રવિવાર, 20 ઑગસ્ટ, 2017

એક ફોટો વાઈરલ થયો!


જે સફરજનના ઝાડ નીચે ન્યુટન આરામખુરશીમાં, માથા નીચે બે હાથ ટેકવીને એય ત્યારે ઝોકું મારવા બેઠેલો, તે જ ઝાડ પર કંઈક સળવાળટ થતાં એણે ઉપર જોયું, તો છેક ઉપરની ડાળનું એક લાલ સફરજન, એને ધરતી પોકારી રહી હોવાથી ઝડપથી નીચે તરફ ગતિ કરી રહ્યું હતું. ન્યુટને માથું ઝાટકી બેઠા થઈ જતાં, સફરજનને પળવારમાં ધરતી પર પછડાતું જોયું અને એણે ફટાફટ મોબાઈલમાં સફરજનના ઝાડનો અને નીચે પડેલા સફરજનનો ફોટો પાડીને સોશિયલ મિડીયા પર અપલોડ કરી દીધો. સાથે સાથે ન્યુટન, એ ફોટા પર પોતાનું નામ લખવાનું ન ભૂલ્યો. કદાચ એ ત્યારનો જ જાણતો હતો, કે એક વાર આ ફોટો જો વાઈરલ થયો, તો પછી એને પોતાને નામે ચડાવીને ફેરવવામાં કરોડો હોંશીલા લોકો રાતે ઊંઘશે પણ નહીં. એટલે જ, આજ સુધી તો, ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યુટનના નામે બોલે છે, ભવિષ્યમાં કંઈ કહેવાય નહીં.

એમ તો એક ગોપીએ પાડેલો કૃષ્ણનો ફોટો, તદ્દન નિર્દોષ ભાવે પોતાના ગ્રૂપમાં જ શેર કર્યો, પણ ગામેગામની ગોપીઓને એ ફોટો ગમી જતાં, આખરે એ ફોટો વાઈરલ થઈને જ રહ્યો. પછી તો, એ ફોટા સાથે કૃષ્ણના હજાર નામ અને રાધા ને રુકમણીનાં નામ સાથેની ગઝલો અને કવિતાઓ, જે વાઈરલ થઈ છે...જે વાઈરલ થઈ છે...વાહ! માળું, આ ફોટાવાળું વાઈરલ પણ જબરું હં! જો મને કોઈ ફોટો ગમ્યો, તો તમેય ગમાડો અને તરત જ બીજાને ખો આપીને જેમ બને એમ વહેલો પહોંચાડી દો. બહુ વિચાર કરવા રોકાતાં નહીં, નહીં તો બીજાઓ લહાવા લઈ જશે ને તમે રહી જશો. ફોટા કે સમાચાર કે સલાહો કે સુવાક્યો કે પછી મા, બાપ, દીકરી કે દીકરા–વહુને લગતી કોઈ રડાવી દેતી બે જ લાઈન કેમ ન હોય, એને વાંચતાંની સાથે જ, રડવાનું બાજુએ રાખીને પહેલાં એને વાઈરલની રેસમાં દોડાવી દો. પાંચ જ મિનિટમાં તમે જોશો, તો એ ફોટો કે જે હોય તે તમારા મોબાઈલમાં દસ જણે આંસુ સારીને કે તાળી પાડીને કે અંગુઠા બતાવીને તમને મોકલી જ આપ્યું હોય. આપણી લાગણીના આમ પડઘા પડે, આમ લાગણી વાઈરલ થાય એ જેવી તેવી વાત છે? કહેવું પડે.

