રવિવાર, 12 ફેબ્રુઆરી, 2017

સ્ત્રીઓની ફેંકમફેંક––(૫)


સહપ્રવાસી તરીકે જો સ્ત્રી હોય ને તે પાછી જો વાતગરી હોય, તો એની વાતોથી જેનું માથું દુ:ખે તેનું ભલે દુ:ખે પણ મને તો જલસા થઈ જાય. દુનિયાભરની વાતોનો ખજાનો ખૂલે તે તો ખરું જ, પણ અજબગજબના હાવભાવો ને અવાજના અવનવા આરોહ–અવરોહોનું મિશ્રણ કોના નસીબમાં ? અમારા પ્રવાસમાં તો ફક્ત સ્ત્રીઓ જ હતી અને પ્લેનમાં કોઈએ વાત ન કરવી એવો કોઈ નિયમ પણ નહોતો. બસ, પછી શું જોઈએ ? ભલે ને પ્લેનમાં ટ્રેનના ડબ્બા જેવો ઈકોનોમી ક્લાસ હોય, પણ બેસવાનું તો બધાએ સીટ નંબર મુજબ જ. સિવાય કે, કોઈ સીટની અદલાબદલી સ્વીકારવા તૈયાર થાય તો જોઈતી સીટ મળે. અમારું પ્લેન તો અડધી રાતે ઉપડવાનું હતું અને બારીની બહાર તો કંઈ દેખાવાનું નહોતું, તોય આદત મુજબ બારી પાસેની સીટ માટે આજીજીઓ ચાલુ હતી. જ્યારે સામે પક્ષે, ‘અમારી સીટ છે, અમે શું કામ છોડીએ ?’ જેવી નારાજગી દેખાતી હતી.

મારી ને પલ્લવીબહેનની સીટ વચ્ચે ખાસ્સી દૂરી હતી. અમે બન્નેએ અમારી પાડોશણોને વિનંતી કરી જોઈ, પણ ડોળા ફરતાં અમે એકબીજાથી દૂર બેસવાનું પસંદ કર્યું. જવા દો, ચાર કલાકનો જ સવાલ છે, સમજી મન વાળ્યું. મૂળ કારણ તો પછીથી ખબર પડી કે, એક વાર સીટમાં બેસી ગયા પછી (ફસાઈ ગયા પછી), ફરીથી જેમતેમ ઊભા થવાનું અને બીજી સીટમાં ગોઠવાવાનું દુષ્કર ને કંટાળાજનક કામ કરવા કોઈ તૈયાર નહોતું. અમે સહપ્રવાસીઓએ પરસ્પર સમજી લીધું કે, આપણે એકબીજાને સહન કરવાનાં છે.

દરેકના મનમાં શું હશે તે કેમ ખબર પડે ? કોઈને પહેલી વાર પ્લેનમાં બેસવાનો ડર હશે, તો કોઈને રોમાંચ હશે. કોઈને કસ્ટમ ઓફિસરની બીક હશે, તો કોઈને એર હોસ્ટેસને જોવાનો ને મળવાનો ઉમળકો હશે. (જાણે કે સ્વર્ગની અપ્સરાનાં દર્શન કરવાનાં હોય !) કોઈને પોતાના સામાનની ચિંતા હશે, તો કોઈને પ્લેનમાં મળતાં ભોજનની ફિકર હશે. સ્ત્રી અને ચિંતા શબ્દોનો વધુ વિસ્તાર કરું, એના કરતાં પ્લેનમાં દાખલ થતી દરેક સુંદરીને જરા ધ્યાનથી જોઉં તો મને વધુ આનંદ મળશે, એમ વિચારી મેં મારું સમગ્ર ધ્યાન આગંતુક બહેનો–માતાઓ તરફ વાળ્યું. જેને બારી પાસે જગ્યા નહોતી મળી તે સૌ ઢીલી ચાલે પોતાની સીટ તરફ આગળ વધતી. (આખું પ્લેન જ પારદર્શક કાચ/પ્લાસ્ટિકનું બનાવે તો કાયમનો ઝઘડો જ ખતમ !) જોકે સંતોષી સ્ત્રીઓ તો જ્યાં સીટ નંબર હતો, ત્યાં ડાહીડમરી થઈને ગોઠવાઈ ગયેલી. ભલભલા રાજાઓની ગાદી ગઈ ને ભલભલા પ્રધાનોની ખુરશીઓ ગઈ, ત્યાં બે–ચાર કલાકની મુસાફરીમાં જગ્યાનો શો હરખ શોક કરવો ?

પ્લેનમાં પણ શાંતિ નહોતી. ગણગણાટે શોરબકોરનું સ્થાન થોડી જ પળોમાં લઈ લીધું અને પાયલટે માઈકમાં જાહેરાત કરવી પડી, ‘બહેનો, દીકરીઓ અને માતાઓ, તમે જો શાંતિ રાખો ને પેટે પાટો બાંધીને પોતપોતાની જગ્યાએ બેસી જાઓ તો હું વિમાન ઉડાડવાની તૈયારી કરું. ધન્યવાદ. ’ બે જ મિનિટમાં શાંત થયેલું પ્લેન હવામાં ઊંચકાયું અને બૅંગકૉક તરફ રવાના થયું. અમુક સ્ત્રીઓએ આંખો બંધ કરી દીધી હશે ને અમુકે જીવનરક્ષા મંત્રનો જાપ ચાલુ કરી દીધો હશે એની મને ખાત્રી હતી. મારે સાબિતી શોધવા બહુ ફાંફાં ન મારવા પડ્યા. મારી સહપ્રવાસીમાંથી એકે મારું કાંડું જોરમાં પકડી લીધું અને બીજી તો કાનમાં આંગળાં નાંખી આંખો મીંચીને ટટાર બેસી ગઈ ! અને હું ? બન્નેને જોવાનો આનંદ માણી રહી. આ જ તો મજા છે, આપણને બીજું શું જોઈએ ?

સ્વાભાવિક છે કે, એક જ જગ્યાએ અને એક જ ગ્રૂપમાં જવાની હોવાથી, ચાર ચાર કલાક સુધી તો કોઈ જ ચૂપચાપ ન બેસી શકે ને ? પોતાની ઈમેજ બગાડવામાં કોઈને રસ નહોતો, એટલે ધીરે ધીરે આજુબાજુવાળી સાથે સૌએ વાતોની શરુઆત કરવા માંડી. ‘તમારું નામ શું ?’ અને ‘તમે ક્યાંથી આવો ?’ જેવા સામાન્ય સવાલો પૂછાયા. ‘ક્યાં જવાના ?’ એવું ટ્રેનમાં ચાલે, અહીં તો બધાને ખબર જ હતી ! પછી તો, ‘તમે ગુજરાતી ને અમે મરાઠી ને પેલાં બહેન બંગાળી ને ઓલાં બહેન મદ્રાસી’ જેવી ઓળખાણો ચાલી. મેં ધારી લીધું કે, હવે પછીના સવાલોમાં શહેરની ગલીઓથી માંડીને દીકરા–દીકરીના સાસરાવાળા પણ સમાઈ જવાના છે. ખેર, ચાર કલાક એક જ બેઠક પર પસાર કરવા કંઈ સહેલી વાત છે ? અહીં કોઈ રોજ પ્લેનમાં અપ–ડાઉન નહોતું કરતું કે, બેસતાં વેંત જ વટાણા છોલવા માંડે કે પછી ભરતગૂંથણના સોયા કાઢીને બેસી જાય ! અહીં તો અજાણી જગ્યા અને અજાણ્યા લોકો સાથે મૈત્રી કરવાની પહેલ કરવાની હતી. કેમ કોઈ પાછળ રહે ? હું પણ નહીં.

જો મારી આજુબાજુમાં કોઈ મોટાઈ મારતું હોય, સાચી કે ખોટી– તો મને ગુસ્સો આવતો નથી. ન તો હું એને મારી મોટાઈ બતાવી દેવાના કોઈ ખોટા ખયાલોમાં રાચવા માંડું. ચૂપચાપ એમની વાતો સાંભળ્યા કરું ને ખુશ થયા કરું. આપણે કેટલા ટકા ? મારી બાજુમાં પાંત્રીસેક વર્ષની એક સુંદર યુવતી બેઠેલી. મુંબઈની કોઈ મોટી બૅંકમાં સીનિયર મૅનેજર હતી. વરસમાં ચાર વાર ફોરેન ટૂર મારતી. આ વખતે ફક્ત ચેઈન્જ ખાતર લેડીઝ ગૃપમાં જોડાયેલી. એની બાજુમાં જે બહેન બેઠેલાં, તે એકદમ સાદાસીધાં લાગે. બહુ ઠઠારો નહીં. મેં અનુમાન લગાવ્યું કે, પહેલી વાર બિચારાં પરદેશ જતાં લાગે છે. (જાણે કે, હું તો દર અઠવાડિયે.......હંહ !) પતિના રિટાયરમેન્ટનો સીધો ફાયદો ઊઠાવી લીધો લાગે છે. અથવા તો, બાળકો સારું કમાતા હશે તે એમણે મમ્મીને જાતરા કરાવવાને બદલે બૅંગકૉકની ટૂરમાં મોકલી આપી ! (મન ક્યાં ક્યાં દોડે છે !) એમની વાતોથી જાણ્યું કે, છેલ્લાં બાર વર્ષોથી એ આ ગૃપ સાથે પરદેશની ટૂરોમાં ફરતાં રહે છે ! યુરોપ, અમેરિકા ને જાપાન તો બબ્બે વખત જઈ આવ્યાં ! મારું માથું ચકરાઈ ગયું. મારું જીવતર ધૂળમાં જ ગયું ને ? જીવ્યા કરતાં જોયું ભલું, એ વાત આ બહેને કેટલી સરળતાથી પચાવી હશે ? ને આપણે બીજાની પંચાત કરતાં જ રહી ગયાં. મેં આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લેવા શરુ કર્યા કે, પેલી મૅનેજરે પૂછ્યું, ‘ગભરાટ થાય છે ? એર હૉસ્ટેસને બોલાવું ?’ મેં હસીને ના પાડી. મારી બેચેનીનું કારણ કેવી રીતે કહું ?

આ બે જણી સાચું બોલે છે ? મને કેમ વિશ્વાસ નથી બેસતો ? એરપોર્ટ પર સાંભળ્યા મુજબ તો, કોઈ ટીવી સિરિયલમાં કામ કરતી હતી, તો કોઈ બહુ મોટો બિઝનેસ સંભાળતી હતી ! કોઈ રેડિયો સિંગર હતી, તો કોઈ એક્સપર્ટ સ્વિમર હતી. કોઈ હૉટેલમાં હેડ શેફ હતી, તો કોઈ ટ્રૅકિંગની શોખીન. આ બધામાંથી, અડધા ઉપરની સ્ત્રીઓ તો આ ટૂરવાળાઓની કાયમી ગ્રાહક હતી. આ બધું જાણીને કોઈને બી ચક્કર આવી જાય કે નહીં ?

શું સ્ત્રીઓ આટલી બધી હોશિયાર છે ? એ વળી ક્યારથી થઈ ગઈ ? આ બધી તદ્દન ગપોડી છે કે પછી, સ્ત્રીઓની દુનિયામાં મારા પહેલા પ્રવેશે મને ચોંકાવી દીધી છે ? આ બધીઓ તો પાછી એકલી જ બધે ફરે છે ! સાથ છે તો, બહેનપણી કે કોઈ કુટુંબીનો. આને કે’વાય ખરો પૂંછડા વગરનો પ્રવાસ ! વાહ વાહ ! ન માનવાનું કોઈ કારણ જ નથી. ભલે ને થોડાં વધારે ગપ્પાં બી મારી લેતી. ભલે ને મારા જેવીને જલાવતી ને ખુશ થતી. હમણાં જો હું એમ કહેત કે, ‘હું લેખક છું. મેં ૩–૪ પુસ્તકો લખ્યાં છે ને મારી છાપામાં કૉલમ ચાલે છે ને મૅગેઝિનોમાં પણ લેખો આવે છે. ’ (મારી બીજી સિધ્ધિઓ મને ત્યારે યાદ ન આવી, નહીં તો લિસ્ટ હજી લાંબું થાત.) તો શું એ લોકો મારી વાતને ગપ્પું માનત ? બહુ બહુ તો એમ કહેત કે, ‘તમે લખતાં હશો માની લઈએ, પણ તમે હાસ્યલેખક છો એટલું મોટું ગપ્પું નહીં મારો તો ચાલશે. તમને જોઈને તો બિલકુલ માનવામાં નથી આવતું કે......’ (!) તો શું એમની વાતો મારે માની લેવી ? હું ને ગપ્પીદાસ ? એમ તો પલ્લવીબહેન પણ ડૉક્ટર છે; તો શું એમને જોઈને કોઈ ના પાડશે કે, ‘પ્લીઝ, આવડું મોટું ગપ્પું નહીં મારો. ’

એટલે, મારે પણ મન સાથે સમાધાન કરવું જ પડ્યું કે, આ બધી ભારતીય, સાહસિક નારીઓ ફેંકમફેંક નહોતી કરતી. બધી સાચી જ હતી !

8 ટિપ્પણીઓ:

  1. Absolutely brilliant and factual. Always a pleasure to read your articles.
    Piyush
    Toonto

    જવાબ આપોકાઢી નાખો

  2. બહુ સરસ શરુથી અંત સુધી રસ જળવાય રહે છે.

    જવાબ આપોકાઢી નાખો
  3. on behalf of man community i have to appriciate your frank open heart disclosures of woman community pecularities , so nice of u
    will this make us wait for next episode very curiously ? yes - ashvin desai australia

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આ પ્રવાસનો મારો મુખ્ય હેતુ પાર પડ્યો અને તમને લેખ ગમ્યો તેનો આનંદ.

      કાઢી નાખો
  4. Kalpanaben,
    I have read your Singapore and Turkey pravas....every time you come up with brilliant ideas on your flight experiences....this time I was curious what are you coming up with and kharekhar.....man na padega...I am totally surprised to read these experiences. thoroughly enjoyed.
    Harsha

    જવાબ આપોકાઢી નાખો