રવિવાર, 10 સપ્ટેમ્બર, 2017

ગધ્ધામજૂરી


એક શહેરમાં એક ગધેડો અને એક ગધેડી, કાળી મજૂરી કર્યા પછી આરામથી રહેતાં હતાં. એમની મજૂરી કરવાની રીત પરથી માણસજાતમાં તો, ‘ગધ્ધામજૂરી’ શબ્દ અમલમાં આવ્યો હતો. શાબાશી વગરના એમના કામને, વેઠ કે વૈતરું પણ કહેવાતું. કામ કરવામાં કોઈ દિવસ તાપ, ટાઢ કે તડકો ન જોનારાં ગધેડો અને ગધેડી, સવારથી સાંજ સુધી નીચી મુંડીએ કામ કર્યે જતાં. જે મળે તેમાં સંતોષથી રહેતાં, કોઈ દિવસ કોઈ વાતની ફરિયાદ ન કરતાં.

એમને એક નાનકડું બચ્ચું હતું, એ ગધેડાનું બચ્ચું કહેવાતું. શહેરમાં રહેતાં એટલે ગધેડા પરિવારને થયું, કે હવે આપણા બચ્ચાને કંઈ ભણવા–ગણવાનું શીખવીએ, નહીં તો આપણી જેમ એ પણ ગધ્ધાવૈતરું જ કર્યા કરશે અને ડફણાં ખાયા કરશે. બંને તો ઉપડ્યાં નજીકના એક બાળમંદિરમાં. જેમ તેમ કાલાવાલા અને કાકલૂદી કરીને એમનાં લાડકા બચ્ચાને એમણે બાળમંદિરમાં દાખલ કરાવી દીધું. બાળમંદિરમાં જ્યારથી ગધેડાનું બચ્ચું ભણવા કે રમવા આવવા માંડ્યું, ત્યારથી બધાં બાળકોને ગમ્મત પડવા માંડી અને બધાએ રડવાનું બંધ કરી દીધું. પેલા બચ્ચાને પણ બહુ મજા પડી. રોજ રમવાનું ને ગીતો ગાવાના. એનું ગીત તો પાછું બધા કરતાં જુદું, એટલે તો બાળકોમાં ધમાલ મચી જતી. બાળમંદિરમાં તો નાચમનાચી ને કૂદમકૂદી થતી રહેતી. ટીચર પણ એકદમ ખુશ.

લગભગ એકાદ મહિનો ગયો હશે, કે એક વાર રસ્તામાં, એમને એમની જ નાતજાતવાળા બીજા ફેમિલીને મળવાનું થયું. ‘કેમ છો? ક્યાં ચાલ્યાં? શું ચાલે?’ જેવા પ્રશ્નો પછી, બચ્ચાના બાળમંદિરની વાતો ચાલી. બંનેએ તો બહુ ખુશી ખુશી બાળમંદિરની વાતો કરવા માંડી. બચ્ચાને કેટલું બોલતાં ને ગાતાં આવડ્યું અને એને ત્યાં કેટલું ગમે છે, બધાં પણ એનાથી બહુ ખુશ છે એવું પોરસાઈને કહેવા માંડ્યા. બધી વાત સાંભળ્યા પછી, પેલા મિત્રદંપતીએ કહ્યું, ‘ભલે તમે હમણાં બહુ ખુશ થાઓ પણ આજે તો ગુજરાતીના બાળમંદિરની કોઈ કિંમત જ નથી. એના કરતાં એને કિન્ડરગાર્ટનમાં મૂકી દો. ત્યાં પહેલેથી જ બધું ઈંગ્લિશમાં જ બોલે, એટલે આપણા બચ્ચાં બીજા કરતાં જરાય પાછળ ના રહે. અમારાં તો બંને બચ્ચાં ત્યાં જ ભણે છે.’

