રવિવાર, 14 મે, 2017

‘વેગન એટલે શુધ્ધ શાકાહારી?’–(૧૯)––––‘છુટ્ટા જાનવરોની વચ્ચે પિંજરામાં!’–(૨૦)


દુનિયામાં શાકાહાર અને બિનશાકાહારને લઈને વર્ષોથી ચર્ચાઓ ચાલ્યે રાખે છે. એમાં આપણા જેવા કહેવાતા શાકાહારીઓ ગૂંચવાઈ જાય. શાકાહાર શબ્દનો અર્થ લઈને ફક્ત શાક અને ભાજી જ ખવાય? ને બિનશાકાહારનો અર્થ લઈએ, તો શાકભાજી સિવાયનો બધો આહાર બિનશાકાહારી ગણાય? દૂધ અને ઈંડાં આ ચર્ચાના મુખ્ય ચલણી સિક્કા છે. ઈંડાંને દૂરથી જોઈને લલચાનારા એને બિનશાકાહારી ગણાવીને, ‘નિર્જીવ ઈંડાં’ કહીને આરામથી આરોગી જાય છે. જ્યારે દૂધ અને દૂધની બનાવટો ના હોય તો આપણે ટકી ના શકીએ, એવું માનનારા સૌ આંખ મીંચીને એને પચાવી જાય છે. ફક્ત આ ‘વેગન’ કહેવાતા શાકાહારીઓ (કહેવાતા શાકાહારીઓ નહીં), ફક્ત અને ફક્ત શાકભાજી અને અનાજનો જ ઉપયોગ કરે છે. એ લોકો તો એટલી બધી કડક પરેજી પાળે કે, પ્રાણીમાત્રના નામની આજુબાજુ ફરતી કોઈ પણ વસ્તુ એમને ન ખપે! એમાં મધ પણ આવી જાય ને રેશમ પણ આવી જાય. સ્વાભાવિક છે કે, ચામડાની ચંપલ કે પર્સ તો એ લોકો અડકે જ નહીં. પ્રસાધનમાં કે દવામાં વપરાતી અથવા પ્રાણીઓ પર અજમાવાયેલી ચીજો એમને વર્જ્ય છે! સલામ છે એમને.

આપણા સમાજમાં હજીય એવા રૂઢિચુસ્ત લોકો છે ખરાં, જેઓ બહારનું કે હૉટેલનું ખાવાનું નથી ખાતાં. (પાર્સલ મંગાવીને ઘરમાં પણ નહીં.) ઘરનાં માટે ઘણી વાર એ લોકો માથાનો દુ:ખાવો બની રહે છે. બહારગામ જવાનું થાય તો ફક્ત આ લોકોના માટે જ નાસ્તાના ડબ્બા લેવા પડે. વળી, સતત ધ્યાન રાખવું પડે કે એ લોકો ભૂલમાં કંઈ બહારનું ખાઈ ન લે. નાસ્તો જો બગડી જાય, કે ખોવાઈ જાય, કે ઘટી પડે તો અપરાધીના પાંજરામાં ઊભા રહવું પડે. આ લોકોથી થોડા સ્વતંત્ર વિચારો ધરાવતા, પણ શુધ્ધ શાકાહારી ગણાતા લોકો જ્યાં શાકાહાર અને માંસાહાર બન્ને મળતો હોય એવી જગ્યાએ ખાતાં નથી. ‘કોણ જાણે, અંદર કોણ જોવા ગયું? બધે એક જ ચમચો વાપરતાં હશે. આપણે તો કાઠિયાવાડી ધાબે કે હિંદુ લૉજમાં જ ચાલો.’ બાકીના, બહુ માથાપચ્ચી ન કરનારા ને જ્યાં ભૂખ લાગે ત્યાં ગાડું નહીં પણ ગાડી છોડનારા જે મળે તે ખાઈ લે, માંસાહાર ન કરવાની શરતે.

