના કરે ને એનું માથું ન ખાય એટલે, બધા પ્રધાનો પણ પોતપોતાનાં ખાતાં, ખાતાં–પીતાં સંભાળી લે. જોકે, પ્રધાનોને શરૂ શરૂમાં કામનો ઉમંગ હોય પણ પછી એકની એક સમસ્યાના, એકના એક ઉકેલથી એ લોકો પણ કંટાળી જાય. આખરે એ લોકો પણ માણસ છે ! એ લોકોનો પણ જીવ હોય ! એટલે પ્રશ્નો લઈને આવતી પ્રજાની સામે જવાબમાં એ લોકો પોતાના હાથ ઊંચા કરી દે !


‘તમારી સમસ્યા તમે જાણો !’

તો હવે જાણીએ, સુરતની પ્રજાની સમસ્યાઓ. ફક્ત જગ્યાનું નામ બદલી નાંખજો તો એ તમારી સમસ્યા બની જશે.

સમસ્યા: સલાબતપુરા રતન ટૉકિઝની સામે, ગોપાલ ચેમ્બર પાસે રોડ ડિવાઈડરની જરૂર છે.

ઉકેલ: સલાબતપુરા રતન ટૉકિઝની સામે, ગોપાલ ચેમ્બરનો રસ્તો ૬૦ ફૂટ પહોળો છે કે કેમ, તે માપીને જણાવો. એક ઈંચ પણ વધારે નીકળે તો ડિવાઈડર મૂકવાની જવાબદારી અમારી. સમય, સાધન ને માણસની સગવડ થતાં કામ તાકીદે ચાલુ થશે. જો રસ્તો એક ઈંચ પણ ઓછો નીકળ્યો તો અમારી કોઈ જવાબદારી રહેતી નથી તે નોંધશો.

સમસ્યા: સરદાર બ્રિજ ગૅસ સર્કલની પાસે, અંકુર સોસાયટીની ચાર સ્ટ્રીટ લાઈટો ઘણા દિવસથી બંધ છે.

ઉકેલ: આ વિસ્તારની ફક્ત ચાર બંધ સ્ટ્રીટ લાઈટોને ચાલુ કરવામાં હાલ અમને કોઈ રસ નથી. તમારા ઘરમાં સમયસર લાઈટ આવતી હોય તો ઘરનાં બારીબારણાં ખુલ્લાં રાખજો, જેથી રસ્તા પર અજવાળું રહે.

સમસ્યા: સરદાર બ્રિજ પરનો રોડ ખાડાથી ભરેલો છે.

ઉકેલ: હાલમાં ડામરનો સ્ટૉક ખલાસ થઈ ગયો હોવાથી ટેન્ડર બહાર પાડવાનું વિચારાય છે. ટેન્ડર બહાર પડે, પાસ થાય, ડામર આવે, માણસ આવે એટલે તાકીદે કામ ચાલુ કરવામાં આવશે. ખાડા પૂરવાનું કામ જોરશોરથી ચાલુ થાય ત્યાં સુધી ખાડા કુદાવી જશો અથવા ખાડાથી બચીને રહેશો.

સમસ્યા: પીપલોદ જકાતનાકાથી પ્રગતિનગર રોડ સુધીના વિસ્તારમાં, ભરાઈ રહેતા પાણીના નિકાલની વ્યવસ્થા કરી પાકો રોડ બનાવશો.

ઉકેલ: પીપલોદ જકાતનાકાથી પ્રગતિનગર રોડ સુધીના વિસ્તારમાં, ભરાઈ રહેતા પાણીનો નિકાલ નજીકના જ કોઈ વિસ્તારમાં કરવો પડે. એટલે પછી ત્યાંથી બૂમાબૂમ થાય ! તો તમે સમજીને થોડો સમય ચલાવી લેશો. સુડા તરફથી વૉટર ડ્રેઈનેજ યોજના ઘડાઈ છે, જે અમલી બનતાં રોડ બનાવવાની કામગીરી હાથ ધરાશે. જ્યાં પાણી ભરાયું છે, ત્યાં માણસ આવીને દવા છાંટી જશે. ગભરાશો નહીં.

