રવિવાર, 26 એપ્રિલ, 2015

(ઉપર) જવાની તૈયારી થઈ ગઈ

વર્ષોથી મેં પિયરથી સાસરાના ને સાસરેથી પિયરના અગણિત પ્રવાસો કર્યા છે. એમાં ગમતા કે અણગમતા બધા પ્રવાસો આવી જાય. આ વર્ષો દરમિયાન એક પ્રશ્ને આજ સુધી મારો પીછો નથી છોડ્યો. ‘જવાની તૈયારી થઈ ગઈ ?’ કેમ જાણે જવાની તૈયારીમાં બહુ મોટી ધાડ મારવાની હોય કે પછી લોકોને પૂછવાની આદત પડી ચૂકી હોય, લોકોની જાણવાની જિજ્ઞાસા મને મનોરંજન જ આપે. જોકે, એક તરફ જવાનું હોય ત્યારની મનોદશા અલગ હોય ને બીજી તરફ જવાનું હોય ત્યારની હાલત વર્ણવવા જેવી ન હોવાથી જ કદાચ સ્ત્રીઓને આ પ્રશ્ન વધારે પુછાતો હશે.

હવે તો સમય એવો બદલાઈ ગયો છે કે, મારું સાસરે કે પિયર જવાનું જ બંધ થઈ ગયું. એ લોકો જ બીજે જતાં થઈ ગયા ! નાછૂટકે મેં તો ઉપર જવાની તૈયારી કરી લીધી. ઘણા, અમુક ચોક્કસ ઉંમરે જ ઉપર જવાની તૈયારી કરવા માંડે છે. ઘણા, ઉંમરના અડધા મુકામે પહોંચે એટલે ભજનકીર્તન ને દાન–દક્ષિણા તરફ વળી જાય. તો ઘણા, ઉપરવાળાથી ગભરાઈને બારે માસ સત્ય, અહિંસા ને આત્મા–પરમાત્માની વાતો કરીને બીજાનેય ગભરાવતાં રહે. મારી તો વર્ષોથી એક જ ઉંમર હોવાથી ઉપર જવાની મારે એવી કોઈ ઉતાવળ નહોતી. પણ જ્યારે તેડું આવી જ ગયું તો ના કેમ કહેવાય ?

એવું નથી કે, હું અમરપટો લખાવીને આવી છું ને મારે કોઈ દિવસ ઉપર નહીં જવું પડે. એ તો દરેક કામ પાછળ ઠેલવાની આદતને કારણે ‘જવાય છે હવે, શું ઉતાવળ છે ?’ એ જ વિચારે નિરાંતે બેઠેલી. કોઈ જાતની તૈયારી જ નહીં. અરે ! વિચાર સુધ્ધાં નથી કર્યો કે, મારે કોઈ દિવસ આમ જ અચાનક જ ઉપરવાળાનું તેડું આવશે તો હું શો જવાબ આપીશ ? એમ તો ઉપરવાળાને ગમે ત્યારે એટલે કે, જ્યારે મળે ત્યારે વ્યવસ્થિત જવાબ આપી શકાય એટલા માટે પણ મેં મારી સાસુને કોઈ દિવસ ત્રાસ નથી આપ્યો કે વહુ સાથે પણ ક્યારેય મગજમારી નથી કરી, પૂછી જુઓ કોઈને પણ ! પતિ ને બાળકોનું કંઈ કહેવાય નહીં પણ રિવાજ મુજબ મારા ગયા પછી એ લોકો મારી બુરાઈ નથી કરવાના એની મને સો ટકા ખાતરી છે. એટલે હવે તૈયારીમાં મારે શું કરવાનું ?

ઘણી બધી વાર ભજનમાં ને કથાઓમાં મેં સાંભળ્યું છે કે, માણસ ખાલી હાથે આવે ને ખાલી હાથે જાય. આ વાક્યને બ્રહ્મવાક્ય ગણીને મેં પુસ્તકો સિવાય કંઈ ભેગું નથી કર્યું. મૂકીને જવું પડે તોય કોઈનો જીવ ન બળે. ! બધાંને નિરાંત જ થઈ જાય. (મારો જીવ તો બળી જ ચૂક્યો હોય.) ક્રોધને મેં મારી નજીક ભટકવા નથી દીધો. મોહ ને માયાથી આંખો ફેરવી લીધી છે એટલે ખાલી હાથે જવું હોય તોય વાંધો નહીં. પણ લોકોનું શું છે ? ખબર પડી કે, ઉપર જવાના એટલે પૂછવા માંડ્યું, ‘જવાની તૈયારી થઈ ગઈ ?’ મનમાં બીજા જ વિચારો ચાલતા હોય એટલે મારાથી બોલાઈ ગયું, ‘ના રે..! હજી તો દીકરાનાં લગ્ન બાકી જ છે. વહુનું સુખ માણવાનું છે. જાત્રા કરવાની છે ને ઘડપણમાં મારા સ્વભાવે હેરાન થઈને કે કરીને, ભગવાનનું નામ લેતાં લેતાં ઉપરવાળો બોલાવે ત્યારે જવાનું છે. હજી તો બૌ વાર છે. તમે ક્યાં એ વાત અત્યારથી માંડી બેઠાં ?’

