રવિવાર, 7 જૂન, 2015

તમારા મોબાઈલનું બિલ કેટલું આવે ?

‘તમારા મોબાઈલનું બિલ કેટલું આવે ?’
‘સૉરી હોં, મને તો કંપનીમાંથી દર મહિને, મોબાઈલ પર વાત કરવાના એ લોકો હજાર રૂપિયા સામેથી આપે છે, એટલે આપણે તો બિલની ચિંતા નથી. તમારે કેટલું બિલ આવે ?’
‘નસીબદાર છો તમે. મારા ફોનનું બિલ તો મહિને માંડ બસો રૂપિયા આવે છે પણ મારા દીકરાના બે હજાર, દીકરીના બે હજાર ને વાઈફના ત્રણ જહાર રૂપિયા દર મહિને ભરીને મને થયું કે, આ બીજા બધાના મોબાઈલના બિલ કેટલા આવતા હશે ?’
‘સાત હજાર રૂપિયા ? તે પણ ખાલી વાત કરવાના ? તે આ લોકોનો શાનો બિઝનેસ છે ?’
‘બિઝનેસ ? બિઝનેસ વળી શાનો ? સવારથી તે અધરાત–મધરાત સુધી બસ આ બિઝનેસ ચાલે છે ! ‘તું ક્યાં છે ?’ ને ‘હું ક્યાં છું ?’ અરે ભઈ, ઘરમાં કે બહાર જ હોવાના ને ? બીજે ક્યાં હોવાના ? પણ નહીં, ‘આ જરા વાર પહેલાં ખુરશી પર હતાં તે હવે ખાટલામાં પડ્યાં. ઓટલા પર હતાં તે ગૅલેરીમાં આવ્યાં ને જમણો પગ વાળીને બેઠેલાં તે લાંબો કરીને હવે ડાબો પગ વાળ્યો’ આવું બધું સાંભળવું ને કહેવું હોય ! મારા તો હાથમાંની ચળને હું જેમતેમ શાંત કરું. ખોટા પૈસા જાય ત્યારે પણ હાથમાં ચળ આવે કે ? કોણ જાણે.

આ સવાલ જુઓ. ‘તું શું કરે છે ?’ ને ‘હું શું કરું છું ?’ ચોવીસ કલાકમાં જો પચાસ વાર ફોન કરે તો પચાસ વખત પૂછે કે, ‘શું કરે છે ?’ ને જવાબમાં શું હોય ? ‘કંઈ નહીં બસ, આ તારી સાથે વાત કરું છું ને ગેલેરીમાં ઊભા ઊભા ચા પીઉં છું. સીસ્ટર ? એ એની ફ્રેન્ડ સાથે ફોન પર બીઝી છે, એઝ યુઝ્વલ.’ અરે, જવાબમાંય કોઈ વિવિધતા કે કોઈ ચબરાકિયાં નહીં. એવું તો કહેવાય ને કે, ‘મારી પાસે તો ટાઈમ નથી પણ તારા માટે આકાશના તારાનો ઓર્ડર આપ્યો છે. આવે એટલે તને ફોન કરું.’ અથવા તો, ‘નાકા પરની હૉટેલમાંથી વહી આવતી સુગંધમાંથી ઈડલી ને સાંભારની સુગંધને જુદી તારવવાની કોશિશ કરું છું.’ સાવ બોરિંગ વાતો કરે ને તોય, આખો દિવસ ફોનમાં માથું નાંખીને ધુણ્યા કરે. આમાંથી કોઈ આજ સુધી બોલ્યું કે, ‘અરે જવા દે ને. બાપના પૈસા બગાડું છું.’ કે પછી, ‘હું શું કરું છું ? ટાઈમ જ બગાડું છું ને ?’ ને મારી વાઈફ પાસે શું આશા રાખવાની ? ‘જ્યાં સુધી વર બિચારો કમાય છે ને બબડતાં બબડતાં આપે છે, ત્યાં સુધી ખર્ચો. કાલની વાત કાલે.’  ના, હરામ બરાબર જો કોઈ બોલે તો. હું બેઠો છું ત્યાં સુધી કોઈ બોલશે પણ નહીં.