પેલા લોકોના ગયા બાદ મૂઢ બની ગયેલું ગધા ફેમિલી વિચારમાં પડી ગયું. માળી, વાત તો સાચી. હવે જો બચ્ચાને ભણાવવા જ નીકળ્યાં છીએ, તો સમાજમાં જરા વાહવાહ થાય ને ઊંચું માથું કરીને ફરી શકાય અને મૂળ તો આપણી જેમ આખી જિંદગી ગધ્ધાવૈતરું ના કરે, એટલા ખાતર પણ એને ગુજરાતીમાંથી ઉઠાડીને ઈંગ્લિશમાં ભણવા મૂકી દેવું પડશે.

બીજા દિવસે બહુ માથાકૂટ કરીને, બહુ વચનો આપીને અને આખું વરસ મફતમાં ગધ્ધામજૂરી કરવાની ખાતરી આપીને બચ્ચાને કિન્ડરગાર્ટનમાં દાખલ કરાવી દીધું. બચ્ચાને શું? એણે તો બધે રમવાનું ને શીખવાનું જ હતું. બધાં જેમ કહે કે કરે તેમ કરવાનું. લગભગ એકાદ મહિનો થયો હશે અને ગધાફેમિલીને થયું, કે આપણું બચ્ચું હવે પહેલાં કરતાં અને આપણા કરતાં પણ ઘણું હોશિયાર થઈ ગયું છે. લોકો આગળ નાચી ને ગાઈ પણ શકશે. ખુશીથી એમના કાન ઊંચા થઈ ગયા અને એમણે રાગ વૈશાખી છેડી દીધો. (વૈશાખનંદનનો ખાસ રાગ.) બધાં ખુશ રહેવા માંડ્યાં.

એક દિવસ, એ ગધેડાને રસ્તામાં એક જૂનો મિત્ર મળી ગયો. અરસપરસ પોતપોતાની વાતો કરતાં ખબર પડી, કે એ મિત્રનાં બચ્ચાં તો બાળમંદિરમાં જ ભણે છે ને રમે છે! મિત્રે બહુ સારી રીતે વિગતે સમજાવ્યું, ‘બચ્ચાને ભણાવવાનું તો આપણે છે. એને ગમે તે સ્કૂલમાં મૂકો કે ગમે તે ભાષામાં ભણાવો, એ મહેનત કરશે કે એને સમજણ પડશે તો એ ભણશે. ઈંગ્લિશ ભણવાથી જ એ વધારે હોશિયાર થશે એ ડર મનમાંથી કાઢી નાંખ. દરેક ભાષાની પોતાની ખાસિયત છે. આપણે જે ભાષામાં વાત કરીએ, ખુશ થઈએ, રમીએ કે રડીએ, તે જ ભાષા જો બાળક સહેલાઈથી સમજી શકે અને પોતે પણ આસાનીથી વ્યક્ત થઈ શકે તો બધાથી ઉત્તમ. ઘેર જઈને નિરાંતે વિચારી જોજો.’

ગધેડાએ તો ઘેર જઈને ગધેડીને વાત કરી.
ગધેડી તો રડવા જેવી થઈ ગઈ. ‘હવે? પાછા ગુજરાતી બાળમંદિરમાં? વળી પાછું, કોઈ બીજું મળશે, તો પાછા ઈંગ્લિશમાં મૂકવાનું? પાછા ગુજરાતી ને પાછા ઈંગ્લિશ ને ગુજરાતી, એવી જ રમત રમવાની છે? જવા દો, માંડી વાળો. એના કરતાં બચ્ચાને ભણાવવું જ નથી.’
‘ખરી વાત છે. આપણી સાથે મદદમાં રહેશે, તો આપણી સાથે તો રહેશે. એમ પણ ભણીનેય એણે તો ગધ્ધામજૂરી જ કરવાની છે ને?’
ગધેડાએ યોગ્ય નિર્ણય લઈ લીધો.

4 ટિપ્પણીઓ: