રવિવાર, 22 મે, 2016

પાતાળનગરીમાં લટાર

એરપોર્ટથી કાપાડોક્યાના રસ્તે અમને તો કંઈ સાઈટસીઈંગ કરવા જેવું નીં દેખાયલુ, ત્યારે આ ગાઈડ કોણ જાણે અમને હું જોવા લઈ જવાનો ઉતો! તે હો પાછો આખો દા’ડો! મેં તો એમ જ મન વારેલુ કે, અ’વે આઈવા જ છે તો ફરી લઈએ. બાકી અં’ઈ ફરવાલાયક કોઈ જગ્યા ઓ’ય એવુ દેખાતુ નીં ઉતુ. આ તો બે બે’નોને મજા પડે એટલે ને વરી ઓ’ટલની આજુબાજુ હો કંઈ ફરવા કે જોવાલાયક નીં ઓ’વાથી જ ઉં ટૂરમાં જોડાઈ. ઓ’ટલમાં આખો દા’ડો ઉં હું કરતે?

ખેર, રસ્તામાં ગાઈડે આ સે’રનો ઈતિહાસ કે’વા માઈન્ડો. મારે તો બધુ માથા પરથી જ જતુ ઉતુ. એક નામ બોલે તાં બીજુ ભૂલી જવાય એવા તો ભારી નામ! મેં જોયુ તો અંજુને હો બો રસ નીં પઈડો ને પારુલે કીધુ કે, જાં જહું તાં પાછુ બધુ કેહે એટલે હૂવુ ઓ’ય તો હૂઈ જાઓ. અમે તો ધીરે ધીરે ઝોકે ચઈડા. વેરાન ને ઉજ્જડ રસ્તામાં હું જોવાનું? એકાદ ઊંઘ નીકરી કે, અમારી ગાડી ઊભી ર’ઈ ને ઠંડા પવનનો સામનો કરતા બધા ઠુઠવાતા નીચે ઉતઈરા. આજુબાજુ નજર લાખી તો સંકુ આકારના, ધુરિયા ભૂંગરા ઊભા કરેલા ઓ’ય તેવા કેટલા બધા ભૂંગરા તાં દેખાયા. દૂર દૂર જાં નજર લાખે તાં એવા જ ભૂંગરા, ઊંચીનીચી ટેકરી પર ગોઠવેલા દેખાયા. આ પ્રદેસ એટલે આપણે ફિલ્મોમાં જોયેલી કોઈ સ્વપ્નનગરી જ જોઈ લેઓ. આ ફેરીચિમનીનો પ્રદેસ કે’વાય. અંઈ જાતજાતના નામની ચિમનીઓ છે. ગાઈડના કે’વા મુજબ આ વિસ્તાર સદીઓ પે’લ્લા જ્વારામુખીનો પ્રદેસ ઊતો. એની અસરને લીધે જાતજાતની ટેકરીઓ ને ખીણો ને ગુફાઓ બની ગઈ. આ સદીઓમાં સંસ્કૃતિઓ બદલાતી રહી ને પોતાની છાપ છોડતી રહી, તેને લીધે જે તે સમયના લોકોએ નરમ પથ્થરની ટેકરીઓ ને ગુફાઓને કોતરીને એમાં રે’વાલાયક ઘર બનાઈવા, ચર્ચ બનાઈવા ને જમાનાઓ વીયતા તે આજે એમાં ટુરિસ્ટો હારુ ઓ’ટલો હો બની ગઈ.

અમે ઓ’ટલથી નીકરેલા કે, થોડી વારમાં જ એક વેરાન જગ્યાએ, એક ગુફા આગર ગાઈડે ગાડી ઊભી રખાવેલી. અમને એમ કે, અસલના જમાનાના આદિવાસીઓના વંસજ અં’ઈ રે’તા ઓહે તે બતાવવા કદાચ લાઈવો ઓહે. અમારા આશ્ચર્ય વચ્ચે તો ગુફામાંથી એકદમ મોડર્ન કપડા પે’રેલા ચાર જણ અમારી ગાડીમાં આવીને ગુડ મોર્નિંગ...ગુડ મોર્નિગ કરતા ગોઠવાઈ ગયલા. એ તો અમારા મુંબઈવારા સહયાત્રી ઉતા જે આ ગુફા જેવી ઓ’ટલમાં ઉતરેલા. વાહ! જાં જઈએ તાંના થઈને રે’વાની હો મજા છે. અ’વે બીજી વાર તો કોને ખબર પણ જો પાછા અંઈ આવહું તો આવી કોઈ ગુફામાં જ રેહું. આ બધી ગુફાઓ જેમની તેમ પણ અંદર બધી હગવડ હાથે રાખેલી છે, નીં તો અંઈ કોણ રે’ય? રાતે તો આ જગાનો નજારો કંઈ અલગ જ લાગે. ઊંચીનીચી ટેકરીઓના ગોખલાઓમાં લાઈટ હલગતી દેખાય, નીચે રસ્તા પર નાલ્લા ઘરો ને ઓ’ટલોમાં લાઈટ દેખાય ને ગુલાબી પથ્થરવાલી પિન્ક વેલી હો છે તાં ચાંદની રાતે ફરતા ટુરિસ્ટો હો જોવા મલે. હા, અં’ઈયા આ બધી ઊંચીનીચી ટેકરીઓમાં દા’ડેના ને રાતના ફરવાવાલા સાહસિક ટુરિસ્ટો ખાસ બધા અનુભવો લેવા અં’ઈ રખડતા જોવા મલી જાય. ઘણી જગાએ તો એકદમ હાંકડા રસ્તા ને લપસણી કેડી. હરક્યા તો ગીયા કામથી! આપણે તો ભઈ સ’ઈસલામત પાછા ઘેરે પોં’ચવા જોઈએ, આ બધી ઈં’મત કરવા જેવી નીં મલે.

જોકે, ગાઈડ હો હમજુ ઉતો તે એક જગાએ બધાને ઊભા રાખીને દૂરથી બધુ બતાવીને હમજાવી દેતો ને જાં સલામત જગાએ લઈ જવાય તાં લઈ જતો. જોકે, આ બધા ભૂંગરા ને ચિમની નજીકથી અડકીને જોવા ઓ’ય તો થોડુ ઘણુ તો સાહસ કરવુ પડતુ. હરકતી રેતીવારી જમીન ઓ’ય કે થોડુ ઊંચુનીચુ ચ’ડાણ ઓ’ય તાં હાચવીને જવુ પડતુ, એટલે ઉં તો દૂરથી જ રામરામ કરી લેતી. આ’થ–પગ ભાઈન્ગા તો? મારી બે બેને મારા કરતા વધારે ઉત્સાહી, તે મારા વતી બધે જઈ આવતી.

ચાલો અ’વે, વરી પાછા ગાડીમાં ગોઠવાઈને પોં’ઈચા પાતાળનગરીમાં! બા’રથી કંઈ લાગે હો નીં ને ખબર હો નીં પડે કે, આપણે જાં ઉભેલા છે, તાં જમીનની અંદર...અંદર ને ખૂબ અંદર મોટ્ટી નગરી આવેલી છે! કાપાડોક્યામાં આવી તો છત્રીસ પાતાળનગરી છે! બાપ રે! મોટામાં મોટી કેમાકલી ને ઊંડામાં ઊંડી ડેરિનકુયુ. એક ભવ્ય નગરીમાં ઓ’ય તે બધુ જ અંઈ જોવા મલે. ઘોડાના તબેલા, રે’વાના આવાસો, લાંબા લાંબા પેસેજ, વાઈન બનાવવાના મોટા કારખાના, રસોડા, ચર્ચ ને કંઈ ભલભલુ! તણથી ચાર અ’જાર માણહ તાં ર’ઈ હકે એટલી મોટી આઠ મારની નગરી! જોકે બધુ તો નીં જોવાય પણ વાંકા વરી વરીને જયા જ કરવાનું એટલે જોતા જોતા થાકી હો જવાય. અમારો ગાઈડ તો એકદમ હબધો(હટ્ટોકટ્ટો–તંદુરસ્ત) ઉતો એટલે પે’લ્લા તો અમને થીયુ કે, આટલા હાંકડા રસ્તે એ કેમ કરીને જહે? પણ ગાઈડનું તો આ રોજનું લાગેલુ એટલે બધાની નવાઈ વચ્ચે એ સ’ઈસલામત પાછો આઈવો ખરો. અમુક જાડા ને વધારે ઉંમરવારા લોકો તો પેલ્લેથી જ બા’ર એક દુકાન ઉતી તેમાં બેહી રી’યા. બાકી બધા ધીરે ધીરે કરતા કલાકેક નગરીમાં ફરી આઈવા.

અ’વે લન્ચટાઈમ થયલો એટલે નજીકની એક હાઈવે ઓ’ટલમાં અમને જમાડી પછી ઉપઈડા ગોરેમના પ્રખ્યાત ઓપન એર મ્યુઝિયમ જોવા. અંઈયા નજીક નજીક ગોઠવેલા ઓ’ય તેવા સાધુઓના આશ્રમ કે વિહાર જેવા બાંધકામ છે ને દરેકમાં સુંદર પેઈન્ટિંગ્સ ધરાવતા ચર્ચ બનાવેલા છે. દરેક ચર્ચ હાથે જોડાયેલા અગિયાર મોટા રસોડા હો છે. જમાના જૂના આ બાંધકામો મ્યુઝિયમ તરીકે હારા હચવાયા છે.

તમારામાં આખો દા’ડો ચાલ ચાલ કરવાની તાકાત ઓ’ય તો જ આવી બધી ટૂરમાં જવુ, નીં તો આરામથી ઓ’ટલમાં બેહી રે’વુ. અમે હો કંઈ એવા પે’લવાન નીં ઉતા ને બો દા’ડાની તિયારી કરીને હો નીં આવેલા કે, જવાનુ છે તો ચાલો, થોડી કસરત બસરત કરીને ફિટ થઈને જઈએ. કોણ જાણે કાંથી આટલુ બધુ ચાલવાની તાકાત આવી ગયલી તે અમારા તોણમાંથી કોઈ હો, હૂતી વખતે બૂમ હો નીં પાડતુ કે, ‘ઓ બો પગ દુ:ખે કે ઓ થાકી ગીયા!’ ફરવાનું મલે ને, તો બધી તાકાત આવી જતી ઓહે, કોણ જાણે. નીં નીં કરતા તો અંઈયે હારુ એવુ જોવાનું મઈલુ! આવેલુ વસૂલ, બીજુ હું?
કેમાકલીની પાતાળનગરી

બલૂનરાઈડની મજા

પાતાળનગરીનું ચર્ચ

ખંડેરોમાં હૉટેલ


8 ટિપ્પણીઓ:


  1. આપનો લેખ વાંચતો જાઉં છું અને કાપાડોક્યાના નકશા ખોલું છુ. બલુનની મુશાફરીના ભાવ ચેક કરું છું જુદા જુદા બલુનોના ફોટા પણ ચેક કરું છું તમે બલુનની મુશાફરી એન્જોય કરી તે બદલ અભિનંદન. આ ગુફાઓ પણ મઝાની છે. પણ જુવાનિયાઓ માટેની દુનિયા છે.કાપાડોનિયા તો જુદું સ્ટેટ છે. મને તમારી ભાષા બઉ ગમતી છે. વધુ લેખો આપો. તમારા લખાણને ગુગલ પર બરાબર જોઉં છું.ધન્યવાદ.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. વાહ! આનાથી વિશેષ આનંદ કયો? (મને આવા પ્રતિભાવ પર એક જણે લાંબો પત્ર મોકલેલો કે, વિશેષ આનંદ કેટલા ને કોને કહેવાય!) ગુગલ પર લગભગ બધું મલી રે’ય એટલે જ હું બહુ માહિતીના ચક્કરમાં નથી પડતી. તમે નક્કી ટર્કી ફરવા જવાના. જાઓ, મજા પડહે.

      કાઢી નાખો
  2. http://news.nationalgeographic.com/2015/03/150325-underground-city-cappadocia-turkey-archaeology/

    જવાબ આપોકાઢી નાખો
  3. આ પાતાળનગરીમાં જવા થોડી તો ફિટનેસ ને હિંમત જરૂરી છે. સારું છે કે, આવી સાઈટ્સ પર બધું જોવા મળી જાય છે.

    જવાબ આપોકાઢી નાખો
  4. પાતાળનગરીમાં લટાર મારવાની મઝા આવી. ના ના કેતા હારી માહિતી આપી છે, કલ્પનાબેન.

    જવાબ આપોકાઢી નાખો
  5. એ તો ફઈરા ત્યારે ખબર પડી કે, અંઈ તો જોવા જેવુ બો છે.

    જવાબ આપોકાઢી નાખો
  6. Kalpnaben....bahu maza avi rahi chhe tamari hathe farvani.....lekh ni sathe sathe je te jagya na ek ek photo jova mali jay to tamari kalpana sathe 'drashya' no anand pan male.....if possible...it is just a suggestion.

    Harsha / Toronto

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. હાજી, સજેશન બદલ આભાર. ગૂગલ પર ફોટા મળી રહે એમ વિચારીને નહોતી મૂકતી પણ બધાંને એટલો ટાઈમ મળે–ન મળે એટલે હવેથી ફોટા પણ મૂકતી રહીશ.

      કાઢી નાખો