રવિવાર, 5 એપ્રિલ, 2015

પુરુષોએ તો મંગળસૂત્ર પહેરવું જ જોઈએ !

જમાનાઓથી ભલે રિવાજ ચાલ્યો આવતો હોય કે, પરણેલી સ્ત્રીએ તો અમુક નિયમો પાળવા જ જોઈએ. ફલાણું પહેરવાનું ને ઢીંકણું નહીં પહેરવાનું કે આમ જ કરવાનું ને તેમ જ કરવાનું વગેરે. તો પછી, આજે જ્યારે જમાનો બદલાઈ ગયો...બદલાઈ ગયોની બૂમાબૂમ થાય છે, તે હિસાબે તો ઘણું બદલાવું જોઈએ. સ્ત્રીઓ તો એમ પણ ઘણા સમયથી કહેતી જ આવી છે કે, ‘ફક્ત અમે જ શા માટે સોહાગની નિશાની પહેરીએ ? પુરુષોએ પણ કંઈક તો એવું પહેરવું જોઈએ જેથી પરણેલા પુરુષો જુદા જણાઈ આવે.’ (‘ભાઈ, એ તો મોં પરથી ખબર પડી જ જાય’ એવી સહનશક્તિની ચવાયેલી વાત કોઈ ના કરશો.) આ શણગારની વાત ચાલે છે. તો પછી સોહાગની નિશાની દર્શાવતાં ચિહ્નોમાંથી એકાદ ભલે ને એ લોકો પણ પસંદ કરી લે. મારા ખયાલ મુજબ, મંગળસૂત્ર બધી રીતે યોગ્ય રહે. એકલી સ્ત્રી જ ગળામાં ગાળિયો નાંખીને શા માટે ફરે ?

લગ્ન વખતે સ્ત્રી અને પુરુષ બન્ને એકબીજાને ફૂલોનો હાર પહેરાવે. વીંટી તો પહેલેથી પહેરાવી જ દીધી હોય. તો પછી એવું તે શું થયું કે, શણગારના મામલે વાત આગળ ન વધી ? કોણે એવું નક્કી કર્યું કે, સ્ત્રીઓએ જ ચાંદલો કરવો ને સેંથો પૂરવો ને મંગળસૂત્ર પહેરવું ? પુરુષો તરફથી કોઈ કેમ  કંઈ બોલ્યું નહીં ? આવી વાતમાં કેમ આળસ કરી ?

સ્ત્રી તો પુરુષ સમોવડી બનવામાં એટલી બધી આગળ નીકળી ગઈ કે, હવે એને કોઈ અફસોસ નથી રહ્યો. સ્ત્રીએ પોતાના સ્વભાવ સિવાય બધું બદલી નાંખ્યું, રિવાજો બદલી નાંખ્યા અને પહેરવેશ સુધ્ધાં બદલી નાંખ્યો. એને તો હવે પુરુષો સાથે ખભેખભા મેળવીને કામ કરવાની પણ જરૂર નથી લાગતી. હવે તો લાગે છે કે, પુરુષે સ્ત્રી સમોવડાં બનવું પડશે ને એ માટે મંગળસૂત્ર જ કામ આવશે. હવે સવાલ થાય કે ભઈ, મંગળસૂત્ર જ શા માટે ? તો જોઈએ કારણો.

પુરુષો પાસે હેરસ્ટાઈલની ખાસ વેરાયટી ન હોવાથી ચાંદલો ને સેંથામાં સિંદૂર તો પહેલેથી જ માંડી વાળવાં પડે. બહુ શોભે પણ નહીં. વળી દિવસમાં પચાસ વાર કાંસકી ફેરવવાની ટેવને લીધે સિંદૂર શર્ટના કૉલર પર ખંખેરાયા કરે તે સારું નહીં. વાતે વાતે ત્રીજું નેત્ર ખોલવું હોય તો ચાંદલો નડે પાછો ! એના કરતાં મંગળસૂત્ર હોય તો નિરાંત. એક વાર પહેર્યું પછી ઝંઝટ નહીં. આમેય પુરુષો ગળામાં કંઠી કે દોરો કે ચેઈન જેવું કંઈક પહેરતા હોય છે. તેમાં વધારાનો એક કાળો મણકો કે મનપસંદ લોકેટ જ લગાવવાનું રહે ને ? શર્ટમાં છુપાવી પણ શકાય અને દેખાડો કરવો હોય તો શર્ટની બહાર પણ રાખી શકાય. (જો વીંટી પહેરી હોય તો કારણ વગર હાથ મોં પર ફેરવ્યા કરવો પડે ને ઝાંઝરી તો બૂટ–મોજામાં દેખાય પણ નહીં કે ઝમકે પણ નહીં. ચંપલ જ પહેરવા પડે.)

એ તો ધીરે ધીરે આદત પડી જશે અને પછી તો, સ્ત્રીઓને પણ શરમાવે એટલી અદેખાઈ પુરૂષો પણ કરતા થઈ જશે ! અદેખાઈનો મુખ્ય વિષય ? મંગળસૂત્ર સિવાય બીજો કયો ? જેવા એકબીજાને મળશે કે, સીધી નજર મંગળસૂત્ર પર. ‘નવું કરાવ્યું ? કેટલામાં થયું ? અસલી ડાયમંડ છે ? મારે પણ કરાવવું છે પણ કોઈ ડિઝાઈન જ મગજમાં બેસતી નથી. હવે તો સોનાનાં મંગળસૂત્રનો કંટાળો આવે છે.’(!) એટલે તેજ નજર, અદેખાઈ અને મોટાઈના, સ્ત્રી સમોવડા સાબિત કરે તેવા છુપાઈ રહેલા ગુણો મંગળસૂત્રને કારણે જ બહાર આવશે. એમની મીટિંગોમાં ચર્ચાનો મુખ્ય વિષય મંગળસૂત્ર સિવાય કંઈ નહીં રહે.

જોકે, ઘરમાં ખર્ચા તો વધી જ જશે. દર વખતે બબ્બે મંગળસૂત્ર કરાવવાં પડશે. સ્ત્રીઓને એ બહાને ખરીદીની મજા પડી જશે. પુરૂષોને તો (સ્ત્રીના) શોપિંગ નામથી ચીડ હોય એટલે સમજ ન પડવાનું બહાનું ધરી દેશે, જેથી મનપસંદ કામ આખરે તો સ્ત્રીઓને માથે જ આવશે. ‘ભઈ, તું બજાર જાય છે તો મારું મંગળસૂત્ર સોનીને ત્યાં ટૂંકું કરાવવા આપ્યું છે તે લેતી આવજે. ગળામાં બહુ અડવું અડવું લાગે છે.’ સ્ત્રી પણ પોતાની ખરીદી પર પોરસાતી કહેશે, ‘તમે મંગળસૂત્ર પહેરો ને ત્યારે રસ્તામાં કે ટ્રેનમાં ભલે શર્ટમાં સંતાડી દો, પણ આપણા એરિયામાં આવો ને ત્યારે બહાર દેખાય તેમ રાખવું. મને ઘણી વાર ઘણાએ પૂછ્યું છે, ‘તમારા મિસ્ટર મંગળસૂત્ર નથી પહેરતા ?’ મને તો ત્યારે એવું મરવા જેવું લાગે ને.’

એમ તો મંગળસૂત્ર ફિલ્મી ઢબે, અણીના સમયે મદદે પણ આવી શકે ! પહેલાંની સ્ત્રીઓ જેમ આર્થિક કટોકટીમાં, છેલ્લા ઉપાય તરીકે મંગળસૂત્ર ઉતારી આપતી ને ઘરની લાજ બચાવી લેતી, તેમ પુરૂષો પણ કહી શકે કે, ‘તેં બહુ ભોગ આપ્યો. હવે મારો વારો. રહેવા દે તારું મંગળસૂત્ર. મારું મંગળસૂત્ર ક્યારે કામ આવશે ? ભગવાનની મરજી હશે તો ભવિષ્યમાં નવું મંગળસૂત્ર લઈશું પણ આજે મને પણ એક મોકો આપ.’ વર્ષોથી કપરા સમયમાં સ્ત્રી બધે દોડી વળતી ને પુરૂષે વગર ઘરેણે મોં વકાસીને બેસવું પડતું, તે ફક્ત પુરૂષના મંગળસૂત્ર પહેરવા માત્રથી થતું અટકી જશે.

જો પુરૂષોને બહુ ગમી જશે તો એ લોકો પણ બબ્બે મંગળસૂત્ર પહેરતા થઈ જશે. એક વાર એક શોખ વળગે, તો પછી આગળ પણ ક્યાં નથી વધાતું ? ભલે ને, બુટ્ટી, બંગડી કે ઝાંઝર પણ...આપણી ક્યાં ના છે ? આ બધાંને ટપી જાય એવું મોબાઈલ ઘરેણું છે પણ એ તો હાથમાં હોય કે, રિંગે તો જ બતાડાય ! બાકી તો મંગળસૂત્ર જ શ્રેષ્ઠ.

10 ટિપ્પણીઓ:

  1. મોબાઈલ ને મંગળસૂત્રનુ કોમ્બીનેશન ગમ્યું.

    જવાબ આપોકાઢી નાખો
  2. પુરુષોના લાભાર્થે મંગળસૂત્રની ડિઝાઈન વિષે પણ જણાવશો.

    જવાબ આપોકાઢી નાખો
  3. વધારે ઑર્ડર મળશે તો એ વિશે પણ વિચારાશે. :)

    જવાબ આપોકાઢી નાખો
  4. કલ્પનાબેન,
    સ્ત્રીઓ બાઇક પર આવીને પુરુષોના મંગળસૂત્ર તોડી ના જાય એનું ધ્યાન પુરુષોએ રાખવું પડશે. પલ્લવી.

    જવાબ આપોકાઢી નાખો
  5. I liked the concept in total....Kalpanaben.
    Can some pin on shirt do..like pins of LIONS/ROTARY/GIANTS club?

    જવાબ આપોકાઢી નાખો
  6. સ્ત્રીઓને પણ શરમાવે એટલી અદેખાઈ પુરૂષો પણ કરતા થઈ જશે ! જેવા એકબીજાને મળશે કે, સીધી નજર મંગળસૂત્ર પર. ‘નવું કરાવ્યું ? કેટલામાં થયું ? અસલી ડાયમંડ છે ? મારે પણ કરાવવું છે પણ કોઈ ડિઝાઈન જ મગજમાં બેસતી નથી. હવે તો સોનાનાં મંગળસૂત્રનો કંટાળો આવે છે.’(!) એટલે તેજ નજર, અદેખાઈ અને મોટાઈના, સ્ત્રી સમોવડા સાબિત કરે તેવા છુપાઈ રહેલા ગુણો મંગળસૂત્રને કારણે જ બહાર આવશે. Adbhoot avlokan !

    જવાબ આપોકાઢી નાખો