હવે જો ભારતમાં આપણે આવી બધી ચોક્સાઈ કરતાં ફરીએ તો પછી, પરદેશમાં તો કરીએ જ એમાં શી નવાઈ? અને વાત પણ ખોટી નથી. જ્યાં જ્યાં અમે વેજિટેરીયન ખાણાંની તપાસ કરી, ત્યાં ત્યાં દરેક જગ્યાએ નવી નવી વાનગીઓ જાણવા મળી. ઈંડાં કે માછલી કે પ્રાણીઓને રાંધતાં જે પાણી વધે તેને એ લોકો ‘સ્ટૉક’ કહે, અને આપણે એને રસો કહીએ! તો આ પાણીમાં જુદા જુદા શાક કે નૂડલ્સ કે ભાત બનાવેલા હોય અને એને એ લોકો વેજ.માં ખપાવે! શુધ્ધ એટલે એકદમ શુધ્ધ શાકાહાર માટે તો, આપણે ભારતીય રેસ્ટોરાંઓની અગાઉથી માહિતી મેળવી લેવી પડે અથવા આંતરરાષ્ટ્રીય કક્ષાની ફાઈવ સ્ટાર હૉટેલોમાં, જ્યાં બધા દેશોનું ભોજન મળીરહે ત્યાં ખાવા જવું પડે! હવે ખબર પડી કે, રોમમાં રસપૂરી ને પૅરિસમાં પાતરાં કેમ ખવડાવાય છે અને અમને કેમ અહીં રોજ ખાવાપીવાના જલસા છે! જોકે, ભૂખ્યા પેટે કંઈ ફરવાની મજા આવે? નહીં જ વળી.

આ ટુરિસ્ટોની માનીતી જગ્યા હોવાથી અને દેશવિદેશનું ખાણું સૌને મળી રહે એવી વ્યવસ્થા હોવાથી આ દેશમાં કોઈ ટુરિસ્ટ ભૂખે નથી ટળવળતું. અહીંનું લારી કલ્ચર પણ ખાસ્સું લોકપ્રિય છે. એક તો ચોખ્ખાઈ અને ખૂબ જ ઓછા ભાવે મળતી વાનીઓને કારણે વહેલી સવારથી અહીં લારીઓ ગોઠવાઈ જાય છે. છેક મોડી રાત સુધી આ ગલીઓમાં અવરજવર ને કોલાહલ રહે છે. આપણે ત્યાં પણ લારી કલ્ચરનો વિકાસ કોને આભારી છે? ફરક એટલો જ કે, આપણે ચોખ્ખાઈને મહત્વ નથી આપતા પછી લારીવાળાને પણ શું પડી હોય? જાતજાતની થાઈ વાનીઓ અને જુદા જુદા દેશોની અવનવી ચટપટી વાની અહીં જોવા મળે. સહેલાણીના મેળા માટે વાનગીઓનો મેળો!

અલગ અલગ પ્રકારની કરી ને ભાત અહીંની ખાસ વાનગી ગણાય. ચાઈનાથી આ લોકોએ નૂડલ્સ ને મોટા તાપે વઘારાતા ને ફટાફટ મિક્સ કરાતા શાકભાજી અપનાવ્યા. ચટપટા સેલડ્સ, ચટણીઓ તેમ જ સાથે ઠંડું નાળિયેરપાણી અને રસાદાર ફળોની બહાર તો ખરી જ ખરી. બસ, પછી તો વાનગીઓની ભેળંભેળમાં ક્યારેય કોઈને પહોંચાય? જ્યારે મન થાય ત્યારે અગણિત વિવિધતાઓ માણો.

બૅંગકૉક પહોંચ્યાની રાતે તો, અમારા સૌ માટે એક જોરદાર સરપ્રાઈઝ પાર્ટી ગોઠવાઈ ચૂકેલી! બૅંગકૉકની ખૂબ જ પ્રખ્યાત નદી ‘ચાઓ ફ્રાયા’માં ફરતી ક્રૂઝમાં શાહી સવારીની ગોઠવણ કરાઈ હતી. એ તો ક્રૂઝમાં ગયા પછી ખબર પડી કે, અહીં તો અમારા માટે ડિનર ને ડાન્સની સાથે ધીંગામસ્તી ને ધમાલની પૂરી તૈયારીઓ થઈ ચૂકેલી! નદીના શાંત પાણીમાં, જામતી રાતના અંધકારમાં અને ચળકતી–ઝબૂકતી રંગીન લાઈટોની રોશનીમાં હળવે હળવે સરકતી ક્રૂઝમાં સવાર પાંચસો લલનાઓ! અધૂરામાં પૂરું, આવા સુંદર નઝારામાં હાજરી પૂરાવવા અચાનક આવી ચડેલું વરસાદી ઝાપટું! ઝાપટાની દાદાગીરીથી ક્રૂઝ તો કંઈ હાલકડોલક ન થઈ પણ નદીના પાણી પર રાતના અંધકારમાં ચમકતી લાઈટોના પ્રતિબિંબો અને તેને સતત મિટાવી દેવા મથી રહેલા વરસાદના ઝાપટા વચ્ચે જાણે હોડ લાગી. પવન તો પાણી પર સરકતો સરકતો ક્યાંય દૂર નીકળી જતો લાગતો ને વળી ક્યાંકથી ફરી પાછો આવી પાણીને ગભરાવી નાસી જતો. બારી પાસે બેઠેલાં લોકોના ભોજનમાં પાણીની વાંછટ લાગતી હતી બાકી તો, વાંછટની મજા લેવાની સૌની તૈયારી હતી.

થોડી જ વારમાં આખી ક્રૂઝને પ્લાસ્ટિકથી ઢાંકી દેવાઈ! જેવું પેલું વરસાદી ઝાપટું પોતાનો મિજાજ બતાવીને નાસી ગયું, તેવું જ પેલું પ્લાસ્ટિકનું આવરણ પણ દૂર થઈ ગયું. ફરી સરકતી ક્રૂઝમાંથી દેખાતું રાત્રીનું એ જ મનોહર દ્રશ્ય સૌ માણી રહ્યાં. નદીને બન્ને કિનારે આવેલાં ઊંચાં, ઝગમગતાં મકાનો, રોશનીથી ચમકતાં મંદિરો–ગુંબજો અને સૌને આવકારતી વિશાળ હૉટેલોનો રમ્ય નઝારો માણવાની મજા સૌ ભોજનની સાથે લેતાં રહ્યાં.

એક તરફ એક થાઈ સુંદરી હિન્દી ફિલ્મી ગીતો ગાઈ સૌને અચંબામાં નાંખતી હતી ને તેને સાથ આપવા અમારી નૃત્યાંગનાઓ એમની મસ્તીમાં ઝૂમતી હતી. નૃત્ય ને સંગીતનો આનંદ માણવા કેટલીય બહેનો સામે જ ઊભી રહીને પોતાની ખુશી પગનાં ઠેકાથી જણાવી રહી હતી. બાકીનાં સૌ પોતપોતાની વાતોમાં ને ભોજનના આનંદમાં મગન! ફરી વાર ક્યાં ને ક્યારે આવું ભોજન ને નૃત્ય ને સંગીત ને સુખ? કોણ જાણે.
*****************************************************************************

છુટ્ટા જાનવરોની વચ્ચે પિંજરામાં!–––(૨૦)