સમસ્યા: ચૌટાબજારમાં દુકાનોના અતિરેકી દબાણથી રાહદારીઓને ચાલવામાં પણ તકલીફ પડે છે. કંઈક કરો બાપા !

ઉકેલ: જેવું મુંબઈનું ભૂલેશ્વર વખણાય છે તેવું સુરતનું ચૌટાબજાર વખણાય છે. આવી પ્રસિધ્ધ જગ્યાની રોનક ઓછી કરીને અમે સુરતનું નામ બદનામ કરવા નથી માંગતા. ખાસ કામ ન હોય તો ચૌટાબજાર જવાનું ટાળો. દુકાનોમાંથી મળતા હપતાઓથી અનેક લોકોનું પેટ ભરાય છે, એમનો વિચાર કરો. બીજેથી ખરીદી કરવાની ટેવ પાડો.

સમસ્યા: પાંડેસરાના શારદા વિદ્યામંદિર પાસે રિક્ષા અને લારીગલ્લાઓની ભીડ કાયમની સમસ્યા છે. ગૃહિણીઓને પણ ત્રાસ થાય છે.

ઉકેલ: તમે ભણી રહ્યા એટલે બાળપણ ભૂલી ગયા ? બાળકોનો આનંદ શા માટે છીનવવા માંગો છો ? લારીગલ્લા નહીં હોય તો એમને ચણી બોર કે રાંદેરી બોર, આથેલાં આમળાં ને જાતજાતની ચીકીનો સ્વાદ કોણ ચખાડશે ? જ્યાં શાળા હોય ત્યાં રિક્ષા, સ્કૂટર ને કારની ભીડ તો રહેવાની જ. બાળકો શેમાં આવજાવ કરે ? વળી, જ્યાં મંદિર હોય ત્યાં મહિલાઓ પણ હોવાની ને મહિલાઓ હોય ત્યાં એમને (કે એમનો) ત્રાસ પણ રહેવાનો ! એટલે બધું સહન કરતાં શીખો.


સમસ્યા: છેલ્લા ઘણા સમયથી કતારગામ સ્થિત લલિતા ચોકડીથી ગજેરા સ્કૂલ સુધીના રસ્તા પર લાઈટ નથી.

ઉકેલ: ભઈ, તમે તો નાની નાની સમસ્યા માટે છાપે ચડો છો ! સારી ટેવ નથી. (યે અચ્છી બાત નહીં હૈ !) છતાં જણાવીએ કે, એ વિસ્તારમાં લાઈટ મુકાવવાનું કામ તો શરૂ થયેલું પણ નજીકની સોસાયટીઓએ વિરોધ કરેલો, તેથી બધું ખોરંભે ચડી ગયું. હવે તમે બધાં અંદર અંદર સમજીને રસ્તો કાઢો તો ઠીક છે, નહીં તો આગામી યોજનામાં વાત મુકાશે ને મંજુર થશે તો તમારાં નસીબ !

સમસ્યા: પલસાણાના પૂણી ગામે વાનરોનો બહુ ત્રાસ છે.

ઉકેલ: ભાઈ, ગામ હોય ત્યાં કૂતરા, બિલાડાં, ગાય, ઘોડા, ગધેડા ને વાનરો પણ હોવાના જ. કોઈની ધાર્મિક લાગણી ન દુભાય એટલે સરકારે આ સૌ પર પણ રહેમ નજર રાખવી પડે. અને બીજાં પ્રાણીઓને જો આપણે છૂટથી ફરવા દઈએ તો બિચારા વાનરોનો શો વાંક ? તો પછી, જેમ ચાલે તેમ ચાલવા દો.

સમસ્યા: અમારા ગામમાં ટપાલી ઘણો મોડો આવે છે. ઘણી વાર તો બસ પણ નથી આવતી.