સવાલો પણ પાછા કેવા વાહિયાત હોય ? ‘તમે શું ખાધું ? શું જમ્યા ?’ અરે ! ખાવામાં રોજ રોજ શું પકવાન હોય ? ધારો કે, હોય તોય પૂછનારને જીવ બાળવા સિવાય કોઈ કામ ના રહે ને ? તો પછી કેમ પૂછવાનું ? કામની વાત કરીને ફોન ઝટ પતાવો ને, અહીં મારા માથેથી વાળના ગુચ્છેગુચ્છા સાફ થવા માંડ્યા તે કોઈને નથી દેખાતું ? પાછાં બધાં મને જ સલાહ આપે કે, ચિંતા ઓછી કરો ! અરે શું ચિંતા ઓછી કરે ? તમે લોકો બિલમાં કાપ મૂકો ને. આખો દિવસ બધાને ફોન પર વાતો કરતાં જોઈને મને લાગે છે કે, કાં તો હું ગાંડો થઈ જઈશ, કાં તો બહેરો થઈ જઈશ. મારી સામે જોવાની કે મારી વાત સાંભળવાની તો કોઈને ફુરસદ જ નથી ! એક કપ ચા પીવી હોય તોય, ચાલુ ફોને બધાં એકબીજા તરફ ઈશારો કરી દે. એમાં છેલ્લો ઈશારો મારા તરફ થાય એટલે પછી જાતે જ ચા મૂકીને પી લઉં. હવે તો રાંધતાં પણ શીખી જવું પડશે એવું લાગે છે. એય બધાં પોતાનામાં મસ્ત !

આમાં કોઈ વાર કામના ફોન આવે તો કોને કે’વાનું ? વળી, એ લોકોના ફોન બીઝી હોય તો મારા પર ફોન આવે, ‘અંકલ, ક્યાં છો ? ઘરે છો ? શું કરો છો ?’ મારું માથું ધમધમ થવા માંડે ને બીપી તો હાઈએસ્ટ પોઈન્ટ પર પહોંચવાની તૈયારી કરવા માંડે. દીકરા, જેનું કામ હોય તેનો મેસેજ આપીને ફોન મૂક નહીં તો, મારો નંબર તને કાયમ માટે યાદ રહી જાય એવી ચોપડાવી દઈશ. આ મોબાઈલના ત્રાસે તો મારું જીવન નરક થઈ ગયું છે. તમે પૂછ્યું તો આજે આટલું બોલ્યો, બાકી મારું તો ઘરમાં બોલવાનું જ બંધ થઈ ગયું છે. કોઈ મને સાંભળે તો બોલું ને ?

‘કઈ મૂવી જોઈ ?’ સવાલ પર તો આખી ને આખી ફિલ્મની સ્ટોરી ને તેનો રિવ્યૂ કલાક સુધી ચાલે, જેની એક બીજી ફિલ્મ ઊતરી જાય. મારે કોઈ ફિલ્મને મારી રીતે માણવી હોય તે તો બાજુ પર રહી જાય ને દિમાગમાં પેલા લોકોના રિવ્યૂ જ ઠોકાયા કરે. તમને થશે કે, એવા સમયે મારે ઘરની બહાર નીકળી જવું જોઈએ. એનો અર્થ એ થાય કે, મારે વહેલી સવારથી ઘરની બહાર નીકળી જવું ને મોડી રાત સુધી ઘરની બહાર ઓટલા પર જ સૂઈ રહેવું ! કોણ, ક્યારે, કોની સાથે ને કોની વાત ફોન પર કરતું હોય તે મને કેવી રીતે ખબર પડે ? આજકાલ તો હું બહાવરાની જેમ ઘરમાં ને ઘરની બહાર ફર્યા કરું છું. તદ્દન દિશાહીન. શું ખાઉં છું ને શું પીઉં શું, ક્યાં જાઉં છું ને શું કરું છું તેની મને જ નથી ખબર રહેતી. જ્યાં જાઉં ત્યાં બધે બસ, મોબાઈલ–મોબાઈલ ને મોબાઈલ જ દેખાય ને વાતો–વાતો ને બસ વાતો જ સંભળાય ! આજે તમે મારી વાત આટલી શાંતિથી સાંભળી તો મને લાગ્યું કે , જાણે મોબાઈલની મારી બધી ફરિયાદોની સાથે મારા બધા દુ:ખો પણ દૂર થઈ ગયા. આવતે મહિને હું ફરી તમને ફોન કરીશ, એ જણાવવા કે, હું ક્યાં છું ને હું શું કરું છું ? મેં શું ખાધું ને કાલે ટીવી પર મેં કોનો ઈન્ટરવ્યૂ જોયો ! થૅંક્સ દોસ્ત.’


4 ટિપ્પણીઓ: