રવિવાર, 23 એપ્રિલ, 2017

હાથીની સૂંઢમાં હીચકા–––(૧૫) અને લેડીઝ બારમાં એક સાંજ !–––(૧૬)


‘નૉંગ નૂચ વિલેજ’ કહો કે ‘નૉંગ નૂચ ગાર્ડન’ કહો, આટલી વિશાળ જગ્યામાં રોજના હજારો પ્રવાસીઓને આકર્ષવા અને આખો દિવસ પણ ઓછો પડે એટલું સતત મનોરંજન પીરસવું, બધી ઉત્તમ સગવડ સહિત એ જેવી તેવી વાત નથી. તે પણ પાછું, દરેક ઉંમર, દરેક દેશ અને દરેક જાતના લોકોને ! આપણા મગજમાં રહેલા, ફૂલોથી લદાયેલા સુંદર ડિઝાઈનર બગીચાઓના આખા નકશાને આ બગીચો ઊંધો કરી નાંખે. માટીના નાના નાના ગ્લાસ ઊંધા ગોઠવીને બનાવેલી કેટલીય કમાનોની વચ્ચે ફૂલોની રંગત જોવા મળે. પ્રવેશદ્વારે જ રંગીન કાકાકૌઆ એક તરફ તમને ફોટા પાડવા લલચાવે, તો બીજી તરફ ઝાડ નીચેના ઓટલા પર, બાંકડા જેવી જગ્યાઓ પર તમને તંદુરસ્ત વાઘબાળ બેઠેલા પણ દેખાય અને સાંકળથી બાંધેલા વાઘ પણ એમના ટ્રેનર સાથે બેઠેલા હોય, ઠાઠથી ! તમે જો ચાહો તો વાઘની પીઠ પર ધ્રૂજતાં ધ્રૂજતાં હાથ પણ પસવારી શકો, વાઘને અડવાનો રોમાંચ પણ માણી શકો ને વાઘબાળને એ લોકો આપે તે જ બૉટલથી દૂધ પણ પીવડાવી શકો. આ બધી હિંમત ન હોય તો અથવા પૈસા ન બગાડવા હોય તો, બીજાને જોવાનો આનંદ લઈ લેવો.

અમારા ગ્રૂપમાં તો ફ્રીડમ ફાઈટર જેવી કેટલીય ઝાંસીની રાણીઓ હંમેશાં આવા પરાક્રમ માટે તૈયાર જ રહેતી. જ્યાં મોકો મળે ત્યાં કૂદી પડે. પાછી ઘરનાંને ખાતરી કરાવવા જાતજાતના પોઝમાં ફોટાય પડાવી લે. ઘણી ફૂલોની–બગીચાની શોખીન સ્ત્રીઓ, જૂની હીરોઈનોની જેમ ગીત ગાતી હોય તેમ ઝાડની ડાળી પકડીને, થોડું શરમાઈને ફોટા પડાવતી. કેટલીક પરફેક્ટ મૅચિંગની શોખીન લલનાઓ તો વળી, પોતાનાં કપડાં સાથે મૅચ થાય તેવાં ફૂલોના બૅકગ્રાઉન્ડ આગળ ફોટા ખેંચાવતી ! આ પ્રવાસની જો મોટામાં મોટી કોઈ ઉપલબ્ધિ હોય તો તે ફોટા ! અસંખ્ય ફોટા સતત ક્લિક થતા જ રહેતા, મોબાઈલમાં પણ અને કૅમેરામાં પણ. મોબાઈલ પરથી યાદ આવ્યું, પરદેશમાં ફરતી વખતે મોબાઈલ પર ભાગ્યે જ કોઈ રમણી ગૂસપૂસ કે ઘાંટાઘાંટ કરતી દેખાઈ ! મોબાઈલનો ચાર્જ મુસ્કાન છીનવી લે તેવો હોવાથી, ઘરે ખબર આપવા–પૂછવા પૂરતી વાતો કરી મોટે ભાગે બધાં મોબાઈલથી જાણે ડરતાં હોય તેવું લાગતું. આ બહાને પણ પ્રવાસમા એકંદરે શાંતિ હતી. જોકે એના ફાયદા ઘણા થયા.

રોજ રોજ નવી નવી ઓળખાણો થતી રહેતી. જો કોઈ એકલું આવ્યું હોય તો તેને પણ કંપની મળી રહે અથવા તેની પણ કોઈ ને કોઈ તો કાળજી લેતું રહે, એટલી બધાંની નજર સતત બધે ફરતી જ રહેતી. બાકી મોબાઈલ ક્યાં કોઈને જોવાની પણ ફુરસદ આપે છે ? વાતો ને મજાકમસ્તીની સાથે સાથે અંતાક્ષરીની મજા પણ લેવાતી. એવું લાગતું જાણે કે, જ્યાં જાય ત્યાં મેળાનું વાતાવરણ ખડું કરી દેવામાં સ્ત્રીઓની માસ્ટરી છે. કોઈ એકલું બેસી રહ્યું હોય કે ઉદાસ ફરતું હોય એવું ક્યારેય નજરે નથી પડ્યું.

મોબાઈલને લઈને શરૂ શરૂમાં સૌને થોડી તકલીફ પડેલી. મોબાઈલ ચાર્જ ક્યાં કરવા ? રૂમમાં કશે સ્વિચબોર્ડ દેખાયા નહીં એટલે જાસૂસની અદાથી અમે તો ઘુંટણિયે પડીને પણ ફર્નિચરની પાછળ ને નીચે બધે જ શોધી વળેલાં. આખરે એક– બે જગ્યાએ બોર્ડ મળ્યાં ત્યારે ચાર્જરની પિને નખરાં કર્યાં. કંટાળીને છેલ્લે અમે રિસેપ્શન પર ફોન કર્યો ત્યારે રૂમ અટેન્ડન્ટ આવ્યો પણ ભાષાની મગજમારી ! અમે તો બન્ને હાથમાં મોબાઈલ ને ચાર્જર ને વાયર એને બતાવીને આવડ્યા એવા ઈશારા કર્યા ત્યારે જેમતેમ મોબાઈલ ચાર્જ થયેલા. આવી બધી નાની નાની ખટપટો થયા કરતી ને ગમ્મતમાં વધારો કર્યા કરતી.

બગીચો જોવાઈ રહ્યા પછી જાતજાતના શો જોવાની શરૂઆત થઈ. પહેલો જ થાઈ કલ્ચરલ શો હતો. આ સંપૂર્ણપણે સાંસ્કૃતિક કાર્યક્રમ હોઈ એમાં થાઈ સ્ત્રી–પુરુષો ને બાળકો પણ કલાકાર તરીકે દેખાયાં. પ્રેક્ષકોમાં તો દુનિયાભરના ટુરિસ્ટો. બેઠક–વ્યવસ્થા પણ બહુ ભભકાદાર નહીં. સ્ટેડિયમ જેવા બાંકડા ગોળાકારમાં રાખેલા પણ ઠંડા પાણીના હળવા ફુવારા અને મોટા ઊભા પંખાને કારણે હૉલમાં ઠંડક રહેતી. સ્કૂલના બાળકો પણ મોટી સંખ્યામાં આ શો જોવા આવેલા. બધા શોના સમય નક્કી હોવાથી શોના છૂટવાની સાથે જ સ્ત્રીઓનો ગભરાટ ચરમ સીમાએ પહોંચી જતો. કોણ વહેલું ભાગે ને કોણ પહેલાં જગ્યા રોકે ? ઘુંટણની તકલીફવાળી તો કેટલીય સ્ત્રીઓ હતી, જેમને હંમેશાં પાછળની સીટ જ મળતી. જોકે, પછીથી વિનંતી કરાતાં આગળના બાંકડા એમના માટે ખાલી રખાવા માંડ્યા.

બીજો શો હતો હાથીના ખેલનો. બાળપણની યાદો તાજી થઈ જાય એવા શો જોવાની સૌને મજા પડતી હતી. આ વખતે આગળ દોડીને જગ્યા રોકી બેસી ગયેલી સ્ત્રીઓએ પીછેહઠ કરવી પડી. કારણ ? તો ભઈ, હાથી જ્યારે સૂંઢમાંથી પાણીનો ફુવારો છોડશે ત્યારે બધાના કપડાં ને મોંઘા કૅમેરા ને ચશ્માં ને નાસ્તા ને.....કેટલું બધું સાચવવાનું ? ઉતરેલા ચહેરે એ બધીઓ જગ્યા શોધતી શોધતી પગથિયાં ચડતી ચડતી પછી છેક છેલ્લે જઈ બેસે. શું થાય બીજું ? એ તો વારા પછી વારો ને તારા પછી મારો !

