રવિવાર, 26 માર્ચ, 2017

દરિયામાં પણ બમ્પ હોય? –(૧૧)

ઘણી વાર એવું બનતું હોય કે કદાચ દર વખતે જ એવું બનતું હશે કોણ જાણે; પણ જ્યારે કોઈ ખાસ પ્રસંગ કે ઘટનાને યાદ કરીએ ત્યારે જાણ્યે–અજાણ્યે, કોણ જાણે ક્યાંથી પણ એને મળતી આવતી કેટલીય યાદો એક પછી એક ડોકિયું કરવા માંડે. ‘મને પણ સામેલ કરો ’ એવું કહેવા જ આવતી હશે કદાચ. તેમાં પણ પ્રવાસની વાતો જો માંડી હોય, તો નાનપણથી માંડીને આજ સુધીના નાના મોટા પ્રવાસો એકસામટા ઝળકી જાય.

બૅંગકૉકનો દરિયો જોઈને મુંબઈનો દરિયો યાદ ન આવે તો જ નવાઈ. જુહુ અને ચોપાટી તો મારા બચપણના સાથી. જોકે, સાથી એટલે ફક્ત કલાક– બે કલાક મળ્યાં, વાતો કરી અને છૂટા પડ્યાં એટલો જ સંબંધ. એકબીજાને ઘરે જવાનો તો વિચાર પણ ન કરાય. અરે ! આમંત્રણ પણ ન અપાય નહીં તો અનર્થ થઈ જાય ! એનાથી પોતાનું વિશાળ ઘર છોડીને અવાય નહીં (મજબૂરી), અને મારાથી એના ઘરમાં ખોવાઈ જવાની બીકે જવાય નહીં ! જ્યારે જ્યારે દરિયાને જોઉં, દર વખતે જુદા મિજાજમાં જ દેખાય. કોઈ વાર એકદમ શાંત ને ડાહ્યોડમરો તો કોઈ વાર તોફાની,બિહામણો ને ઘુઘવાટા મારતો ધસી આવે. ક્યારે સૌમ્ય ને ક્યારે રૌદ્ર રૂપ ધારી લે કંઈ જ કહેવાય નહીં. શાંત હોય ત્યારે એવું લાગે જાણે આપણા ચરણોમાં આળોટીને ગેલ કરે છે અને ગુસ્સામાં ઊછળતો હોય ત્યારે તો લાગે કે કિનારાને પણ ગળી જવાનો કે શું ?

આ જ એના બેવડા વ્યક્તિત્વને કારણે મને હંમેશાં દરિયાની બીક લાગી છે. કદાચ એટલે જ, નદીની અને કૂવાની પણ. પાણીનો ભરોસો નહીં. વડીલો કહેતા, ‘આગ અને પાણી સાથે રમત નહીં કરવાની. ’ જોકે, અજાણતાંય કોઈક વાર આ રમતનો પરચો મળી જાય ખરો. વર્ષો પહેલાં દમણના દરિયામાં એક નાનકડી હોડીમાં અમે ચાંદની રાતે નૌકાવિહાર કરવા નીકળેલાં. હોડીવાળા સાથે અમે ચાર જણ હતાં. વાતાવરણ એટલું તો સુંદર કે, હોડી દૂર દૂર સુધી ચાલ્યા જ કરે તોય સંતોષ ન થાય. અચાનક જ હોડી હાલકડોલક થવા માંડી અને દરિયામાં મોજાં ધીરે ધીરે ઊછળવાના શરૂ થયા. નાવિકે સમય પારખી તરત જ હોડી વાળીને કિનારા તરફ જવા હલેસાં મારવા માંડ્યા. આવા સમયે કિનારો થોડો કંઈ એમ જ નજીક આવી જાય ? હોડીના ડ્રાઈવર સિવાય તો કોઈને તરતાં પણ નહોતું આવડતું. હોડીની બેઠકને સજ્જડ પકડી રાખીને અમે સૌએ ભગવાનને ઢંઢોળવાના શરૂ કરી દીધા. ચાંદની રાત તો બાજુ પર, એ રાત અમારી આખરી રાત ન બની જાય તેની પ્રાર્થના સતત ચાલુ રાખી.

હોડી તો દરેક મોજા સાથે ઊછળતી ને લસરતી પોતાની મસ્તીમાં હતી. અમે તો નાવિકને ભરોસે જ હતાં. ક્યારે હોડી હેમખેમ કિનારે પહોંચી ને ક્યારે અમે ત્યાંથી જીવ બચાવીને ભાગ્યાં તે અમારા સિવાય કોઈને આજ સુધી ખબર પડવા દીધી નહીં. બસ, ત્યાર પછી કોઈ દિવસ ખુલ્લી હોડીમાં બેસવાની હિંમત મેં કરી નથી. બંધ હોડી ડૂબી જાય તો ચાલે ? એવું વિચાર્યું જ નહોતું પણ પટાયાની બોટમાં બેઠાં બેઠાં એ ચાંદની રાતની યાદ તાજી થઈ ગઈ.

એમ તો કૂવાની પાળી પર બેસવાની પણ મારી હિંમત ના ચાલે ! અમારા ઘરની પાછળ વાડામાં એક મોટો કૂવો હતો, એના પર આજે એક બહુમાળી ઈમારત છે. ચોમાસામાં આજુબાજુનાં ઘરોનાં છોકરાઓ એમાં તરવા પડતા એટલો એ પહોળો હતો. નહાઈને પછી બધા છોકરા કૂવાની પાળી પર, પાણીમાં પગ બોળીને બેસી રહેતા. મારી તો ફક્ત એ લોકોને જોવાની જ હિંમત હતી. હા, કોઈ વાર જરૂર પડતી તો હું કૂવામાંથી પાણી ખેંચતી ખરી. બાકી, કૂવામાં કેટલું પાણી છે તે જોવા જેટલું પાણી મારામાં નહોતું. મરવાની બીક નહીં પણ પાણીમાં ડૂબવાની બીક !

ખેર, વર્ષો પછી પટાયાના બીચ પર જવા બોટમાં બેઠાં કે બધું એની મેળે જ મગજમાં ઘુમરાવા માંડેલું. નાનપણમાં, મોટાભાઈની જેમ મને પણ તરતાં આવડે એવું સમજીને મેં પણ એમની પાછળ નદીમાં ઝંપલાવી દીધેલું ! અચાનક જ કોઈકનું ધ્યાન જતાં મારો ચોટલો પકડીને મને બહાર ખેંચી કાઢેલી ! (કોણ હતું એ બદમાશ ?) એ તો સારું કે, ત્યારે ચોટલા વાળતી હતી તો રંગીન રીબીન તરતી પેલાને દેખાઈ ને એને પ્રતાપે જ આટલું યાદ કરીને લખી શકી. બાકી તો ? મેં જોયું તો, મારી આજુબાજુની સ્ત્રીઓ પણ દરિયાને જોયા કરતી હતી. કંઈ ખાસ વાતો નહોતી કરતી. સૌને પોતપોતાની આવી જ કોઈ વાતો યાદ આવતી હતી ? ત્યારે તો બચી ગયેલી પણ અહીં દરિયામાં કંઈ થયું તો? મેં ખોટા વિચારોને બ્રેક લગાવી.

મોટરબોટમાં બેઠેલાં ત્યારની એની ઘરઘરાટી ને ફરફરાટી ચાલુ હતી. બોટનો આગલો હિસ્સો થોડો ખુલ્લો હતો ત્યાં આઠેક જણની બેસવાની વ્યવસ્થા હતી. કોઈથી કે કશાથી ન ગભરાતી સાહસિક યુવતીઓએ દોડીને એ જગ્યા પકડી લીધી, જ્યારે અમે ગભરુ ગૃહિણીઓ સલામત જગ્યાએ અંદરના ભાગમાં સામસામે ગોઠવાઈ ગઈ. પેલી ચંચળ યુવતીઓ તો ફિલ્મી હીરોઈનનોની જેમ જાતજાતના પોઝ આપતી ફોટા પાડતી રહી–પડાવતી રહી. બારીની બહાર નજર જતાં દરિયાનું પાણી ઘેરા લીલા કાચ જેવું દેખાતું હતું. જેવો જરાક તડકો નીકળતો કે એ જ પાણી ભૂરા કાચ જેવું લાગતું !

આટલા વિશાળ સાગરમાં વગર કોઈ સિગ્નલે બોટવાળાને રસ્તો કેવી રીતે દેખાતો હશે ? વળી, જ્યાં પહોંચવાનું હોય ત્યાં જ કઈ રીતે પહોંચાતું હશે ? આવા સવાલો  મને મૂંઝવતા હતા પણ અહીં કોને પૂછાય ? બોટવાળાને પૂછાય પણ મોટો પ્રશ્ન ભાષાનો ! જવા દો, હમણાં દરિયાની સહેલગાહની મજા લઈ લઉં નહીં તો અફસોસ રહી જશે. મોજે મોજે મોજ કરાવતી અમારી બોટ ફૂલ સ્પીડે ભાગતી હતી, ઊછળતી હતી અને વધારે ખુશ થઈ જાય તો કૂદકો પણ મારી લેતી. ત્યારે બધાંના મોંમાંથી ઓ..ઓ...ની ચીસ નીકળી જતી. રસ્તા પર સડસડાટ કાર જતી હોય અને અચાનક જ બમ્પ આવતા જેવી ઊછળે, તેવી બોટ પણ વચ્ચે વચ્ચે ખટાક અવાજ આવતો ત્યારે  ઊછળતી ને પાછી સડસડાટ ભાગતી. દરિયામાં પણ બમ્પ બનાવ્યા હશે ? કોણ જાણે.

રવિવાર, 19 માર્ચ, 2017

મોજે મોજે મોજ–––(૧૦)