ઉકેલ: તમે તમારા ગામનું નામ નથી જણાવ્યું, એટલે ખરેખર તો અમારે કંઈ કરવાનું રહેતું જ નથી. છતાં, લાગતા–વળગતા ખાતાને જાણ કરશું ને તમારા પત્રની છાપ ઉકલે તો, ગામનું નામ શોધીને તમારી સમસ્યા એમને જણાવશું. બાકી તો, તમે જાણો છો કે, નાના ગામોનો ઉધ્ધાર થતાં વર્ષો નીકળી જાય. તમારી સમસ્યા ક્યારે ઉકેલાશે તે કંઈ કહી ન શકાય. છતાં, તમારે ઉતાવળ હોય તો જાતે ટપાલ લઈ આવવી. નાના ગામમાં તો શું કે, ટપાલીને બધાં જ ઓળખે એટલે વાત વાતમાં એને મોડું પણ થઈ જાય !

આ સાથે જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે કે, તમારા કોઈ પણ પ્રશ્નો લઇને, તમે કોઈ પણ સમયે અમારી પાસે આવી શકો છો. અમે તમારા સેવક છીએ, અને તમારી સેવા કરવી, તમારી સમસ્યાઓ દૂર કરવી એ અમારી પહેલી ફરજ છે.

રવિવાર, 1 જૂન, 2014

મોદી અને મિયાં.....


મોદી અને મિયાં નવાઝ શરીફની મુલાકાતે, આખી દુનિયાના લોકો પાસે મોંમાં આંગળાં નંખાવી દીધાં. એ મુલાકાતને ખુલ્લા દિલે સ્વીકારનારા પણ છે અને ઝીણી નજરે જોનારા વાંકદેખા લોકો પણ છે. આપણને, કોઈ બે જણ પ્રેમથી મળે તેમાં શો વાંધો હોઈ શકે ? આપણે કોઈ મહેમાનને માનથી બોલાવીએ અને પછી તેને બે–ચાર થપ્પડ મારીએ તે શોભે ? નહીં જ વળી. તો પછી મોદીજીના મહેમાન એ આપણા મહેમાન નહીં ? બસ, તો પછી ચૂપચાપ જોયા કરો અને કોઈ પણ ટીકા કે ટિપ્પણ વગર સો દિવસ પૂરા થાય તેની રાહ જુઓ. કરોડપતિમાંથી અબજપતિ બનેલા આપણા વડાપ્રધાનને એમની કુશળતાનો પરચો આપવા દો. હાલ તો, થોભો અને રાહ જુઓ. ત્યાં સુધી શું કરવું પણ ?


કેમ, રોજ રોજ જાતજાતના, ઝીણાઝીણા ને મોટામોટા સમાચારની લહાણી નથી થતી ? એમાં જ આનંદ માણતા રહો અને આજે તમારા સૌ માટે, હું એક નવી જ વાત લઈને આવી છું તેની મજા લો. મારી પાસે મોદીજીની એક એવી ખાનગી વાત આવી છે કે, જેને આજ સુધી કોઈ જાણી નથી શક્યું. એ તો આ મિયાં નવાઝ શરીફભાઈ આવ્યા તો રાઝ ખૂલ્યો, બાકી તો મોદીજી કોઈને આ વાત જણાવત પણ નહીં. વાત જાણે એમ છે કે, આપણા સીએમ જે પહેલાં પણ ‘સીએમ’ જ હતા, તે હવે ‘પીએમ’ બન્યા છે. ભલે પીએમ બન્યા; પણ તેથી કંઈ ‘સીએમ’ તો નથી મટી ગયા ! એટલે એમની બહારી રહેણીકરણી ભલે ‘પ્રધાનમંત્રી’ તરીકેની રહે; પણ જ્યારે પોતાના રસના કે શોખના વિષય સામે આવે ત્યારે તેઓ એમાં ‘સીએમ’ બની ઝુકાવી દે છે. દા.ત. રસોઈકળા.


