રવિવાર, 7 જુલાઈ, 2019

‘ક્યાં છો?’


અમુક લોકોમાં કુતૂહલવૃત્તિ કહો કે પંચાતવૃત્તિ કહો થોડી વધારે પડતી જ હોય. કોણ ક્યાં છે કે ક્યાં હશે તે જાણવાની એમને બહુ ચટપટી હોય. જેને ફોન કરે તેને પહેલો પ્રશ્ન આ જ પૂછે, ‘ક્યાં છો?’ (જો કે, મોબાઈલમાં વધારેમાં વધારે પૂછાતો પ્રશ્ન પણ આ જ છે!)
મોટે ભાગે તો એમને સામેની વ્યક્તિનું કંઈ જ કામ ન હોય તોય આદતવશ પૂછે, ‘ક્યાં છો?’
ભલે પૂછે બિચારા પણ આ ‘ક્યાં છો?’ના જવાબો બહુ રસપ્રદ હોય છે.

‘હું હમણાં રસ્તા પર છું.’ (અરેરે! બિચારા મોબાઈલને લીધે રસ્તા પર આવી ગયા!) અરે! રસ્તા પર છો તો ફોન કેમ લીધો? કોઈ વાહનની હડફટે આવી જશો ને? ફોન કટ કરો પહેલાં.
બીજો જવાબ, ‘હું હમણાં બહાર છું’
ભઈ, બહાર એટલે? ઘરની બહાર કે ઓફિસની બહાર? કે પરદેશ? કશેક પૂરાઈ ગયેલા? કે કોઈએ ગોંધી દીધેલા?
ત્રીજો જવાબ તો રોજનો જ થયો. ‘હું ટ્રાફિકમાં છું.’
હેં? ટ્રાફિકમાં એટલે? ટ્રાફિકમાં ઊભા છો? કે અટવાયા છો? રસ્તો ક્રોસ કરવાની રાહ જુઓ છો? ગાડી ડ્રાઈવ કરો છો કે ટેક્સીમાં છો? ગાડીમાં બેઠા બેઠા શહેરના ટ્રાફિકને, વ્યવસ્થાને ને પોલીસને ગાળો આપો છો? ‘ચાલો ત્યારે, ટ્રાફિકમાંથી નીકળો ત્યારે ફોન કરજો.’

સારામાં સારો તણાવમુક્ત જવાબ હોય તો, ‘મિટિંગમાં છું, પછી ફોન કરો’ અથવા ‘પછી ફોન કરું.’ આ જવાબ એકદમ ભારે હોય! એટલે કે બહુ ભારમાં બોલાયેલો હોય. મીટિંગમાં એટલે સાહેબ સાથે જ મીટિંગમાં હોય એવું સમજી લેવું. જ્યાં સુધી ફોન ન કરે ત્યાં સુધી ડિસ્ટર્બ ન કરતાં. ત્યાંનું વાતાવરણ ભારેખમ હોઈ શકે! જો વાતાવરણ ભારે ન હોત તો ફોન લઈ ના લેત? અરે, એકાદ મેસેજ પણ કરી જ દેત. ખેર, જાણ્યા વગર રિસાવાનું કે ગુસ્સે થવાનું ભારે પડી શકે.

દિલના ધબકારા અચાનક જ વધારી દેનારો જવાબ હોય, ‘હું હમણાં હૉસ્પિટલમાં છું.’
આ સાંભળીને તો ભલભલા ટેન્શનમાં આવી જાય પણ હૉસ્પિટલના વેઈટિંગ એરિયામાં બધા આવું જ કહેતા હોય તે થોડું કોઈ જોવા જાય?
‘અરેરે! અચાનક જ શું થઈ ગયું? હજી ગઈ કાલે તો તમે મારી પાસે દસ હજાર લઈ ગયા ને આજે હૉસ્પિટલ પહોંચી ગયા? આટલું બધું તે ટેન્શન રખાતું હશે? ભલા માણસ, પૈસા ક્યાં નાસી જવાના હતા? મારાથી કંઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો પણ મારો ઈરાદો બિલકુલ એવો નહોતો. ચાલો બોલો, કઈ હૉસ્પિટલમાં છો? હું આવ્યો હમણાં. તમે ભાઈ, પહેલાં તમારી તબિયત સાચવો.’
જોયું ને? હવે કંઈ સાચું કહીને પૈસા વાળવાની ઉતાવળ કરવા જેવી નથી. પૈસા ક્યાં નાસી જવાના? અપાશે હવે. વાપરો તમતમારે.

હૉસ્પિટલનો જ બીજો કેસ જોઈએ. ‘ભઈ, હમણાં હૉસ્પિટલમાં છું.’
‘તે તમે તો ઓફિસ જવા નીકળેલા ને? કોની ખબર કાઢવા હૉસ્પિટલ દોડી ગયા? ઘરમાં તો મોડું થયું...મોડું થયુંની બૂમાબૂમ કરતા હતા ને હવે હૉસ્પિટલમાં જઈને ગોઠવાઈ ગયા. કોણ માંદું છે?’
‘ભઈ, તું બોલવા દે તો કહું ને?’
‘મેં ક્યારે ના પાડી બોલવાની? ત્યાં બેઠા બેઠા પણ મને જ બધાની વચ્ચે ફજેત કરશો કેમ? કોણ માંદું છે તે કહેશો હવે?’
‘ભાઈ, કોઈ માંદું નથી ને કોઈની ખબર કાઢવા પણ નથી આવ્યો પણ અહીં બ્લડ ડોનેશન કેમ્પ છે તે બ્લડ ડોનેટ કરવા આવ્યો છું. ઓફિસમાંથી આના માટે જ ફોન આવેલો. ચાલ હવે ફોન મૂક.’

ઘણા હૉસ્પિટલમાં હોય ત્યારે બહુ ઉતાવળમાં ને ભારમાં જ હોય! ફોન લેનારને સીધું કામ જ સોંપવા માંડે ત્યારે એમને પૂછવું પડે કે, ‘ક્યાં છો પણ?’
‘અરે જો, પહેલાં મારી વાત સાંભળ. આપણી સામેના ફ્લેટવાળા સામંતભાઈ સિરિયસ છે. એમના ઘરે જઈને પહેલાં કહી આવ પણ સાચવજે ત્યાં કોઈ માંદું ન પડી જાય. બીજું કે, મારા ફોનમાં બસો રુપિયાનું રિચાર્જ કરાવી દે. જરૂર પડશે.’
‘તે તમે ક્યાં છો હમણાં?’
‘અરે, હું એમની પાસે ‘જય હનુમાન’ હૉસ્પિટલમાં છું. હું હૉસ્પિટલમાં રિપોર્ટ લેવા આવેલો તો આપણા ગામના એક ભાઈ મળી ગયા. એમણે સામંતભાઈના સમાચાર આપ્યા અને મને અહીં બેસાડીને દવા લેવા ગયા ને કહ્યું, ‘પ્લીઝ, આટલો સંદેશો એમના ઘરે આપી દેજો.’ હવે હું કંઈ એમને ના થોડી પાડું? ચાલ, જવા દે  બધી પંચાત ને પહેલાં રિચાર્જ કરાવી દે.’
હવે ‘ક્યાં છો?’ પૂછ્યું તે પંચાત કહેવાય? કોણ જાણે.

અને છેલ્લે, ‘અલ્યા ભોપા, બહુ દિવસથી દેખાયો નથી તે ક્યાં છે? સાંજે જમવાનું રાખ. બહુ દિવસથી મળ્યા નથી તે મજા આવશે.’ (ભોપો ગુંચવાયો કે જમવાનું કોના ઘરે રાખવાનું છે?)
‘યાર, નહીં ફાવે. હું હૉસ્પિટલમાં છું.’
‘અરે અચાનક જ! મને એક ફોન તો કરવો ’તો. દોસ્ત શું કામનો?’
‘અરે સબૂર, મારા કાકા માંદા છે. હું તો ઓલરાઈટ છું.’
‘તારો વળી કયો કાકો?’
‘એ બધું પછી. નિરાંતે મળીએ ઓકે?’
હવે કાકા સારા થાય તો ભોપાભાઈને રજા મળે બાકી તો...

બુધવાર, 26 જૂન, 2019

અમારું ફ્રિજ


આમ જોવા જાઓ તો અમારું ફ્રિજ કોઈ નવી નવાઈનું નથી. ફ્રિજ તો ફ્રિજ જેવું જ હોય ને? એ તો દરેક કંપનીવાળાને પોતાના ફ્રિજની ખૂબીઓને જરા વધારે પડતી જ ચગાવીને બતાવવાની અને સ્ત્રીઓને દુનિયાભરની ખુશી જાણે કે એ લોકો જ આપતાં હોય એવો દેખાડો કરવાની ટેવ એટલે કોઈ ફ્રિજવાળા શાકભાજીનું ખાનું ઉપર રાખે ને કોઈ વળી નીચે રાખે. ગમે તે હોય સ્ત્રીઓને તો આખા ફ્રિજમાં ગમે ત્યારે ગમે તે ખાનાનું કામ પડે એટલે વાંકા તો વળવું જ પડે. આડું ફ્રિજ હોય તો બિલકુલ વાંકા વળવું ન પડે પણ એ તો જગ્યા કેટલી રોકે? ને દરવાજા કેટલા રાખવા કે કેવી રીતે ખોલવા તેનોય સવાલ એટલે હજી તો ઊભા ફ્રિજ જ ચાલે છે.

હા, તો અમારા ફ્રિજમાં ખાસ કંઈ નથી પણ જો ફ્રિજનો દરવાજો અડધી મિનિટથી વધારે ખુલ્લો રહે ને તો અંદરથી ટીંટ ટીંટ કે પીપ પીપ જેવા અવાજનું સિગ્નલ મળવા માંડે છે! શરૂઆતમાં તો આ સગવડ જાણીને હું બહુ ખુશ થયેલી કે ચાલો આ બહાને ફ્રિજ બહુ વાર સુધી ખુલ્લું નહીં રહે જે પહેલાં કોઈ વાર, થોડી વાર સુધી ને કોઈ વાર, ઘણી વાર સુધી ખુલ્લું રહી જતું! હા એમાં જોકે ભૂલ તો મારી જ થતી. જો શાક કાઢવા ફ્રિજ ખોલું ને તે જ સમયે દરવાજે બેલ રણકે તો... કોણ હશે? એની ચિંતામાં ફ્રિજ ખૂલ્લું મૂકીને જ દોડી જતી. પછી જો ટપાલી કે કુરિયરવાળો આવ્યો હોય તો એમને રવાના કરવામાં બે પાંચ મિનિટ તો લાગે જ ને? ત્યારે રસોડામાં ફ્રિજ મારી રાહ જોતું મોં વકાસીને બેઠું હોય ને હું તો દરવાજે એમની સાથે પણ વાતે લાગી હોઉં! અરે એમાં પણ જો ફ્રિજ ખોલ્યા પછી કોઈનો ફોન આવતો, તો પછી ફ્રિજે મારી ખાસ્સી રાહ જોવી પડતી કે ક્યારે મૅડમ આવે ને મને બગડતું બચાવે. ખેર, આવા બધા નાના મોટા પ્રસંગોથી બચવા જ અમારે ત્યાં સિગ્નલવાળું ફ્રિજ ‘ટકોર સાથે’ આવ્યું. ‘લે, હવે દરવાજો અડધી મિનિટથી વધારે ખુલ્લો રહેશે તો અંદરથી અવાજ આવશે ને તને યાદ કરાવશે કે દરવાજો ખુલ્લો છે.’

દિવસો જતાં મને સમજાયું કે આ સિગ્નલ તો માથાનો દુખાવો જ છે. તમે જ કહો, ફ્રિજ ખોલ્યા પછી જ ખબર પડે ને કે એમાં વાસી ખાવાનું કેટલું બચ્યું છે કે, દૂધ કેટલું છે ને કેટલું મગાવવું પડશે કે દહીં છે કે જમાવવું પડશે? શાકભાજીની ટ્રે ખોલ્યા પછી જ ખબર પડે ને કે કયું શાક છે ને કયું મગાવવું પડશે? કચુંબરમાં શું શું જોઈશે? ભાજી કઈ છે ને કઈ ફેંકવા જેવી થઈ ગઈ છે? હવે આ બધું ફ્રિજ ખોલ્યા વગર થોડી ખબર પડવાની? વળી ફ્રિજ ખોલીને જોવામાં ને દરેક વાત પર વિચારવામાં સમય તો જાય જ ને? ભલે ને આ કોઈ બહુ અઘરા પ્રશ્નો નથી કે કોઈ ગૃહિણી એના જવાબો ન આપી શકે પણ બધું વિચારીને સમુંનમું કરવામાં સમય તો જોઈવાનો જ. તો પછી ફ્રિજ બનાવવાવાળાએ આ બધું વિચારવા માટે ફક્ત અડધી જ મિનિટનો સમય કેમ આપ્યો?

સ્વાભાવિક છે કે ફ્રિજ બનાવતી વખતે એ લોકોએ શાકભાજી કે દૂધ, દહીં મૂકીને એને ઠુંડું કરવા મૂકીને જોઈ લીધું હશે કે કેટલા કલાક આ બધું તાજું રહે છે! બસ. એમને તો એ જ જણાવવું છે ને કે આ ફ્રિજમાં ખાવાપીવાની વસ્તુઓ દિવસો સુધી ને અમુક વસ્તુઓ તો મહિનાઓ સુધી પણ બગડતી નથી. ફ્રિઝરમાં તો વરસોના વરસો સુધી બધું જેમનું તેમ જ રહે છે! નક્કી આ બધું વિચારવાવાળા ને ફ્રિજની ડિઝાઈન બનાવવાવાળા પુરુષો જ હશે તો જ આટલી સાદી સીધી વાત પણ એ લોકો સમજી ન શક્યા, કે ફ્રિજમાં વસ્તુ ફક્ત સારી રહે તે જ જરૂરી નથી પણ ફ્રિજમાંથી બધું લે–મૂક કરવામાં જ કેટલો સમય જાય ને એટલી વાર તો ફ્રિજ ખુલ્લું રાખવું જ પડે. વળી રસોઈ કરવાના સમયે ગૃહિણીએ બીજાં પણ કેટલાંય કામો પતાવવાનાં હોય ત્યારે એમ દર અડધી મિનિટે ટીંટ ટીંટનો અવાજ એનું મગજ ફેરવી દે કે નહીં?

આવા ડરામણા અવાજને બદલે જો દર અડધી મિનિટે મધુર સુરાવલિ વહેતી થાય કે બે સારા શબ્દો સરે(જેની આશમાં એ દોડાદોડી કરતી હોય) અથવા તો કોઈ મધુર સ્વરે એને એમ કહે કે, ‘અલી, ફ્રિજ ખુલ્લું રહી ગયું જરા બંધ કરી દે ને.’ તો? કેટલું સરસ લાગે? રસોડામાં પણ ગૃહિણી ખુશમિજાજ રહે એવું આ લોકો ક્યારે વિચારશે?

બુધવાર, 12 જૂન, 2019

લિફ્ટની મોકાણ


આપણને સૌને શહેરોની સોસાયટીઓની જાતજાતની લિફ્ટનો અનુભવ રોજ થતો જ હોય છે. લિફ્ટના પણ અનેક પ્રકાર આવે છે. કોઈ ધીમી તો કોઈ ઝડપી, કોઈ શાનદાર તો કોઈ જમાનાજૂની ને ખખડધજ, કોઈ શાંત તો કોઈ કકળાટિયણ ને સીધી કે આડી જેવા અનેક સ્વભાવની લિફ્ટ આપણને જોવા મળે. અમારા ભાગે તો કકળાટિયણ લિફ્ટ જ આવી છે! જેટલી વાર મળે, માથું ખાઈ જાય.

રોજ એવી ત્રાસદાયક લિફ્ટમાં જવા કરતાં તો એમ થાય કે દસ માળ ચડી જ જઈએ. પણ ત્યાં સુધી જીવતાં પહોંચવાનો પાછો ભરોસો નહીં એટલે લિફ્ટ તો નાછૂટકે વાપરવી જ પડે. હજી તો લિફ્ટનો દરવાજો આપણે પૂરો ખોલ્યો પણ ન હોય કે લિફ્ટનું સાસુ/પતિની જેમ ટોકવાનું ચાલુ થઈ જાય! ને તેય પાછું કામ પતે નહીં ત્યાં સુધી, સતત! ‘દરવાજો બંધ કરો....દરવાજો બંધ કરો...’ જો સુધરેલી ને ઈંગ્લિશ મિડિયમવાળી લિફ્ટ હોય તો વળી થોડી સ્ટાઈલમાં, પણ ટોકે તો ખરી જ! ‘પ્લીઈઈઝ ક્લોઝ ધ ડોર...પ્લીઈઈઝ ક્લોઝ ધ ડોર. અરે! આ તે કંઈ એની રીત છે? આમ કોઈનો જીવ લેવાય? લિફ્ટમાં આ સગવડ કે અગવડ ઉમેરનાર પોતે સ્વભાવે કેવો હશે? શરૂ શરૂમાં તો હું ગભરાટની મારી વહેલી વહેલી લિફ્ટમાં ભરાઈ જતી તો મારો સામાન બહાર રહી જતો. કોઈ વાર લિફ્ટનો દરવાજો બંધ કરવાની ઉતાવળમાં ખોટું બટન દબાવી દેતી તો લિફ્ટ મને ઉપર પહોંચાડી દેતી. ત્યાર પછી મેં ઊંડા શ્વાસ લઈને લિફ્ટ વાપરવાની ચાલુ કરી તો મારા ગોટાળા ને ગભરાટ બંધ થયા.

અરે! હજી તો આપણે લિફ્ટનો દરવાજો ખોલ્યો જ હોય ને લિફ્ટની અંદર પગ મૂકીને ઊંધા પ્રવેશ્યાં હોઈએ, તે પછી ફરી વાર અબાઉટ ટર્ન કરીએ તો જ દરવાજો બંધ કરી શકીએ ને? અથવા લિફ્ટમાંથી સીધા બહાર નીકળીને લિફ્ટ બંધ કરવા ઊંધા ફરીએ ને પછી દરવાજો સાચવીને બંધ કરીએ તો એમાં ટાઈમ જાય કે નહીં? આ બધામાં જેટલી સેકંડ કે મિનિટ જાય તેની ગણતરી કર્યા વગર જ લિફ્ટે આપણું માથું ખાવા માંડ્યું હોય, ‘દરવાજો બંધ કરો....દરવાજો બંધ કરો’...? ભઈ, કોઈનેય ત્રાસ જ લાગે ને? ભલે ને કોઈ સાંભળે કે ન સાંભળે ને મને જવાબ મળે કે ન મળે પણ હું તો દર વખતે લિફ્ટને બબડું, ‘હા ભઈ હા, કરે છે દરવાજો બંધ. એ શું એકધારી લાગી પડી? બહાર તો નીકળવા દે.’ (આવું બબડીને મનને એવી તો ઠંડક મળે...આહાહા! એમ લાગે કે જાણે કોઈનો ગુસ્સો કોઈના પર કાઢ્યો!)

લિફ્ટનો કકળાટ તો પાછો ગામ ગજવે એવો હોય. આપણે પાડોશીને કે ઉપર/નીચેના માળવાળાનેય જણાવવું ન હોય તોય એમને ખબર પડી જ જાય કે આપણે કશેક ગયાં કે આપણે કશેકથી આવ્યાં! લિફ્ટ એટલે મૂગા લેડી નારદમુનિ! કોણ કેટલી વાર ઘરની બહાર ગયું ને કોણ કેટલી વાર આવ્યું? કોણ કોની સાથે ગયું ને કોની સાથે આવ્યું? જતી વખતે સામાનમાં શું શું હતું? આવતી વખતે સામાનમાં શું શું હતું? સામાન પરથી તો નક્કી બહારગામ ગયાં લાગે છે. વેકેશન છે તે પિયર ગયાં કે સાસરે ગયાં? કોણ જાણે. હવે આટલી બધી ઝીણે ઝીણી ખબર પાડોશીને લિફ્ટ સિવાય બીજું કોણ આપી શકે? લિફ્ટને કારણે તો લોકો આગલા રૂમમાં ટીવી ને સોફા રાખીને દરવાજા સામે બેસતાં થઈ ગયાં! પાડોશની પંચાત જેવો કોઈ ટાઈમ પાસ નહીં! ખેર, દિવસમાં આપણે દસ વાર લિફ્ટ વાપરવાની હોય તો પોતાની મસ્તીમાં જ આવ–જા કરવાની હોય ને? પાડોશી સાથે લિફ્ટને કારણે વેર બંધાય છે કંઈ?

લિફ્ટમાં પાછો એક વણલખ્યો નિયમ કે કોઈએ કોઈની સામે જોવાનું નહીં. ઓળખાણ હોય તો ‘હાય હલો’થી વધારે ચાંપલાઇ નહીં કરવાની. બૅડ મૅનર્સ કહેવાય! હાય હલો થઈ ગયા પછી લિફ્ટની દીવાલો જોઈ શકાય, લિફ્ટમૅનને જોઈ શકાય(એ ન હોય તો લિફ્ટના દરવાજાને તકાય પણ કોઈની સામે જોવાનું નહીં. બહુ બહુ તો મોબાઈલમાં ડોકું નાંખી દેવાય કે પર્સ ચેક કરી લેવાય કે કંઈ રહી નથી ગયું ને? બાકી ફાંફાં ન મરાય–બૅડ મૅનર્સ યુ નો? મને લાગે છે કે, લિફ્ટ એકાદ મિનિટની અંદર જ આપણી ધારેલી જગ્યાએ પહોંચાડી દે છે, બાકી તો બસ કે ટ્રેનની જેમ વાર જો લગાડતી હોત તો લોકો એકબીજા સાથે વાત કરવાની કોશિશ જરૂર કરત. પછી તો ખુલ્લા દરવાજે જ વાતોનાં વડાં રોજ તળાતે, ભલે ને પેલી સતત ટોકતી!

એના કરતાં લિફ્ટમાં દાખલ થતાં કે લિફ્ટમાંથી બહાર નીકળતાં જો આવું સંભળાય, ‘હલો. ગુડ મોર્નિંગ/ગુડ ઈવનિંગ. પ્લીઝ, લિફ્ટનો દરવાજો બંધ કરીને પછી મોબાઈલ પર વાત કરશો?’ અથવા તો, ‘પ્લીઝ તમારા લાડલાને લિફ્ટ કરતાં પણ સારું બીજું કોઈ રમકડું લાવી આપશો? થેન્ક યુ.’ તો લોકો ખુશી ખુશી દરવાજો બંધ કરી દે કે નહીં? પણ આજે બીજાનું કોણ વિચારે છે?

રવિવાર, 26 મે, 2019

મહેમાન ભગાવ્યા!


ઘણી વાર એવા વિચાર આવે, કે નાનપણથી આપણને બહુ વધારે પડતા સારા સંસ્કાર આપવામાં આવે છે. અમુક મૂળભૂત સંસ્કારો વિકસાવીને આદર્શ ઈન્સાન બનીને જીવન પુરું કરવું એમાં બધું આવી જાય. જો બધું સરળ ચાલતું હોય તો આ ગુણો એની મેળે આપણી સાથે સાથે ચાલતાં રહે પણ એવું દર વખતે ક્યાં બને છે? અમુક લોકો નથી ઈચ્છતાં કે આપણે શાંતિથી રહીએ કે આપણે શ્રેષ્ઠ બનીએ! આપણામાં છુપાએલાં અવગુણો બહાર લાવવામાં એ લોકો આપણને ખૂબ ઉશ્કેરે પરિણામે નાછૂટકે આપણે આપણું મહોરું ઉતારવું પડે. શું થાય?

અમારી સાથે આ ચાલુ વેકેશનમાં એવું જ બન્યું. અમારે ત્યાં અચાનક જ મહેમાન આવ્યા! એટલે જાણે કે ભગવાન આવ્યા એમ જ સમજો ને. અમે ફક્ત એમની આરતી ઉતારવાની જ બાકી રાખેલી, બાકી તો દસ વાર ઉમળકાથી ‘આવો આવો’ કહેલું ને આવતાંની સાથે જ ચા–નાસ્તો ધરેલો. બે બે કલાકે ‘કંઈ લેશો?’ એમ પૂછ્યા કરેલું અને રાતે તો એમનું ભાવતું ભોજન પણ જમાડેલું. એમના સામાન અને એમના વર્તનની નિરાંત જોઈને જ અમે તો અંદાજ લગાવેલો કે આ લોકો પંદર વીસ દિવસ તો પાકા! ઠીક છે, બધું સીધું ઊતરે તો કોઈ વાંધો નહીં. આજે મહેમાન કોના ઘરે?

અમારા અંદાજમાંથી સાતેક દિવસ તો શાંતિથી ગયા પણ પછી એ લોકોએ રોજ રોજ મારી રસોઈમાં ખામી કાઢવા માંડી. (આ બાબતે ઘરનાંને કંઈ બોલવા ન દઉં તો આ લોકોનું મારે સાંભળી લેવું?) તે તો ઠીક, પણ રોજ સાંજે એવણ પાસે ફિલ્મની ટિકિટ બુક કરાવીને બહાર ખાવાનો પ્રોગ્રામ ગોઠવવા માંડ્યા. બિચારા પુરુષોને માથે ટાલ પડવાનું આ પણ એક કારણ હશે? કોણ જાણે. બે દિવસમાં જ અમારા પાંચ હજારની ચટણી બનતાં અમે જોઈ. હવે? આમ તો જીવનભરની બચતેય ઓછી પડે. મેં તો મારા એવણને કહ્યું, ‘આ લોકોને આગ્રહ કરીને રાખ્યાં ને સારું સારું જમાડ્યાં તો હવે માથે પડ્યાં છે. વહેલાં જાય એવું લાગતું નથી. શું કરીએ?’ એવણે કોઈ જવાબ ન આપ્યો પણ...

બીજી સાંજ સુધીમાં તો એમના કાકા ને કાકી બે મોટી બૅગ સાથે હાજર થઈ ગયાં. અમે તો એમનુંય ખૂબ પ્રેમ ને ઉમળકાથી સ્વાગત કર્યું અને ભાવતાં ભોજનથી ભગવાનને રીઝવ્યાં. એ તો સારું કે મહેમાન સમજુ નીકળ્યાં તે વડીલો માટે એમણે (નાછૂટકે) પોતાનો રૂમ ખાલી કરી આગળ હૉલમાં મુકામ નાંખી દીધો. સ્વાભાવિક છે કે, હૉલમાં સૂએ એની ઊંઘની પથારી ફરી જાય એટલે સવારથી જાતજાતની અવરજવર ને અવાજથી કંટાળી જાય. એમાં અમારા કાકા ને કાકી સવારે વહેલા ઊઠવાવાળા એટલે હૉલમાં આવીને ટીવી પર ભક્તિ ચેનલ મોટેથી ચાલુ કરીને સાથે ભજન ગાવા માંડ્યાં. મહેમાન કંટાળીને બેઠાં થઈ ગયાં અને નિત્યકર્મ પતાવતાં થયાં તો એમને કાકા ત્યાં પણ નડ્યાં. બાથરૂમ રોકેલું રાખીને કાકાએ મહેમાનને રડવા જેવા કરી દીધા! ખેર, સાંજ સુધીમાં તો મહેમાનની બૅગ પૅક થઈ ગઈ ને છૂટકારાની ખુશી અનુભવતાં બંને દસ વાર, ‘આવજો...આવજો’ કહેતાં રવાના થયાં. જોકે, એમણે અમારા ‘આવજો પાછાં...રહેવાય એમ’નો કોઈ જવાબ નહોતો આપ્યો!

હવે? આગળ શું થયું? ભલે પહેલા મહેમાનથી અમને બચાવવામાં એમનો અજોડ ફાળો હતો તોય બીજા મહેમાન તો હજીય ઘરમાં જ હતાં ને? અમારાથી તો કંઈ બોલાય એમ પણ નહોતું. ઉલમાંથી ચૂલમાં આને જ કહેવાય? આ કાકી તો સવારથી વહેલાં ઊઠીને હવે ટીવીમાં કથા કે ભજન માણવાને બદલે મારી આગળપાછળ ફરવા માંડ્યાં. હું જ્યાં જાઉં ત્યાં પૂંછડાની જેમ પાછળ પાછળ ફરે ને પોતાની ને પોતાની વાત કર્યે રાખે. મને એમની વાતોમાં કેટલો રસ હોય? ધીરે ધીરે મારું ધ્યાન મારા કામમાંથી હટતાં રસોઈમાં ગોટાળા થવા માંડ્યા તે એ બંનેને તો બહાનું મળી ગયું. કાકા રોજ બબડતા બબડતા કોઈ ને કોઈ ખામી કાઢે ને કાકી એમને પ્રોત્સાહન આપતાં મને બધું સમજાવવા બેસે. ‘જો બેન, થેપલાં બનાવે ને તો પહેલાં...ફલાણું ને ઢીકણું કરવાનું’. ‘કઢીમાં આની સાથે પેલું નાંખે ને તો પણ ચાલે’ ને પછી પોતાની કઢીના કોણે કોણે વખાણ કરેલાં તેની કથા માંડે. રાત સુધીમાં તો કાકી મને હૉરર ફિલ્મની ફાનસવાળી ડોસી જેવાં દેખાવા માંડે.

એક દિવસ મને તો સવારથી ધ્રુજારી ને ચક્કર ચાલુ થયાં તોય જેમતેમ મગજ પર કાબૂ રાખતી હું લાગ જોઈને પાડોશમાં ગઈ ને જતાં વેંત પાડોશણને ખભે માથું નાંખીને, ગળગળા અવાજે મારી બધી તકલીફ જણાવી કોઈ મદદ કરવા કહ્યું.
‘અરે, એમાં શું? તમે બિલકુલ ચિંતા ન કરો. અમે બંને કાલે સવારથી તમારા ઘરમાં ઘરમાં ધામો નાંખી દઈએ. એમનું એવું માથું ખાઈશું ને કે તમારા કાકા ને કાકીની સાંજ પણ નહીં પડવા દઈએ.’

મારી પાડોશણમાં ત્યારે મને સાક્ષાત્ ભગવાનનાં દર્શન થયાં, બોલો!

રવિવાર, 12 મે, 2019

મમ્મી રિટાયર થાય છે!


‘આ હું શું સાંભળું છું? તું રિટાયર થવાની?’
‘હાસ્તો. કેમ? મારાથી રિટાયર ન થવાય? ખાલી, જોબવાળી સ્ત્રીઓથી જ રિટાયર થવાય?’
‘ના ના, તારાથી આઈ મીન તારા જેવી સ્ત્રીઓથી પણ રિટાયર થવાય. થવાય શું, થવું જ જોઈએ. તમે લોકો હવે રિટાયર નહીં થાઓ તો ક્યારે થશો? બહુ ઉમદા વિચાર. તો પછી કોઈ સમારંભ કે પાર્ટી જેવું રાખવું છે? આપણે ફેમિલી ફેમિલી...બીજું કોઈ નહીં.’
‘વાહ! તમે તો એક જ વાતે કેટલું બધું વિચારી લીધું! સો નાઈસ ઓફ યુ. આપણે દીકરા વહુ અને દીકરી જમાઈને આજે જ ફોન કરી દઈએ.’
‘ફોનની માથાકૂટ છોડ, કોઈ ફોન નહીં લે તો તું પાછી રિસાઈ જશે. એના કરતાં ફેમિલી ગ્રૂપમાં મેસેજ મૂકી દે ને કલાક રાહ જોઈએ. ત્યાં સુધીમાં બધાના જવાબ આવી જ જશે.

એ...ક કલ્લાક શું, એક મિનિટમાં જ ચારેયના મેસેજ આવી ગયા.
‘વાઉ મૉમ! આર યુ સિરિયસ? ધેટ્સ ગ્રેટ ન્યૂઝ. યુ મસ્ટ ટેક રેસ્ટ એટ ધીસ એજ. વેલ ડન. ઓલ ધ બેસ્ટ ફોર યોર ન્યૂ લાઈફ. પપ્પા શું કહે છે? હા કે ના?’
‘મમ્મી, ખરેખર તમે રિટાયર થાઓ છો? વાહ. બહુ સારું લાગ્યું જાણીને. પ્લીઝ પણ અમને નહીં ભૂલતાં હં. અમને હજી તમારા ગાઈડન્સની  જરૂર છે.’
‘મા રિટાયર થાય પણ માનો પ્રેમ નહીં, ખરું ને મમ્મી? મને તો ગમ્યું કે તેં બહુ જલદી આ વિચાર કર્યો. હવે આપણે આરામથી સાથે બેસી શકશું ખરું ને?’
‘મમ્મી, તું રિટાયર થાય છે? હા પાડી પપ્પાએ? પપ્પાને તો શૉક જ લાગ્યો હશે કેમ? તો પછી પપ્પાનું કામ કોણ કરશે કે પપ્પા પૂરતી છૂટ રાખી છે? એની વે, અમને તો ગમ્યું કે તું રિટાયર થાય છે. એન્જોય યોર ન્યૂ જર્ની મૉમ.’

મેસેજ જોઈને પપ્પા ધીમું બબડ્યા, ‘આ બધી વાયડાઈનું શું કામ હતું? જાહેરાત કરી તો બે લપડાક પડી ને મને? ખેર, તારે રિટાયર થવું હોય તો ભલે થા. આમેય ઘરમાં તારે કામ જ શું છે? બહુ ધાડ મારતી હોય તેમ રિટાયર થવાની હંહ!’
‘એમ ધીમું ધીમું બબડો એના કરતાં જેટલી કાઢવી હોય એટલી ભડાસ મોટેથી જ કાઢી લો ને. મને ખબર છે કે તમને આ રિટાયરમેન્ટની વાત જરાય ગમી નથી. તે કેમ તમે રિટાયર નથી થયા તમારા કામમાંથી? હવે આરામ જ છે ને? તમારે ક્યાં સળી ભાંગીને બે કટકા કરવા પડે છે તે મને બબડો છો. તમે તો જે મનમાં આવે તે કરો જ છો ને? હવેથી મારે પણ મારા મનનું કરવું છે ને તેની જ આ જાહેરાત છે, સમજ્યા?’
‘અરે યાર, તું અચાનક જ આમ ધડાકો કરે તો હું ગભરાઈ જ જાઉં ને? મને ખબર છે તું મારા કામ માટે થઈને તો રિટાયર નહીં જ થતી હો. સાચું બોલજે, આમેય તારે કરવાના કામમાં, મારાં કેટલાં કામ હોય આખો દિવસ?’

‘હવે જ્યારે બધાં ભેગાં થવાનાં જ છીએ ત્યારે જ બધી વાત કરીશ કે હું કયા કયા કામમાંથી રિટાયર થાઉં છું. ચાલો, જવા દો એ વાત. ચા પીશો ને?’
‘હાસ્તો, તારા હાથની ચાને કોણ ના કહે?’(છેલ્લી છેલ્લી તૈયાર ચા પીવા મળતી હોય તો ના થોડી કહેવાય? કોણ જાણે રિટાયર થયા પછી મારે માથે ચા બનાવવાનું નાંખીય દે!)

રિટાયરમેન્ટની પાર્ટી પત્યા પછી મમ્મીની કોઈ જાહેરાત થાય તે પહેલાં જ ચારેય હોશિયાર બાળુડાંઓએ મમ્મીને સરપ્રાઈઝ ગિફ્ટ આપી.
‘મમ્મી, તને રિટાયરમેન્ટની સઘળી શુભેચ્છાઓ સાથે અમારી કે અમારાં બાળકોની બધી જવાબદારીમાંથી અમે તને મુક્ત કરીએ છીએ. સાજે માંદે કે પ્રસંગે અમે તને છાસવારે અહીંથી ત્યાં દોડાવતાં તે બધું હવેથી બંધ. અહીં આવશું ત્યારે ઘરનું બધું કામ અમે જ કરશું(અથવા રસોઈયો અને હેલ્પર સાથે લઈ આવશું.) આટલું બસ થશે? હજી પણ કોઈ મદદ જોઈએ તો અમે હાજર છીએ.’

‘વાહ મેરે બચ્ચોં!’ જુઓ જુઓ...શીખો કંઈ આ લોકો પાસેથી.’
‘હા, તે મેં ક્યાં ના પાડી જ છે? તેં વગર કહ્યે કેમ માની લીધું કે હું તને કોઈ મદદ નહીં કરું? એક મહારાજ ને એક હેલ્પરનું તો મેં પણ કહી જ દીધું છે. મારું કોઈ કામ તારે આજ પછી નથી કરવાનું. તું એકદમ ફ્રી...એકદમ આઝાદ ને તારું રિટાયરમેન્ટ આજથી જ શરૂ પણ આજે તારા હાથની ચા ને ભજિયાં ખવડાવી દે તો તારી બહુ મોટી કૃપા.’

ચાલો ત્યારે, ભજિયાંપાર્ટી સાથે મમ્મી ખરેખર રિટાયર થાય છે.

ગુરુવાર, 25 એપ્રિલ, 2019

ડૉક્ટરની ફાઈલ


એક દવાખાનામાં પચાસેક વર્ષની ફરતે ફરતું એક યુગલ પ્રવેશ્યું. બેનના હાથમાં બે મોટા થેલા હતા તે એમણે સાથે રાખતાં એક તરફ બેઠક લીધી. સાદા દવાખાનામાં તો કમ્પાઉન્ડર નામ નોંધી લે ને વારો આવે ત્યારે બોલાવે, એટલે કમ્પાઉન્ડરની સામે ઘડી ઘડી જોતાં એ લોકો ઊંચા જીવે બેઠાં. આખરે એમનો વારો આવ્યો એટલે પેલા થેલા સાથે એ લોકો ડૉક્ટરની કૅબિનમાં જવા માંડ્યાં.
‘અરે કાકી, આ તમારા થેલા અહીં બહાર જ મૂકી જાઓ. કોઈ નહીં લઈ જાય.’
‘ભાઈ, આમાં તો મોટા ડૉક્ટરની ફાઈલો છે તે સાહેબને બતાવવાની છે.’ કમ્પાઉન્ડરે થેલા સામે જોતા કમને ડોકું ધુણાવ્યું.

