રવિવાર, 18 જાન્યુઆરી, 2015

તમારો લેખ વાંચ્યો

કોઈ પણ લેખક આ ત્રણ શબ્દો સાંભળીને જ ભર ઊંઘમાં હોય તોય માથું ઝાટકીને બેઠો/બેઠી થઈ જાય, બિમાર હોય તો વગર દવાએ સ્વસ્થ થઈ જાય, બેચેની કે કંટાળો ભૂલીને મોજમાં આવી જાય. તેમાંય ભૂલમાં જો લેખનાં વખાણ સાંભળ્યાં, તો પછી આખો દિવસ ભાન ભૂલીને પોતાની જાતમાં જ એ ખોવાઈ જાય. ‘આહાહા...! શું લખ્યું છે બાકી, વાહ ! મારાથી આટલું સરસ કેવી રીતે લખાઈ ગયું ?’ લેખકો માટે તો આ ત્રણ શબ્દો જાદુઈ શબ્દો છે. એમાં અજબ એવું સંમોહન છે. એમ કહો ને કે, આ શબ્દો તો એના માટે સંજીવની સમાન છે. 

ટીવી, કમ્પ્યુટર અને મોબાઈલના જમાનામાં આજે કોઈ વાચક બને એ જ બહુ મોટું આશ્ચર્ય કહેવાય. તેમાંય કોઈ વાચકને કોઈ લેખ ગમી જાય અને તે ફોન કે પત્ર કે મેઈલ દ્વારા જણાવે કે, ‘તમારો લેખ ગમ્યો’ તો લેખકની શી હાલત થાય ? લેખનાં વખાણ જાણવા એના મનમાં ઉથલપાથલ થવા માંડે, એની બેચેની વધી જાય અને એ સંસારનું ભાન પણ ભૂલી જાય. એને તો બસ, ‘તમારો લેખ વાંચ્યો’ અને ‘તમારો લેખ ગમ્યો’ સિવાય કંઈ યાદ નથી રહેતું.

ઘણી વાર આ ત્રણ શબ્દોની પાછળ પાછળ ચાલી આવતો નાનકડો શબ્દ ‘પણ’, લેખકની ઊંઘ હરામ કરી નાંખે છે. લેખ વાંચ્યા પછી જ્યારે વાચક વધારે પડતો અકળાઈ ઊઠે અને એને પેટમાં ચુંથારો થવા માંડે ત્યારે આખરે એ લેખકને યેનકેન પ્રકારે જણાવીને જ રહે કે, ‘તમારો લેખ વાંચ્યો પ...ણ એમાં ફલાણી ફલાણી ભૂલ છે. (ખલાસ !) એમાં આમ નહીં, આમ આવે. તેમ નહીં, તેમ આવે. ફલાણા લેખકે તો આમ લખેલું ને ઢીંકણા લેખકે તો તેમ લખેલું. (તો એને વાંચો જાઓ.) હું તો કોઈની સાડાબારી ન રાખું. ભૂલ હોય તેને મોં પર ચોપડાવી જ દઉં.’ એટલે લેખક બાપડા કે બાપડીએ તાલીની સાથે ગાલીની પણ તૈયારી રાખવાની. ને એમાં કંઈ ખોટું પણ નથી. એકસરખા દિવસ તો નેતાઓના પણ નથી જતા તો લેખક કંઈ સ્વર્ગમાંથી તો નથી ઊતરી આવ્યા.

જોકે, તાલી–ગાલી આપવા સિવાય પણ અમુક વાચકો એવા હોય છે જેમને આ ત્રણ શબ્દો પછી ઘણી બધી વાતો જાણવી હોય છે(લેખકની) અને ઘણી બધી વાતો જણાવવી હોય છે પોતાની ! લેખકે લેખ લખવાની ભૂલ કરી હોય અને અદના વાચકે લેખકનો સંપર્ક નંબર કે સંપર્ક–સરનામું શોધી કાઢ્યું હોય, ત્યારે નાની નાની ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. તંત્રીઓ તો બહુ સારી ભાવનાથી સંપર્કસૂત્રો છાપે પણ એમાં લેખકો ઘણી વાર વગર વાંકે બિચારાં બનીને રહી જાય. જો કોઈ બોલે કે, ‘તમારો લેખ વાંચ્યો’ તો પણ એને ધ્રુજારી ચાલુ થઈ જાય. જેવી જેની સહનશક્તિ.

હાલમાં જ એક મૅગેઝિનમાં મારો લેખ છપાયો. જેમાં મારા ગામના નામના ઈતિહાસની સાથે ગામનું વર્ણન પણ લખેલું. ગામ મહારાષ્ટ્રની બૉર્ડર પર હોવાથી, આજ સુધી બધી સુવિધાઓ નજીકના મહારાષ્ટ્રના મોટા ગામને લીધે મેળવી. હવે થોડા સમયથી આદિવાસીઓના ઉધ્ધારની યોજનાઓને કારણે અમારા ગામમાં સુવિધાઓ વધી છે એ મતલબનું લખાણ તેમાં હતું. એ વાત જાણીને ખુશ થયેલા વાચકનો પત્ર જુઓ.

‘તમારો લેખ વાંચ્યો. હાલની સરકારે ગુજરાતમાં કરેલા નોંધનીય ફેરફારોની, તમારા સિવાય આ રીતે કોઈએ નોંધ લીધી હોય એવું જાણમાં નથી. રાજકીય પરિવર્તનને તમે રાષ્ટ્રગીત સાથે જોડીને, તમારી કલ્પનાશક્તિનો અદ્ભૂત નમૂનો બતાવ્યો છે.’ પત્ર વાંચીને હું તો બે ઘડી અવાક થઈ ગઈ. ભૂલમાંય રાજકારણ વિશે કંઈ બફાઈ ન જાય એની સતત કાળજી રાખતી હોવા છતાં મારાથી આ ઘોર પાપ શી રીતે થઈ ગયું ? હાસ્યલેખમાં રાજકારણ ? બાપ રે ! વાચકોની નજર ? કે’વું પડે ! ભઈ, લેખ કેવો લાગ્યો કે એમાં એકાદ મરકલું આવ્યું કે નહીં, તે જણાવતે તો તમારા પૂજ્ય પિતાશ્રી નારાજ થતે ? જવા દો, બીજા વાચકને મળીએ.

‘પૂજ્ય હાસ્યલેખિકાબેનનાં ચરણોમાં સાદર વંદન. (મરી ગ્યાં.... ! કોઈ બચાવો આવા ભક્તોથી. પૂજ્ય અને હું ? આ બે શબ્દો જો માથામાં ભરાઈ ગયા તો, હાસ્યલેખ–બાસ્યલેખ બાજુ પર રહી જશે ને ‘મા કલાનંદમયીનો આશ્રમ’ ખૂલી જશે.) તમારો લેખ વાંચ્યો. હું ઘણાં વરસો પહેલાં તમારા ગામમાંથી પસાર થયેલો તે વાત મને યાદ આવી. ત્યાંથી પછી અમે શિરડી અને નાશિક ગયેલાં અને પૂજ્ય સાંઈબાબાનાં દર્શન કરીને બીજે દિવસે પાછા સુરત રસ્તે નીકળી ગયેલાં.’ ‘તમારો લેખ વાંચ્યો’ સિવાય એક પાનું ભરીને સાંઈબાબાના ચમત્કારોનું વર્ણન ! ભઈ, મારા લેખના ચમત્કાર વિશે પણ બે–ચાર લીટી લખતે તો ? બાપા ખીજાતે ?

એ લેખમાં મેં છેલ્લે લખેલું કે, આટલાં વરસો થયાં પણ આજ સુધીમાં ગામને ફક્ત એક જ હાસ્યલેખિકાની ભેટ મળી છે. (વટ મારવામાં શું જાય ?)

હવે ત્રીજા વાચકની શુભ ભાવનાવાળો પત્ર. લેખકને/લેખિકાને જરા પણ તકલીફ ન પડે એટલે જવાબી પોસ્ટકાર્ડ પણ સરનામું કરીને સાથે હતું. પોસ્ટકાર્ડમાં એમણે પોતાના ફેસલુકનું વર્ણન કરેલું કે, ‘મારી ઉંમર હવે નેવુંની ઉપર પહોંચી છે ને મને કાને ઓછું સંભળાય છે.’ તે સિવાય બીજી ઘણી વાતો લંબાણથી લખેલી કે, ‘મને વાંચવાનો શોખ છે ને હું જે લેખકને પત્ર લખું તેનો તરત જ જવાબ આવી જ જાય. મારી પાસે ફલાણા–ફલાણા લેખકોના પત્રો છે’ વગેરે વગેરે. પોસ્ટકાર્ડમાં શક્ય તેટલું સમાવવાની કોશિશ કરી હતી. તમને રસ પડ્યો હોય તો વાંચો.