કેટલાય દિવસોનો થાક,રખડપટ્ટી, ભરપેટ ભાવતું ભોજન અને લટકામાં મસાજને કારણે રાત્રે દસ–સાડા દસમાં તો, અમુક રૂમોમાંથી જાતજાતની સીટીઓના અવાજો, અમુકમાંથી ઢોલ નગારાના અવાજો અને અમુકમાંથી તો તાલબધ્ધ રીતે ગાયના ભાંભરવાના અવાજો પણ સંભળાતા થઈ ગયા! સવારે છ વાગ્યે ઊઠવાનું હોઈ મોડે સુધી જાગવાના કોઈમાં હોશ નહોતા. આઠ વાગ્યા સુધીમાં તૈયાર થઈ દરિયાની લહેરો પર ઝુમવાનો કાર્યક્રમ હતો. પટાયાનો મશહૂર કોરલ આઈલૅન્ડ! આ નાનકડા ટાપુ પર જ લગભગ અડધો દિવસ વીતાવવાનો હોઈ સૌને ભરપેટ નાસ્તો કરી લેવા જણાવાયેલું. ન કીધું હોત, તો પણ રોજ નાસ્તા જ એટલા અફલાતૂન રહેતા કે ભરપેટ–ભરપેટ કર્યા કરીએ તો પણ મન ના ભરાય! ઘરે પાંચ–દસ મિનિટમાં નાસ્તાના નામે ફાકા મારીને ડાયેટિંગના ફાંકા મારતી સ્ત્રીઓ, અહીં એક કલાક સુધી નાસ્તા ને ફ્રૂટ ને જ્યૂસ ને ચા–કૉફીના ટેબલની ફરતે અમારી જેમ ફર્યા કરતી. ઘરે જઈને તો પાછા એ જ ખાખરા ને લીંબુપાણી છે ને? ને કેમ નહીં? પૈસા શેના ભર્યા છે? અને અહીં આવ્યાં છીએ શેના માટે? બધાંને ખાતાં જોઈ જીવ બાળવા માટે? ના, જરાય નહીં. ખાઓ તમતમારે.

ખેર, દરિયાકિનારે બધી બસો લાંગરી(!) કે; ત્યાં લાઈનસર ઊભેલી બોટમાં વારાફરતી, જળસુંદરીઓના એક એક બૅચને રવાના કરવા માંડ્યો. છીછરા પાણીમાં ઊભા રહી બોટમાં ચડવાનુ હતું. આ એક જ જગ્યા મેં એવી જોઈ કે, જ્યાં ચડવા માટે સ્ત્રીઓ પડાપડી કે ધક્કામુક્કી નહોતી કરતી. બીજા કોઈ અર્થમાં નહીં પણ ખરેખર જ, અમે પાણીમાં ઊભેલાં ત્યારે અમારા પગ નીચેથી ધરતી(રેતી) ખસતી જ રહેતી. બાકી તો, પ્લેનમાં પણ રહી જવાની હોય તેમ લાઈનમાં ઊભેલી સ્ત્રીઓ– ધીરજ વગરની સ્ત્રીઓ, ધીમો ધીમો ગણગણાટ કે બબડાટ શરૂ કરી દેતી. પોતાની જગ્યા જતી રહેવાની બીક જ એમને એવું વર્તન કરવા ઉશ્કરતી હશે! કોણ જાણે.

આપણા સમાજમાં સ્ત્રીઓ હજી પણ, શર્ટ–પૅન્ટ કે ટી–શર્ટ ને હાફ કે પોણિયા પૅન્ટ પહેરવામાં સંકોચ અનુભવે છે. ખરેખર તો, એમને પહેરવું હોય છે પણ પેલું લેબલ એમને પહેરવા નથી દેતું. ઘણા સુધરેલા ઘરોમાં વહુઓને અને સાસુઓને પણ છૂટ હોય છે(જેમ નાચવું હોય તેમ નાચવાની !), તોય લોકોની ટીકાથી બચવા મોટે ભાગે સ્ત્રીઓ ભારતીય પોશાકને જ નાછૂટકે અપનાવી લે છે. પ...ણ એમને છૂટ મળે છે, કે પછી એ લોકો છૂટ લઈ લે છે આવી સહેલગાહોમાં–ટૂરોમાં–કંપનીમાં! આજકાલના તો યુવાનો અને પુરુષો પણ મોડર્ન થયા છે તે પત્નીને રાજી રાખવા કંઈ બોલતા નથી. જાણે છે કે બોલીને કોઈ ફાયદો નથી–બોલીને ક્યાં જવું? એના કરતાં ચાર આઠ દા’ડા છો મન ફાવે તેવા કપડાં પહેરતી! આ જ કારણે આજકાલ હિલસ્ટેશનો પર સાડી પહેરેલી સ્ત્રીઓ બહુ ઓછી જોવા મળે છે. જોકે, અમારી સાથે ચાર સ્ત્રીઓ નાગપૂરથી આવેલી જેમણે મુંબઈથી મુંબઈ, પ્રવાસના પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી સાડી જ પહેરેલી અને તે પણ સતત માથું ઢાંકીને! અમે બહુ શોધેલા પણ ક્યાંય એમના કોઈના સસરા કે જેઠ દૂર દૂર સુધી અમને દેખાયા નહોતા.

અમારી ટૂરમાં નાનામાં નાની ઉંમર ધરાવતી કન્યા હતી પંદર વર્ષની, જે એની મમ્મી સાથે આવેલી અને મોટામાં મોટી કન્યા હતી એના કરતાં પાંચગણી–પંચોતેર વર્ષની! બન્ને જુવાન કન્યાઓ કાયમ ટીશર્ટ–જીન્સમાં જ દેખાતી. અમને બન્નેને ખૂબ અફસોસ થયો, ‘આપણે હારાં દેસી તે દેસી જ રી‘યાં. જીન્સ ને ટીશર્ટમાંથી હો ગીયાં? દરિયામાં જવાનું ને રેતીમાં ચાલવાનું(કે વહાણ ચલાવવાનું?) તે ખબર, તો હો પંજાબી ડ્રેસ પહેરીને આઈવાં?’ ખેર, અફસોસ છોડી અમે ફેન્સી ડ્રેસની હરિફાઈમાં ઉતરેલી મિસ દરિયાઈ સુંદરીઓની સુંદરતા જોતાં રહ્યાં. બીજું કરવા જેવું કામ ત્યાં હતું પણ નહીં, શું કરીએ? જાતજાતના ડ્રેસ સોહાવીને ફરતી માનુનીઓના મિજાજનું ને વસ્ત્રોનું અવલોકન કરવામાં મારા મગજમાં જે તરંગો ઉછળતાં હતાં ને અમને બન્નેને જે આનંદ મળતો હતો તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. છતાં તમે પણ એ આનંદ માણો એ આશાએ થોડું જણાવી દઉં.