જો કોઈ હીરોઈનને ઠોકર વાગી તો એને ઊભી કરવા કે એની ખબર પૂછવા પછી કોઈ જજો, પહેલાં એનો કપાળે ઘા બતાવતો ફોટો પાડીને મોકલવા માંડો ને વાઈરલ કરવામાં મદદ કરો. હવે  હીરોઈનનું શું થશે? જે થાય તેની ચિંતા નથી. લોકો કામમાં રહેવા જોઈએ, બસ કોઈ નવરું બેસવું ન જોઈએ એ આ વાઈરલ મંત્ર છે. કોઈ સેલિબ્રિટીની મશ્કરી કરવી છે? ફટાફટ એનું કાર્ટૂન બનાવી વહેતી ગંગામાં પધરાવી દો, બધા હાથ ધોવા તૈયાર જ બેઠાં છે. સેલિબ્રિટીને શું થશે કે એના પર શું વીતશે તે થોડું વિચારવાનું હોય? કોઈ માંદું છે? તો એને મારી નાંખતા સમાચાર જ વાઈરલ કરી દો. બાકીનું કામ મિડીયાવાળા સાચવી લેશે. આપણે તો સોશિયલ મિડીયાવાળા. આપણે તો, વાઈરલ વાઈરલ રમવાનું અને સસ્તું કે મફતિયા મનોરંજન મેળવવાનું.

આમેય આપણને ક્યાં કંઈ કામ હોય જ છે? ટાંપીને બેસી રહેવાનું, કે આજે કયા સમાચાર કે કયા ફોટા વાઈરલ થાય એમ છે! કોઈએ ધર્મના નામે કોઈને ગાળ આપી? ખલાસ! એમાં મીઠું–મરચું ઉમેરવાનું કે કોઈ છેડછાડ કરવાનું કામ આપણું કામ નથી, આપણે તો વાઈરલ યજ્ઞમાં આહુતિ આપવાની છે. કોઈ નેતાએ કંઈ બાફ્યું? ચાલો લાગી જાઓ ધંધે ત્યાં સુધી, જ્યાં સુધી નેતાનો માફી માગતો ફોટો વાઈરલ ન થાય! કોઈ અમ્પાયરે કોઈ બેટ્સમેનને ખોટો આઉટ આપ્યો? ફટાફટ ચોથા કે પાંચમા અમ્પાયર બની જાઓ. ફોટો જ વાઈરલ કરવાનો છે ને? કહેવાય નહીં, કદાચ એની એટલી જલદી અસર થાય ને પેલો બૅટ્સમૅન નૉટ આઉટ પણ જાહેર થઈ જાય!

એમ તો, અમુક આઈડિયાઝ પડ્યા છે આપણી પાસે પણ. બસ એક પછી એક વાઈરલ કરવાનો વિચાર છે. રસ્તે ચાલતાં કે ડ્રાઈવિંગ કરતાં લોકોના હાથમાં મોબાઈલ ચાલુ જ નહીં થાય, મહેમાન ઘરમાં દાખલ થાય એટલે બધાના મોબાઈલ જામ થઈ જાય, એજ્યુકેશન વિધાઉટ ડોનેશનનો કડક કાયદો બન્યો હોય, કાશ્મીરીઓના હાથે આપણા લશ્કરના જવાનોનું ફુલો વડે સ્વાગત થતું હોય, કાશ્મીરના દરેક ઘર પર તિરંગો લહેરાતો હોય, પાકિસ્તાનના લશ્કરની પોતાના ઘરે ઘરવાપસી થતી હોય, ડોનાલ્ડ ટ્રમ્પ યોગાસન કરતા હોય, શાહરુખ, સલમાન અને આમીર ખાને હિમાલયની ગોદમાં ડેરા તંબૂ નાંખી દીધા હોય, ઓસ્ટ્રેલિયાની ટીમના કૅપ્ટનને મકાઈના પરાઠા ખાવાથી મરડો થઈ ગયો હોય અને બાકીના પ્લેયરોએ પણ રમવાની ના પાડી હોય!

અને છેલ્લે, હવેથી સોશિયલ મિડિયા પર ખોટા સમાચાર કે ખોટો વિડીયો વાઈરલ કરનાર પર કેસ ચલાવવામાં આવશે એવું સરકારી ફરમાન બહાર પડ્યું હોય!

બીજા બધા આઈડિયાઝ તો ઠીક છે પણ કેસવાળી વાત વાંચીને, સાચું સમજીને બધાનો ‘વાઈરલ ફિવર’ વાઈરલ થશે કે જતો રહેશે?

3 ટિપ્પણીઓ: