આ છેલ્લી ઘડીએ કરેલું તત્કાલ બુકિંગ હોવાથી
બલૂનમાં ભીડ થઈ ગયેલી, બાકી તો બાર, પંદર કે વીસ પેસેન્જરવાળું બલૂન હોય. બલૂનમાં અંદરની
તરફ કડીઓ ભેરવેલી, તે પકડીને સૌએ ઉભડક બેસી રહેવાનું. લોકો બેઠાં બેઠાં, એકબીજા પર ગબડી
પડે એના કરતાં ઠીક ઠીક ટેકો રહે એ આશય બીજું કંઈ નહીં. બે પાંચ મિનિટ બેસવા માટે
વધારે સગવડ શું કરવાની? જોકે એ લોકોએ સિનિયર સિટિઝનો માટે પણ વિચારવું જોઈએ ને? એમ
તો, હવેના સિનિયરો કંઈ બધા જ ખખડી ગયેલા નથી હોતા કે, બલૂનમાં બેસતાં જ એટેક આવે
કે એકાદ કૂદકો મારતાં જ ગબડી પડે! હવેના સિનિયરો તો જુવાનોને પણ શરમાવે એટલા ફિટ
હોય, મારા જેવા અપવાદોને બાદ કરતાં. આવું મેં જાણ્યું હોત તો પહેલેથી જ ઘરમાં
ખુરશી કે ટેબલના ટેકે ઉભડક બેસવાની પ્રેક્ટિસ કરીને આવતે. મેં જેમતેમ ઘુંટણ વાંકા
વાળ્યા તો હું ભૂલમાં પારુલના ઘુંટણ પર બેસી ગઈ! ક્યારના ઊભા જ રહેલા તે પગ પણ
જકડાઈ ગયેલા એટલે મને તો સારું લાગ્યું પણ પારુલની હાલત ખરાબ થઈ ગઈ. હવે તો જલદી
બલૂનમાંથી ઉતારે તો સારું ભાઈ. કલાક તો ક્યાંય નીકળી ગયો તે ખબરેય નહોતી પડી ને
તેની બધી ખબર હવે પડી રહી હતી. ઉપર તો બહુ મજેથી આજુબાજુ ઉડતાં ફરતાં રંગબેરંગી
બલૂનોને ને બીજા ઊડનારાઓને જોઈને ખુશ થતાં, હવામાં ઉડતાં હતાં ને હવે ધરતી પર પગ
ટેકવવાના આવ્યા ત્યારે બલૂનમાંથી બહાર નીકળવાનું ટેન્શન માથે સવાર થઈ ગયું.
જરાક વારમાં અમારા આવડા મોટા બલૂનને ને આવડી
મોટી ભારેખમ બાસ્કેટને ઝીલવા માટે એક ટ્રેઈલર આવી ગયું. બાસ્કેટ હાલતીડોલતી બરાબર
એના પર ગોઠવાઈ કે એક હળવો ઝાટકો લાગ્યો ને બલૂન લૅન્ડ થઈ ગયું. બધા પેસેન્જર્સને
સહીસલામત ઉતારવા માટે બલૂન કંપનીનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો,. ખરેખર તો, બાસ્કેટમાં
ચઢતી વખતે એટલું જોર નહોતું પડ્યું જેટલું હવે ઉતરતાં જોર પડવાનું હતું. ચઢતી વખતે
તો બાસ્કેટમાં ઉભેલા કોઈ પણ આપણો હાથ પકડીને ખેંચી શકે એમ હતું કારણકે એની
દિવાલોમાં એ લોકોએ પગ ટેકવવા માટે ખાંચા રાખેલા પણ હવે એમાં પગ મૂકીને બહાર નીકળાય
તેમ નહોતું. બે–ચાર પગથિયાં સાથે ચડવાની ને ઉંચેથી કૂદકા મારવાની ટેવ હોય તેને જ ઉતરતાં
ફાવે એવામાં અમારો મેળ કેમ પડે? અમે મૂંઝાયા પણ એ લોકોને તો રોજની આદત એટલે બે
હટ્ટાકટ્ટા યુવાનો બાસ્કેટની સામે આવીને ઊભા રહી ગયા. બીજી બાજુ, બલૂનમાંથી હવા
નીકળી ગયેલી એટલે એને બાસ્કેટથી અલગ કરવાનું કામ થવા માંડેલું. પેલી પાયલટ તો મસ્ત
કૂદકો મારીને ચાલતી થઈ ને અમે બાઘાં મારતાં બાસ્કેટમાં જ ઊભા રહ્યાં.
કોઈ ટ્રકમાંથી સામાન ખાલી કરે ત્યારે મજૂરો જેમ પોટલાં
ઊંચકી ઊંચકીને બાજુએ મૂકે તેમ પેલા છોકરાઓએ તો એક પછી એક પેસેન્જરને, બે હાથમાં
નાના બાળકને ઉંચકતા હોય એટલી સહજતાથી ઊંચકીને નીચે મૂકવા માંડ્યા! લગભગ બાસ્કેટમાં
બધાં જ સિનિયરો હતા એટલે કોઈએ કોઈ વિરોધ કે નખરાં ન કર્યાં. છૂટકો પણ ક્યાં હતો?
અમે ત્રણ તો શરમના માર્યાં આંખ બંધ કરીને નીચે ઉતર્યાં. હવે જુવાનિયાઓ જેવી ફિટનેસ
લાવવા શું કરી શકાય તે વિચારશું, બીજું શું? બધા ઉતરી રહ્યાં એટલે નજીકમાં
કુંડાળું કરીને બધાંને ઊભા રાખ્યા. ત્યાં એક નાના ટેબલ પર કાચના ઘણા બધા નાના
ગ્લાસ ગોઠવેલાં ને સાથે એક લાંબી બૉટલ! પેલી પાયલટે જાહેરાત કરી કે, ‘આપણી સફળ
સફરની ઉજવણીરૂપે આપણે સૌ સાથે, એક એક પેગ શેમ્પેઈન પીશું ને પછી છૂટા પડીશું.’ ઓહ
દારૂ? અમે તણે એકબીજા હામે જોયું. હું કરીએ? આ બધા લોકો આગળ ના કેહું તો ખરાબ
દેખાહે ને વરી કોઈ મસ્કરી હો કરે કોણ જાણે!
અમારા ગ્રૂપમાં બધા વિદેશી હતાં પણ એક જોડું
ભારતીય હતું ને પાછું જુવાન. પેલો
જુવાનિયો તો પાયલટથી એટલો બધો અંજાઈ ગયેલો કે,
પત્નીને ભૂલીને કંઈ કંઈ વાતને બહાને પાયલટની આગળપાછળ ફર્યા કરતો. ઉત્સાહમાં ને
ઉત્સાહમાં શેમ્પેઈનની બૉટલ એણે લઈ લીધી. અમને થીયુ, કે એખલો જ પી જવાનો કે હું?
ના, એને તો રસ હતો સ્ટાઈલમાં બૉટલ ખોલીને બધા પર ઉડાડવામાં! એ બધું કરવામાં એ
ગડથોલિયું ખાતાં બચ્યો એટલે બીજા ક્રૂ મેમ્બરે બૉટલ લઈને બધાના ગ્લાસમાં માપ મુજબ
રેડવા માંડ્યું. બધાએ હાથ ઊંચો કરીને આનંદ વ્યક્ત કર્યો એ જોઈને અમે પણ હાથ લાંબા
કર્યા. પછી બધાંએ ગ્લાસ મોંએ માંડ્યાં ને અમે તો દવા સમજીને કે પછી બલૂનવાળા
બાબાનો પ્રસાદ સમજીને ગટ ગટ પીને ગળા નીચે ઉતારી ગયાં! ઘણાંને તો થયું હશે કે,
આટલામાં શું મોં બગાડ્યું? ખેર, આનંદની ક્ષણોને વધાવવાની દરેકની અલગ રીત હોય ને
તેને આપણે માન આપવું પડે. પછી સમૂહ તસવીર ખેંચાઈ અને બધાના ગળામાં કંપનીના નામના
મેડલ પહેરાવાયા. ભઈ, એક સાહસિક હવાઈયાત્રા કરી હતી બધાએ! બાય બાય કહેતાં ને બલૂનની
સંતોષયાત્રાને વાગોળતાં સૌ પોતપોતાની ગાડીઓમાં હૉટેલ તરફ રવાના થયાં.