હાથીના શો તો આપણે સર્કસમાં ને ટીવીમાં ઘણી વાર જોયા હોય, ખાસ નવાઈ ના લાગે. નવાઈ તો ત્યારે લાગે, જયારે એના જેવી જ કોઈ સ્ત્રી એની સૂંઢમાં બેસીને મજેથી હીંચકા પણ ખાય અને પાછી પૈસા ખર્ચીને ફોટા પણ પડાવે ! ઘણે વર્ષે હાથીના શો જોઈને સૌને મજા પડતી હતી, તેમાં આવા ખેલ ઉમેરો કરતા હતા. આવી બધી જગ્યાઓએ પૈસા કમાવાના આ જ તો રસ્તા હોય છે. મનોરંજનની સાથે કમાણી. સ્ત્રીઓ તો હાથીઓને નાસ્તો કરાવવામાં, હાથી સાથે ફૂટબૉલ રમવામાં, હાથીસવારીની મજા લેવામાં ને એમની સૂંઢમાં હીંચકા ખાવામાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે બીજા શોમાં પણ જવાનું છે તે ભૂલી ગઈ ! આખરે એમને રીતસરની આજીજી કરવી પડ, ‘પ્લીઝ, આ હાથીઓની દયા ખાઓ ને બીજો શો જોવા જાઓ. ’

વળી બીજા શોમાં જગ્યા રોકવાની છે તે યાદ આવતાં બધી વહેલી વહેલી ડગલાં ગણતી ભાગી ‘કાઉ બૉય શો’માં !

લેડીઝ બારમાં એક સાંજ !–––(૧૬)

‘નૉંગ નૂચ’ની વિશાળ જગ્યામાં અહીંથી ત્યાં દોડાદોડી કરતાં કરતાં સૌ ધીરે ધીરે થાકવા માંડ્યાં હતાં. તોય, નવા નવા શો જોવાની તાલાવેલી કે પછી, ‘અમે રહી ગયાં ને બધાં દોડી ગયાં’ની લાગણી અથવા ‘બધાં શો જોતાં હશે ત્યારે અમે નવરા બેસીને શું કરશું?’ જેવું કંઈક વિચારીને પણ, રંગબેરંગી ધાડાં જ્યાં આદેશ થાય ત્યાં બધે પહોંચી જતાં ખરાં! કદાચ બીજા ટુરિસ્ટોને આ ખેલ જોવાની મજા પણ આવી હશે. એમને તો બીજા બધા શો કરતાં કદાચ અમારી દોડાદોડીમાં વધારે ગમ્મત પડી હશે–જો ઝીણવટથી દરેકની ચાલઢાલ જોઈ હશે તો! વાતોમાં તો મને ખાતરી છે કે, એમને કંઈ સમજ નહીં પડી હોય પણ જેને બોડી લૅંગ્વેજ કહેવાય તે તો ઈન્ટરનૅશનલ લૅંગ્વેજ! આનંદ જ મેળવવો હોય તો આંખ ને કાન ખુલ્લાં હોય પછી બીજું શું જોઈએ? ને સામે સ્ત્રીઓનાં ટોળેટોળાં હોય પછી કંઈ કહેવાપણું રહે?

ખેર, એલીફન્ટ શોની મજા માણ્યા પછી વારો હતો ‘કાઉબૉય્ઝ શો’નો. હૉલીવુડની કોઈ જૂની ફિલ્મના સેટ પર આવી પહોંચ્યાં કે શું? લાગતું તો એવું જ હતું. અદ્દલ ગામડું ઊભું કરેલું. અંગ્રેજી ફિલ્મોના શોખીનોને તો ક્લિન્ટ ઈસ્ટવૂડ ને ગ્રેગરી પેક પણ દેખાવા માંડ્યા હશે કદાચ. અચાનક જ એક ખૂણેથી ચાર ઘોડાની હણહણાટી સંભળાઈ અને તે સાથે જ મોટી ઝૂંપડીમાંથી, પોનીટેલવાળી ગોરી યુવતી ચીસાચીસ કરતી બહાર દોડી આવી. એણે ઝૂલવાળી લાંબી બાંયો ને ઝાલરિયા કૉલરવાળું સફેદ બ્લાઉઝ પહેરેલું, જેને એણે ફૂલોની ડિઝાઈનવાળા લાંબા ગુલાબી સ્કર્ટમાં ખોસેલું. એ યુવતી મદદ માટે ચીસો પાડતી હતી પણ પેલા ચાર ઘોડેસવારોના આવી જવાથી કોઈ મદદ માટે આવ્યું નહીં. પેલા ઘોડેસવારોએ કમરેથી સ્ટાઈલમાં પિસ્તોલ કાઢીને હવામાં બે–ચાર ગોળીઓ છોડી અમસ્તી જ બગાડી. એમાં પેલી છોડીએ બે ચીસ વધારે પાડી! એવામાં ઝૂંપડીનો દરવાજો તોડી કોણ જાણે ક્યાંથી પણ પ્રગટ થયેલા હીરોએ ખાસ અંદાજથી બે ખિસ્સામાંથી બે રિવોલ્વર કાઢી અને ધાંય ધાંય ગોળી છોડીને પેલા ચાર ઘોડેસવારોને ઘોડા પરથી ગબડાવી પાડ્યા. સ્કૂલના ટાબરિયાંઓને બહુ મજા પડી રહી હતી તે એમની તાળીઓ ને હસવાના અવાજોથી જણાઈ રહ્યું હતું. અમારું ગ્રૂપ તો થોડી વારમાં કંટાળ્યું, કારણકે આજકાલની હિન્દી ફિલ્મોના સ્ટંટ તો ક્યાંય આગળ વધી ચૂકેલા ને ભરપૂર મનોરંજન પણ આપે તેવા હોવાથી ધીરે ધીરે સૌ બહાર નીકળી ગયાં. હવે સૌના ચહેરા પર થાક દેખાતો હતો. સમજુ ગાઈડે નજીકની જ એક જગ્યાએ સૌને થાકની સાથે આઈસક્રીમ ખાવા બેસાડી દીધાં.

બહાર નીકળતી વખતે સૌ મંકોડા ગાર્ડનમાંથી પસાર થયાં! અહીં નાના મોટા, રંગબેરંગી મંકોડાથી દિવાલો સજાવેલી. આજુબાજુ જ્યાં નજર પડે ત્યાં, દેડકાં ને ડુક્કરના જાતજાતના પૂતળાં(!) ગોઠવેલાં. આપણે ત્યાં મોર–પોપટ–હાથી–ઘોડા જેવા પ્રાણીઓ દેખાય જ્યારે અહીં? આપણાથી કોઈનામાં ડહાપણ કેમ થાય? હવે ચાલી ચાલીને સૌ કંટાળેલાં, સાથે લાવેલા પડીકાંમાંથી ફાકા મારવામાં પણ મજા નહોતી આવતી. આઈસક્રીમે તો પળભરની રાહત આપી પણ ખરેખર તો ભોજનનો સમય થયો હોઈ સૌના પેટમાં આગ લાગી હતી. મનપસંદ ગરમાગરમ ભોજનની સૌને આદત પડવા માંડી હતી એટલે બધાં બસમાં ગોઠવાઈ ગયાં. જમ્યા બાદ મોટે ભાગે બસમાં સૌ નાની મોટી ઝપકી લઈ લેતાં ને બાકીના સમયમાં ગપ્પાં મારી લેતાં જેથી સાંજના કાર્યક્રમ માટે ફરીથી તાજામાજા થઈ જવાય.