જેમને પોતાના દેશમાં વિદેશીઓને આકર્ષી વિદેશી હુંડિયામણ કમાવું હોય, તેઓ પોતાના દેશની શાન ગણાતાં પ્રાણીઓને ભેગાં કરે, બીજાં પણ વિદેશી પ્રાણીઓને આમંત્રે અને એક વિશાળ, સુંદર ઝૂ બનાવી કાઢે. પછી એમાં વિવિધ મસાલા શોના નામે પ્રાણીઓના જાતજાતના ખેલ બતાવે. એમાં પ્રેક્ષકોને પણ સામેલ કરે એટલે આનંદની સાથે રોમાંચ અનુભવતા લોકો શોમાં ભીડ કરે. સ્વાભાવિક છે કે, ટુરિસ્ટો તો આ શો જોવાના જ. બાળકો પણ જોવાના. બસ, એક વાર દુનિયાભરમાં પ્રચાર થઈ ગયો પછી જોવાલાયક જગ્યાઓના લિસ્ટમાં આ ઝૂ કે સફારી પાર્ક કે મરીન વર્લ્ડ અચૂક ગોઠવાઈ જ જાય. અમે તો કંઈમાં બાકી રહેવા ન જોઈએ એ નિયમ અનુસાર સફારી વર્લ્ડ જોવાને બહાને બૅંગકૉકની તિજોરીમાં થોડા ડૉલર જમા કરાવી આવ્યા.

સફારી વર્લ્ડ બે ભાગમાં વહેંચાયેલું છે. સફારી પાર્ક અને મરીન પાર્ક. મરીન પાર્કમાં જાતજાતના શો જોઈ આનંદ મેળવવાનો અને હા, મન થાય તો જાનવરો સાથે ફોટા પણ પડાવી શકાય, પૈસા ખર્ચીને! ભઈ, એમને મળવા તો ગયાં હોઈએ પછી ભાવ ના ખાય? જોકે આ જાનવરો માટે આપણને માન થઈ આવે. કારણ? કોઈ પણ દેશના કે નાતજાતના ભેદભાવ વગર આ લોકો, એમના માલિક જેની સાથે કહે તેની સાથે ફોટા પડાવવા તૈયાર થઈ જાય! તે પણ જરાય નખરાં કર્યા વગર! માણસો તો પોતાનો ફોટો આવતો હોય તો જાનવરો સાથે પણ હોંશે હોંશે ફોટા પડાવે.  અહીં તો બે ઘડી મનોરંજન હતું અને બધા ફોટા પડાવે તો આપણે કંઈમાં રહી જવા ન જોઈએ, એ પણ ખરું. સામાન્ય દિવસોમાં આપણે કશે જતાં હોઈએ અને જો રસ્તામાં આપણને રીંછ કે હાથી કે ઘોડો દેખાઈ જાય તો કંઈ આપણે ફોટો પડાવવા ઊભા નથી રહી જતાં. કશેક ફરવા ગયાં હોઈએ તેનો આટલો ફેર પડે! ઘણી વાર તો સાથે ઊભેલું જાનવર વધારે સંદર ને વ્યવસ્થિત દેખાતું હોય!

દર વખતે હૉટેલ છોડતાં પહેલાં કરાતા નાસ્તાનું વર્ણન કરીને હવે હું કોઈને નિરાશ કરવા નથી માંગતી. એ તો ગયાં હોઈએ એટલે પેટ ભરીને ખાઈ જ લેવાનું હોય ને? ને મન ભરીને ફરવાનું જ હોય ને? એકની એક વાત શું કોઈને માથે મારવી? ‘સફારી વર્લ્ડ’ જોવા અમારી જેમ ટુરિસ્ટો બસોમાં ભરાઈ ભરાઈને આવતા હતા. તેમાં બુરખાવાળી પણ કેટલીય સ્ત્રીઓ આવેલી, એકદમ મોડર્ન! એમના સૅંડલ્સ અને હાઈ હીલના ચંપલ પરથી તેમ જ બુરખામાંથી દેખાઈ જતા જીન્સના પૅંટ પરથી જ અમે અંદાજ લગાવ્યો કે, બુરખો તો ફક્ત લોકોની નજરથી બચવાનું બહાનું છે. બાકી મોડર્ન પરિધાન તો આ લોકો પણ ઈચ્છે છે અને પહેરે પણ છે.

