રવિવાર, 19 જૂન, 2016

બનવાકાળ શું બન્યું?

મોબાઈલના અમે જબરાં આદિ થઈ ચૂકેલાં એટલે હૉટલમાં પહોંચતાં જ પોતપોતાના મોબાઈલને ચાર્જ કરવાની વેતરણમાં પડી જતાં. અંજુ એની વહુ સાથે રોજ સવારે ગપશપ કરી લેતી. એ બહાને જાણી લેતી કે, કામવાળી આવે છે કે નહીં? વહુને કોઈ તકલીફ તો નથી પડતી ને? પારુલને એના ફોટાની ચિંતા રહેતી ને મને તો ઘરમાંથી ફોન કરવાની જ ના પાડેલી કે, ‘ખબરદાર! અમને શાંતિથી થોડા દિવસ રહેવા દેજે.’ તોય મારે ફોન તો ચાર્જ કરી જ રાખવો પડતો. ઈમરજન્સીમાં તો ચાલે ને?

પણ, ‘બનવાકાળ’ શબ્દ બહુ મજાનો છે. આપણા હાથમાં કંઈ ન હોય ત્યારે એ બહુ કામ આવે. ગઈ કાલના સ્વર્ગને યાદ કરતાં વહેલી સવારે અમે અમારી હૉટલ છોડવાની તૈયારીમાં પડેલાં. બધો સામાન વહેલો વહેલો સમેટવામાં ને ખાસ તો નાસ્તાનો ટાઈમ ન ચૂકી જવાય તેની ચિંતામાં, ફટાફટ બૅગ રૂમની બહાર મૂકી, રૂમને તાળું મારી અમે નીચે ડાઈનિંગ હૉલમાં પહોંચ્યાં. (આ દોડાદોડીમાં પેલું બનવાકાળ બની ચૂકેલું, જેનો કોઈને અંદાજ નહોતો. પારુલને તો આઘાત જ લાગવાનો હતો.) ખેર, સૌથી પહેલી જ મજાની ખાન હૉટલમાં અધધધ વૅરાયટીવાળું ખાધા પછી, અમે દરેક હૉટલમાં એવા જ ભોજનની કે નાસ્તાની આશા રાખતાં પણ એવું બનતું નહીં. મનના ખજાનાથી ચોથા ભાગની વસ્તુઓમાંથી પણ પાછી વેજ વાનગીઓ શોધીને લાવવાની, એટલે આમેય અમારી ડિશ ને મન અર્ધાં જ રહેતાં. એ તો સારું કે, બે ચાર જાતની મીઠાઈ હોય એટલે ખાધાનો સંતોષ થાય. અમારી આજુબાજુ તો લોકો ડિશો ભરી ભરીને ખાવાની મજા લેતાં ને અમે જોયા કરતાં!

અમારા ગ્રૂપના ફક્ત ચાર જણ શાંતિથી ને વાતો કરતાં કરતાં નાસ્તાનો સ્વાદ માણતાં. પેલા બે વડીલ ને પેલી બે બહેનો, બસ. પેલા ચાર મુંબઈગરા તો રોજ ડિશ ભરીને બધું લેતાં ને મોટા ભાગે અર્ધું ખાવાનું ટેબલ પર મૂકી ઊભા થઈ જતાં. અમે ખોરાકના બગાડનો અફસોસ કરતાં કરતાં ખાતાં. જોકે, ઘણા ટેબલો પર અમને એવું છાંડેલું ભોજન જોવા મળતું ને અમારો જીવ બળી જતો. પણ આપણાથી હું થાય? ખાલી થયેલી પ્લેટ્સની ટ્રોલી ફેરવતા વેઈટર્સના ચહેરા જોઈને દુ:ખ થતું. આ લોકોને ખાવાનામાં કોણ જાણે હું મળતુ ઓહે? આ બધો બગાડ જોઈને એ લોકો હું વિચારતા ઓહે? અમે પાછા અમારી દુનિયામાં પાછા ફરતાં. સમયના અભાવે મોટા ભાગના લોકો સફરજનની ટ્રેમાંથી સફરજન લઈને ચાલવા માંડતા. કંઈ નીં તો, બસમાં બેહીને ખવાહે. અમારી પ્રાયવેટ બસ હતી એટલે અમારા જાતજાતના ફાકા ચાલુ રહેતા. પેલા આગળ બેઠેલા સહપ્રવાસીઓ હો ફાકા મારતા ઓહે? એ લોકો હું લાઈવા ઓહે? ઘેરેથી બનાવી લાઈવા ઓહે કે વેચાતું? આપણાં મનને બધાંની ફિકર!

કાપાડોક્યાથી નીકળીને ટર્કીની બધી જગ્યાઓએ જવા અમે બસમાં જ નીકળી પડેલાં એટલે પ્લેનની દોડાદોડી, કસ્ટમ ચેકિંગ અને સમયની બરબાદીમાંથી બચી જતાં, તેની મોટામાં મોટી શાંતિ હતી. બસમાંથી તો પાછું બેઠાં બેઠાં, રસ્તાને કિનારે આવતાં ગામડાં કે નાનાં શહેરોને જોવાનો પણ લાભ મળતો. જોકે મોટા ભાગે રસ્તાઓ તો ખાલી જ રહેતા પણ દૂર દૂર સુધી જાતજાતનાં ફળોના બગીચાઓ જોવા મળતા. સામાન્ય રીતે આપણે ફૂલોના બગીચાઓ જોયા હોય. જ્યારે જ્વાળામુખી ફક્ત વિનાશ જ કરે એ ભ્રમ અહીં સદંતર ભાંગી જાય. જે અનુભવો અમે સ્વર્ગનગરી અને પાતાળનગરીમાં કર્યા તે જોઈને તો લાગે કે, બધે જ એક એક જ્વાળામુખી ફાટવો જોઈએ. કંઈ નહીં તો બધે જમીન તો ફળદ્રુપ થઈ જાય અને બધે બાગબગીચામાં ફૂલો ને ફળોની બહાર આવી જાય! પાતાળમાંથી ઝરણાં ફૂટી નીકળે ને ધોધ પડે તો લોકોનો પાણીનો પ્રશ્ન ઉકલી જાય.

આ બધાની સામે જ્વાળામુખીના વિનાશનો આંકડો દેખાય એટલે વિચાર અટકી જાય. અમારો ગાઈડ પૂરક માહિતી આપતાં કહેતો, ‘અહીં દાડમ અમારું લકી ફ્રૂટ ગણાય છે એટલે દાડમના બગીચા તમને ઠેર ઠેર જોવા મળશે.’ અચ્છા, એટલે જ્યાં જઈએ ત્યાં મોટા મોટા લાલ દાડમનો રસ લોકો ટેસથી પીતાં દેખાય છે. મેં તો એક જ વાર રસ ચાખેલો પછી બીજી વાર પીવાનું મન નહોતું થયું. કેમ? તો એ લોકો, દાડમના બે ફાડિયાં કરીને સીધા જ મશીનમાં મૂકીને રસ કાઢતા. એટલે છાલનો કડવો રસ ને દાડમનો થોડો ખાટો રસ ભેગા થઈને વિચિત્ર સ્વાદ લાગતો. ભઈ, એ તો જેવો જેનો ટેસ્ટ. દાડમ લકી ગણાય? વાહ. તો પછી, અહીંના લોકો તો ગળામાં દાડમ લટકાવીને ફરતાં હશે? કે પર્સમાં, કે ખીસામાં રાખતાં હશે? અથવા એવું બધું ફાવે નહીં એટલે દાડમના ફોટાનું લોકિટ બનાવડાવતાં હશે? કોણ જાણે, આ લોકોની શ્રધ્ધા કે અંધશ્રધ્ધા કેવીક હશે.

