રવિવાર, 29 જાન્યુઆરી, 2017

એરપોર્ટ પર ટાઈમપાસ

               

આપણા દેશના મોટે ભાગના વિમાન મથકો ઉર્ફ હવાઈ અડ્ડાઓ ઉર્ફ એરપોર્ટ્સ વર્ષો સુધી ફરવાનાં સ્થળ તરીકે ગણાતાં. વિમાનોને લાઈનમાં ઊભેલાં કે હવામાં ઊડતાં જોવાનો રોમાંચ યાદગાર બની રહેતો. એરપોર્ટ પર ત્યારે ‘સલામતીમાં છીંડાં’ જેવો શબ્દ વપરાતો નહીં. કારણકે ત્યારે સલામતીના નામે કોઈ જાપ્તો  નહોતો રહેતો કે નહોતી કોઈની બીક રાખવી પડતી. એરપોર્ટ પર ત્યારે એક જ બીકની આણ વર્તાતી અને તે કસ્ટમ ઓફિસરની! પરદેશથી આવનાર પ્રવાસીનો સામાન આ ઓફિસરો અચૂક તપાસતા અને નાની નાની વાતે પ્રવાસીઓને હેરાન કરવા માટે  એ લોકો ખાસ્સા બદનામ પણ હતા.

થોડાં વર્ષોથી આતંકવાદને કારણે પ્રવાસીઓની હેરાનગતિ ઔર વધી ગઈ છે પણ મોટામાં મોટો ગેરફાયદો દેશની આમજનતાને થયો છે. મોટા મોટા જોવાલાયક એરપોર્ટ જોવાની એમને મનાઈ ફરમાવાઈ! પહેલાં તો અમુક રૂપિયાની ફી લઈને પણ લોકોને જવા દેવાતા પણ  આતંકવાદીઓ એટલી મામૂલી ફી ભરીને એરપોર્ટ પર ફરી ગયા તો? બૉંબ ગોઠવી કે ફોડી ગયા તો? એટલે પ્રવાસીઓ સિવાયના રખડુ લોકોને એરપોર્ટ જોવાની મનાઈ! કફોડી સ્થિતિ થાય પ્રવાસીઓને વળાવવા જનાર કે લેવા જનારની. દરવાજાની બહાર ટોળામાં ઊભા રહી, આંસુભરી આંખે પગના પંજા પર ઊંચા થઈ થઈને હાથનો પંજો હલાવી આવજો કહેવાની વ્યર્થ ચેષ્ટા કર્યે રાખવાની અને એ આવજો પેલા જનારે જોઈ લીધું એનો મનોમન સંતોષ માની લેવાનો ને ઢીલી ચાલે ચાલતા થવાનું!

લેવા જનારા તો બિચારા પ્રવાસીઓની ભીડમાં ‘પોતાના માણસ’ને ઊંચાનીચા–વાંકાચૂકા થઈ શોધ્યા કરે. ‘એ આવ્યા..એ દેખાયા...’ના વહેમમાં બે ડગલાં ડાબી બાજુ ને બે ડગલાં જમણી બાજુ ચાલ્યા કરે. જેમતેમ પેલા દેખાય તો એમનું ધ્યાન આમતેમ હોય! પોતાનાં સગાને શોધતાં શોધતાં એ બધી ભીડ પર નજર ફેરવ્યે જતાં હોય ત્યારે આખરે ‘ આ બાજુ...આ બાજુ...’ સંભળાય ને ચહેરા પર હરખ છલકાય! એટલે પહેલાં જેમ લોકો નિરાંતે એરપોર્ટ પર ફરતાં ને ટાઈમપાસ કરતાં તેમ હવે ફક્ત લેવા ને મૂકવા જવાવાળા જ ઊંચા જીવે જેમતેમ ટાઈમપાસ કરે છે. અમસ્તું ફરવા હવે કોઈ જતું નથી. તેનું મુખ્ય કારણ એરપોર્ટ શહેરથી દૂ..ર હોય, ટ્રાફિકની મગજમારી હોય અને ભીડમાં અટવાઈને પૈસા પડી ગયાનો અફસોસ કરવાનો હોય.

એરપોર્ટ પર ટાઈમ પાસ કરવાનો પ્રશ્ન તો અંદર દાખલ થતા પ્રવાસીને પણ એટલો જ સતાવે છે. એક વાર સામાન ચેક થઈ ગયો, પોતે ‘ચેક’ થઈ ગયા પછી વિમાનમાં બેસવા બોલાવે ત્યાં સુધી કરવું શું? પહેલી વાત તો સામાન( જે કંઈ સાથે હોય તે) લઈને જ્યાં ને ત્યાં ફરવાનો શો અર્થ? ધારો કે, એરપોર્ટ જોવા જેવું હોય ને અંદરથી ફરીને જોવું હોય તો વાત જુદી છે–કદાચ સમય ઓછો પણ પડે. જો થાકેલાં હો ને બેસી રહેવું હોય તો પછી મળેલી સીટ છોડવા જેવી નહીં. પછી બેઠાં બેઠાં ઝોકાં ખાઓ કે પુસ્તક વાંચો કે પછી આજુબાજુ ફાંફાં મારો. જોકે, આ બે–ત્રણ કલાક કાઢવા બહુ જ કંટાળાજનક હોય છે. એમ પણ એક વાર પ્લેનમાં બેઠાં પછી કંઈ ધાડ મારવાની હોતી નથી પણ ત્યાં એક પછી એક કાર્યક્રમને લીધે ખાસ્સો સમય જોતજોતામાં નીકળી જતો હોય છે.

આ બધી પંચાત કરવાનું કારણ અમારો બૅંગકૉકનો પ્રવાસ. અમે બધી સ્ત્રીઓ–માતાઓ અને બહેનો–એરપોર્ટના આરામકક્ષમાં મોટાભાગની ખુરશીઓ રોકીને બેસી ગયેલી. ત્રણ કલાક કાઢવાના હતા! ટાઈમ પાસ કરવાનો હતો કે કિલ કરવાનો હતો. ઓળખીતીઓ તો એકબીજી સાથે વાતે લાગી ગયેલી ને એકબીજીના ફોટા પાડીને ખુશ થઈ રહી હતી. થાકેલી સ્ત્રીઓ હથેળીમાં ગાલ ટેકવીને, આંખ બંધ કરીને ઊંઘવાની કોશિશ કરી રહી હતી. અડધી રાતથી મળસ્કા સુધી જાગવાનું હોઈ પલ્લવીબહેન અમારી કૉફી લઈ આવ્યાં. જો ઊંઘી ગયાં તો અહીં જ રહી જઈશું  એ બીકે અમને ઊંઘ નહોતી આવતી.

‘ કંઈ ખાવું છે ? થેલીમાં નાસ્તો છે.’ પલ્લવીબહેને મને યાદ કરાવ્યું.
‘અત્યારથી ?’
‘અત્યારથી જ ને વળી. આપણો પ્રવાસ તો શરૂ થઈ જ ગયો સમજો.’
વાહ! આને કહેવાય ઉત્સાહ. ભૂખ નહોતી તોય....ખેર, અડધી રાતે ખાય તે રાક્ષસ કહેવાય એવું કંઈક મા કહેતી તે યાદ આવ્યું. મેં ના પાડી. ‘તમારે ખાવું હોય તો એકાદ પૅકેટ ખોલું.’ (કોઈને અડધી રાતે ખાવાની ઓફર કરે તે ચાલે?)
એમની ઈચ્છા જોઈ મેં મારી પાસેની નાસ્તાની થેલીમાં હાથ નાંખ્યો. હાથને તો કોઈ જુદા જ પૅકેટનો સ્પર્શ થતાં મેં થેલી હાથમાં લઈને ખોલી, પૅકેટ બહાર કાઢ્યું. ‘અરે! આ કોનું પૅકેટ?’ આશ્ચર્યથી મેં એ પૅકેટને હાથમાં ફેરવી જોયું. પલ્લવીબહેન પણ ચમક્યાં.
‘ આ તમારું પૅકેટ નથી? ’
‘ ના રે....આ તો ખબર નહીં આ થેલીમાં ક્યાંથી આવ્યું! હમણાં આપણને બધાંને નાસ્તાની થેલી અપાઈ ને, તે છે. એમાં વળી આ પૅકેટ કોણ મૂકી ગયું? ’

