રવિવાર, 22 નવેમ્બર, 2015

મારું નામ આપજો

‘તમે ત્યાં જાઓ ત્યારે એમને મારું નામ આપજો, તમારું કામ આમ ચપટી વગાડતાં જ થઈ જશે.’
‘મેં તો કેટલીય વાર ચપટીય વગાડી ને તાળીઓય પાડી પણ એ લોકો તો એક જ વાત કરે કે, ‘કોણ નારણભાઈ ? અમે કોઈ નારણભાઈને ઓળખતા નથી.’
‘તમે નારણભાઈ પેટીવાળા નહોતું કહ્યું ? હું બધે એ નામે જ ઓળખાઉં છું.’
‘તમારે પહેલેથી કહેવું જોઈએ ને ? હું તો દોશી દોશી બોલ્યા કરતો’તો પછી કેમ મેળ પડે ? તો પછી શું કરું ? કાલે પાછો જાઉં ? હવે નારણભાઈ પેટીવાળા કહીશ.’
‘હવે તમે માંડી વાળો ત્યાં જવાનું. હું એમની સાથે ફોન પર વાત કરી લઈશ. હાલમાં ત્યાં કોઈ નવું આવ્યું લાગે છે, બાકી મને તો ત્યાં બધા જ ઓળખે છે.’

‘મને બધા ઓળખે છે’ના વહેમમાં જીવતા માણસોનો તકિયાકલામ હોય છે, ‘મારું નામ આપજો.’ જોકે, આવા લોકોની વાત છેક ખોટી નથી હોતી. આજના જમાનામાં જ્યારે બધે પૈસા પછી, ઓળખાણની જ બોલબાલા હોય ને કોઈની ઓળખાણ, કોઈને ક્યારે ને ક્યાં કામ આવી જાય તે કંઈ કહેવાય નહીં, ત્યારે કોઈનું નામ આપવાથી જો કોઈનું કામ થઈ જતું હોય તો એમાં બીજા કોઈનું શું જાય ? ભલે ને પછી એ કામ કોઈ બીજા કે ત્રીજાનું નામ આપવાથી પણ થયું હોય ! હવે તો બધે પૈસાની જ ઓળખાણ પહેલાં ને નામની ઓળખાણ પછી ચાલે, છતાં બિચારાં નામભૂખ્યાં લોકો તો એમ જ કહેવાના ને કે, ‘મારું નામ આપજો.’ આવા લોકોની દયા ખાવા સિવાય બીજું શું કરાય ? એવું થોડું કહેવાય કે, ‘જાઓ જાઓ, ખોટી ડંફાસ ના મારો. તમારું નામ તો ત્યાંના પટાવાળાનેય નથી ખબર, તો પ્રિન્સિપાલની ક્યાં વાત કરો છો ? ત્યાં તો ડોનેશન વગર વાત જ નથી કરતા.’

આપણને સૌને અનુભવ છે કે, બાળપણમાં કોઈ દિવસ કોઈ બાળકને ધાકમાં રાખવા કે બીવડાવવા માટે કોઈ પિતાએ બાળકની માને કહ્યું નહીં હોય કે, ‘બબલુ જો ધમાલ કરે કે ભણવા ન બેસે તો એને મારું નામ આપજે.’ એ તો, બાળકની ધમાલથી કે જીદથી કંટાળીને મા, પિતાના નામનું હથિયાર ઝાલી રાખે. વારે વારે બાળકને બીવડાવવા ચાલે, ‘પપ્પા જોયા કે ? આવશે ને  તો તને સીધો કરી દેશે.’ બિચારા પપ્પા ! કે બિચારું બાળક ? શું મમ્મીને પોતાની જાત પર વિશ્વાસ નહીં હોય તે પપ્પાનું નામ આપવું પડે ? પછી તો, બાળક પોતાની મરજીનું કરતું થાય(જે ઘણી વાર કરતું કે કરાવતું પણ થઈ ગયું હોય) ત્યારથી એ જ કહેવા માંડે કે, ‘જા, મારું નામ આપી દેજે. મને કંઈ પડી નથી.’

એવું તો કોઈ ચોર, પોલીસ કે ગબ્બરસિંગ પણ ક્યારે કોઈને કહેવા ગયેલો કે, ‘છોકરાં ધમાલ કરે કે ઊંઘે નહીં તો, મારું નામ આપજો.’ માને પ્રેમ કરતાં આવડે એટલો ધાક રાખતાં ના આવડે એટલે બીજાનાં નામે ચરી ખાય ! નામની આ ધાક પછી તો, જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી રીતે રહેવા માંડી. કોઈની સારી તો કોઈની ખરાબ. દુકાનોમાં ઉધારી કોના નામે ચાલે ? ‘મારું નામ આપજો’ કહીને કોઈને ઉધાર લેવા મોકલ્યા હોય તેને નામે. પછી જ્યારે ઉઘરાણીનો સમય આવે ત્યારે દુકાનવાળાએ, ઉઘરાણીએ જનારને કહેવું પડે કે, ‘મારું નામ આપજો ને કહેજો કે, પૈસા આજે જ મગાવ્યા છે.’ આમ નામના ચક્કરમાં ઉધાર અપાય પણ ને ઉધાર વસૂલ પણ કરાય.

એમ તો, આપણી સામે ડૉક્ટરોય પોતાના નામનું મહત્વ બતાવતા હોય. આપણે બહુ વિશ્વાસે કોઈ સારા ડૉક્ટરનું નામ જાણીને ગયાં હોઈએ પણ એ વળી કોઈ બીજા ડૉક્ટરને મળવા મોકલી આપે, ‘મારું નામ આપજો’ એવું આડકતરી રીતે કહીને ! ભલામણચિઠ્ઠીના માધ્યમથી ડૉક્ટર આપણને કહે કે, ‘મારું નામ આપજો ને.’ હવે તો કટ–પ્રેક્ટિસના આ જમાનામાં બધાં બધું જાણતાં હોય કે કોના નામે નદી કે દરિયો પાર થવાનો છે કે પછી પથરાય તરી જવાના છે ! પણ નામનો મહિમા ભારે છે. નામનું તો વજન પણ પડે છે. જ્યાં નામના સિક્કા પડતા હોય ત્યાં નામનું વજન પડવામાં શો વાંધો ? ઘણાં તો વળી પેશન્ટના દેખતાં જ ફોનથી પણ નામ મોકલાવે. પેશન્ટે કદાચ નામની ને કામની ચિઠ્ઠી ન આપી તો ? એટલો અવિશ્વાસ તો રાખવો પડે ને ? જે કામ ડૉક્ટરથી પોતાનાથી ન થયું તે પોતાના નામથી કરાવે ! ને તેય કોઈ બીજા ડૉક્ટર પાસે ! ગોલમાલ હૈ ભઈ સબ ગોલમાલ હૈ.

ગલી કે શહેરના દાદા કે ભાઈ હોય તેના નામે તો બીજા કેટલાય પરચુરણીયાઓ બે ટાઈમનું ભોજન પામે, ખીસાખરચી મેળવે કે પછી જલસા કરે. બે નંબરના મોટા મોટા સોદા પાર પાડવામાં અથવા બે નંબરના ધંધા કરવામાં ભાઈનો ઓર્ડર છૂટે, ‘મારું નામ આપજો ને કામ પતાવી નાંખજો.’ બધો નામનો તો ખરો જ પણ એ નામ યોગ્ય જગ્યાએ ને યોગ્ય સમયે આપવાનો આ ખેલ છે. આપણે તો એવી કેટલીય ફિલ્મો જોઈ છે, જેમાં પોલીસ કરતાં પણ ભાઈનું નામ લેતાં જ દુકાનો ને ફુટપાથો ફટાફટ ખાલી થઈ જાય ને શહેરમાં કર્ફ્યૂ લાગી જાય ! ભાઈએ ખાલી એટલું જ ફરમાન બહાર પાડ્યું હોય કે, ‘મેરા નામ લેકર બાઝાર બંદ કરવા દો.’ પોલીસ પણ પછી તો, એ બાઝાર બંદ રહે તેવું જ ઈચ્છતી હોય !

એવી જ એક બજારમાં, એક દિવસ બે દુકાનના માલિકો વચ્ચે બોલાચાલી થઈ ગઈ. વાતે ગંભીર સ્વરૂપ પકડ્યું. સુલેહ કરવાને બદલે એકબીજા પર રોબ છાંટવા વારાફરતી બન્ને દુકાનવાળાએ પોતાની પાસેના હુકમના એક્કા કાઢવા માંડ્યા. એકે પોતાના એરિયાના એમ એલ એનું નામ લીધું(પેલાએ કોઈ દિવસ આપ્યું નહોતું તોય !), તો સામેવાળાએ મિનિસ્ટરના નામે હાંકવા માંડ્યું. વળી પહેલાએ હોમ મિનિસ્ટરને હાર પહેરાવતો પોતાનો ફોટો બતાવ્યો, તો એના બાપે સીધો પી એમનો ફોટો પોતાના ખીસામાંથી કાઢ્યો, જેમાં પીએમ એની સાથે હાથ મિલાવતા હતા ! શું આ મહાનુભાવો આવા કિસ્સાઓમાં પોતે કોઈને કામ આવે એટલે લોકો સાથે હાથ મિલાવતો ફોટો પડાવતા હશે ? કે પછી, એમણે એમ કહ્યું હોય કે, ‘કંઈ પણ કામ પડે ત્યારે મારું નામ આપજો..?’ કોણ જાણે ! કોઈને નામ આપવામાં કે કોઈનું નામ લેવામાં કેવી કેવી મજાકો કે મુસીબતો ખડી થઈ જાય !

ઘણા એવા પણ હોય છે કે, જેમના નામે ખરેખર જ પથરા તરી જતા હોય ને એમને જે બોલે તે કરી બતાવવાની પણ ટેવ હોય ! જો એ લોકો કહે કે, ‘મારું નામ આપજો’ તો ખરેખર એમના નામે કામ થતું પણ હોય. સામેવાળા એમનું કામ કરવામાં પોતાનું અહોભાગ્ય પણ સમજતા હોય ! ત્યારે  આ વાતનો લાભ લેનારા પણ કેવા નીકળી આવે ? કામકાજની વાતો થઈ જાય પછી જતાં જતાં બોલતા જાય, ‘એ તો કંઈ નહીં, હું એમને તમારું નામ આપી દઈશ એટલે કામ થઈ જશે.’ (!) આમાં તમારે કંઈ કહેવું છે કે તમારા નામે હું કહી દઉં ? 
(કોઈ લેખકના નામે કોઈ દુકાનમાં ઉધાર પણ ન મળે અને કશે એડમિશન કે કશે નોકરી પણ ના મળે લેખકનું ફક્ત નામ હોય, વજન નહીં.)



રવિવાર, 15 નવેમ્બર, 2015

થાઈ ફૂડની કરકરાટી/કકડાટી

આપણે ભારતીયો એમ સમજીએ છીએ કે, ભારતીય ખાણું જ શ્રેષ્ઠ છે અને જેટલી વિવિધતા આપણા ભોજનમાં છે એટલી બીજે ક્યાંય નથી. આપણો આ ભ્રમ બીજા દેશોમાં ફરીએ ત્યારે ચકનાચૂર થઈ જાય, ભાંગીને ભુક્કો થઈ જાય. આપણી એક પણ વાનગી ત્યાં ન મળે કે ન બને એનો શો અર્થ કાઢવો ? જાહેર જગ્યાઓએ દાળ–ભાત કે ઈડલી–સાંભાર સહેલાઈથી ન મળે–એ ખાવા ખાસ ભારતીય રેસ્ટોરાંમાં જવું પડે, ત્યારે સમજાય કે, દુનિયામાં ભોજનની વિવિધતાઓનો તો ભંડાર ભર્યો છે. કદાચ અહીં પણ આપણે એ જ ચીલાચાલુ ભોજનથી કંટાળ્યા છીએ કે શું ? જ્યાં ને ત્યાં ચાઈનીઝ વાનગીઓની લારી અને હૉટેલોમાં આરામથી મળી રહેતી વિદેશી વાનગીઓ જોઈને લાગે કે, ખાવાને મામલે આપણે પણ કોઈથી ઊતરતાં નથી.

ચાઈનીઝ વાનગીઓએ, એમ જોવા જઈએ તો ઘણાં વર્ષો આપણા પેટ પર રાજ કર્યું, ઈટાલિયન વાનગીઓને પણ કોઈ જાતના ભેદભાવ વગર આપણે પસંદ કરી, પણ આજકાલ બોલબાલા છે થાઈ ફૂડની. કોઈ પણ દેશની કોઈ પણ વાનગીમાં મોટે ભાગે તો આપણે ગુજરાતીઓ, શાકાહારી વાનગીઓ જ પસંદ કરતાં હોઈએ છીએ. એ જુદી વાત છે કે, પછીથી આપણે આપણા સ્વાદ મુજબ મસાલા ઉમેરીને એ વાનગીઓને ભારતીય ટચ આપી દઈએ ! ચાઈનીઝ ભેળ અને જૈન ચાઈનીઝ જોઈને તો ચીનાઓ પણ છક્કડ ખાઈ ગયા હશે ! થાઈ વાનગીઓ પણ લારીમાં પહોંચતાં વાર ! થાઈ ઢોસા ને થાઈ રોટલા કે જૈન થાઈ આવતાં વાર નહીં લાગે. જોકે, માંસાહારી લોકો તો મૂળ ડિશની જ લિજ્જત માણે છે, સિવાય કે એમને અમુક વસ્તુઓની સૂગ હોય ! મેં તો જોયું છે કે, માંસાહારીઓમાં પણ પાછા જુદા જુદા વર્ગ આવે. દરેકની પસંદની ડિશ અલગ હોય. એ તો ભઈ, જેવો જેનો ટેસ્ટ !

કદાચ ભારતીયો તો હજીય સાપ, દેડકાં કે જીવડાં નહીં ખાતાં હોય. ખાનારની માહિતી મારી પાસે નથી પણ અમે બે–ત્રણ કલાક બૅંગકૉકની સડકો પર ફર્યાં અને બજારમાં આંટો માર્યો, ત્યારે વગર ખાધે તળેલાં જીવડાંની કકરાટી અનુભવી ! દુકાનોમાં ટોપલા ભરીને ને લારીઓમાં મોટા મોટા થાળ ભરીને જાતજાતનાં, તળેલાં તીડીયાં વેચાતાં હતાં ! વાંદા ને જાતજાતની માછલી સિવાય, બીજા દરિયાઈ જીવો પણ તળેલા (કે બળેલા ? કોણ જાણે.) ખાનારને લલચાવતાં હતાં ! જેમ ભેળ કે પાણીપૂરી જોઈને આપણાં મોંમાં પાણી છૂટે એમ ! કોઈ દિવસ આવું જોયું ન હોવાને લીધે અમને ઊલટી કે ચક્કરની તકલીફ તો ન થઈ પણ બુધ્ધિ બહેર મારવા માંડેલી ખરી. અમારી નજર સ્થિર થઈ ગઈ–બાપ રે ! આ બધું જોવાય નહીં તો ખવાય કેમ કરતાં ? આપણાં ઘરોમાં માખી, મચ્છર કે ગરોળી દેખાય કે આપણે એમનાથી છૂટકારો મેળવવાના પ્રયત્નમાં લાગી જઈએ, બૂમાબૂમ કરીને ઘરને માથે લઈએ, જ્યારે અહીં એમના નામનો ભોજનસમારંભ ઉજવાય ? મને ખાતરી છે કે, આ લોકોને કોઈ દિવસ કોઈએ શીંગચણા, ધાણી, વેફર્સ કે ચેવડા ચખાડ્યા નહીં હોય. બાકી તો, એ લોકોને ત્યાં પણ લારીએ લારીએ કે દુકાને દુકાને રંગીન હારડા લટકતા હોત.

ખેર, શું ખાવું કે ન ખાવું એ દરેકની મરજીની વાત છે, તોય વાંદરા, કૂતરા, બિલાડાં કે ડુક્કર સિવાય પણ પશુ–પક્ષી ને જીવડાંની જમાતમાંથી જે મળ્યું તેને, બાફીને, તળીને કે જાતજાતની વાનગીઓમાં સૉસ બનાવીને .....બાપ રે... ! અક્કલ કામ ન કરે. (ભઈ, નૉનવેજ ખાવાવાળા માફ કરે પણ આ બધું નજરે જોયા પછી તો અશાંત મનનો ઊભરો નીકળી જ જાય.) આમાં ઈંડાંને તો શાકાહારી જ ગણી લેવાનાં ને ?

વાનગીઓનાં નામ પણ પાછાં કેવાં ?

ટૉમ યમ ગંગ( ખાઈને, યમને દરબાર થઈને ગંગામાં સમાઈ જવાનું ?)
ગમ સોમ પાક રુઆમ( ગમને દૂર કરવા સોમરસ ? ને પાક એટલે પવિત્ર કે રુઆમપાક ?)
ગંગ ક્યૂ વાન(ગંગાનો વાન કેમ આવો? તમે જુઓ, આ લોકો બધું ખાતાંપીતાં પણ આપણી પવિત્ર નદીને સતત યાદ કરે છે !
પેનાન્ગ ગાઈ, ગાઈ પેડ પોંગાલી, ગાઈ યાન્ગ જેવાં નામોમાં કંઈ ગાવાનું મહત્વ લાગે છે.
જિમ જમ એટલે જમવાનું પણ જિમ જવાનું નહીં ભૂલવાનું.
કાઓ ના ફેટ, કાઓ કા મૂ, કાઓ મોક ગાઈ, કાઓ માન ગઈ, કાઓ ન્યુ મૂ યાંગ, કાઓ મૂ ડાન્ગ વગેરે કા કા કરતાં નામોમાં આપણા ખાઓ શબ્દનો અપભ્રંશ નથી લાગતો ? કોઈ વાનગીમાં ફૅટ નથી, કોઈ વાનગી ગાતાં ગાતાં ખાવાની છે, કોઈમાં કોઈને મનાવવાની વાત છે ને પછી માન ગઈની ખુશીમાં એ વાનગી ઓર્ડર કરવાની છે. મૂ એટલે હુંના અર્થમાં વપરાયું હશે ?
કાઈ જ્યુ મૂ સાપ, મૂ ડેડ ડ્યૂ, નામ ટોક મૂ, ગાઈ પેડ મેટ મા મુઆન્ગ, યેમ પ્લાહ ડક ફૂ, સોમ ટેમ, પેડ પાક બંગ નામ માન હોય........ બાપ રે ! થાકી જવાય.

આ બધી વાનગીઓમાં ગ, ક, મ ને આન્ગ વારંવાર આવે છે. કા એટલે કેમ ? એવું હશે ? ધારીને નામ જોતાં ખ્યાલ આવે કે, આ વાનગીઓમાં જાતજાતનાં નામ સિવાય પણ મા છે, સોમ છે, માન, ફૂ, ડેડ, ગાઈ, ડાન્ગ, બંગ, હોય, સાપ, ન્યૂ જેવા કેટલાય અંગ્રેજી અને ગુજરાતી શબ્દોનું મિશ્રણ પણ છે ! લાગે છે કે, જરૂર આ ભાષા ઉપર આપણી ગુજરાતીની વધતી ઓછી અસર રહી હશે. અંગ્રેજીની અસર તો બધા પર જ હોય એમાં શું નવું છે ?

મોટામાં મોટો ફરક એ જ કે, આપણી જેમ અહીં કોઈ વાનગી પર કોથમીર કે કોપરું કે ડ્રાયફ્રૂટની કતરણ ભભરાવેલી દેખાઈ નહીં. ! વાનગીનો સ્વાદ કે દેખાવ બદલવાનો કોઈ પ્રયાસ આ લોકો કરતા નથી તે સારી વાત છે. ધારો કે, એ લોકો આપણી વાનગીઓનાં નામ સાંભળે તો એ લોકો પણ એમની ભાષામાં આવી કોઈ સરખામણી શોધવા બેસે ? કદાચ.

રવિવાર, 11 ઑક્ટોબર, 2015

ગુડ બાય કેરાલા–પુઈવરટ્ટે કેર્લા !

પ્લેનમાં બેઠાં બેઠાં, મુંબઈની સરખામણીએ તદ્દન નાના ને સાદાસીધા કોચીનના એરપોર્ટ પર નજર નાંખતાં અમે કેરાલાને બાય બાય કર્યું. ‘પલ્લવીબેન, આપણે થોડું આંડુગુંડુ હીખી લેતે તો મજા આવતે.’
‘કંઈ નીં, તમે જ કે’તા છે ને કે, અ’વે તો કેથ્થે જવાની હો જરૂર નીં. ઘેરબેઠાં ગુગલ પર જ બધું મલી રે’ય. તો તમે ઘેરે બેહીને હીયખા કરજો. ને થોડું મને હો કે’તા રે’જો.’
‘તેમાં હું ? ચાલો નીં, અ’મણાં જ જોઈ લઈએ.’

‘ચાલો એક નવી ભાસા હીખીએ, જેને હંમેસા દૂરથી જ રામરામ કઈરા છે. આપણી ગુજરાતી એટલી હેલ્લી કે, આ લોકો થોડા દા’ડામાં જ હીખી લેય ને આ લોકોની ભાસામાં એવું તે હું છે કે, કોઈ હીખવા જ નીં માંગે ? કેરાલાની બોલાતી ભાસાઓમાં મલયાલમ મુખ્ય આવે. એટલે ચાલો, પેલ્લાં મલયાલમ હીખવાની કોસિસ કરીએ.’

‘હૂ –કોણ ? એટલે ‘આરુ’–અરે ! આ તો તારુ–મારુ–સારુ–ખારુ જેવુ થીયુ !
‘વૉટ–સું ? એટલે ‘એન્થુ’– એન્થુ તો આજકાલનાં પોઈરાં બો બોલે તે સબ્દ. બો મહત્વાકાંક્સી  ને તે.’
‘હાઉ ? કેવી રીતે ?’ એટલે ‘એન્ગીને’. જો ઉચ્ચાર ખબર નીં ઓ’ય તો સ્પેલિંગ એન્જિન છે !
‘હાફ એટલે આરા.(અમે હારા ને તમે હારા તે.) ને ક્વાર્ટર એટલે કાલ. આપણે તો કાલ એટલે કાલે હો ને તોણ કાળ હો. ભૂત, ભવિસ્ય ને વર્તમાન !. આ બધો બો ગોટારો થાય. મલયાલમ, ઈંગ્લિસ ને ગુજરાતી ! તોણ ભાસા ભેગી થાય તો કેવી મજા આવે. અ’જુ જોઈએ.’

‘ડુ યુ સ્પીક ઈંગ્લિસ ? તમે ઈંગ્લિસ બોલો છો ? એટલે ‘નિંગલ ઈંગ્લિસ સમ્સકારીકુમો’...બાપ રે !
‘આઈ ડોન્ટ સ્પીક ઈંગ્લિસ. હું ઈંગ્લિસ નથી બોલતી. એટલે, એનિક્કુ ઈંગ્લિસ પારાયન એરીયિલ્લા.’

‘ભઈ, તમે આ બધી પારાયણ રે’વા દેઓ. તમે ઘેરે જઈને ડાયરી બનાવજો ને મને મોકલજો. મન થાય તો હીખા નીં તો અ’વે પાછા કાં આપણે વરી અં’ઈએ આવ્વાના ? ચાલહે નીં હીખા તે હો. ડાક્ટર બનેલી ત્યારે હો ભારી નીં લાગેલું એટલુ ભારી લાગતુ છે આ બોલવાનુ. આપણે હો ને આ ઈંગ્લિસવારા હો ટૂકમાં પતાવે ને આ લોકો તો કેટલુ લાંબુ લાંબુ બોલે ! બાપ રે !’

‘ઊભા રે’ઓ, નાલ્લા નાલ્લા સબ્દ હો છે. આપણે તે હીખીએ તો હો ચાલે. સૉરી ને થૅંકયૂ ને પ્લીઝ જેવા. જોવા છે ?’
‘હારુ ચાલો, ટાઈમ પાસ કરીએ બાકી મને તો યાદ નીં રેહે.’
‘તો અં’ઈએ કોને યાદ રે’વાનું ? આ તો બે ઘડી ગમ્મત. ભવિસ્યમાં જો આપણે ચીન કે જાપાન જઈએ તો આવા નાલ્લા નાલ્લા સબ્દ હીખેલા ઓ’ય તો કામના.’
‘તાં હો મલયાલમ બોલે ?
‘નીં રે, જાં જાય તાંની ભાસાના સબ્દ. હું તમે હો ’

‘જો, હેલ્લો એટલે નમસ્કારમ બોલાય. આ તો હેલ્લુ જ છે.’
‘પછી, ગુડ મોર્નિંગ એટલે સુપ્રભાથમ ને ગુડ નાઈટ એટલે શુભરાથ્રિ. (ત ને બદલે થ ! થમ ને થ્રી !)
‘થૅંક યૂ એટલે નન્ની ને પ્લીઝ એટલે દયાવયી.’ (નન્ની એટલે આપણે નીં નીં એમ બોલીએ ને તેવુ ને દયા કરો ને બદલે દયા આવી યાદ રાખવાનું.)
‘વેલકમ એટલે સ્વાગથમ ને આઈ એમ સૉરી એટલે ક્ષમિક્કાનમ.’ (ક્ષમા કરો જેવુ)
‘સી યૂ સુન એટલે પીન્નેકાનમ.’ (કાનમાં પીન નહીં નાંખ.)
‘ગુડ બાય એટલે પુઈવરટ્ટે.’

‘તો ચાલો, હવે કેરાલાને ગુડ બાય કહી દઈએ. પુઈવરટ્ટે કેર્લા.’
પાછળથી એર હૉસ્ટેસનો અવાજ આવ્યો હસતાં હસતાં, ‘પુઈવરટ્ટે.’

રવિવાર, 4 ઑક્ટોબર, 2015

એરપોર્ટ પર અફડાતફડી !

‘મેરી ટિકિટ નહીં મિલ રહી.’ મારો અવાજ અત્યંત ગળગળો.
‘અરે આપ કોઈ ટેન્શન મત લો. મૈં અભી વિન્ડો પરસે કૉપી નિકાલકે લાતા હૂં. આપકા નામ બતાઈયે.’

મને ડૂબતીને આ તણખલું પણ મોટી હોડી જેવું લાગ્યું ને મેં મારું નામ કહ્યું એટલે બે જ મિનિટમાં મારી ટિકિટ મારા હાથમાં ! ઓહ ! ઓનલાઈન સેવા ! મને કેમ ક્યારનું યાદ ન આવ્યું ? હા, પણ ક્યાંથી યાદ આવે ? આ બધી ટિકિટ કઢાવવાનું કામ અમારું થોડું છે ? અમે તો તૈયાર ભાણે જમવાવાળાં ! પેલા ભાઈને સો વરસનો થવાના આશીર્વાદ આપીને હું દરવાજામાં દાખલ થઈ ને પલ્લવીબેનના જીવમાં પણ જીવ આવ્યો.

જ્યારે મોટી બૅગનું વજન કરાવવા હું ઊભેલી ત્યારે અમારી સહયાત્રીઓમાંની એક બહેન મારી પાસે આવી. ‘તમારી બેગનું વજન દસ કિલો જ થાય છે.’ અરે ! આને કેવી રીતે ખબર ? એ તો ક્યારની સામાનનું વજન કરાવીને નીકળી ગયેલી !
‘હા, તો ? શું થયું ?’ મને ડર લાગ્યો, શું બૅગનું ઓછું વજન પણ ગુનો બનતો હશે ? આ એરપોર્ટવાળાનું કંઈ કહેવાય નહીં.
‘ના, કંઈ નથી થયું પણ મારી પાસે વજન વધી ગયું છે તો તમારા સામાનના બાકી રહેતા વજનમાં હું મારા સામાનનું વજન ઉમેરી દઉં.’ વાહ ! ભરપેટ શૉપિંગ કરવાનું ને પછી આવી રીતે વજન વહેંચીને મન પરનો ને પૈસા પરનો બોજ પણ હળવો કરી લેવાનો ! વાહ ! આને દિમાગ કહેવાય. મને તો શું વાંધો હોય ? કોઈનો બોજ હળવો કરવામાં નિમિત્ત બનીએ તો ભલાઈનું કામ કહેવાય ! જોકે,મનમાં તરત જ અભિમાન આવી જાય તો એ ભલાઈનો કોઈ અર્થ નહીં ! બધા મનના આટાપાટા.

ત્યાંથી મોટી બૅગને લગેજમાં જવા દઈ અમે પર્સ ને પર્સનલ ચેકિંગની લાઈનમાં જઈ ઊભાં ને ટિકિટની માથાકૂટની વાતે લાગ્યાં. જોકે,  ત્યારે મેં મારા દિમાગ પર બહુ જોર આપ્યું કે, ‘ટિકિટ ક્યાં મૂકાઈ ગઈ ? જો પલ્લવીબેને મને આપેલી તો મેં ક્યાં મૂકી હશે ? બૅગમાં મૂકાઈ ગઈ હશે કે કોઈ ચોપડીમાં રહી ગઈ હશે ?’ મને મારી વાંચવાની ટેવ પર ગુસ્સો આવ્યો. આવા સમયે ભલભલા વિચારો આવે.
‘ચાલો જવા દો, હવે ટિકિટ હાથમાં છે ને, ચિંતા છોડો.’ પલ્લવીબેને દિલાસો આપ્યો. નાની મોટી પર્સ જ ચેક કરવાની હતી ને પરચુરણ બીજો સામાન જોવાનો હતો તોય, પેલા ચેકિંગવાળા બહુ ઝીણવટથી બધું તપાસતા હતા. અમે તો નિરાંતે ઊભેલાં પણ અમારી આગળ ઊભેલી બે સ્ત્રીઓની હૅન્ડબૅગમાંથી તેલની ચાર બાટલીઓ બાજુ પર કઢાવી લધેલી તેની માથાકૂટ ચાલી રહી હતી. માથામાં નાંખવાનું તેલ. લાંબા, કાળા ઘટાદાર વાળ પેલા સ્પાઈસ ગાર્ડનવાળી ગાઈડના જેવા કરવાની હોંશમાં ત્યાંની જ દુકાનમાંથી લીધેલું ! અહીં જ મૂકી જવું પડશે ? બન્ને બહેનોના મોં પર ચિંતા ને અફસોસ.

અમે તો મુંબઈ એરપોર્ટ પર કાતરની રામાયણ થયેલી તે યાદ કરીને ખૂબ હસ્યાં. ‘જોજો, આ વખતે તો કંઈ નથી ને પર્સમાં ?’ પલ્લવીબેને યાદ કરાવ્યું. ‘ના રે, પર્સમાં તો મેં બે વાર ચેક કર્યું છે. સેફ્ટી પિન પણ કાઢી લીધેલી. કંઈ નથી હવે.’ અમે નિરાંતનો શ્વાસ લીધો.

એરપોર્ટ પર તો આ રોજના જ દ્રશ્યો હશે કે, થોડા યાત્રીઓ હેમખેમ પસાર થઈ જાય એટલે બે–ચાર યાત્રીઓ દયામણાં ચહેરા કરીને કાકલૂદી કરતા ઊભા હોય. એમાંથી એકાદનો કેસ લાંબો ચાલે તો કલાક કે બે કલાક પણ લાગે અથવા તો એનો સામાન ને એ, બેય બાજુએ મૂકાઈ જાય. લાંબી પૂછપરછને અંતે એનો છૂટકારો થાય ને સામાનનો છૂટકારો ભારે દંડ ભરીને થાય ! અમારામાંથી ખાસ કોઈ એવું પકડાયું નહોતું કારણકે અમે જ છેલ્લાં હતાં અને અમારી આગળ પેલી તેલની બાટલીવાળાં બેન, ઓફિસર તરફ આશાભરી નજરે જોતાં હતાં. ઓફિસરને પણ દયા આવી હશે, તે કોઈ રસ્તો કાઢવાનું વિચારતા હોય એવું લાગ્યું.

પલ્લવીબેનની પર્સ ને હૅન્ડબૅગ ચેક થઈ ગયા એટલે મારો સામાન મુકાવ્યો. મારી તો પર્સ ને સાડીની બે–ત્રણ થેલીઓ હતી તે એમને સોંપી મેં આમતેમ જોવા માંડ્યું. ઓફિસરે તો થેલીમાંથી લાડવાના બે પેકેટ કાઢ્યા ને ખોલીને પાસે રહેલી ટ્રેમાં કાઢ્યા. એ લોકોને તો ખબર જ હોય ને કે, એ શું છે ? તોય અજાણ્યા થઈને મને પૂછ્યું, ‘યે ક્યા હૈ ?’ મેં કહ્યું કે, ‘લડ્ડૂ. આપકો તો પતા હી હોગા કિ ક્યા હૈ. હમને કલ હી બાઝારમેંસે લિયે. દો મૈંને ઔર દો ઈન્હોંને લિયે. હમને તો પહેલી બાર હી ઐસે લડ્ડૂ દેખે. કલ દુકાનમેં ટેસ્ટ ભી કિયે. બહોત મસ્ત હૈ. જ્યાદા તો કુછ નહીં લિયા પર યહ કુછ નોવેલ્ટી લગી હમકો, તો હમને સોચા કે લે લેતે હૈં.’

પેલા ઓફિસર તો બાજુમાં ઊભેલી લેડી ઓફિસરની સામે જોઈ જ રહ્યા. આ બેન એક સાદા સીધા સવાલનો આટલો લાંબો જવાબ કેમ આપે છે ? હવે બીજું કંઈ પૂછું કે પછી તમે પૂછો છો ? પલ્લવીબેન તો હસવું ખાળતાં ને તાલ જોતાં ઊભેલાં. આમાં તો કોઈની તરફદારી પણ ન કરાય, એમને જ પકડી લે તો ? આતો જાણે બૉક્સ ભરીને બૉંબ મળ્યા હોય એમ બધાં મારી સામે જોવા માંડ્યાં. એકાદ બે લાડવાની ઉપરથી કેળનું પાન ખોલીને પેલા ભાઈએ ખાતરી કરી લીધી ને નાક પાસે લાડવો લઈ જઈ લાડવાની સુગંધ પણ લઈ લીધી. એમના મોં પરના હાવભાવ જોઈને મને એમની દયા આવી. પેસેન્જરનો સામાન–ખાસ તો આવી કોઈ ભાવતી વસ્તુ આમ જોઈને ને સૂંઘીને મૂકી દેવામાં એમના દિલ પર શું શું વીતતું હશે ? લાડવાના બે જ પૅકેટ હતાં નહીં તો હું એમને એક પૅકેટ આપી પણ દેત ! ખેર લાડવા તો પાછા મૂકાઈ ગયા. મને હાશ થઈ. પલ્લવીબેને તો લાડવાના પૅકેટ બૅગમાં જવા દીધેલા ને મેં વળી ખાવાનું મન  થાય તો પ્લેનમાં ખાઈશું, એમ વિચારીને થેલીમાં જ મૂકેલા. ચાલો પત્યું.

હજી બાજુમાં પેલી તેલની ખટપટ ચાલતી જ હતી કે, પેલા ઓફિસરે મારી થેલીમાંથી લાઈટર કાઢ્યું ! હત્તેરી ! આ વળી કેવી રીતે થેલીમાં આવી ગયું ? ઓહ ! છેલ્લી ઘડીની ખરીદી ! બૅગ પૅક થઈ ગયેલી ને બજારમાંથી પાછા ફર્યાં ત્યારે થેલીમાં લાઈટર છે તે કંઈ યાદ રહ્યું નહીં. જમવાની ને હૉટેલ છોડવાની ઉતાવળમાં થેલી ચેક ન કરી કે, હજી તો એરપોર્ટ પર ચેકિંગ થશે તો હાથમાં રાખવાનો સામાન એક વાર ચેક કરી લઉં ! ચાલો, હવે બીજા સવાલોનો સામનો કરવા તૈયાર થઈ જાઓ. પલ્લવીબેનને પણ થયું કે, બીજી વાર કલ્પનાબેનનો સામાન મારે જ પહેલેથી ચેક કરી લેવો પડશે. એરપોર્ટ પર આવી રીતે કંઈ ન કર્યું હોવા છતાં ગુનેગારની જેમ એમને ઉભા રહેલાં જોઈને મારો તો જીવ નીકળી જાય. હવે બિચારાં દસ વાર સૉરી કહેશે, ત્યારે એમને છોડશે. અમને બન્નેને સરખો જ વિચાર આવ્યો કે, આ લાઈટરથી કંઈ સળગવાનું નથી ને કોઈ પેસેન્જરનો જાન પણ જોખમમાં નથી તો, આ લોકો કેમ નકામી માથાકૂટ કરતાં હશે ?

‘પલ્લવીબેન, લાઈટર ગીયુ.’
‘જવા દેઓ. બીજુ લઈ લેજો.’ પલ્લવીબેને લાઈટરની માયામાંથી મને મુક્ત થવા કહ્યું. મને બહુ મન નહોતું લાઈટરનું દાન કરવાનું પણ એવામાં એક ઓફિસરે રસ્તો કાઢ્યો. પેલાં બેનની તેલની બાટલીઓ અને મારા લાઈટરનું એક પૅકેટ બનાવીને સીલ કરીને કાર્ગોમાં જવા દીધું. અમને બન્નેને જણાવ્યું કે, ‘મુંબઈ ઊતરીને આ પૅકેટ તમારે યાદ રાખીને લઈ લેવાનું, ભૂલ્યા વગર.’
‘થેંક્યૂ સર, આપને બહોત અચ્છા રાસ્તા નિકાલા. નહીં તો મુજે સુરત તક લાઈટર લેનેકો જાના પડતા. ક્યા હૈ કે, હમારે ઉચ્છલમેં લાઈટર નહીં મિલતા ઔર ઈધરકી બાજારમેં જૈસા મૈંને લાઈટર દેખા તો લે લિયા. અચ્છા કામ હો ગયા સમજી થી પર આપને લાઈટર અટકાયા તો મેરા તો મૂડ બિગડ ગયા થા. પર કોઈ બાત નહીં. અભી મૈં યાદ કરકે મુંબઈસે લાઈટર લે લૂંગી. થૅંકયૂ સર. આપકે ઘરમેં ભી સબકો મેરી યાદ કહેના.’

‘હવે ચાલો... કલ્પનાબેન. પ્લેનનો ટાઈમ થવાનો.’ ને અમે ભાગ્યાં. પહેલાં કાતર ને હવે લાઈટર ! કેમ વારંવાર આવી ભૂલ થાય છે મારાથી ? અમે બન્ને તો પ્લેનમાં બેઠાં ત્યાં સુધી બધી વાતો મમળાવીને ખૂબ હસ્યાં. આખરે આ જ તો બધી મજા છે. મેં નક્કી કર્યું કે, જ્યારે પણ પ્લેનમાં જવાનું થાય ત્યારે આવી નાની નાની ભૂલ કરતી રહીશ. તો જ પ્રવાસ કંઈક યાદગાર બને ને ? બાકી સીધા સીધા જઈને આવી જવામાં શી મજા ?

રવિવાર, 27 સપ્ટેમ્બર, 2015

ટિકિટ ખોવાઈ જાય તો ?

કોચીનની બજારમાં છેલ્લો દિવસ અને બજારમાં શૉપિંગ માટે ફક્ત બે કલાક ! મારી સાથે આવેલાં પલ્લવીબેન તો પિત્તળની માયામાં અટવાયાં અને મેં કૅશ કાઉન્ટર પાસે રાખેલા શોકેસમાં અમસ્તી નજર ફેરવવા માંડી. અચાનક મારી નજરે લાઈટર ચડ્યું. ‘અરે લાઈટર ! મારે લેવાનું જ છે. દહ વખત ટક ટક કરે કોઈની જેમ ત્યારે હળગે. લાવ, લઈ જ લેવા દે. પાછું ઘેરે ગીયા પછી બજાર જવાનો મેળ પડહે કે હું ખબર ?’ ને મેં લાઈટર લઈ લીધું. ત્યાં નાનકડી કાતર હતી પણ અઠવાડિયા પહેલાંનો જ અનુભવ યાદ કરીને લેવાનું માંડી વાળ્યું. હવે કામ પણ શું ? મેં ઘડિયાળમાં જોયું. હવે અમારી પાસે એક જ કલાક હતો. મેં પલ્લવીબેનને સાડી લેવાની છે તે યાદ કરાવ્યું એટલે આખરે એમણે અક દીવો ને એક નાની પિત્તળની કુંડી ખરીદી લીધી. ત્યાંથી અમે રિક્ષા ભગાવી એમ જી રોડ.

એમ જી રોડ સાડી, કપડાં ને ઘરેણાંની ભવ્ય દુકાનોથી ભર્યો ભર્યો હતો. પણ ઘડિયાળનો કાંટો અમને ‘કલ્યાણ’ સાડીસમંદરમાં લઈ ગયો. ‘જયલક્ષ્મી‘ સાડીભંડાર કરતાં ઘણો વિશાળ અને ભવ્ય લાગ્યો. આ એક મુશ્કેલ કામ હતું. હજી તો સાડીઓને જોઈએ, આંખોમાં ભરીએ ને હાથમાં પસવારી પસંદ કરીએ ને બાજુએ મૂકીએ ત્યાં જરા વારમાં એના પર બીજી દસ સાડીઓનો ઢગલો ખડકાઈ જાય ! વળી પેલી પસંદ કરેલી સાડી જેમતેમ ખેંચીને બહાર કાઢી બાસ્કેટમાં મૂકીએ કે એટલામાં દસ મિનિટ તો નીકળી ગઈ હોય ! આવા ગભરાટ ને રઘવાટમાં, જેવી મળી તેવીના અસંતોષ સાથે  બે ત્રણ સાડી અમે બન્નેએ લીધી. અમને તો સાડી લેવાઈ ગયા પછી એવું લાગ્યું, જાણે મંદિરની ધક્કામુક્કીમાં ભગવાનની ઝલક જોઈને અમે બહુ ખરાબ રીતે ગબડી પડ્યાં. ખેર, કંઈક તો શૉપિંગ કર્યુંના સંતોષ સાથે અમે હૉટેલ પર પાછા ફર્યાં.

રિક્ષામાંથી ઉતરતાં રિક્ષાવાળાએ કંઈક ગુણગુણ કર્યું ને ચારસો રૂપિયા લેવાની ના પાડી. અમે તો ખુશ થયાં. આખા કેરાલામાં આ પહેલો ઈમાનદાર ને મહેમાનને ભગવાન ગણવાવાળો માણસ નીકળ્યો. વાહ ! કે’વું પડે. જોકે, અમારી દાનત ખોરી નહોતી એટલે અમે પેલા વૉચમૅનને બોલાવ્યો ને સમજાવ્યું કે, ‘આ રિક્ષાવાળો પૈસા લેવાની ના પાડે છે.’
‘એને છસો રૂપિયા જોઈએ છે. વેઈટિંગ વધારે થઈ ગયું એમ કહે છે.’
અમારાં મોં ખુલ્લાં થઈ ગયાં ને આંખોમાં ગુસ્સો, મજબૂરી ને પસ્તાવાનું મિશ્રણ રેલાઈ ગયું. ઠીક છે, કહીને અમે છસો આપ્યા. સાંભળેલું કે, અહીંના રિક્ષાવાળાઓ લૂંટે છે. તે હવે સાબિત થઈ ગયું. હશે, નવ્વાણુંમાં સો ભરવાવાળાએ જ એ કહેવત શોધી કાઢી હશે.

અમે સામાન મૂકી જમવા ગયાં. હાથમાં ડિશ લઈને બધી વાનગીઓ લેતાં લેતાં અમે એ દુનિયાને ભૂલી ગયાં જેનો અમને ખરાબ અનુભવ થયો હતો. જેમ જેમ મોંમાં પાણી આવતું ગયું તેમ તેમ બધો ઉચાટ ને ગભરાટ ગાયબ થતો ગયો. અમે નિરાંતે આ ટૂરનું ને કેરાલાનું છેલ્લું ભોજન ટેસથી જમ્યાં. શું હતું વિદાયસમારંભમાં ?

શક્કરિયા જેવા કોઈ કંદનું રસાવાળું શાક, પનીરવાળું પંજાબી શાક, સૂપ, દાળ, ભાત, રોટલી, પૂરી, ગાજરનો હલવો, પાયસમ, બે જાતનાં આઈસક્રીમ, પેસ્ટ્રી અને ચૉકલેટ કેક. (હેમખેમ પહોંચશું ખરાં ને ?) અમે વારાફરતી આઈસક્રીમ ને પાયસમનું લેયર કરતાં રહ્યાં ને વધારાના બસો રૂપિયાને ભૂલવાની કોશિશ કરતાં રહ્યાં.

અમે જમીને રૂમ પર ગયાં, જરાતરા આરામ કર્યો ન કર્યો કે, હૉટેલ છોડવાનો સમય થઈ ગયો. અમારું મન થોડું નહીં પણ ઘણું નારાજ હતું. કાલથી ફરી એ જ ઘોંઘાટ ને એ જ ભીડ, એ જ જાણીતા ચહેરા ને એ જ બોરિંગ, એકધારી જિંદગી ! હરિયાળી તો ફોટામાં ને મનમાં સંઘરી લીધી તો સારું, બાકી તો આવા બગીચા ક્યાં જોવા મળવાના ? ખેર, રૂમમાં સામાન પર એક નજર ફેરવી લીધી–બધું ઠીક છે ને ? સવારે સાડી લીધી તે ને બીજી પરચુરણ ખરીદીની હલકી થેલીઓ હતી. મોટી બૅગ તો બસમાં ગોઠવાઈ ગયેલી એટલે ચિંતા નહોતી. બે વાગ્યે અમારી બસ ઉપડી એરપોર્ટને રસ્તે. બસમાં સૌ શાંત ! ધીમી વાતચીતના અવાજો સિવાય કોઈને કંઈ મસ્તી કે તોફાન કરવાનું સૂઝતું નહોતું. વળી અડધી બસ ખાલી હતી ને શ્રોતાઓ ઓછા હતા એટલે પણ કોઈને ગાવાનું કે હોહા કરવાનું જોશ નહોતું ચડતું. જાણે પોલીસની ગાડી જતી હોય ને એમાં બધા ગુનેગારો જતા હોય એવા સૌના ચહેરા ઉતરેલા–વગર કોઈ ગુનાએ !

એરપોર્ટ આવતાં જ બધામાં અચાનક જોશ આવી ગયું ! પહેલા પહોંચવાનું ! પહેલા ચેક ઈન થવાનું ! ને જો પ્લેન ઊડવા તૈયાર હોય તો પહેલા મુંબઈ પહોંચી જવાનું. પણ, બસમાંથી બધો સામાન ઉતાર્યા વગર જવાય એમ જ ક્યાં હતું ? પોતપોતાનો સામાન લઈ બધાં ચાલતાં થયાં. એરપોર્ટ પર એક વસ્તુની મને કાયમ નવાઈ લાગે. ટ્રેનમાં કે બસમાં બેઠાં પછી ટિકિટચેકર આપણી ટિકિટ ચેક કરવા આવે. કોઈ દિવસ પ્લૅટફૉર્મ પર કે બસ–સ્ટૅન્ડ પર કોઈ ટિકિટ ચેક નથી કરતું. જ્યારે એરપોર્ટ પર તો દાખલ થવા પહેલાં જ ટિકિટ ચેક કરે. ને પ્લેનમાં કોઈ ટિકિટ ચેક ન કરે ! ખેર, અમે તો વારાફરતી ટ્રોલી લઈ લાઈનમાં જવા માંડ્યાં. દર વખતની જેમ હું બસમાંથી આરામથી છેલ્લે ઊતરેલી એટલે દરવાજે લાઈનમાં પણ છેલ્લી !

‘પલ્લવીબેન, મારી ટિકિટ તમારી પાંહે છે ને ?’
‘નંઈ, મારી પાંહે નીં મલે. મેં તો તમને પેલ્લે જ દા’ડે આપી દીધેલી.’
‘હા કંઈ નીં, જોઈ લઉં.’ કહેતાં મેં મારા પર્સના બધા ખાનાં જોઈ લીધા. એટલામાં પલ્લવીબેનનો નંબર આવતાં એ તો દરવાજાની બીજી તરફ પહોંચી ગયાં. અંદર ઊભા રહી કાચમાંથી મને ચિંતિત નજરે જોઈ રહ્યાં. ટિકિટ નીં ઓહે તો કલ્પનાબેન અંઈ કોચીનમાં એખલાં હું કરહે ?

મારી હાલત તો વર્ણવી જ ન શકાય. પર્સ પછી જેટલી થેલી હતી તે બધી ફેંદી વળી. ફરી પર્સ ને ફરી થેલી, એમ રમત રમતાં રમતાં મારા ગભરાટનો પાર નહીં. જો રડવા બેસું તો ટિકિટ કોણ શોધે ? બાપ રે ! બધાં જતાં રહ્યાં ને હું બહાર ટિકિટની શોધાશોધમાં મંડેલી. એટલામાં દૂર ઊભા રહી વાતો કરતા અમારા ટૂર ગાઈડ ત્યાં આવ્યા. ‘મૅડમ, એની પ્રોબ્લેમ ?’
‘મેરી ટિકિટ નહીં મિલ રહી.’ મારો અવાજ અત્યંત ગળગળો, ભેંકડો તાણવાની તૈયારી !


રવિવાર, 13 સપ્ટેમ્બર, 2015

દાંત પડાવવાનો લહાવો

આંખ, કાન કે નાકના ડૉક્ટરને ત્યાં આપણે જઈએ તો ડૉક્ટર આપણી આંખ નથી કાઢી લેતા કે કાન–નાક કાપી નથી લેતા. પણ જો દાંતના ડૉક્ટરને ત્યાં દાંત બતાવવા જઈએ તો મોટે ભાગે ડૉક્ટર આપણા દાંત તોડી નાંખે છે ! વર્ષોથી મને સાથ આપનાર દાંતની કિલ્લેબંધીમાંથી એક કાંકરી પણ ખરે તે મને મંજૂર ન હોવા છતાં કુદરતે ન્યાય કરી જ નાંખ્યો. મારામાં ડહાપણ કે ડહાપણની દાઢ રહે તે વધારે પડતું લાગવાથી, સોજા અને સણકાના સતત હુમલા વડે મારી માનસિક તંદુરસ્તી ખોરવી નાંખી. આખરે વીલે મોંએ મારે ડૉક્ટરને ત્યાં “‘દાંત બતાવવા’ જવું જ પડ્યું.

ડૉક્ટરને ત્યાં પેશન્ટ ઘણા હતા. બધાના દાંત ગણવાની એમને ફુરસદ નહોતી ને જરૂર પણ નહોતી. સીધું પૂછી જ લેતા, ‘શું થાય છે ?’ ડૉક્ટર પર દયા કરતા હોય કે એમની પાસે દયાની ભીખ માગતા હોય એમ દરેક જણ વાંકુંચૂકું મોં કરી– મોં ફાડી, ડૉક્ટર મોં બંધ કરવાનું કહે તેની રાહ જોઈને બેસી રહેતા. મને થયું કે વારાફરતી બધાને અંદર બોલાવે એના કરતાં બહાર આવીને એક સાથે જ બધાનાં મોં ખોલાવી દે ને ટૉર્ચ લઈને ફરી વળે તો વહેલું પતે ! પણ એમાં એમના ધંધાને અસર પહોંચવાની શક્યતા વધુ હોવાથી ડૉક્ટરે પણ પોતાના મોભ્ભા મુજબ જુદા જુદા રૂમની વ્યવસ્થા રાખવી પડે.

મારો વારો આવ્યો. ડૉક્ટરે પૂછ્યું, ‘શું થાય છે ?’‘ખબર નહીં પણ બહુ દિવસથી ખવાતું નથી ને અશક્તિ બહુ લાગે છે. કોઈ વાર ચક્કર પણ આવી જાય છે. જમણા કાનમાં સણકા મારે છે. ઘણી વાર માથું દુ:ખે છે. ગળામાં પણ દુખાવો ચાલુ જ છે. વાતે વાતે રડવું પણ આવી જાય છે.’

ડૉક્ટર ભાવુક બની ગયા ને વીસરી ગયા કે, પોતે દાંતના ડૉક્ટર છે ! હજી ઘણાનાં દાંત ને ખિસ્સાં ખંખેરવાનાં બાકી છે. જે ડૉક્ટર ભલભલાના મોંમાંથી નીકળતા લોહીના રેલાને જોઈ પીગળ્યા નહીં હોય તે મારી દુ:ખભરી દાસ્તાન સાંભળીને પીગળી ગયા ! ‘તમે કોઈ સ્પેશિયાલિસ્ટને બતાવ્યું કે નહીં ? બધી ટેસ્ટ, એક્સ–રે વગેરે કરાવ્યાં કે નહીં ?’

‘એટલે જ તો અહીં આવી છું. બહુ દિવસોથી આ દાઢ બહુ દુ:ખે છે ને આ બધી તકલીફો થાય છે. ડૉક્ટર પણ અસ્સલ પેશો યાદ આવવાથી ટટાર થઈ ગયા ! મારું મોં જે ક્યારનું ચાલતું હતું તેને અટકાવીને ખોલવા કહ્યું. કોઈની સામે  આશ્ચર્યથી મોં ફાડીને જોયાનું યાદ છે, ખડખડાટ હસતી વખતે મારું મોં ખૂલી જાય છે પણ દુ:ખને લીધે મોં આખું ફાડીને દુ:ખભરી ને વળી સવાલી નજરે જોવાનો તો આ મારો પહેલો જ પ્રસંગ જ હતો !

ડહાપણ કે દોઢ ડહાપણ જ્યારે ને ત્યારે કોઈની પણ સામે વગર પૂછ્યે તરત જ બતાવી દેવાનું હોય છે પણ ડહાપણની દાઢ ખબર નહીં કેમ ઠે...ઠ નાકે (ખૂણામાં) રહેતી હશે ? જેને જોતાં, જતાં ને આવતાં ને હવે કાઢતાં પણ આટલી તકલીફ પડતી હશે ? ખેર, ડૉક્ટરને તો ખ્યાલ આવી જ ગયો. કદાચ નહીં પાડવાની હોય તો પણ ‘દાઢ કાઢવી પડશે’ એમ કહી એક ઈંજેક્શન દાંતના પારામાં લગાવી દીધું ! ‘શું આનો બીજો કોઈ ઉપાય નથી ?’ એમ પૂછવાનું મન થયું પણ ધીરે ધીરે મોંમાં ગાદી જેવું લાગવા માંડ્યું અને જીભ–ગાલ–દાંત બધું એકમેકમાં વિલીન થઈ જશે કે શું એ બીકમાં શબ્દો ગળી ગઈ. (પુરૂષોએ આ ઈંજેક્શન ઘરમાં રાખવું એવું મારું નમ્ર સૂચન છે).

બહાર દસેક મિનિટ એવી જ સ્થિતિમાં બબૂચકની જેમ બેસી રહી જ્યાં બીજા બબૂચકો પણ બેઠાં બેઠાં એકબીજાને જોઈને નજર ફેરવી લેતા હતા. મારા નામનો પોકાર થાય ત્યાં સુધીમાં તો અંદરના રૂમમાંથી આવતી હૃદયવિદારક ચીસો સાંભળ્યે રાખી મનને કાબૂમાં રાખવાના પ્રયત્નો કર્યા. દર્દીઓની હિંમત ભલે ભાંગી જાય પણ ત્યાંથી કોઈથી ભાગી ન શકાય એવી સૌની હાલત હતી. મને કમને બધા ટીવી જોયે રાખતા હતા. તે સમયે એક હીરો દસ ગુંડાઓને ભારે પડતો હોય એવું ચવાઈ ગયેલું દ્રશ્ય આવતું હતું. વારાફરતી બધાનાં હાડકાં ખોખરાં કરીને તેમ જ કોઈ કોઈની તો બત્રીસી પણ હાથમાં આપીને એમને રવાના કર્યા.

પછી તો, ડૉક્ટરે હાથ ખંખેરી બાવડાં ફુલાવ્યાં ને મૂછો આમળી. મને થયું કે, અહીં આવનારા તો બધા જ શરીફ લોકો હતા ને છતાંય સામે ચાલીને પૈસા આપીને પોતાના દાંત પડાવી જતા હતા. જોકે, ડૉક્ટરને તેનું કોઈ અભિમાન નહોતું. મૂછો આમળવાનો કે બાવડાં ફુલાવવાનો પીક અવર્સમાં એમની પાસે સમય જ ક્યાં હતો ? તોય, કોઈ વાર એમને પણ મન થઈ જતું હશે.

થોડી વારે મારું નામ કોઈ લેતું હોય એવો મને ભાસ થયો. શૂળીએ ચડવા જતી હોઉં એમ મોં લટકાવી મેં અંદરના રૂમમાં પ્રવેશ કર્યો. દાંત પડાવતી વખતે ઊંઘ આવી જવાની કોઈ જ શક્યતા નહોતી છતાંય ત્યાં એક સરસ, લાંબી ને આરામદાયક ખુરશી મોજૂદ હતી, જેના પર આરામ ફરમાવતાં મારે મારો દાંત પડાવવાનો હતો ! કટોકટીના સમયે સજ્જડ પકડી રખાય એવા બે હાથા પણ ખુરશીને હતા.

હું ખુરશીમાં બેઠી તો ખરી પણ મારી નજર સતત બધે ચકળવકળ ફર્યા કરતી હતી. ઘડીકમાં આંખોને આંજી દેતી લાઈટ દેખાતી તો ઘડીકમાં સામે જ ટેબલ પર ગોઠવેલાં દાંતલેણ કે જીવલેણ શસ્ત્રો દેખાતાં. કાતર, પક્કડ, છરી વગેરે. શું ખબર કદાચ ખાનામાં રિવૉલ્વર પણ હોય ! અહીં આવવા બદલ હવે મને પસ્તાવો થવા માંડ્યો. નક્કામી આવી. ફસાઈ ગઈ. ઘરમાં એક જ અડબોથમાં કામ પતી જાત. પૈસા બચી જાત ને મામલો ઘરમાં જ પતી જાત. (એ બહાને પતિને જાત બતાવવાનો મોકો મળી જાત )!

પણ, ફક્ત દાંત દુ:ખવાને કારણે ને મારા કોઈ વાંક વગર એમ અડબોથ ખાવાની મારી જરાય ઈચ્છા નહોતી. વળી, એમાં કોને બદલે કોના દાંત પડી જાત તે કંઈ કહેવાત નહીં ને જાહેરમાં તમાશો થાત. એમ ઘણી બધી શક્યતાઓ ટાળીને અહીં આવી તે જ ઠીક છે, સમજી મન મનાવ્યું. જોકે, ક્યાંક વાંચેલું કે, દાંત પડાવતી વખતે આંખ ફાંગી થવાનો, બહેરા બનવાનો (ને મારા કેસમાં તો પતિને વિધુર બનાવવાનો ૧૦૦%) ચાન્સ સંભવી શકે એમ હતું. ડૉક્ટર વિશે મેં પૂરેપૂરી તપાસ કરી હતી. બોગસ તો નહોતા જ ને મારા દૂરના કે નજીકના દુશ્મન પણ નહોતા. તેથી ડૉક્ટરને ભગવાન ગણીને એમની ઉપર શ્રધ્ધા રાખવાની હતી. બંનેમાં ફેર એટલો જ કે, એક ઝોળી ખાલી કરે ને એક ભરે !

આખરે કટોકટીની ઘડી આવી પહોંચી. મેં ડૉક્ટરને પૂછ્યું, ‘તમને હાર્ટની તકલીફ તો નથી ને ?’ ડૉક્ટર આશ્ચર્યથી , મારા દિમાગના હોવા વિશે શંકા થવાથી–મારી સામે જોઈ રહ્યા ! ‘કેમ એમ પૂછો છો ?’ ‘ના, આ તો એવું છે કે, મને ગગનભેદી ચીસો પાડવાનો શોખ છે. માઈલો સુધી મારી ચીસ ભલભલાને ધ્રુજાવી શકે છે. દાંત પડાવતી વખતે મારાથી એ ચીસનો પ્રયોગ થઈ ગયો તો તમે ખમી શકશો ?’ ડૉક્ટરને થયું હશે કે, આનો દાંત પાડું ત્યારે નર્સને કહીશ કે, આનું ગળું દાબી રાખે ! એ જ સમયે જોકે મને પણ વિચાર આવેલો કે, ડૉક્ટર જો આસાનીથી દાંત નહીં પાડે તો ? તો હું એમનું ગળું ? (નહીં–નહીં), એમના બંને હાથ જોરમાં પકડીને એમને ધક્કો મારી દઈશ. ડૉક્ટર મારા પગની લાઈનમાં  નહોતા આવતા, જમણી બાજુએ ઊભા હતા. મારે મારો વિરોધ ચીસ વડે કે હાથ વડે જ દર્શાવવાનો હતો. (જરા વિચારો કે, દાંતની પીડા કેટલી ભયંકર હોય છે કે, દાંત તોડનારના જ દાંત ખાટા કરી નાંખવાનું મન થઈ જાય)! શું થાય ? મજબૂરીનું બીજું નામ અહિંસા હશે ?

મને તો પેલી ખુરશી જ જાદુઈ ખુરશી જેવી લાગી. એમાં બેસતાં જ ઉટપટાંગ વિચારો ચાલુ થઈ ગયા હતા. હવે મને ટુચકા યાદ આવવા માંડ્યા ! ડૉક્ટરને ખાતરી છે કે, મારો જ દાંત પાડવાનો છે ? શું ડૉક્ટર મારા મોંમાં બ્રહ્માંડદર્શન કરશે ? આટલું પહોળું મોં કરાવીને અંદર સંતરા કે મોસંબી મૂકવાના હશે ? શું એમને એટલી ખબર નહીં હોય કે, કોઈ પણ સ્ત્રીનું મોં વધારે (સમય) ખુલ્લું રાખવામાં જોખમ છે? મારું મોં ખુલ્લું રખાવીને  ફોન લેવા કે ટીવી પર મૅચ જોવા જતા રહ્યા તો ? પણ હવે શું ?

એટલામાં ડૉક્ટરે ગ્લવ્ઝ પહેર્યાં. હવે મને ખાતરી થઈ ગઈ કે, કદાચ મારું ખૂન થઈ જાય તો પણ એમના પર શક ના જાય એટલે જ ડૉક્ટરે બધી પૂર્વ તૈયારી કરી મૂકી છે. મેં આંખો મીંચી દીધી. ડૉક્ટરે કહ્યું, ‘ગભરાઓ નહીં. જસ્ટ રિલેક્સ!’ (ડૉક્ટર, તમે આવી ઘડીએ રિલેક્સ થાઓ?) મેં ખુરશીના બંને હાથા પર સજ્જડ પક્કડ જમાવી. મોંની ચામડી અંદરથી બહેરી (ખોટી) કરી હોવાથી દર્દનું નામોનિશાન નહોતું. કાન બહેરા ખબર પણ મોં બહેરું, તે તો આજે જ જાણ્યું. ડૉક્ટરે છરી ને પક્કડની મદદથી મારી દાઢને હલો કર્યું. (હલાવી)! શસ્ત્રો વાગ્યાં તો નહીં પણ દાંત સાથે ઠોકાવાના અવાજોના એટલા પ્રચંડ પડઘા પડતા હતા કે, મોટી મોટી શિલાઓ ટકરાઈને ગબડતી હોય એવો અનુભવ થયો.

મેં શરીરને અક્કડ કરીને લાકડા જેવું કરી દીધું. (પછી થઈ જાય તોય વાંધો નહીં).પણ ડૉક્ટરે જેવી પક્કડની મદદથી દાઢને પકડીને જોરમાં ખેંચી કાઢી કે, તે જ સમયે ક્યારે મારાથી ડૉક્ટરના બંને હાથો પર સખ્ખત ભીંસ અપાઈ ગઈ ને મોંમાંથી જોરદા....ર ચીસ નીકળી ગઈ તે ડૉક્ટરને પણ ખબર ના પડી. ગભરાટમાં એમના હાથમાંના ઓજારો નીચે પડી ગયાં અને મારી દાઢ તો ક્યાંય દૂર ફેંકાઈ ગઈ ! ડૉક્ટર તો એક સેકંડ પૂરતા મૂઢમતિ, બીજી સેકંડે મંદમતિ અને પછી તો સ્વસ્થ થઈને ગતિમાં આવી ગયા. તરત જ એમણે નર્સને કહ્યું, (‘આના માથામાં એક ફટકો મારો.’) ‘આમને કોગળા કરાવીને ડટ્ટો મારો.’ મને તો બધું વિચિત્ર લાગતું હતું. હું તો ઘરેથી બ્રશ કરીને આવી હતી ને કોગળા પણ કરેલા તો પણ? પછી તો, નર્સે ના ન કહી ત્યાં સુધી મેં બેસિનમાં લોહીના કોગળા ચાલુ જ રાખ્યા. નર્સ ગભરાઈ ગઈ. જો આ મરી જશે તો દાઢના ખાડાને બદલે, મારે એના નાકમાં દટ્ટા મારવા પડશે. મારી એક જ હરકતથી ડૉક્ટર ને નર્સ બંને ગભરાઈ ગયાં. મને વહેલી રવાના કરવા ડૉક્ટરે મને એમની સામે ખુરશી પર બેસવા કહ્યું.

હું સો રૂપિયાની દાઢને બદલે પાંચ પૈસાનું રૂ મોંમાં લઈને ડૉક્ટરની સામે બેઠી. ‘સૉરી ડૉક્ટર! પણ મેં તમને પહેલાં જ પૂછેલું.’ ડૉક્ટરે મને જવાબ આપ્યો નહીં પણ બધાંને પૂછતા હશે એટલે મને પણ પૂછ્યું, ‘દાંત ઘરે લઈ જવો છે ?’
‘ડૉક્ટર! એ તો ડહાપણની દાઢ હતી. નીકળતી વખતે જ પરચો બતાવી ગઈ તો હવે રાખીને પણ શું કરું ? જેટલું ડહાપણ બચ્યું છે એનાથી ચલાવી લઈશ.’

સોમવાર, 7 સપ્ટેમ્બર, 2015

એક તારી ઝંખના

પ્રિય.....,
‘ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તારા વિના સવાર/સાંજ ડૂસકે ચડી છે.’
આજે બરાબર દસ દિવસ થયા, તારા ઘર છોડ્યાને ! હજી સુધી મારા મોબાઈલ પર તારો એકાદ મેસેજ સુધ્ધાં નથી આવ્યો કે મિસ્ડ કૉલ પણ નહીં. તું આમ ઘર છોડીને અચાનક જ જતી રહેશે એવું તો મેં સ્વપ્ને પણ નહોતું વિચાર્યું. બે વાસણ કોના ઘરમાં નથી ખખડતાં ? ને કપરકાબી કોના ઘરમાં નથી ફૂટતાં ? તેનું આમ, મન પર લઈને, રિસાઈને જતાં રે’વાનું ? તને તો મેં પહેલી મુલાકાતમાં જ ચેતવી દીધેલી કે, મારા ઘરમાં બધાંને જ અવારનવાર લૂમ ને ટેટા ફોડવાની ટેવ છે. જો તું એ બધાંને સૂરસૂરિયાં સમજી લેશે તો પછી તને કોઈ પ્રોબ્લેમ નહીં રહે. તેમાંય મારા તરફથી તો તને કોઈ દિવસ ફરિયાદનું કોઈ કારણ જ નહીં મળે.

મારો સ્વભાવ તો વર્ષોથી ટિચાઈ ટિચાઈને સુંવાળી ને મઠિયા જેવો બની ગયેલો તે મારા વગર તો કોઈને ચાલે નહીં, પણ તને મારા વગર કેમ ચાલ્યું ? તે પણ આટલા દિવસ ? મેં જોયું છે કે, તું જ્યારથી આવી છે, બે ઘડી ઠરીને બેઠી નથી. સતત કોઈ ને કોઈ કામમાં તારા હાથ રોકાયેલા જ હોય. આટલું સુઘડ ને સુંદર ઘર પહેલાં ક્યારેય નહોતું. દરેક વસ્તુ સામે ચાલીને મળી જાય ! કોઈની રાડારાડ નહીં કે કોઈની ફરિયાદ નહીં. મારું તો જીવન જ તારા આવવાથી બદલાઈ ગયું. કદાચ સ્વભાવ પણ હમણાંનો બદલાયો લાગે છે. તારા વગર ઘરમાં કોઈને ગમતું નથી, બધાં એક બીજા પર દાંતિયા કરે છે. મારું તો એમાં કંઈ ચાલતું નથી ને તારા વગર કોઈ વાતનો પત્તો પડવાનો નથી.

‘સાંજ સઘળી ડૂબી જાયે છતાંય
મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં.’
તારામાં મારા જેટલી ધીરજ નહીં, બીજું શું ? તે વગર તું આમ એક વર્ષમાં ચોથી વાર ઘર છોડીને જતી રહે ?
‘સાંજ પડતાં તને પિયર સાંભરે
ખૂણે બેસીને રડે છે ગુર્જરી.’
આજે તારા જતાંની સાથે રડવાનો વારો તો મારો આવ્યો છે. તું સારી રીતે જાણે છે કે, તને મારા સિવાય કોઈ બોલાવવાનું પણ નથી. અહીં નવરું જ કોણ છે ? તારી તો જાણે કે કોઈને કંઈ પડી જ નથી પણ મને એમ થાય કે, તને કેમ મારી જરાય પડી નથી ? તેં મારી લાગણીની જરાય પરવા ન કરી ? તને શું કોઈએ કંઈ કહ્યું’તું ? તને શું વાંકું પડ્યું તે જ મને આજ સુધી સમજાયું નથી. જરા સરખો મને ઈશારો પણ કરત, તો હું કોઈ પણ રસ્તો કાઢત. જોકે, તારી આ જ આદત મને પસંદ નથી. કહ્યા વગર ચાલવા માંડવાનું બસ. ધીરે ધીરે તારા માથે કામનો બોજો વધી રહયો હતો તે મારા ધ્યાનમાં જ હતું અને તારા માટે એક હેલ્પર લાવવાનું પણ મેં વિચારી લીધેલું, બીજું તો કોણ વિચારે ? તેં જોકે ઉતાવળ કરી નાંખી. મને તારી આ વાત પર ઘણી વાર બહુ ગુસ્સો આવી જાય છે પણ તરત જ એમ વિચારી લઉં કે, આખરે કોઈ કેટલું સહન કરે ? એમ પણ ઘરનાંને તો મારાથી કંઈ કે’વાય નહીં એટલે તને જ સમજાવવી–પટાવવી પડે ને ?

‘તારા જવાની સાંજ મને યાદ તો હશે, (હશે શું ? છે જ)
આંગણાનો લીમડો એ ગઝલ ગૂંજતો હશે.’
તારા સ્વભાવની તો શું વાત કરું ? હસમુખી, લાગણીશીલ, સમજદાર ને વળી આજના જમાનામાં તો આટલી સુલક્ષણા સ્ત્રી જ મળવી મુશ્કેલ ! એ તો નસીબદારને જ મળે. તને ખબર નહીં હોય પણ સગાંવહાલાંથી માંડીને અમને ઓળખતાં સૌ કાયમ તારાં જ વખાણ કરતાં હોય. તારાં ઝાંઝરના ઝણકારની તો કાનને એવી ટેવ પડેલી ને કે, સવારથી જ ભણકારા થવા માંડે કે જાણે હમણાં તું આવી. છેલ્લા દસ દિવસથી એ ભણકારા પણ ગાયબ થઈ ગયા છે. દરેક રૂમમાં સવારથી તારું ઝપાટાબંધ ફરી વળવું, મીઠા–મધુર સ્વરે સૌને જગાડવાં, બધાંને જોઈતી વસ્તુઓ હાથમાં ને હાથમાં આપવી વગેરે વગેરેનું લાંબું લિસ્ટ યાદ આવે છે. ઘરનાં નગુણા લોકો સાથે ઝઘડવાનું ખૂબ મન થઈ જાય છે.

નક્કી તારી એકાદ નાનકડી ભૂલ પર જ ઘરમાંથી કોઈએ તારું અપમાન કરીને તને દુ:ખી કરી હશે. પણ એમાં મારું તને વિનંતી કરવા સિવાય બીજું ક્યાં કંઈ ચાલે છે ?
‘કેટલામી સાંજના(સવારના) સોગંદ દઈને કહું તને ?
એક તારી ઝંખના જેવી હતી તેવી જ છે.’
જોકે, તારી જગ્યાએ હું હોઉં તો મને પણ ગુસ્સો ચડે, રીસ લાગે પણ આમ તારી જેમ હું ઘર છોડીને તો હરગીઝ ન જાઉં. આ ઘરને તું તારું ઘર નથી ગણતી ? એટલે જ આમ વારંવાર જતી રહે છે ? આમાં મને કેટલો ત્રાસ થાય છે તેનું તને કંઈ ભાન છે ? તને ભલે અમારા વગર ચાલતું હશે પણ અમને કોઈને તારા વગર નથી ચાલતું તે જાણી લે. તેમાં પણ મને તો નહીં જ કારણકે,
મને તો તારા જ કામની આદત પડી ગઈ છે તે બીજા કોઈના હાથનું કામ ફાવતું જ નથી.
મને તો લાગે છે કે, મારો તો છૂટકો નથી એટલે તને બોલાવવા હવે તો મારે જ આવવું પડશે.
તારી બધી શરતો મને મંજૂર છે એટલે મહેરબાની કરીને કાલથી કામ પર આવવા માંડ જેથી મારી સાથે ઘરમાં પણ બધાંને શાંતિ. મારાથી એકલીથી હવે બધે પહોંચી નથી વળાતું તેથી જ વારંવાર કહું છું, ‘હવે તો આવ ઓ રૂપલી...સોમલી...દેવલી...છની...ધની...’
‘સવારે સૂરજ ઊગે ને ખૂલી જાય બારણું,
તુજ આગમનની શક્યતાને ક્યાં અવગણું ?’
અને છેલ્લે,
‘સાવ ખાલી હાથ આવતી નહીં,
સવારની વેળા ટ્રેન, બસ કે રિક્ષા પકડતી આવજે.’

(કવિમિત્રોની ક્ષમા સાથે...આ બધી દોડાદોડીમાં કોઈ કવિનું નામ પણ ન લખાયું. જેમને યાદ હોય તે લખી મોકલશે તો હું એમની આભારી રહીશ.)