અમે જઈ રહ્યાં હતાં પામુક્કલેથી કુસાદાસી કે કુસાડાસી. (વળી ગુજરાતીનો અણસાર આવ્યો. ભૂસાદાસી કે ભૂસાડોસી. તમને આવ્યો?) વળી એક પુરાણું શહેર, જેમાં જોવાલાયક વિશ્વપ્રસિધ્ધ ખંડેરો પણ છે અને પ્રવાસીઓને બારે માસ આકર્ષતો લાંબો, વિશાળ દરિયાકિનારો પણ છે. સ્વાભાવિક છે કે, દરિયાને કારણે દરિયાઈ રમતો ને ક્રૂઝની સવારી અહીંના વિશિષ્ટ આકર્ષણો છે. ભૂમધ્ય સમુદ્રની સુંદરતાને લીધે કુસાડાસી ટર્કીનું, વધારે ટુરિસ્ટો ખેંચી લાવતું સ્થળ બની ગયું છે. દરિયાકિનારાની ચળકતી, બારીક સોનેરી રેત પર ચાલવાનો લહાવો લેવો કે દરિયાની લહેરો સાથે મસ્તી કરતાં લોકોને જોવામાં સમય પસાર કરવો કે પછી દરિયાના મોજાં પર ઝૂલવાની મજા લેવી એ દરેકની પસંદ પર આધાર રાખે. આપણે કૂણા તડકાના શોખીન, જ્યારે અહીં તો ઠંડા બર્ફીલા પ્રદેશના લોકોનો ધસારો હોય એટલે દઝાડતા તડકાની એમને ભારે નવાઈ. ભાઈ આ લોકો તો સૂરજને બરાબર ન્યાય કરે.

અમને બસમાં બેઠાં પછી એક વાતની ભારે નવાઈ લાગતી ને પછી તો કંટાળો પણ આવવા માંડેલો, કે પેલો ડ્રાઈવર દર બે કલાકે બસને એકાદ હૉટલ (આપણું ધાબું) પર ઊભી રાખી દેતો ને ગાઈડ, ‘હવે આપણે નાનો બ્રેક લઈશું’ કહીને વહેલો વહેલો ઉતરી ડ્રાઈવરની સાથે હૉટલમાં જતો રહેતો. બંને ફ્રેશ થઈને તરત જ ગરમ પીણાંનું ગ્લાસ ને નાસ્તો લઈ બેસી જતા. અમારે પણ ભૂખ હોય કે ન હોય તોય, ઉતરીને પગ છૂટા કરવા પડતા. ફાયદો એક જ થતો કે, નવી નવી, નાની નાની હૉટલ કમ રેસ્ટોરાં જોવા મળતી, નવા ચહેરા જોવા મળતા ને મુખ્ય તો પેલી ફોટાશોખીનના નખરાં જોવા મળતાં. ચા પીતાં ફોટો, કદાચ દરેક હૉટલમાં એણે પડાવ્યો હશે. ભઈ, દર વખતે ડ્રેસ તો નવો હોય કે નીં? પછી? તમે કંઈ હમજે નીં ને, હંહ! ને એનો વર? કૅમેરા લઈને પેલીની આગળપાછળ ફઈરા કરતો! આહ, અદેખાઈ આવી જતી!

રવિવાર, 12 જૂન, 2016

સ્વર્ગનગરી તરફ

કયા કારણસર ખબર નહીં પણ અમારો પ્રવાસ બહુ અજબ રીતે ગોઠવાયેલો. કોઇ એક સ્થિતિમાં શરીર અને મન હજી તો સ્થિર થાય અને તેની અસરમાંથી ધીરે ધીરે બહાર નીકળે તે પહેલાં તો, તદ્દન વિરુધ્ધ સ્થિતિમાં પહોંચી જાય! ગાઈડે એક દિવસ અમને પાતાળમાં ઘુમાવ્યા તો બીજી સવારે બલુનમાં ઉડાડ્યા ને ત્યાંથી પાછા સ્વર્ગમાં પહોંચાડી દીધાં! હા, અમે આવી પહોંચ્યાં હતાં અદ્ભૂત કાપાડોક્યાને બાય બાય કરીને ‘પામુક્કલે’ નામની સ્વર્ગનગરીમાં. કોઈ મદ્રાસી(!) નામ જેવા લાગતાં આ નામને ‘કોટન કાસલ’ તરીકે પણ ઓળખાય છે. આ સ્થળને જોતાં વેંત જ ખરેખર ફિલ્મોમાં જોયેલી સ્વર્ગનગરીની યાદ આવી ગઈ. અમે તો વગર મર્યે ને વગર પુણ્યના પોટલે સીધા જ સ્વર્ગમાં! ભઈ વાહ! હવે બધાંને કહેવું પડશે કે, હવે ગંગામાં નાહવા જેવું નથી રહ્યું એટલે તમારે જો પુણ્ય કમાઈને સીધા સ્વર્ગવાસી થવું હોય તો અહીં આંટો મારી જજો.


જાણે કે,અમારી આખી બસ જોતજોતામાં એક મોટું સફેદ હંસ–યાન બની ગઈ અને એ હંસ–યાન ધીમે ધીમે, ઊડતું ઊડતું, સફેદ વાદળોના ઢગલામાંથી પસાર થતું થતું એક મોટા પાણીના તળાવ પાસે આવીને ધીરેથી ગોઠવાઈ ગયું. સૌથી પહેલાં સ્વર્ગના રાજાના સિપાઈના ભવ્ય વેશમાં દરવાન(ડ્રાઈવર) ઉતર્યો. એની પાછળ એક ઊંચો, જાડો ને પઠ્ઠો પણ સુંદર પાંખાળાં કપડાંમાં સજ્જ ને બાળક જેવો નિર્દોષ દેખાતો, હાથમાં નાનકડી લાકડી ઘુમાવતો ઘુમાવતો માર્ગદર્શક(ગાઈડ) ઉતર્યો. એની પાછળ અમે સ્ત્રીઓ, સુંદર પરીઓના વેશમાં માથે તારા મઢીને, અમારા પાંખાળા ગાઉન પકડીને અને પગમાં ચમકતી મોજડી સોહાવીને ધીરે ધીરે ઉતરી. સૌથી છેલ્લે, પુરુષો દેવદૂતોના વેશમાં હાથમાં મોબાઈલ લઈને ઉતર્યા. મોબાઈલ તો સ્ત્રીઓ પાસે પણ હતા પણ પરીઓના વેશ સજવાના ઉત્સાહમાં સૌએ પર્સમાં મૂકી રાખેલા. પેલો દરવાન, હંસને ખવડાવવા–પીવડાવવામાં ને એની સાથે પોતે પણ ખાઈ–પીને ગપ્પાં મારતો, આરામ કરવામાં પડ્યો. સ્વર્ગના આંટાફેરા તો એના રોજના હતા એટલે સ્વાભાવિક છે કે, એનો સ્વર્ગમાં ઈન્ટરેસ્ટ જરા ઓછો.

સ્વર્ગમાં તો ચારે બાજુ દૂર દૂર સુધી ઊંચી શ્વેત ટેકરીઓ અને એ ટેકરીઓ પરથી વહી આવતા ગરમ પાણીના નાના મોટા અસંખ્ય ઝરા. કેટલેય ઠેકાણે કુદરતી રીતે જ બનેલા ગરમ પાણીના નાના મોટા કુંડ અને ઉબડખાબડ જમીનની સાથે સાથે, જાણે કે વ્યવસ્થિત રીતે બનાવી હોય એવી મોટી મોટી પગથિયાંની થપ્પીઓ! કહેવાય છે કે, જ્વાળામુખીનો પ્રદેશ હોવાને કારણે ગરમ પાણીના ઝરા સદીઓથી વહેતા રહ્યા ને આવી ટેકરીઓ બનતી ગઈ ને આ પાણી જાતજાતની ખનિજસંપત્તિથી સમૃધ્ધ હોવાને કારણે અહીંના પાણીનું મહત્વ ખૂબ વધી ગયું. કૅલ્શ્યમથી ભરપૂર આ પાણી જ્યાં જ્યાં કૅલ્શ્યમના ક્ષાર પાથરતું ગયું ત્યાં ત્યાં શુધ્ધ, સફેદ વાદળોના ઢગ જેવી ટેકરીઓ બનતી રહી ને પહેલાં રાજા–મહારાજાઓને અને પછીથી દુનિયાભરના ટુરિસ્ટોને સ્વર્ગની સહેલગાહ કરાવતી રહી. પહેલાંના રાજા કે રાણીઓને આર્થ્રાઈટીસના દુખાવા, માથાના દુખાવા, ભારેખમ શરીરના જાતજાતના સવાલો, પેટના કે ચામડીના કોઈ રોગ હતા કે નહીં તે જાણમાં નથી પણ એ લોકોએ ખાસ પોતાના નાહવાના ભવ્ય કુંડ બનાવડાવેલા તેથી એવું લાગે કે, એ લોકોને પણ ઘુંટણના ને કમરના દુખાવા રહ્યા હશે, વધેલી ચરબીને ઓગાળવા કે તંદુરસ્તી મેળવવા એ લોકો પણ કુંડમાં પડી રહેતાં હશે. (રોમન રાજાઓ નાહતા એ કુંડમાં હવે પ્રજાએ–ટુરિસ્ટોએ નાહવાના પૈસા આપવા પડે છે!)

ખેર, અમે તો બે કલાક માટે અહીં ઉડતી મુલાકાતે જ આવેલાં એટલે, એક બાજુએ મોજડી ઉતારીને ધીરે ધીરે પગથિયાં ઉતરીને બીજી પરીઓ, દેવદૂતો, રાજાઓ ને રાણીઓને જોતાં જોતાં એક ઝરણાંને કિનારે બેસી ગયાં. થોડી વારમાં જ, વહેતા હુંફાળા પાણીમાં પગ બોળવાથી, બસમાં બેસી રહેવાનો થાક ઉતરી ગયો. મનમાં એવો જાપ ચાલુ રાખ્યો કે, ‘હે પામુક્કલેના પવિત્ર ને જાદુઈ પાણી, અમે બહુ દૂર દેશાવરથી ખાસ તારા પાણીમાં પગ બોળવા ને હાથ મોં ધોવા અહીં આવ્યાં છીએ. અમારા શરીરની અંદર ને બહારના સઘળા રોગોનો નાશ કરજે ને એમને તારા પાણીમાં વહાવી દેજે. એમ તો અમારા ભવ્ય આવાસમાં પણ નાનકડી ટેકરી ને ગરમ પાણીનો ઝરો અમને દેખાયો છે, પણ સમયના અભાવે ને કંઈક સંકોચથી અમે એમ જાહેરમાં ત્યાં જવાનાં નથી એટલે અહીં જ બેસીને તારા અમૂલ્ય પાણીનો જેટલો લાભ લેવાય એટલો લઈ લઈશું.’

ફરતાં ફરતાં સાથે લાવેલા ફળફળાદિથી અમારી ક્ષુધા શાંત કરી અમે સૌ ફરીથી પેલા માર્ગદર્શકની આંગળી પકડીને નીકળી પડ્યાં, સ્વર્ગની બીજી ગલીકુંચીઓમાં. જ્યાં હાયરઅપોલીસ નામ અમને કંઈક વિચિત્ર લાગ્યું. જાણે કે, કોઈ પોલીસને હાયર કરવાનો હોય! પણ ઐતિહાસિક મહત્વ ધરાવતા આ શહેરમાં જોવા જેવી ઘણી બધી જગ્યાઓ છે, જ્યાં સ્વાભાવિક છે કે, પાંખો હોવાથી અમે ઉડતાં ઉડતાં જ બધું જોયું. પંદર હજાર લોકોને સમાવતું વિશાળ હાયરઅપોલીસ થિએટર એક જમાનામાં બહુ પ્રવૃત્તિઓથી ધમધમતું હશે. આજે પણ અહીં જાહેર કાર્યક્રમો થાય છે પણ આવી જગમશહૂર જગ્યા હજી જળવાઈ રહી છે તે જ મહત્વનું છે. આવી કોઈ પણ જગ્યાએ જતાં જ મન તે જમાનામાં પહોંચી ન જાય તો જ નવાઈ. મને તો ઘોડાની તબડાટી ને તાળીઓના ગડગડાટ પણ સંભળાયા. મેં બંને બેનોને કહ્યું, ‘કેટલી જોરમાં તાળી પડતી છે, હેં ને?’
‘તુ સપનામાંથી બા’ર આવ. આપણે ખંડેરમાં ઊભેલા છે, હું?’

ખંડેર તો ખંડેર પણ મને તો, કોણ જાણે કેમ બધે રોમન રાજાઓ ને રાણીઓ ને સૈનિકો જ દેખાતા હતા! અહીં નેક્રોપોલીસ નામનું વિશાળ કબ્રસ્તાન છે જ્યાં ચાર જુદી જુદી જાતની પ્રખ્યાત કબર છે જે મુખ્યત્વે ચૂનાના પથ્થરમાંથી જ બની છે. (હવે સ્વર્ગથી થોડાં દૂર હતાં એટલે કબ્રસ્તાન બતાવ્યું હશે!) સ્વર્ગમાં સૂર્યોદય ને સૂર્યાસ્તની તો શી જરૂર પડે? પણ અહીંનો સૂર્યાસ્ત જોવા જેવો હોય છે ને કેમ ન હોય? સુંદર, શ્વેત ટેકરીઓ પર સૂર્યનાં કિરણો બહુ અદ્ભૂત દ્રશ્ય ઊભું કરતાં હશે. ને રાતની તો વાત જ શું કરવી? ચાંદની રાતે ચળકતી ટેકરીઓ? અમે બસમાંથી જોઈ અને બેભાન થતાં બચ્યાં.

રાતે ઓ’ટલમાં જમીને આંટો મારવા નીકઈરા તો, અમારા તોણ ને પેલા બે વડીલ મિત્રો સિવાય બાકીનાં બધ્ધા, ઓ’ટલના સ્વિમિંગ પૂલમાં પાણીના ઝરા નીચે પવિત્ર થઈ ર’યલા ઊતા! અમે તણ્ણેવ એકબીજા હામું જોઈને જીવ બારતા રૂમમાં જતા રી’યા. બીજુ હું થાય?

તસવીર નેટ પરથી.  

રવિવાર, 5 જૂન, 2016

અમારા સહપ્રવાસીઓ– (ટર્કી)

જે સાથે પ્રવાસ કરે કે સાથે સફર કરે તેને સહપ્રવાસી કહેવાય. ઘણી વાર બેમાંથી એક પ્રવાસી ત્રાસ આપે ને બીજો સફર કરે તેને પણ સહપ્રવાસી તો કહેવાય જ. ઘણી વાર આખી સફર દરમિયાન એક અક્ષરની ને આપણા રિવાજ પ્રમાણે નાસ્તાની સુધ્ધાં આપ–લે ન કરે તેને પણ સહપ્રવાસી કહેવાય. અમારા સહપ્રવાસીઓ કોણ હતા? જોડાં કે કજોડાં તે તો નીં ખબર પણ બે જોડાં હતાં, પૂરાં ભારતીય. એક જોડું હતું સિંધી અને એક મુસ્લિમ. અમારે કોઈની જાતપાત જાણવાની કેમ જરૂર પડી? ભઈ એ તો જાણવું જ પડે. ભારતીય માનસિકતા! શું અમે પેલાં સિત્તેર વર્ષના બ્રાઝિલવાળા કાકા–કાકીને પૂછવા ગયાં કે તમે કઈ જાતનાં? શું પેલી બે જાપનીઝ બહેનોને પૂછવા ગયાં કે, ‘ભલે એમ તમે જાપાનથી આવો પણ તમારી કોઈ જાતપાત તો હશે ને?’ આવી બધી જ તો સફરની મજા છે, બાકી ચૂપચાપ સફર કરવામાં કંઈ મજા નથી. એમ તો અમે ત્રણ જણ તો હતાં જ પણ તોય, સમજ્યાં ને તમે?