સાંજે તો, પટાયાના ફેમસ ‘લોટસ ટેસ્કો મૉલ’ માં ફરવાનો અને શૉપિંગનો સૌનો મનપસંદ પ્રોગ્રામ રાહ જોતો હતો. સૌને ખબર હતી કે, શૉપિંગ માટે પટાયા કરતાં બૅંગકૉક વધારે મોટું, સસ્તું અને પ્રખ્યાત છે છતાં....! છતાં જોવામાં અને કંઈ ગમી જાય તો લેવામાં શો વાંધો? કોઈ પણ મૉલ ગમે તેટલો મોટો કેમ ન હોય પણ ત્યાં જો એકસામટી પાંચસો સ્ત્રીઓ, એક પછી એક આવતી જ જાય તો મૉલના દરવાજા, દિવાલો ને સ્ટાફની સાથે ત્યાં હાજર રહેલા બીજા ટુરિસ્ટોમાં પણ ધરતીકંપની અસર વર્તાયા વગર રહે? એ તો સારું કે ટૂરના આયોજકો આવા બધા હુમલાઓથી સારી રીતે ટેવાઈ ગયેલા, એટલે મૉલમાં દાખલ થતાં પહેલાં જ બધાંને સૂચના આપી દીધેલી, ‘અમુક નક્કી સમયે મૉલની બહાર બધાંએ ભેગાં થઈ જવું, નહીં તો બસ તમને મૂકીને જતી રહેશે.’ બસ, આ એક જ બીક સૌને સમયસર, નિર્ધારીત જગ્યાએ હાજર કરી દેતી. જોકે, અમુક જડ કહી શકાય તેવી શૉપિંગઘેલીઓને આજીજી કરીને કે પછી હાથ પકડીને ખેંચીને બહાર કાઢવી પડતી! ‘ભઈ, બીજાઓ માટે પણ કંઈ રહેવા દો.’ શૉપિંગનો સમય પૂરો થતાં જ, શૉપિંગથી થાકેલી (ના ના, એવું તો કેમ કહેવાય? પણ શૉપિંગથી ન ધરાયેલી રમણીઓને આખરે ભોગ ધરાવવા માટે એક લેડીઝ બારમાં લઈ જવાઈ!

બારના નામ માત્રથી બધાનાં મોં પરના હાવભાવ જાતજાતની રંગોળી પૂરવા માંડ્યા. પેલા મસાજ પાર્લરનું નામ પડતાં જેવી હાલત થયેલી, તેવી જ હાલતના સૌ શિકાર બનવા માંડ્યાં. બારમાં જવાનું? ત્યાં ફિલ્મોમાં બતાવે છે તેવું જ વાતાવરણ હશે? કે કંઈક નવું હશે? દારૂની વાસ ને સિગારેટના ધુમાડાથી ગંધાતું હશે કે પછી પીધેલાઓની વચ્ચે કોઈ ડાન્સરનો ડાન્સ ચાલતો હશે? હિન્દી ફિલ્મના ચિત્રો બધાંની આંખમાં આવીને ગોઠવાઈ ગયાં. અવઢવમાં ગભરાતી બહેનો ને કંઈક નવું, ન જોયેલું જોવા મળવાનું જાણી ખુશ થતી મસ્તીખોર બહેનો આખરે એક ઈન્ડિયન ડિસ્કૉથેકની સામે ધડકતા દિલે આવી પહોંચી.

ડિસ્કૉથેકનો દરવાજો ખૂલતાં જ રંગીન લાઈટોના ઝબકારા ને ધાંય ધાંય મ્યુઝિકે સ્ત્રીઓના મોં પર ચમક લાવી દીધી. અરે વાહ! ડિસ્કો ને મ્યુઝિક? અંદરખાને બાર વિશે જાણવાની પણ સૌને ચટપટી હતી. ટૂરના પૈસા તો અહીં જ વસૂલ થઈ ગયા! એક તરફ ગરમ ગરમ છોલે–પૂરી ને ગુલાબજાંબુની ડિશો તૈયાર હતી જે લઈને, બધાંએ પોતપોતાની જગ્યા શોધી બેસી જવાનું હતું. જેમને જમવાની ઉતાવળ નહોતી તે સૌ ડાન્સફ્લોર પર જઈને મ્યુઝિકના તાલે તાલે હલવા માંડી હતી. હલવાનું ધ્રૂજવામાં અને ધ્રૂજવાનું ધુણવામાં બદલાવા માંડ્યું કે પ્રેક્ષકોને ભરપૂર મનોરંજન મળવા માંડ્યું.

આ ફક્ત નામનો બાર હતો. બાકી અહીં ધુમ્રપાન અને મદિરાપાનનો કડક નિષેધ હતો. મને ખાતરી છે કે, જો આ બે વાતનો નિષેધ ના હોત તો, અહીં પણ ધુમાડાના ગોટેગોટાની વચ્ચે ઝૂમતી લલનાઓ જોવા મળી જ જાત! અહીં કહેવા કે પૂછવાવાળું તો કોઈ હતું નહીં. પરિણામની બીકે જ કદાચ આ લોકોએ આ બારને ‘જય મણિબહેન બાર’ બનાવી દીધો હશે. ધારો કે, અહીં કાબૂ બહાર ગયેલી અમુક લલનાઓ ઢળી પડત તો એમને ઊંચકીને બસમાં કેવી રીતે ચડાવત? ખેર, એવું કંઈ બન્યું નહીં અને સાંજ બહુ મજેની રહી. કેમ ન રહે? જ્યાં ડાન્સ ફ્લોર પર ઝૂમતી યુવતીઓ સૌને પોતાના તરફ આકર્ષવામાં સફળ રહી હતી. એમને જોઈને તો, જે સ્ત્રીઓ કાયમ પલાંઠી વાળીને  કે પગ લંબાવીને આરામથી ઘરમાં બેસતી હશે, તે સ્ત્રીઓએ પણ મ્યૂઝિકના તાલે બે ઠેકા મારી લીધા હશે–જગ્યા પર બેઠાં બેઠાં જ! મને તો ખાતરી છે.

બધી ધમાલ પૂરી થતાં લગભગ સાડા દસ વાગી ગયા. કોઈની પાછા ફરવાની મરજી ના જણાઈ. આખી રાત જો બેસાડી મૂકત તો પણ બધાં બેસી રહેત. ને ડાન્સ ફ્લોર પણ ધમધમ્યા કરત જો બધાંને માનથી હાથ પકડીને નીચે ના ઉતાર્યાં હોત તો! એક યાદગાર રાતની યાદ લઈને સૌ બારની બા’ર નીકળ્યાં. થોડું ચાલીને બધાંએ બસમાં હૉટેલ તરફ રવાના થવાનું હતું પણ રસ્તામાં એક એવું દ્રશ્ય એમની રાહ જોઈ રહ્યું હતું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી! ચાલતાં ચાલતાં સૌને પટાયાની ઝાકઝમાળ પાછળનો અસલી ચહેરો જોવા મળ્યો. રસ્તાની બન્ને બાજુએ નાની નાની ખુલ્લી હૉટેલોમાં, રંગીન રોશનીમાં નહાતી સુંદર, ગોરી કન્યાઓ મસ્તીમજાક કરતી જણાઈ. રસ્તા ઉપર પણ સજીધજીને ઊભેલી કે રખડતી બાળાઓ ગ્રાહકોની રાહ જોતી હતી. આ પટાયાની બહુચર્ચિત પ્રખ્યાત કે કુખ્યાત નાઈટલાઈફનો વરવો ચહેરો હતો. આમાં કેટલીક તો બાર–પંદર વર્ષની પણ લાગતી હતી! આ છોકરીઓને જોતાં જ કોઈ અપરાધભાવથી કે કરુણાથી એકદમ શાંત થઈ ગયેલી બધી જ સ્ત્રીઓ ચૂપચાપ જઈને બસમાં ગોઠવાઈ ગઈ. પહેલી વાર જ બસમાં સન્નાટો હતો. હકીકત તરફ આંખ મીંચી દેવા સિવાય કોઈ કંઈ કરે છે? અમે પણ શું કરીએ? અહીં તો બધું કાયદેસર છે પણ ફક્ત અઢાર વર્ષની ઉપરની બાળાઓ માટે જ, છતાંય? બધે જ કાયદા અને પોલીસ કે સરકારની સાંઠગાંઠ? 

રવિવાર, 16 એપ્રિલ, 2017

‘નૉંગ નૂચ’ તરફ કૂચ–––(૧૪)


‘ગ્રાહકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે.’ આ સૂત્રને ટૂર વ્યવસ્થાપકે બરાબર પચાવેલું અને એની અસર સૌને ડગલે ને પગલે દેખાતી રહેતી. ફક્ત સ્ત્રીઓની જ ટૂર હોય, ત્યારે પહેલાં તો એમની સલામતી જોવી પડે. પછીનું લિસ્ટ તો બહુ લાંબું છે છતાં મુખ્ય મુખ્ય દરકાર જ ગણવી હોય તો, પહેરવેશ, ભોજન અને શૉપિંગ! સ્ત્રીઓની નાની નાની ખાસિયતોને ધ્યાનમાં રાખીને, ફરવાની સાથે સાથે મનપસંદ ભોજન અને ભરપૂર મનોરંજન પણ મળી રહે એનું પૂરતું ધ્યાન રખાયું હતું. સૌને પોતાની પસંદના કપડાં પણ ખાસ યાદ રાખીને પહેરવા મળે ને સૌની સાથે હોવા છતાં, સૌથી જુદા પડી આવવાનો શોખ પણ પૂરો કરવા મળે! એવું તે શું હતું એ વ્યવસ્થામાં?

છ દિવસની ટૂરમાં રોજનો ડ્રેસ કોડ અલગ! એક દિવસ પીળા રંગની પસંદગી કરવાની તો બીજે દિવસે વાતાવરણ ને મિજાજ બેય ગુલાબી થઈ જાય એવા રંગમાં સજવાનું. કોઈ વાર રાત્રે ડિનર પાર્ટીમાં કાળા વેસ્ટર્ન કપડાં પહેરીને મહાલવાનું તો ક્યારેક આસમાન ધરતી પર ઊતરી આવ્યું હોય એમ વાદળી–ભૂરો રંગ બધે છંટાયો હોય! સઘળે ધમાલ જ ધમાલ.ક્યાંય દુ:ખ, શોક,અફસોસ, આશ્વાસન કે ચડેલાં–ઊતરેલાં મોં જોવા ના મળે, આટલી બધી ભિન્ન ભિન્ન મિજાજની યુવતીઓ હોવા છતાં!

ખેર, ઓછા સમયમાં ઘણું બધું કામ–તૈયાર થવાનું, ખાવાનું, ફરવાનું ને થાકવાનું હોવાથી રોજ હૉટેલ પર પાછાં ફરતી વખતે જ સૌને બસમાં બીજા દિવસનું ટાઈમટેબલ સમજાવી દેવાતું. કેટલા વાગે ઊઠવાનું, ડ્રેસ કોડ મુજબ તૈયાર રહેવાનું અને નાસ્તો પતાવ્યા બાદ કયા સ્થળે ફરવા જવાનું તે સઘળું. અમે તો સૌ પેલા ‘લેડી બૉય્ઝ’ને યાદ કરતાં હતાં કે, બીજા દિવસે સવારે છ વાગ્યે ઊઠી આઠ વાગ્યા સુધીમાં ગુલાબી રંગમાં સજીધજીને પોતપોતાની બસ પાસે હાજર રહેવાની જાહેરાત થઈ ગઈ. તરત જ વાતનો વિષય બદલાઈ ગયો અને હૉટેલ પર જઈ કાલની તૈયારીમાં શું શું કરવું તેના મધુર વિચારોમાં સૌએ આંખો બંધ કરી દીધી.

રોજ જ નવાઈ લાગે એવી ઘણી વાતો બનતી રહેતી. આટલી બધી સ્ત્રીઓમાં ન બને તો જ નવાઈ! મોટામાં મોટી નવાઈની વાત એ હતી કે, પાંચસો સ્ત્રીઓ સવારે છ વાગે એક સાથે, કંટાળ્યા વગર ઊઠતી હતી વગર કોઈ બૂમે કે ચિંતાએ! સાત વાગે તૈયાર થઈને નાસ્તા માટે હૉલમાં હાજર થઈ જતી! અને અચરજની વાત તો એ કે, એક પણ સ્ત્રીના મોંમાંથી ખાવાની વસ્તુઓ બાબતે કોઈ કચકચ નહીં! ન સ્વાદ બાબતે કે ન રંગ બાબતે. આ બધો ઘરનાંની ગેરહાજરીનો પ્રતાપ હતો કે તૈયાર, ગરમાગરમ નાસ્તાની વૅરાયટીનો જાદુ હતો? આઠ વાગે તો પાછી નાસ્તો પતાવીને પણ બસ પાસે હાજર! મોડા પડવાની બીક કે રહી જવાની બીક? કોણ જાણે. આનંદની વાત એ હતી કે, હંમેશાં સૌ ખુશખુશાલ જ દેખાતી ને ફરવા જવાની બાબતે ગમે તે તકલીફ સહી લેવા ચૂપચાપ તૈયાર રહેતી. અહીં જોકે, ઘરની જેમ નખરાં, ફરિયાદ કે લાડને કોઈ અવકાશ જ ક્યાં હતો?

તે દિવસે પણ સવારમાં જ, ડાઈનિંગ હૉલમાં ગુલાબનાં એકસામટાં ફૂલોની સુગંધથી જાણે વાતાવરણ ખુશનુમા થઈ ગયું. રંગની સાથે સૌનો મિજાજ પણ ગુલાબી. વાહ! વહેલા વહેલા ને ગરમગરમ નાસ્તો કરવાની લહાયમાં કોઈને એકબીજા સામે જોવાની કે દેખાવનાં વખાણ કે ટીકા કરવાની પણ જાણે ફુરસદ નહોતી. જોકે બે–ચાર દિવસની ઓળખાણમાં ટીકા કરીને અળખામણાં બનવાનું કોને પસંદ હોય? એટલે, ‘હાય....યુ લુક સો બ્યુટીફુલ’ કે ‘વાઉ...સો પ્રીટી...’ કે ‘નાઈસ ડ્રેસ’ ને ફલાણું ને ઢીંકણુંને બાજુ પર મૂકીને સૌ ઝાપટવામાં મંડેલી. આ બધું તો પછી પણ થઈ શકશે.

કાંદાનાં ભજિયાંની સુગંધે તે દિવસે ભજિયાં–કાઉન્ટર પર ભારે ભીડ હતી. પટાયામાં પણ ભજિયાં ને ગરમાગરમ જલેબી? ભઈ, ટૂરવાળાના હાથમાં પ્રવાસીઓની નાડ હોય છે તે કેમ ભૂલાય? આવું બધું ખવડાવી પીવડાવીને તો એ લોકો બોર આપીને કલ્લી કઢાવી લે છે! જાણે છે કે, લૂલી પર લગામ કેટલા દિવસ રખાય? ચાર જ દિવસમાં કાંદાનાં ભજિયાં વગર રહી જશે તો બીજી વાર પાંચસોમાંથી સો પણ નહીં આવે. ખેર, આપણે તો ખાવાનું પહેલાં, સગવડ પહેલાં અને ફરવાનું છેલ્લે. એટલે જ કદાચ નાસ્તા માટે પૂરો એક કલાક અપાતો હતો. જાતજાતના ભારતીય ને વિદેશી ને થાઈ નાસ્તાઓની ભરમારમાં અટવાઈને, ઠૂંસ્યા પછી પણ ચા–કૉફી–જ્યૂસ ને ફ્રૂટ ડિશની જગ્યા સૌના પેટમાં, ટ્રેનની ભીડમાં ગોઠવાઈ જતા પેસેન્જરની જેમ સાંકડમૂકડ પણ થઈ જતી.

જવાનું હતું નૉંગ નૂચ વિલેજ. જોકે, ઉચ્ચારમાં બધાની જીભ લોચા વાળતી હતી પણ ચાલે એ તો. થોડા સમયમાં તો બધું ભૂલાઈ પણ જવાનું હતું. થોડો નાસ્તો સાથે રાખવાની સૌને તાકીદ કરાઈ હતી કારણકે, એ વિલેજમાં ખાસ્સું ચાલવાનું હતું, ફરતાં ફરતાં બધું જોવાનું હતું અને થોડા શોની મજા પણ માણવાની હતી. લગભગ બપોર થઈ જશે એ જાણીને નાનકડી પિકનિકની તૈયારી રૂપે સૌએ નાસ્તા–પાણીની ગોઠવણ કરી લીધી. થેલીમાં રેઈનકોટ/છત્રી પણ હાજર. ક્યારે વરસાદ પડે કંઈ કહેવાય નહીં.