....કે બહુ જ ઓછી યુવતીઓ આકર્ષક કહી શકાય એવી દેખાતી હતી. તેથી કંઈ બાકીની યુવતીઓએ આકર્ષક દેખાવાના પ્રયત્નો ન કરવા એવું થોડું છે? ટીવી અને ફિલ્મોના મળતા સતત માર્ગદર્શનને કારણે અને પોતે પણ કંઈ કમ નથી એ બતાવવા જ કદાચ, મોટે ભાગની યુવતીઓએ સ્વિમિંગ કૉસ્ચ્યુમ્સ પહેરેલાં. દરિયામાં જવાનું હતું ને? ભલે ને તરતાં ન આવડે પણ છબછબિયાં તો થઈ શકે ને? ઢંકાયેલી ચરબી અને ઉઘાડી ચરબીનો ભેદ સ્પષ્ટપણે જણાઈ આવતો હતો. આગલે દિવસે જેને જોઈ હોય તેને આજે ઓળખી પણ ન શકાય એવી કમનીય(!) સૌ દેખાતી હતી. અમારા જેવી કદાચ બહુ થોડી જ સ્ત્રીઓ હતી–ઘુમટાવાળીઓ સહિત, જેમને બીજી સ્ત્રીઓને જોવામાં રસ હતો. બાકી તો સૌ પોતપોતાનામાં મગન. માથે ટોપી, ગૉગલ્સ અને ખભે પર્સ ભેરવેલી ગૃહિણીઓને અને સ્વિમિંગ કૉસ્ચ્યુમ્સમાં ફરતી ગૃહિણીઓને જો એમનાં ઘરનાં જુએ તો આશ્ચર્યથી ચોવીસ કલાક સુધી એમનું મોં ખુલ્લું જ રહે. આઝાદીનો ખરો અર્થ સ્ત્રીઓ અહીં માણતી હતી અને એમાં કંઈ ખોટું હતું?

બોટમાં ચડતી સ્ત્રીઓમાં ફક્ત એક જ સ્ત્રી એવી કમનસીબ નીકળી, જે પોતાના અને બધાના લાખ(કે થોડા ઓછા) પ્રયત્નો છતાંય બોટમાં ન ચડી શકી. લગભગ સાડા ચાર ફૂટની ઊંચાઈ ધરાવતી એ મહારાષ્ટ્રીયન સ્ત્રીની ઉંમર લગભગ પાંસઠની આસપાસ હશે. ખૂબ ગોરી અને માંજરી, લીલી આંખોની નીચે ભરાવદાર–લાલ ટામેટાં જેવા ગાલ. સાડા ચાર ફૂટ ઊભાની ફરતે એક ફૂટનું ગોળ ચકરડું દોરીએ ને જેટલો ઘેરાવો થાય એટલો એના શરીરનો ઘેરાવો હતો. એ ચાલતી ત્યારે એક ડગલું ભરતાં એને પાંચ સેકન્ડ લાગતી ને બીજું ડગલું મૂકતી વખતે તો એના શરીરનું બૅલેન્સ જાળવવામાં એનું અડધું શરીર નમી જતું. એણે પણ ટૂંકું ગુલાબી ટીશર્ટ અને જીન્સનું હાફ પૅન્ટ પહેરેલું!


બોટમાં ઊભેલા બે યુવાનો જેવા એને હાથ પકડીને ખેંચે કે તે જ સમયે નીચે ઊભેલો યુવાન એને કમરેથી ઊંચકીને બોટમાં ચડાવવા ધકેલે, તોય એનું શરીર થોડું ઘણું આમતેમ હાલીને થાકી, ફરી મૂળ સ્થાને ખોડાઈ જતું. એ સ્ત્રીનો દયામણો ચહેરો ક્યારેય નહીં ભૂલાય. એનો ચહેરો અને એની લાચારી જોઈ સૌને દયા આવતી હતી. આખરે એણે એના કાર્યક્રમ અને એની હોંશ પર ચોકડી મારી નાછૂટકે હૉટેલ પર જ પાછા ફરવું પડ્યું.

શરીર પ્રત્યે બેદરકાર રહેનારની હાલત જોઈ ધ્રૂજી જવાયું ને મનમાં નક્કી કર્યું કે, ઘેર જઈને.......(તરત જ સ્મશાન વૈરાગ કોને કહેવાય તે યાદ આવી ગયું!)

