રવિવાર, 27 જુલાઈ, 2014

હાથ ઊંચા કરો, સમસ્યા નિવારો

રાજા અને પ્રજાનો સંબંધ અનોખો હોય છે. પ્રજાને ફરિયાદ કરવાની ટેવ હોય અને રાજાને ? રાજાએ તો જુદા જુદા પ્રધાનોની નિમણૂક જ પ્રજાની ફરિયાદ દૂર કરવા માટે કરી હોય, એટલે એને નિરાંત હોય. લોકો રાજાને ઘડી ઘડી હેરાન ના કરે ને એનું માથું ન ખાય એટલે, બધા પ્રધાનો પણ પોતપોતાનાં ખાતાં, ખાતાં–પીતાં સંભાળી લે. જોકે, પ્રધાનોને શરૂ શરૂમાં કામનો ઉમંગ હોય પણ પછી એકની એક સમસ્યાના, એકના એક ઉકેલથી એ લોકો પણ કંટાળી જાય. આખરે એ લોકો પણ માણસ છે ! એ લોકોનો પણ જીવ હોય ! એટલે પ્રશ્નો લઈને આવતી પ્રજાની સામે જવાબમાં એ લોકો પોતાના હાથ ઊંચા કરી દે !


‘તમારી સમસ્યા તમે જાણો !’

તો હવે જાણીએ, સુરતની પ્રજાની સમસ્યાઓ. ફક્ત જગ્યાનું નામ બદલી નાંખજો તો એ તમારી સમસ્યા બની જશે.

સમસ્યા: સલાબતપુરા રતન ટૉકિઝની સામે, ગોપાલ ચેમ્બર પાસે રોડ ડિવાઈડરની જરૂર છે.

ઉકેલ: સલાબતપુરા રતન ટૉકિઝની સામે, ગોપાલ ચેમ્બરનો રસ્તો ૬૦ ફૂટ પહોળો છે કે કેમ, તે માપીને જણાવો. એક ઈંચ પણ વધારે નીકળે તો ડિવાઈડર મૂકવાની જવાબદારી અમારી. સમય, સાધન ને માણસની સગવડ થતાં કામ તાકીદે ચાલુ થશે. જો રસ્તો એક ઈંચ પણ ઓછો નીકળ્યો તો અમારી કોઈ જવાબદારી રહેતી નથી તે નોંધશો.

સમસ્યા: સરદાર બ્રિજ ગૅસ સર્કલની પાસે, અંકુર સોસાયટીની ચાર સ્ટ્રીટ લાઈટો ઘણા દિવસથી બંધ છે.

ઉકેલ: આ વિસ્તારની ફક્ત ચાર બંધ સ્ટ્રીટ લાઈટોને ચાલુ કરવામાં હાલ અમને કોઈ રસ નથી. તમારા ઘરમાં સમયસર લાઈટ આવતી હોય તો ઘરનાં બારીબારણાં ખુલ્લાં રાખજો, જેથી રસ્તા પર અજવાળું રહે.

સમસ્યા: સરદાર બ્રિજ પરનો રોડ ખાડાથી ભરેલો છે.

ઉકેલ: હાલમાં ડામરનો સ્ટૉક ખલાસ થઈ ગયો હોવાથી ટેન્ડર બહાર પાડવાનું વિચારાય છે. ટેન્ડર બહાર પડે, પાસ થાય, ડામર આવે, માણસ આવે એટલે તાકીદે કામ ચાલુ કરવામાં આવશે. ખાડા પૂરવાનું કામ જોરશોરથી ચાલુ થાય ત્યાં સુધી ખાડા કુદાવી જશો અથવા ખાડાથી બચીને રહેશો.

સમસ્યા: પીપલોદ જકાતનાકાથી પ્રગતિનગર રોડ સુધીના વિસ્તારમાં, ભરાઈ રહેતા પાણીના નિકાલની વ્યવસ્થા કરી પાકો રોડ બનાવશો.

