રવિવાર, 10 એપ્રિલ, 2016

બાય બાય અન્તાલ્યા...બાય બાય ખાન હૉટેલ

ખાન હૉટેલના પહેલા દિવસના ભોજનના અનુભવે, અમે ઘરના નાસ્તાને હાથ લગાવ્યા વગર જ સાંજ ગુજારેલી. કોઈ શાહી લગનમાં આમંત્રણ મળ્યું હોય ને વિવિધ ભોજનના વિચારે મન જેવું ચકડોળે ચડે તેવું જ અમારા ત્રણેયનું મન ઘુમરી ખાતું હતું. પારુલના પગને કારણે અમારી ચાલ ધીમી હતી, બાકી તો સૌથી પહેલાં અમે જ ખાવા પહોંચી જાત. અધૂરામાં પૂરું, બીજી સવારે તો પાછી મળસ્કે જ અમારે આ હૉટેલ, આગલા પ્રવાસ માટે છોડી દેવાની હતી ! મતલબ કે, સવારનો નાસ્તો ગુમાવવાનો હતો. અમે ત્રણેય બબડ્યાં, ‘આ લોકોને હારાને ટાઈમટેબલ ગોઠવતા જ નીં આવડે. માણહ હવારના પો’રમાં નાસ્તો કરીને નીકરે કે નીં ? આજે હો આપણે તો નાસ્તો નીં કરેલો. તો હું કાલે ભૂખા જ એરપોર્ટ દોડી જવાનું ? પ્લેનમાં તો હું મલે તે એ લોકોને નથી ખબર ?’ બીજા દિવસ માટેનો જીવ બાળતાં અમે ડાઈનિંગ હૉલમાં પહોંચ્યાં. હવે તો અમને સારી રીતે ખબર હતી કે, ક્યાં શું મૂક્યું હશે એટલે ડિશ લઈને ભરવા જ માંડવાની હતી. મજાનું મેનૂ અ’વે તો તમને હો ખબર જ છે.

જે કોઈ ત્યાં ખાવા આવતું તે ડિશ લઈને પોતાને ભાવતી વસ્તુ લેવામાં ને ડિશ સજાવવામાં એટલું તલ્લીન થઈ જતું કે, એને આજુબાજુ કોઈના તરફ જોવામાં કોઈ જ રસ નહોતો પડતો. બાકી તો, સામાન્ય રીતે આવી જગ્યાઓએ લોકો આજુબાજુના લોકોને જોવામાં પણ આનંદ માણતાં હોય. અહીં તો દરેકને ભોજનના આનંદ સિવાય બીજા કોઈ આનંદની પડી નહોતી. અમને શાંતિ થઈ કે, ચાલો આપણે એકલાં જ આવા નથી કે, જેમને ફક્ત મેનૂમાં જ રસ છે.

નિરાંતે બેસીને ખાતી વખતે અમે ખાસ વાતો કરતાં નહીં ને જો કરતાં તો ફક્ત ખાવાની વાતો જ કરતાં ! ખાવા પર આટલું લાંબું પુરાણ ચલાવવાનું કારણ એક જ કે, અહીંની વાનગીઓની સજાવટ અને વૅરાયટી જોઈને અમે તો બો ખુશ થયલા. જોકે, એવી જ હાલત ત્યાં આવનાર સૌની થતી એટલે અમારે કોઈ શરમ તો અનુભવવાની નહોતી. ઉલટાનું અમને જાણવા મળ્યું કે, આખી દુનિયામાં ખાવાપીવાને મામલે બધાંની મનોવૃત્તિ સરખી જ હોય છે, ફક્ત ડાયેટિંગ કરવાવાળા સિવાય. એ લોકો પણ મન મારીને જ રહેતાં હશે, બાકી બત્રીસ ભોજનના થાળ આગળ કોણ ન ઝૂકે ? પેટ ભરેલું હોવા છતાં બીજા દિવસે અહીં ખાવા નથી આવવાનું એ વિચારે અમે થોડાં નિરાશ થઈ હૉટેલમાં ચક્કર મારવા નીકળ્યાં. ફક્ત ખાવાપીવાના ધ્યાનમાં, જ્યાં રહેલાં તે હૉટેલ પણ ન જોઈએ ને જો કોઈ પૂછે કે હૉટેલ કેવી હતી ને ત્યારે અમે કહીએ કે, હૉટેલ તો અમે જોઈ જ નહીં, તો કેવું ખરાબ લાગે ?

‘ચાલો ભઈ, હવારે પાછુ વે’લ્લા ઊઠવાનું છે. તણ વાગે ઊઠહું તો જ પત્તો પડહે. હાત વાગાની ફ્લાઈટ છે ને પાંચ વાગે તો ગાડી લેવા હો આવી જહે.’ અંજુએ યાદ કરાવ્યું ને અમે રૂમમાં જઈ બધો સામાન ચેક ને પૅક કરી વહેલાં સૂઈ ગયાં. અહીં એક વાતે નિરાંત હતી. આખા દિવસના થાકે બધાં પડતાંની સાથે જ ઊંઘવા માંડતાં. આમેય ગપ્પાં મારીને કે ટીવી જોઈને મોડા સૂવાના કોઈમાં હોશ પણ રહેતા નહીં. વળી અહીં ક્યાં કોઈ સિરિયલ કે પિક્ચર આવવાનાં હતાં ? રાત્રે સૂતાં પહેલાં જોકે, મોબાઈલ ચાર્જ કરવાનું ને એલાર્મ મૂકવાનું કોઈ ભૂલતું નહીં. અંજુ તો અર્ધી રાતે પણ બે ત્રણ વાર ઝબકીને ઊઠી પડતી ને જોઈ લેતી કે, મોબાઈલ ચાર્જ થાય છે ને ? એની આ ઝબકારાવાળી ઊંઘ ને ફોનની તકેદારી આગળ ઉપર અમને ઘણી કામ આવવાની હતી.

સવારે પણ અંજુ જ પે’લ્લી ઊઠીને વહેલી પરવારી જતી પછી અમને પૂછતી, ‘ચાલો તો ભઈ, બાથરૂમ ખાલી છે. કોણ જાય છે ?’ વહેલી સવારની મજાની ઊંઘનો ત્યાગ કરવાની અમારા બેમાંથી કોઈની તૈયારી ન હોય એટલે હું પારુલને પૂછું, ‘પારુલ, તુ જાય કે ઉં જાઉં ?’ મનમાં તો ઈચ્છું કે જવાબ ‘ઉં જાઉં છું’ એમ જ આવે પણ એનો જવાબ હોય, ‘કંઈ નીં, તમે જઈ આવો ને.’
‘અ’વે હવાર હવારમાં મને માન નીં આપહે તો હો ચાલહે. એવુ કંઈ નીં કે, ઉં મોટી એટલે તારે મને જ પેલ્લા જવા દેવાની. મને એવુ કઈ નીં મલે. કોઈને મૂકીને તો કોઈ થોડુ જતુ રે’હે ? જવાના તો આપણે બધા હાથે જ છે ને ? તારે જવુ ઓ’ય તો તુ જા. ઉં પછી જવા.’

‘પ્લી...ઝ, તમે હવાર હવારમાં કાં ખપાવવા બેઠા ? આટલુ બધુ બોઈલા એટલામાં તો તમે જતા હો રી’યા ઓ’તે. અ’વે રે’વા દેઓ, ઉં જાઉં છું ભાઈ.’ કહેતી પારુલ ઊઠે કે, હું પાછી એકાદ ઝોકું કાઢી લઉં. અંજુએ તો તૈયાર થઈને પાછું લંબાવી જ દીધું હોય ! મને એની આ રીત ગમી. કોઈ જગ્યાએ કોઈ દિવસ મોડા ન પડાય. મારા જેવા સમયસર બધું થઈ રહેશેની ગણતરી કરવાવાળાંનાં પાસાં કાયમ ઊંધાં જ પડતાં હોય ને સરવાળે રઘવાટ ને ગભરાટ. એટલે જ મેં તો નક્કી કર્યું જ છે કે, ચરતાં જ રે’વાનું એટલે કે, પ્રવાસ તો કરતાં જ રે’વાનું. ક્યારે, કયા રૂપમાં ને કોણ આપણને ગુરુ બનીને જ્ઞાન આપવા હાજર થઈ જાય તે કંઈ કહેવાય નહીં.