રવિવાર, 12 માર્ચ, 2017

મસાજ–કૂચ–––(૯)


પટાયા પહોંચ્યાના પહેલા જ દિવસે, હૉટેલમાં ફ્રેશ થઈને બધાં નીચે ભેગાં થયાં કે, ટૂરના આયોજકો તરફથી ‘સરપ્રાઈઝ ગિફ્ટ’ મળી! ‘આપણે સૌ હવે અહીંની પ્રખ્યાત મસાજ–સુંદરીઓને મળવા જઈશું. વધુ માહિતી તમને બસમાં મળી જશે.’ જેના વિશે કોઈની પાસે આછીપાતળી જાણકારી હતી, કોઈની પાસે પૂરેપૂરી જાણકારી હતી ને અમુક તો તદ્દન અબુધ હતી તેવી સ્ત્રીઓમાં ગણગણાટ ચાલુ થઈ ગયો. અમુકની નજરોમાં મસ્તી ડોકાતી હતી, અમુકની નજરોમાં સવાલોની હારમાળા અને અમુકની નજરોમાં ગૂંચવણોનો પાર નહીં. ફક્ત મસાજના નામ પર જો સ્ત્રીઓની હાલત આવી થતી હોય; તો ખરેખર જ્યારે મસાજનો અનુભવ લેવાનો હશે, ત્યારે એમની હાલત કેવી થશે એ વિચારે મારા મનમાં ખળભળાટ શરૂ થઈ ગયેલો.

આપણા ભારતમાં પણ મસાજ –માલિશની ક્રિયા તો સદીઓ જૂની છે. વિષ્ણુ ભગવાન ને લક્ષ્મીદેવીએ તો ચંપીકાળ દરમિયાન મોડેલિંગ પણ કરી નાંખેલું! બધા ખડતલ દેખાતા ભગવાનો માલિશ વગર આટલા હૅન્ડસમ ના દેખાત. વળી આપણે ત્યાં તો ઘણી બિમારીમાં, શિયાળામાં ને નાના બાળકોના જન્મ પછી મા–બાળક બન્નેને માલિશ કરાય છે. એટલે ખરેખર તો, આપણને કોઈને પણ મસાજની નવાઈ કે સૂગ કે એના નામે કુતૂહલ ના હોવું જોઈએ. છતાં આ આખી ક્રિયાને જુદી જ નજરે જોવાનો ને ધંધો બનાવીને કમાવાનો જે ટ્રેન્ડ શરૂ થયો છે, તેને લીધે મસાજનું નામ પડતાં સ્ત્રીઓના ચહેરા પર ઘડીક વારમાં જ પચાસ જાતના હાવભાવ આવી જાય! મને એક જ સવાલ સતાવતો હતો કે, અમને સ્ત્રીઓને શા માટે મસાજ કરાવવા લઈ જવાય છે?

ખેર, અમારી સ્ત્રીઓની લાં...બી ‘મસાજ–કૂચ’ એક મોટા મકાન તરફ નીકળી પડી. વારંવાર આવી બધી જગ્યાઓએ, જ્યાં લાઈનમાં જવાનું હોય, લાઈનમાં ઊભા રહેવાનું હોય, બધાને કોઈ જાતના નંબર કે બિલ્લા કે કાર્ડ અપાતાં હોય ત્યાં મને અમારી સ્કૂલની ટૂર યાદ આવી જતી. અમે જેવા ત્યાં પહોંચ્યાં કે, અમને વીસ–વીસના બૅચમાં જુદા જુદા રૂમ પાસે લઈ જવાયા. મોટ્ટા હૉલમાં પથ્થરના પલંગ પર લાઈનસર પથારીઓ બિછાવેલી. દરેક પથારી પાસે પીળા રંગના યુનિફોર્મમાં એક એક છોકરી ઊભેલી. પંદરથી પાંત્રીસ વર્ષની યુવતીઓ હશે. હૉલની બહાર રાખેલા નીચા નળ ને નીક પાસે સૌને લઈ જઈને, સૌનાં ચરણકમળ ધોવાયા! સ્વચ્છ ટુવાલથી કોરા કરાયા ને સૌને માટે ત્યાં રાખેલી સ્લિપર પહેરાવીને પથારી પાસે દોરી જવાયા.

પહેલેથી જ બધાંને જણાવેલું કે, ‘આ મસાજ તેલ વગરનો–ઓઈલ ફ્રી મસાજ હશે. વળી, કોઈ ચાર્જ પણ ચૂકવવાનો નથી. તદ્દન ફ્રી! છતાં  અહીંની ગરીબીને ધ્યાનમાં રાખીને જો તમે વીસથી પચાસ રૂપિયા સુધીની ટિપ આપશો તો આ છોકરીઓ રાજી થશે. જો મસાજ કરાવતી વખતે છોકરીનો હાથ ભારે લાગે તો ‘નક નક’ અને જો બરાબર લાગે તો ‘બાઉ બાઉ’ કહેજો, એટલે એ લોકો સમજી જશે. ’ (સ્ત્રીઓ આદત મુજબ જે અમસ્તી અમસ્તી ‘વા...ઉ...’ કરતી રહે છે (શિયાળની જેમ) તે કરે, કે પછી (કૂતરાની જેમ) ‘ભાઉ ભાઉ’  કરી બેસે, તો પણ એ છોકરીઓ સમજી જશે?) જવા દો, મારે ક્યાં મસાજ કરાવવો છે કે પંચાત? મેં અને પલ્લવીબહેને તો નક્કી કરેલું કે, આપણે પહેલાં જોઈશું કે આ છોકરીઓ કેવોક મસાજ કરે છે. ઠીક લાગે તો કરાવશું નહીં તો અજબગજબના ખેલ જોઈશું. આમેય આવા લહાવા વારંવાર નથી મળતા. વગર પાણીના તળાવમાં છટપટાતી માછલીઓ અને એમને જાળમાં ફસાવવા આતુર પાણીદાર શિકારી માછલીઓ! વાહ! શું અદ્ભૂત નઝારો હશે!

