સોમવાર, 14 મે, 2018

સ્વર્ગના દરવાજે–એમ પી ટૂર


સારું છે, કે અસલના જમાનાના સ્વર્ગની મધુર કલ્પના કરીને એને બને તેટલું રળિયામણું બતાવવાની કોશિશ થતી જેથી આપણાં મનમાં સ્વર્ગનું એક કાયમી ચિત્ર અંકાઈ જાય. દરેક દેવતા જરકસી જામા ને રેશમી ચીર, માથે મુગટ ને હીરા  મોતીનાં આભૂષણોથી પ્રભાવશાળી જ દીસતા. ઝીણા મોતીની દોરવાળા સોનાના હિંડોળા પર સોહતા ને પોઢતા! એ હિંડોળાની દોર પકડીને પતિ સામે ધીમું ધીમું મલકતી, સુંદર કેશકલાપથી શોભતી ને મોતીઓથી લદાયેલી દેવી ઊભેલી દેખાતી. કોઈ પણ દેવી કે દેવતા કાયમ પ્રસન્ન મુદ્રામાં અને આશીર્વાદ આપવા તૈયાર જ રહેતા. બાકી તો આપણાં મનમાં છૂંછાં નીકળેલી, તૂટવા આવેલી સુતરાઉ દોરી કે રૂંછડાવાળી સુતળીએ બંધાયેલ એકાદ રંગ ઊખડેલો હીંચકો જ આવતો રહેત. દેવોને ઝાંખા, પીળા પડી ગયેલા કફની ધોતિયામાં ને દેવીઓને ઘડી ઘડી હાથ લૂછીને મેલા કરેલા પાલવવાળા, કમરે ખોસેલા સાડલામાં જ કલ્પી હોત ને?

ખેર, ધરતી પર એવા સ્વર્ગ તો પછી ઘણી બધી જગ્યાએ શોધાયાં જ્યાં કોઈ પણ આમ આદમી(ઔરત પણ ને બચ્ચાં પણ) જઈ શકે. જઈને પાછા ત્યાં ઊભા રહીને બોલી પણ શકે કે, ‘ધરતી પર જો કશે સ્વર્ગ હોય તો તે અહીં છે, અહીં છે ને બીજી પણ ઘણી જગ્યાએ છે.’ પેલા દેવી–દેવતાઓની વિદાય બાદ હવે તો એ બધા સ્વર્ગમાં પહેલાં ખાસ લોકો અને હવે આમ લોકો પણ જતાં થઈ ગયા છે. એ સ્વર્ગનો નઝારો ભલે અલગ અલગ હોય પણ કહેવાય તો સ્વર્ગ જ. કોઈ જગ્યાએ બરફનું સ્વર્ગ હોય, કોઈ જગ્યાએ નદી–ઝરણાં, ધોધ કે દરિયો પણ સ્વર્ગ રૂપે હોય. કોઈ અદ્ભૂત રણ કોઈને સ્વર્ગ લાગે તો કોઈને જંગલમાં મંગલ લાગે. દરેકની પસંદગી મુજબનાં જુદા જુદા કુદરતી સ્વર્ગની શોધ કાળા કે સોનેરી માથાનાં માનવીએ કરીને લોકો પર ખાસ્સો ઉપકાર કર્યો.

જો આ બધાં જ સ્વર્ગ જેવાં સ્થળો કોઈએ શોધ્યાં ન હોત તો? વિચારો કે દર વેકેશનમાં હજીય લોકો પોતાનાં કે બીજાનાં સગાંવહાલાંઓને ત્યાં જ જતાં હોત ને? આ બધી બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ટૂર કંપનીઓ ને એનાં લાગતાંવળગતાંઓ, બસ, ટ્રેન ને હવાઈ મુસાફરીના કારોબાર પર નભતાં કેટલાય લોકો ને ઓહોહો કરતાં રહીએ એટલા બધા કામધંધાવાળા લોકોનું શું થાત? આજે લાખો લોકો સ્વર્ગમાં અઠવાડિયું જઈ આવીને કેટલો બધો આનંદ માણી આવે છે! ત્યાંથી પાછા ફરીને સ્વર્ગની વાતો બીજાને જણાવવાનો બમણો આનંદ મેળવીને ધન્ય થયા પછી જ્યારે હાશ કરે, ત્યારે ખાનગીમાં એનાં ઘરનાં લોકો બીજા કોઈ સ્વર્ગના બુકિંગનું પણ વિચારતાં થઈ જાય છે.

આખા ભારતમાં જ્યારે ફક્ત કાશ્મીરને જ સ્વર્ગનો દરજ્જો મળેલો ત્યારે અંદરખાને અંગ્રેજોએ ફક્ત ભારતમાં જ જુદા જુદા કેટલાંય સ્વર્ગ શોધી રાખેલાં. અંગ્રેજો આમેય ઠંડા પ્રદેશોથી ફક્ત આપણા ઉપર રાજ કરવા જ ઊતરી આવેલા. થાકી જતા ત્યારે આરામ ને મોજમજા માટે જાતજાતનાં રમણીય હિલસ્ટેશનો એમણે શોધી રાખેલા. એમની સાથે જો ત્યારના રાજાઓ કે ચાકરો ના ગયા હોત તો કોઈનેય આ બધી મોજમજાની ખબર પડવાની હતી? એમના ગયા પછી ધીરે ધીરે આપણેય સ્વર્ગનો અનુભવ લેવા બધે દોડતાં થયાં. જો કે આપણા ઉપર એક માત્ર આ જ ઉપકાર કરનારા અંગ્રેજોનાં નામ એ હિલસ્ટેશનો સાથે લેવાય છે ખરાં.