ગાડીમાં બેસતાં જ ‘હાય–હલો’ થયું ને પછી ‘મુંબઈમાં ક્યાં રહેવાનું?’ પૂછતાં જ પેલી બંને જણીઓ લાગી પડી. એ લોકોને, અમને જણાવવાની ચટપટી હતી કે, મુંબઈમાં એ લોકો ક્યાં રહેતાં હતાં ને એ લોકો કેટલા ‘મોટા’ લોકો હતા!
‘હમ લોગ તો સાહરુખકે બંગલેકે સામને હી રહેતે હૈં. મેરા લરકા સાહરુખકે બેટેકે ક્લાસમેં હૈ ઔર (બીજી તરફ ઈશારો કરતાં) ઈસકી લરકી સાહરુખકી બેટીકે સાથ પરતી હૈ.’ એટલે પેલી બીજીએ જરા ડોક ટટાર કરી ને વાળ પર સ્ટાઈલમાં હાથ ફેરવીને અમને અછડતી સ્માઈલ આપી. (હંહ! બહુ મોટી આવી સાહરુખની પાડોશણ. એવા તો બો સાહરુખ જોઈ કા’ઈડા. અમે હો અમિતાભ ને ધર્મેન્દ્રના જમાનાના છે હેં કે! વિનોદ ખન્નાને હો જોયલો ને સંજીવકુમારના, અમિતાભના ને રાજેસ ખન્નાના ઓટોગ્રાફ હો લીધેલા. અમને હું ખબર કે તમે મલહો, નીં તો ડાયરી હાથે લાવતે ને તમને મો’ડા પર મારતે. એ તો તે ટાઈમે મોબાઈલ નીં ઉતા એટલે, નીં તો રોજની સેલ્ફી મોકલતે તમને. બો હુસિયારી નો માર.)

અમે ચુપચાપ એના લવારા સાંભળ્યા કર્યા. મને તો જલસા થઈ ગયા. આખી સફરમાં આ લોકોને જોવાની મજા પડવાની. હાશ, આવેલું સફળ થઈ ગયું. એમના બંનેના વરમાંથી એક બિચારો ડાહ્યોડમરો હતો, જે બે મોબાઈલમાં બિઝી રહેતો ને એનો બિઝનેસ સાચવ્યા કરતો. એ કદાચ પત્નીના કહેવાથી આ સફરમાં જોડાયો હતો. મોબાઈલમાંથી ઊંચું જુએ ત્યારે આમતેમ ડાંફરિયાં મારી લે, કોઈ જોતું હોય તો તેની સામે સ્માઈલ આપી દે ને ફરી એના મોબાઈલમાં ઊંડો ઉતરી જાય. જ્યારે બીજો, મોં પર કોઈની ખીજ લઈને ફરતો હતો. જાણે કે, મોકો મળે તો હમણાં કોઈની સાથે લડવા ઉતરી પડે ને બે ચારને તો ઘાયલ કરી જ દે. આ માણસ કોઈ વાર હસતો હશે કે કેમ? ને એની ઘરવાળી તો કેટલી હસમુખી ને મીઠડી છે. સતત બોલ્યા જ કરે છે ને હસ્યા જ કરે છે. ચાલો, જાં હુધી આપણને નીં નડે ત્યાં હુધી વાંધો નીં. આગળ ઉપર કંઈ થહે તો જોયું જહે.

થયેલું પાછું એવું કે, અમે ભારતીયો બધા પાછળ બેઠેલાં ને પરદેશીઓ બધા આગળ! તેમાંય અમે તો છેક છેલ્લી સીટ પર એટલે આખો સમય પેલા લોકોની હરકત પર ધ્યાન ન આપવું હોય તોય અપાઈ જાય! જોકે, એક જ દિવસ અમારા માટે નવાઈનો રહ્યો, પછી તો અમેય એમનાથી કંટાળવા માંડ્યાં. લાંબી સફર ને સતત એકના એક હમસફરમાં આમ થવું બહુ સ્વાભાવિક છે. (એટલે સ્તો અમે ઘરથી દૂર નીકળી પડેલાં!) મજા તો ત્યારે આવતી જ્યારે કોઈ જગ્યાએ ગાઈડ ગાડી થોભાવીને બધાંને કોઈ સ્થળ જોવા લઈ જતો. ગાઈડ તો પૂરી નિષ્ઠાથી અમને બધું બતાવવા આતુર રહેતો પણ ફક્ત પેલા પરદેશીઓ ખૂબ જ મગન થઈને બધું સાંભળતાં ને બધું બહુ રસથી જોતાં. અમારામાંથી પારુલને રસ હતો તે ધ્યાન લગાવી ઊભી રહેતી.

પેલા ચાર હમસફરોમાંથી એક તો સ્વાભાવિક છે કે, એના મોબાઈલમાં જ રત રહેતો. જ્યારે એની પત્ની ઉતરતાં વેંત ગૉગલ્સ ચડાવીને સતત વાળમાં હાથ ફેરવીને વાળને સરખા કરવાના વહેમમાં રહેતી. પવનથી ઉડ્યા કરતા વાળને હાથેથી કોણ સરખા કરી શક્યું છે? વહેમ બહુ ઉમદા ચીજ છે. ખેર, એની સહેલી–પેલી બોલકણી, જેવી ગાડીમાંથી ઉતરે કે દોડતી જઈને એકાદ મોટો પથ્થર કે એકાદ બેંચ કે એકાદ ઝાડ કે ઝાડનું ઠુંઠુંય ચાલે અથવા કોઈ જાણીતી વ્યક્તિનું પૂતળું કે કોઈ વર્લ્ડ ફેમસ તૂટેલો થાંભલો હોય તો તે શોધીને તેની આગળ જઈને ઊભી રહી જતી, સરસ પોઝ આપીને!


હવે તે સમયે એના પેલા ધુંધવાયેલા વરે શું કરવાનું? તો જ્યાં જયાં પેલી જાય ને જેવા જેવા પોઝ આપતી રહે, ત્યાં ત્યાં ને તેવા તેવા એના ફોટા પાડ્યા કરવાના! કેટલો કહ્યાગરો વર! વાહ! બાકીનો ટાઈમ એ બધી જોવા જેવી જગ્યાની ફિલ્મો ઉતાર્યા કરતો. ભલા માણહ, જે નરી આંખે જોવાનું છે તેની આ અદ્ભૂત વાતાવરણની હાથે મજા લે નીં. ઘેરે જઈને વિડિયો જોવામાં આ બધી મજા નીં આવહે. આ બધુ તો તને ગુગલ પર હો મલી રેહે. મને લાઈગુ કે, નક્કી એને આ બધુ ગમતુ નીં ઓહે, તો જ બધો ધુંધવાયેલો ફઈરા કરતો ઓહે. હારા આ મોબાઈલે તો બધાની ફરવાની મજા જ બગાડી લાખી. ચાલો, જવા દેઓ. આપણે હું? પે’લ્લે દા’ડે તો અમારા હારુ હો આ બો મજાની ગમ્મત ર’ઈ પણ પછી અમે હો એ લોકને જોઈએ કે બધે ફરીએ? એ લોકો તો પૈહા બગાડતા છે પણ અમે તો વસૂલ કરીએ કે નીં? અમે તો ઉતરતી વખતે એ લોક પર નજર લાખી લેતા ને પછી ગાઈડ હામે જઈને ઊભા રે’તા. જે હાંભર્યુ તે ને જે હમજણ પડી તે. મારા હારુ તો, મારી બે બે’નો બધુ યાદ રાખહે એટલે મારે તો બાઘાની જેમ ગાઈડને જોવાનો જ ઉતો. અ’જુ તો આ સહપ્રવાસીઓ હાથે ચાર દા’ડા કા’ડવાના ઉતા ને એમાં હું થવાનું ઉતુ હું ખબર?