અમે બન્ને તો હૉલમાં એક બાજુએ ઊભા રહી ગયાં. અમારી સાથે આવેલી સ્ત્રીઓ તો રહી જવાની હોય એમ, વહેલી વહેલી દોડીને પથારીમાં જઈને લંબાઈ ગઈ. હૉલમાં કોઈ જાતનું હળવું કે મધ્યમ કે પછી બેસૂરું સંગીત સંભળાતું નહોતું. ત્યાં તો ફક્ત મધ્યમ પ્રકાશ હતો. પેલી છોકરીઓ તો એમની ફરજના ભાગ રૂપે બધી સૂતેલી રંભાઓના ચરણ ચાંપવા બેસી ગઈ. ઈંગ્લિશના તો ત્યાં ક્લાસ લેવાય તેવું નહોતું, એટલે ઈંગ્લિશમાં ભારે લચ્છા મરાતા હતા.

કોઈ સ્ત્રી મસાજ કરાવતાં કરાવતાં ઈશારાથી ઘુંટણ પર જોર આપવા ના કહેતી હતી ને કોઈ કમર પર હાથ મૂકીને ‘સાયટિકા–સાયટિકા’ બોલતી હતી. કોઈના ખભા પર જોર અપાઈ જતાં હળવી ચીસ સંભળાતી ને કોઈની બોચી કોઈ જાડીપાડી થાઈ છોકરીના હાથમાં ગભરાતી હતી. અહીંની થાઈ છોકરીઓમાં પણ વિવિધતા હતી. જાડી, પાતળી, ગોરી, ઘઉંવર્ણી, ખાસ ઊંચી નહીં પણ મધ્યમ ઉંચાઈવાળી અને કોઈ કોઈ છોકરી તો પરદેશી પણ હતી. જેમાં આફ્રિકન શ્યામા પણ હતી અને એશિયન ઘઉંવર્ણી મલેશિયન કન્યાઓ પણ ખરી. પેટને ખાતર અઢાર–વીસ વર્ષની બાળાઓ ઘરબાર ને માબાપને મૂકીને ક્યાં ક્યાં જઈ વસી છે! ને કેવાં કેવાં કામ કરે છે? જે જાડી ને પઠ્ઠી હતી તેની પાસે મસાજ કરાવનારને બીક લાગવી સ્વાભાવિક હતી, પણ અમને બન્નેને આ જ બધું જોવાની મજા આવી રહી હતી.

લગભગ અર્ધો પોણો કલાક મસાજ ક્રિયા ચાલી. એમાં ચરણચંપી થઈ, હાથનાં આંગળાંથી માંડીને બાવડાં–ચંપી થઈ. મગજની નસો તણાય એવી કેશખેંચ ને ટકલામાલિશની ક્રિયા પણ થઈ. અમારી નવાઈ વચ્ચે ત્યાં પોઢેલી રંભાઓ કે મેનકાઓમાંથી કોઈની ત્યાંથી ઊઠવાની દાનત નહોતી! બે–ચાર જગ્યાએથી તો નસકોરાં પણ સંભળાયાં! પેલી બધી છોકરીઓ તો અંદરઅંદર વાતે લાગી ગઈ ને ખીખીખી કરતી એમના રેસ્ટરૂમમાં ચાલી ગઈ, ટિપની કોઈ આશા રાખ્યા વગર કે કોઈ પણ જાતની લાચારી કે દાદાગીરી બતાવ્યા વગર! ભારતીય સુંદરીઓ જે હળવીફૂલ થયેલી, તે ખુશ થતી થતી બસ તરફ ડગ માંડતી હતી. અમારી મસાજ–ઈચ્છા અધૂરી નહીં પણ મનમાં જ રહી ગઈ કારણકે બસમાં જવાનું બ્યૂગલ વાગી ચૂકેલું! 

કહેવાય છે કે, પુણ્ય કર્યાં હોય તો સ્વર્ગ મળે. અમને તો કંઈ યાદ નહોતું આવતું કે, અમે કોઈ મોટા પુણ્યના કામ કર્યાં હોય! તોય, સ્વર્ગમાં જ ફરતાં હોઈએ એવી અનુભૂતિ કેમ થયા કરે છે? જ્યાં જઈએ ત્યાં આનંદ જ આનંદ નજરે ચડે છે એટલે? કે પછી તદ્દન સ્વતંત્ર હોવાની લાગણી માઝા મૂકી રહી છે? કોઈ રોકટોક કે સવાલ કે પંચાતની દુનિયાથી દૂર, અજાણ્યો દેશ કદાચ એટલે જ સ્વર્ગ જેવો લાગતો હશે, કોણ જાણે. મસાજની અધૂરી રહેલી ઈચ્છા પણ પૂરી થવાની ઘડીઓ ગણાઈ રહી હતી! હૉટેલના રૂમમાં પહોંચીને પલ્લવીબહેને જેવી એમની બૅગ જરા ઝાટકાથી ઊંચકીને મૂકી કે એમના ખભાનો સ્નાયુ ખેંચાઈ ગયો. ડૉ. હોવા છતાં એ પોતાના ખભાનો ઈલાજ કરી શકવાની હાલતમાં નહોતાં અને હું કદાચ ઊંટવૈદું અજમાવત પણ એક ડૉ. પર અજમાઈશ કરવાની હિંમત ના ચાલી. ઘરનાં હોત તો વાત જુદી હતી!

