રવિવાર, 7 ફેબ્રુઆરી, 2016

એરપોર્ટ સુધી કેમ પહોંચવું ?

મુંબઈ અંજુને ત્યાં ગુરુવારે સાંજ સુધીમાં પહોંચવું જરૂરી હતું કારણકે બરાબર અર્ધી રાત્રે અમારે અમારા પ્રવાસસ્થળ ટર્કીને ખાતર ઘર છોડવાનું હતું. મળસ્કે સાડા પાંચે તો અમે ટર્કી માટે હવામાં ઊડવાનાં હતાં. અમે સુરતથી નીકળ્યાં કે અંજુનો ફોન આવ્યો, ‘હાંજના પિક્ચરની આપણી ટિકિટ બુક કરાવું ?’

‘પિક્ચર ?’ અમારા બંનેના મોંમાંથી આશ્ચર્ય ડોકાયું.
‘અરે, બો મસ્ત પિક્ચર છે. મારું જોવાનું બાકી જ છે. ને કાલે સુક્કરવારે તો નવું પિક્ચર પડહે, તો ઉં તો જોવાની જ ર’ઈ જવા. તમે આવતા જ છે તો આપણે હાથે જ જોઈ લાખીએ.’
‘ખરી છે આ તો ! કંઈ થાક બાક લાગે કે નીં ? આપણે ક્યારે પોં’ચહું તે કઈ નક્કી નીં ને મોડા બોડા પઈડા તો ટિકિટના પૈહા જહે. પાછું આખી રાતનો હો ઉજાગરો જ થવાનો છે, તાં વરી પિક્ચર જોઈને વધારે થાકવાના ? એના કરતા ઘેરે જ આરામ કરહું.’ મેં ને પારૂલે સરખો અભિપ્રાય દર્શાવ્યો પણ અંજુના આગ્રહ આગળ અમે હારી ગયાં. દર સુક્કરવારે પિક્ચર જોય તો જ કંઈ સુક્કરવાર વરે એવું ? કોણ જાણે. શોખની વાત છે ભાઈ.

પ્રવાસના મૂળ સ્થળે પહોંચવા પહેલાં દર વખતે નાના નાના બે ત્રણ પ્રવાસો મારે કરવા પડે. ઉચ્છલથી સુરત કે ઉચ્છલથી મુંબઈ જવા માટે ટ્રેન, બસ કે ટૅક્સીમાં ને ત્યાંથી એરપોર્ટ ને પછી જેની આતુરતાથી રાહ જોઈ હોય કે જ્યાં પહોંચવા માટેની બધી તૈયારીઓ કરી હોય તે દેશ કે શહેર. જેટલું બોલવાનું કે વિચારવાનું સહેલું લાગે એવું કદીય મારે તો હોતું નથી કે બનતું નથી. તેમાંય મારે તો એરપોર્ટ સાથે પહેલેથી જ કોઈ અજબ લેણાદેણી છે, તે નાના મોટા ગોટાળા કર્યા સિવાય મને એરપોર્ટ છોડવાનું ગમે નહીં. જો સામાન ને હું પોતે સિક્યોરિટી ચેકિંગમાંથી હેમખેમ બહાર નીકળી ગયાં તો મને પોતાને નવાઈ લાગે. ના ના, આ લોકોની કંઈક ભૂલ થાય છે. મારા સ્વભાવ મુજબ જરૂર મારા પર્સમાં કે મારી બૅગમાં નક્કી કંઈક તો રહી જ ગયું હશે. મારી સાથેવાળાં પણ હવે તો મારો ઈતિહાસ જાણતાં થઈ ગયેલાં, એટલે મને પૂછે, ‘કંઈ ના નીકળ્યું ? એવું કઈ રીતે બને ?’

જોકે, આ સારી કહેવાતી વાતમાં મારાથી પેલા સિક્યોરિટીવાળાને જઈને એમ થોડું કહેવાય કે, ‘મૅડમ /સર, તમારી કોઈ ભૂલ થતી લાગે છે. મારી બૅગ ને પર્સ બરાબર તપાસો. કંઈક તો મળી જ જશે.’ આ વખતે તો બંને બહેનોએ મને દસ વાર યાદ કરાવેલું, ‘મે’રબાની કરીને તું કાતર કે સોય કે સેફ્ટીપિન હો નો લેતી. અમે બધું જ લીધું છે. મહેરબાની કરીને તું કસ્ટમમાંથી હેમખેમ નીકરી જજે. પછી ટર્કી તો આરામથી પોં’ચી જહું.’ મેં બહુ સાવધાની રાખીને બૅગ ને પર્સ તૈયાર કરેલાં. સાંજે અમે મુંબઈ પહોંચી ચા નાસ્તો કર્યો કે, પિક્ચરનો ટાઈમ થઈ ગયો ! એ દરમિયાન સતત દરેક ઘરનાં બધાંના ફોન ચાલુ જ હતા. ‘પોં’ચી ગીયા ? અ’વે આરામ કરીને તમારો સામાન, ટિકિટ, પૈહા ને પ્લેનનો ટાઈમ વગેરે એક વાર ચેક કરી લેઓ. પછી સાંતિથી નીકરો ને થોડી ઊંઘ કા’ડી લેજો બધા એટલે બો થાક નીં લાગે.’
‘અમે તો પિક્ચર જોવા ચાઈલા.’ અમે ધડાકો કર્યો.
‘ખરા ભઈ ! તમે લોકો હો પિક્ચર જોયા વગર હું ર’ઈ ગયલા જે ? કંઈ તમારા બધાની ઉંમર બુંમર જોવાની કે નીં ? થાકહો બરાબરના. અ’જુ હો માંડી વારો ને હૂઈ જાઓ જરા વાર.’

અમે તો હા હા કહીને ફોન મૂકી દીધો ને પિક્ચર જોઈને બહાર જમીને નિરાંતે ઘરે પહોંચ્યાં. ‘આ લોકોને કંઈ હમજ જ નીં પડે. આપણી ઉંમર થઈ ગઈ ? હંહ ! આપણા કરતા હો કેટલી ડોહી ડોહી, કાં કાં જાય ને એખલી એખલી ફરે તેની એ લોકો જ આપણને વાત કરતા ઑય ને આજે આ લોકો જ આપણને સલાહ આપ્પા બેઠા. આવી આઝાદી, આવી મોજમસ્તી આપણે કાં ઘડી ઘડી માણવાનાં ? તણ બહેનો ભેગી થયલી છે તો અમારી મરજી થાય તેમ કરીએ. અ’વે આવી બધી સલાહ આપ્પા ફોન નીં કરતા બાપા.’ અમે ત્રણે બબડાટ કર્યો.

‘આપણે હૂવુ નથી હં. ભૂલમાં જો બધા જ હૂઈ ગીયા ને તો જઈ રી’યા ટર્કી.’ અમે જાગવાનું જ રાખ્યું ને ફરી એક વાર બધાં બૅગ ખોલીને બેઠાં. મૂળ વાત હતી પૈસાની વહેંચણીની. ટર્કી જઈને રૂપિયા પૈસાને ભૂલી જવાનાં હતાં. ત્યાં તો યુરો ને લીરા ચાલે. બધાંએ પર્સમાં ખપ પૂરતું ને હૅન્ડબૅગમાં નવું ચલણ ગણીને મૂકી દીધું. હવે પાછાં ફરીએ ત્યાં સુધી જીવની જેમ આ બે વસ્તુ સાચવવાની હતી. એક યુરો જો ખોવાયો તો સિત્તેર રૂપિયા ખોવાયાનો અફસોસ કરવો પડે ! ના ના, બહુ ગણી ગણીને યુરો વાપરવા પડશે નહીં તો, આપણા લીરેલીરા ઊડી જશે.

