રવિવાર, 26 માર્ચ, 2017

દરિયામાં પણ બમ્પ હોય? –(૧૧)

ઘણી વાર એવું બનતું હોય કે કદાચ દર વખતે જ એવું બનતું હશે કોણ જાણે; પણ જ્યારે કોઈ ખાસ પ્રસંગ કે ઘટનાને યાદ કરીએ ત્યારે જાણ્યે–અજાણ્યે, કોણ જાણે ક્યાંથી પણ એને મળતી આવતી કેટલીય યાદો એક પછી એક ડોકિયું કરવા માંડે. ‘મને પણ સામેલ કરો ’ એવું કહેવા જ આવતી હશે કદાચ. તેમાં પણ પ્રવાસની વાતો જો માંડી હોય, તો નાનપણથી માંડીને આજ સુધીના નાના મોટા પ્રવાસો એકસામટા ઝળકી જાય.

બૅંગકૉકનો દરિયો જોઈને મુંબઈનો દરિયો યાદ ન આવે તો જ નવાઈ. જુહુ અને ચોપાટી તો મારા બચપણના સાથી. જોકે, સાથી એટલે ફક્ત કલાક– બે કલાક મળ્યાં, વાતો કરી અને છૂટા પડ્યાં એટલો જ સંબંધ. એકબીજાને ઘરે જવાનો તો વિચાર પણ ન કરાય. અરે ! આમંત્રણ પણ ન અપાય નહીં તો અનર્થ થઈ જાય ! એનાથી પોતાનું વિશાળ ઘર છોડીને અવાય નહીં (મજબૂરી), અને મારાથી એના ઘરમાં ખોવાઈ જવાની બીકે જવાય નહીં ! જ્યારે જ્યારે દરિયાને જોઉં, દર વખતે જુદા મિજાજમાં જ દેખાય. કોઈ વાર એકદમ શાંત ને ડાહ્યોડમરો તો કોઈ વાર તોફાની,બિહામણો ને ઘુઘવાટા મારતો ધસી આવે. ક્યારે સૌમ્ય ને ક્યારે રૌદ્ર રૂપ ધારી લે કંઈ જ કહેવાય નહીં. શાંત હોય ત્યારે એવું લાગે જાણે આપણા ચરણોમાં આળોટીને ગેલ કરે છે અને ગુસ્સામાં ઊછળતો હોય ત્યારે તો લાગે કે કિનારાને પણ ગળી જવાનો કે શું ?

આ જ એના બેવડા વ્યક્તિત્વને કારણે મને હંમેશાં દરિયાની બીક લાગી છે. કદાચ એટલે જ, નદીની અને કૂવાની પણ. પાણીનો ભરોસો નહીં. વડીલો કહેતા, ‘આગ અને પાણી સાથે રમત નહીં કરવાની. ’ જોકે, અજાણતાંય કોઈક વાર આ રમતનો પરચો મળી જાય ખરો. વર્ષો પહેલાં દમણના દરિયામાં એક નાનકડી હોડીમાં અમે ચાંદની રાતે નૌકાવિહાર કરવા નીકળેલાં. હોડીવાળા સાથે અમે ચાર જણ હતાં. વાતાવરણ એટલું તો સુંદર કે, હોડી દૂર દૂર સુધી ચાલ્યા જ કરે તોય સંતોષ ન થાય. અચાનક જ હોડી હાલકડોલક થવા માંડી અને દરિયામાં મોજાં ધીરે ધીરે ઊછળવાના શરૂ થયા. નાવિકે સમય પારખી તરત જ હોડી વાળીને કિનારા તરફ જવા હલેસાં મારવા માંડ્યા. આવા સમયે કિનારો થોડો કંઈ એમ જ નજીક આવી જાય ? હોડીના ડ્રાઈવર સિવાય તો કોઈને તરતાં પણ નહોતું આવડતું. હોડીની બેઠકને સજ્જડ પકડી રાખીને અમે સૌએ ભગવાનને ઢંઢોળવાના શરૂ કરી દીધા. ચાંદની રાત તો બાજુ પર, એ રાત અમારી આખરી રાત ન બની જાય તેની પ્રાર્થના સતત ચાલુ રાખી.

હોડી તો દરેક મોજા સાથે ઊછળતી ને લસરતી પોતાની મસ્તીમાં હતી. અમે તો નાવિકને ભરોસે જ હતાં. ક્યારે હોડી હેમખેમ કિનારે પહોંચી ને ક્યારે અમે ત્યાંથી જીવ બચાવીને ભાગ્યાં તે અમારા સિવાય કોઈને આજ સુધી ખબર પડવા દીધી નહીં. બસ, ત્યાર પછી કોઈ દિવસ ખુલ્લી હોડીમાં બેસવાની હિંમત મેં કરી નથી. બંધ હોડી ડૂબી જાય તો ચાલે ? એવું વિચાર્યું જ નહોતું પણ પટાયાની બોટમાં બેઠાં બેઠાં એ ચાંદની રાતની યાદ તાજી થઈ ગઈ.

એમ તો કૂવાની પાળી પર બેસવાની પણ મારી હિંમત ના ચાલે ! અમારા ઘરની પાછળ વાડામાં એક મોટો કૂવો હતો, એના પર આજે એક બહુમાળી ઈમારત છે. ચોમાસામાં આજુબાજુનાં ઘરોનાં છોકરાઓ એમાં તરવા પડતા એટલો એ પહોળો હતો. નહાઈને પછી બધા છોકરા કૂવાની પાળી પર, પાણીમાં પગ બોળીને બેસી રહેતા. મારી તો ફક્ત એ લોકોને જોવાની જ હિંમત હતી. હા, કોઈ વાર જરૂર પડતી તો હું કૂવામાંથી પાણી ખેંચતી ખરી. બાકી, કૂવામાં કેટલું પાણી છે તે જોવા જેટલું પાણી મારામાં નહોતું. મરવાની બીક નહીં પણ પાણીમાં ડૂબવાની બીક !

ખેર, વર્ષો પછી પટાયાના બીચ પર જવા બોટમાં બેઠાં કે બધું એની મેળે જ મગજમાં ઘુમરાવા માંડેલું. નાનપણમાં, મોટાભાઈની જેમ મને પણ તરતાં આવડે એવું સમજીને મેં પણ એમની પાછળ નદીમાં ઝંપલાવી દીધેલું ! અચાનક જ કોઈકનું ધ્યાન જતાં મારો ચોટલો પકડીને મને બહાર ખેંચી કાઢેલી ! (કોણ હતું એ બદમાશ ?) એ તો સારું કે, ત્યારે ચોટલા વાળતી હતી તો રંગીન રીબીન તરતી પેલાને દેખાઈ ને એને પ્રતાપે જ આટલું યાદ કરીને લખી શકી. બાકી તો ? મેં જોયું તો, મારી આજુબાજુની સ્ત્રીઓ પણ દરિયાને જોયા કરતી હતી. કંઈ ખાસ વાતો નહોતી કરતી. સૌને પોતપોતાની આવી જ કોઈ વાતો યાદ આવતી હતી ? ત્યારે તો બચી ગયેલી પણ અહીં દરિયામાં કંઈ થયું તો? મેં ખોટા વિચારોને બ્રેક લગાવી.

મોટરબોટમાં બેઠેલાં ત્યારની એની ઘરઘરાટી ને ફરફરાટી ચાલુ હતી. બોટનો આગલો હિસ્સો થોડો ખુલ્લો હતો ત્યાં આઠેક જણની બેસવાની વ્યવસ્થા હતી. કોઈથી કે કશાથી ન ગભરાતી સાહસિક યુવતીઓએ દોડીને એ જગ્યા પકડી લીધી, જ્યારે અમે ગભરુ ગૃહિણીઓ સલામત જગ્યાએ અંદરના ભાગમાં સામસામે ગોઠવાઈ ગઈ. પેલી ચંચળ યુવતીઓ તો ફિલ્મી હીરોઈનનોની જેમ જાતજાતના પોઝ આપતી ફોટા પાડતી રહી–પડાવતી રહી. બારીની બહાર નજર જતાં દરિયાનું પાણી ઘેરા લીલા કાચ જેવું દેખાતું હતું. જેવો જરાક તડકો નીકળતો કે એ જ પાણી ભૂરા કાચ જેવું લાગતું !

