રવિવાર, 1 માર્ચ, 2015

ચાલો, ગુજરાતી ભાસાની ખબર કાઢવા !

‘આજે સાંજે અમે ગુજરાતી ભાસાની ખબર કાઢવા જવાના છીએ. તમે આવસો ને ?’
‘કેમ વળી, અચાનક જ ગુજરાતી ભાષાને શું થઈ ગયું ?’
‘તમને નથી ખબર ? ગુજરાતી ભાસા તો મરવા પડી છે ને એકદમ સિરિયસ છે.’
‘એમ ? મને કેમ ખબર ના પડી ? તમે મને આટલા દિવસ સુધી કહ્યું કેમ નહીં ? હવે જ્યારે મરવાની અણી પર આવી ગઈ ત્યારે એની ખબર કાઢવાનું સૂઝ્યું ? આપણે આટલાં મોડાં ખબર કાઢવા જઈશું તો કેવું લાગશે ?’
‘ના, ના. એવું કંઈ નથી. બધાંને પણ હમણાં જ, મોડા મોડા જ સમાચાર મળ્યા છે. રોજ રોજ બધાં એની ખબર કાઢવા ટોળે વળીને જઈ રહ્યાં છે. તો મે’કુ, ચાલો આપણે પણ જઈ આવીએ.’
‘કઈ હૉસ્પિટલમાં છે ?’
‘લગભગ તો સરકારી હૉસ્પિટલમાં જ છે.’
‘મરવાની અણી પર આવી ગઈ એટલે મને લાગે છે કે, આઈ.સી.યુમાં જ હશે.’
‘ના, ના. કોઈ કે’તું ’તું કે એને તો જનરલ વૉર્ડમાં જ રાખી છે. બધાં મળવા જઈ સકે ને ?’
‘પણ, જનરલ વૉર્ડમાં તો એની સારવાર કેવીક થાય ?’
‘તે એને ક્યાં વધારે સારવારની જરૂર પણ છે ? એને તો, બધાં એને જોવા જાય ને મળવા જાય તેમાં જ બધું મળી જાય એમ છે. ડૉક્ટરોનું કહેવું છે કે, આમ જ જો બધાં એને મળતાં રે’સે ને તો થોડા દિવસોમાં તો એ પાછી બેઠી પણ થઈ જસે. નવાઈની વાત કહેવાય નહીં ? હૉસ્પિટલમાં તો વધારે લોકોને મળવાની ડૉક્ટર કાયમ ના કહેતા હોય કે, પેસન્ટ માંદા પડી જાય ! પણ આ તો ઊલટી ગંગા જણાય છે ! જેમ ખબર કાઢવાવાળા વધારે જાય તેમ પેસન્ટ વહેલા સારા થાય !’
‘ખબર કાઢવા જઈએ છીએ તો કંઈ ફ્રૂટ કે એવું કંઈ લઈ જવું પડશે ને ?’
‘અરે, ના ના. એને એવી બધી કોઈ જરૂર નથી. બૌ સાદી છે એ તો. મળવા જઈસું તેમાં જ બૌ ખુસ થઈ જસે જોજો ને.’
‘તમે તો એને બહુ સારી રીતે ઓળખતાં હો એમ વાત કરો છો !’
‘લો.. ઓળખું કેમ નહીં ? મારા ગામની જ છે. હું બૌ નાની હતી ત્યારની એને ઓળખું છું. સ્વભાવે એકદમ સરળ અને મળતાવડી. બધાંમાં ભળી જાય ને પોતાનામાં સહેલાઈથી બધાંને સમાવી લે તેવી.’
‘એનાં કોઈ સગાંવહાલાં નથી ?’
‘છે ને...અરે...એના કાકા–મામા–માસીની દીકરીઓ જ કેટલી બધી છે ! એને જોતાં જ ઓળખી જનારાનો ને પોતાની ગણનારાનો તો પાછો પાર નહીં. દેસ–વિદેસમાં એને માનવાવાળા કેટલાય પડ્યા છે ! એમ તો એનો વટ ભારે છે. માનપાન પણ બૌ મળે. અચાનક જ સું થઈ ગયું ખબર નહીં, તે સીધી હૉસ્પિટલમાં જ દાખલ કરવી પડી ને વાત ફેલાઈ ગઈ કે એ મરવા પડી ! મને ચિંતા થઈ એટલે એની ખબર કાઢવા જવાનું નક્કી કર્યું. તમને પણ એના માટે લાગણી છે, મને ખબર છે તે મને થયું કે, તમને પૂછી જોઉં. ચાલો આવતા હો તો.’
‘હા, હા, ચાલો. હું પણ આવું જ છું. ગુજરાતી ભાષા પ્રત્યે લાગણી તો મને પણ તમારા જેટલી જ છે પણ શું થાય કે, આજકાલ બધે ફરવામાં ને મોબાઈલમાં ને પરચુરણ પંચાતમાં મારાથી એને જરા સાઈડ પર મુકાઈ ગયેલી. વચ્ચે વચ્ચે જોકે, ઘણી વાર યાદ આવતી ત્યારે થતું કે, એ કેમ હશે ? મજામાં તો હશે ને ? એકલી તો નહીં પડી ગઈ હોય ને ? થોડી વાર ચિંતા થતી, વળી કામમાં ભુલાઈ જતી. આ તો સારું થયું કે, તમે મળી ગયાં. એ બહાને એને મળી લઈશ. બૌ વખતે મને જોઈને એને પણ આનંદ જ થશે.’
‘તમારાં બાળકોને પણ સાથે લઈ લો ને ! એ બહાને એમને ફરવાનું મળસે ને માતૃભાસાને મળવાથી કેટલો આનંદ મળે તે પણ જોવા મળસે. ગુજરાતી તો બાળકોને જોઈને ખુસ ખુસ થઈ જસે. મારાં બાળકોને પણ સંગાથ મળસે. ચાલો.’
‘અરે ! તમે કે’તાં હો તો વારાફરતી ઘરનાં બધાંને ગુજરાતીને મળવા મોકલી આપીશ. પણ એ તો કહો, કયા ડૉક્ટરની સારવાર ચાલે છે ? કોઈ સારા ડૉક્ટરને બતાવ્યું કે પછી જનરલ વૉર્ડ ને સરકારી હૉસ્પિટલ, એટલે ન મરતી હોય તોય મરી જાય, એવું તો નથી ને ?’
‘ના ભાઈ ના. મેં તમને પહેલાં જ કહ્યું કે, સરકારીમાં રહે કે જનરલમાં, એને તો લોકોનો પ્રેમ જોઈએ છે. લોકો એને યાદ રાખે ને ભૂલી ન જાય એટલું જ એ ઈચ્છે છે. બીજું કંઈ નહીં.’