મળસ્કે અંધારે પાંચ વાગે હૉટેલ છોડી અમે ગાડીમાં નીકળ્યાં એરપોર્ટ તરફ. તે દિવસવાળા જ કાકા અમને મૂકવા આવેલા. એમને ટિપ આપી, આવજો કહીને કસ્ટમવિધિ પતાવી અમે ઈસ્તાનબુલ જતા પ્લેનમાં રવાના થયાં. અન્તાલ્યાને બાય બાય કરતાં અમે ખાન હૉટેલને પણ બાય બાય તો કર્યું જ પણ ભારે મને. અંધારાને લીધે અન્તાલ્યા ફરી જોવા મળ્યું નહીં. જોકે, હવે નવી જગ્યા ને નવા અનુભવો પણ લેવાના હતા એટલે મનને ફરીથી અમે પ્લેનમાં ગોઠવ્યું.

આ વખતે હો અમે ફરી પાછા ઈસ્તાનબુલ જહું, એરપોર્ટ પર બેસહું (તમને કદાચ થાય કે, આમાં ‘સ’નો હ કેમ નીં થયો ? તો, એ ઉં નીં જાણું ? એ તો અમારી બોલી એવી જ.) ને તાંથી જ બારોબાર કાપાડોક્યા ! ઈસ્તાનબુલ તો છેક છેલ્લે આવહે. કઈ નીં ચાલો કાપાડોક્યા તો જઈએ, જેના હારુ ખાસ રાહ જોતા છે તે બલૂનમાં બેહવા તો અંઈએ હુધી આઈવા. પલ્લવીબેને તો બલૂનમાં ઊંચે જતા પોતાના ફોટા હો મોકલેલા ને અંજુ તો બલૂન રાઈડની પાછળ પડી ગયલી. જોકે અમને હો બલૂનમાં બેહવાનું મન નીં ઊતુ એમ કેમ કે’વાય ? હા...ય ક્યારે આવે અ’વે કાપાડોક્યા ?

7 ટિપ્પણીઓ:

  1. સામાન્ય રીતે આવી જગ્યાઓએ લોકો આજુબાજુના લોકોને જોવામાં પણ આનંદ માણતાં હોય !!અહીં તો દરેકને ભોજનના આનંદ સિવાય બીજા કોઈ આનંદની પડી નહોતી. અમને શાંતિ થઈ કે, ચાલો આપણે એકલાં જ આવા નથી કે, જેમને ફક્ત મેનૂમાં જ રસ છે !!! Manosthiti nu varnan pravas ne rasprad banave chhe!

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. સાચું કહ્યું. હું અજાણપણે પણ જુદા જુદા લોકોને જોવામાં જ વધારે ધ્યાન આપું છું. એમની વાતો ને વર્તનની વિવિધતા મને હંમેશાં ગમે છે. સાથે સાથે મારા વિચારોને ને વર્તનને પણ સરખાવતી રહું. પ્રવાસમાં દરેકની અલગ નજર હોય ને આનંદનાં કારણો પણ અલગ.

      કાઢી નાખો
  2. કલ્પનાબેન, વાનગીઓના નામ દીધા વગર જે વર્ણન તમે કઈરું ને કે અમને હો મોઢામાં પાણી આવી ગ્યું. હવે અમે હો તમારી હાથે કાપાડોક્યા - બલૂનમાં ફરવા આવવાના.

    જવાબ આપોકાઢી નાખો
  3. ચાલો જલદી, બુકિંગ ફુલ થઈ જહે તો ઉપાધિ. (મેનૂમાં રસ છે ?)

    જવાબ આપોકાઢી નાખો
  4. ખરેખર,વાંચવામાં મઝા આવી.પણ કઈ કઈ ટર્કીશ વાનગીઓ હોય શે.તે લખોને !

    જવાબ આપોકાઢી નાખો
  5. આગલા હપ્તાઓમાં ખાન હૉટેલને યાદ કરતી વખતે એ વાનગીઓ મમળાવી લઈશું.

    જવાબ આપોકાઢી નાખો