હવે અમારે ફરી ઘડિયાળના કાંટે ભાગવાનું હોઈ
ઉતાવળે બધો સામાન લઈ અમે નીચે હૉલમાં આવ્યાં. એક તરફ નાસ્તાનો ટાઈમ ને બીજી તરફ
ગાઈડ માથા પર આવીને ઊભો રહી ગયો. ‘જલદી કરજો, આપણે પાંચ મિનિટમાં નીકળવાનું છે.’
ઓહ! પાંચ જ મિનિટ? બલૂનની દોડાદોડીમાં કટોકટ સમય થઈ ગયેલો એટલે અમે નાસ્તાને કમને
બાય બાય કર્યું. મન વાઈરુ કે, હવારે તો નાસ્તો કરેલો જ ને! તો હો, ઓ’ટલનો નાસ્તો
તે ઓ’ટલનો નાસ્તો. ખાન ઓ’ટલની યાદ આવી ગઈ. એવો નાસ્તો ઓહે તો? કઈ નીં, અ’વે ગાઈડની
ગાર નથી ખાવી. રસ્તામાં થેપલા ને ડ્રાયફ્રૂટ ને એવુ ખાઈ લેહું. વચ્ચે હો કેથે ઊભા
તો રેહું ને? તાં ચા–નાસ્તો કરહું. અ’મણાં ચાલો પણ. અમારી મીની વૅનમાં અમે છેલ્લી
સીટ પર જઈ ગોઠવાઈ ગીયા જેથી આરામથી બે બારી હો મલે ને પગની તકલીફ ઓ’ય તેને આરામથી
વચ્ચે બેહવા હો મલે.
ગઈ કાલે સાઈટસીઈંગ હારુ નીકરેલા ત્યારે ગાઈડે
પોતાની ઓરખાણ આપેલી, ‘હલો, માય નેમ ઈઝ આયડન.’ ત્યારે જ થયલુ કે, હેં? આવુ કેવુ
નામ? (વચ્ચે હેવ મૂકવાનું ભૂલી ગયલો કે હું?) મેં ગમ્મત કરેલી, ‘આ લોકોમાં તો હુડન,
યુડન ને હીડન કે શીડન હો આવતા ઓહે કેં?’ ‘પ્લીઝ, તારા ફાલતુ જોક્સ તારી પાંહે
રાખજે હેં કે!’ મને વિનંતી થયેલી ને મેં મનમાં ને મનમાં, આઈડન, યુડન, હી–શી–ઈટડન
જેવું કંઈ કંઈ ગોઠવવા માંડેલુ. હું થાય? ટાઈમ હો તો કા’ડવાનો ને?
પછી તો અમે વાતે લાઈગા કે, કાલે આપણે કાં ફરવા
ગયલા ને હું થયલુ ને કેવી મજા આવેલી!
કલ્પનાબેનના ટર્કીના પ્રવાસની રમૂજી ગાથા દર સપ્તાહે આનંદ આપતી રહે છે, ખાસ કરીને સુરતી ભાષાને કારણે. અભિનંદન.
જવાબ આપોકાઢી નાખોઆનંદ.
જવાબ આપોકાઢી નાખોબસ, આમ જ અમને પણ તમારી સાથે ટુર પર ફેરવતા રહેજો, મજા આવે છે.
જવાબ આપોકાઢી નાખોચાલો, હારુ ત્યારે.
જવાબ આપોકાઢી નાખોsunder lekh as usual....'Iden' na nam ni ane bija nam ni analysis vanchva ni vadhu maza avi. tamaro 'time pass' karvano aa rasto gamyo....
જવાબ આપોકાઢી નાખોHarsha - Toronto
શબ્દરમતમાં અનેરો આનંદ છે. એકલાં રમવાની પણ મજા પડે.
કાઢી નાખો