તાત્કાલિક રાહત માટે મસાજ સિવાય કોઈ ઉપાય યાદ ના આવ્યો. (જગ્યાનો પ્રભાવ!) હૉટેલમાં જ આવેલા મસાજ પાર્લરમાં, પલ્લવીબહેન તો ખભાના દુખાવા છતાં ખુશી ખુશી પહોંચી ગયાં. ડૉ. ને પણ ભાવતી વસ્તુ વૈદે જ કહેવાની? લગભગ કલાકના હજાર રૂપિયા, ફી પેટે દાનપેટીમાં નાંખી આવ્યા પછી બહાર આવીને પહેલું વાક્ય પલ્લવીબહેન શું બોલ્યાં હશે? ‘આના કરતાં તો મારી લક્ષ્મી, મારે ઘેર આવીને પચાહ રૂપિયામાં હારો મસાજ કરી જાય. આ તો ઠીક મારા ભઈ!’ (બાપ રે! ઈન્ડિયાના દેશી મસાજ આગળ તો, બૅંગકૉકનો ફલાણો કે ઢીંકણો મસાજ પણ પાણી ભરે?’)

રવિવાર, 5 માર્ચ, 2017

કોઈ વાર તાળું ખોવાયું છે ?


‘આ બૅગનું લૉક નથી ખૂલતું, જરા નંબર બોલજો ને.’ કયારના બૅગ ખોલવા મથી રહેલાં એટલે સ્થળ ને કાળનું ભાન ભૂલેલાં શાંતાબેન પતિના મિત્રમંડળની વચ્ચે જઈ ચિંતિત સ્વરે ફરિયાદ કરતાં ઊભા રહ્યાં.
કાન તો બધાના જ ચમકયા પણ ડોળા ફક્ત એકના જ ફર્યા, તે ધમધમ કરતા બૅગ મૂકેલી ત્યાં જઈ ઊભા. ઊભા શેના, તાડૂક્યા–ધોધમાર વરસ્યા.

‘કંઈ અક્કલ–બક્કલ છે કે નહીં? બોલવાનું જરા પણ ભાન નથી.’ શાંતુભાઈએ જીભને છૂટી મૂકી.
(અક્કલ તો છે પણ ઘણી વાર એના પરનું બક્કલ કાઢવાનું રહી જાય છે!) શાંતાબેનને મનમાં બબડવાની ટેવ આ કારણે જ પડેલી?’ (હમણાં ભાન વગરનું જો બોલવા માંડીશ તો તમે બેભાન થઈ જશો.)
‘આમ બધાની વચ્ચે બૅગના લૉકનો નંબર પૂછાતો હશે? ક્યારે શીખશે કોણ જાણે!’
(બધાની વચ્ચે પૂછું, તો બધામાં તમારું માન વધે કે, બૅગના લૉકનો નંબર પણ પોતાના કબજામાં રાખે છે ! )
પછી તો, તારા કરતાં તો ફલાણાં સારા ને ઢીંકણાં સારા, ને આમ ને તેમના મજાના લવારા ચાલ્યા. શાંતાબેનને તો લૉકના નંબર સાથે મતલબ, એ બધા લવારાનું એમને શું કામ? બધું માથા પરથી જવા દીધું, નહીં તો મગજ લૉક થઈ જાય.

જાણે કે, જેમની સાથે જે ઊભેલા તે બધા જ ચોર! લાગ મળતાં જ બૅગ ખોલી નાંખશે ને અંદર કંઈ નહીં હોય તોય બૅગ ઉઠાવીને ભાગી જશે જાણે! અક્કલ કોનામાં નથી તે જ શાંતાબેનને ઘણી વાર નહોતું સમજાતું.

ખેર, બૅગનું લૉક તો ખૂલ્યું. ફરીથી નવો નંબર ગોઠવાઈ ગયો અને શાંતાબેનને તાકીદ કરાઈ કે, બીજી વાર આવી ભૂલ નહીં થવી જોઈએ. માણસ માત્ર ભૂલને પાત્ર, તે કેમ કોઈને યાદ નહીં રહેતું હોય? શાંતાબેન જ્યારે બહારગામ જાય ત્યારે બૅગ ગોઠવતાં પહેલાં આ વાત મને દર વખતે હસી હસીને કરે.