આ સ્ત્રીઓ પણ અમારી જેમ જ ફરવા નીકળી પડી છે. ફરક એટલો છે કે, એ લોકો અમારી જેમ વરને ઘરે મૂકીને નથી આવી. કદાચ વરને જ બીક હશે કે, બે જાતના જાનવર ભેગા થાય ત્યાં બીવીની સલામતી કેટલી ? ધારો કે, એકલી બુરખાનશીનો જ આવી હોત તો? ગાડીમાં જ બુરખા મૂકીને આવી હોત કે નહીં? ખેર, એ તો દરેક ધર્મ કે રિવાજની વાત છે પણ જ્યારે અમે સ્વતંત્રતા ભોગવીએ ત્યારે અમારી જ જાતબહેન આવા બંધનમાં રહે? પેલી અમારી સાથે આવેલી ઘુમટાવાળી અને આમનામાં કોઈ ફરક હતો? કદાચ નહીં. અમારી આગળ કોઈ સ્કૂલની પણ પાંચ–છ બસો આવેલી. તેમાંથી નાનાં નાનાં ટાબરિયાંની ટોળી ઊતરતી જોવાની મજા પડી. સુંદર ને સુઘડ ટાબરિયાંઓની શિસ્ત ને એમની નિર્દોષ ચેષ્ટાઓએ સૌનાં મન હરી લીધાં.

મરીન પાર્કમાં જાતજાતનાં પક્ષીઓ ને પ્રાણીઓનાં મળીને સાતેક શો થાય છે. શો જોવાનો આનંદ લેતાં લેતાં એમને અપાતી ટ્રેઈનિંગ જોઈને પણ મોંમાં આંગળાં નંખાઈ જાય. આપણે ત્યાં તો અસલ, બારણે ગાય કે કૂતરાં સમયસર જો રોટલો ખાવા આવી જતાં તોય આપણે હરખાતાં કે, ‘સાત વાગે એટલે આ ગાય અચૂક આવી જ જાય’ કે પછી, ‘સવારે મંદિરમાં ઘંટ વાગે કે આ કાળિયો પૂંછડી પટપટાવતો ઊભો જ હોય!’ જોકે, અંદરખાને એક વાત કઠે કે, ફક્ત પૈસા કમાવા ખાતર આ મૂંગાં, નિર્દોષ જાનવરોને ભૂખ્યાં પણ રખાતાં હશે અને એમના ઉપર જુલમ પણ થતો હશે. ઘણા લોકો આ શો નથી જોતાં–જીવદયાવાળા. વાત તો સાચી પણ હજારો ને લાખો લોકોમાં આ અવાજ ક્યાંય દબાઈ જાય. વળી, આ તો વિશ્વવ્યાપી સમસ્યા. છૂટક અવાજો ઊઠે, સંસ્થાઓ વિરોધ કરે, કામ કરે ને બધું ચાલ્યા કરે.

સફારી પાર્કમાં જાનવરોની જેમ કે સાથે કોઈથી છુટ્ટા ફરી શકાય નહીં. ફરજિયાતપણે બસમાં બેસીને જ આ પાર્કમાં ફરવાનું અને દૂરથી પ્રાણીઓને જોઈને ખુશ થવાનું. અહીં બધા પ્રાણીઓ, બાપાના બગીચામાં ફરતાં હોય એમ આરામથી ફરતાં ને ચરતાં કે આરામ કરતાં જોવા મળે. એમને તો રોજ એવા કેટલાય લોકો જોવા આવતાં હોય, બધાંને ક્યાં ભાવ આપવા જાય? આપણને જોઈને કોઈ ખુશી ખુશી દોડી આવે કે ગભરાઈને અથવા શરમાઈને ભાગી જાય એવું બધું કંઈ નહીં. આ જ એ લોકોનો મિજાજ મને ગમી ગયો. સૌ સૌની મસ્તીમાં! આપણાથી ક્યાં આટલી છૂટથી રહેવાય છે? કોઈ આવે તો પણ ઠીક ને ન આવે તો પણ ઠીક! કોઈ બોલાવે તો એની મરજી ને ન બોલાવે તો પણ કોઈ કજિયો નહીં! જ્યારે મન થાય ત્યારે ખાવાનું ને જ્યારે મન થાય ત્યારે ઊંઘવાનું! ખુલ્લા પિંજરામાં રહીને સ્વતંત્રતા ભોગવવાની!

