બુધવાર, 4 ફેબ્રુઆરી, 2015

મહિલા હાસ્યલેખકો

સ્ત્રીઓ કાં તો એમનાં નયનબાણથી અથવા વાક્બાણથી સૌને ઘાયલ કરે છે એવું કહેવાય છે. ને વાક્બાણ હંમેશાં વ્યંગબાણ જ હોવાનાં ! આ વક્રોક્તિઓની ઉપેક્ષા થાય એના કરતાં જો ગ્રંથસ્થ થાય તો ઉત્તમ સાહિતય મળે કે નહીં ? એટલે જ જો સ્ત્રીઓ બોલવાને બદલે લખવા માંડે તો હાસ્યલેખકોની છુટ્ટી કરી દે. પણ શું થાય ? સ્ત્રી તો દયાની દેવી છે. પુરૂષોને હાસ્યલેખકોનું વરદાન આપીને જ રહી. તોય, જમાનાઓથી હાસ્યલેખકો સ્ત્રીઓને વિષય બનાવીને લેખો લખે છે. ભલે લખે– એમની મરજી. આમેય પુરુષોને ગમતો એક જ વિષય તો જગજાહેર છે. તેથી કંઈ બદલો લેવા પુરુષોને વિષય બનાવવાનું ને એમને માથે બેસાડવાનું ક્યારેય વિચાર્યું નહોતું ને આજે પણ એવી કોઈ ઈચ્છા નહીં. કારણકે વિષયોની તો ક્યાં ખોટ હોય છે? એટલા બધા વિષયોની આપણી આસપાસ જ ભરમાર છે કે જ્યાં જુઓ ત્યાં લેખ મળી જાય. અરે ! હાસ્યલેખકોને તો જલસા થઈ જાય એટલા બધા વિષયો કોણ આપે છે? રોજ રોજ બનતી અવનવી ઘટનાઓ, કૌભાંડો, ગોટાળાઓ અને ખુદ આપણા અનુભવો. જુઓ હું તમને વિષયો આપું. ધારો તો તમે પણ લખી શકો. હાસ્યલેખન અઘરું નથી. બસ એને થોડું વધારે ગંભીરતાથી લેવું પડે.

ખાંડ–ચા–દાળઢોકળી–ભજિયાં–પાતરાં–સાસુ–વહુ–કામવાળી જેવા વિષયો સ્રીઓના ગણાય, છતાં એના પર પુરુષ લેખકોએ લખ્યું છે. અમે એમનાથી બે ડગલાં આગળ, રસોડાના કે સ્ત્રીઓના પ્રિય વિષયો ઉપરાંત, ગુજરાતી ભાષા–પુસ્તક–પ્રસ્તાવના–લેખક–વિવેચક–વાદળ–વરસાદ–છત્રી–શિયાળો–ઉનાળો–યજમાન–મહેમાન–નેતા–અભિનેતા–સુખ–દુ:ખ–વસિયત ને ક્રિકેટ તેમ જ રાજકારણને પણ બાકી નથી રાખ્યું. ચટપટી ભેળ તૈયાર છે, બોલો તમે કહો તે મસાલો ઉમેરીએ. ઘરમાં કે ઘરની બહાર રહીને પણ અમે સમાજની અંદર છીએ, સાથે છીએ.

મારું એક સપનું હતું ટીચર બનવાનું, ત્યારે ભણતર નડ્યું. બીજું સપનું જોયું ગાયિકા બનવાનું, તો મારું ગળું નડ્યું ! બન્નેમાં સ્ટેજનું આકર્ષણ જ હોવું જોઈએ ! વર્ષો જતાં છેક અર્ધી સદીની નજીક પહોંચી, બાળકોને ભણાવીને પરવારી કે રોજ નિરાંતે પેપર વાંચતાં, વગર જોયે એક સપનું સાકાર થયું. અચાનક જ હું લેખિકા બની ગઈ ને તે પણ હાસ્યલેખિકા. મને સ્ટેજ પર જાણીતા લેખકો સાથે બેસવા મળ્યું – બોલવા મળ્યું. આજ સુધી જે લોકો મને હસવામાં કાઢતાં હતાં તે લોકો ગંભીરતાથી લેવા માંડ્યા. પહેલાં સ્ત્રીઓ કહેતી, ‘એમાં શું ? નવરાં હોઈએ તો, એવું તો અમે પણ લખી કાઢીએ.’ ઘરના પરુષો કહેતા, ‘કંઈ લખે છે ખરી. એ બહાને પંચાત ઓછી કરે ને એની મેળે ટાઈમ પાસ કર્યા કરે. આપણે શાંતિ.’

ત્યારે કહેવાનું મન થઈ આવતું કે, મને ફક્ત ખાતાં–પીતાં–ગાતાં–નાચતાં–કૂદતાં ને રડતાં જ નથી આવડતું. હસતાં ને હસાવતાં પણ આવડે છે. મારા હાથમાં કડછી નહીં કલમ પણ શોભે છે. મારી બુધ્ધિ પાનીએ નથી ને મારે પણ મગજ છે જે ઠેકાણે છે. પણ મન પર કાબૂ રાખીને બોલવાને બદલે લખીને એટલે કે કરીને બતાવી દીધું કે, ભઈ હમ ભી કુછ કમ નહીં. હવે બધાં મારી ઓળખાણ (વાર્તા)લેખિકા તરીકે આપે છે એટલો ફરક પડ્યો ! જોકે, એક વાત કબૂલવી પડે કે, સાહિત્યના ક્ષેત્રના લોકોએ મને હંમેશાં પ્રોત્સાહન જ આપ્યું છે ને સાચી સલાહો પણ આપી છે. આજ સુધી ફક્ત જ્યાં પુરુષોનો જ ઈજારો ગણાતો હતો એવા હાસ્યલેખનના ક્ષેત્રમાં અને આજે  તો આ કાર્યક્રમમાં પણ ઘુસ આપ્યા વગર ઘુસ મારી દીધી.

આ કોઈ હોશિયારીની વાત નથી પણ આજે બોલવા માટે માઈક ને મેદાન બેય મળ્યાં છે ત્યારે મોકો છોડવા જેવો નહીં. મારા લેખો લગભગ બધાં જાણીતાં સામયિકોમાં ને છાપાંઓમાં આવ્યા છે. હાલ બે જગ્યાએ કૉલમ ચાલે છે. ચાર પુસ્તકો મારા ને બે પ્રકાશકના તાબામાં છે. એમાંથી એક પુસ્તક હાસ્ય વત્તા પ્રવાસનું છે જેને જ્યોતિન્દ્ર દવે પુરસ્કાર મળ્યો છે ને હજી વધારે પુરસ્કારની આશા રાખવામાં કંઈ ખોટું નથી.

હાસ્યલેખ કેવી રીતે લખાય ? કે હું કેવી રીતે હાસ્યલેખ લખું છું? લેખકો વિશે સામાન્ય રીતે એવી માન્યતા છે કે એમને એકાંત જોઈએ કે અમુક જ વાતાવરણ હોય તો જ લખી શકાય. કોઈને દસ કપ ચા જોઈએ તો કોઈને હીંચકાને ચાર ઠેસ મારે તો જ લેખ સૂઝે ! દાદાની લાકડી જોતાં જ કોઈને બાળવાર્તા યાદ આવે એ બધાં લેખકોનાં નખરાં છે. મેં તો મારા લેખો ઘરમાં બેસીને જ લખ્યા છે. કોઈ વાર લોટ બાંધતી વખતે મનમાં જ લેખમાં વધારે મોણ નખાઈ જાય કે વેલણ રોટલી પર ફરતું હોય ત્યારે મન કોઈ વિષયને વેલણથી ફટકારતું હોય ! કોઈ વાર પથારીમાં પડતાંની સાથે લેખ મગજ પર સવાર થઈ જાય ને કોઈ વાર સવાર પડતાંની સાથે  જ લેખ મળી જાય.

તો એક વાર એમ જ પંજો શબ્દ મનમાં આવ્યો. આપણો કોંગ્રેસવાળો પંજો નહીં. હાથનો પંજો. બસ પંજાને નજર સામે રાખીને વિચારવા માંડ્યું. એનો દેખાવ કોને મળતો આવે ? તો કોઈ ઝાડની પાંચ ડાળીઓ હોય એવું મને લાગ્યું. પંજાનો ઉપયોગ શું ? તો આખા દિવસનો કાર્યક્રમ યાદ કરતી ગઈ. સવારથી રાત સુધીમાં પંજા વગર તો ચાલે નહીં. કોઈને પંજામાં ભગવાન દેખાય તો કોઈને સલામ. કોઈને ભીખ તો કોઈને મેલ ! આપણે તો તહેવાર ને વહેવારમાં બધે જ પંજો. વસ્તુ લેવામાં ને આપવામાં પણ પંજો. બસ, એમ જ ગાડી ચાલતી ગઈ ને એમાં હાસ્ય ઉમેરાતું ગયું. લેખ ઈનામ ન લાવે તો જ નવાઈ. મેં લખેલું, ‘ગાલ પર પડે તો લાફો ને વાંસા પર પડે તો ધબ્બો તે પંજો.’

થોડો સમય પહેલાં વાંચે ગુજરાતનો નારો ગુંજેલો. મને થયું કે ફક્ત વાંચે ગુજરાત જ કેમ ?
૧) વાંચે ગુજરાતની સાથે.....ખાય ગુજરાત....પીએ ગુજરાત...વાત કરે ગુજરાત....ઊંઘે ગુજરાત....નાચે ને ગાય ગુજરાત....કેમ નહીં ? ને છેલ્લે લખે ગુજરાત પણ જોઈએ ને ?

