રવિવાર, 2 ઑગસ્ટ, 2015

જરા તમારી ઓળખાણ આપો ને

સાંજ પડતાં સુધીમાં તો અમારી બસે અમને ત્રિવેન્દ્રમ પહોંચાડી દીધાં. કેવી નવાઈની વાત હતી કે, જતી વખતે જે ઉત્સાહ નવા શહેરમાં જઈ નવી જગ્યા જોવાનો હતો, તેની સંપૂર્ણ બાદબાકી આ વળતા પ્રવાસમાં થઈ ચૂકી હતી. હવે વળી નવી જગ્યા ને નવો રોમાંચ ! હૉટેલ પર પહોંચીને સૌએ ફ્રેશ થઈ ડાઈનિંગ હૉલમાં ભેગાં થવાનું હતું. આ સૌને ગમતું ને મનભાવતું કામ હોઈ બધાં સમયસર જ આવી ગયાં. જમવાને વાર હોવાથી બધાના પરસ્પર પરિચયનો કાર્યક્રમ ગોઠવાયો હતો. તેથી ખુરશીઓ પણ સભાખંડની જેમ જ ગોઠવાયેલી.

પોતાનો પરિચય આપવાની શરૂઆત કરી, પોતાની લલચામણી જાહેરખબરો દ્વારા અમને અહીં સુધી ખેંચી લાવનાર ટૂર કન્ડક્ટર બહેને. તબિયતે તંદુરસ્ત અને શારિરીક ઉંચાઈએ નબળાં એવાં એ ગટ્ટુબહેન, પતિના ફોટોગ્રાફી તેમ જ પ્રવાસના શોખને પ્રોત્સાહન આપવા ને મદદ કરવાને બહાને પતિ સાથે ભેગાં મળ્યાં ને આ ટૂર કંપની શરૂ કરી. (આ બહેને પતિની સાથે રહેવા ને ફરવાનું કેવું સરસ બહાનું બનાવી દીધું !) અહીં બેઠેલી બધી સ્ત્રીઓએ નક્કી  મૅડમની અદેખાઈ કરી હશે ને જીવ બાળીને ખાક કર્યો હશે. ખેર, પછી એમણે બહુ પ્રેમથી સૌને પોતાનો પરિચય આપવા જણાવ્યું. ઘર જેવું જ વાતાવરણ લાગે એટલે એક પછી એક યુવતીનો પરિચય એની નજીક જઈ એમણે ખૂબ ધ્યાન દઈ સાંભળ્યો. મન હોય કે ન હોય તોય, પ્રોફેશન–બિઝનેસને આગળ ધપાવવા પણ બધાંની વાતો સાંભળવાનો ડોળ કરવો પડે. જેને ઘરે કોઈ ન પૂછતું હોય એવી સ્ત્રીઓ અને ઘરમાં પણ કોઈ બીજાને બોલવા ન દેતી હોય, એવી સ્ત્રીઓએ હોંશભેર પોતાનો પરિચય આપ્યો. દરેકને ટૂંકમાં જ પતાવવાનું કહેલું, તેથી એક જ મિનિટમાં પરિચય આપીને બેસી જતી દરેક સ્ત્રી મને તો થોડી નારાજ થયેલી લાગી. આટલું જ ઓછું બોલવાનું ? પણ એમ દરેકને છૂટ અપાય તો પછી કલાકમાં માંડ બે–ત્રણ જણ જ પોતાનો પરિચય આપી રહે ! પહેલે જ દિવસથી અંદરઅંદર ફાટફૂટ પડી જાય તો ધમાલ થઈ જાય. ચાલો, જે ગોઠવાયેલું હતું, બધું બરાબર જ હતું.

આ કાર્યક્રમ દરમિયાન બધાંએ જાણ્યું કે, અહીં પૂના અને નાગપુરની રિટાયર્ડ શિક્ષિકાઓ ઘણી હતી. એમણે સ્કૂલની ટૂરો તો બહુ કરેલી પણ બધી બાળકોની જવાબદારીવાળી ને ટેન્શનવાળી ! આ પહેલી જ ટૂર હતી જેમાં એમની જવાબદારી બીજાં ઉઠાવી લેવાનાં હતાં. કેટલી શાંતિ ? નાશિકથી આવેલાં એક બહેન ગાયનેકોલોજિસ્ટ હતાં અને એક મેડિકલ કૉલેજમાંથી તાજા જ રિટાયર થયેલાં ફિઝિયોલોજીના પ્રોફેસર મુંબઈથી હતાં. અમદાવાદથી એક જિમ ઈન્સ્ટ્રક્ટર બહેન હતાં અને એક વકીલ છોકરી પણ હતી. વાહ ! શું પાર્વતીમેળો હતો ? અદ્ભૂત ! મારા જેવી ઘણી હાઉસવાઈફ પણ હતી, જે બોલતી વખતે ધીમા અવાજે બોલી કે, ‘હું હાઉસવાઈફ છું.’ તરત જ પેલાં ગટ્ટુબહેને એમને શાબાશી આપતાં હિંમત બંધાવી, ‘અરે ! હાઉસવાઈફ હો તો ક્યા હુઆ ? આપ સબકા ધ્યાન રખતી હૈં તો સબ કામ કર સકતે હૈં. ઈસલિયે હાઉસવાઈફ તો સબસે બડી હોતી હૈ. કભી મનમેં ઐસા ખયાલ ભી મત લાના ઔર જોરસે બોલના, મૈં હાઉસવાઈફ હૂં, ક્યા ?’ વાહ ! આ ગટ્ટુબહેન તો જબરાં નીકળ્યાં ! સારું કામ કરે છે. આ તો બહેનો માટે કોઈ સારા ઉત્સાહવર્ધક કાર્યક્રમો પણ યોજી શકે એવાં છે. ખરેખર, દેખાવથી કોઈને માપવાનાં નહીં. ખોટા પડવાની શક્યતા વધારે હોય છે.

હવે અમારો વારો આવ્યો. ડૉ. પલ્લવીબહેન તો, ‘આ બે ગોળી સવારે ને બે સાંજે ને  લાલ ગોળી સૂતી વખતે. બે દિવસની દવા છે ને બે દિવસ પછી પાછા બતાવી જજો’ આવું જે સરળતાથી રોજ બોલતાં હશે તે જ સરળતાથી પટ પટ બોલી ગયાં કે, ‘હું સુરતથી આવું છું. એમ તો અમારું શહેર ખાવા–ખવડાવવા માટે પ્રખ્યાત છે (ગાળ પણ), છતાં લોકોનો મસ્ત મિજાજ હોવાને કારણે માંદગીનું પ્રમાણ ઓછું છે. જોકે, અમુક બેદરકાર લોકોને કારણે અહીંના ડૉક્ટરોને દાલ–રોટી મળી રહે છે. મને વાંચવાનો, ટેસ્ટફુલ રસોઈ બનાવવાનો ને જમાડવાનો તેમ જ ફરતી થઈ એટલે હવે પ્રવાસનો પણ શોખ છે.’

મારો વારો આવતાં પહેલાં જ હું વિચારવા માંડેલી કે હું મારા વિશે જ શું બોલું ? પહેલાં હાઉસવાઈફ કે પહેલાં લેખક ? પહેલાં હાઉસવાઈફવાળું જ રાખું. લેખક તો, ઘરકામમાંથી રિટાયર થઈ તો બની બાકી કોઈ ચાન્સ નહોતો. ને લેખકમાં શું કહું ? હાસ્યલેખક જ ને ? પણ કોઈ માનશે નહીં તો ? એમ પણ ક્યાં લોકો માને જ છે ? મોઢું જોઈને જ મોઢું બગાડે, ‘તમે ને હાસ્યલેખક ? મજાક કેમ કરો છો ? લેખક કહો છો તો વાર્તા–બાર્તા લખતાં હશો, બાકી તમે ગપ્પાં મારવા રહેવા દો.’ કેવી રીતે કહું કે, જોકર પણ કંઈ કાયમ જોકરની જેમ નથી રહેતો તો મારું કામ તો લખવાનું છે. કેવી રીતે મારા મોં પર મારાં લખાણની અસર બતાવું ?