હૉસ્પિટલ તરફ રસ્તે જતાં જોયું તો, હૉસ્પિટલની આજુબાજુના દરેક રસ્તે લાંબી લાંબી લાઈનો લાગેલી. હૉસ્પિટલનું કમ્પાઉન્ડ ગુજરાતી ભાષાની ખબર કાઢવા જનારાઓથી ખીચોખીચ ભરેલું. શહેરમાં તો જ્યાં ને ત્યાં ગુજરાતી ભાષાની તબિયતની ગુજરાતીમાં જ ચર્ચા ને બોલબાલા ! આટલો પ્રમ ને આદર મેળવનારી ‘ગુજરાતી ભાસા’ ભલા શી રીતે મરી શકે ? સો વરસ પછીની વાત પછી.

41 ટિપ્પણીઓ:

  1. કલ્પનાબેન,
    ગુજરાતી ભાસાની ખબર કાઢી આવ્યા કે? હવે એને કેમ છે? આમ તો સો વરસ સુધી એને વાંધો આવે એમ નથી એવું લાગે છે ને? આપણે એમ કંઇ એને મરવા દઇશું કે? મજાનો લેખ. :) પલ્લવી.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આવુ સાહિત્ય મારે મૂકવું એજ્યુકેશન સફરમાં તો શું કરવુ પડે ????

      કાઢી નાખો
    2. એ સાઈટ પર જ તપાસ કરો. મને ખ્યાલ નથી.

      કાઢી નાખો
    3. એ સાઈટ પર જ તપાસ કરો. મને ખ્યાલ નથી.

      કાઢી નાખો
  2. આમ જ જો બધાં એને મળતાં રે’સે ને તો થોડા દિવસોમાં તો એ પાછી બેઠી પણ થઈ જસે.
    વન્ડરફુલ
    અમને પણ એની વેરી મચ વરી થાય છે હોં!

    જવાબ આપોકાઢી નાખો
  3. khub j unchi kaxaano kataax - tamaari hathotine vadhu majabut banaave chhe
    - ashvin desai australia

    જવાબ આપોકાઢી નાખો
  4. गुजराती भाषाने हमो परदेशमां वसता वरिष्ठो तो मरवा न दइये. परंतु गुगल, वोट्सएप अने फ़ेसबुक विगेरेनो बंधाणी आजनी पेढी माटे कही न शकाय. आपनो लेख शब्दे शब्दे हसी हसीने माणयो.
    अभिनंदन.