ઉકેલ: પીપલોદ જકાતનાકાથી પ્રગતિનગર રોડ સુધીના વિસ્તારમાં, ભરાઈ રહેતા પાણીનો નિકાલ નજીકના જ કોઈ વિસ્તારમાં કરવો પડે. એટલે પછી ત્યાંથી બૂમાબૂમ થાય ! તો તમે સમજીને થોડો સમય ચલાવી લેશો. સુડા તરફથી વૉટર ડ્રેઈનેજ યોજના ઘડાઈ છે, જે અમલી બનતાં રોડ બનાવવાની કામગીરી હાથ ધરાશે. જ્યાં પાણી ભરાયું છે, ત્યાં માણસ આવીને દવા છાંટી જશે. ગભરાશો નહીં.

સમસ્યા: ચૌટાબજારમાં દુકાનોના અતિરેકી દબાણથી રાહદારીઓને ચાલવામાં પણ તકલીફ પડે છે. કંઈક કરો બાપા !

ઉકેલ: જેવું મુંબઈનું ભૂલેશ્વર વખણાય છે તેવું સુરતનું ચૌટાબજાર વખણાય છે. આવી પ્રસિધ્ધ જગ્યાની રોનક ઓછી કરીને અમે સુરતનું નામ બદનામ કરવા નથી માંગતા. ખાસ કામ ન હોય તો ચૌટાબજાર જવાનું ટાળો. દુકાનોમાંથી મળતા હપતાઓથી અનેક લોકોનું પેટ ભરાય છે, એમનો વિચાર કરો. બીજેથી ખરીદી કરવાની ટેવ પાડો.

સમસ્યા: પાંડેસરાના શારદા વિદ્યામંદિર પાસે રિક્ષા અને લારીગલ્લાઓની ભીડ કાયમની સમસ્યા છે. ગૃહિણીઓને પણ ત્રાસ થાય છે.

ઉકેલ: તમે ભણી રહ્યા એટલે બાળપણ ભૂલી ગયા ? બાળકોનો આનંદ શા માટે છીનવવા માંગો છો ? લારીગલ્લા નહીં હોય તો એમને ચણી બોર કે રાંદેરી બોર, આથેલાં આમળાં ને જાતજાતની ચીકીનો સ્વાદ કોણ ચખાડશે ? જ્યાં શાળા હોય ત્યાં રિક્ષા, સ્કૂટર ને કારની ભીડ તો રહેવાની જ. બાળકો શેમાં આવજાવ કરે ? વળી, જ્યાં મંદિર હોય ત્યાં મહિલાઓ પણ હોવાની ને મહિલાઓ હોય ત્યાં એમને (કે એમનો) ત્રાસ પણ રહેવાનો ! એટલે બધું સહન કરતાં શીખો.


સમસ્યા: છેલ્લા ઘણા સમયથી કતારગામ સ્થિત લલિતા ચોકડીથી ગજેરા સ્કૂલ સુધીના રસ્તા પર લાઈટ નથી.

ઉકેલ: ભઈ, તમે તો નાની નાની સમસ્યા માટે છાપે ચડો છો ! સારી ટેવ નથી. (યે અચ્છી બાત નહીં હૈ !) છતાં જણાવીએ કે, એ વિસ્તારમાં લાઈટ મુકાવવાનું કામ તો શરૂ થયેલું પણ નજીકની સોસાયટીઓએ વિરોધ કરેલો, તેથી બધું ખોરંભે ચડી ગયું. હવે તમે બધાં અંદર અંદર સમજીને રસ્તો કાઢો તો ઠીક છે, નહીં તો આગામી યોજનામાં વાત મુકાશે ને મંજુર થશે તો તમારાં નસીબ !

સમસ્યા: પલસાણાના પૂણી ગામે વાનરોનો બહુ ત્રાસ છે.