એમ તો બૅંગકૉક ને પટાયા ભયંકર ગરમીના વિસ્તાર– ચામડી તતડાવી નાંખે. પણ કુદરતની મહેરબાની ગણો કે જે ગણો તે, અમારા બધા જ દિવસો વાદળછાયા વાતાવરણમાં જ વીત્યા. ન વરસાદ પડ્યો કે ન કાળઝાળ તડકો! હા, ગરમી ને ઉકળાટ ભયંકર, પણ કેમ સહન થયાં? જ્યાં ને ત્યાં ઠંડાં પીણાં ને આઈસક્રીમ ને ફ્રૂટની લલચાવતી લારીઓની હાજરી. બસ બીજું શું જોઈએ?

ઘણાં પ્રખ્યાત સ્થળો વિશે એવું કહેવાય કે, ‘ફલાણી જગ્યાએ જાઓ તો આટલું તો જોજો જ ને તેટલું તો કરજો જ.’ તેવું બૅંગકૉક માટે કહી શકાય કે, ફરતાં ફરતાં જ્યાં જે મળે તે ફ્રૂટની મજા તો લેવી જ. આખો દિવસ બીજું કંઈ ન ખાઓ ને એકલાં ફ્રૂટ જ ખાઓ તો પણ સંતોષ થઈ જાય એટલાં રસાળ ને સ્વાદિષ્ટ! જ્યાં ને ત્યાં છૂટથી મળી રહેતાં તરબૂચ ને પપૈયા ને અનાનસને તો જેટલી વાર જોઈએ એટલી વાર મોંમાં પાણી છૂટે. બીજા જે નવા ફ્રૂટ દેખાય તે પણ ખાવામાં કોઈ વાંધો નહીં, પૈસા પડી ગયાની લાગણી કોઈ વાર નહીં થાય.

મારા તો બહુ ધ્યાનમાં ન આવત પણ પલ્લવીબહેન ખાવા–ખવડાવવાના ભારે શોખીન, એટલે જ્યાં ફરીએ ત્યાં નવું કોઈ ફ્રૂટ એમની નજરે પહેલું ચડી જાય. ફ્રૂટ ચાખવા માટે પણ લઈ આવે ખરાં અને પછીથી અમે બન્ને, ‘મસ્ત છે’ કહેતાં એની મજા લઈએ. લારી પર મળતી જાતજાતની વાનગીઓમાં અમે બહુ જીવ વળગાવતાં નહીં, કારણ? એક તો પરદેશમાં માંદા પડવું પોસાય નહીં અને વળી એમાં કંઈ નૉન વેજ નીકળ્યું તો? નૉન વેજ ખાવાવાળા પણ લારી પર નહોતાં ખાતાં! ચીનાઓની અસરને લીધે બધાં જ જીવજંતુઓ ને પ્રાણીઓની જાતજાતની વાનગીઓ મળતી હોય ત્યાં અમુક જ ખાનારાંઓ ક્યાં બધું શોધવા જાય? એટલે મોટે ભાગે તો સૌ હૉટેલમાં જ સાથે જ જમી લેતાં.

લગભગ દસ વાગ્યે અમારી બસ ‘નૉંગ નૂચ વિલેજ’ના દરવાજે ઊભી રહી. છસ્સો એકરમાં પથરાયેલા એક સ્ત્રીના સામ્રાજ્યને જોવા અમે સૌએ કૂચ આદરી. એક...દો..એક....દો...

રવિવાર, 9 એપ્રિલ, 2017

પટાયાની અપ્સરાઓ–––(૧૩)


પ્રવાસ કરનારાઓમાં બે જાતના લોકો હોય છે. એક–જેઓ પ્રવાસના સ્થળની પૂરેપૂરી માહિતી મેળવી લે, ખાણીપીણીથી માંડીને જોવાલાયક જગ્યાઓના નામ, ફોટા સાથે લઈને ફરે. સ્થાનિક લોકો અને પૈસાના ચલણ પર, રસ્તાઓની વિગતો ને નકશા પર પણ નજર રાખે. અમુક ટકા આ લોકો સાથે હું સહમત છું પણ હું બીજા લોકોમાં ગણાઉં, જેમને પ્રવાસના સ્થળ વિશે અજાણ્યા રહેવું પસંદ હોય. ઉપરછલ્લી માહિતી મેળવવા સિવાય તદ્દન નાના બાળકના ભોળપણ ને વિસ્મય સાથે પ્રવાસ કરવાની જે મજા છે, તે બધું જાણીને ડાહ્યા થવામાં નથી. મને તો પૂછી પૂછીને પાણી પીવાની ટેવ એટલે પૂછીને પંડિત બનવામાં રસ. બીજું કંઈ નહીં.

જોકે બૅંગકૉક ને પટાયાના નામ એક જ ધંધાને લીધે બદનામ બની ગયા હોવાથી એના જોવાલાયક સ્થળો અને માણવાલાયક કાર્યક્રમોનો ઉલ્લેખ કરવાનું જ લોકો ભૂલી જાય છે. જેઓ ખરેખર ફરવા જાય છે, તેઓ યાદ રાખીને પટાયાના વર્લ્ડ ફેમસ કાર્યક્રમો જોવા જરૂર જાય છે. અમે પણ ગયાં.

શોનું નામ હતું ‘અલકાઝર શો’. લગભગ બારસો લોકોને સમાવતા વિશાળ હૉલમાં થતા આ અદ્ભૂત શોને એક વાર જોયા પછી, કદાચ દિવસો સુધી મગજમાંથી એની અસર નીકળે નહીં અને દિલ પર અમીટ છાપ છોડી જાય તે તો અલગ! લગભગ દોઢેક કલાકના સળંગ શોમાં એક પછી એક અફલાતૂન ડાન્સ રજૂ થતો જાય. એમાં તો, જાણે આકાશમાંથી એક પછી એક અપ્સરા ઊતરતી હોય એવી વર્ણનાતીત, ભવ્ય વસ્ત્રોમાં સજ્જ સુંદરીઓ ઝગમગ રોશનીમાં નહાતી, નાજુક ડગલાં માંડતી સ્ટેજ શોભાવતી રહે અને સંગીતના તાલે તાલે લોકોને મંત્રમુગ્ધ કરતી રહે. ન તો વચ્ચે કંઈ વિચારવાનો સમય રહે કે ન આમ તેમ જોવાનો. બસ, નિર્મળ ને નિર્ભેળ આનંદ જ આનંદ. બાળકો સાથે સૌથી જોઈ શકાય એવો આ શો વર્ષોથી કદાચ આજે પણ એટલો જ લોકપ્રિય છે. લાઈટ અને મ્યુઝિક બધું જ કમ્પ્યુટરાઈઝ્ડ! અમને તો એ બધી ડાન્સરો જ એટલી બધી ગમી ગયેલી કે, મનોમન અમે આપણી હીરોઈનોને બબડી લીધું, ‘આ લોકોની આગળ તો ક્યાંય પાણી ભરે, હંહ!’

જેવો શો પૂરો થયો કે, લોકો ટોળામાં જ હૂડૂડૂ કરતાં બહાર ભાગ્યા. અમને નવાઈ લાગી. આરામથી શોને વાગોળતાં વાગોળતાં નીકળવાને બદલે આ લોકોને એકદમ શાની ઉતાવળ આવી ગઈ? બે જ મિનિટમાં અમને જવાબ મળી ગયો. એક તો કાર્યક્રમનો જાદુ કે નશો જે ગણો તે, સૌના દિમાગ પર છવાયેલો હતો ને તેમાં પ્રેક્ષકોની વચ્ચે પેલી અપ્સરાઓ કોણ જાણે ક્યાંથી ફૂટી નીકળી! સૌની સાથે એ બધી પણ દરવાજાની બહાર ભાગતી હતી! મંત્રમુગ્ધ થયેલા લોકો તો એમને ઘેરીને સાથે સાથે બહાર નીકળવા માંડ્યા. બહાર કમ્પાઉન્ડમાં જઈને એ બધી, પોતાના કૉસ્ચ્યૂમ્સ અને હેરસ્ટાઈલ ઠીક કરતી, ફટાફટ જાતજાતના પોઝ આપીને ઊભી રહી ગઈ.

જેમ જેમ લોકો બહાર નીકળતા ગયા, ખૂબ નજીકથી ડાન્સરોને પોતાના કૅમેરામાં કેદ કરતા રહ્યા. ત્યાં ત્રણ–ચાર પ્રોફેશનલ કૅમેરામૅન પણ લોકોને ડાન્સરોની સાથે ફોટા પડાવવા માટે લલચાવતા હતા. એક તરફ સુંદરીઓની અદાઓથી ઘાયલ થઈને જેમતેમ હોશમાં આવેલા અને એમના રૂપથી મંત્રમુગ્ધ બનેલા લોકો અને બીજી તરફ એ રૂપાળીઓ સાથે જ યાદગાર તસવીર ખેંચાવવાનું લલચામણું આમંત્રણ! અજાણ્યા ટુરિસ્ટો તો, ફટાફટ બે ડાન્સરોની વચ્ચે જઈ એમના કોમળ હાથને પોતાના હાથમાં લઈ ખુશી ખુશી ફોટા પડાવી લેતા પણ જેવી એમની પાસે પૈસાની ઉઘરાણી થતી કે, એ લોકો હક્કાબક્કા થઈ જતા. ફોટો પડાવવાના પણ પૈસા?

અમે પણ ફસાયાં! સ્ત્રી હોવા છતાં, ચાર ચાસણી પણ ઓછી પડે એવી રૂપાળી લલનાઓના રૂપથી ઘેલી બનેલી અમે સાત–આઠ સ્ત્રીઓ વારાફરતી, એમની એક ઝલક મેળવવા, એમને હાથ લગાડીને સપનું નથી તેની ખાતરી કરવા અને ખાસ તો એમની સાથે ફોટો પડાવીને વટ મારવા માટે ઝડપથી બે ડાન્સરોની આજુબાજુ, ખોટેખોટી સ્માઈલ આપતી ઊભી રહી ગઈ! એ સુંદરીઓએ તો એમની હંમેશની આદત મુજબ મસ્ત પોઝ આપી અમને ઝાંખાં પાડી દીધાં, તોય ધન્યતા અનુભવતાં અને ખુશ થતાં અમે ત્યાંથી થૅન્ક યૂ કહી જવા માંડ્યાં. ત્યાંથી ખસતાં જ અમારી સામે એમના હાથ લંબાયા, ‘મૅડમ હન્ડ્રેડ બા’થ.’ (ખાલી હાથ લગાડવાના ને ફોટો પડાવવાના બસ્સો રૂપિયા? તે પણ દરેકના જુદા?)

‘અરે  હોય કંઈ? પૈસા વળી શાના?’ અમે સૌએ આનાકાની શરૂ કરી. ‘અમને શું ખબર? નહીં તો અમે ફોટો પડાવત જ નહીં.’ વગેરે વગેરે બબડતાં અમે પાંગળી દલીલો કરી પણ જમાનાથી ટેવાયેલાઓએ અમને ઘેરી લીધાં ને પૈસા કઢાવીને જ છોડ્યા! શો મફતમાં જોયો (જોકે એ ટૂરના પૈસામાં ગણી લેવાયેલું) ને વધારાનો ચાંદલો હીરોઈનોને જોવાનો નહીં પણ એમની સાથે ફોટા પડાવવાનો કર્યો. શો જોયાનો આનંદ સ્વાભાવિક જ અડધો થઈ ગયો.

શોની વાત કરતાં કરતાં સૌ બસમાં હૉટેલ તરફ પાછાં ફરતાં હતાં કે, પેલી થાઈ ટૂર ગાઈડે ધીરેથી રાઝ ખોલ્યો, ‘તમારા કોઈના ધ્યાનમાં આવ્યું કે, આપણે જે શો જોઈને આવ્યાં તે શોની ડાન્સરો છોકરીઓ નહોતી!’
આખી બસને એક જોરદાર આંચકો લાગ્યો. ‘હેં..એ..એ....!’
‘હા, અહીં છોકરાઓ આ ડાન્સ કરે છે. આ ડાન્સમાં કમાણી વધારે હોવાથી અહીંના વધારે ને વધારે છોકરાઓ; પોતાના શરીરને સ્ત્રીના જેવું બનાવીને, ટ્રેનિંગ લઈને, મેકઅપની મદદથી સુંદર બનીને આ ડાન્સ રજુ કરે છે. અહીં કોઈ છોકરાને એની શરમ પણ નથી. આ અમારા દેશનો કમાઉ ઉદ્યોગ બની ચૂક્યો છે, જેનાથી દેશને ધૂમ કમાણી થાય છે. ’

અમારી ચર્ચાનો વિષય પછી બદલાઈ ગયો. આટલા સુંદર છોકરાઓ પણ હોઈ શકે અને આટલો લચકદાર ડાન્સ પણ કરી શકે તે કોઈના માનવામાં જ નહોતું આવતું. પેલા બસ્સો રૂપિયાનો કોઈ અફસોસ પછી કોઈને પણ રહ્યો નહીં.

રવિવાર, 2 એપ્રિલ, 2017

જલપરી અને હવાઈ પરી!–––(૧૨)


પટાયાના જોવાલાયક સ્થળોમાં ‘કોરલ આઈલૅન્ડ’નો ઉલ્લેખ અવશ્ય કરવો પડે. સુંદર દરિયાઈ જીવસૃષ્ટિનો અદ્ભૂત નઝારો જોવા દેશવિદેશથી સહેલાણીઓ અહીં ઊતરી પડે. જોકે, એના માટે ખાસ ઓક્સિજન માસ્ક પહેરીને દરિયાના ઊંડા પાણીમાં ઊતરવું પડે. અમારા કાફલાની પાંચસો સ્ત્રીઓમાંથી પાંચમા ભાગની સ્ત્રીઓ પાણીમાં જવા તૈયાર થઈ, પણ પાણીમાં ગયા પછી એમનું શું થશે? એ વિચારે ડરીને જ બાકીની સ્ત્રીઓ તો દરિયાકિનારે ગોઠવેલી ખુરસીઓમાં ગોઠવાઈ ગઈ. અમસ્તી અમસ્તી જ થોડું ચાલીને થાકી જતી નાજુક, નમણી નારો લાંબી ખુરસીઓમાં પગ લંબાવીને આરામ ફરમાવતી બેઠી.

એક તરફ આ બધી સ્ત્રીઓ આરામ ફરમાવતી હતી, જ્યારે બીજી તરફ દરિયાઈ સૃષ્ટિ જોવા અધીરી બનેલી ને દરિયાથી કે એના અગાધ, ઊંડા પાણીથી ન ગભરાતી, વીર શિવાજી કે મહારાણા પ્રતાપની વંશજ હોવાનો દાવો કરી શકે, તેવી બહેનો તો ખાસ બોટમાં લાઈન લગાવીને ઊભી રહેલી. અમે બે પણ કમ તો નહોતી! બધે જ ‘યા હોમ’ કરીને કૂદી પડવાની ટેવ અહીં પણ કામ આવી. અમે પણ હોંશે હોંશે લાઈનમાં ગોઠવાઈ ગયેલાં. ‘અન્ડરવૉટર વર્લ્ડ!’ વાહ! હમણાં, અમે એ પાણીની સપાટી પર છીએ જેની નીચે જાતજાતના જળચરો પકડાપકડી રમે છે! ટીવી પર તો કેટલીય વાર ને ઘણી વાર ફિલ્મોમાં પણ જાતજાતની, રંગબેરંગી અદ્ભૂત માછલીઓ ને બીજાં અજાયબ પ્રાણીઓને જોયાં હતાં. જ્યારે આજે? આજે અમે એ સ્વપ્નનગરીનો જાતે અનુભવ કરશું. એક જ ડૂબકી ને જાદુઈ નગરીમાં સફર! સ્વર્ગ હવે હાથવેંતમાં જ નહીં પણ આંગળીના ટેરવે હતું. નાની નાની માછલીઓને હાથમાં લેવાની ચેષ્ટા કરશું ત્યારે એ કેવી સરકી જશે! અને પાણીમાં ચાલવાની મજા? જિંદગીભર યાદ રહે તેવો અનુભવ મળવાના વિચારે અમે  સૌ બહુ જ રોમાંચિત હતાં તે સૌના કલબલાટ પરથી જણાઈ રહ્યું હતું. સૌના શરીરની ધ્રુજારી અને હૃદયના ધબકારાને કારણે અચાનક જ હોડી હાલકડોલક થવા માંડી! હોડીવાળાએ ને અમારા ગાઈડે બધાંને ‘રિલેક્સ’ કહ્યું કે, હોડી પાછી સ્થિર થઈ ગઈ! કોઈને એ વિચાર કેમ નહોતો આવતો કે, નીચે જો શાર્ક કે મગર દેખાઈ જાય તો શું કરશું? જોકે, આ ખાસ પસંદ કરેલી જગ્યા હોવાથી કોઈએ ડરવાની જરુર નહોતી. એમ પણ પૈસા ભરાઈ ગયા હોય પછી કોઈ ભાગ્યે જ પીછેહઠ કરે!