ચોંકી ગયા ને ? જેણેજેણે જાણ્યું, તેને આમ જ ચોંકવાનું ગમેલું. મોદી અને રસોઈકળા ? ના હોય ! અરે, શું ના હોય ? જોયું નહીં, નવાઝ શરીફની મહેમાનગતિ કરતી વખતે કેટલા પ્રેમથી એમને આગ્રહ કરીકરીને ખવડાવતા હતા તે ? ખુદ એકએક ગુજરાતી વાનગીની જાણકારી પણ વિસ્તારથી આપતા હતા ! નવાઝભાઈ તો ખાવાનું ભૂલીને બે ઘડી તો આપણા મોદીસાહેબને જ જોતા રહી ગયેલા. એ તો મોદીજીએ એમને  બટાકુંવડું ધર્યું ત્યારે જ નવાઝમિયાં હોશમાં આવ્યા’તા.


‘લો સાહેબ, આ વડું ચાખો.  આ અમારા ગુજરાતીઓની કમજોરી છે. દરેક ઘરમાં મહેમાનને ખુશ કરવામાં આ વડું બહુ કામ આવે છે. સાથે જો કોથમીર–ફુદીનાની લીલી ચટણી હોય અથવા ખજૂર–આમલીની ખાટીમીઠી ચટણી હોય તો સોનામાં સુગંધ ભળે. લો, આ લીલી ચટણી પણ સાથે ચાખો. મજા આવી જશે. મુંબઈના લોકોએ એને પાંઉમાં સંતાડીને પાંઉવડું બનાવી કાઢ્યું, બાકી એની અસલી મજા તો આ સીઝનમાં રસ ને પૂરી સાથે કે પછી વરસતા વરસાદમાં કે પછી કડકડતી ઠંડીમાં જ છે. ’


બટાકાવડાંનાં આટલાં વખાણ સાંભળીને કોના મોંમાં પાણી ન છૂટે ? બન્ને મહાનુભાવોએ તો પોતાનાં(વધેલાં) પેટની પરવા કર્યા વગર ચારેક બટાકાવડાં એમાં ઓરી દીધાં. પછી તો, ‘નમોજી’એ બટાકાવડાની રીત પણ બહુ હોંશથી મિયાંજીને શીખવી. (કેટલી સમજ પડી તે મિયાંજી જ જાણે !)


આખા શાહીભોજન દરમિયાન, નમોજી કઢી અને ખીચડી અને શીખંડ અને પાતરાં જેવી અનેક વાનગીઓનાં વખાણ કરતા રહ્યા અને દરેકની બનાવવાની રીત પણ વિસ્તારથી સમજાવતા રહ્યા. મિયાંજી બહુ મજેથી એમની વાતોની મજા, ભોજનની સાથેસાથે લેતા રહ્યા. મિયાંજીએ નક્કી કર્યું કે, આજ પછીની દરેક મુલાકાતમાં પોતાનાં મિસિસને સાથે લાવવાં. નમોજી પાસે જો બધી વાનગીઓ એક વાર એ બરાબર શીખી લે, તો પછી રોજ જલસા ! પેલી બાજુ નમોજી દાઢીમૂછમાં મલકતા હતા, ‘દુશ્મનને સીધો કરવાનો રસ્તો પણ પેટમાંથી જ પસાર થાય છે..!’
(‘આમ તો જાહેર ને જાણીતો છે આ મંત્ર; પણ આપણે તે ખાનગી રાખવો પડશે.’)


(મિયાં શબ્દ, પતિ–સજ્જન–મુસલમાન ગૃહસ્થ જેવા વિશાળ અર્થો ધરાવે છે. વધુ અર્થો માટે (મગજમાં આવેલા અનર્થોની અર્થી માટે)
જુઓ...http://gujaratilexicon.com/dictionary/GG/%E0%AA%AE%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82*/