આટલા વિશાળ સાગરમાં વગર કોઈ સિગ્નલે બોટવાળાને રસ્તો કેવી રીતે દેખાતો હશે ? વળી, જ્યાં પહોંચવાનું હોય ત્યાં જ કઈ રીતે પહોંચાતું હશે ? આવા સવાલો  મને મૂંઝવતા હતા પણ અહીં કોને પૂછાય ? બોટવાળાને પૂછાય પણ મોટો પ્રશ્ન ભાષાનો ! જવા દો, હમણાં દરિયાની સહેલગાહની મજા લઈ લઉં નહીં તો અફસોસ રહી જશે. મોજે મોજે મોજ કરાવતી અમારી બોટ ફૂલ સ્પીડે ભાગતી હતી, ઊછળતી હતી અને વધારે ખુશ થઈ જાય તો કૂદકો પણ મારી લેતી. ત્યારે બધાંના મોંમાંથી ઓ..ઓ...ની ચીસ નીકળી જતી. રસ્તા પર સડસડાટ કાર જતી હોય અને અચાનક જ બમ્પ આવતા જેવી ઊછળે, તેવી બોટ પણ વચ્ચે વચ્ચે ખટાક અવાજ આવતો ત્યારે  ઊછળતી ને પાછી સડસડાટ ભાગતી. દરિયામાં પણ બમ્પ બનાવ્યા હશે ? કોણ જાણે.

8 ટિપ્પણીઓ:

  1. એનાથી પોતાનું વિશાળ ઘર છોડીને અવાય નહીં (મજબૂરી), અને મારાથી એના ઘરમાં ખોવાઈ જવાની બીકે જવાય નહીં ! જ્યારે જ્યારે દરિયાને જોઉં, દર વખતે જુદા મિજાજમાં જ દેખાય. કોઈ વાર એકદમ શાંત ને ડાહ્યોડમરો તો કોઈ વાર તોફાની,બિહામણો ને ઘુઘવાટા મારતો ધસી આવે. ક્યારે સૌમ્ય ને ક્યારે રૌદ્ર રૂપ ધારી લે કંઈ જ કહેવાય નહીં. શાંત હોય ત્યારે એવું લાગે જાણે આપણા ચરણોમાં આળોટીને ગેલ કરે છે અને ગુસ્સામાં ઊછળતો હોય ત્યારે તો લાગે કે કિનારાને પણ ગળી જવાનો કે શું ?
    તમારી વર્ણન શક્તિને સો સલામ.
    -----------
    બધે બમ્પ હોય - દરિયામાં ય હોય અને જીવનમાં પણ !!

    જવાબ આપોકાઢી નાખો
  2. this peace was a pleasent combination of POETRY - STORY - TRAVEL
    AND A CHAPTER OF AUTOBIOGRAPHY ! wonderful !
    this unique style will make your serial very very interesting !
    - a d aus

    જવાબ આપોકાઢી નાખો
  3. અમે ૧૯૬૭માં હનીમુન માટે દમણ ગયા હતા. રાતવાસો કરવા જેવું ત્યાં કશું હતું નહીં એટલે મોડી રાતે અતુલ–વલસાડ પાછા આવી ગયા હતા. દિવસ જરા રોમાન્ટિક બનાવવા હોડી ભાડે કરી હતી. અડધા કલાકના ત્રણ રૂપિયા અને કલાકના પાંચ. અમે કલાકનું ઠેરવ્યું . તમે કહો છો તેમ હોી ઉછાળા મારવા લાગી. પત્નીજીએ બૂમો ચાલુ કરી. અને નવી નવી વધુને અપસેટ ન કરતાં દસ મિનીટમાં પાછા આવી ગયા. હનિમુન બહુ સસ્તામાં પત્યું.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ખરેખર, સ્ત્રીઓ અદ્ભૂત હોય છે:) એમની ચીસો આગળ શસ્ત્ર હેઠે મૂકવા જ પડે.

      કાઢી નાખો
  4. V good fantastic ,unbelievable but scary experience,thanks.
    Madhavi Majumdar

    જવાબ આપોકાઢી નાખો