    જવાબ આપોકાઢી નાખો
  5. ભાસા ને સું વરગે ભૂર !

    આવું બધું લખીશું તો ભાષા મરે નહી તો શું કરે ?

    જવાબ આપોકાઢી નાખો
  6. Sauv prtham to kalpnaji thanks/ thank you kahevanu bandh kari do ane rahi vat Gujarati bhasa ni to ane to koi pan sanjogo ma nahi Marva daiye.....
    Atlo to Mara Gujarati bhaio baheno par visvas se!
    Baki lekh bahu saras se mari ankh ma pani aavi gayu!
    Bhasha athva loksanskriti mate koi pan abhiyan chalavvu hoy to aa arvind gohil sathe se
    Ek Sara group ni sodh ma su koi mane aa babt ma sahyog aapva taiyar hoy to janavjo
    Maherbani kari ne!!!

    જવાબ આપોકાઢી નાખો
  7. ચાલો ભાઈ આભાર નહીં માનું. તમારો ભાષા પ્રત્યેનો પ્રેમ જોઈ આનંદ થયો. નેટ પર બહુ બધા ગુજરાતી બ્લૉગ્સ ચાલે છે. જોડાઈ જાઓ. વાંચતાં ખૂટે નહીં એટલું મજાનું સાહિત્ય મળશે.

    જવાબ આપોકાઢી નાખો
  8. Are na re em to kai Gujarati bhasha thodi mare? Gujarati vachi, sambhali ane boli jetlo anand ave etlo biji ek pan bhasha ma nthi. Jamana sathe rehva badhu sikhie pan Gujarati na bhulay.

    જવાબ આપોકાઢી નાખો
  9. Aa toh bahu serious vaat che. Jya dekho tya badha kato English Ka toh Hindi bolta dekhay che, pan aapni matrubhasha nu su???. Aapna sikshan adikari shrimp a Gujarati subject English medium ane CBSE ma dhoran pehla thi farjiyaat karvi joiye

    જવાબ આપોકાઢી નાખો
  10. ગુજરાતી ભાષાને બચાવવા અત્યારે માતા-બહેનો પોતાના બાળકને દેખાદેખી છોડી ગુજરાતી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ રાખે તો બહુ મોટો ઉપકાર થશે.

    જવાબ આપોકાઢી નાખો
  11. ગુજરાતી ભાષાને બચાવવા અત્યારે માતા-બહેનો પોતાના બાળકને દેખાદેખી છોડી ગુજરાતી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ રાખે તો બહુ મોટો ઉપકાર થશે.

    જવાબ આપોકાઢી નાખો
  12. એલા ભાઈ ગુજરાત ના નેતાનેજ દિલ્હી માં જઈ ને એવી અંગ્રેજ બનવાની ચાનક ચડી છે કે દેરેક સરકારી કામ રાષ્ટ્ર ભાશા માં કરવાને બદલે અંગ્રેજી માં કરવાનું જેથી જલ્દી થી ફરી ગુલામ બની જઇએ 56 ની છાતી હોઈ તો જાપાન.જર્મન.કોરિયા રશિયા.ની જેમ રાષ્ટ્ર ભાષા માં કામ કરવું જોઈએ.ભાઈ આપણે તો દેખાડવા નો રાષ્ટ્ર પ્રેમે પણ શિક્ષણ જેના ગુલામો હતા તે ભાષા માં આપવાનું લોહીમાંથી હજુ ગુલામી નથી ગઈ તમારા બાળકો ને ઈંગ્લીશ નહિ આવડતું હોઈ તો તે આગળ નહિ ભણી શકે કેમકે હજુ આપણાં નફટ નેતાઓને લીધે આપણે ગુલામ છીયે જય હિન્દ

    જવાબ આપોકાઢી નાખો
  13. ભાષા મારી મહાન,ગુજરાતી સ્વાભિમાન.

    જવાબ આપોકાઢી નાખો
  14. એકદમ સાચી વાત છે આપણે ગુજરાતી ભાષા ની ખબર ચોકસ કાઢવાં જવી જ જોઈએ. બહુ જ સરસ વાત કરી તમોએ , તે બદલ આપનો આભાર!.

    જવાબ આપોકાઢી નાખો