સાતપુડાની રાણીનાં સૌંદર્યનાં વખાણે ચડેલાં અમે જ્યારે જાણ્યું કે આ પંચમઢી એટલે કે પાંચ ગુફા તો પાંડવોએ પોતાના વનવાસના વર્ષો દરમિયાન વસવાટ માટે બનાવેલી. સ્વાભાવિક છે કે આસપાસ ગાઢ જંગલ તો હોવાનું જ અને ઊંચામાં ઊંચી ટેકરી પર જ એ લોકો સંતાયા હશે. પછી તો ખાસ્સો જમાનો પસાર થઈ ગયો. ભારત પર અંગ્રેજોના શાસન દરમિયાન આ પ્રદેશમાં ગોંડ જાતિના રાજા ભભૂતસિંહનું રાજ હતું. નાનકડું ગામ ને સાધારણ લોકો ત્યાં રહેતાં. એક વાર પોતાના સુબેદાર મેજર નાથુસિંહ સાથે ઝાંસી તરફ જતી વખતે રસ્તામાં બ્રિટિશ આર્મીના કેપ્ટન જેમ્સના પગ તળે આ સ્વર્ગીય વિસ્તાર આવ્યો. એનાથી નક્કી બોલી જ પડાયું હશે કે, ‘ભારતમાં જો સ્વર્ગ છે તો અહીં જ, અહીં જ ને અહીં જ છે’. એના અવાજના પડઘા નજીકની ખીણોમાં ને જંગલોમાં ગુંજ્યા હશે ને તો જ તાબડતોબ અહીં સેનેટોરિયમ બંધાવાની સાથે લશ્કરની એક છાવણી પણ ગોઠવાઈ ગઈ. બની ગયું ને પંચમઢી હિલ સ્ટેશન? હવે અંગ્રેજોના ઉચ્ચાર તો આપણને સારી રીતે ખબર, એટલે અંગ્રેજીમાં લખાય ‘PACHMARHI’! (મને થયેલા દુ:ખ સાથે મારે કોઈ વિશેષ ટિપ્પણી નથી કરવી, જવા દો. ‘પ’ને માથે મીંડું ને ‘ઢ’ બોલતાંય જોર પડ્યું, ઢ?)

પંચમઢી આજેય ગામડું જ છે, દસેક હજારની વસ્તીવાળું અને મુખ્ય વસ્તી ભારતીય લશ્કર સાથે જોડાયેલ લોકોની જ છે. રજાઓમાં અને ટુરિસ્ટ સીઝનમાં અહીંની વસ્તીમાં ધરખમ વધારો થાય છે. સૈનિકોનાં ભણતરની અને ટ્રેઈનિંગની સુવિધા હોવાને કારણે અહીં સતત શિસ્તબધ્ધ જવાનોની અને એમનાં વાહનોની અવરજવર જોવા મળે. એક રીતે જોવા જઈએ તો આ વિસ્તાર એકદમ સુરક્ષિત વિસ્તાર જ કહેવાય. હાશ! હવે અહીં રાતે મોડે સુધી રખડવામાં પણ કોઈ જોખમ નહીં. એક વિચાર આવ્યો અને જેવો આવ્યો તેવો એને રવાના કર્યો. આપણે કંઈ આ લોકો પર બોજ બનવા આવ્યાં છીએ?

વિચારોમાં ને વિચારોમાં જ અમારો કામચલાઉ મુકામ આવી ગયો. મનલુભાવન હરીભરી જગ્યા અને ઠંડી ઠંડી મોસમની ભીની ભીની ખુશ્બુ સાથે અમારો થાક હવે ફરી એક વાર ભૂખ તરફ ફેરવાયો. ડાઈનિંગ હૉલ તરફ રીતસરની દોટ મૂકતાં જ અમે લોકો ત્યાં પ્રવેશ્યાં કે પેલા અધીરા ભાઈએ અમારું સ્વાગત  શાંતિથી કર્યું! ‘આઈયે મૅડમજી નમસ્તે. યહાં બૈઠિયે ઔર આરામસે ભોજન કિજીયે.’ આખા હૉલમાં અમે વીઆઈપી મહેમાન, ભોજન આવતાંની સાથે જ એના પર તૂટી પડ્યાં. આ શાક તો કેવું ને પેલું શાક તો તેવુંની લપછપ કાલથી કરશું, હમણાં તો ફક્ત પેટપૂજા પર જ ધ્યાન. મધ્ય પ્રદેશની સ્પેશ્યલ વાનગીઓ ઝાપટ્યા બાદ થાળીમાં છેલ્લે પીરસાઈ ખીર! વાહ વાહ! યે હુઈ ન બાત! બસ, બીજું કંઈ નહીં તોય અહીં ખાવાના જલસા થવાના એ વાત નક્કી. ભોજનથી તૃપ્ત થયેલાં અમે સૌ અમને જમાડનાર સૌનો દિલથી આભાર માનતાં અમારા તંબૂ તરફ રવાના થયાં. ભઈ, અમારો મુકામ લશ્કરી વિસ્તારમાં હતો અને તંબૂ જેવી મજા બીજે ક્યાં મળે?
(પંચમઢીની વિવિધ તસવીરો માટે ગૂગલનો સહારો)




4 ટિપ્પણીઓ:

  1. મજા પડે એવું વર્ણન કરતાં તો તમને જ આવડે.
    છેલ્લે કોઇ વાનગીની વાત ભૂખ પ્રદીપ્ત પણ કરી દે..

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આભાર સુરેશભાઈ. અવનવી વાનગી વગર તો મજા નીં આવે.

      કાઢી નાખો
  2. જવાબો
    1. આભાર અશ્વિનભાઈ. જગ્યા જ એટલી સુંદર કે મજા પડે.

      કાઢી નાખો