અમારી બસ રોજ રોજ બદલાતી રહેતી. ક્યારેક કાજોલ તો ક્યારેક માધુરી, ક્યારેક કરિશ્મા તો ક્યારેક પ્રિયંકા! હૉટેલમાંથી નીકળતાં નક્કી કરેલી બસમાં જ બધાં બેસતાં પણ પાછાં ફરતી વખતે તો જે બસ સામે દેખાય તેમાં બધાં બેસી જતાં. સમયની બચત કરવી પડતી ને બધાં થાકેલાં હોય એ પણ કારણ ખરું. ફાયદો એ થતો કે, દર વખતે નવા નવા ગાઈડ સાથે ઓળખાણ થતી ને મજાકમસ્તી તો ખરી જ. પાર્કની મુલાકાત વખતે ગાઈડે ગમ્મત કરી, ‘કોઈને ટૉયલેટ જવું હોય તો બસ ઊભી રાખીએ.’ સામે જ સિંહોનું ટોળું મૂછ મરડતું હતું! કેશવાળી સંવારવાની સાથે મૂછમાં મલકતું પણ હશે!

એ ગાઈડે બસ ઊપડતી વખતે પોતાની ઓળખાણ આપતાં કહેલું, ‘હા..ય ! મારું નામ ટિફિન છે.’
બોલ્યા પછી એ ક્યાંય સુધી અમારા આશ્ચર્ય પર મલકતી રહેલી. મને થયું, આ લોકોના નામ શું ખરેખર આવાં જ છે કે, ટુરિસ્ટોને ગમ્મત કરાવવા આવા તુક્કા છોડ્યે રાખે છે ? જાણવું પડશે. કાલ ઊઠીને જાણવા મળે કે, કોઈનું નામ થાળી કે વાટકી કે તપેલી છે તો ? ચમચી,ચમચા ને કડછી કે કડછા તો આપણે ત્યાં પણ ક્યાં નથી?

8 ટિપ્પણીઓ:


  1. બહેનજી અમે ન્યૂ યોર્ક,બોસ્ટન શિકાગો, પેરીસ અને લંડન જેવા શહેરોમાં રાતે બોટમાં ફર્યા છીએ,પણ તમારું બેંકકોકનું વર્ણનવાચીને લાગ્યુ. કેહવે બેંકકોક જવું જોઈએ
    બન્ને લેખ સરસ છે. હા, હવે જૈનોમાં વેગન ભોજન પોપ્યુલર થવા માંડયું છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. ખરેખર વર્ણન વાંચ્યા પછી તો થાય કે ક્યારે બેંગકોક જઈએ. ખૂબ સરસ.

    જવાબ આપોકાઢી નાખો
  3. ખાસ સૂચના - વેગનો માટે ...
    ઘઉં, ચોખા, દાળ - એક ભવિષ્યમાં લહેરાઈ શકે તેવા છોડનાં ઈંડાં છે. એ જ રીતે દરેક શાકભાજીમાં પણ એવાં ઈંડારૂપ બીયાં હોય છે !!!
    પથરા અને રેતી પચાવવાની કાબેલિયત તેમને વીકસાવવી રહી !

    જવાબ આપોકાઢી નાખો
  4. variety is your speciality , veg detailes r my big curiocity
    very very interesting

    જવાબ આપોકાઢી નાખો
  5. આભાર અશ્વિનભાઈ. વેરાયટી વગર મજા નીં આવે.

    જવાબ આપોકાઢી નાખો