૨) વક્તાને વશમાં રાખવાની કળા ક્યાંથી જાણી ? જ્યારે હું શ્રોતા હતી. સ્ટેજ પર વક્તા ઊભા થયા. બોલવાનું શરૂ કર્યું પણ પુરું કરવાનું ભૂલી ગયા !  લોકો તો હવે ક્યાં કોઈનું લેક્ચર સહન કરે છે ? ટૂંકમાં પતાવો નીં તો ચાઈલા. અચાનક જ શ્રોતાઓની સાથે બાકીના વક્તાઓ પણ ઊભા થઈ ગયા. કારણકે વક્તા અચાનક જ ક્યાંક હવામાં કે પાતાળમાં ગાયબ થઈ ગયા. સંચાલકે જાહેરાત કરી કે, કોઈ ગભરાશો નહીં. સમયમર્યાદાની બહાર જનાર વક્તા માટે અમે આજે આવી વ્યવસ્થા રાખી છે. હું સ્વીચ દબાવું કે તરત જ વક્તા નીચે ફાઈવ સ્ટાર ભોંયરામાં ગરકી જાય અને એમને ચાપાણી કરાવીને માનસહિત ઘેર રવાના કરાય. બીજી પણ કેટલીક યુક્તિઓ વિચારી શકાય.

૩) ઉનાળાની સીઝનમાં તમારા ઘરની સ્ત્રીઓની દોડાદોડી નાનપણથી જોઈ હશે. એમના સવાલોથી કોઈ વાર તમને સવાલો થયા ? કે રમુજ થઈ ? સામાન્ય રીતે શું પુછાય ? તમારો છૂંદો થઈ ગયો ?....તમારી કટકી–છૂંદો–વેફર–કાતરી–ચકરી–અથાણું થઈ ગયું ?–સીઝન ભરાઈ ગઈ ? ને એ જ કામ ધારો કે, પુરુષો કરવા માંડે તો? તમારા ભાઈનો છૂંદો થઈ ગયો? એવું પૂછાશે ?

૪) મધર્સ ડે આવે છે. માનો મહિમા ગવાશે. પિતાને નીચું બતાવાશે. મા તે મા....મા  તે હા અને બાપ તે ના...મા તે દિવસ અને બાપ તે રાત...અજવાળું અને અંધારું...મોકો અને ધોકો...ખોળો અને ડોળો...લાગણી અને માગણી....પ્રેમ ને વહેમ...દિલ અને બિલ.... આધાર અને ધાર....વિશ્વાસ અને નિ:શ્વાસ...મા રૂડી અને બાપ મૂડી......મા વિના સૂનો સંસાર હોય પણ સંસારનો રથ બે પૈડાંથી જ ચાલે ને ? મા તે મા ને બીજાં બધાં ઠીક મારા ભૈ નહીં પણ બધા બરાબર..તે સંસાર.

બસ તો, કહેવાનો મતલબ એટલો જ કે કોઈ પણ ક્ષેત્રમાં સ્ત્રી કે પુરુષના ભેદભાવ રાખ્યા વગર કેવું લખાય છે તે જુઓને ! કોઈને વાર્તા ગમી, કોઈને કવિતા તો કોઈને હાસ્ય ગમ્યું ને લખ્યું. અનામત ને એવું બધું કંઈ નહીં. સ્ત્રીઓમાં કે પુરુષોમાં શું , માણસમાત્રમાં હાસ્યવૃત્તિ છે. શું સ્ત્રીઓ નથી હસતી ? મેં તો જોયું કે, અહીં બેઠેલી સ્ત્રીઓ પણ હસે છે. તો પછી, જે હસે તે હસાવી પણ શકે જ ને ? ઈંગ્લિશ અઘરું છે કે ગણિત અઘરું છે તેમ હાસ્યલેખન અઘરું છે એવો એક હાઉ છે બાકી બધાં જ લખી શકે. હા, આંખ–કાન ને મન ખુલ્લાં રાખવાં પડે, બીજાની સાથે પોતાની ઉપર પણ હસવાની હિંમત હોવી જોઈએ ને કચરા જેવી વાતને હસવામાં કાઢી નાંખવાની ટેવ પાડવી પડે. બાકી તો હસવાથી તબિયત ફાઈન રહે છે એવું ડૉક્ટરો પણ કહે છે.

(અમદાવાદમાં ૩૦,૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરી-એમ ત્રણ દિવસનો ‘ગુજરાત સાહિત્ય ઉત્સવ’ ઉજવાઈ ગયો.
એમાં પહેલે દિવસે મહિલા હાસ્યલેખકો સાથે એક મહિલા કલાકારને પણ આમંત્રણ હતું–(બોલવાનું !)
સૌએ પોતાનું સુંદર વક્તવ્ય આપ્યું ત્યારે કદાચ પહેલી વાર ઘણાને ખબર પડી કે, મહિલા હાસ્યલેખકો પણ છે !
વક્તાઓ : કલ્પના દેસાઈ, પલ્લવી મિસ્ત્રી, નલિની ગણાત્રા અને પ્રીતિ દાસ સૌને હસાવવામાં અને એમનાં મગજમાં પોતાનું નામ ઠસાવવામાં કામિયાબ રહ્યાં.
ખેર, અહીં તો મેં મારી વાત મૂકી છે. ) 



18 ટિપ્પણીઓ:

  1. Tame je nahi bani shakya ane je banya teni pachhalna tark vanchvani mazzza aavi. You are the born humourist...no doubt about it....

    જવાબ આપોકાઢી નાખો
  2. potaani majaak karavaani himmat tame dharaavo chho - tethi j safal thai shakyaa chho ane amdaavaadmaa navi kahevat umeraai ;
    ' CHAAR MALE HAASYALEKHIKAA TO DAANTNAA CHOKATHAANU SHU THAAY ? - ASHVIN DESAI australia

    જવાબ આપોકાઢી નાખો
  3. Himmat Amdavadioni kahevay. Chokthu nikli na jaay etle loko mo par haath daine khadkhdaat hasta'ta. Aabhar.

    જવાબ આપોકાઢી નાખો
  4. કોઈ પણ ક્ષેત્રમાં સ્ત્રી કે પુરુષના ભેદભાવ રાખ્યા વગર કેવું લખાય છે તે જુઓને !
    -------
    એકદમ અને એકમાત્ર મુદ્દાની વાત. લખાણને સેક્સ હોતી નથી !!

    જવાબ આપોકાઢી નાખો
  5. હાસ્ય લેખન એટલે હાસ્ય લેખન.એમાં સ્ત્રી પરુષ ક્યાંથી આવે? જેમને પોતાની જાત પર–પોતાની ભૂલો પર હસવું આવતું હોય તે દરેક હાસ્ય લેખક બની શકે. કલ્પનાજીના લેખ સુંદર હોય છે.

    જવાબ આપોકાઢી નાખો
  6. આંટી, દિલ રેડીને હસાવ્યા. તમારી પોતાની વાતથી શરુ કરીને સરસ રીતે આગવી પહેચાન થી લઇને આપણી ગ્રંથીઓ પર પણ હસાવ્યા.
    સાચી વાત છે, રોટલી કરતાં ને વાસણ કરતાં બધે જ વિચારો એક ચોક્કસ દિશામાં કાર્યરત કરવાથી ઘણું સર્જન થઇ શકે છે.

    તમારા લેખ વાંચવાની મજા આવે છે. લખતા રહેજો ને હસાવતા રહેજો. વધુ ને વધુ પુરસ્કાર મેળવતા રહેજો. ઃ)

    જવાબ આપોકાઢી નાખો
  7. કલ્પનાબેન, તમને સાંભળ્યા અને પછી વાંચ્યા. અનુભવ મજાનો રહ્યો. લેખમા મારા નામના ઉલ્લેખ બદલ આભાર! પલ્લવી.

    જવાબ આપોકાઢી નાખો
  8. Are aap to muje sharminda kar rahee ho.:) next week tamaro lekh thai jaay. Amara maheman bansho to gamshe.

    જવાબ આપોકાઢી નાખો
  9. I really enjoy your all articles and mark that you have your own style to make us laugh. Your this article on laughing is also with good flavor with news about 3 days Sahitya Parishad at my city of A'bad. congratulations for exhibiting a taste with taste and introducing others like you on the same wicket..

    જવાબ આપોકાઢી નાખો
  10. લેખકો વિશે સામાન્ય રીતે એવી માન્યતા છે કે એમને એકાંત જોઈએ કે અમુક જ વાતાવરણ હોય તો જ લખી શકાય. કોઈને દસ કપ ચા જોઈએ તો કોઈને હીંચકાને ચાર ઠેસ મારે તો જ લેખ સૂઝે ! દાદાની લાકડી જોતાં જ કોઈને બાળવાર્તા યાદ આવે એ બધાં લેખકોનાં નખરાં છે. મેં તો મારા લેખો ઘરમાં બેસીને જ લખ્યા છે. કોઈ વાર લોટ બાંધતી વખતે મનમાં જ લેખમાં વધારે મોણ નખાઈ જાય કે વેલણ રોટલી પર ફરતું હોય ત્યારે મન કોઈ વિષયને વેલણથી ફટકારતું હોય !
    Khoob Saras! Maza Padi Gaee!

    જવાબ આપોકાઢી નાખો