વર્ષોથી કેટલીય જાહેરાતો અને મનાઈઓ વાંચેલી કે, અજાણ્યા કોઈ પણ પૅકેટને ખોલવાની કોશિશ કરવી નહીં, એને સીધું જ પોલીસને સોંપવું. તે છતાં ગભરાટ અને જાણવાની જિજ્ઞાસાએ મેં એ પૅકેટની ચેઈન ખોલીને અંદર જોયું. હું સ્તબ્ધ થઈ ગઈ! શ્વાસ ગળામાં આવીને અટકી ગયો. બૉંબ હતો કે શું? ના, એમાં તો અડધા કલાક પછી જ જે પ્લેન ઉપડવાનું હતું, તેના કોઈ પ્રવાસીની ત્રણ ટિકિટ અને ખૂ..બ બધા ડૉલરની થોકડી! હું તો ઉભી થઈ ગઈ. પલ્લવીબહેન પણ સ્થિર! વગર ગુનાએ ધ્રુજતી ધ્રુજતી હું તો પલ્લવીબહેનને સામાન સોંપી, ઊપડી નજીક દેખાયેલા ઓફિસર પાસે. એમને પૅકેટ સોંપવા ગઈ તો એમણે જણાવ્યું કે, મારે જ કસ્ટમ ઓફિસરને એ સોંપવું પડશે કારણકે એ પૅકેટ મને મળ્યું છે! હું વહેલી વહેલી રડમસ ચહેરે, જે ફ્લાઈટની ટિકિટ હતી તેના કાઉન્ટર પાસે ગઈ અને ઓફિસરને વિગત સમજાવી પૅકેટ સોંપી દીધું. જેમની ટિકિટ ખોવાયેલી તે ભાઈ પાંચ મિનિટ પહેલાં જ ત્યાં તપાસ કરી ગયેલા એટલે મારી મુસીબત ટળી.

‘હાશ’ કહેતાં મેં નિરાંત જીવે મારી જગ્યા તરફ જવા માંડ્યું. પણ એમ કંઈ નિરાંત મળે? અમારી આજુબાજુ, ‘કયા હુઆ? ક્યા હુઆ?’ કરતી દયાની દેવીઓ અમને ઘેરી વળી. વાત જાણી કે તરત જ સલાહોનો મારો ચાલ્યો.
‘તમે ડૉલર ગણેલા કે? કેટલા હતા? ગણીને આપ્યા ને?’
‘તમે મૂળ માલિકને જ પાઉચ સોંપ્યું ને? આજકાલ જમાનો આપણા જેવાનો નથી.’ 
હેં? આપણા જેવા એટલે? ચોર કે શાહુકાર?
‘તમને કંઈ બક્ષિસ મળી કે નહીં? થોડા ડૉલર માંગી લેવાના હતા ને!’
‘અરે, માંગવાના શું? પહેલેથી જ કાઢી લેવાના હતા.’ (!)
‘તમે ભૂલ કરી. ભલે પૅકેટ પાછું આપ્યું, પણ પેલાને બરાબર ખખડાવી નાંખવાનો હતો. આટલો બેજવાબદાર? કંઈ ભાન છે? બીજાને કેટલી તકલીફ પડે છે તે? આ તો તમે સારાં તે ચૂપચાપ આપી આવ્યાં. હું હોત ને તો એને બરાબર ટટળાવીને જ આપત.’ મેં મારી જાતને પેલા બેજવાબદાર પ્રવાસીની જગ્યાએ મૂકી જોઈ ને જોતાં જ મને ધ્રુજારી છૂટી ગઈ. બાપ રે! મારે શું કરવું જોઈતું હતું? પલ્લવીબહેન તો અવાચક! આવું પણ બને? પ્રવાસની શરુઆત આવી રીતે થઈ? ધીરે ધીરે સ્વસ્થ થઈને અમે બન્ને વાતે લાગ્યાં. ‘એક વાર આમ થયેલું ને એક વાર તેમ થયેલું’ કરતાં ઘણા પ્રસંગો મમળાવી લીધા. ખાસ્સો કલાક નીકળી ગયો અને અમારા જવાનો સમય પણ થઈ ગયો. આવું કંઈક બને તો કશે પણ સમય પસાર કરવો અઘરો નથી ખરું?

(મને એમ કે, મારી ઈમાનદારીની વિગત બીજે દિવસે છાપામાં ફોટો સહિત આવશે  અથવા પેલા પૅકેટવાળા ભાઈ તરફથી કંઈ બક્ષિસ કે શાબાશી મળશે! પણ.....? જવા દો, પૅકેટ પાછું આપ્યું ત્યારે આ વિચાર થોડો આવેલો?)

શનિવાર, 21 જાન્યુઆરી, 2017

ક્યાં જવાના? બૅંગકૉક ?–(૨)

                                                


જ્યારે કોઈ સ્ત્રી સાથે પ્રવાસ શબ્દ જોડાય, ત્યારે કાં તો એના પિયરગમનની વાત હોય ને કાં તો એના સાસરાગમનની વાત હોય. બહુ બહુ તો વહુના આવ્યા બાદ, એ ચાર ધામની જાત્રાનું વિચારતી થઈ જાય. જોકે, પ્રવાસમાં સ્ત્રી એટલે, ઘરનાંનું ઘરની જેમ જ ધ્યાન રાખતી એક કૅરટૅકર માત્ર ! બાકી હોય તેમ, થેપલાં, ખાખરા, ગાંઠિયા ને ગોળપાપડીના ડબ્બા એટલે સ્ત્રીની અદ્રશ્ય હાજરી. બસ, આથી વિશેષ પ્રવાસ સંદર્ભે સ્ત્રી વિશે કોઈ કંઈ વિચારતું જ નહોતું–આજ સુધી. હવે જોયું ને, જમાનો કેટલો બદલાઈ ગયો છે તે ? ઘરની સ્ત્રી નક્કી કરે કે ક્યાં જવું ? ક્યારે જવું ? બુકિંગની બધી માથાકૂટ પણ એ કરી લે અને શોપિંગ પણ ચાલુ કરી દે ! સ્ત્રીના પ્રવાસના અર્થો બદલાવાની સાથે સ્થળો પણ બદલાયાં અને સૌની માનસિકતા પણ બદલાઈ. પ્રવાસીઓ વધવા માંડતા એમને માર્ગદર્શન આપતા લેખો લખાવા માંડ્યા. પ્રવાસમાં આટલી વસ્તુઓ સાથે રાખવી ને તેટલી વસ્તુઓ બીજાની વાપરવી, આમ કરવું ને તેમ ન કરવું જેવી સામાન્ય સુચનાઓ તો ખરી જ. અને છેલ્લે, ખાસ છટકબારી–‘કોઈને કંઈ થાય તો અમારી જવાબદારી નહીં.’ (!)

મેં તો ક્યારેય વિચાર્યું નહોતું કે, વહુના આવતાં જ ચાર ધામની જાત્રાએ નીકળી પડીશ. જોકે, અચાનક જ નવરાશ મળતાં, હવે શું કરવું ? ના જવાબમાં કશેક જવું જોઈએ એવો વિચાર ઝબકી ગયેલો ખરો. એક તરફ મને આ વિચાર સતાવતો હતો જ્યારે બીજી તરફ મિત્ર પલ્લવીબહેન પણ ઘરની એકધારી દોડાદોડમાંથી કશેક છટકવાનું વિચારતાં હતાં. ફોન પર અમારા વિચારો મળતાં જ  ઘરનાં સૌને માનસિક શાંતિ આપવાના બહાના હેઠળ મેં અને મારી મિત્ર પલ્લવીબહેને એક અઠવાડિયાની બૅંગકૉકની ટૂરમાં અમારું નામ નોંધાવી દીધું. એમના ઘરનાંએ ખાનગીમાં મારો અને મારા ઘરનાંએ એમનો આભાર માની લીધો. બંને ઘરમાં પ્રવાસની પૂર જોશમાં તૈયારીઓ શરુ થઈ ગઈ. સ્ત્રીઓ પ્રવાસની તૈયારી કરે અને તે પણ પૂંછડાં વગર(!), ત્યારનો એમનો ઉત્સાહ ને આનંદ દિલમાં માતો ન હોવાથી ઘડી ઘડી બહાર ઊછળી આવે. ઘરમાંથી બધી વાતે સહકાર મળતો હોય ને બધી સગવડ પણ સચવાતી હોય તોય, જવાબદારી વગરના પ્રવાસની મજા જ કંઈ જુદી હોય.