અચાનક મારું ઘડિયાળ પર ધ્યાન ગયું, ‘ઓ..અઢી વાગી ગીયા ! ને અ’જુ ડ્રાઈવર હો નીં આઈવો.’ અઢી ત્રણ વાગ્યે ઘરેથી નીકળવાનું હતું પણ ડ્રાઈવરનો પત્તો ન હતો. ઘરે જઈ આવું, કહીને ગયેલો તે નક્કી સૂઈ જ ગયો હશે. હવે ? એનો ફોન પણ બંધ. અમારી હાહાઠીઠીમાં સોપો પડી ગયો. હવે ? ટૅક્સીમાં આ ટાઈમે એકલાં નીકળવાનું જોખમ લેવાનું ? બધાંની બૅગમાં જોખમ ને જાય તો બધાના પાસપોર્ટની સાથે જીવ પણ જાય ! હવે ?
‘ડ્રાઈવરને જવા જ નીં દેવાનો ઉતો.’ મેં સલાહ ચાલુ કરી.
‘હં ને, તે જ ને.’ પારૂલની ટાપસી આવી.
‘હા, મને હો થતુ છે અ’વે કે નીં જવા દેતે તો ચાલતે. અં’ઈ જ હૂઈ રે’તે તે હો ચાલતે. એણે કીધુ કે, બેન ચિંતા નો કરો, ઉં આવી રે’વા. એટલે મેં વરી એને જવા દીધો.’
અંજુ નર્વસ થઈ ગઈ. થોડી વાર પહેલાંની બધી મજાકમસ્તી પર રાહ જોવાની ઘડીઓ પથરાઈ વળી. એવામાં બારણે બેલ વાગી ને પાટિલભાઈ પધાર્યા. હાશ !

‘ચાલ ભાઈ ચાલ, આપણો ટાઈમ થઈ ગ્યો.’ અમે પાટિલને ગભરાવ્યો.
‘બેન, ટૅક્સી નહીં મિલા તો મૈં તો ચલકે આયા.’ ઓહ ! બિચારાએ કેવી રીતે ફરજ નિભાવી ? ધન્ય છે.
‘અરેરે ! સૉરી ભાઈ, લેકિન અબ જલ્દી ચલો. અપના ટાઈમ હો ગયા હૈ હં !’
અમારો સંઘ ઉપડ્યો એરપોર્ટ તરફ. એરપોર્ટ પર વહેલાં વહેલાં સામાન સરકાવતાં પહોંચ્યાં લાઈનમાં. કોઈ ખાસ માથાકૂટ વગર સૌનો સામાન ને અમે સૌ, બધા અંતરાયો વટાવીને હેમખેમ બધી પરીક્ષાઓમાંથી પાસ થઈને નીકળી ગયાં. હા....શ ! મનોમન ગંગાસ્નાન.

ત્રણેય એકલાં જ ને પહેલી જ વાર આ રીતે વિદેશપ્રવાસે નીકળેલાં ! અજાણી ભૂમિ ને અજાણ્યાં લોકો ! ત્યાં કોણ મળશે ? લોકો કેવાં હશે ? વાતાવરણ કેવું હશે ? ઠંડી વધારે હશે ? વરસાદ તો અમારી મજા નહીં બગાડે ને ? હજી થોડા દિવસ પહેલાં જ ત્યાંના એક શહેર પર બૉંબમારો થયેલો. અમને તો કંઈ નહીં થાય ને ? બીજું તો ઠીક, ફરવાનું રહી જશે ને આટલા દિવસોની બધી તૈયારીઓ ફોગટ જશે. પૈસા પડી જશે ને ઘરનાં બધાં મશ્કરી કરશે તે અલગ !

ચાલો જવા દો, બધી ચિંતા છોડો ને જે થવાનું હોય તે થવા દો. આમેય પ્રવાસે જ નીકળ્યાં છીએ ને ? તો પછી જોખમથી કેમ ડરવાનું ? બધા અનુભવો લેવાના. આરામથી તો ઘરમાં બેસીએ જ છીએ ને ? ટરકી જવાનું ટર્કીમાં લખેલું ઓહે તો ભલે તેમ થતું પણ ઊંચા જીવે નથી જવું. જસ્ટ રિલેક્સ !
ને અમારું પ્લેન ઉપડ્યું ટર્કી તરફ, વ્હૂઉઉઉઉઉ...

10 ટિપ્પણીઓ:

  1. કલ્પનાબેન,
    કેવુ પડે તમને તન્નેવને. પિચ્ચર હો જોઇ લાઈખું. મજા કરી આઈવા ને? પણ પછી હું થીયું?

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. હાસ્તો પલ્લવીબેન મજા તો કરી જ પણ પછીના હારુ તો આવતા રવિવારની રાહ જોવી પડહે.

      કાઢી નાખો
  2. taraki javaanu jo ,,, vaaky khadakhadaat hasaavi gayu !
    darek praantnaa gujaraatione aa pravaas lekh maalaa gamashe j
    - ashvin desai australia

    જવાબ આપોકાઢી નાખો
  3. આભાર અશ્વિનભાઈ. તમારી શુભેચ્છા ફળે એવી આશા રાખું.

    જવાબ આપોકાઢી નાખો
  4. પ્રિય કલ્પનાબેન,
    તમારો લેખ વાંચી પ્રતિભાવ આપવા ગઈ અને ટાઈપ જ ન થાય એટલે આ પત્ર. ટર્કીનો કે બીજા પણ તમારા લેખ અને તે બી આપણી અનાવલિ ભાસામાં એટલે નેબર્સ એન્વી ઓનર્સ પ્રાઈડ જેવો ઘાટ છે! ખરેખર પીઠ થાબડવાનું મન થાય જ. અભિનંદન. પારુલ અને અંજુને પણ આ સાહસ બદલ ધન્યવાદ. મજામાં?
    લિ: બકુલા

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો

    1. આભાર બકુલાબેન,
      લેખ અને ભાસા ગમી એટલે ઘણી જ ખુસી થઈ. પારુલ ને અંજુને તમારો સંદેસો આપી દેવા. બધ્ધા મજામાં.

      કાઢી નાખો
  5. Vah....bhare sfurtila tame...Uchhalthi Mumbai ne pachhi picture ne pachhi udva mandya...exciting...awaiting for the next episode..

    જવાબ આપોકાઢી નાખો
  6. ભઈ, ફરવા જવાનો આનંદ ને રોમાંચ જ અલગ. થાક તો પછી ખબર પડહે.
    લેખ ગમ્યો. આભાર સંધ્યાબેન.

    જવાબ આપોકાઢી નાખો
  7. લેખ બવ ગમ્યો. ખાસ તો ભાસા ગમી. જોકે મઝા જ ભાસાની છે. ાવાલ એક– કઈસાલમાં ગયા હતા? સ્વાલ બે પાટિલભાઈ ચાલતા આઈવા પછી તે તમને કેવી રીતે એરપોર્ટ લૈ ગયા? જો એકાદ વાક્ય ઉમેર્યું હોત તો સારું.
    પિક્ચર જોવાની તમારી હિંમતને દાદ દેવી જૌઈએ. અમે મોટે ભાગે બહાર ડિનર લઈએ છીએ. આરામ તો પ્લેનમાં થાય છે જ.બીજા ભાગની રાહ જોઈશું.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. તમારા સૌના અભિપ્રાયોથી તો લખવાની મજા આવે છે. આ તો હજી દિવાળી પહેલાંની જ વાત છે. તાજો જ અનુભવ. તમારી વાત સાચી છે. પાટિલભાઈ અંજુબેનના ઘરની ગાડીમાં મૂકવા આવેલા. બીજો ભાગ હાજર છે.
      આભાર.

      કાઢી નાખો