‘આવો બેસો અહીં. બોલો શું થાય છે?’ ડૉક્ટરે ભાઈને પૂછ્યું.
ઢીલા બેઠેલા ને તદ્દન નંખાઈ ગયેલા અવાજે ભાઈ બોલ્યા, ‘કાલે રાતે છાતીમાં દુખાવો થયેલો.’ ને પછી પાછા ઢીલા થઈને બેસી ગયા.
‘અરે, બધી વાત કરોને શું થયેલું તે.’ એમના પત્નીએ ઘરમાં બોલે તેવા અવાજે કહ્યું ને જવાબની રાહ જોયા વગર ફરિયાદ ચાલુ કરી, ‘ડૉક્ટરસાહેબ એ તો કંઈ નહીં બોલે. પેલ્લેથી જ મૂંજી જેવા છે. કાલે સાંજથી એમને છાતીમાં દુખવા માંડેલું તો બોલતાં શું થતું હતું? સાંજે જ અહીં આવી જાત કે નહીં? દસ વરસ પહેલાં પણ મોટો એટેક આવેલો ત્યારે પણ એવું જ. બોલેલા જ નહીં. આજે તો મેં કીધું કે ચાલો ત્યારે આવ્યા. એમ કહે કે, હવે તો સારું છે. પથરા સારું છે! તમે જ જોઈ લો એમને બરાબર ને આ બધી ફાઈલ પણ છે તે પણ જોઈ લેજો.’
‘ફાઈલ? શાની ફાઈલ?’ ડૉક્ટર ચમક્યા. એમને થયું આ લોકો ભૂલમાં ઈન્કમટેક્સની બધી ફાઈલ લઈને તો અહીં નથી આવી ગયાં ને?

પેલા પેશન્ટના મિસીસે તો થેલા ખોલીને એક પછી એક ફાઈલ બતાવતાં ફાઈલનો ઈતિહાસ કહેવા માંડ્યો.
‘જુઓ સાહેબ, આ ફાઈલ ડૉ. દિલધડકની. તમે તો ઓળખતા જ હશો. મોટામાં મોટા ડૉક્ટરને બતાવેલું ને હાર્ટનું ઓપરેશન પણ એમની પાસે જ કરાવેલું, તોય પાછો એટેક આવ્યો બોલો!’
ડૉક્ટરે ‘સાંભળું છું’ એવું બતાવતા મોબાઈલમાં મેસેજ જોવા માંડ્યા.
કથા આગળ ચાલી.
‘સાહેબ, આ ફાઈલ ડૉ. મારફાડની. એમણે તો આમને તપાસ્યા વગર જ મોટા સાહેબની ફાઈલ જોઈને કહ્યું કે, બધું બરાબર છે. આ જ દવા ચાલુ રાખો.’ ને પછી પોતાની બે દવા બીજી લખી આપી ને હજાર રુપિયા ખંખેરી લીધા!’
ડૉક્ટરનું મગજ તો ફરવા માંડ્યું. અરે! હદ થાય છે હવે. આ બેન તો મારી જમાતની ઘોર ખોદવા માંડ્યાં! કંઈક કરવું પડશે.
‘બેન, તમારી પાસે આમાં બીજા કોની કોની ફાઈલ છે?’
બેન તો હરખાયાં. ડૉક્ટર હોય તો આવા. પેશન્ટ તો પેશન્ટ, પેશન્ટની ફાઈલોમાં પણ કેટલા પેશન્ટ બનીને રસ લે છે! વાહ! આ જ ડૉક્ટર સારા. નક્કામા બીજે બધે રખડ્યાં. હવે તો કંઈ પણ થાય, મરીએ ત્યાં સુધી આમની પાસે જ આવવું. હરખમાં ને હરખમાં બેને તો પહેલો થેલો ખાલી કરવા માંડ્યો.
‘આ ડૉક્ટર કાતરિયાની ફાઈલ, આ ઝાટકિયાની, આ બંદૂકવાલાની, આ ડૉ. ગોલીબારની. તમે માનશો નહીં સાહેબ પણ એટેક આવ્યા પછીના એક વરસમાં તો બધાના કહેવાથી સેક્ન્ડ ઓપિનિયન માટે અમે આ શહેરના તો ઠીક, બીજા શહેરોના મોટા ડૉક્ટરોના પણ ઓપિનિયન લઈ લીધા. બે થેલા ભરીને ફાઈલો થઈ પણ થવાનું થઈને જ રહ્યું તે કાલે પાછો એમને એટેક આવ્યો.’

ડૉક્ટર વિચારમાં પડ્યા. આ બેન વાત તો બધી સાચી કરે છે. આવા બેકાળજીવાળા પતિની ચિંતામાં, પતિને લઈને ડૉક્ટરે ડૉક્ટરે બધે ફરવાથી બબડાટની આદતેય પડે ને અવાજ પણ ઊંચો થઈ જાય એમાં એનો કોઈ વાંક નથી. ઘર સાચવે કે વરની તબિયત સાચવે? પણ આ ફાઈલોના થેલા? એનું હું શું કરવાનો? આચાર ડાલું કે ચટની બનાઉં?
‘એક કામ કરો બેન. તમે આ બધી ફાઈલો અહીં મૂકી જાઓ. હું નિરાંતે જોઈ લઈશ. હાલ તો એમનો કાર્ડિયોગ્રામ કાઢવો પડશે. પછી એ જોઈને કંઈ સલાહ આપી શકું.’

ખુશ થયેલાં બેનના બહાર જતાં જ ડૉક્ટરે કમ્પાઉન્ડરને બોલાવ્યો, ‘આ બે થેલા હમણાં માળિયે ચડાવી દે. મહિના પછી આ લોકો પાછા આવશે ત્યારે પાછી આપવાનું યાદ કરાવજે.’

કાર્ડિયોગ્રામમાં ખાસ કોઈ દેશના નકશા ન દેખાયા એટલે દવા ચાલુ રાખવા જણાવી ડૉક્ટર મફતિયાએ એ યુગલને વિદાય કર્યું.

