રવિવાર, 29 મે, 2016

મોજે મોજે મોજ

મિત્રો,
ટર્કી યાત્રામાં આજે ગાપચી મારી હોવાથી, ‘બૅંગકૉક યાત્રા’નો એક લેખ માણો. 
લેખના મથાળાનું જ નામ ધરાવતું ઈ–પુસ્તક પણ આ મંગળવારે વડોદરાના પુસ્તકમેળામાં પ્રકાશિત થઈ રહ્યું છે–‘સ્યાહી.કૉમ’ દ્વારા.

કેટલાય દિવસોનો થાક, રખડપટ્ટી, ભરપેટ ભાવતું ભોજન અને લટકામાં મસાજને કારણે રાત્રે દસ–સાડા દસમાં તો, અમુક રૂમોમાંથી જાતજાતની સીટીઓના અવાજો, અમુકમાંથી ઢોલ નગારાના અવાજો અને અમુકમાંથી તો તાલબધ્ધ રીતે ગાયના ભાંભરવાના અવાજો પણ સંભળાતા થઈ ગયા ! સવારે છ વાગ્યે ઊઠવાનું હોઈ મોડે સુધી જાગવાના કોઈમાં હોશ નહોતા. આઠ વાગ્યા સુધીમાં તૈયાર થઈ દરિયાની લહેરો પર ઝુમવાનો કાર્યક્રમ હતો. પટાયાનો મશહૂર કોરલ આઈલૅન્ડ ! આ નાનકડા ટાપુ પર જ લગભગ અડધો દિવસ વીતાવવાનો હોઈ સૌને ભરપેટ નાસ્તો કરી લેવા જણાવાયેલું. ન કીધું હોત, તો પણ રોજ નાસ્તા જ એટલા અફલાતૂન રહેતા કે ભરપેટ–ભરપેટ કર્યા કરીએ તો પણ મન ના ભરાય ! ઘરે પાંચ–દસ મિનિટમાં નાસ્તાના નામે ફાકા મારીને ડાયેટિંગના ફાંકા મારતી સ્ત્રીઓ, અહીં એક કલાક સુધી નાસ્તા ને ફ્રૂટ ને જ્યૂસ ને ચા–કૉફીના ટેબલની ફરતે અમારી જેમ ફર્યા કરતી. ઘરે જઈને તો પાછા એ જ ખાખરા ને લીંબુપાણી છે ને ? ને કેમ નહીં ? પૈસા શેના ભર્યા છે ? ને અહીં આવ્યાં છીએ શેના માટે ? બધાંને ખાતાં જોઈ જીવ બાળવા માટે ? ના, જરાય નહીં. ખાઓ તમતમારે.


ખેર, દરિયાકિનારે બધી બસો લાંગરી (!) કે; ત્યાં લાઈનસર ઊભેલી બોટમાં વારાફરતી, જળસુંદરીઓના એક એક બૅચને રવાના કરવા માંડ્યો. છીછરા પાણીમાં ઊભા રહી બોટમાં ચડવાનુ હતું. આ એક જ જગ્યા મેં એવી જોઈ કે, જ્યાં ચડવા માટે સ્ત્રીઓ પડાપડી કે ધક્કામુક્કી નહોતી કરતી. બીજા કોઈ અર્થમાં નહીં પણ ખરેખર જ, અમે પાણીમાં ઊભેલાં ત્યારે અમારા પગ નીચેથી ધરતી (રેતી) ખસતી જ રહેતી. બાકી તો, પ્લેનમાં પણ રહી જવાની હોય તેમ લાઈનમાં ઊભેલી સ્ત્રીઓ– ધીરજ વગરની સ્ત્રીઓ, ધીમો ધીમો ગણગણાટ કે બબડાટ શરૂ કરી દેતી. પોતાની જગ્યા જતી રહેવાની બીક જ એમને એવું વર્તન કરવા ઉશ્કરતી હશે ! કોણ જાણે.

આપણા સમાજમાં સ્ત્રીઓ હજી પણ, શર્ટ–પૅન્ટ કે ટી–શર્ટ ને હાફ કે પોણિયા પૅન્ટ પહેરવામાં સંકોચ અનુભવે છે. ખરેખર તો, એમને પહેરવું હોય છે પણ પેલું લેબલ એમને પહેરવા નથી દેતું. ઘણા સુધરેલા ઘરોમાં વહુઓને અને સાસુઓને પણ છૂટ હોય છે (જેમ નાચવું હોય તેમ નાચવાની !), તોય લોકોની ટીકાથી બચવા મોટે ભાગે સ્ત્રીઓ ભારતીય પોશાકને જ નાછૂટકે અપનાવી લે છે. પ...ણ એમને છૂટ મળે છે, કે પછી એ લોકો છૂટ લઈ લે છે આવી સહેલગાહોમાં–ટૂરોમાં–કંપનીમાં ! આજકાલના તો યુવાનો અને પુરુષો પણ મોડર્ન થયા છે તે પત્નીને રાજી રાખવા કંઈ બોલતા નથી. જાણે છે કે બોલીને કોઈ ફાયદો નથી–બોલીને ક્યાં જવું ? એના કરતાં ચાર આઠ દા’ડા છો મન ફાવે તેવા કપડાં પહેરતી ! આ જ કારણે આજકાલ હિલસ્ટેશનો પર સાડી પહેરેલી સ્ત્રીઓ બહુ ઓછી જોવા મળે છે. જોકે, અમારી સાથે ચાર સ્ત્રીઓ નાગપૂરથી આવેલી જેમણે મુંબઈથી મુંબઈ, પ્રવાસના પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી સાડી જ પહેરેલી અને તે પણ સતત માથું ઢાંકીને ! અમે બહુ શોધેલા પણ ક્યાંય એમના કોઈના સસરા કે જેઠ દૂર દૂર સુધી અમને દેખાયા નહોતા.

અમારી ટૂરમાં નાનામાં નાની ઉંમર ધરાવતી કન્યા હતી પંદર વર્ષની, જે એની મમ્મી સાથે આવેલી અને મોટામાં મોટી કન્યા હતી એના કરતાં પાંચગણી–પંચોતેર વર્ષની ! બન્ને જુવાન કન્યાઓ કાયમ ટીશર્ટ–જીન્સમાં જ દેખાતી. અમને બન્નેને ખૂબ અફસોસ થયો, ‘આપણે હારાં દેસી તે દેસી જ રી‘યાં. જીન્સ ને ટીશર્ટમાંથી હો ગીયાં ? દરિયામાં જવાનું ને રેતીમાં ચાલવાનું (કે વહાણ ચલાવવાનું ?) તે ખબર, તો હો પંજાબી ડ્રેસ પહેરીને આઈવાં ?’ ખેર, અફસોસ છોડી અમે ફેન્સી ડ્રેસની હરિફાઈમાં ઉતરેલી મિસ દરિયાઈ સુંદરીઓની સુંદરતા જોતાં રહ્યાં. બીજું કરવા જેવું કામ ત્યાં હતું પણ નહીં, શું કરીએ ? જાતજાતના ડ્રેસ સોહાવીને ફરતી માનુનીઓના મિજાજનું ને વસ્ત્રોનું અવલોકન કરવામાં મારા મગજમાં જે તરંગો ઉછળતાં હતાં ને અમને બન્નેને જે આનંદ મળતો હતો તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. છતાં તમે પણ એ આનંદ માણો એ આશાએ થોડું જણાવી દઉં.

....કે બહુ જ ઓછી યુવતીઓ આકર્ષક કહી શકાય એવી દેખાતી હતી. તેથી કંઈ બાકીની યુવતીઓએ આકર્ષક દેખાવાના પ્રયત્નો ન કરવા એવું થોડું છે ? ટીવી અને ફિલ્મોના મળતા સતત માર્ગદર્શનને કારણે અને પોતે પણ કંઈ કમ નથી એ બતાવવા જ કદાચ, મોટે ભાગની યુવતીઓએ સ્વિમિંગ કૉસ્ચ્યુમ્સ પહેરેલાં. દરિયામાં જવાનું હતું ને ? ભલે ને તરતાં ન આવડે પણ છબછબિયાં તો થઈ શકે ને ? ઢંકાયેલી ચરબી અને ઉઘાડી ચરબીનો ભેદ સ્પષ્ટપણે જણાઈ આવતો હતો. આગલે દિવસે જેને જોઈ હોય તેને આજે ઓળખી પણ ન શકાય એવી કમનીય (!) સૌ દેખાતી હતી. અમારા જેવી કદાચ બહુ થોડી જ સ્ત્રીઓ હતી–ઘુમટાવાળીઓ સહિત, જેમને બીજી સ્ત્રીઓને જોવામાં રસ હતો. બાકી તો સૌ પોતપોતાનામાં મગન. માથે ટોપી, ગૉગલ્સ અને ખભે પર્સ ભેરવેલી ગૃહિણીઓને અને સ્વિમિંગ કૉસ્ચ્યુમ્સમાં ફરતી ગૃહિણીઓને જો એમનાં ઘરનાં જુએ તો આશ્ચર્યથી ચોવીસ કલાક સુધી એમનું મોં ખુલ્લું જ રહે. આઝાદીનો ખરો અર્થ સ્ત્રીઓ અહીં માણતી હતી અને એમાં કંઈ ખોટું હતું ?

બોટમાં ચડતી સ્ત્રીઓમાં ફક્ત એક જ સ્ત્રી એવી કમનસીબ નીકળી, જે પોતાના અને બધાના લાખ (કે થોડા ઓછા) પ્રયત્નો છતાંય બોટમાં ન ચડી શકી. લગભગ સાડા ચાર ફૂટની ઊંચાઈ ધરાવતી એ મહારાષ્ટ્રીયન સ્ત્રીની ઉંમર લગભગ પાંસઠની આસપાસ હશે. ખૂબ ગોરી અને માંજરી, લીલી આંખોની નીચે ભરાવદાર–લાલ ટામેટાં જેવા ગાલ. સાડા ચાર ફૂટ ઊભાની ફરતે એક ફૂટનું ગોળ ચકરડું દોરીએ ને જેટલો ઘેરાવો થાય એટલો એના શરીરનો ઘેરાવો હતો. એ ચાલતી ત્યારે એક ડગલું ભરતાં એને પાંચ સેકન્ડ લાગતી ને બીજું ડગલું મૂકતી વખતે તો એના શરીરનું બૅલેન્સ જાળવવામાં એનું અડધું શરીર નમી જતું. એણે પણ ટૂંકું ગુલાબી ટીશર્ટ અને જીન્સનું હાફ પૅન્ટ પહેરેલું !

બોટમાં ઊભેલા બે યુવાનો જેવા એને હાથ પકડીને ખેંચે કે તે જ સમયે નીચે ઊભેલો યુવાન એને કમરેથી ઊંચકીને બોટમાં ચડાવવા ધકેલે, તોય એનું શરીર થોડું ઘણું આમતેમ હાલીને થાકી, ફરી મૂળ સ્થાને ખોડાઈ જતું. એ સ્ત્રીનો દયામણો ચહેરો ક્યારેય નહીં ભૂલાય. એનો ચહેરો અને એની લાચારી જોઈ સૌને દયા આવતી હતી. આખરે એણે એના કાર્યક્રમ અને એની હોંશ પર ચોકડી મારી નાછૂટકે હૉટેલ પર જ પાછા ફરવું પડ્યું.

શરીર પ્રત્યે બેદરકાર રહેનારની હાલત જોઈ ધ્રૂજી જવાયું ને મનમાં નક્કી કર્યું કે, ઘેર જઈને.......(તરત જ સ્મશાન વૈરાગ્ય કોને કહેવાય તે યાદ આવી ગયું !)

(આ સાથે લેખનો આંકડો ‘સો’ના આંકડે પહોંચ્યો તેનો આનંદ.)

12 ટિપ્પણીઓ:

  1. કલ્પનાબેન, લેખનો આંકડો 'સો'ના આંકડે પહોંચ્યો તે આનંદની વાત છે. પરંતુ આ આંકડો આગળ ને આગળ વધતો જ રહે અને આપની રમૂજી શૈલી દર સપ્તાહે આનંદ આપતી રહે એવી શુભકામના.

    જવાબ આપોકાઢી નાખો
  2. આ કથા પુરી ન કરતા. જોઈએ તો ગપ્પાંમારીને,ના ના, કાલ્પનાનો ઉપયોગ કરીને પણ ચાલુ રાખશો.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. :) જરૂર. યાત્રામાં/વાર્તામાં તમારો રસ જળવાઈ રહ્યો છે તેનો આનંદ.

      કાઢી નાખો
  3. ખુબ સરસ રમૂજી વર્ણન. વાંચવાની મજા આવે છે. લખતા રહેજો.

    જવાબ આપોકાઢી નાખો
  4. 'Turkey tour' ne gapchi mari....pan eno afsos na thay evo j aa sunder, hasya thi bharpur lekh....turkey pachhi amne 'Bangkok' pan lai java na ne...?rah joishu aturta thi Bangkok javani.

    Harsha M - Toronto

    જવાબ આપોકાઢી નાખો
  5. લેખ મજા કરાવે એવો રહ્યો.

    જવાબ આપોકાઢી નાખો
  6. 'મોજે મોજે મોજ' લેખ વાંચવાની મઝા આવી. લેખો લખવામાં શતક પૂરો કરવા બદલ અભિનંદન. પ્લેનમાં દાખલ થવા માટે પડાપડી માટે જગ્યા રોકવા માટેનો સવાલ હોતો નથી પણ ઉપર સામાન મૂકવાની જગા પૂરાય ન જાય તેની તાલાવેલી વધુ હોય છે.

    જવાબ આપોકાઢી નાખો
  7. અમારું સ્ત્રીઓનું ટોળું હતું, પડાપડી બહુ સ્વાભાવિક હતી. લેખ ગમ્યો તે ગમ્યું. સામાનનો ઉલ્લેખ તો રહી જ ગયો છે.

    જવાબ આપોકાઢી નાખો