‘આ મૅગેઝિનમાં, આ નંબરના પાના ઉપર, આ મહિને તમારો લેખ છપાયો છે. (મને ખબર છે.) ખૂબ માહિતીપ્રદ લેખ વાંચી આનંદ થયો. અભિનંદન. નીચે લખેલા સવાલોના જવાબ આપો. (જો હુકમ મેરે દાદા.)

૧) ‘મૂળ તમે ક્યાંના ?’ (લેખકનું મૂળ ન પૂછાય પણ પૂછ્યું તો જણાવું કે, અમે તો મૂળ આ દુનિયાના જ.)
૨) ‘હાલ તમે શું કરો છો ?’ (લખવા સિવાય ? ઊંઘ્યા કરું.)
૩) ‘આમ તમારા મિસ્ટર શુ કરે ?’ ( આમતેમ ટાઈમ પાસ કર્યા કરે. અમારા ઘરમાં માખીની ગેરહાજરી મારા મિસ્ટરને આભારી છે.)
૪) ‘તમારા ગામની બાજુમાં સોનગઢ છે. ત્યાંની ફલાણી દુકાનના માલિક મારા ભત્રીજા છે. કોઈ વાર ત્યાં જાઓ તો ઓળખાણ કાઢજો. (ત્યાં જઈને મારો લેખ વંચાવવાનો ?)
૫) ‘વ્યારા તમારાથી કેટલું દૂર ? ને બારડોલી ? ત્યાંના ફલાણા પ્રોફેસર મારા મિત્ર છે. કોઈ વાર જાઓ તો મળજો. એ બહાને ઓળખાણ વધે.’ (અજબ છે ! એમના નામે હું મારી ઓળખાણ વધારું ? ને શું હું ભટકતી બલા છું ? આમ ને આમ તો મારે ઓળખાણ–યાત્રા કાઢવી પડશે. કોઈને મળીને શું કહેવાનું ? ‘તમે ફલાણા ભાઈને ઓળખો છો ? એ મારા લેખ વાંચે છે. તમે વાંચશો ?’) અરેરે ! લેખકોના આવા દા’ડા આવવાના ?

જોકે, પત્રના અંતે એમણે મૂળ મુદ્દાની વાત લખેલી. ‘તમારા ગામનાં પેલાં હાસ્યલેખિકાબહેનનું નામ–સરનામું આપશો. મને લેખકો સાથે ઓળખાણ વધારવામાં રસ છે.’ હવે તમે જ કહો, મારે જવાબી પત્રનું શું કરવું ? આખરે કોઈ પણ લેખક વાચકો પાસે શું માગે છે ? મૌન ? બે શબ્દ ? બે લીટી ? (થોડું વ્યાજબી કરજો.) ચાલો, એકાદ ફકરો થઈ જાય. (આ જરા વધારે પડતું જ કહેવાય.) તો પછી ?

લેખકોએ તો વાચકો તરફથી ‘તમારો લેખ વાંચ્યો’ જાણીને જ ખુશ રહેવું. આજે એટલું જણાવવાવાળા કેટલાં ? લેખ ગમ્યો હશે તો જ વાંચ્યો હશે ને ? તો જ એમણે જણાવ્યું ને ? એટલે જ, સાનમાં સમજીને ને થોડામાં ઘણું સમજીને, લેખકોએ વાચકો પર દયા રાખીને ખુશ રહેવું.

25 ટિપ્પણીઓ:

  1. બહુ જ સરસ લેખ બન્યો છે. વાચકના પત્રો મઝાના છે. લોકો જાત જાતનું લખે છે. પરંતુ એક ખાનગી વાત– કોઈપણ લેખકને પોતાના લેખ માટે નેગેટીવ કોમેંટ જરા ય ગમતી નથી. તો જણાવું કે આપનો લેખ અદભૂત બન્યો છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. બસ, હવે એક મહિનો તો આરામથી નીકળી જશે.:) આભાર તો કહેવું જ પડે ને ? તો આભાર.

    જવાબ આપોકાઢી નાખો
  3. તમારો લેખ અને વાચકોના પત્રો વાંચવાની મઝા પડી..!! આહાહા.....!!! એકાદ નહીં પણ અનેક મરકલાં આવ્યા...!!!! આનન્દો....

    જવાબ આપોકાઢી નાખો
  4. નમસ્તે કલ્પનાબહેન. અણગમતા અભિપ્રાયો તો સદા આવકાર્ય... હું તો વિવેચકોને સામેથી કહેતી હોઉં કે મારા દોષ બતાવજો, પ્લીઝ. એ જ તો આગલી ઠોકર ખાતા બચાવે છે.
    તમારી વાત સાચી, આપણે અગાઉ આ વાત થયેલ જ . વાચકો બસ, આ એક જ વાક્ય લખે અને પોતાનું પારાયણ કે પુરાણ શરૂ કરે, આપણા લખાણ માટેનો પછી એક કરતા એક શબ્દ પણ ન હોય. હશે, એ વાચક-મહાશયો આમ લેખક બનવાની હોંશ ભલે પૂરો કરી લે, કોરાણે મૂકાયેલ આાપણ લેખકોને એટલું જે પુણ્ય મળ્યું તે સાચું.
    આજે ઘણા દિવસે નેટ ખોલ્યું.
    ભલે તો, અરુણા જાડેજા

    જવાબ આપોકાઢી નાખો
  5. આ બ્લોગપોસ્ટ સારી છે, પણ.....! (ત્યાર પછી અડધું પાનું, એક પાનું, બે પાનાં- તમારા હોશકોશ મુજબ કલ્પી લેવા.)

    જવાબ આપોકાઢી નાખો
  6. Adbhoot !
    Markalu shabd bahu gamyo.
    Saav Ajaana Manas na Pratibhav
    Lekhak ne Nasha ni sthiti ma muki de chhe!
    Ghana Markala mate thanks ane Abhinandan!
    -Ramesh Savani

    જવાબ આપોકાઢી નાખો
  7. tame vaachakoni pan ' tingal ' kari shako chho - te tamane lekhakoni
    duniyaani ' zaansini raani laxmibaainaa darajjaamaa muki aape chhe !
    dili abhinandan - ashvin desai australia

    જવાબ આપોકાઢી નાખો
  8. Leah kharekhar Saras chhe. Vachak Sudhi Pahonchavu E Kaparu Kaam Tame Aasasnithi Kari Jao chi.

    જવાબ આપોકાઢી નાખો
  9. ‘તમારો લેખ વાંચ્યો.’
    વાચકોને ખબર નહીં હોય કે, આ એક વાક્ય તો લેખકને એક મહિનાનો ઑક્સિજન પૂરો પાડી શકે છે !

    હૅપ્પી !
    રજનીકાન્ત શાહ

    જવાબ આપોકાઢી નાખો
  10. My iPad does not have Gujarati script. Your article has made my day. Hope, this response does not spoil your day. I am reminded of Sri Jyotindra Dave, whose talk I have enjoyed. With your 
    sense of humor ( American spelling ), you are not going " to be puffed up" as most packing does to hoodwink the consumer public. With Warmest Regards : V.B.Ganatra, New York , 88 young and counting the days. 

    જવાબ આપોકાઢી નાખો
  11. હા...હા...હા... ! (ઘણી વાર તો બીક લાગે કે, વાચકો ખરેખર કહે છે કે મજાક કરે છે ?)
    આભાર.

    જવાબ આપોકાઢી નાખો
  12. Kalpanaben.....
    Lekh vanchine 'marakala' to etla avya ke ek var vanchi ne santosh na thayo etle farivar vanchi ne fari 'marakala'.....saras vishay lidho....sunder lekh !!!! pan sathe evu pan thay ke aa badhi 'Tippani o' upar fari ek lekh na thay to j navai !!!
    Harsha Mehta, Toronto

    જવાબ આપોકાઢી નાખો
  13. કલ્પનાબેન,
    તમારો લેખ વાંચ્યો, આમ તો સારો જ લખાયો છે, પણ...દર વખત કરતાં થોડો વધારે સારો લખાયો છે. મન બાગ બાગ થઈ જાય એવો. :) લખતા રહેજો. પલ્લવી

    જવાબ આપોકાઢી નાખો