હજીય વિચારમાં જ બેસી રહેત પણ પલ્લવીબહેને મને ખભે હળવો ધબ્બો માર્યો, ‘ચાલો કલ્પનાબહેન. હવે તમારો વારો.’ મેં ઊભાં થઈ સૌને નમસ્તે કર્યું. ‘હું કલ્પના દેસાઈ, ઉચ્છલથી આવું છું. ઉચ્છલ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું નાનું ગામ છે. ઉચ્છલમાં...’ ત્યાં પલ્લવીબહેને મને ગુસપુસિયા અવાજે કહ્યું, ‘કલ્પનાબહેન, તમારો પરિચય...તમારો. ઉચ્છલનો નહીં.’ ‘ઓહ ! સૉરી’ કહી મેં આગળ ચલાવ્યું, ‘હું હાઉસવાઈફ છું. છોકરાંઓ ભણીગણીને ઠેકાણે પડ્યાં ને હું નવરી પડી તો મને થયું કે, હવે શું કરું ? થોડો સમય તો બધાંના ઘરે જઈ પંચાતમાં વખત પૂરો કર્યો. ફિલ્મો જોતી, ટીવી સિરિયલો જોતી, ફોનમાં વખત પસાર કરતી, ફરવા જતી ને દિવસો એમ જ પૂરા કરતી. પછી એમાં પણ કંટાળો આવ્યો. તો વાંચવાનું ચાલુ કર્યું. પરચુરણ વાંચતાં વાંચતાં લખતી થઈ ને મને લખવામાં મજા પડવા માંડી. બધાંને એ વાંચીને હસવું આવવા માંડ્યું તો શરૂઆતમાં હું ગભરાઈ ગયેલી પણ પછી ખબર પડી કે, હું જે લખું છું તેને હાસ્યલેખ કહેવાય. પછી તો ગાડી ચાલવા માંડી ને મેં પુસ્તકો પણ લખ્યાં. પછી...’

પછી બધાંને જોરમાં ભૂખ લાગેલી તે બધાં ધીરે ધીરે ડિશ લઈને ખાવા જતાં રહેલાં તે મને કેમ ખબર ન પડી ? પલ્લવીબહેન બહુ જ દયામણી નજરે મને જોતાં જેમતેમ મને સાંભળી રહેલાં ને બીજાં પેલાં ગટ્ટુબહેન મારી રાહ જોઈને ઊભેલાં! મેં શરમાઈને મારું ‘હું પ્રવચન’ પૂરું કર્યું ને અમે જમવા ગયાં.

10 ટિપ્પણીઓ:

  1. Hasya Lekh vachata
    Amne aevu laage chhe ke
    Ame pan tamari saathe j chhiae.
    Khoob saras rajooaat.
    Aap ni Bhasha Shaili Bahu j miththi-miththi chhe!

    જવાબ આપોકાઢી નાખો
  2. બહભેનજી તમારી ઓળખાણ? ાહ.સરસ લેખ. અભિનંદન.

    જવાબ આપોકાઢી નાખો
  3. સરસ મજેનો લેખ કલ્પનાબેન.મને વાંચતાં વાંચતાં હસવું આવ્યું એટલે સમજી લીધું કે આને હસ્યલેખ જ કહેવાય.એકદમ નવોનક્કોર શબ્દ પ્રયોગ પાર્વતીમેળો મને બહુ ગમ્યો.અભિનંદન

    જવાબ આપોકાઢી નાખો
  4. વાહ ! તમારા અભિપ્રાયે મને પણ ખાતરી થઈ કે આને.....
    આભાર.

    જવાબ આપોકાઢી નાખો
  5. સરસ લેખ થયો "પાર્વતી મેળો " એ પ્રયોગ અદભૂત છે "મોઢું જોઇને મોઢું બગાડે " એ કટ ગમી

    જવાબ આપોકાઢી નાખો