‘તમે પણ શું ઉપર જવાની વાત કરો છો ? મરે તમારા દુશ્મન.’ (કોઈ હૈ....?)  ને પછી સો વર્ષના થવાની શુભેચ્છા(!) આપે. ‘આ તો તમારા દીકરાને ત્યાં જવાના તેનું પૂછું છું કે, જવાની તૈયારી થઈ ગઈ ? શું–શું લઈ જવાના ?’ પરદેશ જવાનું નામ પડે કે, લોકોના મનમાં મોટી મોટી બૅગો ને ઢગલાબંધ ખરીદીનાં ચિત્રો દોરાવા માંડે. શું જવાનું નક્કી થાય એટલે ખરીદી શરૂ કરી દેવાની ? હું તો મૂંઝાઈ ગઈ. પરદેશ જવાની તૈયારીમાં શું કરવાનું ?

અવારનવાર હવામાં ઊડતાં રહેતાં લોકોને મેં તો પૂછવા માંડ્યું, ‘ભઈ, આટલી મોટી બૅગો ભરી ભરીને તમે શું લઈ જાઓ છો ?’ એમનું લિસ્ટ જાણીને મારી આંખોમાંથી અથાણાંના રેલા વહી નીકળ્યા ને કપાળ પર ઘીનાં ટીપાં બાઝી ગયાં. ખાખરા ને ચેવડાની કરકરાટી કાનમાં બોલવા માંડી ને જાતજાતના લોટની હવામાં ઊડતી રજકણોમાં હું ઘેરાઈ ગઈ. આ લોકો પ્લેનમાં જાય છે કે ટેમ્પોમાં ? કસ્ટમમાં વધારે વજનના, વધારે પૈસા ચૂકવશે તો એ વસ્તુની કિંમત ત્યાં આરામથી મળી રહેતી વસ્તુની કિંમત જેટલી નહીં થાય ? યે બાત કુછ હજમ નહીં હુઇ !

છતાં બધાના આગ્રહને વશ થઈને મેં દીકરા–વહુને પૂછી લીધું, ‘અહીંથી કંઈ જોઈએ છે કે પછી મારી મરજીથી બૅગડા ભરી લાવું ?’

‘મમ્મી, પ્લીઝ ! કંઈ લાવતી નહીં. એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓની સામે બધી બૅગો ખાલી કરતી ને જેમતેમ ભરતી કે પછી, આંખમાં આંસુ સાથે એ લોકોને કાકલૂદી કરતી મમ્મીની અમે કલ્પના કરી શકતાં નથી. તું તારી મેળે તને જોઈતી વસ્તુઓ લાવજે ને તાણમુક્ત પ્રવાસ કરજે.’ મને તો હાશ થઈ ગઈ પણ લોકોને ક્યાં નિરાંત હતી ?

એટલું સારું છે કે, ઉપર જવાના વિઝા દરેકને વારા પ્રમાણે જ મળે છે, બાકી તો અહીંની ભીડનું શું થાત ?

કવિ રાવલ કહે છે,     ‘છોડવાનું હોય છે ગોકુળ બધાને આખરે,
 ‘એ જ કરતું હોય છે વ્યાકુળ બધાને આખરે.’


9 ટિપ્પણીઓ:

  1. મારી તો વર્ષોથી એક જ ઉંમર હોવાથી!?????

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ભઈ, સ્ત્રીઓની ઉંમર તો દિવસે જેટલી વધે એટલી રાતે ઘટે !

      કાઢી નાખો
  2. ઉપર ના જ જવું હોય તો શી તૈયારી કરવાની? !

    જવાબ આપોકાઢી નાખો

  3. મારા ગયા પછી મારી દીકરીઓ કેટલું કલ્પાછત કરશે એ વિચારે હું ઉપર જવાનું પાછુંઠેલું છુ;

    જવાબ આપોકાઢી નાખો
  4. કલ્પનાની કલ્પના લાજવાબ!
    'એમનું લિસ્ટ જાણીને મારી આંખોમાંથી અથાણાંના રેલા વહી નીકળ્યા ને કપાળ પર ઘીનાં ટીપાં બાઝી ગયાં. ખાખરા ને ચેવડાની કરકરાટી કાનમાં બોલવા માંડી ને જાતજાતના લોટની હવામાં ઊડતી રજકણોમાં હું ઘેરાઈ ગઈ. આ લોકો પ્લેનમાં જાય છે કે ટેમ્પોમાં ?'
    ક્યા ખુબ કહી.

    જવાબ આપોકાઢી નાખો