મેં જેને પણ જણાવ્યું કે, ‘અમે તો બૅંગકૉક ને પટાયા જવાના’, તેણે આઘાતમિશ્રિત આશ્ચર્યથી પાંચ મિનિટ તો વગર કંઈ બોલ્યે મારી સામે જોયે જ રાખ્યું.
‘તમે બૈરાં લોકો બૅંગકૉક ને પટાયા જઈને શું કરવાના ? તમને બીજી કોઈ જગ્યા નહીં મળી ?  એ તે કંઈ તમારે જવાની જગ્યા છે ?’ ઘરમાંથી પહેલો પ્રતિભાવ આ જ મળવાનો હતો તે અમને ખબર હતી.
‘તમારા એકતરફી, નિમ્ન કક્ષાના વિચારોની મને દયા આવે છે. દરેક દેશ કે દરેક શહેરને મેલી બાજુની સાથે ઊજળી બાજુ પણ હોય છે તે કેમ ભૂલી જાઓ છો ? કોઈ દેશ વધારે બદનામ થાય એટલું જ. બીજા દેશોમાં જાણે બધાં ભજન કરવા જતાં હશે. ’
‘જાઓ ત્યારે બૅંગકૉક ફરી આવો, બીજું શું ?’ હથિયાર ઝટ હેઠાં પડ્યાં.

વાહ રે ! એમ એમને ન ગમે એટલે અમારે ન જવું ? હંહ!
બોલનાર કે ટીકા કરનારને ચૂપ કરીને મેં તો, મને ટૂર માટે ઉશ્કેરનાર પલ્લવીબહેનનો મનોમન આભાર માન્યો. મને તો વાર્ષિક વૅકેશન જોઈતું હતું, પછી તે બૅંગકૉક હોય કે બૅંગલોર ! અને પલ્લવીબહેનને એકવાર પરદેશ જોવાની ઈચ્છા હતી. મારા સિવાય સારી કંપની એમને મળી નહીં હોય, કોણ જાણે ! જે ટ્રાવેલ કંપનીમાં એમણે તપાસ કરી હતી તેની, ફક્ત સ્ત્રીઓ માટેની એક ટૂર બે મહિનામાં જ બૅંગકૉક–પટાયા જતી હતી. પછી તો દિવાળી અને નાતાલ અને ઉતરાણના તહેવારો આવતા હતા. તહેવારોમાં તો પાછું ઘરને, વરના ભરોસે મૂકીને ઉપડી ના જવાય  એ સનાતન નિયમ અનુસાર અમારું બૅંગકૉક–પટાયાની ટૂરનું ગોઠવાઈ ગયું. બૅંગકૉક ને પટાયાની છાપ ખરાબ છે એવું જાણતે તો કદાચ પલ્લવીબહેન માંડી વાળતે. (કે નહીં ?)

જે હોય તે, પ્રવાસનો એકડો તો ઘુંટાઈ ગયો. મારા મનમાં તો થોડી થોડી વારે ખુશીના એટેક આવવા શરૂ થઈ ગયા. ‘ઓન્લી ફોર લેડીઝ ? અરે વાહ ! એનો અર્થ કે, નો પિતા, નો પતિ, નો બેટા ને નો ભાઈ ! વાહ ! પૂંછડાં વગરનો પ્રવાસ ? જીવનમાં પહેલી વાર જવાબદારી વગરનો ને પૂંછડાં વગરના પ્રવાસનો મોકો મળે છે તો છોડવા જેવો નહીં. ભલું થજો આ ટ્રાવેલ કંપનીનું જેણે સ્ત્રીઓનો પણ વિચાર કર્યો. જોગન બનીને બધે ફરતી ફરે એના કરતાં તો સારું ને કે, આમ ગ્રૂપમાં ભોજન, મનોરંજન ને પ્રવાસ કરે ?

કોઈ પણ દેશની, કોઈ પણ રીતે ખરાબ છાપ હોવાથી તે દેશનો ઈતિહાસ બદલાઈ જતો નથી. તે દેશના રીતરિવાજ અને સંસ્કારના મૂળિયાં એટલાં ઊંડાં હોય ને કે રાતોરાત બધું અદ્રશ્ય નથી થઈ જતું. ઉલટાની સંસ્કૃતિ અકબંધ રહેવાને લીધે જ દર વર્ષે પ્રવાસીઓનાં ધાડેધાડાં  એ દેશમાં ઊતરી પડે છે. અમારી તો ફ્કત સ્ત્રીઓની જ ટૂર હતી. સ્વાભાવિક છે કે, બધાંને નવો દેશ જોવામાં અને એની જોવાલાયક જગ્યાઓએ ફરવામાં ને ખાસ તો બૅંગકૉક જેના માટે પ્રખ્યાત છે તે શૉપિંગમાં પણ એટલો જ રસ હોવાનો–કદાચ વધારે પણ હોય ! તો શું થયું ? અમારા પ્રવાસમાં તો આડીતેડી કોઈ વાતને કે વિચારોને બિલકુલ સ્થાન નહોતું. પલ્લવીબહેન તો થોડા થોડા દિવસે મને ફોન કરીને યાદ કરાવતાં રહેતાં,
‘ કલ્પનાબહેન, હવે પંદર દિવસ બાકી રહ્યા.’
‘ હવે દસ જ દિવસ બાકી.’
‘ આવતા શનિવારે તો આ ટાઈમે આપણે એરપોર્ટ પર.’
એમ એમના ફોને ફોને હું જવાના દિવસ સુધી પહોંચી ગઈ.

અમને કહેવામાં આવેલું કે, અઢીસો સ્ત્રીઓનું ગ્રુપ છે. એ જાણીને જ હું તો ઊછળી પડેલી. ‘અરે વાહ! મજા આવવાની.’ કારણ મને તો ફરવા કરતાં પણ વધારે, આટલી બધી સ્ત્રીઓની ખાસિયતો સાત સાત દિવસ સુધી નજીકથી જોવા મળવાની હતી, એનો જ રોમાંચ હતો. સરખા રસના વિષયો ધરાવતી બે–ત્રણ સ્ત્રીઓ જ ભેગી થઈ હોય ત્યારે ટોળાનો આભાસ કરાવતી હોય, ત્યારે આ તો અઢી..સો!! કોઈક લશ્કર આવી ચડ્યું હોય, કે પછી નાનકડા ગામની સ્ત્રીઓ કોઈ પ્રસંગે ભેગી મળી હોય, કે પછી મેળે મહાલવા આવી હોય એવું લાગે. એક વાર તો મને એમ થઈ ગયું, જાણે હમણાં લગ્નનાં ગીતો ગવાવા માંડશે ! એરપોર્ટ પર કદાચ પહેલી વાર જ, સ્ત્રીઓનું આવું મધુર મધુર આક્રમણ થયેલું મેં જોયું.

વળી, મા–બહેન–પત્ની કે સાસુને વળાવવા આવનારની સંખ્યા પણ અધધધ ! કોણ જવાનું છે અને કોણ આવજો કરવાનું છે તે કળી ન શકાય. ઘણાં તો ટોળું જોઈને જ બીકના માર્યાં દૂરથી જ આવજો કહીને પાછા વળી ગયેલાં. જોઈ લીધું હશે કે, આમાં તો બધીઓ જ એકબીજીને સાચવી લે એવી દેખાય છે અને બાકી હશે તે ટૂરવાળા માથાં ફોડી લેશે. હા...શ ! સાત દિવસ માટે છૂટ્યા ! ઓમ શાંતિ શાંતિ શાંતિ: ! નવાઈ તો મને એ વાતે લાગતી  હતી કે, આમાંની અડધોઅડધ કે કદાચ વધારે સ્ત્રીઓ પહેલી વાર જ પરદેશ જતી હતી અને તોય કોઈની આંખમાં આંસુનું એક ટીપું સુધ્ધાં દેખાયું નહોતું–છેલ્લે સુધી ! વળાવનારની આંખમાં પણ નહીં ! શું જમાનો આવ્યો છે ? કોઈએ ધાર્યું પણ નહીં હોય કે, જમાનો આ હદે બદલાઈ જશે. જો કે, આ રીતે શુભ શરુઆત થતી હોય તો ખોટું નહીં. સૌ રાજી તો આપણે રાજી.

અમને બંનેને તો સુરતથી જ વળાવી દીધેલાં એટલે એરપોર્ટ પર દુ:ખદ દ્રશ્યની કોઈ સંભાવના જ નહોતી. મુંબઈ રહેતાં દીકરો–વહુ અમને મૂકવા આવેલાં પણ અઠવાડિયાની ટૂરમાં ગયાં શું ને આવ્યાં શું ? શાનો હરખ શોક કરવાનો ? એટલે ‘હૅપ્પી એન્ડ સેઈફ જર્ની’ની શુભેચ્છા પાઠવીને એ લોકો તો પાછા વળી ગયેલાં.

ટૂર ઓપરેટર તરફથી અમને સૌને અગાઉથી એક લિસ્ટ અપાયેલું જેમાં કેટલી વસ્તુઓ હૅન્ડબૅગમાં રાખવી અને કઈ કઈ વસ્તુઓ મોટી બૅગમાં જવા દેવી, તે સિવાય અઠવાડિયાની ટૂરની વિગતો જણાવેલી અને જરુર પડે તો બે ચાર ફોન નંબર પણ લખેલા. જેથી નાની નાની વાતે ફરિયાદ કરવી હોય કે પ્રશ્નો પૂછવા હોય તો એ લોકોનું માથું ખાઈ શકાય. એરપોર્ટ પર પહોંચવાના સમય કરતાં એક કલાક વહેલા જ બધાં પહોંચી ગયેલાં. સ્ત્રીઓ મોડી પહોંચવા બદલ હંમેશાં ઘરનાંની નારાજગી વહોરતી હોય છે પણ અહીં તો ઊંધું જ દ્રશ્ય જોવા મળ્યું.

શૉપિંગમૉલમાં ટ્રૉલી લઈને ફરવાની આદત સૌને અહીં સારી કામ આવી. ટ્રૉલી પર ફટાફટ બધો સામાન ગોઠવીને બધી સુંદરીઓ દરવાજેથી દાખલ થઈ પાસપોર્ટ અને સામાન ચેક કરાવવાની લાઈન તરફ ટ્રૉલી ધકેલતી આગળ વધી ગઈ. (પરદેશગમન કરનાર દરેક સ્ત્રી સુંદર તૈયાર થઈને જ જવાની એ તો સમજવાની જ વાત હોય. તેમાં પણ સ્ત્રીઓનું ગ્રૂપ હોય પછી પૂછવાનું શું?) પરદેશમાં કોઈ ઓળખીતું ન હોય ને ફક્ત ફરવા કે શૉપિંગ કરવા જ જવાનું હોય, ત્યારે અહીંથી જનારની બૅગમાં ખાસ ખાંખાંખોળા કરવા જેવું હોતું નથી, એ કસ્ટમવાળાઓ સારી પેઠે જાણતા હોવાથી કામ વહેલું પત્યું. પણ.....

કમનસીબે સૌના જવાના ઉત્સાહ પર બે ત્રણ કલાકની નવરાશનું ટાઢું પાણી રેડાયું. વેઈટિંગ એરીયામાં સૌએ પોતપોતાની જ્ગ્યા શોધી બેઠક જમાવી દીધી. હવે બધાંને બોલાવે ત્યારે પ્લેનમાં બેસવાની દોટ લગાવવાની હતી. ત્યાં સુધી શું કરવું પણ ? માખી કે મચ્છરની તો સદંતર ગેરહાજરી હતી, નહીં તો થોડો સમય એમાં પણ જાત. હવે ? ગપો કે ઝોકો–તમારી મરજી. હજી તો પાંચ વગાડવાના હતા–કોણ જાણે ક્યારે વાગશે?

ગુરુવાર, 12 જાન્યુઆરી, 2017

અમારે ફરવા જવું છે–––(૧)

ભારતના દરેક ઘરમાં બોલાતું ‘વેકેશન સ્પેશ્યલ’ વાક્ય છે, ‘અમારે ફરવા જવું છે.’ ત્યારે એવું લાગે કે, વેકેશનમાં તો ‘પત્ની સ્પેશ્યલ’ કે ‘પિયર સ્પેશ્યલ’ કે પછી ‘મોસાળ સ્પેશ્યલ’ નામની ટ્રેનો દોડવી જોઈએ, જે હોંશે હોંશે પિયર જતી સ્ત્રીઓને બાળકો સમેત સમયસર પિયર ભેગી કરી દે. ગમે તેટલો તાપ હોય કે ગમે તેટલી ભીડ હોય, ભારતભરની સ્ત્રીઓ બાવરી બનીને ચારે દિશામાં જે રીતે ફરી વળે છે તેવી તો કોઈ દેશની સ્ત્રીને તમે રખડતી કે ભટકતી જોઈ નહીં હોય. જાન્યુઆરી બેઠો નથી કે, છોકરાંની પરીક્ષા જાય ભાડમાં, પહેલું કામ રિઝર્વેશનની ચિંતા ને બૂમાબૂમ કરવાનું. જ્યાં સુધી હાથમાં ટિકિટ ન આવે ત્યાં સુધી ઘરમાં કોઈએ ચેનથી જીવવાનું નહીં.


આગલાં વર્ષોની દર્દનાક ઘટનાઓ કે શ્વાસ થંભી જાય એવી વાર્તાઓ યાદ કરાવાય ! ‘દર વર્ષે કેટલાં હેરાન થઈએ છીએ ખબર છે ? તમને તો ક્યાંથી ખબર હોય ? તમારે થોડા કોઈના ગોદા ખાવા પડે છે કે ગાળો ખાવી પડે છે ? ભિખારી હોઈએ ને બધાની દયા પર જીવતાં હોઈએ ને બધાં સામે સીટની ભીખ માંગતાં હોઈએ એમ જોતાં રે’વાનું. ‘આગે જાઓ, હમારે ભી બાલબચ્ચે હૈં’ જેવું બધાનાં મોં પર વાંચીને, તમને શું ખબર અમને કેવું મરવા જેવું લાગતું હશે ? તમારે શું છે ?’

મારી પડોશણ તો ગયે વર્ષે આ ડાયલૉગ ગોખીને ગયેલી. ‘આ છોકરાંનાં મોઢાં સામે તો જુઓ માઈબાપ. ત્યાં બારી પાસે જરાક ઊભા રહેવા દેશો તો ભગવાન તમને સહીસલામત ઘેર પહોંચાડશે બાપલા ! મહિનો સુધી આ છોકરાંવનો બાપ બિચારો એકલો, બીજાઓની (ચાંપલી પાડોશણોની) દયા પર જીવશે. ટાઈમ પર સારું–નબળું ખાવાનું મળ્યું ન મળ્યું ઠીક છે; કહીને મન મનાવશે ને મહિનામાં તો સૂકાઈને સળી જેવો થઈ જશે. આ એક વાર થોડું બેસવા દો, ભગવાન કાયમ તમને કન્ફર્મ્ડ ટિકિટ આપશે.’ પણ એના પગ પર કોઈની બૅગ એટલા જોરમાં પડેલી કે એના ગળામાંથી ચીસ સિવાય કંઈ નીકળ્યું નહોતું.

રાઈનો પર્વત બનાવતાં આ પિયરપ્રેમી પત્નીઓને જરાય વાર લાગતી ન હોવાથી, પતિ બિચારો બધાં કામ છોડીને સ્ટેશન ભણી ફટફટિયું મારી મૂકે. પત્નીને ગાળો ન ખાવી પડે કે ભીડમાં ગોદા ન ખાવા પડે એટલા ખાતર પતિ એક દિવસ પૂરતી બધાની ગાળો ખાતો ખાતો લાઈનમાં આગળ– પાછળ ખસતો જાય ને બાકી હોય તે, બારી પાસે આવે ત્યારે અધૂરા ફૉર્મને કારણે કે પછી છુટ્ટા ન હોવાને લીધે બુકિંગ ક્લાર્કની લાલ આંખો ને કડવી જબાનનો ભોગ બને. લાઈનમાં ઊભેલાં, ત્યારે સમદુખિયાં ન બનતાં દુશ્મન બની સામટો હલ્લો કરી બેસે, ‘ફૉર્મ ભરીને આવતાં શું થાય છે ? ભણેલાગણેલા થઈને બીજાનો ટાઈમ કેમ બગાડો છો ?’ એમને કોણ સમજાવે કે, ‘આવા પતિઓ તો ભેજું ઘરે મૂકીને નીકળતા હોય પછી એમની અક્કલ ક્યાંથી કામ કરે ?

જેમતેમ ટિકિટ મેળવીને વર્લ્ડકપ જીત્યાની લાગણી સાથે ઘેર પાછા ફરતા પતિને શાબાશીને બદલે શું મળે ? ‘આ સામેવાળા શાહભાઈ તો કાયમ કુલી પાસે ટિકિટ કઢાવીને તરત જ પાછા આવી જતા હોય છે; પણ તમને કોણ જાણે ક્યારે એવું બધું આવડશે ? આખો દા’ડો પૂરો કર્યો, એના કરતાં મને બૅગ પૅક કરવા લાગી શકાત કે નહીં ? હોશિયારી જ નહીં ને. ’

એ તો ઠીક છે કે, મહિનાની શાંતિના બદલામાં પતિ બિચારો આવા બધા કડવા ઘુંટડા ગળી જતો હોય, બાકી તો....? (બાકીય ક્યાં નિરાંત હોય છે ?) મને ઘણી વાર થાય કે, કોઈ સ્ત્રી મૂંગી રહીને (કે મૂંગી મરીને ?) બૅગ ભરી શકતી હશે ખરી ? અઠવાડિયા સુધી તો એની બૅગ જ ના ભરાઈ રહે. છેલ્લે દિવસે તો, બે વાર બૅગ બદલાઈને ત્રીજીમાં સામાન શિફ્ટ થવા માંડ્યો હોય ! તાળા–ચાવીની શોધાશોધ ને આક્ષેપબાજી ચાલુ થઈ ચૂકી હોય અને સોંપાયેલાં કામો વધુ એક વાર, વધુ ઊંચા અવાજે યાદ કરાવાતા હોય ત્યારે પતિને અવશ્ય થતું હશે કે, ‘ભઈ, તું જવાની હોય તો જા; નહીં તો માંડી વાળ. પણ મહેરબાની કરીને.....’ ભૂલમાંય કોઈ પતિ આ વાક્ય બોલાઈ ન જાય એનું ધ્યાન રાખીને પત્નીના આખરી હુમલાઓ બહેરા કાને અને પથ્થરિયા દિમાગે ઝીલતો રહે છે. આખરે આવી આઝાદી વર્ષમાં એક વાર તો મળે છે !

પત્નીને હોંશે હોંશે પિયર ધકેલતા પતિઓ તો, આઝાદીની આગલી રાત સુધી ખડે પગે પત્નીની સેવામાં હાજર રહેતા હોય. શહેરના ખૂણે ખાંચરેથી મંગાવાયેલા અઢીસો ગ્રામના પૅકેટ કે મૅચિંગ રૂમાલ સુધ્ધાં, પેટ્રોલ ને પરસેવાની પરવા કર્યા વિના પળ વારમાં હાજર કરીને સંતોષનો શ્વાસ લે. ટિફિન મંગાવવું, બાળકોને ખવડાવવું, એમને સાચવવાં ને સૂવડાવવા જેવાં સહેલાં કામો તો એ લોકો ચપટી વગાડતાં કરી નાંખે.

આખરે, આઝાદીના સપનામાં આખી રાત જાગેલા પતિઓ તો પત્ની ટ્રેન ન ચૂકી જાય તેની કાળજી રાખીને બે કલાક પહેલાં જ સૌને સ્ટેશન પર પહોંચાડી દે. એ બે કલાક ત્યારે એને બે મહિના જેવા લાગતા હોય એમાં શી નવાઈ ? ને લીલી ઝંડી બતાવ્યા પછી પાટા પર શાનથી ચાલી આવતી ટ્રેન એને પ્રાણપ્યારી ન લાગે તો જ નવાઈ ! એટલે જ આજ સુધી કોઈ પતિએ પોતાની પત્નીને પિયર જવાની ના પાડી જ નથી અથવા ના પાડવાની એનામાં હિંમત જ નથી. (શું તમને લાગે છે કે, ઑનલાઈન બુકિંગમાં આ બધી મજા સમાયેલી છે ?)

જોકે,
અમારે તો પિયર નહોતું જવું ! તો ક્યાં જવું હતું ?
અને  અમારી હાલત કેવી હતી ? ને અમારી સાથે શું થયું ?


સોમવાર, 12 ડિસેમ્બર, 2016

ગ્રાન્ડ બજારમાં કસમ ખાધી


રવિવારે, અમુક ધાર્મિક તહેવારે અને બૅંકની રજાના દિવસે બંધ રહેતી આ બજારમાં એવું તે શું હતું, કે પાંચ વર્ષ પહેલાં ઉજવાયેલી એની પાંચસો ને પચાસમી વર્ષગાંઠે, દુનિયાના ખૂણે ખૂણેથી ઉમટી પડેલા લાખો લોકોએ એની મુલાકાત લેવાનો રેકૉર્ડ તોડી નાંખેલો? ઉપરાછાપરી ભૂકંપ અને ભયંકર આગના કેટલાય બનાવોથી પણ ન હારેલી બજાર, વરસોવરસ વધુ ને વધુ નિખરતી રહી. અસલ તો કાપડના વેપારીઓ માટે શરૂ કરાયેલી આ બજાર, આજે જોતાં થાકીએ ને ફરી ફરી જવા લલચાઈએ એટલી અદ્ભૂત અને અગણિત વસ્તુઓનો ખજાનો સંઘરીને જાણીતા પર્યટનસ્થળ જેવી બની ગઈ છે. જોકે, એનું પ્રવેશદ્વાર જોઈને થાય, કે આટલી ભવ્ય અને વિશાળ બજારનું પ્રવેશદ્વાર છેક આવું? શૉપિંગની અધીરાઈમાં એ ગરીબડા દ્વારને, એની યાદગાર તસવીરો લેનારા સિવાય કોઈ ધારીને જોવા પણ ઊભું નહીં રહેતું હોય. બજારની ગોળ કમાન જેવા કપાળે જ લખેલું દેખાય, Kapali Carsi.

Kapali carsi… Covered market. /Buyuk Carsi …Grand Bazar નામ થોડું અટપટું લાગે, પણ આપણે તો સ્પેલિંગ પ્રમાણે ઉચ્ચાર કરનારા, આપણને શું ખબર કે જેને આપણે ‘કપાલી કારસી કે ‘કપાલે આરસી’ જેવું કંઈક કહીએ, ત્યારે અંગ્રેજો એને ‘કપાલ ઝાસ’ કહેતા હશે! ટર્કિશ લોકો તો વળી ‘કપાલી ચારશી’ નામે આ બજારને ઓળખે. ઈચ્છા તો બહુ થઈ, કે થોડા દિવસ અહીં રોકાઈ જાઉં ને આ ન સમજાતી ભાષા શીખી લઉં. પછી માંડી વાળ્યું. મોટામાં મોટો સવાલ પૈસાનો નડે અને બીજી તકલીફ, નવી ભાષા શીખવાની ઉદાસીનતા. જ્યાં ગુજરાતીમાં જ ફાંફાં પડતા હોય ત્યાં વળી ટર્કિશ શીખવાની પળોજણમાં કોણ પડે? આ તો ગુજરાતી શબ્દને મળતો કોઈ શબ્દ સંભળાઈ જાય તો વળી મનમાં ઉથલપાથલ થાય, બાકી હાંક્યે રાખવાનું.

બે કલાકમાં જેટલું સરસરી નજરે જોવાયું, એટલું અમે બધાંએ જીવ અને લોહી બાળી બાળીને જોયું. તોય અમને લાગ્યું, કે અમે તો જાણે ખજાનો જોયો. ટર્કિશ છાપવાળી ચાંદીની લગડીઓ ને સોનાની લગડીઓ જોઈને બે ઘડી તો જીવ મચલી ગયો! પછી મન વાળ્યું, કે આ બધી તો માયા છે. આજે છે ને કાલે નથી. મોટા મોટા રંગીન સુંદર ગાલીચાઓ જોઈને મહેલ જેવા ઘરની ખોટ સાલી. રાજા, રાણી ને સીપાઈના પહેરવેશ, ઘરેણાં, છરી, ચપ્પા, તલવાર, બખ્તર, અસલના હેલ્મેટ જેવા ટોપા ને ચમચમાતા લાંબા બૂટ! રાજઘરાનામાં જનમ્યા હોત તો, આ બધું કોઈને ગિફ્ટ આપવા પણ લઈ લેત. આખરે ગિફ્ટ આર્ટિકલ્સની નાનકડી દુકાને પાંચેક મિનિટ ઊભા રહીને, બજેટની અંદર સમાય તેવી ડઝનના હિસાબે મનગમતી ભેટ ખરીદીને અમે નીકળી ગયેલાં.

એન્ટિક વસ્તુઓનો ખજાનો હોય કે સિરામિક્સની લાજવાબ વસ્તુઓનો ભંડાર હોય, ટર્કીની હાથકારીગરીના મસ્ત નમૂના હોય કે બૂટ, ચંપલ ને પર્સ–બેગના ઢગલેઢગલા હોય, એક જ પ્રકારની ચીજવસ્તુઓ વેચતી દુકાનો તદ્દન પાસે પાસે ને સામસામે પણ હતી, તોય દરેક દુકાન આગળ સહેજે કલાક નીકળી જાય એવી સુંદર ગોઠવણી હતી. સમયનું ભૂત માથે ધુણ્યા કરતું, એટલે આ દુકાન ને પેલી દુકાનની પસંદગી કે વરણાગી કરાય એવું નહોતું. જે વસ્તુ લેવાની હોય તેની દુકાન દેખાય એટલે આજુબાજુ જરાતરા નજર નાંખી ન નાંખી, માથું ખજવાળીને તાત્કાલિક નિર્ણય લઈને અંદર જો ધસી ગયા તો જ કામ આસાન થાય. બાકી તો, ધોયેલા મૂળા બનવાની પૂરી શક્યતા હતી. એક તો અમે ત્રણેય જણે, કેટલાય દિવસોથી શૉપિંગ નહોતું કર્યું! જ્યારે કરવાનો સમય આવ્યો, ત્યારે માથા પર સમયની પાબંદીની તલવાર લટકાવીને નીકળેલાં! આવા સમયે સાથે જો ઘરનાં પુરુષો આવ્યા હોતે તો તો રાજીના રેડ થઈ જતે ને વિચારતે ‘હાશ, બચી ગયા.’

મીઠાઈની દુકાનોથી મઘમઘતી એક ગલીએ તો અમારા પગ રીતસરના જમીનમાં ખોડી દીધા. ન તો ત્યાં ગુલાબજાંબુ હતાં કે ન તો રસગુલ્લા. ન તો શાહી રબડી અમને લલચાવતી હતી કે ન તો ત્યાં બુંદીનાં લાડવા ગોઠવેલાં કે ન તો હલવા કે ઘારીનાં ખોખાં ગોઠવેલાં. આખી દુકાનોમાં, ફક્ત ને ફક્ત ટર્કિશ મીઠાઈઓને જ એટલી તો આકર્ષક રીતે ગોઠવેલી, કે બધે સરખી હોય તોય દરેક દુકાનમાં મન ભરીને એક ચક્કર લગાવવાનું મન થઈ જાય. એક ઘડી તો એમ થઈ જાય, કે હવે ગયાં જ છીએ ઘરે. વળી શૉપિંગ ને પ્લેનનો ટાઈમ ને બધું યાદ આવી જાય એટલે દોડવા માંડીએ. મેં વચ્ચે એક દુકાનમાં ઘૂસ મારીને ભાવતાલ જાણવાને બહાને બે ચાર મીઠાઈના ઠુકડા ચાખી લીધા. આહાહાહા! સ્વાદનગરીમાં વધુ લટાર મારું ને સ્વર્ગમાં વિહરું તે પેલ્લા તો અંજુ આવી ર’ઈ, ‘ચાલ નીં. અં’ઈયે હું કઈરા કરે? મોડુ થાય. જલદી ચાલ.’ ત્યારે મોંમાં રહી ગયેલો મીઠાઈનો ટૂકડો મને બેસ્વાદ લાગે તેમાં હું નવાઈ? મારી ઈચ્છા તો, દુકાનમાં આકર્ષક રીતે ગોઠવેલી લાલ, લીલી, પીળી, સફેદ, ગુલાબી ને સોનેરી ઝાંયવાળી, બદામ–પિસ્તાની કતરણ ભભરાવેલી, દિલને  લલચાવતી દરેક મીઠાઈની સુગંધ લેવાની ને એને ચાખવાની હતી! ખેર, જેવી અંજુની ઈચ્છા.

એક ગલીના નાકા પર, એક નાનકડા ટેબલ પર સુંદર, રંગીન લીલીના છોડનાં કૂંડાં ગોઠવીને એક ગરીબડો માણસ ઊભો હતો. મેં બંને બહેનોને આગળ જવા કહ્યું, ‘તમે નજીકમાં જ રે’જો, ઉં અ’મણાં આવી.’ એ લોકોને એમ, કે મને કંઈ ગમી ગયું તે જોવા ઊભી રહી હોઈશ. ગરમ કપડાંની દુકાનમાં જતાં મેં એમને જોયાં એટલે, પેલા ભાઈ સાથે વધારે ભાવતાલ કર્યા વગર મેં એ છોડનાં મૂળિયાં જે કાંદા જેવા દેખાતા હતાં તે પાંચ લઈ લીધાં. સસ્તામાં પત્યું સમજીને હું ખુશ થઈ ને વહેલી વહેલી પેલી દુકાનમાં પહોંચી. મારા આશ્ચર્ય વચ્ચે ત્યાં પારુલ કે અંજુ કોઈ નહીં! હવે?

માંડ બે મિનિટ થઈ ને એટલી વારમાં બંને ક્યાં ગાયબ થઈ ગયાં? મને સાથે લઈને તો ઠીક, પણ કહીનેય ન ગયાં? મેં ગભરાઈને વહેલાં વહેલાં દુકાનની બહાર નીકળી, આજુબાજુ દૂર સુધી જોયું. બંને બહેનોને બજારની એવી તે કઈ ગલીએ પોતાની પાસે ખેંચી લીધી? મારા મનમાં તો ભલભલા વિચારો આવ–જા કરવા માંડ્યા. હવે કોઈ હિસાબે આ લોકો મને નહીં મળે. આ બજારની ભીડમાં એ લોકોને શોધવા એટલે, ચાની ભૂકીમાંથી લોખંડની કણી શોધવી. (‘ઘાસની ગંજીમાંથી સોય શોધવી’, કેટલી જુની ઉપમા લાગે નંઈ?) દર વખતની જેમ, મારી જાત પર મને ગુસ્સો આવ્યો. કાયમ બધા સાથે જ હોય એટલે મેં મારા મોબાઈલમાં સીમ કાર્ડ પણ બદલ્યો નહોતો. આ લોકો છે ને? એ જ વિચારે સદાય બિન્દાસ રહેતી તે ભારે પડી ગયું. અહીં કોઈને ગુજરાતી તો શું, ઈંગ્લિશ પણ નહોતું આવડતું. મારી આંખમાં પાણી ઝગઝગ થવા માંડ્યું, હવે મારું શું થશે? એટલામાં સામેથી બંને બહેનોને બહાવરી હાલતમાં આવતાં મેં જોઈ. પહેલાં તો હાશ થઈ ને પછી મીઠી આરોપબાજી સાથે નોંકઝોંક થઈ. એકબીજાને કહેવા જેવું બધું અમે કહી પરવાર્યાં, એટલે મારા હાથમાં થેલી જોઈને બંનેએ પૂછ્યું, ‘આ હું લીધું તેં?’
‘કાંદા.’
‘અંઈયે સસ્તા છે કાંદા? હું ભાવે મઈલા?’ (અસ્સલ ગૃહિણી!)
‘અરે એ નીં, આ તો લીલીના ફૂલના કાંદા છે.’

પારુલે મારી ખરીદી જોતાં જ કહ્યું, ‘આવું બધું પ્લેનમાં નીં લઈ જવા દેય. તમારા દસ લીરા પડી ગીયા અ’વે. આ જો, એટલામાં તો મેં તોણ ગરમ પૅન્ટ હો લઈ લીધા.’ મારું મોં પડી ગયું. હારુ, છોડવાનું સોપિંગ કઈરુ, તેમાં હો ગરબડ કરી લાખી. અંજુએ મીઠું ભભરાઈવુ, ‘મેં તો દસ લીરામાં બે ગરમ કોટ લીધા.’ ભવિષ્યમાં ક્યારેય એક પણ રૂપિયાનું કે લીરાનું કે ડોલરનું કંઈ પણ ન ખરીદવાની મેં એ બજારમાં કસમ ખાઈ લીધી. ને બીજી કસમ કઈ ખાધી? મોબાઈલમાં સીમકાર્ડ લાખવાનો, બેલેન્સ ભરપૂર રાખવાનું ને રીંગટોન બીવડાવે એવો રાખવાનો. શું એ બજારમાં મારા જેવી કસમ કોઈએ ખાધી હશે? કે ભવિષ્યમાં કોઈ ખાશે? કોણ જાણે.

બસ, ટર્કીનું આ છેલ્લું સ્થળ હતું જેની અમે ખૂબ મજેથી મુલાકાત લીધી. પછી તો, જમી પરવારી સામાન લઈને ભાગ્યાં એરપોર્ટ. યુસુફભાઈએ અમને સહીસલામત એરપોર્ટ છોડ્યા. ટર્કીમાં ખૂબ ખાધું–પીધું ને ખૂબ ફર્યાં ને થોડા ઘણા શૉપિંગનો પણ આનંદ માણી, આખરે અમે અમારી રોમાંચક ટર્કી યાત્રા સમાપ્ત કરી.

આપ સર્વે મિત્રોનો, આ યાત્રામાં સાથે રહેવા બદલ અને વખતોવખત કિમતી સુચનો આપવા બદલ સૌનો દિલથી આભાર માનું છું–કદર કરું છું. ખૂબ ખૂબ આભાર.








શનિવાર, 26 નવેમ્બર, 2016

આખરે શૉપિંગનું મૂરત નીકળ્યું ખરું!


આટલાં વરસોમાં જાતજાતનું કેટલુંય સાચું/ખોટું શૉપિંગ કર્યું હશે, તોય આજ સુધી આ વિષયમાં હું ઢ જ પુરવાર થઈ છું. મને જ્યારથી આ વાતની ખબર પડેલી, (કે શૉપિંગમાં હું ઢ છું!) ત્યારથી હું શૉપિંગમાં કોઈનો સંગાથ નથી કરતી. વારંવાર કોઈની આગળ ઢ પુરવાર થવાનો પણ કંટાળો આવે કે નીં? જોકે, આનો મને મોટામાં મોટો ફાયદો એ જ થાય, કે કોઈ દિવસ મારી પાસે ઘરનાં કે બહારના લોકો કંઈ મગાવે નહીં! જાણે, કે વસ્તુ ફેંકવી પડશે અથવા જીવ બાળીને ખૂણે નાંખવી પડશે અને પૈસા બગડશે તેનું કંઈ બોલાશે પણ નહીં. બીજો ફાયદો, હું ઓછા સામાન સાથે આરામથી બધે ફરી શકું. બધાએ એક જ સલાહ આપી હોય, ‘કોઈના માટે કંઈ લાવતી નહીં. આરામથી ફરજે.’

જ્યારે અહીં, આ અદ્ભૂત માર્કેટમાં તો અમે ખાસ શૉપિંગ કરવા જ આવેલાં. હવે આ રીતે સંગાથે શૉપિંગ કરવાનું આવે ત્યારે મારી હાલત કફોડી થતી હશે, એવું કોઈને લાગે. પણ એનો મેં રસ્તો કાઢી લીધો હતો. સાથેવાળા જે ખરીદે તેવું મારા માટે પણ લેવાનું કહી દઉં. એ લોકોને ડબલ શૉપિંગનો આનંદ મળે ને મારા મનને શાંતિ મળે. મેં બહુ વાર શૉપિંગની રીતો શીખવાની કોશિશ કરેલી, કે કઈ રીતે કોઈ વસ્તુ જોવાની, એનો ભાવ પૂછવાનો, ‘બહુ મોંઘું છે’ના હાવભાવ બતાવવાના, દુકાનવાળા સાથે ભાવ બાબતે રકઝક કરવાની, અમસ્તાં અમસ્તાં ચાલવા માંડવાનું નાટક કરવાનું, ફરી પેલાના બોલાવવાથી પાછા ફરવાનું, થોડા એ ભાઈ ભાવ ઓછા કરે ને થોડા હું ઓછા કરું ને પછી બંને ખુશ થઈએ, કે સોદો વ્યાજબી થયો. મને સસ્તાનો આનંદ મળે ને દુકાનદારને ફાયદાનો આનંદ મળે. આટલી બધી ઝંઝટ કર્યા પછી પણ, મારે તો સાંભળવાનું જ હોય, કે ‘દર વખતે છેતરાઈને આવે છે ખબર છે, તો પછી કંઈ પણ લેવા તૈયાર શું કામ થઈ જાય?’ લે ભઈ, કોઈ વાર તો મને પણ શૉપિંગ કરવાનું(ને છેતરાવાનું) મન થાય કે નહીં?

અહીં તો અમારી પાસે ગણેલા કલાક હતા અને એટલા ટૂંકા સમયમાં અગણિત દુકાનોને જોવાની ને તેમાંથી જોઈતી વસ્તુને પસંદ કરીને, ભાવની રકઝક કરીને તે વસ્તુ લેવાની હતી. ચાર હજારથી પણ વધારે દુકાનો વચ્ચે મહાલતાં મહાલતાં, હજારો લોકોની વચ્ચેથી રસ્તો કરતાં કરતાં, છૂટા ન પડી જવાય તેની બીકમાં, એકબીજાની સાથે ને સાથે રહેતી અમે ત્રણ બહેનો, દુનિયાની શ્રેષ્ઠ બાવરીઓમાં ગણાઈ જવાની તૈયારીમાં હતી. અમારી પાસે સમય ઓછો હતો અને શૉપિંગનું લિસ્ટ લાબું હતું. આટલા દિવસોમાં બીજે કશેથી પણ કંઈ ન લીધું, એટલે લિસ્ટ થોડું વધારે લાબું થઈ ગયેલું. પહેલાં અમે એવું નક્કી કર્યું, કે બે કલાક બજારમાં ફરીને, શૉપિંગ કરીને પછી મુખ્ય દરવાજે બધાંએ ભેગાં થવું, એટલે બધાંને પોતાના શૉપિંગનો પૂરતો ટાઈમ મળે, અને વાતમાં કે એકબીજાનું શૉપિંગ જોવામાં સમય બરબાદ ન થાય. જોકે, એક વાર માર્કેટમાં દાખલ થઈ ગયા પછી, તરત જ અમે અમારો વિચાર ફેરવી નાંખ્યો. ભલે જેટલું થાય તેટલું, પણ શૉપિંગ તો સાથે રહીને જ કરશું. અહીં જરાક જ વારમાં ખોવાઈ જવાની પૂરેપૂરી શક્યતા હતી. કોઈ મોટા જંક્શન પર ઘણી બધી ટ્રેનના પ્રવાસીઓ, જે રીતે એકધારા આવ–જા કરતાં દેખાય, તેવો જ અહીં લોકોનો પ્રવાહ સતત વહેતો હતો. સ્ટેશન પર તો લોકો, કાં તો ટ્રેન તરફ જોઈને ચાલતાં દેખાય, કાં તો દરવાજા તરફ જોતાં ચાલતાં હોય. અહીં તો, લોકો ચારે દિશામાં નજર ફેરવી ફેરવીને ફરતાં હતાં. આ દુકાન, પેલી દુકાન, આ વસ્તુ, પેલી વસ્તુ, ઘડીક જોવા ઊભા રહો, તરત જ આગળ વધો, ઉતાવળે ઉતાવળે બધી દુકાનો પર સરસરી નજર નાંખતાં ઝડપથી આગળ વધતાં રહો. બાપ રે! આવામાં શું લેવાય ને કેવી રીતે લેવાય? આખો દિવસ હોત તો નિરાંતે ફરત ને શૉપિંગની મજા લેત. હત્તેરીની! બહુ દિવસથી હવા ભરીને ફુલાવી રાખેલા શૉપિંગના ફુગ્ગામાંથી ધીરે ધીરે હવા નીકળવા માંડી.

‘જો, આપણે એક કામ કરીએ. આપણે હું હું લેવાનું છે તે પેલ્લા જોઈ લઈએ. કોઈને દુકાન પૂછીને હીધ્ધા તાં જ જઈએ. જેને નીં લેવુ ઓ’ય, તે બા’ર ઊભુ રે’ય નીં તો આજુબાજુ જોઈને કંઈ લેવા જેવુ લાગે તો લઈ લેય, એટલે કોઈનો ટાઈમ નીં બગડે.’ ત્રણેયની સહમતિથી કામ સરળ બન્યું અને આમ અમારું શૉપિંગ ઝપાટાભેર ચાલવા માંડ્યું. બહુ બધી દુકાનો આગળ ઊભા રહી જવાનું, બહુ બધી વાર, બધાંને જ બહુ મન થયું, પણ દિલ પર કાબૂ રાખતાં રાખતાં છેલ્લે ડ્રાયફ્રૂટની દુકાને અમે મુકામ કર્યો. એક ખાલી દુકાન જોઈ, એમાં શૉપિંગ વહેલું પતશે, એમ વિચારી દાખલ થયાં. દુકાનમાં માંજરી આંખોવાળા ટર્કિશ માલિક સહિત, ત્રણેક હેલ્પર છોકરાઓ હતા. દુકાનમાંય મોડેલિંગ કરતા હોય તેવા સ્ટાઈલિશ! અમે લોકોએ તો કોઈ દિવસ જોયું ન હોય તેમ, કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, અંજીર ને જાતજાતના તેજાના ભરેલી બરણીઓને લલચાતી નજરોથી જોવા માંડી. ‘ટર્કીનું ડ્રાયફ્રૂટ બહુ સરસ આવે, એકદમ એ વન ક્વૉલિટીનું, એટલે એ તો લેજો જ’ એવી તાકીદ થઈ હોય પછી પણ અમે ન લઈએ તો મૂરખ જ ઠરીએ ને?

મન પર બહુ જ કાબૂ રાખીને, જોઈતી જ લલચામણી ચીજો પૅક કરવાનું અમે કહેવા માંડ્યું. એક તરફ ઘડિયાળનો કાંટો અમારા માટે તેજ ભાગતો હતો, જયારે માલિકને તો ગ્રાહકની બિલકુલ પડી નહોતી, એવું એના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું. એ એની ધૂનમાં મસ્ત હતો. ટુરિસ્ટ સિઝન પૂરી થવામાં હતી અને એના ભાગનું એણે કમાઈ લીધું હશે એવું લાગ્યું. અંજુ અને પારૂલ એમની સાથે મારા માટે પણ ખરીદી કરી રહી હતી. હું તો એક બાજુ બધાંની પર્સ લઈને બેઠાં બેઠાં બરણીઓ જોતી હતી. એવામાં મારું ધ્યાન ગયું, તો પિસ્તાની બરણીમાં ઈયળો પિસ્તાની જ્યાફત ઉડાડતી હતી! મેં પેલા છોકરાને કહ્યું, ‘ભાઈ, તું દિલ્હીનો ઠગ છે? કેમ બેઈમાની કરે છે? જા, અંદરથી ફ્રેશ પિસ્તા લઈ આવ.’ માલિકે એ બધું જોયું ને કંઈ બન્યું ન હોય તેમ સૉરી કીધા વગર બીજા પિસ્તા મગાવી લીધા. પછી તો, અમે બાકી બધા પૅકેટ પણ ચેક કરાવી લીધા.

છેલ્લે, બિલ આપતાં પહેલાં આદત મુજબ અમે કહ્યું, ‘ભાઈ આટલો સામાન લીધો તો કંઈ ગિફ્ટ–બિફ્ટ તો આપ અમને. ટર્કીની કોઈ યાદગીરી જ આપી દે. યાદ કરહું તને ને તારી દુકાનને.’ એને પણ કદાચ ખબર હશે ગ્રાહકોની મફતિયા ભેટ મેળવવાની વૃત્તિની, એટલે તરત જ એણે ત્રણ સુંદર કોતરણીવાળા નાનકડા, એલચી–મરી વાટવાના નમૂના અમને ભેટ આપ્યા. અમે તો એકદમ ખુશ. ‘થૅંક યૂ’ કહીને ત્યાંથી ભાગ્યાં. હવે ટાઈમ બહુ ઓછો હતો અને હજી પેટપૂજા પણ બાકી હતી.

ખરેખર તો, આ બજાર એ કોઈ મામૂલી બજાર નહોતી. દુનિયાની શ્રેષ્ઠ, જૂનામાં જૂની અને બંધ માર્કેટોમાંની એક માર્કેટ હતી. બજાર શબ્દ આપણો એટલો પોતાનો લાગે, કે આ માર્કેટ સાથે બજાર શબ્દ જોડાયેલો જાણીને જ બહુ રાહત થયેલી. ગ્રાન્ડ બજાર! વાહ. જેવું નામ તેવો એનો નઝારો. ગણવા બેસીએ તો સમય ખૂટી પડે એટલી અધધધ ચાર હજ્જારથીય વધારે તો દુકાનો! માર્કેટની અંદર તો ગલીઓ ને ગલીઓ ને ગલીઓ! એકસઠ ગલીઓ! દરેક ગલીમાં અડોઅડ આવેલી એક જ પ્રકારના સામાનની દુકાનો. બજારમાં ફરવાવાળાને કે શૉપિંગ કરવાવાળાને ગુંચવાડો ના થાય એટલે, જાતજાતના વિભાગો પાડવામાં આવેલા. રોજના અઢી લાખથી લઈને ચાર લાખ સુધીના લોકો આ માર્કેટની મુલાકાત લે, એટલે વિચારો કે આ માર્કેટમાં કેટકેટલી વિવિધતાઓનો ભંડાર ભર્યો હશે!


અમારી સાથે માર્કેટની વધુ સફર કરવા માટે તમારે થોડી રાહ જોવી પડશે.
તસવીરો માટે કૅનેડાના શ્રી પિયુષભાઈ પરીખનો આભાર.