શનિવાર, 19 જુલાઈ, 2014

આવ્યો ?


૧૬ જુલાઈ– બુધવારે.....

‘હલો....’
‘હા બોલો....’
‘તમારે ત્યાં આજે આવ્યો ?’
‘ના, તમારે ત્યાં ?’
‘અમારે ત્યાં પણ નથી આવ્યો. રોજ રાહ જોઈએ છીએ. ’
‘અમારે ત્યાં પણ એવું જ છે. સવારથી રાહ જોવાનું ચાલુ કરીએ તે ઘણી વાર તો રાત્રે સૂતાં સુધી રાહ જ જોયા કરીએ બીજા દિવસની આશા સાથે, કે કાલે તો આવવો જ જોઈએ. ’
‘આ વખતે તો વેકેશન કરવા જાઉં છું કહીને ગયો તે ગયો, પાછો દેખાયો જ નથી. તમારે ત્યાં શું બહાનું કાઢીને ગયેલો ?’
‘બહાનું તો બધાંને ત્યાં એ જ કાઢવું પડે ને ? જે તમારે ત્યાં તે અમારે ત્યાં. જુદાં જુદાં બહાનાં કાઢે તો પકડાઈ ન જાય કે ?’
‘હા, એ પણ બરાબર. તમારે ત્યાંથી આ વખતે કંઈ ઉપાડ લીધો હતો ?’
‘ઉપાડ લેત તો સારું હતું, આ ઉપાડો તો ન લેત. ’
‘હવે શું કરશું એના વગર ?’
‘શું કરીએ ? એના સમયસર આવવાની એવી ખરાબ આદત પડી ગયેલી કે, આ વખતે તો આટલું મોડું હવે ખમાતું નથી. ’
‘અરે ! મોડા આવવાનીય હદ હોય ને ?’
‘હવે તો બધા પાસે મોબાઈલ પણ આવી ગયા છે. એકાદ ફોન કે મેસેજ ના થાય કે ? નહીં તો, અમસ્તાં અમસ્તાં ફોન ઠોક્યે રાખે ને મેસેજ કર્યા વગરેય ટપકી પડે !’
‘ખરી વાત છે. હવે તો અક્કલ કામ નથી કરતી. શું કરવું કંઈ સમજાતું નથી. ’
‘એક કામ કરો ને. એના ગામવાળા કોઈ અહીં રહેતા હોય તો પૂછી જુઓ ને. કદાચ કોઈને કંઈ ખબર હોય તો વળી આપણને રાહત થાય. ’
‘એનાં બે–ચાર સગાંવહાલાં અહીં રહે છે ખરાં, પણ એ લોકોય આજ કાલ કંઈ દેખાયાં નથી. કોઈ ફોન પણ નથી લેતું. કદાચ બધાં જ ગામ ગયાં હશે. ’
‘આ વખતે તો બહુ તકલીફ પડવાની. મન વગરનું બધું કામ કરીએ ને ખાવાપીવામાંય ચિત્ત ન ચોંટે. હવે એક–બે દિવસમાં આવે તો સારું છે, નહીં તો જીવવાનું ભારે પડી જશે. ’
‘હા ભઈ, જેને જે કહેવું હોય તે કહે, પણ આપણા માટે તો એની ગેરહાજરી જીવનમરણનો પ્રશ્ન બની જાય. ’
‘કોઈ માને કે ન માને પણ મેં તો એના માટે બાધાય રાખી છે. હવે બે દિવસમાં જો એ આવી જાય તો, હું સૌથી પહેલાં ગરમાગરમ ભજિયાં બનાવીને ખાઈશ. ’
‘મેં પણ ગરમાગરમ બટાકાવડાંની બાધા રાખી છે. ’ (અમદાવાદીઓએ તો દાળવડાંની બાધા જ રાખી હશે.)
‘બસ, તો પછી બે દિવસમાં એ આવવો જ જોઈએ.’
‘ઓલ ધ બેસ્ટ !’
‘ભઈ, તમનેય શુભેચ્છા હોં !’

૧૭ જુલાઈ ગુરુવારે

મને જણાવતાં આનંદ થાય છે કે, સૌની બાધા બહુ જલદી ફળી છે અને આજે એના આવી જવાથી ચોમેર ભજિયાં ને વડાંની સુગંધથી વાતાવરણ મહેકી ઊઠ્યું છે. વરસાદની જય હો !



8 ટિપ્પણીઓ:


  1. વેકેશનમાં તે અમેરિકા આવ્યો હતો. અને બધાંની જેમ સિટીઝન થઈ ગયો. અને હવે જ્યારે ત્યારે દર્શન દે છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. અમારે તો બાધા રાખ્યા વગર જ મેહુલિયો આવ્યો. પણ અમે તો ભજીયા ખાઇને એને વધાવ્યો. :)
    Pallavi Mistry

    જવાબ આપોકાઢી નાખો
  3. ભજીયા બનાવીને ખાઇશ એમ નહીં પણ ભજીયા બનાવીને એને ગરમાગરમ ખવરાવીશ એમ બાધા રાખો તો એ આવે .............
    Manhar Shukla

    જવાબ આપોકાઢી નાખો