ગુરુવાર, 11 એપ્રિલ, 2019

ગરમી કેવી પડે છે?ગમે એવી માથાફાડ ગરમી પડતી હોય કે હાડ ધ્રુજાવતી ઠંડી પડતી હોય કે પછી ઘુંટણ સુધીના ડુબાડુબ પાણી ભરાઈ જાય એવો વરસાદ પડતો હોય, આ દુનિયા પર એક જ વ્યક્તિ એવી છે જે પોતાની જાનની પરવા કર્યા વગર લોકોની જાનની ખબર કાઢવા નીકળી પડે છે. લોકોની ખબર બીજા લોકો સુધી પહોંચાડવામાં એ ભારે જહેમત ઊઠાવે છે તોય બદલામાં એને શું મળે છે? પગાર સિવાય? આજે મારે વાત કરવી છે ટીવીના એન્કરની.

સ્થળ પર રૂબરૂ જઈને, જીવને કે જીભને જોખમમાં નાંખીને પણ આ એન્કર ભાઈ/બહેન લોકોની સાથે વાત કરીને, એકનો એક સવાલ દસેક જણને પૂછીને દરેકના અલગ અલગ વિચારો દર્શકો સુધી પહોંચાડે છે. ઘણી વાર તો બધાના સરખા જ જવાબો સાંભળીને દર્શકો પણ આશ્ચર્ય પામે છે. શું અહીં પણ અગાઉથી મોસ્ટ આઈએમપી આપીને બધું ગોખાવાઈ ગયું હોય? જો કે, માઈક મોં સુધી બરાબર નહીં પહોંચ્યું હોય અથવા તો લોકોને પોતાનો સંદેશો બરાબર નહીં પહોંચે એવી બીકમાં જ કદાચ ટીવીના કેમેરા જોઈને હોંશીલા ને જોશીલા બે મિનિટના કલાકારો ગળું ખોંખારીને માઈકની સામે એન્કર કરતાં પણ વધારે મોટા અવાજમાં ઘાંટા પાડવા માંડે છે. આમ તો દર્શકોને સચોટ અહેવાલ તો માહોલ જોતાં જ મળી જતો હોય, તોય ત્યાં ઊભેલા લોકોમાંથી બે ચાર ઊંચાનીચા થતા લોકોને પૂછવાનો રિવાજ હોવાથી, એન્કર ભૂલ્યા વગર પોતાની ટીમની બધી માહિતી આપવાની સાથે સાથે એક કામ પતે એમ સમજીને એકાદ બોરિંગ સવાલ પૂછી જ લે છે. ને પછી છેલ્લે પરસેવો લૂછતાં લૂછતાં, ‘ફલાણા કે ઢીંકણાં કેમેરામેન સાથે, ફલાણી કે ઢીંકણી ચેનલમાંથી જબરદસ્તી મોકલાયેલો હું કખગઘ.’


આકાશમાંથી અંગારા ફેંકીને રસ્તા પરનો ડામર પીગળાવતી ને કારનું એસી ચાલુ રાખવા મજબૂર કરતી ગરમીમાં તો, ચાર રસ્તે વેચાતાં તરબૂચ કે બરફગોળા અને આઈસક્રીમ કે રંગીન શરબતો જ રાહત આપી શકે. ઘરમાં નિરાંતે ઠંડકમાં ઝોકાં મારતાં કે ટીવી જોતાં લોકોને કોઈ પૂછવા નથી જતું, કે ‘ગરમી કેવી પડે છે?’(ધારો કે પૂછે ને તોય ચાર રસ્તે મળતા જવાબોમાંથી જરાય ઊતરતો જવાબ કોઈનો ન હોય એની ખાતરી! ચાલીસથી પચાસ ડીગ્રીનો એક આંકડો ઉમેરાય વધારાનો, બીજું કંઈ નહીં.))

ચાલો આપણેય જઈએ શહેરના ચાર પાંચ જાણીતા ચાર રસ્તે.
તરબૂચની લારીએ ઊભા રહીને ચારેક જણ એન્કરના દેખતાં તરબૂચની ચીરીમાં ડાંફાં મારે છે.
‘ભાઈ, પહેલાં તમને પૂછું. ગરમી કેવી પડે છે?’
‘અરે, ગરમી ને? સખ્ખત ગરમી પડે છે.’
‘તમે ગરમીને મારવા શું કરો છો?’
‘ગરમી જો દેખાતી હોત ને તો લાકડીએ લાકડીએ એને ઝૂડી કાઢત. પણ હમણાં તો તરબૂચ ખાવા સિવાય કોઈ ઉપાય નથી.’
‘અચ્છા, એટલે તમે ગરમીમાં તરબૂચ ખાઓ છો એમ ને? બીજું શું કરો છો?’
(યાર, ગરમીમાં જ તો તરબૂચ ખાવા આવ્યો ત્યાં તમે ભટકાઈ ગયા! બીજું શું કરવાનું? હવે આગલી લારી પર ગંગાજમના પીધા પછી એની બાજુની લારી પર બરફગોલો ને છેલ્લે એની બાજુની લારી પર આઈસક્રીમ ખાઈશ. બીજું કંઈ પૂછવું છે? પ્લીઝ જાઓ. આ બાજુવાળો ડોકિયાં કરે છે ક્યારનો. એને પૂછો.  ગરમીમાં આપણી હટી જશે ને તો જોવા જેવી થશે.)
‘સર સર, હું કહું. ગરમીને મારવા અમે રોજ આવી કાળઝાળ મોંઘવારી જેવી ગરમીમાં આ જ ચાર રસ્તે, આ જ ચાચાની લારીએ તરબૂચ ખાવા આવીએ છીએ. તરબૂચ ગરમીનું ફળ છે. તરબૂચથી શરીરમાં ને મગજ માં ઠંડક થાય છે. તરબૂચમાં બિયાં બહુ હોય છે પણ હું સ્વચ્છ ભારતમાં માનું છું એટલે બિયાં ગળી જાઉં છું. હું રોજ ઘરનાં માટે પણ એક તરબૂચ લઈ જાઉં છું. તરબૂચથી કોઈ નુકસાન થતું નથી પણ આજકાલ ઈંજેક્શનવાળા તરબૂચ આવે છે તેનાથી ચેતવું. કેન્સર થઈ શકે છે. આ ચાચાની લારી પર ગેરન્ટીના તરબૂચ મળે છે એટલે અમે રોજ અહીં જ તરબૂચ ખાવા આવીએ છીએ.’ તરબૂચ પર નાનકડો નિબંધ પૂરો કરી પેલા હોંશીલાએ ફરી તરબૂચની ચીરીમાં ડાંફું મારવા મોં ફાડ્યું.

આવી ભયંકર ગરમીમાંય બિચારા એન્કરને કોઈએ તરબૂચની એક ચીરીય ઓફર ના કરી! સો સૅડ!