બધી જલપરીઓને જાળીવાળા પ્લાસ્ટિકના બૂટ પહેરવાનું ફરમાન થયું. હોડીમાં થોડે થોડે અંતરે બૂટની નાની ઢગલીઓ મૂકેલી તેમાંથી માપનાં શોધીને બધાએ બૂટ પહેરી લીધાં, કોઈ પણ જાતની વરણાગી કે ચોખ્ખાઈની પંચાત કર્યા વગર! શરીરના વજન સાથે જો સાદા બૂટનું વજન વધી જાય તો ડૂબવામાં આસાની થઈ જાય! પણ આ તો સહેલાણીઓનું સ્વર્ગ અને સહેલાણીઓને સીધે રસ્તે સ્વર્ગમાં મોકલવાની, આ ધંધાદારી લોકોની જરાય ઈચ્છા નહીં એટલે એ લોકોએ બૂટમાં કાણાં રાખેલાં! દરેકે એક હાથમાં કપડાનું મોજું પણ પહેરવાનું હતું(હૅન્ડ ગ્લવ). પાણીમાં ઊતરતી વખતે સીડીના હાથા પર પકડ રહે અને દરિયાઈ જળચરમાં પોતાનો ઉમેરો ન થઈ જાય એટલે પણ! કોઈને નીચેની દુનિયા વધારે ગમી ગઈ અને બહાર આવી ગયા પછી પાછા જવાની જીદ કે લુચ્ચાઈ કરે તો? દરેકના હાથ પર ઓળખના સિક્કા મરાઈ ગયા. આપણા બધાના હાથ પર કાયમ જ આવા સિક્કા મારી રાખીએ તો? કેટલી બધી ઝંઝટમાંથી મુક્તિ મળે નહીં? કે ઝંઝટ વધી જાય? લોકો તો પછી એક બીજાના સિક્કા જોઈને એક બીજાને ઓળખવાના ચક્કરમાં જ ઉલઝેલા રહે! જવા દો માંડી વાળીએ.

બે લાઈનમાં બધી સ્ત્રીઓ જીવસટોસટના ખેલ માટે ઊંચા જીવે તૈયાર હતી. બધાંની નજર દરિયામાં ગરક થતી સીડી પર જ હતી. કોણ આવે છે? કોણ જાય છે? જેમ જેમ, એક એક સાહસિક બાળા સીડી પર જઈને ઊભી રહેતી કે, ત્યાં ઊભેલો તરવૈયો એના માથે એક મોટી હેલ્મેટ જેવો ટોપો પહેરાવી દેતો, જેમાં ઓક્સિજનનો પાઈપ જોડેલો રહેતો. જેવો ટોપો પહેરાવાય કે પેલો છોકરો ટોપાને નીચેની તરફ જોરમાં ધક્કો મારીને પેલી જલપરીને પાણીમાં સરકાવી દે.(કે ધકેલી દે?) પછી તો બસ, શાંત સમુદ્રની સપાટી પરથી જરાય કળી ન શકાય કે કોણ ક્યાં ગયું હશે? હેમખેમ તો હશે ને? પાછી તો આવશે ને? જોકે, સાહસિક કન્યાઓનું તો એક જ લક્ષ્ય હતું, દરિયામાં ડૂબકી! ને જળચરોની દુનિયામાં લટાર. પછી તો, હોડી પર હાજર હતાં તે સૌમાં ઉત્તેજના વધી ગઈ ને ક્યારે પોતાનો વારો આવે તેની રાહ જોવામાં સૌની નજર દરિયામાંથી હેમખેમ પાછી આવતી કન્યા પર ફરતી રહેતી. એણે અંદર શું જોયું હશે? ત્યાંની દુનિયા કેવી હશે? માછલીની સાથે કાચબા ને મગર ને દરિયાઈ ઘોડા પણ જોયા હશે? શાર્કનો ભેટો થયો હશે કે? બાપ રે!

પેલી પાછી ફરનાર નસીબદાર તો ખરી જ પણ એ એટલી બધી ખુશ અને રોમાંચિત હોય ને કે, એને દરિયાઈ ઘેનમાંથી બહાર નીકળતાં જ ખાસ્સી વાર લાગી જાય. તોય, બધાં સામે પહેલી આંગળી ને અંગૂઠાથી ઝીરો બનાવીને સૌને સંકેત આપી દે ખરી કે, ‘બહુ મસ્ત છે. મજા પડી ગઈ.’ પાણીમાં જવા પહેલાં બધાંને વારંવાર સુચના અપાયેલી કે, ‘તમને જરા પણ બેચેની લાગે કે ગભરાટ થાય, કે પછી તમારે બહાર આવી જવું હોય તો, બન્ને હાથના અંગૂઠા ઊંચા કરીને થમ્સ અપનો ઈશારો કરજો. તમને તરત જ બહાર કાઢી લેવાશે. જો ચૂક્યા તો તમારી જાનને મોટું જોખમ થશે.’ આ સુચનાનું પાલન તો અમુક ઢીલાપોચા મનની બહેનોએ તરત જ કર્યું. જેવી પાણીમાં અંદર ગઈ કે, એક મિનિટમાં તો બહાર પણ આવી ગઈ! અમે બન્ને તો વારંવાર એકબીજાને હિંમત આપતાં હતાં. મારું તો મનમાં સતત રટણ ચાલુ જ હતું, ‘મને બીક નથી લાગતી. એમાં શું બીવાનું?’ મારી હિંમત જ મને કામ આવવાની હતી બાકી તો, ‘જો ડર ગયા સમજો મર ગયા’ તે મને ખબર હતી.

મારા પહેલાં પલ્લવીબહેનનો વારો આવ્યો. એ તો ખુશ થતાં થતાં સીડી પર ઊભા રહ્યાં. પેલા છોકરાએ એમને ટોપો પહેરાવ્યો અને તરત જ ટોપા પર ધક્કો મારી દીધો. મારી નજર સામે પલ્લવીબહેન તો પાણીમાં ગુલ! હું તો વિચારવા પણ માંડી કે, પલ્લવીબહેન તો મસ્ત મજાનાં મૂન–વૉક જેવું સી–વૉક કરતાં હશે ને જાતજાતની માછલીઓ સાથે ગેલ કરતાં હશે. કદાચ વાતે પણ લાગી જાય! જીવનના સૌથી રોમાંચક અનુભવને મનમાં સંઘરીને આવશે ને મને નિરાંતે બધી વાત કરશે. મનોમન અહીં આવવા બદલ ખૂબ ખુશ પણ થતાં હશે. બીજી વાર નીતિનભાઈને લઈને અહીં આવવાનું પણ નક્કી કરી લે કદાચ! હાય! મેરા નંબર કબ આયેગા? હજી મારી વિચારહોડી આગળ ચાલે તે પહેલાં તો મેં પલ્લવીબહેનને સીડી પર ઊભેલાં જોયાં! અરે! આવી પણ ગયાં? કેમ? નહીં ગમ્યું? જેવું ધારેલું તેવું કંઈ નહીં નીકળ્યું? પૈસા પડી ગયા એવું લાગ્યું? શું થયું હશે?

પણ, એમના મોં પરનો ગભરાટ જોતાં તો એવું લાગતું હતું, જાણે મગરના જડબામાંથી જેમતમ છૂટ્યાં! કોઈ દરિયાઈ રાક્ષસ જોયો હોય તેવા ભયના ટોપા નીચે, હેમખેમ બચી ગયાની રાહતવાળા મિશ્ર ભાવ એમના ચહેરા પર આવ–જા કરતા હતા. એક ક્ષણ તો મને થયું, ‘હત્તેરીની! બારસો બાથ(થાઈ કરન્સી) ગયા પાણીમાં! એવાં તે શું ડરી ગયાં કે, પાંચ મિનિટ પણ પાણીમાં રહેવાયું નહીં? એ તો બે મિનિટ જરા ડર લાગે પણ પછી કેટલું સરસ બધું જોવા મળતે કે નહીં? ચાલો જવા દો. પાછાં આવ્યાં એ જ બહુ છે નહીં તો હું એમનાં ઘરનાં સૌને શું મોં બતાવત?’ પલ્લવીબહેને તો આવીને મારી આગળ ખરખરો કર્યો, ‘મારા કાનમાં તો જાણે દરિયાનો ઘુઘવાટ થતો હોય ને એટલા મોટા અવાજો આવવા માઈન્ડા ને મને થીયું કે, મારા કાન ફાટી જવાના કે હું?(પછી નીતિનભાઈ બોલહે તે મને કેવી રીતે હંભરાહે?) ઉં તો નીકરી આવી ભાઈ. છો પૈહા ગીયા તો ગીયા. આપણે બચી ગીયાં તે ઓછું છે?’ વાત તો સાચી. મારાથી પલ્લવીબહેનની બહેરાશ પર વધારે વિચારાયું નહીં. મારો વારો આવી ગયો હતો.

હવે મારી હિંમતમાં પલ્લવીબહેનના અનુભવે ગાબડું પાડી દીધું હતું, તોય પૈસા ન પડી જાય ને મેદાન છોડીને ભાગનાર–કાયર તરીકે બદનામ ન થાઉં એટલે મેં સીડી તરફ પ્રયાણ કર્યું. મનમાં તો રટણ ચાલુ જ કે, ‘મને બીક નથી લાગતી ને હું તો આરામથી અડધો કલાક દરિયામાં ફરી આવીશ.’ મન સ્વસ્થ થવાનો જોરદાર પ્રયત્ન કરતું હતું ને હૃદયના ધબકારા અજાણપણે વધવા માંડ્યા હતા. સીડીના બે–ત્રણ પગથિયાં ઊતરી કે મારે માથે ટોપો પહેરાવાયો.

હજી તો હું હેલ્મેટને આવકારી શકું ને એને સમજી શકું તે પહેલાં તો, મારા માથા પર ધમ્મ કરતો ધડાકો થયો!  બાપ રે! એક તરફ પાણીમાં જવાની બીક ને બીજી તરફ માથા પર પહાડ તૂટ્યો કે શું? મનમાં વાતની ગડ બેસે તે પહેલાં તો હું પાણીમાં અધ્ધર! મારા હાથે ક્યારે સીડીનો સહારો છોડી દીધો ને ક્યારે હું પાણીમાં ઊંડે ને ઊંડે ઊતરતી ગઈ તે સમજું તે પહેલાં તો, મારી આંખો ચકળવકળ ફરવા માંડી ને મનમાં ડરનું સામ્રાજ્ય છવાઈ ગયું. કોઈનો સહારો નહીં ને કોઈ આધાર નહીં! મારું શરીર મારા તાબામાં નહોતું. સીધી થઈ શકું તો ચાલી શકું ને? આજુબાજુ ને ઉપરનીચે સઘળે જ પાણી–પાણી ને તેમાં દેખાતી બે–ત્રણ ઝાંખી માનવ આકૃતિઓ. આ લોકો કોણ હશે? મારી જેમ જ ડૂબીને મરવાવાળા કે કોઈ બચાવવાવાળા છે?  એ તો ગભરાટમાં પણ સારું થયું કે, પેલું થમ્સ અપ સમયસર યાદ આવ્યું. મેં તો બન્ને હાથ ઊંચા કરીને, બન્ને અંગૂઠાને ઊંચા કરીને બચાવો બચાવોના ઈશારા ચાલુ કરી દીધા.

અરે! કોઈ જોતું કેમ નથી? ‘ઓ ભાઈ...ઓ દીકરા.....આ બાજુ જો. મને બચાવી લે ભઈલા...મારે કંઈ નથી જોવું.... તું મને ખાલી અહીંથી બહાર કાઢી લે...અરે...કોઈ આ બાજુ પણ જુઓ..પ્લીઝ.... ઓ ભાઈ.....ઓ.....કોઈ બચાવો....ઓ....ગઈ....ઓ ગઈ....’ આંખમાથી આંસુ નીકળ્યાં હશે તો પણ હેલ્મેટમાં કે દરિયામાં સમાઈ ગયાં હશે. બસ, હવે મારો જળસમાધિ લેવાનો સમય આવી ગયો. અહીં તો કોઈ જોતું પણ નથી. હવે નહીં બચું. આવજો પલ્લવીબહેન, મને માફ કરજો. બાકીનો પ્રવાસ તમારે એકલાંએ જ કરવો પડશે. એ આવજો..આવજો...(ન તો એ સમયે મને ઘરનાં કોઈની યાદ આવી કે ન તો કોઈની માફી માંગવાનું યાદ આવ્યું. મારી અંતિમ ઘડીઓ ગણાવા માંડેલી તો પણ! હું જીવનના કે મોતના કયા તબક્કામાં પ્રવેશી ગઈ હતી? કોણ જાણે. સામાન્ય સંજોગોમાં તો ડરના માર્યાં આંખો બંધ થઈ જાય પણ અહીં તો જો આંખ બંધ કરી તો પછી મારા બચવાની કોઈ ઉમ્મીદ જ નહીં રહે. મેં ફાટેલી આંખે આમતેમ જોયે રાખ્યું.

મારી બધી હોશયારી, બધી હિંમત ને બધી તૈયારી આખરે પાણીમાં ગઈ! જાણીજોઈને કે પછી ખરેખર, પણ થોડી વાર મને એમ તરફડતી રાખીને આખરે મને પાણીની બહાર કોઈ ભલા દીકરાએ ખેંચી કાઢી. ભલું થાય એનું. એક નિરાધાર વૃધ્ધાને મરતી બચાવીને એની જિંદગીના છેલ્લા દિવસો એણે તો સુધારી કાઢ્યા. હવે હું કોઈ દિવસ દરિયાકિનારે પણ નહીં જાઉં ને નદીકિનારે પણ નહીં. ટીવી પર કે ફોટામાં દરિયો જોઈને ખુશ થઈશ. જોકે, હવે તો દરિયો જોઈને ખુશ થવાનું બાજુ પર પણ મને તો આ જ દિવસ યાદ આવવાનો છે–જિંદગીભર!

બહાર નીકળતાં જ માથા પરથી પેલો મણનો ટોપો કાઢી લેવાયો ને હું હોડીમાં ધોયેલી મૂળી જેવી પાછી ફરી. ગભરાટને જેમતેમ કાબૂમાં કરતી ને ઊંડા શ્વાસ લેતી લેતી હું પલ્લવીબહેન પાસે જઈને બેસી ગઈ. અમે બન્નેએ એકબીજા આગળ રોદણાં રડી લીધાં ને પૈસા પડી ગયા તેને ભૂલીને જીવ બચ્યાના સંતોષ સાથે આગલા કાર્યક્રમમાં જોડાવાની કોશિશ કરવા માંડી. મન પરથી આ બિહામણી યાદો જેટલી વહેલી ભૂંસાય એટલી સારી. અમે બન્નેએ નક્કી કર્યું કે કોઈ વાર પૂરી જાણકારી ને પૂરતી તૈયારી વગર આવું કોઈ દુ:સાહસ કરવું નહીં. અમે સૌ બીજી હોડીમાં બેસી કિનારે પહોંચ્યાં, જ્યાં બાકીની સમજુ સ્ત્રીઓ આરામ ફરમાવતી હતી, ગપ્પાં મારતી હતી અને ફાકા મારતી હતી. ભૂખ તો અમને પણ લાગી હતી.