ઉકેલ: ભાઈ, ગામ હોય ત્યાં કૂતરા, બિલાડાં, ગાય, ઘોડા, ગધેડા ને વાનરો પણ હોવાના જ. કોઈની ધાર્મિક લાગણી ન દુભાય એટલે સરકારે આ સૌ પર પણ રહેમ નજર રાખવી પડે. અને બીજાં પ્રાણીઓને જો આપણે છૂટથી ફરવા દઈએ તો બિચારા વાનરોનો શો વાંક ? તો પછી, જેમ ચાલે તેમ ચાલવા દો.

સમસ્યા: અમારા ગામમાં ટપાલી ઘણો મોડો આવે છે. ઘણી વાર તો બસ પણ નથી આવતી.

ઉકેલ: તમે તમારા ગામનું નામ નથી જણાવ્યું, એટલે ખરેખર તો અમારે કંઈ કરવાનું રહેતું જ નથી. છતાં, લાગતા–વળગતા ખાતાને જાણ કરશું ને તમારા પત્રની છાપ ઉકલે તો, ગામનું નામ શોધીને તમારી સમસ્યા એમને જણાવશું. બાકી તો, તમે જાણો છો કે, નાના ગામોનો ઉધ્ધાર થતાં વર્ષો નીકળી જાય. તમારી સમસ્યા ક્યારે ઉકેલાશે તે કંઈ કહી ન શકાય. છતાં, તમારે ઉતાવળ હોય તો જાતે ટપાલ લઈ આવવી. નાના ગામમાં તો શું કે, ટપાલીને બધાં જ ઓળખે એટલે વાત વાતમાં એને મોડું પણ થઈ જાય !

આ સાથે જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે કે, તમારા કોઈ પણ પ્રશ્નો લઇને, તમે કોઈ પણ સમયે અમારી પાસે આવી શકો છો. અમે તમારા સેવક છીએ, અને તમારી સેવા કરવી, તમારી સમસ્યાઓ દૂર કરવી એ અમારી પહેલી ફરજ છે.

7 ટિપ્પણીઓ:


  1. હાથ ઊંચા કરી દેવામાં પ્રધાનો ની તોલે કોઈ નાં આવે ! ભલે પ્રજા બુમો માર્યા કરે .

    અમને ખાવા દ્યો , અમારું માથું ના ખાઓ , એ હોય છે એમનો મુદ્રા લેખ .

    કલ્પનાબેનની કલ્પના આ હાસ્ય લેખમાં ખીલી ઉઠી છે .અભિનંદન.

    જવાબ આપોકાઢી નાખો
  2. Vah...vah..vah...Klpanaben...gha upar malam chopadta tantrane tame hasyanu lepan kari aapyu...tamari aa style gami.

    જવાબ આપોકાઢી નાખો
  3. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  4. ‘હાથ ઊંચા કરી દેવામાં પ્રધાનો ની તોલે કોઈ નાં આવે ! ભલે પ્રજા બુમો માર્યા કરે .

    અમને ખાવા દ્યો , અમારું માથું ના ખાઓ , એ હોય છે એમનો મુદ્રા લેખ .’ વિનોદભાઈની વાત સાચી છે. અભિનંદન........
    રજનીકાંત શાહ

    જવાબ આપોકાઢી નાખો
  5. દરેક જણ ને પોતપોતાની સમસ્યા હોય છે, એ સમસ્યાનો ઉકેલ લાવવાની જવબદારી જેને સમસ્યા નડતી હોય તેની જ છે. રાજાની કોઇ જવાબદારી નથી, માટે રાજાને કોઇએ આ માટે હેરાન કરવો નહી. કલ્પનાબેને કહ્યું તેમ, 'રાજા વોટ માગવા આવે ત્યારે પ્રજાએ હાથ ઉંચા કરી દેવાના.' :)
    પલ્લવી મિસ્ત્રી

    જવાબ આપોકાઢી નાખો