કશેક ફરવા જવાના હોઈએ કે બહારગામ જવાના હોઈએ ત્યારે બૅગ ગોઠવવાનું કે બૅગ તૈયાર કરવાનું કામ, પહાડ ચડવા જેટલું કઠિન કે નદી–સાગર તરવા જેટલું કપરું લાગે છે. કોઈ વાર ફરવા જવાવાળાની કે ઘણા દિવસો માટે બહારગામ જનારાની આ હંમેશની ફરિયાદ કે ચિંતા હોય છે. ઘણા  બૅગ ગોઠવનારા તો, એ કામને ચપટી વગાડતાં કે રમતાં રમતાં થઈ જતા કામમાં ગણાવે છે. ‘આ કબાટમાંથી કપડાં કાઢ્યા ને આ બૅગમાં મૂક્યા કે બેગ તૈયાર. એમાં કેટલી વાર? રોજની જરૂરિયાતવાળું પાઉચ તો હું તૈયાર જ રાખું, ઝંઝટ જ નહીં.’ આ લોકો સાધુની કક્ષામાં આવી શકે. જેમની જરુરિયાતો ઓછી હોય તેવા લોકો જ ફટાક દઈને બૅગ ગોઠવી શકે, બાકી તો....

બાકી તો, કલાકો સુધી ખાલી બૅગને જોતાં જોતાં, ધ્યાનમાં બેસી જનારાઓનો વર્ગ ખાસ્સો મોટો છે. એમની મોટામાં મોટી ચિંતા હોય છે, બૅગમાં શું મૂકવું ને શું ન મૂકવું! કબાટ ખુલ્લો હોય, આખા રૂમમાં ખુરશી, ટેબલ અને પલંગ સિવાય પણ જમીન પર બધી વસ્તુઓ પથરાયેલી પડી હોય અને બૅગ ગોઠવનાર ચિંતામાં સૂકાઈને અડધા થવાની તૈયારીમાં હોય. મોટે ભાગે સ્ત્રીઓ આ પરિસ્થિતિનો શિકાર બનતી હોય છે. એમની ચિંતા પણ ખોટી નથી હોતી. દિવસમાં ચાર વાર કપડાં બદલવાના હોય, રોજનો નાઈટડ્રેસ જુદો હોય, કદાચ ને કોઈ કારણસર એકાદ–બે દિવસ મોડું થાય ને રોકાવું પડે કે પછી વરસાદ પડે ને કપડાં ભીનાં કે મેલાં થઈ જાય તો ? અગમચેતી સારી! મેકઅપનો સામાન તો ખરો જ. મૅચિંગ ચપ્પલ–સૅંડલના ઢગલામાં એકાદ જોડી સ્પોર્ટ્સ શૂઝ તો ક્યાંય સમાઈ જાય. ભલે પહેરાય કે ન પહેરાય, સાથે લીધાં હોય ને મન થાય તો પહેરાય પણ ખરાં!

બૅગ ગોઠવવાની શરુ કરતાં પહેલાં, કોઈ શ્રી ગણેશનું નામ તો નહીં લેતું હોય પણ ‘શ્રી લૉકેશ’નું રટણ તો જરૂર કરવું જોઈએ. જો કે, ખરેખર એવું થતું નથી અને બૅગ ગોઠવાઈ ગયા પછી જ, ખરી મજા, એનું તાળું–ચાવી શોધવામાં આવે છે. દર વખતે તાળું ને ચાવી, ઘરની જવાબદાર અને સમજદાર વ્યક્તિના શુભ હસ્તે વ્યવસ્થિત જગ્યાએ જ મૂકાયાં હોય, તોય કોણ જાણે કેમ? ઐન મૌકે પર હી? પછી ચાલે તાળાની શોધાશોધ અને સાથે એની જોડીદાર ચાવી તો ખરી જ. જો તાળું ન મળ્યું તો? વળી બૅગ ખાલી કરવી પડશે? કે પછી, ટ્રેનનો ટાઈમ થાય ત્યાં સુધી તાળા–ચાવીની શોધ ચાલુ રાખી, ‘આશા છોડવાની નથી – ભલે આ પાર કે તે પાર થઈ જાય’વાળું જોશ જાળવી રાખવાનું છે?

હતાશ થઈને પછી તો, બૅગ ગોઠવવાનો કે લેવાની વસ્તુઓનો તાળો મેળવવાનો આનંદ માણવાનો બાજુ પર મૂકી, સૌ બબડતાં બબડતાં ને એકબીજા પર દોષારોપણ કરતાં કરતાં તાળાની શોધમાં મંડી પડે. અચાનક કોઈકની બુદ્ધિ આવા સમયે દગો આપવાને બદલે મદદે આવે ને એને યાદ આવે કે, જ્યારે ટ્રેનનો ટાઈમ થવા માંડ્યો હોય અને સમયસર, ટ્રાફિકની આરપાર કે ઉપર નીચે થઈને પણ જો સ્ટેશને ન પહોંચ્યા તો બધાની ટિકિટોનો ભોગ લેવાઈ જશે, ત્યારે વીસ પચીસ રૂપિયાના તાળામાં જીવ વળગાવવો નરી મુર્ખામી જ છે. કદાચ આખા કાર્યક્રમની એક ડૉક્યુમેન્ટરી તૈયાર થઈ જશે અને કાયમ માટે ઘણી બધી વાતો પર તાળાં લાગી જશે!

આખરે દર વખતની જેમ જ છેલ્લી ઘડીએ, ફરી વાર એક નાનકડા સુંદર તાળાનું ઘરમાં આગમન થાય અને બધાનાં મનનો એકબીજા સાથે તાળો મળતાં જ પ્રસ્થાનની તૈયારી થાય. એક નજીવા તાળાને ખાતર કંઈ જવાનું ઓછું જ માંડવાળ કરાય?